Thursday, June 14, 2012

રાષ્ટ્રપતિ પદનું અવમૂલ્યન કરતું દિલ્હીનું રાજકારણ


-આનંદ શુક્લ
રાષ્ટ્રપતિ પદ દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીઓ જાહેર થઈ છે, ત્યારે તેના ઉમેદવારોના નામ જાહેર કરવા સંદર્ભે દિલ્હીમાં ખેલાઈ રહેલું ગંદુ રાજકારણ આઘાતજનક છે. ભૂતકાળમાં એકાદ અપવાદને બાદ કરતા આવી ઘટના ક્યારેય બની નથી કે સર્વોચ્ચ બંધારણીય પદની ઉમેદવારીની ચર્ચા રાજકારણના મેદાનમાં ફૂટબોલ બની જાય. દેશમાં હાલ જે પણ કોઈ સંકટ છે, તે આર્થિક નહીં રાજકીય હોવાનું આ સમગ્ર ઘટનાક્રમ પરથી પ્રતિબિંબિત થઈ રહ્યું છે. યુપીએના ઘટકદળોના પ્રમુખો મમતા અને મુલાયમની રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાતની ઘટનામાં બળવાખોરીથી ગઠબંધનનું રાજકીય દેવાળિયાપણું બંધ બારણેથી શેરીઓમાં આવી ગયું છે. 

કેન્દ્રમાં સત્તામાં રહેલી યુપીએ ગઠબંધન સરકાર વડાપ્રધાન મનમોહન સિંહ અથવા યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી નહીં, પરંતુ ઘટકદળો ચલાવી રહ્યા છે. તાજેતરની ઘણી ઘટનાઓ દર્શાવે છે કે યુપીએ સરકાર પાસે ઘટકદળો મનનું ધાર્યું કરાવી રહ્યા છે. 121 કરોડ ભારતીયોનું આનાથી મોટું અપમાન ન થઈ શકે કે દરેક રાજકીય પક્ષ પોતપોતાની તાકાતનો સિક્કો હવામાં ઉછાળીને પરિસ્થિતિને વધુ દયાજનક બનાવી રહ્યા છે. સોનિયા ગાંધીએ મમતા બેનર્જી સાથેની મુલાકાતમાં કોંગ્રેસ તરફથી રાષ્ટ્રપતિ પદ માટે પહેલી પસંદ પ્રણવ મુખર્જી અને બીજી પસંદ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ગણાવ્યા છે. તો તેની સામે મમતા-મુલાયમે સહિયારો નિર્ણય લઈને ત્રણ નામો જાહેર કર્યા. જેમાં તેમણે પહેલી પસંદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ, બીજું નામ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને ત્રીજા સ્થાને ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીના નામો રજૂ કર્યા છે. જો કે કોંગ્રેસે મમતા પર મર્યાદાના ઉલ્લંઘનનો આરોપ લગાવીને મમતા-મુલાયમના નામ હાલ નામંજૂર કર્યા છે. પરંતુ કોંગ્રેસ મમતા-મુલાયમ વગર પોતાની પસંદના ઉમેદવારને રાષ્ટ્રપતિ બનાવી શકે તેમ નથી.

મમતા-મુલાયમે રજૂ કરેલા રાષ્ટ્રપતિ પદના ત્રણ ઉમેદવારોના નામમાં પ્રવર્તમાન વડાપ્રધાનનું નામ હોવું દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં એકદમ નીચલા દરજ્જાની  મજાક જેવું છે. આનો એક જ અર્થ થઈ શકે કે યુપીએના ઘટકદળો તૃણમૂલ કોંગ્રેસ અને તેને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીને વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહમાં વિશ્વાસ નથી. આ પરિસ્થિતિ દેશ માટે સૌથી વધારે ભયજનક છે. પ્રવર્તમાન નાણાંમંત્રી અને યુપીએ સરકારમાં નબંર ટુ ગણાતા પ્રણવ મુખર્જીની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીને મમતા-મુલાયમ દ્વારા નકારાયા બાદ તેમના તરફ પણ અવિશ્વાસનું  વાતાવરણ હોવાનું સ્પષ્ટ બન્યું છે. મનમોહન અને પ્રણવ સામેનો અવિશ્વાસ સીધો યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે છે. સોનિયા ગાંધીની નિર્ણય ક્ષમતા સામે પહેલીવાર યુપીએને ટેકો આપી રહેલા ઘટકદળોમાંથી અવિશ્વાસનો માહોલ બહાર આવ્યો છે.

