Sunday, October 9, 2011

સંબંધોમાં “ગણતરી” એટલે સંબંધોની ઉંધી ગણતરી


- આનંદ શુક્લ

સંબંધ તાંબાના વાસણ જેવાં હોય તો ટકે અને એકબીજાને ઊર્જા આપે. આજના સંબંધો કાચના વાસણ જેવાં છે, સાચવવા પડે છે. સમાજમાં સંબંધો મજબૂત માળખું આપતાં હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં સંબંધોના ગણિત બદલાયા છે. સંબંધો વધારે મતલબી અને વધારે સ્પષ્ટ શબ્દોમાં ગરજ મતલબી બન્યા છે. ગરજે ગધેડાને બાપ કહેનારાઓની સંખ્યા સમાજમાં વધતી જાય છે. નાના-મોટા સંબંધો કાઢીને પોતાનું કામ કઢાવનારા લોકોની સારીએવી સંખ્યા સમાજમાં ઉભી થઈ છે. આજકાલના સંબંધોમાં ઉમળકો ગેરહાજર છે, પરંતુ સ્વાર્થ હાજર છે. સંબંધોમાંથી લાગણી શૂન્ય તરફ આગળ વધી રહી છે અને સ્નેહનો છેદ ઉડી રહ્યો છે. સમાજ માટે સંબંધોના સમીકરણો સ્વાર્થસિદ્ધિની ફોર્મ્યુલા બની રહ્યાં છે. કોઈપણ માણસને મળો, ત્યારે પહેલી ગણતરી મગજમાં ચાલુ થઈ જાય છે કે આ માણસ આપણાં કેટલાં કામમાં આવી શકે? જો મળનાર વ્યક્તિ આપણા કામમાં આવી શકે તેમ ન હોય તો તેની સાથેના સંબંધોની શરૂઆતથી જ બાદબાકી કરી નાખીએ છીએ.

એક ગામઠી મિત્ર શહેરમાં રહેતા તેના બીજા મિત્રને મળવા માટે ગયો. શહેરી મિત્રના મગજમાં ઉપયોગી સંબંધોના સમીકરણોનું આધિપત્ય હતું. તેણે મળવા આવનારા પોતાના ગામડિયા મિત્રને વારંવાર પુછયા કર્યું કે તેને શું કામ છે? પણ ગામડિયો મિત્ર તો હ્રદયની ઉષ્માથી પોતાના મિત્રને મળી રહ્યો હતો, તેની સાથે વાતો કરી રહ્યો હતો. પરંતુ શહેરી મિત્રના મગજમાં સંબંધોથી સંભવિત કામથી થનારા નફા-નુકસાનના ગણિતે કબજો જમાવ્યો હતો. શહેરી મિત્રે ગામડિયા મિત્રને ફેરવી તોળીને પુછી જોયું કે તેને જે કામ હોય તે સીધે સીધુ જણાવી દે. તેનાથી કામ થશે તો તે કામ જરૂરથી કરી આપશે. જો તેનાથી કામ નહીં થાય, તો તે તેનો ઈન્કાર કરશે. પણ ગામડિયા મિત્રે તેને કહ્યું કે તે માત્ર પ્રેમથી પોતાના બચપણના યારને મળવા માટે આવ્યો છે. ગામડિયા મિત્રે કહ્યું કે દોસ્ત તારી સાથેના મારા સંબંધો સ્નેહના સંબંધો છે. કોઈ કામ હોય તો જ હું તારી પાસે આવું? શું હું તને અમસ્તા એમ જ મળવા ન આવી શકું? દોસ્ત ખરેખર મારે કોઈ કામ નથી, હું તો માત્ર તને જોવા માટે, તારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. કોઈ કવિએ કહ્યું છે કે-

આંસુના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં?
કહ્યાં વગર સમજે તેવાં સગપણ ક્યાં?


ગામડિયાના ભાવમાંથી એક વાત તો સ્પષ્ટ તરી આવે છે કે સંબંધોમાં સ્નેહ હોય, સંબંધોમાં નિ:સ્વાર્થતા હોય, સંબંધોમાં ઉમળકો હોય, સંબંધોમાં ખેલદીલી હોય. પરંતુ સંબંધોમાં જ્યારે સ્વાર્થ આવે, સંબંધોમાં જ્યારે ઈતરાજી આવે, સંબંધોમાં જ્યારે ધૃણા આવે, સંબંધોમાં જ્યારે ચડસાચડસી આવે, ત્યારે સંબંધોમાંથી સંબંધો ગેરહાજર બની જાય છે. સંબંધોમાં સંબંધ સિવાય બધું જ અકબંધ રહે છે. સંબંધ તૂટે તેનો અવાજ કાનને નહીં જિગરને સંભળાય છે. માટે તો જિગરી સંબંધો અતૂટ હોય છે. બસ અત્યારના સમાજમાં આર્થિક દ્રષ્ટિકોણથી જીવનની તમામ બાબતનો વિચાર થઈ રહ્યો છે. તેના કારણે સંબંધોમાંથી સંબંધ ગેરહાજર થતા જાય છે. સંબંધોના સ્થાન ફાયદા અને નફાએ લઈ લીધા છે. કોણ મને કેટલો ફાયદો કરાવી શકે? કોણ મને મારા ધંધા-રોજગારમાં કેટલો નફો અપાવી કમાણી કરાવી શકે? સંબંધોમાંથી સંબંધોની ગેરહાજરી થાય, ત્યારે સમાજ અધમ બને છે. પહેલાના જમાનામાં કહેવાતું હતું કે બે આંખની શરમ નડે છે. અત્યારે માનવીય સંબંધોમાંથી બે આંખની શરમ ગેરહાજર છે. પ્રભુ-ભક્ત, ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર, પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં સ્વાર્થના શ્વાસ લેવાતા હોય છે, છતાંય ત્યાગના તપના કારણે આ જ સંબંધો બંધનમાંથી મુક્તિ અપાવે છે.

