શનિવાર, 21 જૂન, 2014

ભારત સામે જેહાદી આતંકનો પડકાર: “ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન”ને રોકવા મજબૂત રાષ્ટ્રવાદ જરૂરી

- પ્રસન્ન શાસ્ત્રી
વિશ્વ પર ગંભીર જોખમ તોળાઈ રહ્યું છે. આ જોખમ છે, પોતાના મત કે મજહબની વિશ્વ પર સત્તા સ્થાપિત કરવી. વિશ્વ પર તોળાઈ રહેલા જોખમમાં અન્ય મત કે મજહબ કે પંથ-સંપ્રદાયના સહઅસ્તિત્વનો ઈન્કાર તેનો પાયો છે. આ ખતરનાક માનવવિરોધી વિશ્લેષણનું કેન્દ્રબિંદુ મોટા ભાગે ઈસ્લામિક દુનિયા રહી છે. ઈસ્લામની સ્થાપના સાથે જ ઈસ્લામ મતના અનુયાયીઓએ ભયંકર લોહિયાળ યુદ્ધો કરીને પોતાના મજહબનો ફેલાવો કર્યો અને ઘણાં દેશોનું ઈસ્લામીકરણ કરી નાખ્યું. દારુલ-હરબ એટલે કે બિનઈસ્લામિક રાજ્યોને દારુલ-ઈસ્લામ એટલે કે ઈસ્લામિક રાજ્યોમાં ફેરવવાના ઘોષિત લક્ષ્ય સાથે આ વૈશ્વિક જોખમોના ટાઈમબોમ્બ વખતોવખત દુનિયા પર ત્રાટક્યા છે. ઈસ્લામ મતની મૂળભૂત ધારણા શું હશે, તેની સ્પષ્ટતા ઈસ્લામિક સ્કોલર્સ પાસેથી સમજવી જરૂરી છે. પરંતુ ઈસ્લામ મતની મૂળભૂત ધારણાના જે કોઈ અર્થઘટનો કરવામાં આવ્યા છે. તેનાથી વિશ્વની શાંતિ અને સ્થિરતા હંમેશાથી જોખમાઈ છે.

કાશ્મીરમાં આઝાદીના નામે આતંકનો કારસો
તાજેતરમાં મૃતપ્રાય ગણાતા અલ-કાયદાના પાકિસ્તાન સેલના કમાન્ડરે એક વીડિયો પ્રસારીત કર્યો હતો. જેમાં તેણે કાશ્મીરને કથિતપણે આઝાદ કરાવવાની જેહાદીઓને હાકલ કરી છે. અફઘાનિસ્તાનમાંથી જેહાદીઓ કાશ્મીરને આઝાદ કરાવવા માટે આવી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે દુનિયાભરના મુસ્લિમ જેહાદ માટે હથિયાર ઉઠાવી રહ્યા છે, ત્યારે ભારત અને પાકિસ્તાન સહીત ભારતીય ઉપમહાદ્વીપ ગણાતા દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં મુસ્લિમોને જેહાદમાં સામેલ થવાની હાકલ કરવામાં આવી છે. તો સીરિયા પાકિસ્તાન કરતા પણ મોટું ઈસ્લામિક આતંકવાદનું તાલીમ કેન્દ્ર બની રહ્યું છે.

જેહાદીઓની ડિઝાઈન સપાટી પર આવી
બીજી તરફ અફઘાનિસ્તાનમાંથી 2016 સુધીમાં અમેરિકી અને નાટો સૈન્ય પોતાના દેશ પાછું ફરશે. ત્યાર બાદ દક્ષિણ એશિયામાં અશાંતિ ફેલવવા માટે કાર્યરત જેહાદી જૂથોની આગામી ડિઝાઈન સપાટી પર આવવા લાગી છે. પાકિસ્તાનમાં તહેરીક-એ-તાલિબાન સહીતના જેહાદી જૂથો શરિયતને લાગુ કરાવવા માટે પાકિસ્તાની સરકાર સામે અવાર-નવાર હુમલા કરે છે, તો તેમના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનના લોકોની પણ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી 80 ટકા સુન્ની મુસ્લિમની વસ્તી ધરાવતા પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની કત્લેઆમ સામાન્ય બની ગઈ છે.

મિડલ-ઈસ્ટનું આઈએસઆઈએસ વૈશ્વિક ખતરો

મધ્ય-પૂર્વ એશિયામાં પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક છે. અહીં આઈએસઆઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અથવા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ અલ-શામ ઈરાક અને સીરિયાના સુન્ની બહુમતીવાળા ક્ષેત્રો પર પ્રભુત્વ સ્થાપીને નવું ઈસ્લામિક સ્ટેટ બનાવવા માટે ભયાનક યુદ્ધ લડી રહ્યું છે. જો આઈએસઆઈએસ પોતાના મનસૂબાઓમાં કામિયાબ થશે, તો આધુનિક સમયમાં કોઈ ઈસ્લામિક આતંકવાદી જૂથ દ્વારા નવો દેશ પેદા થવાની ઘટના પહેલી હશે. બની શકે કે તેનું પુનરાવર્તન પાકિસ્તાનમાં કરવાની કોશિશ આગામી સમયમાં તહેરીકે તાલિબાન સહીતના ઈસ્લામિક આતંકવાદી જૂથો કરી શકે છે. તેની ઘણી મોટી અસર ભારતને જમ્મુ-કાશ્મીર સહીત સંવેદનશીલ મુસ્લિમ બહુલ ભારતીય વિસ્તારોમાં અનુભવાય તેવી શક્યતા છે. જેના કારણે આગામી સમયમાં ભારતે મજહબી આતંકવાદના વૈશ્વિક પડકાર સામે પોતાની સૈન્ય સજ્જતાઓને કારગર રીતે ઉપયોગમાં લાવવાની જરૂર ઉભી થવાની છે.

દક્ષિણ એશિયામાં રાખ નીચે અંગારા

મહત્વપૂર્ણ છે કે 1996-97માં અફઘાનિસ્તાનમાં અલ-કાયદા અને તાલિબાનોને કટ્ટર સુન્ની ઈસ્લામિક શાસન કાયમ કર્યું હતું. જેના પરિણામે 9/11 જેવી ભયંકર આતંકવાદી ઘટનાનો ભોગ અમેરિકા જેવી મહાસત્તાને પણ થવું પડયું હતું. તાલિબાનોનું શાસન ખતમ કરવા માટે અમેરિકાએ આતંકવાદની ફેકટરી પાકિસ્તાનને સાથે રાખીને અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી યુદ્ધના નામે લગભગ એક દશકથી વધારે સમય યુદ્ધ કરવું પડયું છે. જો કે છેલ્લા કેટલાંક સમયથી અમેરિકી-નોટો સૈન્યની ઘરવાપસીની પ્રક્રિયાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના વજિરીસ્તાન સહીતના ઉત્તરીય વિસ્તારોમાં તાલિબાનો અને ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય થયા છે. તેમનો પહેલો ઈરાદો અફાઘાનિસ્તાનમાં સત્તા કબજે કરવી અને ત્યાર બાદ પાકિસ્તાનમાં કટ્ટરપંથી સુન્ની હકૂમત કાયમ કરવી. તેના માટે તેઓ પાકિસ્તાની સેનામાં સામેલ ઈસ્લામિક કટ્ટરપંથી તત્વોનો સાથ મેળવીને આગળ પાકિસ્તાનમાં કોઈ મોટી હિંસક કાર્યવાહીઓ કરે તેવી શક્યતા છે. તેની સાથે આ આતંકવાદીઓનું લક્ષ્ય ભારતમાં અસ્થિરતા પેદા કરવાનું પણ છે. કાશ્મીરમાં આઝાદીની લડાઈના નામે ભારતને આતંકવાદના નવા તબક્કામાં વધુ ખતરનાક પડકારોનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નકારી શકાય તેમ નથી. દક્ષિણ એશિયા હાલ રાખ નીચે બળતા અંગારાથી મોટી આગનું જોખમ ધરાવે છે. નિશ્ચિતપણે ભારત પર પણ તેની મોટી અસર થાય તેવી શક્યતા છે.

આઈએસઆઈએસનું લક્ષ્ય સ્ટેટ ઓફ ખોરસાન

ઈરાકમાં કહેર બનીને તૂટી પડેલા ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસ અથવા આઈએસઆઈએલનું લક્ષ્ય ઈરાક, સીરિયા સાથે ઉત્તર આફ્રિકાથી લઈને ભારતના જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સહીતના ઉત્તર-પશ્ચિમ ભાગ સુધી સુન્ની ઈસ્લામિક રાજ્ય સ્ટેટ ઓફ ખોરસાન સ્થાપિત કરવાનું છે. અબુ બકર અલ બગદાદી આઈએસઆઈએસનો વડો છે. તેને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકી ઓપરેશનમાં માર્યા ગયેલા અલ-કાયદાના ખૂંખાર આતંકી ઓસામા-બિન-લાદેનનો સીધો વારસ માનવામાં આવે છે. તેનો જન્મ ઈરાકના સમરા શહેરમાં થયો હતો. 2003માં અમેરિકાએ ઈરાક પર સૌ પ્રથમ વખત લશ્કરી આક્રમણ કર્યું હતું. તે વખતે અબુ-બકર-અલ-બગદાદી બગદાદની એક મસ્જિદમાં મૌલવી હતો. તેણે ચાર વર્ષ અમેરિકી જેલમાં વિતાવ્યા છે. અમેરિકી જેલમાંથી મુક્ત થયા બાદ તેણે 2010માં આઈએસઆઈએસની રચના કરી. ઓક્ટોબર-2011માં અમેરિકાએ બગદાદીને આતંકવાદી ઘોષિત કરીને તેને જીવતો કે મરેલો પકડનારને એક કરોડ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

ઈરાકમાં બગદાદીનો ખૂની ખેલ

ઈરાકમાં 40 ટકા સુન્ની, 55 ટકા શિયા અને 5 ટકા જેટલા કૂર્દ લોકો છે. ઈરાકમાં અમેરિકાના દ્વિતિય આક્રમણમાં સુન્ની સમુદાયમાંથી આવતા તાનાશાહ સદ્દામ હુસૈનને પકડી લેવામાં આવ્યો અને બાદમાં તેને 2006માં બનેલી અમેરિકી પ્રભુત્વવાળી શિયા સમુદાયના નૂર અલ મલિકીની સરકારે ફાંસીની સજા આપી. શિયા સમુદાયની અલ-મલિકીની સરકારે ઈરાકમાં સુન્નીઓ સાથે ભેદભાવ શરૂ કર્યા હતા. તેની સામે અમેરિકાએ આંખ આડા કાન કર્યા હતા. જેના કારણે આઈએસઆઈએસને સુન્ની સમુદાયના લોકોનું સમર્થન મળ્યું. 2011માં ઓબામા સરકારે અમેરિકી સૈન્યને પાછું ખેંચ્યું હતું. ત્યાર બાદ સુન્ની પંથી આઈએસઆઈએસના અબુ બકર અલ બગદાદીનો ખૂની ખેલનું વરવું સ્વરૂપ ઈરાકમાં સામે આવ્યું છે.
બગદાદીનું સંગઠન પાડોશી દેશ સીરિયામાં ચાલતા ગૃહયુદ્ધનો ફાયદો ઉઠાવીને ખૂબ શક્તિશાળી બની ગયું છે. પશ્ચિમી દેશો માને છેકે સીરિયા આઈએસઆઈએસને ગુપ્ત મદદ કરી રહ્યું છે. ઈરાકમાં શિયા સમુદાયના પ્રભુત્વવાળી સરકાર પર ઈરાનનો પણ મોટો પ્રભાવ છે. જેને કારણે આક્રોશમાં આવેલા સુન્ની સમુદાયે પણ આઈએસઆઈએસને તમામ પ્રકારે ટેકો આપ્યો છે. આ સંગઠનમાં ઈરાકી સુન્નીઓ સાથે ખૂંખાર સીરીયાઈ, આરબ, આફ્રિકી, પાકિસ્તાની અને અફઘાની મુજાહિદ્દીનો સામેલ છે. આ લોકોને યુદ્ધનો લગભગ બે દાયકા જેટલો લાંબો અનુભવ છે. જેને કારણે તેઓ ઈરાકની દોઢથી બે લાખની સેનાને ઈંટનો જવાબ પથ્થરથી આપી રહ્યા છે. જો કે આઈએસઆઈએસના આતંકીઓની સંખ્યા 10 હજારથી વધારે છે. તેમ છતાં ઈરાકી સેનામાં શિયા અને સુન્ની એમ બંને સમુદાયના સૈનિકો છે. માનવામાં આવે છેકે મોસૂલ પર જ્યારે આઈએસઆઈએસએ હુમલો કર્યો હતો, ત્યારે સુન્ની સૈનિકોએ ઈરાકની શિયા પંથના પ્રભાવવાળી સરકાર માટે લડવાનું યોગ્ય માન્યું નહીં. આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હજારો સુન્ની સમુદાયના ઈરાકી સૈનિકોના સામેલ થવાથી આઈએસઆઈએસની ઘાતકતામાં વધારો થયો છે.

આઈએસઆઈએસની કરમ કુંડળી

હાલ આઈએસઆઈએસને દુનિયાનું સૌથી ધનિક આતંકવાદી સંગઠન માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે બે અબજ ડોલરની સંપત્તિ છે. આ બર્બર આતંકી સંગઠન દર વર્ષે તેની બેલેન્સ શીટ પણ જારીકરે છે. અમેરિકી થિંક ટેન્ક ધ ઈન્ટિસ્ટયૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર (આઈએસડબલ્યૂ)એ આઈએસઆઈએસના કારનામાના વાર્ષિક અહેવાલનું અધ્યયન કર્યું છે. આ રિપોર્ટને અરબીમાં અલ-નાબા એટલે કે ધ ન્યૂઝ કહેવાં આવે છે. અરબીમાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ગત નવેમ્બરથી 12 માસ સુધીના સમયગાળાનું વિવરણ આપવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે, આ સમયગાળામાં આઈએસઆઈએસએ ઈરાકમાં 10 હજારથી વધારે ઓપરેશન્સ કર્યા છે. જેમાં એક હજાર આત્મઘાતી હુમલા, ચાર હજારથી વધારે બોમ્બ વિસ્ફોટ અને સેંકડો કેદીઓને મુક્ત કરાવવાની ગતિવિધિઓનો સમાવેશ થાય છે. હાલ બગદાદીનું સંગઠન ઈરાકના સુન્ની બહુલ વિસ્તારોના ઘણાં શહેરો પર કબજો કરીને બગદાદ પર ડોળો જમાવીને બેઠું છે.

આઈએસઆઈએસ અલ-કાયદાના કાબુમાં નથી

આઈએસઆઈએસ શરૂઆતમાં અલ-કાયદાનો હિસ્સો જ હતું. પરંતુ જ્યારે અલ-નસરા નામના જેહાદી સંગઠન સાથે બગદાદીના મતભેદો શરૂ થયા. ત્યારે અલ-કાયદાના સરગના અયમન-અલ-ઝવાહીરીએ હસ્તક્ષેપ કર્યો હતો. સીરિયામાંથી આઈએસઆઈએસને દૂર રહેવાનું ઝવાહીરીએ ફરમાન કર્યું હતું. પરંતુ બગદાદીએ તેનું ફરમાન માન્યું નહીં. 2013માં બગદાદીએ અલ-કાયદા સાથે છેડો ફાડયો હતો.

પાકિસ્તાનમાં જેહાદીઓ તખ્તાપલટ કરશે?

પાકિસ્તાનમાં તેની રચના સાથે ઘણાં મોટા સમયગાળા સુધી લશ્કરી તાનાશાહોએ શાસન કર્યું છે. નાગરિક સરકારે માત્ર એક વખત જ પોતાનો કાર્યકાળ પાકિસ્તાની સેનાની મહેરબાનીથી પૂર્ણ કર્યો છે. પાકિસ્તાનમાં સેના-આઈએસઆઈ, જેહાદી સંગઠનો અને નાગરિક સરકાર એમ ત્રણ સત્તાના કેન્દ્રો છે. જેમાં સેના-આઈએસઆઈ સૌથી શક્તિશાળી સત્તાનું કેન્દ્ર છે. શરૂઆતમાં તેમણે જેહાદી તત્વોનો રાજકીય હિતસાધના માટે ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે જેહાદી સંગઠનો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના કેટલાંક કટ્ટરપંથી નહીં ગણાતા પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત એસ્ટાબ્લિશમેન્ટને પડકાર ફેંકી રહ્યા છે. કરાચી એરપોર્ટ પરના તહેરીકે તાલિબાનના હુમલા પાકિસ્તાની સેના અને આઈએસઆઈને જેહાદીઓ દ્વારા આપવામાં આવેલો સીધો પડકાર છે. જેના પરિણામે જનરલ પરવેઝ મુશર્રફ બાદ પાકિસ્તાની સેનાએ વજિરીસ્તાનમાં તાલિબાનો સામે સૌથી મોટી કાર્યવાહી શરૂ કરવી પડી છે.

પરંતુ જાણકારોનું માનીએ, તો કાશ્મીરને આઝાદ કરાવવાના નામે અને દુનિયામાં ઈસ્લામિક રાજ્ય સ્થાપિત કરવા માટેની સ્વપ્નસૃષ્ટિમાં રાચતા જેહાદી જૂથો હવે પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રિત થાય તેવી સ્થિતિ નથી. તેના મુખ્ય કારણોમાં પાકિસ્તાની સેનામાં પણ જેહાદીઓ પ્રત્યે કૂણી લાગણી ધરાવતા સૈનિકો અને અધિકારીઓ મોટી સંખ્યામાં છે. તેમની જેહાદીઓ સાથે સાંઠગાંઠ છે. જેના કારણે તેઓ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી અને આંતરરાષ્ટ્રીય સીમા પર જેહાદીઓ સાથે મળીને બર્બર કાર્યવાહીઓને અંજામ આપે છે અને યુદ્ધવિરામનું વારંવાર ઉલ્લંઘન કરે છે.

તેવા સમયે ભારત સામે પાકિસ્તાન વધુ નમતું જોખતું હોય તેવું લાગશે, ત્યારે લશ્કરે તોઈબાના હાફિઝ સઈદ, જૈશે મહોમ્મદના અઝહર મસૂદ, તહેરીકે તાલિબાન સહીતના જેહાદી સંગઠનો પાકિસ્તાનમાં બળવો કરે તેવી પુરી શક્યતા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાની સેના અને આઈએસઆઈ ભારત વિરુદ્ધની ભાવનાને વધારે ભડકાવવાની ભૂમિકામાં જ રહેશે. વળી કોઈ નવા સમીકરણો રચાય તો પાકિસ્તાની સેના અને આઈએસઆઈના જેહાદી તત્વો નોન-સ્ટેટ એકટર્સ ગણાતા જેહાદીઓ સાથે મળીને પાકિસ્તાનમાં તખ્તાપલટને અંજામ આપે તો પણ નવાઈ નથી. આવી પરિસ્થિતિમાં ભારતમાં અસ્તિત્વ ધરાવતા જેહાદી આતંકવાદીઓના નેટવર્કની સક્રિયતા સપાટી પર આવવાને ઈન્કારી શકાય તેમ નથી.