પ્રતિભા દેવી પાટીલે ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ હવે કોઈપણ છાપ ઉભી કર્યા વગર રાયસીમા હિલ્સ ખાલી પણ કરશે. પરંતુ અત્યારે રાષ્ટ્રપતિ કોણ બનશે તે મુદ્દો નથી રહ્યો. હવે મુદ્દો એ રહી ગયો છે કે કોઈ ઉમેદવાર ગૌરવપૂર્ણ રીતે રાષ્ટ્રપતિ બનીને આત્મવિશ્વાસ સાથે પદભાર ગ્રહણ કરશે કે કેમ? રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું આટલું રાજનીતિકરણ થઈ જશે, તો તેમની હેસિયત તેમને મળેલા વોટથી નક્કી થશે. રાષ્ટ્રપતિ પદે બેસનારી વ્યક્તિનું આનાથી મોટું અવમૂલ્યન બીજું કોઈ ન હોઈ શકે. આવી પરિસ્થિતિમાં જ્યારે તેમને 2014ની લોકસભાની ચૂંટણી પછી ઉભી થનારી સંભવિત ત્રિશંકુ લોકસભાની સ્થિતિમાં બંધારણીય નિર્ણય કરવાનો વખત આવશે, ત્યારે પણ તેમની સામે રાજકીય આક્ષેપ થશે. આવી પરિસ્થિતિમાં તેમણે બંધારણીય જવાબદારીઓ તલવારની ધાર પર નિભાવવી પડશે.

મમતા-મુલાયમ ઈચ્છત તો તેઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવારોની ચર્ચા કરી શક્યા હોત. પરંતુ મમતાએ પહેલા સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષની પસંદગીના નામ પ્રેસ સામે જાહેર કર્યા અને બાદમાં મુલાયમ સાથે સંયુક્ત સંબોધન કરીને ત્રણ નામ જાહેર કર્યા. છેલ્લા કેટલાંક સમયમાં યુપીએ સરકાર મનમોહન અથવા સોનિયા ગાંધી નહીં, પરંતુ મમતા બેનર્જી ચલાવી રહ્યા છે. આ દેશના રેલવે મંત્રી મમતા બેનર્જી નક્કી કરે છે, દેશમાં રિટેલમાં એફડીઆઈ આવશે કે નહીં તે પણ મમતા નક્કી કરી રહ્યા છે. હવે તેઓ આ દેશના રાષ્ટ્રપતિ પણ નક્કી કરવા માંગે છે. બની શકે કે ભવિષ્યમાં તેઓ લોકસભામાં ઓછી બેઠકો છતાં દેશના વડાપ્રધાન નક્કી કરવાની સ્થિતમાં પણ આવી શકે.

યુપીએ ગઠબંધન સરકાર રાજકારણના દાદાઓ અને દીદીઓથી ચાલી રહી છે. જેના કારણે ઉભી થયેલીનેતૃત્વવિહીન સ્થિતિને કારણે એક મોટા આર્થિક સંકટ તરફ જઈ રહ્યો છે. દેશના આર્થિક સલાહકાર કહી રહ્યા છે કે ગઠબંધનથી ભ્રષ્ટાચાર અને અનિર્ણયની સ્થિતિ  વધી છે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દેશનું આર્થિક રેટિંગ ઘટાડવાની વાત પણ રેટિંગ એજન્સીઓ કરી રહી છે. ત્યારે આગામી સમયમાં આર્થિક સંકટ દરવાજે દેખાઈ રહ્યું છે. અત્યારની પરિસ્થિતિમાંથી નીકળવા માટે સરકારે અનિર્ણયની સ્થિતિમાંથી બહાર આવવું પડશે.

જો કે વડાપ્રધાન મનમોહન સિંહ દર વખતની જેમ આ વખતે પણ સમગ્ર ઘટનાક્રમ પર કોઈ પ્રતિક્રિયા આપશે નહીં. પરંતુ પ્રણવ મુખર્જીની આ મામલે પ્રતિક્રિયા ઘણી મહત્વની સાબિત થવાની છે, કારણ કે મમતા-મુલાયમે તેમની રાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવારીનો પણ છેદ ઉડાડયો છે. કોંગ્રેસે મમતા-મુલાયમના રાષ્ટ્રપતિ પદના  ઉમેદવારોને નામંજૂર કર્યા છે. તેમણે મમતા બેનર્જી સાથે વાતચીત નહીં કરવાનું મન બનાવી લીધું છે. જો કે મુલાયમ સિંહને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ યુપીએ સરકારે હવે મમતાગીરી સામે પગલા લેવાનો સમય પાકી ગયો છે. પરંતુ હજી કોંગ્રેસને મમતા બેનર્જી સામે કડક વલણ અપનાવતા પહેલા પોતાના રાજકીય સમીકરણો વ્યવસ્થિત કરવાની  દરકાર રહેશે. 

No comments:

Post a Comment