રવિવાર, 3 ઑગસ્ટ, 2014

મોદી સરકાર આવ્યા સત્તામાં આવ્યા બાદ ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના નવા યુગનો પ્રારંભ

આનંદ શુક્લ

મનમોહનસિંહના કાર્યકાળના આખરી તબક્કામાં અમેરિકા સાથેના રાજદ્વારી સંબંધો વણસ્યા હતા. પરંતુ ભાજપની નરેન્દ્ર મોદીના નેતૃત્વાળી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવતા જ બંને તરફથી સંબંધો પ્રત્યે સકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે. અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. તો સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાને મળવાના છે.

31 માર્ચ, 2014ના રોજ રાજદ્વારી તકરારમાં બંને દેશો વચ્ચેના સંબંદોમાં કડવાશ આવી હતી. અમેરિકામાં ભારતીય રાજદ્વારી સાથે અપમાનજનક વ્યવહાર કરાયો હોવાના અહેવાલોથી કેન્દ્ર સરકારે કડક વલણ અખત્યાર કર્યુંહતું. ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની અમેરિકામાં ધરપકડ કરાઈ હતી. આ વિવાદ બાદ ભારત ખાતેના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલના રાજીનામાની જાહેરાત કરવામાં આવી હતી.

લોકસભા ચૂંઠણી વખતે ભારત ખાતેના અમેરિકી રાજદૂતાવાસ દ્વારા ઘોષણા કરાઈ હતી. પરંતુ અમેરિકી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી ન હતી. જો કે નેન્સી પોવેલે ચૂંટણીના પરિણામો બાદ રાજીનામું આપ્યું હતું.
20 મે, 2014ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન આવવાનંત આમંત્રણ આપ્યું હતું. ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હતી અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા હતા. ત્યારે ઓબામાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પીએમ મોદીને વ્હાઈટહાઉસ આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

28 જુલાઈ, 2014ના રોજ અમેરિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના 2002ના રમખાણોમાં કથિત ભૂમિકાના આરોપ મામલે ક્લિનચિટ આપી હતી. અમેરિકાના આંતરીક ઈન્ટરનેશનલ રિલિજયસ ફ્રીડમ રિપોર્ટમાંથી મોદીના તમામ ઉલ્લેખો અને સંદર્ભો હટાવી દેવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં એસઆઈટી દ્વારા મોદીને મળેલી ક્લિનચિટવાળા અહેવાલને કોર્ટની મંજૂરીનો પણ ઉલ્લેખ કરાયો છે.

30 જુલાઈ, 2014ના રોજ અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. તેમની સાથે ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે. જેમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પ્રેની પ્રિત્સકર પણ સામેલ છે. 31 જુલાઈએ તેમણે ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. તેમણે સુષ્મા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી હતી. પહેલી ઓગસ્ટે જોન કેરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા છે. આ મુલાકાતમાં સપ્ટેમ્બર માસમાં મોદીની પ્રસ્તાવિત મુલાકાત સંદર્ભે પૃષ્ઠભૂમિ તૈયાર કરાઈ છે.

બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિમાં ચીનના તાકતવર થયું છે. તો આતંકવાદના પડકાર વચ્ચે લોકતાંત્રિક મૂલ્યોના અસ્તિત્વની જાળવણી માટે બંને મહત્વની લોકશાહીના સાથે આવવું જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે અમેરિકાની જગત જમાદારની ભૂમિકા અને પોતાના હિતોની જ નિસ્બતનો સ્વાર્થી દ્રષ્ટિકોણ ભારતના રણનીતિક હિતોનો બલિ લઈ લે નહીં તે જોવું પણ અત્યંત જરૂરી છે.

1991-2001: સોવિયત સંઘના તૂટયા બાદ ઉદારીકરણને અપનાવનાર ભારત અમેરિકાની નજીક આવ્યું

આનંદ શુક્લ

1991થી ભારતે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો. જેના કારણે ભારત એક બજાર તરીકે વિશ્વ સામે ખુલ્લું મૂકાયું. અમેરિકાને ભારતના બજારમાં પોતાના આર્થિક હિતો દેખાતા તેણે દ્વિપક્ષીય સંબંધો સુધારવાની શરૂઆત કરી. પણ 1998માં વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણો કરતા ફરીથી અમેરિકા સાથેના સંબંધો પાટા પરથી ઉતરી ગયા હતા. પરંતુ વાજપેયી સરકારના કાર્યકાળમાં જ ભારત અમેરિકા સાથે સૌથી વધારે નજીક પહોંચવા લાગ્યું હતું. જે ભારતની પરંપરાગત બિનજોડાણવાદી અને બાદમાં રશિયા તરફી નીતિઓમાં બહુ મોટો વળાંક હતો.

