Tuesday, June 26, 2012

નરેન્દ્ર મોદીએ વાજપેયીની જેમ સેક્યુલર દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ

-આનંદ શુક્લ

નરેન્દ્ર મોદીએ સેક્યુલર બનવાની અને દેખાવાની કોશિશ છોડી દેવી જોઈએ. તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીની વાજપેયી જેવા સેક્યુલર દેખાવની કોશિશો પર ફરી વળેલા પાણી બાદ નરેન્દ્ર મોદીએ બોધપાઠ લેવો જોઈએ. ભારતમાં સેક્યુલર હોવું એટલે લઘુમતી તરફી અને ખાસ કરીને મુસ્લિમ તરફી વલણ અપનાવું તેવો અર્થ થાય છે. ભારતમાં જેટલાં પણ પક્ષો અને નેતાઓ મુસ્લિમ તરફી ઝોક ધરાવે છે, તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે. ભારતમાં રાજધર્મ હંમેશા પંથનિરપેક્ષ એટલે કે સેક્યુલર રહ્યો છે. ભારતીય મૂળના રાજા-મહારાજા અને શહેનશાહોએ રાજધર્મ નિભાવતી વખતે ક્યારેય પંથનિરપેક્ષતાને છોડી નથી.

સમદ્રષ્ટિ અને સમાન વ્યવહાર સેક્યુલારિઝમ એટલે કે પંથનિરપેક્ષતાની પહેલી શરત છે. હાલનો પોતાને સેક્યુલર ગણાવતો એકપણ રાજકીય પક્ષ અથવા રાજકીય નેતા આવી કોઈ શરતને પુરી કરતો નથી. તેમની આંખોની સામે માત્ર 20 કરોડ મતોની મુસ્લિમ વોટબેંક નજરે પડે છે. તેમને મુસ્લિમોની લાગણીઓને ઉશ્કેરીને તેમની વોટબેંક પર કબજો જમાવવો છે. કોંગ્રેસ બાદ યૂપીમાં મુલાયમ સિંહ યાદવ અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સફળ થયા છે. બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના નેતા નીતીશ કુમાર પણ આ જ શ્રેણીમાં આવતા તથાકથિત સેક્યુલર નેતા છે. તેમના મતે એનડીએ તરફથી ભારતના વડાપ્રધાન પદના ઉમેદવાર કોઈ ધર્મનિરપેક્ષ વ્યક્તિ હોવા જોઈએ. પરંતુ સવાલ એ છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ થવા માટે મુસ્લિમ તરફી તથાકથિત સેક્યુલર નેતાઓમાં નેતાઓએ અને રાજકીય પક્ષોએ માન્યતા પ્રાપ્ત કરવી પડે છે. એટલે કે ભાજપે અને નરેન્દ્ર મોદીએ પોતે ધર્મનિરપેક્ષ હોવાનું પ્રમાણપત્ર નીતીશ કુમાર, નવીન પટનાયક, ચંદ્રાબાબુ નાયડુ, મુલાયમ સિંહ યાદવ સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓ પાસેથી લેવું પડશે.

નીતીશ કુમાર વાજપેયીના ઉદારવાદી સેક્યુલારિઝમને યાદ કરે છે. વાજપેયી નીતીશ કુમારને આજે પણ સેક્યુલર લાગી રહ્યા છે. પરંતુ રામજન્મભૂમિ આંદોલનના કર્ણધાર રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમને ક્યારેય સેક્યુલર લાગવાના નથી. મોરારજી દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ પ્રધાન તરીકે લાલકૃષ્ણ અડવાણી આખા ભારતમાં એવા પહેલા નેતા હતા કે જેમણે માઈનોરિટી કમિશનનું પ્રાઈવેટ બિલ સૌથી પહેલા રજૂ કર્યું હતું. ખુદ મોરારજી દેસાઈએ લાલકૃષ્ણ અડવાણીના આ પગલાં સામે અણગમો વ્યક્ત કરીને તત્કાલિન સરસંઘચાલક બાલાસાહેબ દેવરસને સમગ્ર મામલાની જાણકારી આપી હતી. અડવાણીએ પાકિસ્તાન યાત્રા પર જઈને મુસ્લિમ લીગના ભાગલાવાદી નેતા મહંમદ અલી ઝીણાને સેક્યુલર ગણાવ્યા હતા. મહંમદ અલી ઝીણાને પાકિસ્તાનના સર્જક ગણવામાં આવે છે. અડવાણી આટલેથી અટક્યા નહીં. તેમણે પાકિસ્તાનમાં ઝીણાની કબર પર માથું પણ ટેકવ્યું અને મિનારે પાકિસ્તાનની મુલાકાત પણ લીધી. મિનારે પાકિસ્તાન હિંદુસ્તાનથી અલગ પાકિસ્તાનનું પ્રતીક છે અને કોંગ્રેસના પાકિસ્તાનની મુલાકાતે ગયેલા કોઈપણ નેતાએ અડવાણી પહેલા ક્યારેય આ સ્થળની મુલાકાત લીધી નથી.

