Saturday, June 23, 2012

હિંદુત્વ: સાવરકર, સંઘ અને મોદી

-આનંદ શુક્લ

હિંદુત્વ ફરીથી ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે નીતીશ કુમારને જવાબ આપતા કહ્યુ છે કે ભારતના વડાપ્રધાન હિંદુત્વવાદી નેતા કેમ બની શકે નહીં? નીતીશ કુમારે ઈકોનોમિક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યુ હતુ કે એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર ધર્મનિરપેક્ષ છબી ધરાવતા હોવા જોઈએ. નીતીશ કુમારનો સ્પષ્ટ ઈશારો તેમના રાજકીય પ્રતિસ્પર્ધી નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની મહત્વકાંક્ષામાં અડચણ ઉભી કરવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીની લોકછબી હિંદુત્વવાદી છે. 2002ના ગુજરાત રમખાણોને કારણે તેમની છબીને કોમવાદી પણ ગણવામાં આવી છે. અવાર-નવાર ભાજપની અંદરના અને બહારના રાજકીય નેતાઓ દ્વારા મોદીની કોમવાદી છબીને ઉછાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. મોદીને ગુજરાત સુધી સીમિત રાખવામાં 2002ના રમખાણોના કલંકિત પૃષ્ઠોનો ઉપયોગ કરવામાં આવે છે. મોદીને મુસ્લિમ વિરોધી હિંદુત્વવાદી નેતા તરીકે પ્રચારીત કરવામાં આવે છે.

પરંતુ જ્યાં સુધી હિંદુત્વનો સવાલ છે, તે કોઈની પ્રતિક્રિયામાં ઉભી થયેલી વિચારધારા નથી. સનાતન સંસ્કૃતિના ગર્ભમાંથી દેશની ઓળખ અને અસ્તિત્વ માટે ઉભી થયેલી વિચારધારા હિંદુત્વ છે. હિંદુત્વ કોઈ ઉપાસના પદ્ધતિ અથવા પંથની ઓળખ સુધી સીમિત નથી. તેમાં ભારતની બહુમતી હિંદુ પ્રજાના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક જેવાં તમામ પાસાંઓનો સમાવેશ કરતા ભાવ અને લાગણીઓનું નામ હિંદુત્વ છે. હિંદુત્વની વિચારધારાનું ઉદ્ગમસ્થાન વેદ, વેદાંત, રામાયણ, મહાભારત, ભગવદ ગીતા, ઉપનિષદો અને પુરાણ છે. શિવ, રામ, કૃષ્ણ તેના આદ્યદેવો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્ત, પૃથ્વીરાજ ચૌહાણ, રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ,મહારાજા રણજીતસિંહ, મહારાષ્ટ્રની પેશ્વાઈ તમામ હિંદુત્વની અવિરત વિચારધારામાં આવેલા ઘાટ છે.

હિંદુત્વની વિચારધારાને સૌથી પહેલી આધુનિક ઓળખ વિનાયક દામોદર સાવરકરે 1923માં આપી. વીર સાવરકર તરીકે ઓળખાતા વી. ડી. સાવરકરે પોતાના જેલમાંથી લખાયેલા હિંદુત્વ નામના પુસ્તકમાં હિંદુની વ્યાખ્યા સ્પષ્ટ કરીને હિંદુત્વની વિચારધારા લોકો સામે મૂકી. હિંદુ નામ ભારતીયોને 8મી સદીની આસપાસ મળ્યું. ઈરાની અને અરબી લોકોએ સિંધુ પાર રહેતા લોકોને શબ્દ ઉચ્ચારણની મર્યાદાને કારણે આપણને હિંદુ તરીકે ઓળખ્યા. મોટાભાગે નામ પારકા પાડતા હોય છે. પરંતુ આ નામ આપણી ઓળખ બની જાય છે. હિંદુ શબ્દોના કેટલીક ઉર્દૂ ડિક્શનેરીમાં ઉતરતા અર્થો કરવામાં આવ્યા છે. તેમ છતા આપણે ભારતના સનાતન ધર્મીઓએ હિંદુ શબ્દને આપણી ઓળખ અને અસ્તિત્વ માટે ગૌરવથી માથે ઓઢી રાખ્યો છે. વીર સાવરકરની હિંદુની વ્યાખ્યા પ્રમાણે, ભારતને પિતૃભૂમિ અને પુણ્યભૂમિ માનનારા તમામ લોકો હિંદુ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્યસંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર સાવરકરની હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યા સાથે સંપૂર્ણપણે સહમત હતા. 1923માં હિંદુત્વ પુસ્તકની નકલ જેલમાંથી બહાર આવી, ત્યારે તેને હેડગેવારે લોકોમાં ગુપ્તરાહે પ્રચારીત પણ કરી હતી. જો કે 1925થી સંઘની યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં હિંદુ અને હિંદુત્વની વ્યાખ્યામાં ઘણી નરમાશ આવી ગઈ છે. સાવરકર જેવી ધારદાર વાત હવે આરએસએસની વ્યાખ્યાઓમાં નથી. આરએસએસના સરસંઘચાલક પદે આસિન થયા બાદ મોહન ભાગવતે ખુદ કહ્યુ છે કે જે લોકો પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને જેને આપણે હિંદુ તરીકે ઓળખીએ છીએ તે તમામ હિંદુ છે. હિંદુની વ્યાખ્યાનું સરળીકરણ થયું. હિંદુમાં ભારતીય મૂળના ન હોય તેવા ધર્મના અનુયાયીઓને પણ હિંદુ માનવા માટેના તર્કો દાખલ કરવામાં આવ્યા. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા સાવરકરની મૂળ હિંદુત્વની વિચારધારા કરતા ઘણી નરમ બની ગઈ છે.