24 જુલાઈ, 1991ના રોજ તત્કાલિન નરસિંહરાવ સરકારે ભારતને ઉદારીકરણના આર્થિક સુધારાના રસ્તે લઈ જવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાન નરસિંહરાવે આર્થિક ઉદારીકરણને મંજૂરી આપી હતી. જેના કારણે આર્થિક હિતોની આસપાસ અમેરિકા સાથેના સંબંધો વિકસવાની શરૂઆત થઈ હતી. તે સમયે ડૉ. મનમોહનસિંહ ભારતના નાણાં મંત્રી તરીકે મહત્વની ભૂમિકામાં હતા.

ભારત અને અમેરિકાના આગળ વધી રહેલા સંબંધોમાં 11 મે, 1998ના રોજ ભારત દ્વારા બીજું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. પોખરણમાં તત્કાલિન વાજપેયી સરકારે અમેરિકી ગુપ્તચર એજન્સીઓને અંધારામાં રાખીને પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાને ચુગઈની પહાડીઓમાં છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. જેના કારણે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની દોડ તેજ થવાનો વૈશ્વિક ડર પેદા થયો હતો. જેના કારણે અમેરિકાના ભારત સાથેના સંબંધો ફરીથી વણસ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને અમેરિકી કાયદા પ્રમાણે ભારત પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.

3 મે, 1999ના રોજ કારગીલ યુદ્ધને કારણે અમેરિકાની પાકિસ્તાન પરસ્ત નીતિઓમાં ફરીથી પરિવર્તન આવ્યું. પાકિસ્તાની સૈનિકોએ કારગીલમાં ઘૂસણખોરી કરી હતી. તેના જવાબમાં ભારતે હવાઈ આક્રમણો સહીત લશ્કરી કાર્યવાહી શરૂ કરી અને આ યુદ્ધ જુલાઈ સુધી ચાલ્યું હતું. 4 જુલાઈ, 1999ના રોજ કિલન્ટને પાકિસ્તાના તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. કિલન્ટના કડક નિર્દેશ બાદ શરીફે પાકિસ્તાની સેનાને કારગીલમાંથી પાછી ખેંચી હતી. તો ભારતે પણ તેમને સેફપેસેજ આપવા તૈયારી દેખાડી હતી.

20 માર્ચ, 2000ના રોજ બદલાયેલી પરિસ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ભારત આવ્યા હતા. 1978 બાદ પહેલી વખત કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ભારતની યાત્રાએ આવ્યા હતા. 1998ના પરમાણુ પરીક્ષણ બાદ ક્લિન્ટને સંબંધો સુધારવા ભારતની મુલાકાત લીધી હતી. જો કે તેણે ભારત પર સીટીબીટી પર હસ્તાક્ષર કરવા માટે દબાણ કર્યું હતું. ઈન્ડો-યુએસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોરમની સ્થાપના કરવામાં આવી. ભારતીય અર્થતંત્રએ મજબૂતી પકડતા અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું હતું. શીતયુદ્ધ વખતની પાકિસ્તાનની આળપંપાળની અમેરિકી નીતિમાં પણ ફેરફાર થયો હતો.

અમેરિકા પર 9-11ના આતંકી હુમલા બાદ 22 સપ્ટેમ્બર-2001ના રોજ તેણે ભારત પર પરમાણુ પરીક્ષણ બાદ લગાવેલા આર્થિત પ્રતિબંધો હટાવી લીધા હતા. અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશે ભારતની આર્થિક રોક હટાવી હતી.


2005થી 2013: ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં ભારત અમેરિકી સંબંધો સ્થિર અને પ્રગાઢ બન્યા

- આનંદ શુક્લ
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ડૉ. મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં વધુ મજબૂત બન્યા હતા. ભારતે અમેરિકા સાથે નાગરિક પરમાણુ ઊર્જા કરાર કર્યા હતા. તો ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહ અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક હુસૈન ઓબામા વચ્ચે માત્ર ચાર વર્ષના સમયગાળામાં ત્રણ મહત્વની બેઠકો યોજાઈ હતી.

15 માર્ચ, 2005ના રોજ બંને દેશો વચ્ચે ઊર્જા સુરક્ષા સંદર્ભે વાટાઘાટો થઈ હતી. અમેરિકી વિદેશ પ્રધાન કોન્ડોલિઝા રાઈસ ભારત આવ્યા હતા. તે વખતે ભારતના ઈરાન સાથેના સંભવિત ઊર્જા સહકાર અને અમેરિકા દ્વારા પાકિસ્તાન સાથે ફાઈટર જેટ આપવાની ડીલ મુદ્દે તણાવ હતો. જો કે બંને દેશો વચ્ચે તણાવ વચ્ચે પણ ઊર્જા સુરક્ષા સંદર્ભેની વાટાઘાટો આગળ વધી હતી.