અડવાણીએ પાકિસ્તાનની ધરતી પર કહ્યુ કે 6 ડિસેમ્બર, 1992નો બાબરી ધ્વંસનો દિવસ તેમની જીંદગીનો સૌથી દુખદ દિવસ છે. ઉલ્લેખનીય છે કે અડવાણી મૂળ કરાચીના છે અને ભાગલા વખતે તેમના પરિવારને પણ પાકિસ્તાનથી ઉચાળા ભરવા પડયા હતા. પરંતુ અડવાણીને ભાગલા વખતે તેમના પરિવારના ભારતમાં આવવાનો દિવસ જીંદગીનો સૌથી દુખદ દિવસ લાગ્યો નહીં. ઝીણાને સેક્યુલર કહેવા માટે અડવાણીને ભાજપના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડયું. પરંતુ તેમ છતા અડવાણીને સેક્યુલર કે ઉદારવાદી ગણવામાં આવશે નહીં, કારણ કે અડવાણીએ રામજન્મભૂમિ આંદોલન વખતે રામરથયાત્રા કાઢી હતી. હિંદુ તરફી એક કામ કર્યું, એની અડવાણીને મોટી કિંમત ચૂકવવી પડી છે. કદાચ અડવાણીને તેનો વસવસો પણ રહેશે. રામરથયાત્રા વખતે અડવાણી સંઘની પણ વડાપ્રધાન તરીકે પહેલી પસંદ હતા અને વાજપેયી કરતા લોકપ્રિયતામાં પણ આગળ હતા. તેમ છતાં સેક્યુલર દેખાવાના રાજકારણમાં વાજપેયીના નામે ગઠબંધન થઈ શક્યું અને અડવાણી વડાપ્રધાન થઈ શક્યા નહીં.

હિંદુત્વવાદી ગણતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક અને ભારતીય જનસંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી શરૂઆતથી જ જવાહરલાલ નહેરુના પગલે ચાલનારા વ્યક્તિ તરીકે પંકાયેલા હતા. ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં વિલીન કરીને હિંદુત્વવાદી રાજનીતિને ધરાશાયી કરવાના કામમાં વાજપેયીનો સિંહફાળો હતો. વાજપેયીએ મોરારજી દેસાઈની સરકારમાં વિદેશ મંત્રી તરીકે પદભાર સંભાળીને પ્યારા પાકિસ્તાનની યાત્રા કરી હતી. 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સાથેની બંધ થયેલી સરહદો વાજપેયીના પ્રયત્નોથી ફરીથી ખુલી હતી. વાજપેયી શરૂઆતથી જ પાકિસ્તાન સાથે ખૂબ જ નરમાશભર્યું વલણ ધરાવતા હતા. રામજન્મભૂમિ આંદોલનમાં વાજપેયીએ કોઈપણ ઠેકાણે ભાગ લીધો ન હતો. 6 ડિસેમ્બર, 1992ના રોજ તેઓ અયોધ્યામાં ન હતા. બાબરી ધ્વંસને દુખદ ગણાવનારા સૌથી પહેલા ભાજપાઈ નેતા અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીને કરિશ્માઈ નેતૃત્વવાળા ગણવામાં આવે છે. પરંતુ 1980માં ભાજપની સ્થાપના બાદ તેમના નેતૃત્વમાં 1984માં ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. વાજપેયીએ ભાજપને હિંદુત્વના સ્થાને ગાંધિયન સોશ્યલિઝમના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. એનડીએની રચના વખતે વાજપેયીએ રામમંદિર નિર્માણ, કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરવી અને સમાન નાગરિક ધારાને લાગુ કરવા જેવા હિંદુત્વવાદી ગણાતા ભાજપના મુખ્ય મુદ્દાઓને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી દૂર રાખવાની સહમતી આપી.