વૈશ્વિક જેહાદને સાઉદી અરેબિયા-ખાડી દેશોની મદદ

ઈસ્લામનો જન્મ સાઉદી અરેબિયામાં થયો છે. સાઉદી અરેબિયા સુન્ની ઈસ્લામિક દેશ છે. ભારતમાં વહાબી આંદોલનના સમયથી સાઉદી અરેબિયા દ્વારા કટ્ટરપંથી પ્રવૃતિઓને સીધી પ્રેરણા અને મદદ મળતી રહી છે. પેટ્રો ડોલરથી સંપન્ન સાઉદી અરેબિયા અને ખાડીના દેશો દુનિયામાં ઈસ્લામના પ્રસાર માટે જેહાદી સમૂહોને મદદ કરી રહ્યા છે. જેમાં આર્થિક અને રાજકીય મદદનો સમાવેશ થાય છે. તેની સાથે જેહાદી જૂથો પાસે અત્યાધુનિક પરંપરાગત હથિયારોથી માંડીને મોટા હથિયારો સુધીની તેમની પહોંચ બીજી ઘણી આશંકા પેદા કરે છે.

સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે હથિયારોની આયાત કરનારા દેશોમાં સ્થાન ધરાવે છે. સાઉદી અરેબિયા સાથે યૂએઈ પણ ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની આયાત કરે છે. આ હથિયારોમાં પરંપરાગત હથિયારોનો ખૂબ મોટો ભાગ છે. વળી દુનિયાભરની જેહાદી પ્રવૃતિઓમાં સાઉદી અરેબિયાના સુન્ની પંથી જેહાદીઓ ખૂબ મોટા પ્રમાણમાં સક્રિય છે. ત્યારે સાઉદી અરેબિયાની સેનાના પ્રમાણમાં તેના આયાત થતા હથિયારોનું ઘણું મોટું પ્રમાણ છે. આવા સંજોગોમાં જેહાદી જૂથોને સાઉદી અરેબિયા સહીતના કેટલાંક ખાડીના દેશો તરફથી હથિયારોની આપૂર્તિની શક્યતાની આશંકાઓ જન્મે છે. ઈરાકના સત્તાધીશો તરફથી આઈએસઆઈએસને સીરિયા અને સાઉદી અરેબિયા દ્વારા મદદ થતી હોવાનો આરોપ મૂકાયો છે. જેનો સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીએ સત્તાવાર રદિયો પણ આપવો પડયો છે.

સત્તા સંતુલનો ખોરવાયા

મધ્ય-પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં 19મી સદીના પ્રારંભથી બ્રિટન અને યૂરોપના દેશો સક્રિય પ્રભુત્વ ધરાવતા હતા. જેના કારણે ઈસ્લામિક દેશોનું ક્ષેત્ર પરથી વર્ચસ્વ ઘટવા લાગ્યું હતું. અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, જોર્ડન, સીરિયા, લેબેનોન જેવા ખાડી દેશોમાં પશ્ચિમ અને કમ્યુનિઝમનો પ્રભાવ 19મી સદીના પ્રારંભમાં દેખાવા લાગ્યો હતો. તુર્કીમાં કમાલ-આતા-તુર્કે 97 ટકા મુસ્લિમ વસ્તીવાળા દેશને સેક્યુલર ઘોષિત કર્યો હતો. પરંતુ ભારતમાંથી બ્રિટનના ગયા બાદ બીજા વિશ્વયુદ્ધ બાદ મધ્ય-પૂર્વ એશિયામાં થોડી અસ્થિરતા દેખાઈ હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કોલ્ડવોરના તબક્કામાં અમેરિકા અને રશિયાએ પેટ્રોલિયમ પેદાશો પર વર્ચસ્વ મેળવવા માટે ખાડીદેશોમાં પોતાના કેમ્પો સ્થાપવના શરૂ કર્યા હતા. અમેરિકાએ સાઉદી અરેબિયા, ઈજીપ્ત, ઈરાન સહીતના દેશોમાં પોતાની પહોંચ વધારી હતી. તો સામે ભૂતપૂર્વ સોવિયત સંઘે ઈરાક, સીરિયા, સહીતના ઘણાં ખાડી દેશો પર પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ભૂતપૂર્વ સોવિયત સંઘે સૈન્ય મોકલ્યું હતું. ત્યારે અફઘાનિસ્તાનમાંથી રશિયન પ્રભાવ ખતમ કરવા માટે અમેરિકાએ ઈસ્લામિક જેહાદીઓને તૈયાર કર્યા અને તેમને શસ્ત્રોથી માંડીને તાલીમ આપવા સુધીની મદદ કરી હતી. જેના પરિણામે ઘરઆંગણે કમજોર બનેલા સોવિયત સંઘે 1990માં પોતાની સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ખેંચી લીધી હતી. તો 1992માં સોવિયત સંઘ નામનો મહાકાય દેશ તૂટી પડયો હતો. તુર્કમેનિસ્તાન, કજાકિસ્તાન, આજારબૈજાન સહીત મધ્ય-પૂર્વ એશિયામાં નવા મુસ્લિમ દેશો અસ્તિત્વમાં આવ્યા હતા. તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલા પહેલા અમેરિકાને પોતાના સામરિક હિતોને કોઈ જોખમ નહીં લાગતા જેહાદી તત્વોને અફઘાનિસ્તાન સહીત પાકિસ્તાનમાં મજબૂત થવા દેવામાં આવ્યા. ભારતે અવાર-નવાર પાકિસ્તાનને અમેરિકી મદદનો ભારત વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદ કરી હતી. પણ અમેરિકા પોતાના સ્વાર્થને કારણે તેને નજરઅંદાજ કરતું રહ્યું હતું. જેના કારણે એકધ્રુવીય વિશ્વમાં સોવિયત સંઘના ખાલી પડેલા સ્થાન પર ઈસ્લામિક જેહાદીઓએ મિડલ-ઈસ્ટ અને અફઘાનિસ્તાનમાં પગદંડો જમાવવાનો શરૂ કર્યો હતો. જેના કારણે ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં ઈસ્લામિક જેહાદીઓનો હિંસાચાર વધ્યો છે.

ભારતના જેહાદીઓની સામેલગીરીથી ખતરો

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટના કાર્યકારી નિદેશક અજય સાહનીએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે વ્યૂહરચના ક્ષમતાની કાર્યપ્રણાલી છે. આપણે (ભારત) મધ્ય-પૂર્વ એશિયાની ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરતા નથી, કારણ કે આપણી પાસે તેમને પ્રભાવિત કરવાની ક્ષમતા નથી. પહેલા પણ આ ક્ષેત્રમાંથી ભારતીયોના અપહરણ થયા છે અને ભારત થર્ડ પાર્ટી નિગોસિયેટર પર આધારીત રહ્યું છે. (ઉલ્લેખનીય છે કે ઈરાકમાં 40 ભારતીયોના અપહરણ થયા છે.) સંરક્ષણ બાબતોના નિષ્ણાત અજય સાહનીએ કહ્યુ છે કે દરેક વૈશ્વિક જેહાદના લક્ષ્યાંકમાં ભારત આવે છે. આપણે (ભારત) તેમની સામે આપણા જોખમે જ આંખ આડા કાન કરી શકીએ. તેમણે ઈરાક અને સીરિયામાં લડી રહેલા ભારતના જેહાદીઓ સંદર્ભે વિશેષ ચેતવણી આપી છે. અજય સાહનીએ ચેતવણી આપતા કહ્યુ છે કે યુદ્ધ લડી રહેલા આતંકવાદીઓ એકને એક દિવસ પાછા ફરવાના છે. ત્યારે બહારની ઘટનાઓને આધારે ભારતમાં પ્રેરણાસ્ત્રોત મેળવનારા ઘણાં લોકો સાથે અન્યોને પણ આ જેહાદીઓની સફળતા પ્રેરણા આપશે. તેમણે આઈએસઆઈએસના જોખમને આંકતા કહ્યુ છે કે અલ-કાયદાના એક નાનકડા જૂથમાંથી 2006માં આઈએસઆઈએસ ઈસ્લામિક સ્ટેટનો આકાર પામ્યું, તેના પરથી તેની મહત્વકાંક્ષાઓનો અંદાજ મળી શકે છે. સીરિયામાં ગૃહયુદ્ધ વચ્ચે તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક અને સીરિયા બન્યું અને હવે તેને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવન્ટ કહેવામાં છે. લેવન્ટ (પૂર્વ ભૂમધ્ય પ્રદેશ) શબ્દમાં આ જેહાદી જૂથની સીરિયા, ઈઝરાયેલ, પેલેસ્ટાઈન, લેબેનોન, જોર્ડન, સાયપ્રસ અને તુર્કીના કેટલાંક ભાગને પર નિયંત્રણ મેળવવાની મહત્વકાંક્ષા દેખાય છે.

પાન-ઈસ્લામિક મૂવમેન્ટથી ભારતને નુકસાન

એક તરફ 18મી અને 19મી સદીમાં યૂરોપના બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ, જર્મની અને સ્પેન જેવા દેશો આફ્રિકા અને એશિયામાં કોલોનીની સ્થાપના કરી રહ્યા હતા. તેના કારણે ઈજીપ્ત, લીબિયા સહીતના આફ્રિકી અને મિડલ-ઈસ્ટના દેશો અને દક્ષિણ એશિયા જેવા ક્ષેત્રમાં ઈસ્લામિક વર્ચસ્વમાં ઓટની શરૂઆત થઈ હતી. વળી પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કીમાં ખિલાફતને ખતમ કરવામાં આવી હતી. જેના કારણે અખંડ ભારતમાં 1918થી 1924 સુધી ખિલાફત આંદોલન ચાલ્યું હતું. જેમાં એમ. કે. ગાંધીએ બ્રિટિશરો સામેના જંગમાં મુસ્લિમ સમર્થન મળે તેવી ગણતરીએ ખિલાફત આંદોલનને ટેકો આપ્યો હતો. પરંતુ તેના પરિણામો ઘણાં વિપરીત આવ્યા. ભારતીય રાજકારણમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ વિકસવા લાગી અને દેશમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટના દુષ્પ્રભાવો સામે આવવા લાગ્યા હતા.

1906માં સ્થપાયેલી મુસ્લિમ લીગ પાન ઈસ્લામિક મૂવમેન્ટની ભારતમાં વાહક બનવા લાગી હતી. જેના પરિણામે 1947માં અખંડ ભારતમાંથી પાકિસ્તાન નામે અલગ ઈસ્લામિક દેશ અસ્તિત્વમાં આવ્યો હતો. પાન ઈસ્લામિક મૂવમેન્ટના સમયમાં મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખે ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી.

1946માં મુસ્લિમ લીગના સુપ્રિમો મહંમદ અલી ઝીણા દ્વારા અલગ પાકિસ્તાન માટે અપાયેલા ડાયરેક્ટ એક્શનના એલાનથી કોલકત્તા સહીત દેશભરમાં હિંદુઓની ખૂબ મોટી કત્લેઆમ થઈ હતી. જો કે તેના માટેની તૈયારી ત્રણ-ચાર વર્ષ પહેલેથી મુસ્લિમ નેશનલ ગાર્ડે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં લોખંડ ઉઘરાવવાના નામે હથિયારો ભેગા કરવાથી કરી હતી. 1947માં ભારતને ખંડિત આઝાદી મળી, ત્યારે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં જાણકારોના માનવા પ્રમાણે બર્બર હત્યાકાંડો થયા હતા.

આ હત્યાકાંડોમાં 10 લાખ જેટલી નિર્દયી હત્યાઓમાં મોતને ઘાટ ઉતારાયેલાઓમાં હિંદુઓની સંખ્યા મહત્તમ રહી હતી. તો લગભગ 2 કરોડ જેટલાં હિંદુઓએ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી નિરાશ્રિત થઈને ભારત આવવું પડયું છે. મુસ્લિમ લીગની મુસ્લિમ નેશનલ ગાર્ડ નામની પાંખની વ્યૂહરચના સ્પષ્ટ હતી કે ભાગલા વખતે વધારેમાં વધારે હિંદુઓની હત્યા કરવી કે તેમને વિસ્થાપિત કરીને પાકિસ્તાનને હિંદુવિહીન બનાવવું. મુસ્લિમ નેશનલ ગાર્ડને પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન નેશનલ ગાર્ડ તરીકે અર્ધલશ્કરી દળમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આજે પશ્ચિમ પાકિસ્તાનમાં માત્ર 1.86 ટકા હિંદુઓ છે. તો પૂર્વ પાકિસ્તાનમાંથી 1971માં બનેલા બાંગ્લાદેશમાં હિંદુઓની સંખ્યા માંડ 8 ટકા રહી છે. આઝાદી વખતે પાકિસ્તાનમાં 20થી 23 ટકા હિંદુઓ હતા. તેની સામે મુસ્લિમોના મોત અને વિસ્થાપનનું પ્રમાણ લગભગ અડધું હતું. જે દર્શાવે છે કે પાન-ઈસ્લામિક મૂવમેન્ટના આધારે મુસ્લિમ લીગે મુસ્લિમોને ટુ નેશન થિયરી પ્રમાણે પૂર્વનિયોજિતપણે હિંદુઓની કત્લેઆમ કરાવી અને તેમના સામૂહિક વિસ્થાપન કરાવ્યા હતા.

આઝાદી બાદ પણ પાન ઈસ્લામિક અસર ચાલુ

આઝાદી બાદ ખિલાફત આંદોલનથી મુસ્લિમ તુષ્ટિકરણની શરૂ થયેલી રાજનીતિએ વરવું સ્વરૂપ ધારણ કર્યું. 1964માં જબલપુરના ભયાનક હુલ્લડો બાદ આઝાદ અને ખંડિત ભારતમાં હિંદુઓ પર મુસ્લિમ કોમવાદીઓનું આક્રમણ હુલ્લડોના સ્વરૂપે બહાર આવ્યું છે. જેના કારણે હિંદુ સમાજમાં પણ પ્રતિક્રિયાત્મક વિચાર અને વ્યવહાર હુલ્લડો દરમિયાન સામે વખતોવખત સામે આવવા લાગ્યો હતો. ભારતમાં અત્યાર સુધીમાં હજારો નાના-મોટા હુલ્લડો થયા છે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારાઓએ મુસ્લિમ વોટની લાલચમાં હુલ્લડો પણ રાજકારણ ખેલ્યું છે. જેના કારણે હિંદુ પ્રતિક્રિયા વખતોવખત વધારે આકરી બનતી ગઈ છે.

ભારતમાં 1993થી ઈસ્લામિક જેહાદી તત્વો દ્વારા બોમ્બ વિસ્ફોટો કરવાની એક પરંપરા ચાલી છે. જેમાં હિંદુઓ મોટાભાગે નિશાન બનતા રહ્યા છે. ભારતમાં દહેશત ફેલાવીને જેહાદીઓ પોતાના અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવાનો વરવો પ્રયાસ કરતા રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં 1988થી ઉગ્રવાદમાંથી અલગતાવાદ અને અલગતાવાદમાંથી આતંકવાદની પાન ઈસ્લામિક મૂવમેન્ટ શરૂ થઈ હતી. ટુ નેશનની થિયરીના આધારે મુસ્લિમ બહુમતી હોવાના કારણે પાકિસ્તાન કાશ્મીર પર દાવો કરે છે. 1948માં કબાયલીઓના વેશમાં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીર પર આક્રમણ કરીને પીઓકે એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને કબજે કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના ભારત સાથે રિયાસતના વિલિનીકરણમાં થયેલો વિલંબ ખૂબ જ ઘાતક નીવડયો છે. કાશ્મીરને આઝાદ કરાવવાના નામે જેહાદીઓએ 70 હજાર જેટલા લોકોની કતલ કરી છે. તો કાશ્મીર ખીણમાંથી 1990માં ત્રણ લાખથી પણ વધારે કાશ્મીરી પંડિતોને તેમના જ દેશમાં નિરાશ્રિત બનવું પડયું છે. આજે પણ કાશ્મીરી પંડિતોની ઘરવાપસી સામે અલગતાવાદી અને આતંકવાદી કાશ્મીરી નેતાઓ અને જૂથો ધમકીની ભાષામાં વિરોધ કરી રહ્યા છે.

ભારતે તૈયાર રહેવું જોઈએ

વૈશ્વિક જેહાદના પડકાર સામે ભારતે તૈયાર રહેવું પડશે. ભારત હિંદુ બહુમતી ધરાવતો સેક્યુલર દેશ છે. પરંતુ ભારતને ઈસ્લામિક દેશમાં ફેરવવા માટે ભારતના 17 કરોડ મુસ્લિમો સમુદાયમાંથી ઠીકઠીક પ્રમાણમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો ધરાવતા સંગઠનો ઘોષિત કે અઘોષિતપણે આવા લક્ષ્યો સાથે રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક જેહાદી પ્રવૃતિઓ કરે છે. તેમને ભારત બહારના ઈસ્લામિક વિશ્વની પણ ઘણી મોટી મદદ મળી રહી છે. અત્યાર સુધી કહેવાતું હતું કે ભારતનો કોઈપણ મુસ્લિમ આંતરરાષ્ટ્રીય આતંકવાદની પ્રવૃતિમાં સામેલ નથી. પરંતુ આઈએસઆઈએસની ઈરાક અને સીરિયામાં જેહાદી પ્રવૃતિઓમાં ભારતના જેહાદીઓની સામેલગીરીની આશંકાઓ સામરિક બાબતોના જાણકારોએ વ્યક્ત કરી છે.

અત્યારથી તૈયાર થાય વ્યૂહરચના

ત્યારે ભારતમાં સામાજિક સ્તરે જનજાગૃતિ કરીને લોકોને જેહાદના નામે માનવતા વિરોધી, ભારત વિરોધી મનસૂબાઓની જાણકારી આપવી જોઈએ.

આ જેહાદી સંગઠનો મોટાભાગે સૈન્ય સંગઠનોનું સ્વરૂપ ધરાવે છે. જ્યારે ભારતમાં સૈન્ય સંગઠન ધરાવતા રાષ્ટ્રવાદી સંગઠનો ગેરહાજર છે. રાષ્ટ્રવાદી સંગઠનોનું સ્વરૂપ મહદઅંશે સાંસ્કૃતિક છે. ત્યારે સૈન્ય સંગઠન સ્વરૂપ ધરાવતા જેહાદી જૂથોના પડકારને પહોંચી વળવા માટે પણ વ્યૂહાત્મક તૈયારીઓ કરવી પડશે.
રાજકીય સ્તરે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિને હવા આપનારા તત્વોને ચિન્હિત કરીને તેમને લોકતાંત્રિક પદ્ધતિથી રાજકીય રીતે સમાપ્ત કરવા જરૂરી છે. કારણ કે આવા તત્વોને કારણે ભારતમાં જેહાદી તત્વોને મોકળું મેદાન મળ્યું છે. મુસ્લિમ તુષ્ટિકરણ કરનારા રાજકીય તત્વો અને થિંક ટેન્ક ભારતના દરેક પક્ષમાં અસ્તિત્વ ધરાવે છે, તે ભારતના લોકોનું દુર્ભાગ્ય છે. પરંતુ ભારતના લોકોએ રાજકારણ પર પોતાની લાગણીનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકીય સાક્ષરતા મેળવવી પડશે.