28 જૂન, 2005ના રોજ ભારતે નવા ડિફેન્સ ફ્રેમવર્ક પર હસ્તાક્ષર કર્યા હતા. મેરિટાઈમ સિક્યુરિટી, આતંકવિરોધી મદદને પ્રાથમિકતા આપવા માટે સંમતિ સધાઈ હતી. ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે મોટી નૌસેના કવાયત થઈ હતી. બાદમાં વાયુસેના અને ભૂમિસેનાની પણ સંયુક્ત કવાયતો થઈ હતી. 

18 જુલાઈ, 2005ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે નાગરિક પરમાણુ ઊર્જા કરાર થયો હતો. ત્રણ દશક જૂની ન્યૂક્લિયર ટ્રેડ પરની રોક હટાવી લેવાઈ હતી. ભારતે નાગરિક અને લશ્કરી પરમાણુ કાર્યક્રમો અલગ કર્યા હતા. તો નાગરિક પરમાણુ કાર્યક્રમોને આઈએઈએના સેફગાર્ડ હેઠળ આવરી લીધા હતા. અમેરિકાએ ભારતને સંપૂર્ણ નાગરિક પરમાણુ સહકારની ખાતરી આપી હતી.

જો કે 2005માં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાએ વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો. તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બુશ જૂનિયરના વહીવટી તંત્રે મોદીને વીઝા આપવાનું નકાર્યું હતું. 2002માં હુલ્લડો સંદર્ભે મોદીની કથિત ભૂમિકાના આરોપમાં અમેરિકાએ આવી નીતિ અપનાવી હતી.

માર્ચ, 2006ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ બુશ ભારત આવ્યા હતા. ત્યારે નાગરિક પરમાણુ કરારને આખરી ઓપ અપાયો હતો. બંને દેશો વચ્ચે સંરક્ષણ અને આર્થિક બાબતોના કરારો પણ થયા હતા. જુલાઈ-2007માં પરમાણુ કરાર પૂર્ણ કરાયો હતો. આ કરાર બાદ ભારતને ન્યૂક્લિયર કોમર્સમાં ભાગીદારી મળી હતી. નોનપ્રોલિફેરેશન ટ્રેટીની બહાર માત્ર ભારતને જ આવી મંજૂરી મળી હતી.

નવેમ્બર, 2008ના રોજ મુંબઈ પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ત્રણ દિવસ ચાલેલા આતંકી હુમલામાં 166 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં 6 અમેરિકનો પણ માર્યા ગયા હતા. અમેરિકાએ ભારતની એજન્સીઓને મજબૂત મદદ કરી હતી. અમેરિકી તપાસ સંસ્થા એફબીઆઈના અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ભારત મોકલવામાં આવ્યા હતા.

29 નવેમ્બર, 2009ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહ અમેરિકા ગયા હતા. તેમનું અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મનમોહન-ઓબામા વચ્ચેની મંત્રણાનું પ્રતીકાત્મક મહત્વ હતું. જો કે તેમાં દ્વિપક્ષીય સંબંધોના મામલે સીમાચિન્હરૂપ પરિણામો મળી શક્યા નહીં.

5 એપ્રિલ, 2010ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક ભાગીદારી આગળ વધી હતી. અમેરિકી નાણાં પ્રધાન તિમોથી ગેઈથનરે ભારતની મુલાકાત લીધી. તેમણે તત્કાલિન ભારતીય નાણાં પ્રધાન પ્રણવ મુખર્જી સાથે વાટાઘાટો કરી હતી. બંન દેશો વચ્ચે મજબૂત આર્થિક સંબંધોનો પાયો નખાયો હતો.

1 જૂન, 2010ના રોજ બંને દેશો વચ્ચે પ્રથમ રણનીતિક વાટાઘાટો થઈ હતી. તેનાથી ભારત-અમેરિકા રણનીતિક સંબંધોની શરૂઆત થઈ હતી. તેના સંદર્ભે ભારતનું ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ગયું હતું. અમેરિકાના તત્કાલિન વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટને ભારતને અનિવાર્ય રણનીતિક સાથીદાર ગણાવ્યું હતું. તો ઓબામાએ બંને દેશોના સંબંધોને 21મી સદી માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. બંને દેશો વચ્ચે વાર્ષિક રણનીતિક વાટાઘાટોને પણ મંજૂરી અપાઈ હતી.