સંઘને નખશિખ હિંદુત્વવાદી ગણવામાં આવે છે. પરંતુ જે હિંદુત્વના વિચારની ધારાની ઓળખ સાવરકરે કરી હતી તેનાથી તે હવે યોજનો દૂર પહોંચી ગઈ છે. સંઘ દ્વારા રાષ્ટ્રવાદી મુસ્લિમ મંચ પણ બનાવવામાં આવ્યો છે. મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પોતાની સાથે હોવાની વાત પણ હિંદુત્વની વિચારધારાના ઝંડાધારીઓ અવાર-નવાર કરતા રહે છે. સેક્યુલર વિચારધારાના આક્રમણોમાં સંઘનું હિંદુત્વ કોકટેલ બની ગયું છે. તેના પર સેક્યુલર પ્રભાવ સ્પષ્ટ જોવામાં આવે છે. સંઘના કેટલાંક વિચારકોના મતે, ભારતમાં રહેનારા દરેક લોકો હિંદુ છે, જેમાં મુસ્લિમ અને ખ્રિસ્તી પંથના લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે સંઘની હિંદુત્વની વિચારધારા પ્રમાણે, એવું લાગ્યા વગર રહે નહીં કે તેઓ કેટલાંક પ્રચલિત શબ્દોના સ્થાને હિંદુ શબ્દનો ઉપયોગ માત્ર કરવા માંગે છે. આમ હિંદુત્વનો મૂળ સાવરકર દ્વારા ઓળખ પામેલો વિચાર સંઘના વિચારકોએ તબક્કાવાર નરમ કરી દીધો છે. કેટલાંક સંઘ વિચારકોના મતે સાવરકર પ્રવર્તમાન ભારતમાં પ્રસ્તુત નથી. તેમને સાવરકરના નામ અને વિચારોની એલર્જી પણ છે.

જ્યારે હિંદુત્વના વિચારોને વિચારધારાત્મક સંગઠનોની બહાર રહેલા લોકો એક સંકુચિત ધાર્મિક વિચાર માત્ર ગણે છે. હિંદુત્વવાદી એટલે કટ્ટર ધાર્મિક, મુસ્લિમ-ખ્રિસ્તી વિરોધી, કોમવાદી, હુલ્લડખોર. દેશમાં રામજન્મભૂમિ આંદોલન અને બાબરી ધ્વંસ બાદ હિંદુત્વવાદીની આવી છબીને કોંગ્રેસી અને તથાકથિત સેક્યુલર રાજકારણીઓએ મીડિયાની મદદથી વધારે દ્રઢ બનાવી. તેમાં 2002ની ગોધરકાંડની ઘટના બાદ ફાટી નીકળેલા રમખાણોને પણ હિંદુત્વની વિચારધારા સાથે જોડવામાં આવ્યા. જો કે હકીકત એવી છે કે દેશમાં થતા હુલ્લડોને હિંદુત્વના વિચાર સાથે ક્યારેય કોઈ સંબંધ રહ્યો નથી. આ દેશમાં કોમી રમખાણોનો એક ઘણો મોટો અને વિકરાળ ઈતિહાસ રહેલો છે. આ ઈતિહાસ સાવરકરના પુસ્તક હિંદુત્વના પ્રકાશન પહેલાથી ચાલ્યો આવે છે. હિંદુત્વવાદી ગણાતી સરકારોના કાર્યકાળ કરતા વધારે રમખાણો પોતાને સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસના કાર્યકાળમાં થયા છે. એટલે કે હિંદુત્વના વિચાર અને કોમી રમખાણોને કોઈ લેવાદેવા નથી. કોમી રમખાણો માટે તુષ્ટિકરણની સરકારી નીતિ હંમેશા કારણભૂત રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર હિંદુત્વના સાચા અર્થને જાણતા નથી. તેમના મતે હિંદુત્વ કોમવાદી, સંકુચિત, મુસ્લિમ વિરોધી વિચાર છે.