ભારતીય શાસકો અને વહીવટી તંત્રે તર્ક-વિતર્ક-કુતર્કના રાષ્ટ્રદ્રોહી ચક્કરમાંથી બહાર આવીને નિર્ણાયક સ્થિતિમાં આવીને વૈશ્વિક જેહાદ સામે સક્રિય અને અસરકારક ભૂમિકા માટે તૈયાર થવું પડશે.

ભારતીય સેનાને ખૂબ જ ઝડપથી અત્યાધુનિક શસ્ત્રો અને તાલીમથી સજ્જ કરવી પડશે. ભારતના પોલીસ તંત્રને વધારે મજબૂત અને સક્રિય બનાવવા માટે મોર્ડનાઈઝેશન પ્રોગ્રામનો અમલ કરવો પડશે. ભારતના અર્ધલશ્કરીદળોને વધારે શક્તિશાળી બનાવવા માટેની રણનીતિ બનાવવી પડશે.

થોડા વર્ષો પહેલા અમદાવાદ સહીત ભારતના કેટલાંક શહેરોમાં વી આર વેઈટિંગ ફોર ગઝનવી- લખેલા પોસ્ટરો લાગ્યા હતા. આ વાત તે સમયે ખૂબ હળવાશથી લેવામાં આવી હતી. પરંતુ જોખમના સમયે આંખો બંધ કરી દેવાથી ખતરો ટળી જતો નથી. આવી હરકત જોખમને વધુ ખતરનાક બનાવે છે.

નિષ્કર્ષ

વૈશ્વિક જેહાદી નેટવર્ક હકીકતમાં પાન ઈસ્લામિક મૂવમેન્ટનું આતંકવાદી સ્વરૂપ છે. પાન ઈસ્લામિક મૂવમેન્ટે ભારતના ભાગલા કરાવ્યા છે. આવા સંજોગોમાં બ્લિડ ઈન્ડિયા પોલિસી હેઠળ વર્તતા પાકિસ્તાને પણ જેહાદી જૂથોને પોતાના રાજકીય હથિયાર તરીકે ભારત સામે વાપર્યા છે. હવે આ જેહાદી તત્વો સાધન મટીને માલિક બનવા લાગ્યા છે. ત્યારે તેમની જેહાદી મહત્વકાંક્ષાઓ ઘણી ખતરનાક દેખાઈ રહી છે. આવા સંજોગોમાં ભારતે મધ્ય-પૂર્વની ઘટનાઓ પર સતત વિશ્લેષણાત્મક નજર રાખવી પડશે અને અહીંની ગતિવિધિઓને સુન્ની-શિયાના ઝગડા તરીકે જોઈને ભારત સામેના જેહાદી જોખમ સામે આંખ આડા કાન કરવાની વૃતિ-પ્રવૃતિઓમાં પરિવર્તન લાવવું પડશે. ભારતીય રાષ્ટ્રવાદ કમજોર પડે તેવી કોઈપણ પ્રવૃતિઓને ઉગતા જ ડામી દેવી પડશે, પછી તે સરકારી રાહે હોય કે બિનસરકારી રાહે. ભારતીય રાષ્ટ્રવાદનું મજબૂત પ્રગટીકરણ વૈશ્વિક જેહાદી મનસૂબાઓને રોકવાનો એકમાત્ર રસ્તો છે.

મંગળવાર, 27 મે, 2014

સાવધાન: પાકિસ્તાની પીએમ નવાઝ ભારત માટે ‘શરીફ’ નથી

- પ્રસન્ન શાસ્ત્રી
ભારતના સનાતન અસ્તિત્વને કાપીને પાકિસ્તાનની રચના જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા દ્વારા થઈ છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનને ભારતના શરીર પર લોહી દૂઝતું ગુમડું ગણાવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965, 1971 અને 1999માં ચાર ભીષણ યુદ્ધ થયા છે. આ સિવાય 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને બે ટુકડામાં વહેંચતી ભારતની જીતનો બદલો લેવા માટે પાકિસ્તાને ભારતને લોહીલુહાણ કરવાની નીતિ અપનાવી છે. પાકિસ્તાની સેનાના ટ્રેનિંગ મેન્યુઅલમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વોરનો સમાવેશ કરવામાં આવે છે. પાકિસ્તાની સેનામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની ભરમાર છે.

પાકિસ્તાનના સમાજમાં પણ ઈસ્લામિક કટ્ટરપંથીઓ, અંતિમવાદીઓ અને આતંકવાદીઓને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન મળે છે. પાકિસ્તાન ઘોષિત ઈસ્લામિક રાજ્ય છે. પાકિસ્તાનનો ઈસ્લામિક રાષ્ટ્રવાદ ભારત અને હિંદુઓના વિરોધ પર કેન્દ્રીત છે. પાકિસ્તાન આતંકવાદનું જનક અને પોષક છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય અને રાજકીય હિતોની પૂર્તિ માટે આતંકીઓનો ભારત વિરુદ્ધ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં પણ આતંકવાદીઓ ભારતીય હિતોને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પાકિસ્તાનના તાનાશાહ ઝિયા-ઉલ-હક દ્વારા પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા અને તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસીએ ચઢાવવામાં આવ્યા હતા. આ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1971ની હાર પછી ભારતના તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી પાસે આવીને નીચી મુંડીએ સિમલા કરાર કરી ગયા હતા. પરંતુ પાકિસ્તાનમાં જઈને તેમણે ભારત સામે કાશ્મીર માટે એક હજાર વર્ષ લડવાની અને ઈસ્લામિક અણુ બોમ્બ બનાવવા માટે ઘાસ ખાવા જેવી કુરબાનીઓની વાતો કરી હતી. આ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને અહીં મુખ્ય પ્રવાહની પાર્ટી ગણવામાં આવે છે.

જો કે પાકિસ્તાનમાં ભુટ્ટોની ફાંસી પછી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકે આખી રાજકીય તાસિરને બદલી નાખી. પાકિસ્તાનમાં ઈસ્લામિક કટ્ટરપંથને મજબૂત કરતી નીતિઓ અપનાવી. ઝીયા-ઉલ-હકે ભારત સામે નફરત ભરી નીતિઓથી પાકિસ્તાની સમાજનું વધુ બ્રેન વોશ કર્યું. પાકિસ્તાની સેનાના માઈન્ડ સેટને ભારત સામે બદલો લેવા માટે અને ભારતીય ઉપખંડમાં ઈસ્લામિક પ્રવૃતિઓ તેજ બનાવીને આધિપત્ય સ્થાપિત કરવાની નીતિઓ અપનાવી હતી.

પાકિસ્તાનના ઘણી થિંક ટેન્ક ભારતનું હાલનું વિશાળ કદ ઘટાડવાની રણનીતિ પર પાકિસ્તાની સેનાને કામ કરવા માટે બ્રેઈન સ્ટોર્મિંગ કરતી રહી છે. પાકિસ્તાનની કટ્ટરપંથી ઈસ્લામિક થિન્ક ટેન્ક ભારતને ત્રણ કે ચાર ટુકડામાં વહેંચવા માટેની સામરીક રણનીતિ પર વર્ષોથી કામ કરી રહી છે. જેના ભાગરૂપે જનરલ ઝીયા-ઉલ-હકે  અને ત્યાર પછી પાકિસ્તાનમાં સત્તા પર આવનારા તમામ શાસકોએ ભારતમાં અલગતાવાદી પ્રવૃતિઓ કરનારા સંગઠનો અને વિચારધારાને નૈતિક, આર્થિક અને લશ્કરી ટેકો આપીને પ્રોક્સી વોર શરૂ કર્યું છે. આ પ્રોક્સી વોર હજી પણ ચાલુ છે.

ભુટ્ટોના શાસનકાળમાં પાકિસ્તાનમાં રાષ્ટ્રીયકરણના તબક્કામાં શરીફ ખાનદાનની સ્ટીલ ફેક્ટરીને સરકારે લઈ લીધી હતી. જેના કારણે  ઉદ્યોગપતિ જૂથના નબીરા નવાઝ શરીફે પાકિસ્તાનની રાજનીતિમાં પાપા પગલી ભરવાની શરૂ કરી. નવાઝ શરીફ ભુટ્ટો અને તેમની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઘોર વિરોધી છે. આ વાત તેઓ જાહેરમાં અનેક વખત કહી ચુક્યા છે. નવાઝ શરીફે ઈસ્લામિક કટ્ટરવાદી તાનાશાહ જનરલ ઝીયા-ઉલ-હકની આંગળી પકડી હતી. તેઓ પહેલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નાણાં મંત્રી બન્યા અને બાદમાં તેના મુખ્યમંત્રી પણ બન્યા.

ઓગસ્ટ-1988માં રહસ્યમયી વિમાન દુર્ઘટનામાં જનરલ ઝીયા-ઉલ-હકનું મૃત્યુ થયું. ત્યારે પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણીમાં નવાઝ શરીફે કટ્ટરપંથી ઝીયાના એજન્ડાને આગળ વધારવા માટે વોટ માંગ્યા હતા. તેઓ પાકિસ્તાનની સૌથી વધારે કટ્ટર દક્ષિણપંથી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના નેતા છે. તેમને પાકિસ્તાનના કટ્ટરપંથી સંગઠનો અને નેતાઓનો હંમેશાથી ખુલ્લો ટેકો રહ્યો છે. જો કે તેઓ 1988માં બેનઝીર ભુટ્ટોને સત્તા પર આવતા રોકી શક્યા નહીં.

નવાઝ શરીફે બેનઝીર ભુટ્ટોની સરકારને ઉથલાવવા માટે વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી જૂથોની મદદ લેવાની શરૂઆત કરી. તે સમયે શરીફે અમેરિકા દ્વારા પાકિસ્તાનના એબોટાબાદમાં સિક્રેટ ઓપરેશનમાં ઠાર કરાયેલા ઓસામા બિન લાદેનની મદદ લીધી હતી. ઓસામા બિન લાદેન પાકિસ્તાનના મરહૂમ શાસક ઝીયા-ઉલ-હક દ્વારા સ્થપાયેલી ઈસ્લામિક જમ્હુરી ઈત્તેહાદ (આઈજેઆઈ)નો કટ્ટર સમર્થક હતો. નવાઝ શરીફ તે વખતે આઈજેઆઈના અધ્યક્ષ હતા. આઈએસઆઈના ભૂતપૂર્વ અધિકારી ખાલિદ ખ્વાજાના ખુલાસા પ્રમાણે, શરીફ ઓસામાને સાઉદી અરેબિયામાં તેમની હાજરીમાં ત્રણ વખત મળ્યા હતા. ઓસામાએ શરીફને ભુટ્ટો સરકારને ઉથલાવવા માટે ફંડ પણ આપ્યું હતું.

1990થી 1993 સુધી નવાઝ શરીફ પહેલી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા. તેમના પ્રથમ કાર્યકાળમાં પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામીકરણ માટેની કમિટીઓ અને જેહાદી તંત્રને ઉભું કરવામાં આવ્યું હતું. ભારતના અંડરવર્લ્ડના મુસ્લિમ માફિયાઓ સાથે પણ સંપર્કો સ્થાપિત કરવામાં આવ્યા હતા. નવાઝ શરીફને તેમની જેહાદી નીતિઓને કારણે પાકિસ્તાની સેના અને કટ્ટરપંથીઓનો ભરપૂર સાથ મળ્યો હતો.

ભારતમાં 1993માં મુંબઈ ખાતે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. ભારતમાં બોમ્બ બ્લાસ્ટથી આતંકની પહેલી શરૂઆત વખતે પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. પાકિસ્તાને તે વખતે કુખ્યાત માફિયામાંથી આંતરરાષ્ટ્રીય આતંકવાદી બનેલા દાઉદ ઈબ્રાહીમને ભારત વિરોધી પ્રવૃતિઓ માટે છૂટોદોર આપ્યો હતો. મુંબઈ વિસ્ફોટ માટે જવાબદાર ટાઈગર મેમણને પાકિસ્તાનમાં શરણ પણ શરીફની સરકારે જ આપ્યું હતું. જો કે શરીફ અને તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપિત વચ્ચે ખટરાગ ચરમસીમાએ પહોંચતા પાકિસ્તાની સેનાના કહેવાથી શરીફે પદનો ત્યાગ કર્યો હતો.

બીજી વખત નવાઝ શરીફ 1997થી 1999 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા. આ બીજા કાર્યકાળ દરમિયાન કટ્ટરપંથીઓના ટેકાથી સત્તા પર આવેલા શરીફે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પ્રભાવને વિસ્તરીત કરવાની રણનીતિ અપનાવી. અફઘાનિસ્તાનની તાલિબાની સરકારને દુનિયામાં સૌથી પહેલી મંજૂરી નવાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે આપી હતી. 1998માં ભારતે પાકિસ્તાનની નીતિઓને જોતા પરમાણુ પરીક્ષણ કર્યા હતા. તેના જવાબમાં શરીફે પણ પાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણો કરીને જવાબ આપ્યો હતો. ભારતના તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર બસ યાત્રા કરીને અમનનો પેગામ લઈને પાકિસ્તાન ગયા. ત્યારે પાકિસ્તાની વડાપ્રધાન તરીકે નવાઝ શરીફે વાજપેયી સાથે મીઠીમીઠી વાતો કરી, પણ પાકિસ્તાનના તત્કાલિન વિરોધપક્ષના નેતા બેનઝીર ભુટ્ટો સાથે મુલાકાત કરવા દીધી નહીં. વાજપેયીને સેલ્યુટ નહીં કરીને પાકિસ્તાની સેનાના તત્કાલિન અધ્યક્ષ જનરલ પરવેઝ મુશર્રફને પણ શરીફ તરફથી કોઈ ઠપકો મળ્યો નહીં.

બાકી નવાઝ શરીફે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ જહાંગીર કરામાતને હટાવીને પરવેઝ મુશર્રફને સેનાધ્યક્ષ બનાવ્યા હતા. શરીફ એવી ખુશફેમીમાં હતા કે પાકિસ્તાની સેના તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે અને પરવેઝ મુશર્રફ તેમના માણસ છે. પરંતુ વાજપેયીની સાથે લાહોર એકોર્ડ પર સહી કરનારા શરીફના શાસનકાળમાં જ કારગિલમાં પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં એલઓસી પાર કરીને કબજો જમાવ્યો હતો. કારગિલમાંથી પાકિસ્તાની સેનાને મારી હટાવવા માટે ભારતને 500 જેટલાં જવાનો અને અધિકારીઓના બલિદાન આપવા પડયા હતા. જો કે શરીફનો દાવો છે કે કારગીલના જંગની તેમને કોઈ જાણ હતી નહીં, પણ મુશર્રફે આખી યોજનાને પાર પાડી હતી. પરંતુ છેલ્લે થયેલા ખુલાસા અને દાવાઓ પ્રમાણે, કારગીલમાં પાકિસ્તાની સેનાની કાર્યવાહીની યોજનાની નવાઝ શરીફને પણ જાણ હતી.

કારગીલમાંથી અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને પાકિસ્તાની સેના પાછી ખેંચવા માટે શરીફને તાકીદ કરી હતી. જેના કારણે શરીફે પાકિસ્તાની સેનાને ભારતીય વિસ્તારો છોડીને પાછા ફરવાનો આદેશ કર્યો હતો. કારગીલ યુદ્ધ પછી જનરલ મુશર્રફ શ્રીલંકા ગયા હતા. ત્યારે શરીફે મુશર્રફના વિમાનને કરાચીમાં ઉતરાણ કરવા દીધું નહીં. જેના કારણે પાકિસ્તાની સેનાએ તખ્તાપલટ કરી અને મુશર્રફ સત્તા પર આવતા શરીફને સાઉદી અરેબિયાના જેદ્દામાં વિસ્થાપિત થવું પડયું હતું.

મુશર્રફે પાકિસ્તાનની સત્તા છોડયા પછી છેક 2013માં નવાઝ શરીફ પાકિસ્તાન આવીને ચૂંટણી લડી શક્યા. 2013માં નવાઝ શરીફ પાકિસ્તાનના ત્રીજીવાર વડાપ્રધાન બન્યા છે. નવાઝ શરીફની જીતમાં તહેરીકે તાલિબાન અને અહલે-સુન્નત-વલ-જમાત (એએસડબલ્યૂજે) જેવા કટ્ટરપંથી સંગઠનોનો ખુલ્લો ટેકો મળ્યો છે. સુન્ની કટ્ટરપંથી સંગઠન લશ્કરે જાંગવીની માતૃ સંસ્થા અહલે-સુન્નત-વલ-જમાત છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ મુખ્યમંત્રી છે. પાકિસ્તાની પંજાબની શાહબાઝ શરીફની સરકાર ખુલ્લેઆમ ભારત વિરોધી આતંકવાદી જૂથોને સરકારી રાહે નાણાંકીય સહાય કરે છે. લશ્કરે તોઈબાનો કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ 2008ના મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને અમેરિકી સરકારે તેના પર મોટું ઈનામ જાહેર કર્યું છે. હાફિઝ સઈદને 6 સપ્ટેમ્બરે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં વડાપ્રધાન નવાઝ શરીફે હજારો જેહાદીઓની રેલી કરવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાન નેશનલ ડિફેન્સ ડેના રોજ હાફિઝ સઈદની રેલીમાં ભારત અને હિંદુઓ સામે ખૂબ જલદ વિષવમન કરાયચું હતું. શરીફની સરકાર પાકિસ્તાન શરીયત પ્રમાણે ચલાવવાની કટ્ટરપંથીઓ સામે બિલકુલ ખામોશ છે. શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) ઈસ્લામિક કટ્ટરપંથીઓ અને જેહાદીઓને રાજકીય તંત્રમાં સ્થાન અપાવવાની તરફેણ કરે છે. શરીફ અફઘાનિસ્તાનના માનવતા વિરોધી તાલિબાનો સાથે વાતચીતની  કરવાની વાત કરીને અમેરિકી લશ્કરી કાર્યવાહીને આડે પાટે લઈ જવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. 2014માં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી પાછી ફરશે, ત્યારે ભારત પર જેહાદી આતંકનો ખતરો ઘેરો બની રહ્યો છે. તેવા સંજોગોમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના જેહાદી નેટવર્કને તોડવાને સ્થાને શરીફ સરકાર તેમને સરકાર અને રાજકીય તંત્રનો ભાગ બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. આવા સંજોગોમાં ભારત સામે ઘણો મોટો ખતરો ઝળુંબી રહ્યો છે.