5 નવેમ્બર, 2010ના રોજ અમેરિકાએ યુનાઈટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના દાવાને ટેકો આપ્યો. ભારત યુએનએસસીમાં કાયમી સભ્ય પદનો દાવો કરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય સંસદને સંબોધિત કરતી વખતે આ દાવાને ટેકો આપ્યો હતો. ઓબામાએ ત્યારે 14.9 અબજ ડોલરની ટ્રેડ ડીલની પણ જાહેરાત કરી હતી. જો કે તેનો હેતુ ભારતીય બજારો સુધી અમેરિકી પહોંચ વધારવા અને નાગરિક પરમાણુ કરાર પર મહત્વપૂર્ણ ચર્ચાના ભાગરૂપે જાહેર કરાઈ હતી.

19 જુલાઈ, 2011ના રોજ બંને દેશો વચ્ચે સાયબર સિક્યુરિટી કોર્પોરેશન મામલે સંમતિ સધાઈ હતી. તેને ભારત અને અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોમાં મહત્વના સ્થંભ તરીકે જોવામાં આવે છે.

30 મે, 2012ના રોજ ભારત અને અમેરિકા વચ્ચે પેનેટ્ટા બુસ્ટ્સ મિલિટિરી સંધિ કરવામાં આવી હતી. અમેરિકી સંરક્ષણ પ્રધાન લેઓન પેનેટ્ટા ભારત આવ્યા હતા. તેમણે આ સંધિને એશિયા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેના પહેલા જાન્યુઆરી-2010માં અમેરિકી સંરક્ષણ પ્રધાન રોબર્ટ ગેટ્સ ભારત આવ્યા હતા.

27 સપ્ટેમ્બર, 2013ના રોજ વડાપ્રધાન તરીકે ડૉ. મનમોહનસિંહ અમેરિકાની આખરી મુલાકાતે ગયા હતા. તે સમયે છેલ્લા ચાર વર્ષના ગાળામાં મનમોહન-ઓબામા વચ્ચે ત્રીજી બેઠક યોજાઈ હતી. તે સમયે સુરક્ષા, વેપાર, ઈમિગ્રેશન, પરમાણુ કરાર સહીતના ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ મુલાકાત ભારતની કથળેલી આર્થિક પરિસ્થિતિ વચ્ચે યોજાઈ હતી.


9-11ના આતંકવાદી હુમલા બાદ અમેરિકાનો ભારત માટેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. વાજપેયી સરકાર  દ્વારા અમેરિકા સાથે ઘનિષ્ઠતાની નીતિને ડૉ. મનમોહનસિંહે પોતાના વડાપ્રધાન તરીકેના દસ વર્ષના ગાળામાં વધુ મજબૂત અને સ્થિર બનાવ્યા હતા. 

1978-1990: શીતયુદ્ધની ચરમસીમાએ અમેરિકાનો પાકિસ્તાન તરફી ઝુકાવ

- આનંદ શુક્લ
ભારતમાં કટોકટી બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈની સરકારના કાર્યકાળમાં અમેરિકા સાથેના સંબંધો ફરીથી જીવિત થવા લાગ્યા હતા. અમેરિકાની નોનપ્રોફિલફેરેશન ટ્રેટી, ઈન્દિરા ગાંધીની હત્યા.. ભોપાલ ખાતેની અમેરિકી કંપનીમાં ગેસલીકની દુર્ઘટના અને કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકી પ્રવૃતિઓએ ફરીથી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પાટા પર ચઢવા દીધા નહીં.

1 જાન્યુઆરી, 1978ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જિમી કાર્ટર ભારતની મુલાકાતે આવ્યા હતા. કાર્ટરે રાષ્ટ્રપતિ સંજીવ નીલમ રેડ્ડી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે વડાપ્રધાન મોરારજી દેસાઈ સાથે પણ મહત્વપૂર્ણ વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્ટરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી. કાર્ટરની મુલાકાત બાદ જૂનમાં વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ અમેરિકાની યાત્રાએ ગયા હતા. મોરારજી દેસાઈ અમેરિકામાં છ દિવસ રોકાયા હતા.

10 માર્ચ, 1978ના રોજ અમેરિકાએ પોતાની જગત જમાદારીને સાબૂત રાખવા માટે ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન એક્ટ બનાવ્યો હતો. ન્યૂક્લિયર નોન-પ્રોલિફેરેશન ટ્રેટીમાં જોડાવા ભારતે સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જેના કારણે અમેરિકાએ ભારતને અપાતી તમામ પરમાણ્વિક મદદને સ્થગિત કરી દીધી હતી.