પરંતુ તથાકથિત ધર્મનિરપેક્ષો અહીં ગોથું ખાઈ જાય છે. હિંદુત્વ આ દેશનો આત્મા છે. આ દેશના સમાજજીવનમાંથી હિંદુવિચારને બહાર કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ જ બચતું નથી. આ દેશની ઉદારતાનું પણ એક મોટું કારણ અહીંની હિંદુ બહુમતી છે. દેશના ભાગલા પડયા અને પાકિસ્તાન-બાંગ્લાદેશ નામના બે મુસ્લિમ દેશોમાં લઘુમતીઓની હાલત અત્યંત કફોડી છે. જેના માટે સહઅસ્તિત્વનો ઈન્કાર કરનારી ઈસ્લામિક વિચારધારા છે. જ્યારે હિંદુ બહુમતી ધરાવતા ધર્મનિરપેક્ષ ભારતમાં મુસ્લિમોના તુષ્ટિકરણની નીતિ સેક્યુલરવાદના નામે પૂરજોર ચાલી રહી છે. આને હિંદુઓની ઉદારતા કરતાં તેમની કમજોરી અને નાસમજ ગણવી વધારે યોગ્ય છે. પોતાના હક છોડવાએ ઉદારતા નથી, પરંતુ અસ્તિત્વ અને ઓળખ સામેનું મહાસંકટ છે. ભારતમાં હિંદુઓએ પોતાના આર્થિક, શૈક્ષણિક, રોજી-રોટીના હકો તથાકથિત સેક્યુલર રાજનીતિમાં છોડી દીધા છે અથવા છોડવા માટે મજબૂર બનવું પડયું છે. હવે રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર પણ મુસ્લિમ અને ખ્રિસ્તી તરફી રાજકારણીઓની નજર છે. હિંદુઓ પોતાના હક છોડે તે ઉદારતા નથી. ઉદારતા એને કહેવાય કે પોતાના હક જાળવીને બીજાના અધિકારો પર તરાપ ન મારવી. જો કે મુસ્લિમ-ખ્રિસ્તીના અધિકારો જાળવવા માટે ભારતની સરકારો હિંદુઓના અધિકારો પર તરાપ મારતી હંમેશા નજરે પડી છે. હિંદુત્વ આ દેશની જીવનપદ્ધતિ હોવાની વાત ખુદ ભારતની સુપ્રીમ કોર્ટે કહી છે. જીવનપદ્ધતિ હંમેશા પંથનિરપેક્ષ હોય છે. જીવનપદ્ધતિ કોમવાદી ને સંકુચિત હોતી નથી. જીવનપદ્ધતિ કોઈના વિરોધમાં ઉભી થતી નથી. માટે હિંદુત્વની જીવનપદ્ધતિ મુસ્લિમ કે ખ્રિસ્તી વિરોધી નથી.