ભારતમાં 16મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ભાજપ અને એનડીએની નવી સરકાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવી છે. વડાપ્રધાન પદે શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિમાં પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે ભાગ લીધો છે. પરંતુ શરીફે ભારતના નવા વડાપ્રધાનને ટેલિફોન પર જીત માટે અભિનંદન પાઠવતા પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું. તેના જવાબમાં ભારત તરફથી નવી સરકારે  સાર્ક દેશોના પ્રમુખો સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને પણ સત્તાવાર આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ શરીફે આ આમંત્રણ પર નિર્ણય લેવામાં 72 કલાક જેટલો લાંબો સમય લીધો. માનવામાં આવે છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ અને પાકિસ્તાની પંજાબના મુખ્યમંત્રી શાહબાઝ શરીફ સાથે બેઠકો બાદ તેઓ ભારત આવવાનો નિર્ણય કરી શક્યા હતા.

પરંતુ શપથવિધિ દરમિયાન નવાઝ શરીફની બોડી લેન્ગવેજ ઘણી વિચિત્ર હતી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરજઈ જ્યારે શપથ વિધિમાં આવ્યા, ત્યારે ભારતીય પરંપરા હેઠળ નમસ્કારની મુદ્રા સાથે પ્રવેશ્યા હતા. બીજા દિવસે વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીને મળ્યા, ત્યારે પણ કરજઈ નમસ્કારની મુદ્રામાં ગર્મજોશીથી તેમને મળ્યા હતા. પરંતુ નવાઝ શરીફે બધી જગ્યાએ સલામ કરીને લોકોનું અભિવાદન કર્યું. પરંતુ અહીં ફરક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓની માનસિકતાનો છે. અફઘાનિસ્તાનમાંથી ભૂતકાળમાં ભારત પર અનેક ભીષણ આક્રમણો થયા છે. પરંતુ હાલના અફઘાનિસ્તાનના શાસકોમાં કોઈ કટ્ટરતા કે ભારત વિરોધી ભાવના દેખાતી નથી. પરંતુ પાકિસ્તાનના ભારત આવનારા દરેક નેતાઓ ભારતમાં આવીને તેમના વ્યવહારમાં ઈસ્લામિક કટ્ટરવાદી માનસિકતા દર્શાવતા રહે છે.

શરીફે દિલ્હીની જામા મસ્જિદની મુલાકાત લીધી, અહીં નમાઝ પઢી. દિલ્હીની જામા મસ્જિદના ઈમામ બુખારીને નવાઝ શરીફે મળીને પાકિસ્તાન આવવાનું આમંત્રણ આપ્યું છે. ઈમામ બુખારીએ આમંત્રણનો સ્વીકાર પણ કર્યો છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે ઈમામ બુખારી તેમની કોમવાદી માનસિકતા માટે કુખ્યાત છે. તેમણે હાલની લોકસભાની ચૂંટણીમાં સેક્યુલર વોટરોએ કોંગ્રેસને વોટ કરવો જોઈએ કહીને મુસ્લિમ મતદાતાઓને વોટિંગ કરવાની દિશા દર્શાવી હતી. શ્રી મોદી, ભાજપ અને આરએસએસ માટે હંમેશા વિષવમન કરનારા ઈમામ બુખારીની માનસિકતાથી આખો દેશ પરિચિત છે.

ત્યારે દેશે સાવધાન રહેવાની જરૂર છે, પાકિસ્તાનના નવાઝ શરીફ ભારત માટે ક્યારેય શરીફ રહ્યા નથી. વાજપેયી જેવા કવિ હ્રદય વડાપ્રધાન શરીફથી ભૂતકાળમાં છેતરાયા છે. પરંતુ આ ઈતિહાસનું પુનરાવર્તન થાય નહીં તેવી દરેક હિંદુની હ્રદયની લાગણીઓ છે. વળી, પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ રાહીલ શરીફ પણ નવાઝ શરીફ સાથે સંબંધો ધરાવે છે. પરંતુ તેમણે પણ કાશ્મીરને પાકિસ્તાનની ધોરી નસ ગણાવીને કોઈપણ આક્રમણનો જવાબ આપવાની વાત કરીને યુદ્ધખોર માનસિકતા પ્રદર્શિત કરી છે. કાશ્મીર મુદ્દે યુદ્ધનું નિવેદન આપીને નવાઝ શરીફ ખુદ ફરી ગયા છે. આ બંને શરીફોના સત્તા પર આવતા જમ્મુ-કાશ્મીર ખાતે એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા 120થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ થયો છે. ભારતના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઈ મોદીની શપથવિધિ વખતે પણ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા હતા. શરીફની ભારત મુલાકાત દરમિયાન કુલ ત્રણ વખત પાકિસ્તાની સેનાએ ભારતીય સેના પર ફાયરિંગ કર્યા છે. ત્યારે પાકિસ્તાનના ઈરાદા અને બેવડા વલણો સ્પષ્ટ થઈ રહ્યા છે. ભારતની નવી સરકારે પણ નવા યુગમાં પાકિસ્તાન સામેની નીતિઓની સ્પષ્ટતાનો પાકિસ્તાનના શરીફોને અનુભવ થાય તેવી રણનીતિ પર કામ કરવું રાષ્ટ્રહિતમાં જરૂરી છે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ વ્યૂહાત્મક બની 100% મતદાન કરે

-         પ્રસન્ન શાસ્ત્રી
ભારતનું રાજકારણ ઘણું જટિલ છે. ભારતમાં બ્રિટિશ મોડેલ પ્રમાણેની સંસદીય લોકશાહી અમલમાં છે. દેશની લોકશાહીને લૂંટશાહીમાં તબ્દીલ કરનારા સત્તાના દલાલો તેને શ્રેષ્ઠ ગણાવતા થાકતા નથી. પરંતુ કેટલાંક કરોડની વસ્તી ધરાવતા યૂરોપિયન દેશ ઈંગ્લેન્ડની રાજવ્યવસ્થાને કરોડોની આબાદીવાળા એશિયન દેશ ભારતમાં અમલી બનાવતા કેટલીક ખામીઓ ઉજાગર થઈ છે. બ્રિટિશ મોડેલની ઉજાગર થયેલી ખામીઓ ભારતની રાજવ્યવસ્થા દેશને સંપૂર્ણપણે અનુકૂળ નહીં હોવાની અથવા તેમા હજી પણ આ શાસનવ્યવસ્થાને રાષ્ટ્ર માટે યોગ્ય બનાવવા માટે ઘણો અવકાશ હોવાની વાત તરફ ઈશારો કરે છે. જાણકારો જણાવે છે કે ભારતના લોકતંત્રને રાજકારણના વચેટિયાઓએ ભ્રષ્ટતંત્ર બનાવી દીધું છે. જેના કારણે દેશની જનતામાં રાજકારણ અને રાજકારણીઓ પ્રત્યે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ભારતની લોકશાહીની ખામી કહો કે દેશના રાજકારણીઓની કરણી કહો, પણ આપણી લોકશાહીમાં રાજકીય વિકલ્પો વચ્ચે પણ લોકોને સતત વિકલ્પવિહીનતાનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે એક રોષનું વાતાવરણ છે.

આઝાદીની ચળવળ વખતે મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના પરિણામે દેશના ભાગલા થયા. કોંગ્રેસની નીતિઓને કારણે મુસ્લિમો દેશના ખાસ આદમી બની ગયા. જ્યારે બહુમતી હિંદુઓ દેશના (બિચારા!!) આમ આદમી બની રહ્યા. આઝાદીની ચળવળ વખતે દેશનો હિંદુ કોંગ્રેસને રાષ્ટ્રવાદી હિંદુ વિકલ્પ તરીકે જોતો હતો. પરંતુ ગાંધી-નહેરુની રાહબરી હેઠળ કોંગ્રેસે પોતાની મુસ્લિમોમાં સ્વીકાર્યતા દેખાડવા માટે હિંદુઓના ભોગે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલુ રાખી હતી. દેશના આમ આદમી હિંદુઓને તત્કાલિન કોંગ્રેસી નેતાઓએ રાજકીય રીતે ભરમાવી રાખ્યા. બીજું એક હજાર વર્ષની તુર્ક-અફઘાન-મોગલ-બ્રિટિશ ગુલામીમાં હિંદુઓમાં રાજકારણ પ્રત્યે ઉપેક્ષાનો ભાવ પણ પેદા થયો હતો. હિંદુઓની ઉપેક્ષા અને બેધ્યાનપણાને કારણે દેશની રાજનીતિ મનસ્વી બની. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આર્થિક દ્રષ્ટિએ ઉચ્ચ સાક્ષરતા ધરાવતો હિંદુ સમાજ પોતાના સામૂહિક રાજકીય હિતોને જોઈ શકે તેવી બહાદૂરીભરી રાજકીય સાક્ષરતા દાખવી શક્યો નહીં.

જેના કારણે રાષ્ટ્રવાદી હિંદુનું મહોરુ પહેરેલા, પણ મુસ્લિમ તુષ્ટિકરણની નીતિને વરેલા નેતાઓ અને કોંગ્રેસ-કમ્યુનિસ્ટ પાર્ટી જેવા રાજકીય પક્ષો વચ્ચે હિંદુ સમાજ અટવાતો રહ્યો. તેમ છતા પાકિસ્તાનના પેદા થયા પછી હિંદુઓમાં કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પની એક આકાંક્ષા હતી. પરંતુ દેશના રાજકીય માળખા અને વ્યવસ્થા પર ઉપરથી નીચે સુધી ગાંધીવાદી દંભમાં ડૂબેલા કોંગ્રેસી મોડલે પકડ જમાવી દીધી. જેના કારણે 1947થી 1977 સુધી કેન્દ્રની એકહથ્થુ સત્તા કોંગ્રેસ અને ખાસ કરીને ગાંધી-નહેરુ પરિવારના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી કેન્દ્રીત બની ગઈ હતી. ઈન્દિરા ગાંધી દ્વારા લોકશાહીને ટૂંપો દેવાયો અને કટોકટી જાહેર થઈ હતી. પરંતુ તે પહેલા ભ્રષ્ટાચારના મુદ્દે લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશમાં નવા રાજકીય વિકલ્પ માટે વાતાવરણ પેદા કર્યું હતું.

કટોકટી વિરુદ્ધના આંદોલનોમાં સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોની મોટી ભૂમિકા હતી. તો કોંગ્રેસ સામે અન્ય રાજકીય પક્ષો જયપ્રકાશ નારાયણના વડપણ હેઠળ એકઠા થયા હતા. તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા મનસ્વીપણે લાગુ કરાયેલી કટોકટી જનવિરોધના કારણે પાછી ખેંચીને લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરવાની ફરજ પડી હતી. આ ચૂંટણીમાં પહેલી વખત દેશની જનતાએ કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે મુખ્યત્વે જનતા પાર્ટીને પસંદ કરી હતી. પરંતુ સત્તાની સાઠમારીના કોંગ્રેસી મોડલમાં ઉછરેલા નેતાઓ કોંગ્રેસનો વિકલ્પ બની શક્યા નહીં. તેણે સાબિત કર્યું કે દેશમાં કોંગ્રેસ માત્ર રાજકીય પક્ષ નથી, પરંતુ રાજકીય મોડલ છે. 1980ની ચૂંટણીમાં ફરીથી ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સત્તા પર આવી. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉઠેલા સિમ્પથી વેવમાં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસ બહુમતી મળી. ત્યારે લાગતું હતું કે કોંગ્રેસનો રાજકીય વિકલ્પ પેદા થઈ શકશે નહીં.

પરંતુ બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીનું નામ ઉછળ્યા બાદ સંરક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપનારા વિશ્વનાથ પ્રતાપસિંહના નેતૃત્વમાં ફરીથી કોંગ્રેસના રાજકીય વિકલ્પની શોધ શરૂ થઈ. વી. પી. સિંહની આગેવાની હેઠળ જનતાદળ-ભાજપનું ગઠબંધન થયું. 1989માં વી. પી. સિંહ વડાપ્રધાન બન્યા. જો કે ભાજપની સફળતા પાછળ તેની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની હિંદુ વિચારધારાનો ઘણી મોટી ભૂમિકા હતી. એક તરફ શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં દેશના આમ આદમી હિંદુઓએ આપેલી અભૂતપૂર્વ બહુમતીના જારે મુસ્લિમો ઈચ્છા પ્રમાણે તેમની તરફેણમાં પલટાવી નાખ્યો હતો. તેની સામે હિંદુઓમાં વિરોધનું વાતાવરણ હતું. આ સાથે ભાજપે હિંદુઓની રાજકીય આકાંક્ષાઓને વાચા આપવાની શરૂઆત કરી. અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે શિલાપૂજનના કાર્યક્રમોએ હિંદુત્વવાદી વાતાવરણ તૈયાર કર્યું હતું. જેની અસર દેશના રાજકારણ પર પડી રહી હતી. હિંદુ લાગણીઓને તત્કાલિન ભાજપ થકી રાજકીય મંચ ઉપલબ્ધ થઈ રહ્યો હતો.
જો કે વી. પી. સિંહએ હિંદુત્વવાદી વાતાવરણનો તોડ અનામતના મંડલ કમિશનના રાજકારણમાં શોધ્યો. તેની સામે ભાજપે પણ હિંદુત્વની રાજનીતિને તેજ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદના રામજન્મભૂમિ આંદોલનને લાલકૃષ્ણ અડવાણીએ ટેકો જાહેર કર્યો. ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની 10 હજાર કિલોમીટરની રામરથયાત્રા ચાલુ કરી હતી. જેના કારણે તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહની સરકાર હલબલી ઉઠી હતી. જનસમર્થન પોતાની પાસેથી ખસીને હિંદુત્વના રામરથ પર સવાર ભાજપ તરફ ખસી રહ્યું હતું. બિહારના સમસ્તીપુર ખાતે તત્કાલિન જનતાદળના લાલુપ્રસાદ યાદવે અડવાણીની રથયાત્રાને રોકીને તેમની ધરપકડ કરી. તેની સાથે ભાજપે ટેકો પાછો ખેંચતા વી. પી. સિંહની જનતાદળ સરકારનું પતન થયું. ચંદ્રશેખરના નેતૃત્વમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર ટૂંકાગાળા માટે સત્તા પર આવી. 1991-92માં જનતાએ ફરીથી વિકલ્પો વચ્ચે વિકલ્પવિહીનતાની સ્થિતિમાં જનતાદળથી મોહભંગ થઈને કોંગ્રેસને મત આપ્યા.

જો કે આ સમયગાળામાં દેશમાં હિંદુ લાગણીઓ જોર પર હતી અને હિંદી બેલ્ટમાં અસરકારક હિંદુ વોટબેંક અસ્તિત્વમાં હતી. જેના કારણે અહીં ભાજપને ઘણું સારું સમર્થન મળ્યું હતું. પરંતુ કોંગ્રેસને દક્ષિણ ભારતમાંથી સારો ટેકો મળ્યો. તેની પાછળ તમિલનાડુના શ્રીપેરામ્બદૂર ખાતે રાજીવ ગાંધીની એલટીટીઈની આત્મઘાતી દ્વારા કરાયેલી હત્યાની ઘણી મોટી ભૂમિકા હતી. જો કે રાજીવ ગાંધીની હત્યા કોંગ્રેસ માટે ઈન્દિરા ગાંધીની હત્યા જેવો સિમ્પથી વેવ પેદા કરી શકી નહીં. કારણ કે હિંદી બેલ્ટમાં રામજન્મભૂમિ આંદોલનના કારણે હિંદુત્વવાદી વોટબેંક તૈયાર થઈ ચુકી હતી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર લઘુમતી સરકાર હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી. પણ તેને પૂર્ણ બહુમતી મળી ન હતી. 1996માં ભાજપ હિંદુ વોટબેંકના આધારે સૌથી મોટો પક્ષ બન્યો. ભાજપના નેતા અટલ બિહારી વાજપેયી 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. વાજપેયી ભારતમાં સૌથી પહેલા બિનકોંગ્રેસી મૂળ ધરાવતા વડાપ્રધાન હતા. અહીંથી દેશના આમ આદમી એવા હિંદુઓએ મુસ્લિમોને ખાસ બનાવતી રાજનીતિ કરતી કોંગ્રેસને જાકારો આપવાની રાષ્ટ્રનીતિને પ્રભાવીપણે લાગુ કરી.

1998-99માં ભાજપ ફરીથી દેશનો સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટણીમાં જીત મેળવી. ત્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો અને સમાન નાગરીક ધારો લાગુ કરવાની વાત સામેલ હતી. પરંતુ 24 પક્ષોના ટેકા સાથે આ ત્રણેય મુદ્દાને એનડીએના નેજા નીચે કોમન મિનિમમ પ્રોગ્રામ દ્વારા દૂર રાખવામાં આવ્યા. તેની પાછળનો હેતુ કોંગ્રેસને સત્તાથી દૂર રાખીને દેશહિતોનું વધુ નુકસાન અટકાવવાનો હતો. વાજપેયીના નેતૃત્વમાં એનડીએની સરકાર છ વર્ષ ચાલી. કોંગ્રેસના રાજકીય વિકલ્પ તરીકે ભાજપની આ સફળતા હતી.

પરંતુ હિંદુત્વના મુદ્દાઓ પર બાંધછોડે ફરીથી હિંદુ વોટબેંકને વિહવળ બનાવી દીધી. જો કે તેની પાછળ દેશમાં રૂઢિગત બનેલુ કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હતું. ભારતની રાજનીતિમાં મૂળથી માંડીને ટોચ સુધી કોંગ્રેસના ડીએનએ ધરાવતા નેતાઓની સતત પકડ રહી છે. જેના કારણે કોંગ્રેસના સત્તા પરથી જવા છતાં કોંગ્રેસનું રાજકીય મોડલ પ્રભાવી રહે છે. જેનો અનુભવ બિનકોંગ્રેસી રાજકીય મૂળ ધરાવતા અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારને પણ થયો હતો. હિંદુ આકાંક્ષાઓને કેટલીક ઘટનાઓની પૃષ્ઠભૂમિમાં દબાવી દેવાની પ્રવૃતિ રાજકીય સ્તરે તેજ બની હતી. જેના કારણે રામજન્મભૂમિ આંદોલન વખતે તૈયાર થયેલી હિંદુત્વવાદી વોટબેંક હિંદી બેલ્ટથી આગળ વધવાને સ્થાને વિખેરાવા લાગી. 2004ની લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામ ભાજપને ભોગવવા પડયા. 2004થી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી. વિખેરાયેલી હિંદુ વોટબેંક ફરીથી પ્રભાવી બનાવવા માટે પ્રયત્ન નહીં કરાતા 2009માં પણ ફરીથી કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર સત્તા પર આવી.
2014ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે દેશમાં મુસ્લિમ તુષ્ટિકરણની કોંગ્રેસી નીતિઓના ઓવરડોઝથી આમ હિંદુ ત્રસ્ત બન્યો છે. તેની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુનાખોરી સહીતના મુદ્દાઓ પણ આમ હિંદુઓમાં કોંગ્રેસ વિરોધી લહેર પેદા કરનારા બન્યા છે. જેના કારણે રાજકીય ઉપેક્ષાનો ભોગ બનેલી હિંદુ આકાંક્ષાઓ ફરીથી એકજૂટ બની છે. દેશમાં ફરીથી કટોકટી સમયની લહેર હોવાની વાત રાજકીય જાણકારો કરી રહ્યા છે.