31 ઓક્ટોબર, 1984ના રોજ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ઓપરેશન બ્લૂસ્ટારનો બદલો લેવા માટે તેમની હત્યા કરાઈ હતી. ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ તેમને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. 1971માં ઈન્દિરા ગાંધી અને અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સ વચ્ચે કડવાશભર્યા સંબંધો હતા. બંને વચ્ચે 1971માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ મામલે તીવ્ર મતભેદો હતા. 1982માં ઈન્દિરા ગાંધી ફરીથી અમેરિકા ગયા હતા. ત્યાર બાદ સંબંધોની નવી શરૂઆત સ્વરૂપે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જ્યોર્જ એચ. ડબલ્યૂ બુશ ભારતની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીની હત્યા બાદ બંને દેશના સંબંધોમાં થોડી અસ્પષ્ટતાઓ કાયમ રહી હતી.

3 ડિસેમ્બર, 1984ના રોજ ભોપાલમાં ઝેરી ગેસ લીક થતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક અંદાજ પ્રમાણે 10 હજારથી વધારે લોકોના મોત નીપજ્યા હતા. ભોપાલમાં અમેરિકી કંપની યૂનિયન કાર્બાઈડ પ્લાન્ટમાં સર્જાયેલી ભીષણ દુર્ઘટના થઈ હતી. જેના કારણે પીડિતોને વળતર અને મહત્વના અમેરિકી અધિકારીઓને સેફપેસેજના મામલે બંને દેશોના સંબંધો ફરીથી પાટા પરથી ઉતરી ગયા હતા.

20 મે, 1990ના રોજ અમેરિકી ક્રાઈસિસ મિશન ભારત અને પાકિસ્તાનની મુલાકાતે આવ્યું હતં. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદને કારણે ભારત સાથેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. અમેરિકી ક્રાઈસિસ મિશન બંને દેશો વચ્ચે પરમાણુ યુદ્ધની શક્યતાઓને ટાળવાના મિશન સાથે અહીં આવ્યું હતું. અમેરિકી મિશનમાં અમેરિકાના તત્કાલિન નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ગેટ્સ બંને દેશોના શીર્ષસ્થ નેતાઓને મળ્યા હતા.

જો કે આ સમયગાળા દરમિયાન જગત જમાદારી ટકાવવાની ફિરાકમાં દુનિયાભરમાં ઘર્ષણો પેદા કરનારા અમેરિકાનું પલડું હંમેશા ભારતની સરખામણીએ પાકિસ્તાન તરફ વધારે ઝુકેલું રહ્યું હતું. 




1949-1974 ભારત-અમેરિકા સંબંધ: નહેરુની બિનજોડાણવાદી નીતિ, ઈન્દિરા ગાંધીએ જગત જમાદારીને પડકારી

-આનંદ શુક્લ

ભારતની આઝાદીના સમયથી અમેરિકા સાથેના સંબંધોમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ શીતયુદ્ધની શરૂઆતમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ બિનજોડાણવાદી નીતિ અપનાવીને અમેરિકાના પિછલગ્ગુ બનાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. તો ઈન્દિરા ગાંધીએ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કરીને અમેરિકાની નારાજગી છતાં પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને બાંગ્લાદેશની રચનામાં મુખ્ય ભૂમિકા ભજવી. તો 1974માં ભારતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કરીને જગત જમાદાર અમેરિકાની ખફગી વ્હોરી લીધી હતી.

ભારત અને અમેરિકા વચ્ચે આઝાદીકાળથી બધું બરાબર રહ્યું નથી. 13 ઓક્ટોબર, 1949ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અમેરિકાની યાત્રાએ ગયા હતા. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેનને મળ્યા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા-સોવિયત સંઘ વચ્ચેના શીતયુદ્ધના પ્રારંભકાળમાં ભારતે મહત્વની ઘોષણા કરી. ભારતે અમેરિકા-સોવિયત સંઘમાંથી કોઈ એક સાથે જોડાવાના સ્થાને બિનજોડાણવાદી આંદોલનનું નેતૃત્વ લેવાની જાહેરાત કરી. ભારતનું વલણ સમગ્ર શીતયુદ્ધના સમયગાળામાં યથાવત રહ્યું હતું. તેનાથી ભારત અને અમેરિકાના સંબંધોમાં અડચણો સપાટી પર આવી હતી. જેના કારણે ભારત અને સોવિયત સંઘ વચ્ચે ઘનિષ્ઠતા વધવા લાગી. તો અમેરિકાએ પાકિસ્તાનને પડખામાં લીધું.