પરંતુ હવે સવાલ એ છે કે મોદી ઉપરોક્ત ક્યાં ત્રણ પ્રકારના હિંદુત્વમાંથી ક્યાં પ્રવાહને અનુસરી રહ્યા છે? મોદીનું હિંદુત્વ મૂળ સનાતની વિચાર પર રચાયેલું સાવરકરનું હિંદુત્વ છે કે સંઘનું નરમ કરી દેવાયેલું હિંદુત્વ છે અથવા હિંદુત્વ એટલે કોમવાદી એવી છાપ ધરાવતું હિંદુત્વ છે? હિંદુત્વની વિચારધારામાં ગોહત્યા ઘણો મોટો મોટો મુદ્દો રહ્યો છે. ગુજરાતમાં થોડા સમય પહેલા ગોહત્યાઓનો મુદ્દો ખૂબ ચગ્યો હતો. જો ગુજરાતમાં ગોહત્યાઓ થતી હોય, તો મોદીના શાસનને હિંદુત્વવાદી કેવી રીતે ગણવું? ગુજરાતમાં 250 જેટલા મંદિરો મોદી સરકારે તોડાવી નખાવ્યા. મોદીને વીએચપીના તત્કાલિન અધ્યક્ષ અશોક સિંઘલે ગઝની સાથે સરખાવ્યા. નિરીક્ષક નામના વિચારપત્રમાં જાણીતા મુસ્લિમ ઈતિહાસકારે મોદી સાથેની વ્યક્તિગત ચર્ચાને ટાંકીને લખ્યુ છે કે મોદીના શાસનમાં સૌથી વધારે હિંદુ મંદિરો તૂટયા, છતાં મોદીને હિંદુત્વવાદી ગણવામાં આવે છે. ગુજરાતામાં મુસ્લિમ ધાર્મિક સ્થાનોને આ સરકારે ઉની આંચ પણ આવવા દીધી નથી. ગુજરાતમાં હિંદુઓ સુખી હોય કે ન હોય પણ સચ્ચર કમિટીના રિપોર્ટના આધારે રાજ્યના મુસ્લિમો દેશમાં સૌથી વધારે સુખી હોવાની ગુલબાંગો પોકારવામાં આવે છે. હિંદુ તીર્થસ્થાનોની યાત્રામાં ક્વોટા સંદર્ભે મોદી સરકાર ચિંતિત નથી, તેટલી ચિંતિત હજયાત્રાના ક્વોટા માટે ચિંતિત છે. ભારતમાં ક્રિકેટ જોવા આવતા પાકિસ્તાનીઓને અજમેરની યાત્રા કરાવવાની ભાવના ગુજરાતના હિંદુત્વવાદી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છે. રાજ્યમાં ગોચરની જમીનો ખતમ કરવા માટે પણ મોદી સરકાર સૌથી વધારે જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન સંદર્ભેના રાજ્યસ્તરના રેકોર્ડો 2006-07 બાદ હજીસુધી ઉપલબ્ધ નથી. જેના લીધે ખેતીલાયક, બિનખેતીલાયક, વન્ય અને ગોચરની જમીનના આંકડા હાલ અધ્ધરતાલ જ છે.

આમ જોવો તો મોદીનું હિંદુત્વ માત્ર ગુજરાતની ગાદી પર પહોંચીને ટકવા માટેનું તકવાદી હિંદુત્વ છે. ગાંધીનગરથી દિલ્હી જવામાં હિંદુત્વ નડતું હોવાથી મોદીએ સદભાવના મિશન કરીને પોતાની સેક્યુલર છબી બનાવવાનો પ્રયત્ન કરી જોયો. પરંતુ તેમા તેઓ નિષ્ફળ ગયા છે. નીતીશ કુમાર સહીતના તથાકથિત સેક્યુલર નેતાઓએ મોદીના સેક્યુલર ગિલેટને નકારી કાઢયો છે. હાલ એનડીએ તૂટવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેડીયૂ ધર્મનિરપેક્ષતાના મુદ્દે સમજૂતી કરવાના મૂડમાં નથી. એટલે કે ભાજપ મોદી સાથે આગળ વધશે તો તેમને જેડીયૂનો સેક્યુલર સાથ મળશે નહીં. તેવા સંજોગોમાં એનડીએમાં ભાજપ, શિવસેના અને અકાલીદળ એમ ત્રણ પક્ષો જ બચશે. ભાજપ ફરીથી 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીને આગળ કરીને હિંદુત્વનો વંટોળ જગાવવાની કોશિશ કરી શકે છે. પરંતુ તેમાં તેમને ફરી વખત જનતાને છેતરવામાં સફળતા મળશે કે કેમ તેના વિશે વિશ્લેષકોને શંકા છે. હાલ હિંદુત્વનું દોઢ દાયકા પહેલા ઉઠેલું મોજું શાંત છે. એવી કોઈ હિંદુત્વની લહેર નથી કે લોકો ફરીથી આંદોલિત થાય. તેમ છતાં ભાજપ મોદીને આગળ કરીને હિંદુત્વના મુદ્દે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે, તો ત્યાર પછી તેમને ગઠબંધન બનાવતી વખતે હિંદુત્વના મુદ્દા કોરાણે જ મૂકવા પડશે. તેવા સંજોગોમાં ભાજપ ફરી એક વખત જનતાની ભાવનાને છેહ આપશે.

No comments:

Post a Comment