આ હિંદુ આકાંક્ષાઓ ફરીથી વોટબેંકનું સ્વરૂપ ધારણ કરી શકે છે. 2011માં અણ્ણા હજારેના નેતૃત્વમાં શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી જનલોકપાલ બિલ માટેના આંદોલને જનઆકાંક્ષાઓને ફરીથી સડકથી સંસદ સુધી આંદોલિત કરી હતી. આ જનઆકાંક્ષાઓમાં હિંદુ રાજકીય વિકલ્પનો અંડરકરંટ પણ દેખાયો હતો. જો કે અણ્ણા હજારેના આંદોલનનો ઉપયોગ કરીને ભાજપ અને કોંગ્રેસ સિવાયના રાજકીય વિકલ્પ તરીકે કમ્યુનિસ્ટ વિચારસરણી તરફ ઝોક ધરાવતા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 9 માસ જૂની આમ આદમી પાર્ટીને 70માંથી 28 બેઠકો મળી. ભાજપ દિલ્હીમાં 32 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો. પરંતુ કોંગ્રેસના આઠ ધારાસભ્યોના ટેકાથી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી બનીને દિલ્હીમાં 49 દિવસ સરકાર ચલાવી. ત્યાર બાદ જનલોકપાલ બિલ દિલ્હીની વિધાનસભામાં રજૂ કરવાના મુદ્દે ઉભી થયેલી બંધારણીય અંટસના પરિણામે તેમણે રાજીનામું આપ્યું. આ વખતેની લોકસભની ચૂંટણીમાં તેઓ પણ મેદાનમાં છે.

પરંતુ ભારતના આમ હિંદુ મતદાતાઓએ પોતાના વિવેક પ્રમાણે વિચારવાનો સમય છે કે શું દેશમાં હાલ કોઈ હિંદુ રાજકીય વિકલ્પ ઉપલબ્ધ છે અથવા આગામી સમયમાં કોઈ હિંદુત્વવાદી રાજકીય વિકલ્પનો ગર્ભ  બની શકે છે? તેવા સંજોગોમાં હાલ ઉપલબ્ધ રાજકીય વિકલ્પોમાંથી હિંદુ મતદાતાઓએ રાષ્ટ્રહિતમાં મહત્વનો નિર્ણય કરવાનો છે. આમ આદમી પાર્ટીની પૃષ્ઠભૂમિમાં રહેલા અણ્ણા હજારેના આંદોલન વખતે કોંગ્રેસી મોડેલ હેઠળની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિઓ દેખાઈ હતી. એક તરફ અણ્ણા હજારે અનશન કરી રહ્યા હતા અને બીજી તરફ મુસ્લિમોને પોતાની તરફ ખેંચવા માટે અણ્ણાના તત્કાલિન ટેકેદારો અનશન સ્થાને ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા હતા. અણ્ણાના મંચ પર મુસ્લિમ પ્રતિનિધિત્વ દેખાડવાનો પ્રયત્ન કરાયો હતો. અણ્ણાના આંદોલનની શરૂઆતમાં મંચ પર દેખાયેલી ભારતમાતાના તસવીર આંદોલનના છેલ્લા તબક્કામાં ગાયબ થઈ હતી...તો દિલ્હીની જમા મસ્જિદના ઈમામ બુખારીનું સમર્થન લેવા માટે અરવિંદ કેજરીવાલે અંદાજે અઢી કલાક સુધી રાહ જોઈ હતી. જો કે ત્યાર બાદ પણ તેમને ખાલી હાથે પાછા ફરવું પડયું હતું.


આમ આદમી પાર્ટીની જાહેરાત બાદ પણ મુસ્લિમ સમર્થન માટે અરવિંદ કેજરીવાલના હવાતિયાં જગજાહેર છે. મુઝફ્ફરનગર ખાતેના હુલ્લડો બાદ કેજરીવાલ હુલ્લડખોર મનાતા તૌકીર રજા નામના શખ્સને રાજકીય ટેકા માટે મળ્યા હોવાનું મનાય છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે સોગંદવિધિ દરમિયાન સેક્યુલર દેખાવા માટે કેજરીવાલે પોતાના ભાષણમાં ઈશ્વર સાથે અલ્લાહનો વારંવાર ઉપયોગ કર્યો હતો. જો કે મુસ્લિમ અનામતની તરફદારી કરતા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહીતના પક્ષોની એક અલગ પ્રકારની રાજકીય સંસ્કૃતિ પેદા થઈ છે. આ દોડમાં ભાજપે પણ મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે થોડાઘણાં પ્રયત્નો કર્યા હોવાનું ઘણાં લોકો માની રહ્યા છે. આમાના ઘણાની લાગણી છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે અને કોંગ્રેસ આઝાદી પહેલાની મુસ્લિમ લીગ બની ગઈ છે. પરંતુ આ તમામની પાછળ ભારતમાં મૂળ સુધી પ્રસરેલું કોંગ્રેસનું રાજકીય મોડલ જવાબદાર હોવાની વાત હિંદુ મતદારોએ ધ્યાનમાં રાખવા જેવી છે. અત્યારે ઘણાં હિંદુ મતદારો ઘોષિત હિંદુ રાજકીય વિકલ્પનો અભાવ અનુભવી રહ્યા છે. તેમ છતાં તેમણે કોંગ્રેસના રાજકીય મોડેલને ખતમ કરવા માટે વ્યૂહાત્મક મતદાન કરવાની રાષ્ટ્રીય હિતોની પૂર્તિ માટે જરૂરિયાત ઉભી થઈ છે. ત્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં હિંદુઓ બિનકોંગ્રેસી રાજકીય વિકલ્પ માટે ફરીથી સક્રિય બને તે જરૂરી છે. ત્યારે દેશના હિંદુ મતદારોએ રાષ્ટ્રીય હિતમાં વ્યૂહાત્મક રીતે વિચારવું આવશ્યક છે. ત્યારે હિંદુઓનું વ્યૂહાત્મક રીતે પ્રવર્તમાન રાજકીય વિકલ્પોમાંથી હિંદુ રાજકીય વિકલ્પ તરીકે નજીકના પક્ષ કે મોરચાના ઉમેદવારની તરફેણમાં 100 ટકા મતદાન ભારતને નવી સંભાવનાઓ તરફ આગળ લઈ જઈ શકશે.

સોમવાર, 25 નવેમ્બર, 2013

હિંદુ જીવનપદ્ધતિથી વિશ્વ અને ભારતનું કલ્યાણ થશે

- પ્રસન્ન શાસ્ત્રી
દરેક દેશનું પોતાનું માનસ અને માનસિકતા હોય છે. આ માનસ અને માનસિકતા દેશનો પોતાનો તર્ક તથા દ્રષ્ટિકોણ આપે છે. જેનાથી ઘડાયેલી દિશાઓ દેશના ભાવિને એક સુનિશ્ચિત, યોગ્ય અને સાચી દિશા આપે છે. ભારત એક દેશ જ નહીં, પણ વેદકાળથી એક રાષ્ટ્ર છે. જેમ શરીરમાં આત્માનો વાસ હોય ત્યાં સુધી તે જીવંત રહે છે. તેવી રીતે રાષ્ટ્ર અને રાષ્ટ્રપુરુષની ચિત્તિ હોય છે. આ ચિત્તિ જ્યાં સુધી જીવંત અને સુવ્યવસ્થિત છે, ત્યાં સુધી રાષ્ટ્ર પોતે સુવ્યવસ્થિતપણે જીવંત રહી શકે છે. યૂનાન, મિસર, રોમ જેવા મહાકાય રાજ્યોનું આજે તે સ્વરૂપમાં નામોનિશાન નથી. પરંતુ ભારતનું અસ્તિત્વ અપાર સંકટ સામે પણ અડિખમ રહ્યું છે. જો કે એ વાત એટલી જ સાચી છે કે ભારત સંકટોના વાવાઝોડાઓમાં સમય-સમય પર ખંડિત પણ બન્યું છે. છતાં ભારતની એક રાષ્ટ્ર તરીકેની ચિત્તિ તેને અકબંધ રાખે છે.

નીતિઓ દેશને સાચી કે ખોટી દિશામાં લઈ જવા માટે જવાબદાર હોય છે. ભારતનું લક્ષ્ય વેદકાળથી ઋષિ-મુનિઓએ નક્કી કર્યું છે. વિશ્વનું કલ્યાણ કરવું ભારતનું એક રાષ્ટ્ર તરીકેનું લક્ષ્ય છે. વિશ્વના કલ્યાણની સદઈચ્છા રાખવા માટે ભારતે વિશ્વગુરુ જેવા સમ્માનીય સ્થાને પહોંચવું પડે કે જે ક્યારેક ભારતનું વિશ્વમાં હતું. પરંતુ અત્યારની સમાજનીતિ, આર્થિકનીતિ, રાજનીતિ, વાણિજ્યનીતિ, કૃષિનીતિ કે કૂટનીતિ ભારતને આ સ્થાન પર પહોંચાડી શકે તેમ નથી. તેની પાછળ એક જ કારણ જવાબદાર છે. ભારતની નીતિઓ ભારતના માનસ અને માનસિકતા પ્રમાણે બનાવાતી નથી. ભારતની નીતિઓ બનાવતી વખતે અમેરિકા, યૂરોપ કે ચીન જેવા દેશોને આદર્શ તરીકે સ્થાપિત કરવામાં આવે છે. જેના કારણે ભારતને કલ્યાણકારી ભૂમિકામાં લાવવા માટે કોઈ પ્રગતિ સાધી શકાતી નથી ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. પરંતુ ભારતને હજી સુધી ભારતના લોકો માટે કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરી શકાયું નથી.

ભારતની પ્રવર્તમાન ખોટી નીતિઓ તેને ખોટી દિશામાં લઈ જાય છે. જેના કારણે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક નૈતિક અધ:પતનનું એક કુચક્ર શરૂ થયું છે. જેની અસર જીવનને સાંકળતા તમામ ક્ષેત્રોમાં દેખાઈ રહી છે. ભારતના નીતિનિર્ધારકો ખંડિત આઝાદીના કાળથી નીતિ-નિર્ધારણમાં વિદેશની નકલ કરતા આવ્યા છે. ભારતે શરૂઆતમાં કમ્યુનિસ્ટ સોવિયત સંઘની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક નીતિઓની નકલ કરવાની શરૂઆત કરી. ખંડિત આઝાદીકાળથી ભારતે બ્રિટિશ રાજકીય મોડલને સ્વીકાર્યું છે. તેની સાથે 80ના દાયકાના મધ્યભાગથી યૂરોપની આર્થિક પ્રગતિથી અંજાઈને યૂરોપના આર્થિક મોડલની નકલ કરવાનું શરૂ કર્યું. 90ના દાયકાના અંતમાં અમેરિકી આર્થિક મોડલને વૈશ્વિકરણના નામે ભારતમાં પ્રવેશવા માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી આપી.

આજે ભારતમાં ભારતનું આર્થિક ચિંતન ક્યાંય દેખાતું નથી. ભારતીય દર્શને માનવજીવનના ચાર પુરુષાર્થો ગણાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માનવજીવનના ચાર પુરુષાર્થો છે. ભારતીય દર્શન પ્રમાણે, માનવીએ અર્થ અને કામ સંબંધિત પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાની છે, પણ તેનો આધાર ધર્મ છે. ધર્મ તમામ પુરુષાર્થોના મૂળમાં છે, જ્યારે સર્વોચ્ચ અને અંતિમ પુરુષાર્થ મોક્ષ છે. જે માનવીય જીવનની આધ્યાત્મિકતાની સર્વોચ્ચ પ્રાપ્તિ છે. પશ્ચિમના શાસ્ત્રો માણસને સામાજિક પ્રાણી ગણાવે છે. જ્યારે ભારતીય દર્શન પ્રમાણે, માનવીય જીવન આધ્યાત્મિકતા માટે સર્જાયેલું છે અને તેથી માનવી આધ્યાત્મિક યોનિ છે. અહીં ધર્મનો અર્થ રિલિજયન કરીને સંપ્રદાય, પંથ કે મજહબ કરવાની માનસિકતાથી બચવા જેવું છે. ધર્મ એટલે જેને માનવી ધારણ કરે છે અને માનવી જેનાથી રક્ષાયેલો છે, તે ધર્મ. ધર્મ માણસને જીવનજીવવાની પદ્ધતિ ઘડી આપે છે. ભારતીય દર્શન પ્રમાણે, ભારતમાં જીવનજીવવાની પદ્ધતિ યુગોથી અસ્તિત્વમાં છે. કહેવામાં આવે છે કે જ્યારે દુનિયામાં માનવી રખડું જીવન ગુજરાતો હતો, તે વખતે ભારતમાં માનવીય જીવનપદ્ધતિ વિકસિત થઈ હતી. જેને આજે હિંદુ જીવનપદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.

પરંતુ ખંડિત આઝાદી મળ્યા બાદ ભારતના નીતિનિર્ધારકોની ખોટી નીતિઓ અને સ્થાપિત હિતોના પરિણામે સૌથી વધારે નિશાન હિંદુ જીવનપદ્ધતિને બનાવવામાં આવી છે. આમ જોવો તો ભારતની ઓળખ હિંદુ જીવન પદ્ધતિના કારણે ભારત કે હિંદુસ્થાન તરીકેની છે. જો આ જીવન પદ્ધતિ પર સંકટ આવશે, તો ભારતની ઓળખ પર સંકટ આવશે. પરંતુ ભારતની હિંદુ જીવનપદ્ધતિના સંરક્ષણ અને સંવર્ધન માટેની નીતિઓનો પ્રવર્તમાન ભારતની સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક નીતિઓમાં સર્વથા અભાવ દેખાય છે. નીતિઓ દેશ માટે હોય છે, દેશ નીતિઓ માટે નહીં. પરંતુ દેશના નીતિ-નિર્ધારકો એવી રીતે વરતી રહ્યા છે કે જાણે દેશ નીતિઓ માટે હોય. જેના કારણે દેશ ગુંગળાઈ રહ્યો છે. આ દેશની ગુંગણામણ આક્રોશ તરીકે દેશની જનતાના મન-હ્રદયમાં વહી રહી છે. જો તેને દિશા મળશે, તો તે આંદોલન સ્વરૂપે કોઈ મોટા પરિવર્તનની પથગામી બની શકે છે.

1992થી દેશને એક બજાર બનાવી દેવામાં આવ્યો છે. વૈશ્વિકરણ અને ઉદારીકરણના નામે અમેરિકી આર્થિક મોડલ પ્રમાણેની આર્થિક નીતિઓએ માણસનું સ્થાન વસ્તુઓને આપી દીધું છે. જેના કારણે ભારતના માનવીય જીવનમાંથી વ્યક્તિની બાદબાકી થઈ રહી છે અને વસ્તુઓની ભરમાર વધી રહી છે. જેના કારણે માનવીય સંબંધોમાં ઉષ્મા અને લાગણીની પણ બાદબાકી નજરે પડી રહી છે. હાલ ભારતમાં આર્થિક ઉન્નતિનો અર્થ થાય છે, પારિવારીક ભાવનાઓની બાદબાકી. પ્રવર્તમાન આર્થિક મોડલે ભારતમાં પરિવાર જેવી પાયાની સામાજિક સંસ્થા પર સંકટ ઉભું કર્યું છે. આ પરિવાર ભારતની હિંદુ જીવનપદ્ધતિની પ્રાથમિક સામાજિક સંસ્થા છે. દેશમાં છૂટાછેડા અને તેને પરિણામે સિંગલ પેરેન્ટિંગ, ઘરડાંઘર, એકલતા, આત્મહત્યાઓ, તણાવ, સ્વૈચ્છાચારનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે દેશમાં નૈતિકતાનું અવમૂલ્યન શરૂ થયું છે. પ્રસ્થાપિત સામાજિક મૂલ્યોને તોડવા-મરોડવામાં આવ્યા છે. લોકોની માનસિકતા બજારવાદને અનુરૂપ બનાવવા માટે પહેલું પગથિયું છે પ્રસ્થાપિત હિંદુ જીવનપદ્ધતિના મૂલ્યોને બદલવા. બીજું પગથિયું છે, જો આ મૂલ્યો બદલાય નહીં, તો તેને ખોટા ઠેરવીને આર્થિક મોડલ પ્રમાણેના મૂલ્યો માટે જગ્યા કરવી. ત્રીજું પગથિયું છે કે વ્યક્તિને ઉપભોગવાદી બનાવી દેવો જેથી તેના જીવનમાં મૂલ્યોનું કોઈ મહત્વ રહે નહીં.

ભારતના તૂટી રહેલા સમાજજીવનની અસર દેશની રાજનીતિ પર પણ પડી રહી છે. કોઈપણ દેશની રાજનીતિ તે દેશનું ભવિષ્ય ઘડતી હોય છે. તેવી રીતે ભારતનું ભવિષ્ય ભારતની રાજનીતિમાં છે. જો કે દંભી લોકો રાજનીતિને ખરાબ ગણે છે, પરંતુ કરે છે રાજનીતિ. ભારતની રાજનીતિમાં નૈતિક મૂલ્યહીનતાએ ખૂબ ખરાબ સ્થિતિ પેદા કરી છે. હાલ ભ્રષ્ટાચારના સૌથી વધારે આક્ષેપો રાજકારણ સાથે સંબંધિત છે. જનતામાં લાગણી વહી રહી છે કે આ દેશના રાજકારણીઓએ દેશને આબાદ કરવાના સ્થાને તેને બરબાદ કરી નાખ્યો. તેની સાથે દેશના રાજકારણમાં ગુંડાતત્વોનો વધતો પ્રભાવ પણ એક સમસ્યા છે. ભારતના રાજકારણીઓના સ્થાપિત હિતો સત્તા ટકાવવામાં છે અને તેના માટે તેઓ વિદેશી હિતો ધરાવતી મલ્ટીનેશનલ્સ કંપનીઓ અને કોર્પોરેટના સાથ લેતા પણ નજરે પડી રહ્યા છે. ક્યારેક ભારતના રાજકારણમાં અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને ભૂતપૂર્વ સોવિયત રશિયાની જાસૂસી સંસ્થા કેજીબીના એજન્ટોની ભરમાર હતી. પરંતુ પ્રવર્તમાન સમયમાં જુદાજુદા દેશોના આર્થિક હિતો સાથે સંકળાયેલી મલ્ટીનેશનલ્સ અને કોર્પોરેટના એજન્ટોની દેશની રાજનીતિમાં ભરમાર છે. કેટલાંક જણકારોના મતે, ભારતમાં હવે કોર્પોરેટો નક્કી કરશે કે દેશમાં સત્તા કોની પાસે રહે. કારણ કે રાજકીય પક્ષોને ફંડફાળો આપવામાં આવી કોર્પોરેટ કંપનીઓનો મોટો ફાળો હોય છે. જેના કારણે સત્તા પર આવ્યા બાદ આવા રાજકીય પક્ષો પ્રજાહિતની નહીં, પણ તેમની સાથે સંબંધિત કોર્પોરેટના હિતની નીતિઓ બનાવે છે.