9 ડિસેમ્બર, 1959ના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ આઈસનહોવર ભારતની મુલાકાતે આવ્યા. આઈસનહોવર ભારતની મુલાકાતે આવનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ હતા. તેમણે તત્કાલિન ભારતીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાટાઘાટો કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ આઈસનહોવરે ભારતીય સંસદને સંબોધિત પણ કરી હતી

20 ઓક્ટોબર, 1962ના રોજ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતે ચીનના આક્રમણ સામે અમેરિકાનો ટેકો માંગ્યો હતો. વડાપ્રધાન નહેરુએ અમેરિકી રાષ્ટ્રપતિ જહોન એફ. કેનેડીને આ સંદર્ભે પત્ર પણ લખ્યો હતો. અમેરિકાએ ત્યારે બંને દેશો વચ્ચેની મેકમોહન રેખાને સરહદ તરીકે માન્યતા આપી હતી. ભારતને અમેરિકાએ હવાઈ મદદ અને શસ્ત્રસરંજામ પુરા પડવાની ખાતરી આપી હતી. 1965 સુધી ભારત અને અમેરિકા વચ્ચે સામરિક-લશ્કરી સંબંધો યથાવત રહ્યા હતા. પરંતુ 1965માં પાકિસ્તાન સાથે ભારતના યુદ્ધ બાદ અમેરિકા સાથેના સંબંધોના સમીકરણો બગડયા હતા.

1963માં ભારતના ખાદ્યાન્ન સંકટના ઉકેલમાં અમેરિકાએ ખાદ્યાન્ન ક્રાંતિને પ્રોત્સાહન આપીને મદદ કરી હતી. અમેરિકી કૃષિ વિશેષજ્ઞ નોર્મન બોરલોગ ભારત આવ્યા હતા. તેમણે ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંની પ્રજાતિઓના પરીક્ષણો શરૂ કર્યા હતા. તેમણે ભારતમાં હરિત ક્રાંતિ માટે મજબૂત સહયોગ પુરો પાડયો હતો. જેના કારણે ભારતના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામિનાથનને હરિત ક્રાંતિમાં સફળતા મળી હતી. ભારત આ સમયગાળામાં ખાદ્યાન્ન ઉત્પાદનમાં પગભર બન્યું હતું.

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. પૂર્વ પાકિસ્તાનમાં બાંગ્લાદેશીઓ પર સૈન્ય અત્યાચાર થયા હતા. પાકિસ્તાની સેના સામે નાગરિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ભારતમાં શરણાર્થીઓના ધાડાઓ ઉતરી આવતા ભારતે પૂર્વ પાકિસ્તાનમાં હસ્તક્ષેપ કરવો પડયો હતો. અમેરિકાએ આ યુદ્ધમાં પાકિસ્તાનનો પક્ષ લઈને ભારતને ધમકાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન તેમના ભારત વિરોધી વલણ મામલે કુખ્યાત બન્યા હતા. જેના પરિણામે ભારતે પોતાની ઘોષિત બિનજોડાણવાદી નીતિમાં પરિવર્તન કરીને સોવિયત સંઘ સાથે ઓગસ્ટ માસમાં સંઘિ કરી હતી. 1971માં 16 ડિસેમ્બરે ઢાકા કબજે કરીને ભારતીય સેનાઓએ બાંગ્લાદેશની રચનામાં ભારતની મુખ્ય ભૂમિકા પ્રસ્થાપિત કરી હતી.

18 મે, 1974ના રોજ ભારતે પોખરણ ખાતે પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ભારત યૂએનએસસીના પાંચ કાયમી સભ્યો સિવાય છઠ્ઠુ પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર બન્યું હતું. જેના કારણે અમેરિકા અને ભારત વચ્ચે બે દાયકા સુધી કડવાશ ભર્યા સંબંધો રહ્યા હતા. 

જગત જમાદારી માટે અમેરિકાને પણ છે ભારત સાથે સારા સંબંધોની જરૂરત

- આનંદ શુક્લ

દુનિયામાં જગત જમાદાર તરીકે પોતાના રાષ્ટ્રીય અને સામરિક હિતોની પૂર્તિ માટે યુદ્ધો ખેલવાની તાસિર ધરાવતા અમેરિકા સામે હાલ ઘણાં મોટા રણનીતિક પડકારો છે. સોવિયત સંઘના તૂટયા બાદ હવે ચીન પડકાર છે, તો ઈસ્લામિક દેશોમાં હસ્તક્ષેપને કારણે અમેરિકા સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. તો મધ્ય-પૂર્વ એશિયામાં ઈઝરાયલને ગાઝા પટ્ટીમાં હિંસક કાર્યવાહીમાં ટેકો આપવાના કારણે આરબ દેશોમાં અમેરિકા વિરોધી લાગણીઓ જોર મારી રહી છે. આવા સંજોગોમાં અમેરિકાની પણ ભારત પાસે ઘણી મોટી અપેક્ષાઓ છે.