વાજપેયી વડાપ્રધાન રહ્યા ત્યાં સુધી દર વર્ષે અજમેર ખાતે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર ચઢાવતા હતા. પરંતુ તેમના સંસદીય મતવિસ્તાર લખનૌથી માત્ર 60 કિલોમીટર દૂર અયોધ્યા ખાતે ક્યારેય રામલલ્લાના દર્શન કરવા માટે ગયા નથી. વાજપેયીનું સેક્યુલારિઝમ અને ઉદારવાદ અહીં અટકતો નથી. પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફને અમનનો સંદેશ આપીને લાહોર બસયાત્રા લઈ ગયા. ત્યારે પાકિસ્તાની લશ્કરે કારગીલમાં ઘૂસણખોરી કરી. પરંતુ ભારતીય જવાનોના ભોગે વાજપેયી લાર્જસ્કેલ વોરના સ્થાને સીમિત યુદ્ધ લડયા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી નહીં. તેમણે નવાઝ શરીફને હટાવીને પાકિસ્તાનના તાનાશાહ બની બેઠેલા જનરલ પરવેઝ મુશર્રફને ગોષ્ઠિ માટે આગ્રા ખાતે આમંત્ર્યા. પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ મુશર્રફને સૌથી પહેલી માન્યતા પણ વાજપેયી સરકારે ભારત આમંત્રીને આપી હતી. પાકિસ્તાન સાથે પીસ પ્રોસેસના નામે એક નાટક ચલાવવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન પ્રેરિત અને પ્રાયોજિત આતંકવાદે ભારતમાં હુમલા કર્યા અને આપણે વેપારની વાત કરતા રહ્યા. પાકિસ્તાની આતંકવાદીઓએ 13 ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો કર્યો. જેના કારણે વાજપેયીએ આરપારની લડાઈની વાત કરીને ભારતીય લશ્કરને પાકિસ્તાની સરહદે તહેનાત કર્યું. પણ લશ્કર દોઢ-બે માસ સરહદની ધૂળ ખાતું રહ્યું અને વાજપેયી મનાલી રજાઓ ગાળવા જતા રહ્યા.

2002માં ગુજરાતના કોમી રમખાણો વખતે અમદાવાદના શાહઆલમ ખાતેના રાહતકેમ્પની મુલાકાત લીધી, પરંતુ 58 કારસેવકોની હત્યાના સાક્ષી સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચની મુલાકાત લેવાનું વાજપેયી પોતાની ઉદારવાદી છબી જાળવી રાખવા માટે સિફતપૂર્વક ટાળી ગયા. તેમણે કારસેવકોના સળગાવી નાખનારા કોમીતત્વો સંદર્ભે કોઈ વાત કરી નહીં, પરંતુ મોદીને રાજધર્મ નિભાવવાની સલાહ અમદાવાદ એરપોર્ટ ખાતેની પત્રકાર પરિષદમાં જરૂરથી આપી. વાજપેયી ગુજરાત રમખાણોને કારણે કલંકિત બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ઈચ્છા પાછળ પણ તેમના પરનું તથાકથિત સેક્યુલર નેતાઓનું દબાણ અને પોતાની સેક્યુલર છબીને અકબંધ રાખવાની મનસા હતી. ભારતમાં ગુજરાત રમખાણોથી પણ ભયંકર હુલ્લડો થયા છે. પરંતુ આ હુલ્લડો બદલ બાબરી ધ્વંસના અપવાદને બાદ કરતાં એકપણ ઠેકાણે સરકાર દૂર કરવામાં આવી નથી અથવા મુખ્યમંત્રીને દૂર કરાયા નથી. પરંતુ નરેન્દ્ર મોદીની તથાકથિત મીડિયામાં ઉછાળવામાં આવેલી હિંદુવાદી છબીને કારણે તેમને વાજપેયીએ પદ પરથી હટાવવાની તૈયારીઓ દિવંગત પ્રમોદ મહાજનની રાહબરીમાં તૈયાર કરી હતી.

વાજપેયીએ લખનૌ ખાતે શિયા-સુન્નીના વિશાળ સંમેલનની આગેવાની કરી હતી. વાજપેયી દેશના પહેલા એવા વ્યક્તિ હતા કે જેમણે યૂપીમાં ચાલતા શિયા-સુન્નીના ઝઘડાંનો અંત લાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે સત્તા પર આવીને લીલા પાઘડા અને મુસ્લિમ ટોપીઓ પહેરીને અઢી કરોડ ઉર્દૂ શિક્ષકોની ભરતીના વચનો આપ્યા અને હજયાત્રામાં સુવિધાઓ વધરાવા તથા ક્વોટા વધારવાના વચનો પણ આપ્યા. પાકિસ્તાનીઓને ભારતમાં આવવા માટે સરળતાથી વીઝા આપવાની શરૂઆત પણ વાજપેયી સરકારે કરી હતી. જો કે સંઘપરિવારમાં વાજપેયીના ઉદારવાદી ચહેરા સાથે સહમત થનારા ઘણાં લોકો છે. તેમના મતે વાજપેયી મહાન ન હતા, પણ તેમને મહાન બનાવી દેવાયા છે.