આવી નીતિઓ દેશમાં ભ્રષ્ટાચાર માટે સૌથી મોટું કારણ છે. ભારતમાં છેલ્લા દશ વર્ષમાં ઘણાં કૌભાંડો કેન્દ્રીય સ્તરે અને પ્રાદેશિક સ્તરે ઉજાગર થયા છે. તેની પાછળ સંબંધિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જવાબદાર છે. ભ્રષ્ટાચારા આક્ષેપથી અમુક અપવાદોને બાદ કરતા કોઈ બાકાત નથી. જો કે આવા અપવાદો પણ શંકાથી પર નથી. ત્યારે સ્થિતિ એવી છે કે દેશના રાજકારણીઓની હરકતોને કારણે લોકોનો દેશની રાજનીતિમાં વિશ્વાસ નથી. આવી પરિસ્થિતિને જોતા લોકોને ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર પસંદ નહીં હોવાનો મળેલો વિકલ્પ રાજકારણીઓને સીધા થઈ જવા માટે સંકેત કરે છે. પરંતુ તેમ છતાં રાજકારણીઓ પોતાની હરકતોમાંથી બાજ નહીં આવે, તો જનતા તેમને મળેલા અધિકારોમાંથી જ કોઈ રસ્તો કાઢે તો નવાઈ પામવા જેવી નથી.

દેશની આર્થિક નીતિએ ભારતના ગૃહઉદ્યોગો, નાના-મધ્યમ ઉદ્યોગોનો કચ્ચરઘાણ કાઢયો છે. તો કૃષિક્ષેત્ર પ્રત્યેની ઉદાસિનતાએ દેશની સામે મોંઘવારી અને ફૂગાવા સહીતના સંકટો પેદા કર્યા છે. જેના કારણે દેશમાં આગામી દિવસોમાં આવી ઉદાસિનતા અન્ન સંકટ પેદા કરે તો નવાઈ નથી. દેશમાં આજે જીડીપીમાં કૃષિક્ષેત્રનો ભાગ ભલે ઓછો હોય, પણ દેશમાં સૌથી વધારે નોકરીઓ અને કામ કૃષિક્ષેત્ર જ આપે છે. પ્રવર્તમાન આર્થિક નીતિ દેશની કૃષિની કમર તોડી રહી છે. તેવા સંજોગોમાં દેશમાં અન્નસંકટને સાથે રોજગારીની સમસ્યા વધારે વિકટ બનશે. તો બીજી તરફ શૈક્ષણિક નીતિ પણ દેશમાં નાગરીક નહીં, પણ નોકરિયાત પેદા કરી રહી છે. આ તમામ પરિસ્થિતિ દેશની સાંસ્કૃતિક બાબતને અને હિંદુ જીવનપદ્ધતિને ઘણી મોટી ચોટ પહોંચાડી રહી છે.

ભારતમાં પ્રવર્તમાન આર્થિક મોડલ અને તેના થકી સર્જાય રહેલી રાજકીય સંસ્કૃતિ એક મોટા સંકટના એંધાણ આપી રહી છે. ભારતની હિંદુ જીવનપદ્ધતિ સામેનું સંકટ દેશની ઓળખ સામેનું વિકટ સંકટ બનશે. ભારતને ખંડિત આઝાદી વખતે ઘોષિત હિંદુ ઓળખથી વંચિત રાખવામાં આવ્યું. પરંતુ આઝાદીના 67 વર્ષે હવે છેલ્લા દોઢ દાયકાથી અમલમાં આવેલી દોઢ ડાહ્યા રાજકારણીઓની નીતિઓના પરિણામે સામાજિક-સાંસ્કૃતિક ઓળખ પર સંકટ તોળાઈ રહ્યું છે. આ ઓળખ મટી ગયા બાદ ભારતનું ભારત તરીકેનું અસ્તિત્વ પણ જોખમાઈ શકે છે. પરંતુ પોતાની સત્તા ટકાવવા માટેના ઉદ્યમમાં લાગેલા નેતાઓને માત્ર પોતાની ખુરશીની ફિકર છે, દેશની કોઈ ચિંતા નથી. ભારત સામે આવનારા સંકટને જોતા દેશના લોકોએ તેની ફિકર કરવી પડશે અને દેશની હિંદુ જીવનપદ્ધતિ જાળવવા માટે સામાજિક-આર્થિક-રાજકીય સ્તરે કોઈ વિશેષ પરિવર્તનો માટેના પગલા ભરવા પડશે. લોકોએ પ્રવર્તમાન વ્યવસ્થાનો ઉપયોગ કરીને પરિવર્તનોને સાદ આપવો પડશે. ભારતની ચિત્તિને જીવંત રાખવા માટે, ભારતને એક રાષ્ટ્ર તરીકે જીવંત રાખવા માટે અને ભારત માટે વેદકાળથી નિર્ધારીત લક્ષ્યોની પ્રાપ્તિ માટે જનતાએ જ આંદોલન સ્વરૂપે નેતૃત્વની ચિંતા કર્યા વગર બહાર આવવું પડશે. જનતા આંદોલન સ્વરૂપે બહાર આવશે, તો નેતા પણ લોકોમાંથી જ ઉભરશે અને વિશાળ ભારતનું નેતૃત્વ પોતાના હાથમાં લઈ લેશે. આગામી પચાસ વર્ષ માટે જનતાનું સૂત્ર હોવું જોઈએ-ભારતને બચાવવા માટે હિંદુ જીવન પદ્ધતિ બચાવો, કારણ કે હિંદુ જીવનપદ્ધતિથી માત્ર ભારતનું જ નહીં, પણ વિશ્વનું કલ્યાણ થશે

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક કોયડો

-         પ્રસન્ન શાસ્ત્રી
છેલ્લા 1200 વર્ષથી હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા એક વણઉકેલ્યો કોયડો બની રહી છે. આમ તો માનસિકતા વ્યવહારો સાથે સંબંધિત છે. પોતાના અન્યો સાથેના વ્યવહારો અને અન્યોના પોતાની સાથેના વ્યવહારો માનસિકતા ઘડતા હોય છે. ત્યારે હિંદુઓની એક સમાજ તરીકે અને એક રાષ્ટ્ર તરીકે ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથેની દ્રઢનિશ્ચયી માનસિકતા રહેલી છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રે પોતાની આકાંક્ષાઓ પ્રમાણે સદઈચ્છાપૂર્વક છેલ્લા 1200 વર્ષમાં અપાર આક્રમક પ્રતિકારપૂર્વકના પ્રયત્નો કર્યા છે. પરંતુ હિંદુ સમાજ અને રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં હિંદુઓનું રાજકીય નેતૃત્વ અને તેમની માનસિકતા હંમેશા વામણાં અને નિષ્ફળ પુરવાર થયા છે. જેમાં અમુક અપવાદો છે, પરંતુ તે ઘણાં ઓછા છે. આમ તો યથા રાજા તથા પ્રજા અને યથા પ્રજા તથા રાજા કહેવાય છે. એટલે હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતા અને તેની વામણાપણાંની ઈતિહાસકથા માટે હિંદુ સમાજની અને હિંદુ રાષ્ટ્રની વ્યક્તિગતઅને સામૂહિક ચિંતનમાં કોઈ મુશ્કેલી તરફ સંકેત જરૂર થાય છે. શિષ્ટ ભાષામાં છેલ્લા 1200 વર્ષના હિંદુ રાજકીય નેતૃત્વને મધ્યમમાર્ગી અને વ્યવહારીક ગણવામાં આવે છે. પરંતુ ઈતિહાસનું તથ્યોના આધારે અર્થપરક ચિંતન કરવામાં આવે, તો આ હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા સતત સમજૂતીવાદી અને ક્યારેક મુસ્લિમો તો ક્યારેક અંગ્રેજો તો ક્યારેક અમેરિકનો તો ક્યારેક ચીનાઓ સામે ઘૂંટણિયે પડતી નજરે પડે છે. તેની પાછળ પ્રથમ દ્રષ્ટિએ આમ હિંદુઓની રાજકીય સાક્ષરતા સામે પ્રશ્નાર્થો ઉદભવે છે. હિંદુ સમાજ અને રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક હિતોના મુદ્દાઓ પ્રત્યે આમ હિંદુઓની ઘોર ગુનાહિત બેદરકારી કારણભૂત છે. જેનો લાગ માત્ર વ્યક્તિગત વિકાસ અને પોતાના રાષ્ટ્રીય હિતોના ભોગે વિશ્વ અને હિંદુ સિવાયના સમાજ અને દેશોમાં વાહવાહી લૂંટવા માટેની હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતા ઉઠાવે છે. જ્યારે આની ખબર પડે છે, ત્યારે હિંદુ સમાજ હંમેશા ઉંઘતો ઝ઼ડપાયો છે.
યૂનાન (ગ્રીસ)થી એલેકઝાન્ડર એટલે કે સિકંદર વિશ્વવિજય અને ભારત વિજયની મહેચ્છાથી ચઢી આવ્યો હતો. ત્યારે તક્ષશિલાના રાજકુમાર આંભિએ પોતાના દેશી શત્રુઓને પરાજિત કરવા માટે રાષ્ટ્રના વિદેશી શત્રુ સિકંદર સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારે તક્ષશિલાના ગુરુકુળમાં એક અસાધારણ શિક્ષક આચાર્ય વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યે રાષ્ટ્રયજ્ઞની શરૂઆત કરી. રાષ્ટ્રયજ્ઞમાં રાષ્ટ્રને સર્વસ્વ અર્પણ કરનાર શિષ્યોની ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં ટુકડી તૈયાર કરી. ભારત વિજય માટે આગળ વધી રહેલા સિંકદરને અટકાવવા સિંધુથી મગધ સુધી અખંડ ભારત માટેની ભાવનાઓ જગાડી. સિકંદર સામે પોરસ અને અન્ય રાજાઓએ પ્રતિકાર કર્યો. જેના પરિણામે વિશ્વવિજય ગણાતા સિકંદરના લશ્કરે ગંગાનો કિનારો ઓળંગીને આગળ વધવાનો ઈન્કાર કરી દીધો હતો. સિકંદરના ભારતમાંથી પાછા ફર્યા બાદ પણ અખંડ ભારતની ભાવના સાથે હિંદુઓનું એક સક્ષમ રાષ્ટ્રવાદી નેતૃત્વ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યની જોડીના સ્વરૂપે સામે આવ્યું. ચાણક્ય અને ચંદ્રગુપ્તે રાષ્ટ્ર અને તેના હિતોની ઘોર ઉપેક્ષા કરનારા મગધના આતતાયી રાજા ધનનંદનો કુળ સહીત નાશ કર્યો. અખંડ ભારતના સપનાને સાકાર કર્યું. ચંદ્રગુપ્ત અને ચાણક્ય સ્વરૂપે પેદા થયેલા સક્ષમ હિંદુ રાજકીય નેતૃત્વની અસર નીચે ભારત સદીઓ સુધી લગભગ 1000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યું. આ સમયગાળા દરમિયાન ભારતનું હિંદુ રાજકીય નેતૃત્વ દ્રઢનિશ્ચયી અને આક્રમક રહ્યું. જો કે ઈતિહાસના કાળખંડમાં તક્ષશિલાના રાજકુમાર આંભિની જેમ રાષ્ટ્રના વિદેશી શત્રુની મદદથી વ્યક્તિગત વિકાસ કરનારી માનસિકતાવાળું હિંદુ રાજકીય નેતૃત્વ પણ ફાલવા લાગ્યું. દર વખતે ભારતનું ભાગ્ય એટલું નસીબવાન રહ્યું નહીં કે તેની અખંડિતતાની સુરક્ષા માટે ચાણક્ય અને ચંદ્રગુપ્ત જેવા મહાજ્ઞાની અને મહારથીઓનું રાજકીય નેતૃત્વ મળે.
ઈસ્લામના ઉદય પછી ગણતરીની સદીઓમાં જ સિંધના હિંદુ રાજા દાહિરસેન પર ખલીફાના રખડું સેનાપતિ મહંમદ-બિન-કાસિમે હુમલો કર્યો. રાષ્ટ્રના વિદેશી શત્રુઓની મદદથી પોતાનો વ્યક્તિગત વિકાસ ઈચ્છનારા નેતૃત્વના કેટલાંક તત્વોના સતત રાષ્ટ્રદ્રોહના પરિણામે મહંમદ બિન કાસિમ ઈ.સ. 712માં સિંધ જીતી શક્યો. જો કે તેના માટે તેણે ઘણાં આક્રમણો અને યુદ્ધો કરવા પડયા. ભારતમાં ઈસ્લામનો સૌ પ્રથમ રાજકીય પ્રવેશ મહંમદ બિન કાસિમના આક્રમણથી થયો હતો. ત્યાર બાદ લગભગ 300 વર્ષના સમયગાળા બાદ અફઘાનિસ્તાનના ગઝનીમાંથી ઈસ્લામના નામે મહંમદ ગઝનવી નામનો જંગલી જેહાદી ભારત પર ઈ.સ. 1000થી 1027 વચ્ચે 17 વખત આક્રમણો કરીને ત્રાટક્યો. મહંમદ ગઝનવીએ પોતાના આક્રમણોમાં સોમનાથ સહીતના અનેક ઐતિહાસિક મંદિરો ધ્વસ્ત કર્યા અને લૂંટયા. ગઝનવીએ અનેક લૂંટ, હત્યાઓ, બળાત્કાર ધર્મના નામે કર્યા. ત્યારે પહેલી વખત સિંઘની સરહદોમાં કેદ થયેલી ઈસ્લામિક માનસિકતાનો ગઝનવી થકી આખા ભારતને અનુભવ થયો. જો કે ગઝનવીના દરેક આક્રમણોનો પ્રતિકાર થયો હોવા છતાં હિંદુઓના રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રીય ચરિત્રનો અભાવ દેખાતો હતો. જેના કારણે મહંમદ ગઝનવી 17 વખત ભારત પર ઈસ્લામના નામે હુમલો કરવાની હિંમત કરી શક્યો અને તેમા તે સફળ પણ થયો.
ગઝનવી પછી મહંમદ ઘોરીએ ભારત પર ઈસ્લામના નામે આક્રમણો શરૂ કર્યા. ગુજરાતના પાટનગર અહણિલવાડ પાટણ પર ઘોરીએ આક્રમણ કર્યું. જેમાં ગુજરાતના આઠ વર્ષના બાળરાજા મૂળરાજ દ્વિતિયની બહાદૂર સેનાએ તેને કારમી રીતે પરાજિત કર્યો હતો. દિલ્હીશ્વર અનંગપાળે પોતાના દોહિત્ર અને અજમેરના રાજકુમાર પૃથ્વીરાજ ચૌહાણને રાજગાદી સોંપી . તેનો ડંખ કનોજ નરેશ અને અનંગપાળના બીજા દોહિત્ર જયચંદના દિલમાં વાગ્યો. જેના પરિણામે તરાઈની પહેલી લડાઈમાં પૃથ્વીરાજ સામે ભૂંડી રીતે હારી જનારા મહંમદ ઘોરીને તરાઈની બીજી લડાઈમાં જયચંદની પ્રપંચી રાજરમતો થકી જીત મળી. જો કે ઘોરીએ જયચંદનો પણ બાદમાં વધ કર્યો.
આંભિથી શરૂ થયેલા હિંદુઓના રાજકીય નેતૃત્વના તત્વોની જયચંદી માનસિકતા મોગલોના ભારત પરના આક્રમણો અને ત્યાર બાદના મોગલોના રાજને ભારતમાં સ્થિર કરવા માટે મદદરૂપ નીવડી. અકબરના રાજને સ્થિર કરવામાં જયપુર-આમેરના હિંદુ રાજા માનસિંહ અને અન્ય હિંદુ મનસબદારોએ સિંહફાળો આપ્યો. જો કે મેવાડના મહારાણા પ્રતાપે અકબર સામે સ્વતંત્રતાની ટેક પોતાના ભાલા અને તલવારથી અડગ રાખી. પણ મોગલકાળમાં રાષ્ટ્રીય ભાવના રાજા માનસિંહ જેવા વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હિંદુઓમાં ન હતી. ધીમે ધીમે હિંદુ સમાજના રાજકીય નેતૃત્વમાં આવા તત્વોની માનસિકતાએ સમજૂતીવાદી પક્કડ જમાવી હતી. ધર્માંધ ઔરંગઝેબના શાસનકાળમાં હિંદુ પદપાદશાહીના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ સામે લડનારા મોગલ સેનાપતિ રાજા  જયસિંહ હતા. આમ જોવો તો સમગ્ર મોગલકાળમાં હિંદુઓ જ હિંદુની સામે લડયા અને મર્યા. જેના પરિણામે ગાદી મોગલોની સ્થિર થઈ હતી.
ઔરંગઝેબના મૃત્યુ બાદ મરાઠા અને શીખ સામ્રાજ્યો મજબૂત બન્યા. કટકથી અટક સુધી ભગવો ધ્વજ લહેરાવનારા મરાઠાઓને અહમદશાહ અબ્દાલી સામે પાણીપતના ત્રીજા યુદ્ધમાં કારમી હાર ખાવી પડી. તેના માટે તત્કાલિન હિંદુ રાજકીય નેતૃત્વની માનસિકતામાં રાષ્ટ્રહિતના સ્થાને વ્યક્તિગત હિતો વધારે પ્રભાવી હોવાનું કારણભૂત માનવામાં આવે છે. જેના કારણે મરાઠાઓનેજાટ, રાજપૂત અને શીખ રાજાઓની પુરતી મદદ મળી શકી નહીં અને અફઘાન મુસ્લિમ આક્રમણખોરોની સેના સામે મરાઠાઓની હિંદુ સેનાને કારમી હાર સહન કરવી પડી. જો કે પાણીપતના ત્રીજા યુદ્ધ પછી પણ મરાઠાઓની દિલ્હી પર આણ પ્રવર્તી રહી હતી. મોગલ શહેનશાહોની સત્તા દિલ્હીમાં તેમના મહેલ બહાર પણ ચાલતી ન હતી. તેમ છતાં મરાઠાઓએ દિલ્હી સર કરવાનો વિચાર કર્યો નહીં. શિવાજી અને પેશ્વાઓના શાસન દરમિયાન ક્યારેય કોઈ મુસ્લિમ ધર્મસ્થાનો તોડવામાં આવ્યા નહીં. તેની સામે ઈસ્લામના નામે બાદશાહોએ ભારતમાં કાશીવિશ્વનાથ, કૃષ્ણજન્મભૂમિ અને રામજન્મભૂમિ સહીત લાખો હિંદુ મંદિરોને તોડીને તેના સ્થાને કે તેની નજીકમાં મસ્જિદ બનાવી છે. સોમનાથ મંદિરને ગઝનવીથી માંડીને ઔરંગઝેબ સુધીના મુસ્લિમ આક્રમણખોરો અને બાદશાહોએ 17 વખત ધ્વસ્ત કર્યુ હતું. જો કે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નોથી આજે સોમનાથમાં સરકારી મદદ વગર ભવ્ય શિવમંદિર સ્થાપિત કરી શકાયું છે. તે વખતે નહેરુએ સરકારી રાહે મંદિર નિર્માણનો વિરોધ કર્યો હતો અને મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન હોવા છતા હાજર રહ્યા નહીં. પરંતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ નહેરુની નારાજગી છતાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.
મોગલો બાદ ભારતમાં અંગ્રેજોનું કંપનીરાજ અને બાદમાં બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ અંગ્રેજી સલ્તનત અને તેની સેનાઓને મજબૂત કરવામાં સૌથી વધારે લોહી રેડનારા હિંદુઓ હતા. ભારતના હિંદુ રાજકીય નેતૃત્વની નબળી અને દિશાહીન માનસિકતાને કારણે ભારતના હિંદુઓ અને કંપનીના હિંદુ નોકરિયાતો કંપનીરાજ માટે જવાબદાર હતા. અંગ્રેજી કેળવણી લેવામાં પણ હિંદુઓ આગળ રહ્યા હતા. અંગ્રેજોની સંગતમાં પોતાની અંદરનું હિંદુપણું ખતમ કરીને અંગ્રેજીયત ઓઢવાની ફેશન સુધારાના નામે ચાલુ થઈ. આ ફેશન આઝાદીના 67 વર્ષે પણ ચાલુ છે. 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલાના સેનાપતિ મીરજાફરે દગો કર્યો અને અંગ્રેજ સેનાપતિ રોબર્ટ ક્લાઈવને જીત મળી. 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતના ક્રાંતિકારીઓ તાત્કાલિક જીત મેળવવામાં નિષ્ફળ રહ્યા. કારણ કે કંપનીરાજની સેનાના શીખ, ગોરખા, રાજપૂત અને પઠાણ સિપાહીઓએ પોતાની વફાદારી અંગ્રેજો પ્રત્યે રાખી હતી. જો કે ત્યારબાદ દેશભરમાં સ્વતંત્રતા માટે અસંખ્ય ક્રાંતિકારી પ્રયત્નો થયા. 1900થી 1915 સુધી દેશ અને વિદેશમાં ગદર આંદોલન ચાલ્યું. પણ ભારતીય રાજનીતિમાં ગાંધીના મહાત્માપણાના ઉદય સાથે ક્રાંતિ અને બલિદાનોને બાજુમાં મુક્તી અહિંસાના નામે વેવલી, તુષ્ટિકરણ અને સમજૂતીવાદી રાજનીતિ પ્રભાવી બની.
સરદાર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ જેવા અનેક નામી-અનામી ક્રાંતિકારીઓને ભારતના સ્વતંત્રતા આંદોલનના સંગ્રામના ઈતિહાસમાં ઢાંકી દેવામાં આવ્યા. આજે પણ ભારતના બાળકોને શીખવાડાય છે કે ભારતને ગાંધીજીએ અહિંસા થકી આઝાદી અપાવી છે. આ વાત ઐતિહાસિક રીતે ક્રાંતિકારીઓના બલિદાનોને અવગણનારી અને તથ્યોથી વિરુદ્ધની છે.
ઘણાં રાજકીય ચિંતકોનું માનવું છે કે ગાંધીજી સાંસ્કૃતિક રીતે શ્રેષ્ઠ હિંદુ હતા. પરંતુ રાજકીય દ્રષ્ટિએ હિંદુઓના રાજકીય-સામાજિક હિતોના સૌથી મોટા દુશ્મન ગાંધીજી જ સાબિત થયા છે. ગાંધીજીની હિંદુવિરોધી મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ પાકિસ્તાનના નિર્માણ માટેની મુસ્લિમ લીગી જિન્નાવાદી માનસિકતાની પોષક હતી. તેમ છતાં આજે પણ આઝાદ ભારતમાં ગાંધીજીના મહાત્માપણાની હિંદુઓ માટે નકારાત્મક અસરો પેદા કરનારી બાજુઓને ઉજાગર કરવા માટે કોઈ તૈયાર નથી. ભારતનું આજેનું નેતૃત્વ પણ ગાંધીના મહાત્માપણાની આડમાં આતંકવાદ, ચીન અને જેહાદી તત્વો સામેની પોતાની કાયરતા છુપાવી રહ્યું છે. તો કેટલાંક નેતાઓ દહીંમા અને દૂધમાં પગ રાખવા માટે પોતાની સહૂલિયત પ્રમાણે સેક્યુલરવાદી અને હિંદુ રાષ્ટ્રવાદીનો ચહેરો ઓઢતા રહે છે. તેઓ ગાંધીના નામનો ઉપયોગ કરીને પોતે મહાત્મા નહીં હોવા છતાં મહાત્મા સાબિત થવાની ગ્લોબલ રાજરમતો કરી રહ્યા છે.
પાકિસ્તાનના નિર્માણ માટે જિન્નાવાદી મુસ્લિમ લીગી માનસિકતા અને ગાંધીવાદી કોંગ્રેસની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ સમાનપણે જવાબદાર છે. તેમ છતાં ભારતને ખંડિત આઝાદી મળ્યા બાદ દેશના હિંદુઓએ કોંગ્રેસને લગભગ 48 વર્ષ સુધીકેન્દ્રની સત્તા ભોગવવા દીધી છે. આજે પણ છેલ્લા દશ વર્ષથી કોંગ્રેસના નેતૃત્વવાળુ યુપીએ ગઠબંધન દેશની સત્તા ભ્રષ્ટાચારી રીતે ભોગવી રહ્યું છે.
જો કે 1984થી શરૂ થયેલા રામજન્મભૂમિ આંદોલન થકી દેશના રાજકારણની દશા અને દિશા હિંદુવાદી તથા હિંદુતરફી બનવા લાગી હતી. 1992માં બાબરી ઢાંચો હટાવાયા બાદ દેશભરમાં હિંદુ લાગણીઓ જોરમાં હતી. પણ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી માનસિકતા ફરીથી નડી ગઈ. 1998માં હિંદુ હિતના હિંદુ એજન્ડાના ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 દૂર કરવો, રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું અને દેશમાં સમાન નાગરીક ધારો લાવવો) તેને ઠેકાણે મૂકવામાં આવ્યા. ત્યાર બાદ 17 વર્ષના સમયગાળામાં ઉભી થયેલી હિંદુ વોટબેંક અને લહેરને વિખેરવાનું પાપ હિંદુ રાજકીય નેતૃત્વએ કર્યું. જો કે હિંદુઓની ઉભી થયેલી વોટબેંકને એક યા બીજા કારણે સત્તાની ગણતરીમાં પડેલા લોકોને મત આપવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. પરંતુ લહેરમાં ઉભા થયેલા હિંદુ વોટરો રાજકીય નેતૃત્વના દગાને કારણે ફરીથી કોંગ્રેસ અને અન્ય પક્ષો તરફ વિચારધારાત્મક વિખેરણને કારણે ઢળ્યા. 2004 અને 2009માં વિકાસના નામે વોટ માંગનારા હિંદુ રાજકીય નેતૃત્વને હિંદુઓએ નકાર્યું. પરંતુ હિંદુઓ પાસે અન્ય કોઈ રાજકીય વિકલ્પ નહીં હોવાથી તેનો ફાયદો તેમના નિષ્ક્રિય રહેવાથી કે બીજા પક્ષો તરફ ઢળવાથી વોટોના સમીકરણોમાં કોંગ્રેસને મળ્યો અને કોંગ્રેસના નેતૃત્વવાળું યુપીએ દશ વર્ષથી કેન્દ્રમાં સત્તા ભોગવી રહ્યું છે. આઝાદ ભારતમાં વારંવાર હિંદુદ્રોહ કરનારા નેતાઓ અને રાજકીય પક્ષોને હિંદુઓએ એક યા બીજા કારણે મત આપીને ચૂંટવા પડે છે. હિંદુઓની સામાન્ય માનસિકતા ઝડપથી અન્ય રાજકીય વિકલ્પ ઉભો કરવાની ક્યારેય રહી નથી. ત્યારે તાત્કાલિક રાજકીય વિકલ્પના અભાવમાં પાણીમાં બેસી ગયેલા હિંદુ રાજકીય નેતૃત્વને તેની માનસિકતા બદલીને હિંદુત્વનિષ્ઠ બનાવવી હિંદુઓની પેહલી પ્રાથમિકતા છે.
 