ઈરાકમાં બે વખત સૈન્ય કાર્યવાહી અને 9-11ના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન-અલકાયદાને ખતમ કરવા માટેના આતંકવાદ સામેના યુદ્ધને કારણે અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી છે. અમેરિકા ઘરઆંગણે બેરોજગારીના પડકારનો પણ સામનો કરી રહ્યું છે. તો ઈસ્લામિક દેશોમાં અમેરિકી હસ્તક્ષેપથી ઈજીપ્ત, લીબિયા, ઈરાન સહીતના દેશોમાં આક્રોશનું વાતાવરણ છે. આવા સંજોગોમાં અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર સામરિક પડકારો ઉભા થયા છે. ત્યારે અમેરિકાને દક્ષિણ એશિયામાં પોતાના હિતોની પૂર્તિ માટે અને ચીનની આક્રમકતાને કાબુમા રાખવા માટે ભારત તરીકે મજબૂત રણનીતિક સાથીદાર જોઈએ છે. 2016 સુધીમાં અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની વાપસી બાદ આતંકવાદી પરિબળોને નાથવા ભારત સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયારી દાખવે તેવી અમેરિકાને અપેક્ષા રહેશે.

તો ભારત સંરક્ષણ અને વીમા સહીત ઘણાં ક્ષેત્રોમાં એફડીઆઈને મંજૂરીની મર્યાદા વધારી છે. તેવા સંજોગોમાં અમેરિકા પોતાના દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે ભારતમાં આવા ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માટે પુરજોર કોશિશ કરવા ઈચ્છે છે. ભારત અમેરિકા માટે એક ઘણું મોટું બજાર છે. તેવા સંજોગોમાં અમેરિકા ભારત સાથે પ્રગાઢ સંબંધો વધારીને પોતાના આર્થિક હિતોની પણ પૂર્તિ કરવા ઈચ્છે છે.

આવા સંજોગોમાં અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરીની ભારત યાત્રામાં અમેરિકી અપેક્ષાઓ પણ સ્પષ્ટ બની છે. ડૉ. મનમોહનસિંહના કાર્યકાળમાં થયેલા નાગરિક પરમાણુ ઊર્જા કરારના મામલે ભારત આગળ  વધે. પરમાણુ વીજ સંયંત્રમાં રોકાણ માટે સાર્થક આશ્વાસન આપે. ભારત વિશ્વમાં શસ્ત્રનું સૌથી મોટું ખરીદાર છે. ત્યારે સંરક્ષણ સોદાઓમાં અમેરિકાને પ્રાથમિકતા મળે અને ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીમાં અમેરિકાને સ્થાન મળે. ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય વ્યાપારીક સંબંધો માટે ઓબામા વહીવટી તંત્રને ખૂબ આશા છે,

હાલ બંને દેશ વચ્ચે 100 અબજ ડોલરનો વાર્ષિક વેપાર થાય છે. અમેરિકાને ભારત સાથેનો દ્વિપક્ષીય વેપાર 400થી 500 અબજ ડોલર સુધી લઈ જવો છે. અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધો વધુ પ્રગાઢ બનાવવા ઈચ્છે છે. દક્ષિણ એશિયા અને ચીન સામે સામરિક હિતોની સુરક્ષા માટે અમેરિકા ભારત સાથેના રણનીતિક સંબંધોને સક્રિય સૈન્ય સંબંધો સુધી વિકસિત કરવાની મનસા ધરાવે છે. સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દાઓ પર સંમતિ સાધી શકાય તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી શકાય. તો ડબલ્યૂટીઓની તાજેતરની બેઠકમાં સબસિડીની કપાતના મામલે ભારત તરફથી દર્શાવાયેલી અસંમતિ બાદ અમેરિકા મોદી સરકારને તેના માટે રાજી કરવા ઈચ્છે છે.

અમેરિકાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ સાથે અન્ય દેશોના સંસાધનોનું અને બજારનું મોટું આર્થિક શોષણ કર્યું હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. ત્યારે અમેરિકા કોઈપણ દેશ સાથે પોતાના સામરિક અને આર્થિક હિતોના આધારે જ સંબંધો વધારતું હોવાનું માનવામાં આવે છે. પરંતુ 9-11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલા બાદ અમેરિકાના સામરિક દ્રષ્ટિકોણમાં ઘણો મોટો ફેરફાર થયો છે અને તેમાં ભારતના રાષ્ટ્રીય હિતોની પૂર્તિ થાય તેવી કેટલીક શક્યતાઓ પણ ઉભી થઈ છે. ત્યારે બંને દેશો વચ્ચેના પ્રગાઢ સંબંધો ખરેખર પારસ્પરિક જરૂરિયાત છે.