વળી વાજપેયીનો ઉદારવાદી, સેક્યુલર અને વિકાસપુરુષનો ચહેરો સર્વસ્વીકૃત હતો તો 2004ની લોકસભાની ચૂંટણીમાં ફીલગુડ, ઈન્ડિયા શાઈનિંગ અને અટલના ચૂંટણી પ્રચારને દેશની જનતાએ શા માટે ફગાવી દીધો? વાજપેયીએ પોતાના જીવનમાં અડવાણીની જેમ આગળ રહીને હિંદુતરફી એકપણ કામમાં નેતૃત્વ કર્યું નથી. માટે ઝીણાને સેક્યુલર કહેનારા અડવાણી કરતા વાજપેયી વધારે ઉદારવાદી અને સેક્યુલર છે.

ભાજપને કોંગ્રેસ થવાની અને તેના નેતાઓને વાજપેયી થવાની ચળ ઉપડી છે. ભાજપને 2009ની ચૂંટણીમાં માત્ર 7 ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. તેમ છતાં ભાજપ પોતાને મુસ્લિમોનું સમર્થન કૂદકેને ભૂસકે વધી રહ્યું હોવાનો દાવો કરે છે. ઉલ્લેખનીય છે કે આઝાદી વખતે ઝીણા કોંગ્રેસને હિંદુઓનો પક્ષ કહેતા હતા અને કોંગ્રેસ પોતાને મુસ્લિમોનું પણ સમર્થન હોવાની વાત કરતી હતી. જો કે દેશના 95 ટકાથી વધારે મુસ્લિમો મુસ્લિમ લીગને ટેકો આપતા હોવાની વાત 1946ની સામાન્ય ચૂંટણીઓના પરિણામોથી સાબિત થઈ ચુકી છે. આઝાદ ભારતમાં કોંગ્રેસ મુસ્લિમ લીગની જેમ અને ભાજપ કોંગ્રેસની જેમ વર્તી રહ્યો છે. તેવા સંજોગોમાં હિંદુઓ રાજકીય રીતે અનાથપણાનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં હવે મુસ્લિમોનો સંસાધનો પર પહેલો અધિકાર આપવાની વાત ખુદ વડાપ્રધાન મનમોહન સિંહ કરી રહ્યા છે. તમામ પક્ષો મુસ્લિમ અનામત માટે બંધારણ બદલવા સુધીના પ્રયત્નો કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો કોંગ્રેસ બની ગયેલા ભાજપના નેતાઓ પોતાને વાજપેયી સાબિત કરવા ઈચ્છી રહ્યા છે, કારણ કે તેમને દેશના વડાપ્રધાન બનવાનું આંકડે મધ દેખાઈ રહ્યું છે.

અડવાણીએ વાજપેયી જેવી સેક્યુલર ઈમેજ ચમકાવીને 2009ની ચૂંટણીમાં એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થવા માટે ઝીણાને સેક્યુલર ગણવાની રાજનીતિ શરૂ કરી. જેના પરિણામે તેમણે પોતાની માસ અપીલ ગુમાવી દીધી. હવે ગુજરાતામાં વિકાસપુરુષ સાબિત થયેલા અને હિંદુત્વના પોસ્ટરબોય તરીકે ખ્યાતિપ્રાપ્ત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પોતાની હિંદુત્વાદી છબી ધોઈને વાજપેયી બનાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ હિંદુત્વવાદીની જગ્યાએ સફળ પ્રશાસક અને વિકાસપુરુષની છબી આગળ કરી રહ્યા છે. મુસ્લિમો તેમને મત આપી રહ્યા હોવાની વાત કરી રહ્યા છે. મુસ્લિમો માટે સદભાવના મિશનના 36 ઉપવાસો પણ મોદી કરી ચુક્યા છે. છતાં મોદીને નીતીશ કુમાર સેક્યુલર ગણવા માટે તૈયાર નથી. નીતીશ કુમાર મોદીને પોતાની સ્થાનિક રાજકીય જમીન વધારે ફળદ્રુપ બનાવવા માટે ભૂતકાળની જેમ પ્રવર્તમાન સમયમાં નિશાન બનાવી રહ્યા છે. ત્યારે મોદીએ પણ પોતાની રાજકીય જમીન છોડવી જોઈએ નહીં. મોદીની માસ અપીલ હિંદુત્વવાદી નેતા તરીકેની છે. દેશમાં આજે પણ તેમને હિંદુત્વવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે. વાજપેયી જેવા બનવામાં મોદીની રાજકીય જમીન ધોવાશે. તેથી વાજપેયીએ રાજધર્મ નિભાવનારા હિંદુત્વવાદી નેતા તરીકેની ઈમેજથી જ રાષ્ટ્રીય રાજકારણમાં આગળ વધવુ જોઈએ. મોદીએ સેક્યુલર તરીકે ઓળખાવાની કોશિશો પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.


No comments:

Post a Comment