ભારતમાં અધર્મ અને અસત્ય સામે હંમેશા યુદ્ધ થયું છે અને તે જીતવા માટે જ આદરવામાં આવ્યું હતું. મહાભારતકાળથી ઈતિહાસ તેનો સાક્ષી છે. પરંતુ રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રભાવનાને વિકૃત કરનારી કાયરતા સામે ગાંધીછાપ સેક્યુલારિઝમ અને તેમના મહાત્માપણાને ઢાલ તરીકે આજે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતની વિચારધારા વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, જૈન, બૌદ્ધ, શીખ પંથના અનેક સનાત વિચારના ગ્રંથોએ ઘડી છે. હિંદુઓમાં આ મહાન ગ્રંથોનું ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક-સામાજિક મહત્વ છે. આ ગ્રંથો હંમેશા અધર્મ સામે જીતવાની અને ધર્મનું આચરણ કરવાની પ્રેરણા આપે છે. અધર્મને પરાજિત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ મહાભારતનું યુદ્ધ થયું હતું. હિંદુત્વ હંમેશા અધર્મ સામેના યુદ્ધને મંજૂરી આપે છે. પણ સાથે બ્રહ્મજ્ઞાનીનો નાશ થાય નહીં, તેવી પણ પ્રેરણા આપે છે. અસૂર અને આસૂરીવૃતિનો વિનાશ કરવો હિંદુત્વનો અંતર્નિહિત ભાવ છે. પરંતુ હિંદુ રાજકીય નેતૃત્વની સમજૂતીવાદી વિચારધારા હિંદુ સમાજ અને રાષ્ટ્ર સાથે ખતરનાક પ્રયોગો કરી રહી છે. આપણે ભારતના લોકોએ આવા ખતરનાક પ્રયોગો સામે હિંદુત્વવાદી દ્રષ્ટિકોણ સાથે સાવધ થવાની જરૂરત છે. સાથે કેટલાંક સવાલના જવાબ આમ હિંદુ તરીકે હિંદુઓએ સામૂહિક ચિંતનથી મેળવવા જોઈએ.

-          અંગ્રેજો અને મુસ્લિમો સામે કાયર સાબિત થયેલા તુષ્ટિકરણવાદી ગાંધીછાપ હિંદુ નેતૃત્વને હિંદુઓએ શા માટે પસંદ કર્યું?
-
-          ગાંધીજીની નીતિઓ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરનારી હિંદુ વિરોધી હતી, છતાં ઉગ્ર હિંદુ રાષ્ટ્રવાદી સાવરકરને હિંદુઓએ આઝાદીની લડત વખતે ટેકો કેમ આપ્યો નહીં?
-
- દેશ તૂટયા પછી પણ લાંબા સમય સુધી કોંગ્રેસ જ દેશના હિંદુઓનો એકમાત્ર રાજકીય વિકલ્પ કેમ બની રહી?

- હિંદુત્વવાદી મુદ્દાઓ થકી સત્તાપર પહોંચનારા રાજકીય વિકલ્પે હિંદુત્વવાદી મુદ્દાઓ સાથે 17 વર્ષ સમજૂતી કરવાની હિંમત કેમ દાખવી?
આના ઉત્તરોની રાહ હિંદુ સમાજ જોઈ રહ્યો છે. આ પ્રશ્નો દરેક હિંદુઓએ પોતાની જાતને પુછવાના છે અને તેના જવાબો શોધવાના છે.

ગુરુવાર, 10 ઑક્ટોબર, 2013

હિંદુ રાષ્ટ્રને ટકાવવા માટે હિંદુ રાજ્ય જરૂરી

-        પ્રસન્ન શાસ્ત્રી
ભારત સનાતનકાળથી દૈદીપ્યમાન સૂર્યની જેમ વિશ્વમાં માનવતાનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. ભારતનો ભવ્ય ભૂતકાળ સાક્ષી છે કે જ્યારે માનવ, માનવ બનવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે ભારતે વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન અને નેતૃત્વ કર્યું હતું. આજે પણ માનવનો માનવ બનવાનો સંઘર્ષ ફરીથી શરૂ થયો છે. માનવતા સામે માનવીએ જ ઉભા કરેલા વિકરાળ સંકટો છે. ત્યારે ભવિષ્યમાં પણ ભારતે વિશ્વનું નેતૃત્વ વિશ્વગુરુ તરીકે પોતાના હાથમાં લઈને દુનિયામાં માનવતાના કલ્યાણ માટે માર્ગદર્શન કરીને માનવતાનું સંરક્ષણ કરવાનું છે.

ભારત એક આધ્યાત્મિક રાષ્ટ્ર છે અને તેની આધ્યાત્મિક શક્તિ જ તેની મૂડી છે. પ્રવર્તમાન સમયમાં વિશ્વના અન્ય ઘણાં દેશો ભારત કરતા વિજ્ઞાન-ટેકનોલોજી, ધન-સંપત્તિ, ખનીજ સંપદા, શિક્ષણ, આરોગ્ય, માનવીય સૂચકાંક વગેરે ક્ષેત્રોમાં આગળ છે. પરંતુ આ તમામ બાબતોને સંપૂર્ણ બનાવતી આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં ભારતથી આગળ ગણાતા આ દેશો ભારતથી યોજનો દૂર છે. સુખ-સમૃદ્ધિ અને શક્તિ મળ્યા પછી શાંતિની સ્થાપના જરૂરી હોય છે. આ શાંતિ ભૌતિક બાબતોના અતિરેક અથવા અગ્રેસરતાથી આવતી નથી. શાંતિ કોઈ ભૌતિક વસ્તુ નથી. શાંતિની સ્થાપના આધ્યાત્મિક આચાર-વિચાર અને વ્યવહાર દ્વારા થઈ શકે છે. આધ્યાત્મિકતા વિશ્વનું કલ્યાણ કરીને શાંતિને જન્મ આપીને તેને સ્થિર કરે છે. ભારતમાં સનાતન કાળથી અજબની આધ્યાત્મિક ચેતના છે. જેના કારણે ભારત વિશ્વનું માર્ગદર્શન કરે છે. પ્રવર્તમાન સમયમાં પશ્ચિમી દેશો, અમેરિકા અને ચીનની હવા અને દેખાદેખીમાં ભારતની આધ્યાત્મિક ચેતના સપાટી પર દેખાતી નથી. આ આધ્યાત્મિક ચેતના પરદેશી વાયરાથી પર એવા રાષ્ટ્રસાધકો અવશ્ય અનુભવી શકે છે. સામાન્ય ભારતીયોને આનો અનુભવ બહુ મુશ્કેલીએ થાય છે. તેનું કારણ ભારતની પ્રવર્તમાન સમસ્યાઓનું જાળું છે. જો કે આ સ્થિતિ રાખથી ઢંકાયેલા લાલચોળ અંગારા કે પ્રકાશવાન સૂર્યની સામે કાળું ડિબાંગ વાદળું આવી જવા જેવી છે. પરંતુ એક બાબત નિશ્ચિત છે કે આ રાખ દૂર થશે અને વાદળો પણ હટશે, અગ્નિ પ્રજ્વલિત થશે અને પ્રકાશ પણ મળશે.


જ્યાં સુધી ભારતની સમસ્યાઓનો સવાલ છે. ભારત પ્રવર્તમાન સમયમાં પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક આતંકવાદ, ચીન દ્વારા સરહદે દાદાગીરી, આંતરીક સ્તરે ક્ટ્ટરપંથી મુસ્લિમોની સંગઠન સ્વરૂપે સક્રિયતા, વિદેશ નીતિમાં ધબડકાને કારણે વૈશ્વિક પ્રભાવમાં ઘટાડો, પાડોશી દેશો સાથે અસહજ સંબંધો, રેડ કોરિડોરમાં નક્સલવાદી હિંસાચાર, પૂર્વોત્તર ભારતમાં અલગતાવાદી ચળવળો, જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત પાકિસ્તાન પ્રેમીઓના ઉંબાડિયાઓ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આ સિવાય ભારતમાં ગરીબી, ભૂખમરો, કુપોષણ, મૂલ્યહીનતા, મોંઘવારી-ફૂગાવો, ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, ગુનાખારી, કાળું નાણું જેવી સમસ્યાઓ પણ મોટા પ્રમાણમાં છે. દેખાવમાં આ સમસ્યાઓ જુદીજુદી અને વિકરાળ લાગે છે. પણ તેની પાછળ માત્ર એક કારણ જવાબદાર છે. પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ હિંદુસ્થાનમાં રહેલા હિંદુ રાષ્ટ્રને ભૂંસવાનો, તેને નબળું બનાવવાનો બેશરમ પ્રયત્ન કરી રહી છે. હિંદુ રાષ્ટ્રને ભૂસંવા માટે વ્યવસ્થિત આયોજનબદ્ધ પ્રયત્નો થઈ રહ્યા છ. આ કોશિશોમાં રાષ્ટ્રીય પરંપરાના સંસ્કારો ભૂલેલા હિંદુઓ જ હાથો બની રહ્યા છે. તેનાથી વધારે કરુણ પરિસ્થિતિ એ છે કે હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓ પણ જાણે-અજાણે પોતાની કથની-કરણી દ્વારા આવા પ્રયત્નોને પ્રોત્સાહીત કરી રહ્યા છે. તેની પાછળનું કારણ હિંદુત્વવાદી છબી ધરાવતા નેતાઓની પ્રગતિશીલ, વિકાસવાદી અને સેક્યુલર દેખાવાની ઘેલછા છે.