વૈશ્વિક પરિવર્તનોવાળી 21મી સદીમાં ભારતની અમેરિકા પાસેથી અપેક્ષા

- આનંદ શુક્લ
અમેરિકી વિદેશ પ્રધાન જોન કેરી સાથે આવેલા ઉચ્ચઅધિકાર પ્રાપ્ત પ્રતિનિધિમંડળમાં અમેરિકી વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્સકર પણ ભારતની મુલાકાતે આવ્યા હતા. અમેરિકાના વિદેશ પ્રધાનની મુલાકાત બહુકોણીય ઉદેશ્યોની પૂર્તિ માટે હતી. ત્યારે જોઈએ ભારતની અમેરિકા પાસે કઈ સંભવિત અપેક્ષાઓ છે....

અમેરિકાના વિદેશ પ્રધાન ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવ્યા હતા. તેમણે ગુરુવારે ભારત-અમેરિકા વચ્ચેની રણનીતિક વાટાઘાટોની સહઅધ્યક્ષતા કરી હતી. કેરીએ સંરક્ષણ પ્રધાન અરુણ જેટલી સાથે પણ મહત્વની વાતચીત કરી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર માસની પ્રસ્તાવિત અમેરિકાની યાત્રા માટે પણ જોન કેરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી છે. એક નજર કરીએ અમેરિકા પાસે ભારતની તાત્કાલિક અપેક્ષાઓ પર...

ભારતની અમેરિકા પાસે અપેક્ષા રહેશે કે ઓબામા વહીવટી તંત્ર દ્વારા ભારતીયોના વીઝાના કડક બનાવાયેલા નિયમોમાં મુક્તિ મળે. દક્ષિણ એશિયા અને ભારતમાં ચાલી રહેલી પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી પ્રવૃતિઓ સામે કડક પગલા આંતરરાષ્ટ્રીય મંચ પર લેવાય.

2008માં થયેલા મુંબઈ પરના ભીષણ આતંકવાદી હુમલાના અમેરિકી જેલમાં બંધ ગુનેગાર ડેવિડ હેડલીની પુછપરછ માટે ભારતને મંજૂરી મળે. વ્હીસલ બ્લોઅર સ્નોડેનના દાવા પ્રમાણે, અમેરિકી એજન્સીને ભારતના નેતાઓની જાસૂસીની મંજૂરી મળી છે. તો આ કથિત જાસૂસી બંધ કરવાની મોદી સરકારની તાત્કાલિક ઈચ્છા રહેશે. દેવયાની ખોબ્રાગડે સાથે થયેલા દુર્વ્યવહાર બાદ અમેરિકામાં અન્ય કોઈ ભારતીય રાજદ્વારીઓ સાથે અપમાનજનક વ્યવહારની સ્થિતિ ફરીથી ઉભી થાય નહીં.

સપ્ટેમ્બર માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસ્તાવિત અમેરિકી યાત્રા દરમિયાન મહત્વના મુદ્દે સમજૂતી બને. તકનીકી બાબતો અને સંશોધનોમાં સહયોગમાં વધારો થાય. ભારતીય સૈન્યના આધુનિકીકરણ માટે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રની મદદ મળે. વીમા અને સંરક્ષણ ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી બાદ અમેરિકી મૂડી રોકાણને આકર્ષિત કરવું.

દક્ષિણ એશિયામાં અસ્થિરતા અને આતંકવાદની સ્થિતિમાં ભારતના રાષ્ટ્રીય હિતોને અમેરિકાનો ટેકો મળે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય પદ માટે અમેરિકા વલણ બદલી ટેકો આપે. શીતયુદ્ધ બાદ એકધ્રુવીય થયેલા વિશ્વમાં ભારતને અમેરિકા સ્વરૂપે મજબૂત સાથીદાર મળે.

તાજેતરમાં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે કલાક રાહ જોવડાવી અને બીજા દિવસે મુલાકાત આપી હતી. જેને ભારત અને રશિયા વચ્ચેના સંબંધોમાં એક મોટા ફેરફાર તરીકે પણ જાણકારો જોઈ રહ્યા છે. તો પાકિસ્તાનને તાજેતરમાં રશિયાએ ભારતને વેચ્યા હતા.. તેવા જ હેલિકોપ્ટરોની ખેપ આપી છે.

ત્યારે રશિયાના મર્યાદિત બનેલા વૈશ્વિક પ્રભાવ અને ભારત માટે સોવિયત સંઘના તબક્કા જેવી સંબંધોમાં ગાયબ થઈ રહેલી ઉષ્મા વચ્ચે અમેરિકા-ભારત નજીક આવે તે બંને દેશોની રણનીતિક જરૂરિયાત છે. 9-11ના હુમલા બાદ અમેરિકાને પોતાના રાષ્ટ્રીય હિતો માટે આંતરરાષ્ટ્રીય સ્તરે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એવા ભારતની જરૂરિયાત થોડાઘણાં અંશે સમજાઈ છે.