પરંતુ આ તમામ હિંદુ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં એક જ આશાનું કિરણ હાલ દેખાય છે અને તે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. સંઘની વિચારધારાનો સાર તેને હિંદુ રાષ્ટ્ર સાથેનું અવિભાજ્ય અંગ બનાવે છે. સંઘનો વિશ્વાસ હિંદુત્વમાં છે અને હિંદુસ્થાનને સિદ્ધાંત અને વ્યવહારમાં હિંદુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે. પરંતુ માનવજીવન સાથે સંલગ્ન અનેક ક્ષેત્રોમાં સફળતાપૂર્વક કામ કરી રહેલા સંઘને રાજકીય મોરચે પોતાના હિંદુત્વવાદી વિચારોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે તેવો સક્ષમ અને સ્પષ્ટ રાજકીય મંચ હજી સુધી મળ્યો નથી. તેના આવા પ્રવર્તમાન તથાકથિત રાજકીય મંચોની હિંદુત્વ સંદર્ભે અસ્પષ્ટ અને મુસ્લિમો સાથે સમજૂતીવાદી તુષ્ટિકરણની નીતિઓને પરિણામે અસમંજસતા અને ગુંચવાડાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજકીય બોદાપણું, તકવાદ અને રાજકીય અનૈતિકતાને કારણે હિંદુ રાષ્ટ્રને ભૂંસવાની મનસા રખતા તત્વો ગેલમાં છે. હિંદુ રાષ્ટ્ર આઝાદીના 66 વર્ષે વ્યવહારમાં રાજકીય ઢાંચામાં મજબૂતી મેળવી શક્યું નથી. જેના કારણે ભારત હાલ સમસ્યાઓના સમુદ્રમાં ડૂબી રહ્યું છે.

આમ તો હિંદુસ્થાનમાં રાષ્ટ્રની કલ્પના અત્યંત પ્રાચીન છે. ભારતમાં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ વૈદિકકાળથી થતો આવ્યો છે. ભારતના અર્વાચીન યુગમાં હિંદુ રાષ્ટ્રની પહેલ-વહેલી વ્યાખ્યા અને તેની ઘોષણા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરી હતી. લોકમાન્ય બાલગંગાધર ટિળક, લાલા લાજપતરાય, વીર સાવરકર, પંડિત મદન મોહન માલવિયા, મહર્ષિ અરવિંદ ઘોષ જેવા મહાપુરુષોએ સંઘની સ્થાપના પહેલા હિંદુસ્થાનને હિંદુ રાષ્ટ્ર માન્યું હતું. 1925માં સંઘની સ્થાપના થઈ. સંઘના આદ્યસંસ્થાપક અને પ્રથમ સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે ભારત હિંદુ રાષ્ટ્ર હોવાની સ્પષ્ટ ઘોષણા કરી હતી. આમ તો રાષ્ટ્ર અને હિંદુ રાષ્ટ્ર સંઘની ભૌતિક ભેટ નથી. પરંતુ હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તેના સ્વઘોષિત રાષ્ટ્રવાદી સિદ્ધાંતો પ્રમાણે પ્રાથમિક જવાબદારી છે. સંઘની શાખામાં આ સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવા માટે વ્યક્તિને સંસ્કારીત કરીને વ્યક્તિત્વ નિર્માણ કરાય છે. સંઘની શ્રદ્ધા છે કે શાખામાં વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્રનિર્માણ થશે. જેના કારણે પ્રવર્તમાન સમયમાં એક રાષ્ટ્રવાદી સંગઠન તરીકે માનવજીવનના રાજનીતિ સહીતના તમામ ક્ષેત્રોમાં પહોંચ વધારવી અને સિદ્ધાંતોને વ્યવહારમાં લાવવાનું કામ સંઘ કરી રહ્યો છે. ત્યારે સમયની માંગ છે કે આ ક્ષેત્રોને હિંદુ જીવનપદ્ધતિ અનુરૂપ બનાવીને હિંદુ રાષ્ટ્રને મજબૂત કરવાનું ઈશ્વરીય કાર્ય ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને ઝડપી બનાવવું જોઈએ.

ભારતનો આત્મા હિંદુ છે. ભારતનું રાષ્ટ્રીય મન હિંદુ છે. ભારતનો રાષ્ટ્રીય પ્રવાહ હિંદુ છે. ભારતની રાષ્ટ્રીયતા હિંદુ છે. ભારતની આકાંક્ષાઓ હિંદુ મન-આત્માની દેણ છે. તેથી ભારતમાં કોઈપણ રાષ્ટ્રવાદની વાત હિંદુઓને સ્પર્શે છે. હિંદુ ભારતમાં રાષ્ટ્રવાચક શબ્દ છે. જો કે કેટલાંક વૈચારીક દ્રષ્ટિએ વિકૃત લોકોએ હિંદુ શબ્દને સંપ્રદાયવાચક બનાવી દીધો. આ કામ અંગ્રેજોના સમયમાં કરાયું હતું. ભારતની ઓળખ હિંદુઓને કારણે છે. ભારતની રાષ્ટ્રીય ઓળખ અકબંધ રાખવા માટે હિંદુ રાષ્ટ્રવાદ અને હિંદુ રાષ્ટ્ર ભારતીય પ્રજાસત્તાક રાજ્યમાં મજબૂત બને તે જરૂરી છે.

વિશ્વનો ઈતિહાસ જણાવે છે કે જ્યારે રાષ્ટ્રને રાજ્યનો આશ્રય મળતો નથી કે આશ્રયદાતા રાજ્ય નબળું પડે છે, ત્યારે  રાષ્ટ્ર પણ નબળું પડીને ધીમેધીમે વિશ્વની ક્ષિતિજ પરથી અદ્રશ્ય બનીને ઈતિહાસ બની જાય છે. પ્રાચીન યૂનાન, રોમ અને ઈજીપ્ત જેવા મજબૂત દેશોને પણ તેમના રાષ્ટ્રની સુરક્ષા કરવામાં તેમના રાજ્યો નિષ્ફળ જતા રાષ્ટ્રીય ઓળખ ગુમાવવી પડી છે. ભારત છેલ્લા 1200 વર્ષોથી આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. અમુક અપવાદોને બાદ કરતા ભારતમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યોએ રસ દાખવ્યો નથી. આજે કહેવામાં આવે છે કે ભારત જીવંત રાષ્ટ્ર છે. પરંતુ સાથે એક બાબત ભૂલવી જોઈએ નહીં કે ભારત સદીઓથી રાષ્ટ્રને જાળવવાની ગુનાહીત બેદરકારીને પરિણામે ખંડિત થતું રહ્યું છે. 1947માં ભારતમાંથી મજહબી આધારે ઈસ્લામિક દેશ પાકિસ્તાનને મંજૂરી આપવી પડી. હાલ આ ખંડિત ભારત કોઈ ઘોષિત રાષ્ટ્રીય ઓળખ વગરનું પ્રજાસત્તાક રાજ્ય છે. હજી પણ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત કરવામાં નહીં આવે, તો ભારતને હજીપણ વિભાજન જેવી પરિસ્થિતિઓનો સામનો કરવાની સંભાવનાઓ નકારી શકાય તેમ નથી.

આવી સ્થિતિમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના કરવાના મુદ્દે ચર્ચા કરવામાં આવતી નથી. ભૂતકાળમાં સ્વતંત્રતાના ત્રણેક દશકા ભારતને હિંદુ રાજ્ય બનાવવાની જરૂરત પર ચર્ચાઓ થઈ છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં હિંદુ રાષ્ટ્રની સુરક્ષા માટે હિંદુ રાજ્યની સ્થાપના મુદ્દે બધાંના મોઢા બંધ છે. આ મુદ્દે રાષ્ટ્ર અને રાજ્યની વ્યાખ્યાઓની ચર્ચા કરીને શબ્દોની રમત થકી તર્કો આપવામાં આવે છે. ભારત હિંદુ રાજ્ય બની શકશે નહીં, તેવા નિવેદનો સંસદમાં હિંદુત્વવાદી નેતાઓ આપે છે. જેના કારણે પ્રખર હિંદુત્વવાદીઓ પણ ભારત હિંદુ રાજ્ય બનવું જોઈએ, તેવું કહેતા અચકાય છે. પરંતુ હકીકત એ છે કે હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્ય એક સિક્કાની બે બાજુ છે. હિંદુ રાષ્ટ્ર અને હિંદુ રાજ્યને અલગ પાડી શકાય નહીં. હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર ત્યારે જ રહી શકે, જ્યારે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવામાં આવે. તેના સિવાય ભારત દીર્ઘકાળ સુધી અત્યારનું સ્વરૂપ જાળવીને હિંદુ રાષ્ટ્ર રહી શકશે નહીં.

1947 પહેલા આખું હિંદુસ્થાન હિંદુ રાષ્ટ્ર કહેવાતું હતું. 1947માં ભાગલાને કારણે હિંદુસ્થાનની 30 ટકા જમીન કાપની પાકિસ્તાન નામનું ઈસ્લામિક રાજ્ય બનવા દેવાયું. હાલ અખંડ ભારતની 70 ટકા જમીન હિંદુસ્થાન કે ભારત તરીકે ઓળખાય છે. તેને જ હિંદુ રાષ્ટ્ર તાજેતરના સમયમાં કહેવામાં આવે છે. ખંડિત હિંદુસ્થાનને આયોજનબદ્ધ રીતે ઈસ્લામીકરણના કારસ્તાનોનો ભોગ બનવું પડે છે. તેથી ઓછામાં ઓછું ખંડિત હિંદુસ્થાનને કાયમી ધોરણે હિંદુ રાષ્ટ્ર તરીકે ટકાવી રાખવા માટે તેને હિંદુ રાજ્ય ઘોષિત કરવું જોઈએ અથવા અઘોષિતપણે હિંદુ રાજ્ય બનાવવા માટે વ્યૂહાત્મક રીતે આગળ વધવું જોઈએ.

સંજોગોની માંગ છે કે ભારતને હિંદુ રાષ્ટ્ર માનવાવાળા લોકો હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે અસરકારક રાજકીય સંગઠન અથવા આંદોલન ઉભું કરીને દેશનું નેતૃત્વ કરવા માટે આગળ આવે. સંઘના ગણાતા રાજકીય મંચમાં બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોની ભરમાર છે અને તેમનું ઘણું મોટું વર્ચસ્વ છે.તેમના માટે હિંદુ રાષ્ટ્ર, હિંદુઓનો રાજકીય એજન્ડા કોઈ મહત્વ ધરાવતો નથી. આવા બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વો સાથેના હિંદુ રાષ્ટ્રવાદીઓના કજોડાં લગ્ન વધારે સમય સુધી ટકવા કઠિન છે. હિંદુરાષ્ટ્રને હિંદુરાજ્ય ઘોષિત કરવામાં અડચણરૂપ બિનસાંપ્રદાયિક-સમાજવાદી તત્વોથી હિંદુ રાષ્ટ્રવાદીઓએ અલગ થઈને હિંદુસ્થાનને હિંદુ રાજ્ય ઘોષિત કરવા માટે આંદોલનનું એક બળવાન માધ્યમ બનવું પડશે. આવા સંગઠન અને આંદોલનને હિંદુ પ્રજામાં વ્યાપક સમર્થન ટૂંકાગાળામાં પણ મળી શકે છે. હિંદુ જનમાનસ ભારતના રાજકીય માળખામાં આમૂલ પરિવર્તન માટે શ્રીરામજન્મભૂમિ આંદોલન કાળથી તૈયાર છે. તેમને યોગ્ય દિશા આપનારા રાજકીય નેતૃત્વ અને સંગઠનની જરૂર છે. આવું હિંદુત્વવાદી સંગઠન અને આંદોલન રાષ્ટ્રીય જીવનમાં ટૂંકાગાળામાં છવાઈ શકે છે. દેશના 85 ટકા હિંદુઓમાંથી 40-45 ટકા હિંદુ મતો એકત્રિત કરીને દેશની રાજનીતિને હિંદુત્વવાદી દિશા આપી શકાય તેમ છે. તેનાથી ભારતને ઘોષિત કે અઘોષિત હિંદુ રાજ્ય બનાવવાનો માર્ગ મોકળો બનશે.

ભૂતકાળમાં આંધ્રપ્રદેશમાં ફિલ્મ અભિનેતા એન. ટી. રામારાવે તેલગુ દેશમ પાર્ટી બનાવીને રાજ્યના 40-45 ટકા હિંદુમતો પોતાની પાછળ એકઠા કરીને નહેરુવાદી કોંગ્રેસને પછાડી આંધ્રપ્રદેશ વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી.

મોરેસિયશમાં 53 ટકા હિંદુઓ છે. ત્યાં ભારતીય મૂળના 16 ટકા મુસ્લિમો અને 27 ટકા ક્રિયોલ ખ્રિસ્તીઓ છે. અહીં મુસ્લિમો અને ખ્રિસ્તીઓએ સાથે મળીને વિદેશી શક્તિઓના જોરે મોરેસિયશની સત્તા કબજે કરવા માટે આયોજનબદ્ધ યુક્તિ અજમાવી. પરંતુ મોરેશિયસમાં હિંદુ નેતૃત્વની સમજને કારણે 40 ટકા હિંદુ મતો એકત્રિત કરી શકાયા.પરિણામે 21 ઓગસ્ટ, 1983ની નિર્ણાયક સામાન્ય ચૂંટણીમાં હિંદુઓને મોરેસિયશમાં સત્તા ફરીથી મળી.


મલેશિયામાં 51 ટકા મુસ્લિમો છે. પરંતુ તેઓ મલેશિયાને ઈસ્લામિક દેશ પણ બનાવી શકયા અને ત્યાં રાજ્ય પણ કરે છે. શ્રીલંકામાં 70 ટકા બૌદ્ધો છે. પરંતુ ત્યાં સત્તારુઢ પક્ષે 40-45 ટકા બૌદ્ધમતોને પોતાની પાછળ એકત્રિત કરીને લોકશાહી ઢબે શ્રીલંકાને બૌદ્ધ રાજ્ય ઘોષિત કર્યું હતું.

આ ઉદાહરણોનો અભ્યાસ કરવામાં આવે, તો હિંદુસ્થાનમાં 40-45 ટકા હિંદુ મતોને એકત્રિત કરવા કોઈ અશક્ય બાબત નથી. જો આટલા હિંદુ મતો એકત્રિત થાય, તો હિંદુઓના અંતરમનની આકાંક્ષાઓ સાકાર બની શકે. ભારતમાં મલેશિયા,મોરેસિયશ, શ્રીલંકા અને વિશ્વના અન્ય દેશોની લઘુમતીઓની સરખામણીએ ઓછી લઘુમતી છે. એકવાર ભારતના હિંદુ રાષ્ટ્રને હિંદુ રાજ્ય ઘોષિત કરવાના લક્ષ્ય સાથે હિંદુત્વવાદ સંગઠન અને આંદોલન ઉભું થઈ જાય, તો તે ઝડપથી જુદાજુદા સંગઠનોમાં રહેલા અને વિખરાયેલા તમામ હિંદુત્વવાદી તત્વોને પોતાની તરફ એકજૂટ કરી શકશે.

હિંદુ મતો ક્યારેય એકઠા થયા નથી અને થવાના નથી, તેવું કહેવું જૂઠ્ઠાણું છે. ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે 1947 અને 1990થી 1998 સુધીના ગાળામાં હિંદુ મતો એકત્રિત થયા હતા. આ સિવાય હિંદુસ્થાનની સંસ્કૃતિ પરના સંકટોનો સામનો હિંદુઓએ સાથે મળીને કર્યો છે. આ કાર્યમાં કહેવાતી પછાત જાતિ અને વર્ગોનો હંમેશા મહત્વનો ફાળો રહ્યો છે. દુર્ભાગ્યનો વિષય છે કે અખંડ ભારતમાં ગાંધીજીએ મુસ્લિમોના સહકાર વગર સ્વતંત્રતા નહીં મળી શકે તેમ કહીને હિંદુઓનું મનોબળ તોડયું હતું. આજે ગાંધીજીના નવા માનસપુત્રો ચૂંટણી ગણિતો સમજાવીને કોઈપણ ભોગે મુસ્લિમ મતો મેળવતા અચકાવું જોઈએ નહીં, તેમ કહીને હિંદુઓને રાજકીય મોરચે હતાશા તરફ ધકેલી રહ્યા છે.

ભારતમાં 543 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો પણ માત્ર મુસ્લિમ મતોના ભરોસે જીતી શકાય તેમ નથી. તેવામાં મુસ્લિમ મતદારો કોમવાદી રીતે એકજૂટ થાય, તો હિંદુઓ પ્રત્યાઘાતમાં રાષ્ટ્રવાદી ભાવનાઓથી એકજૂટ બની શકે છે. જો કે તેના માટે સ્પષ્ટ રાજકીય નેતૃત્વની જરૂર છે. પરંતુ ભારતના હિંદુઓને રાજકીય નેતૃત્વની સતત દગાખોરીનો ભોગ બનવું પડયું છે. જેના કારણે દેશમાં રાજકીય હતાશાનો માહોલ છે અને તેવા સંજોગોમાં હિંદુઓને સક્ષમ રાજકીય નેતૃત્વ આપે તેવા આંદોલનની જરૂર છે. આવું રાજકીય નેતૃત્વ જ ભારતમાં રહેલા હિંદુ રાષ્ટ્રને સુરક્ષિત અને સંવર્ધિત બનાવવા માટે હિંદુ રાજ્ય ઘોષિત કરી શકશે


આવા રાષ્ટ્રવાદી લોકોના એકત્રીકરણને કોમવાદી કે પ્રતિક્રિયાવાદી કહેવું યોગ્ય નથી. જો કે પોતાને પ્રગતિવાદી અને સાચા બિનસાંપ્રદાયિક ગણાવવા માટે આ પ્રકારની પ્રવૃતિઓએ કરાશે. પરંતુ એકવાર જો હિંદુત્વવાદી આંદોલન હિંદુઓના રાજકીય મંચ માટે ઉભું થઈ જાય, તો દેશના સ્વરૂપને બંધારણીય રીતે હિંદુ રાજ્યમાં ફેરવવા માટે કોઈ મુશ્કેલી પડશે નહીં. ભારતનું બંધારણ અપરિવર્તનીય નથી. સ્વતંત્રતાથી અત્યાર સુધીમાં ભારતીય બંધારણમાં 100થી વધારે સુધારા અને સંશોધનો થયા છે. આમેય હિંદુ રાષ્ટ્રની સુરક્ષા અને સંવર્ધન તરફની રાજકીય નેતૃત્વની ગુનાહિત બેદરકારી ભારતને વિસ્ફોટક સ્થિતિ તરફ ઘસડી રહી છે. આ વિસ્ફોટક સ્થિતિમાં બંધારણ પણ હવામાં અદ્રશ્ય થાય તો નવાઈ નથી.


ભારતની અંદર અને બહારના ઘટનાચક્રોએ ભારતની જનતા અને સરકાર સામે એવી સ્થિતિ પેદા કરી છે કે જેમાં તેમને છેવટે નિર્ણય કરવો પડે કે તેઓ હિંદુ રાજ્યના સ્વરૂપમાં હિંદુસ્થાનના હિંદુ રાષ્ટ્રને જીવિત જોવા ઈચ્છે છે કે નહીં? કે પછી ભારતને પ્રાચીન રોમ, યૂનાન અને ઈજીપ્તની જેમ ઈતિહાસની ખોવાયેલી સ્મૃતિઓ બનાવવા માગે છે? આજના જેવા સંજોગો બહુ લાંબુ ચાલી શકશે નહીં. હિંદુસ્થાનને વહેલો કે મોડો પોતાના ભાગ્યનો ફેંસલો કરવો પડશે.