સમાજમાં આર્થિક દ્રષ્ટિકોણના પ્રભાવી બનવાની સાથેસાથે એક ધીમું પણ ઝેરીલું પરિવર્તન આવ્યું છે. લોકોએ દુનિયાના સંબંધોને કામના માણસો અને નકામા માણસોમાં વહેંચી નાખ્યા છે. કોઈ માણસ ત્યારે જ યાદ આવે છે કે જ્યારે તે માણસનું કંઈક કામ હોય. કામ વગર માણસ માણસને હવે યાદ આવતો નથી. કોઈને યાદ કરતાં પણ કહી દેવામાં આવે છે કે જવા દો યાર, એ તો નકામો માણસ છે. ઉપયોગ કરો અને ફેંકી દો-ની ફિલોસોફી જીવનનો આધાર બની ગઈ છે. જેના કારણે માણસ માણસ વચ્ચે સ્નેહ, આદર અને સદભાવનાના નિખાલસ સંબંધો બંધાતા નથી. માણસ સંબંધોની ગણતરી કરે, ત્યારે અવશ્ય ધ્યાન રાખે છે કે જેની સાથે તે સંબંધો વિકસાવી રહ્યો છે, તે માણસ તેને તેના સારાખોટા સમયમાં કેટલો ઉપયોગી થઈ શકે છે? તેને કારણે નિખાલસ સંબંધોને સ્થાને ખપના સંબંધો બાંધવામાં આવે છે. પરંતુ ખપના સંબંધો ખપ પડે કેટલાં કામમાં આવે છે, તે તો મુશ્કેલ ઘડીએ જ ખબર પડી શકે છે.

આજકાલ સમાજમાં કારણ વગર મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ કરવાની વૃતિ ઘટી રહી છે. તેના ઉદાહરણો છે કે કોઈ રસ્તામાં કોઈની ગાડી ખરાબ થઈ હોય, તો બીજો ગાડીવાળો તેને મદદ કર્યા વગર આગળ વધી જાય છે. કોઈ સ્થાને રસ્તામાં એક્સિડન્ટ થયો હોય, તો પણ માણસને મરતો મૂકીને ઘટનાસ્થળેથી વાહન ભગાવી મુકનારા લોકોની સંખ્યા નાની-સૂની નથી. આવી ઘટનાના ઘણાં કારણો હશે. પરંતુ સરવાળે સંબંધોના ગણિતમાં વ્યક્તિ વ્યક્તિ માટે અસંવેદનશીલ બન્યો છે.

માણસનું કામ કરે તે માણસ જ કામનો માણસ હોય છે. જે વ્યક્તિ કશા જ સ્વાર્થ વગર બીજી વ્યક્તિ સાથે સ્નેહ અને ઉમળકાથી સંબંધ રાખે તે જ સાચી વ્યક્તિ છે. પરંતુ કામના માણસો અને સાચા માણસોનો સમાજમાં દુકાળ સર્જાયો છે. કોઈ વ્યક્તિ સાથે સ્વાર્થ હેતુ સંબંધો બાંધો અને તેને કામનો માણસ ગણી લો,સરઘસ રેલીમાં સૂત્ર હોય છે "xyz તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ" એટલે કે આગળ નહીં વધો અને ત્યાં જ પડયા રહેશો તો અમે સાથ છોડી દઈશું!!! તો આવી સમજ પર ખરેખર રડવું જોઈએ. જ્યારે સંબંધો કસોટીની એરણે મુશ્કેલીના સમયે ચઢે છે, ત્યારે સાચા સંબંધો, સાચા માણસો અને કામના માણસોની પરખ થાય છે. બની શકે કે જેને કામનો માણસ સ્વાર્થના સંબંધોમાં ગણ્યો હોય, તે અણિના સમયે નકામો પુરવાર થાય. બની શકે કે જેના નિખાલસ સંબંધોને સ્વાર્થના ચશ્માને કારણે જોઈ ન શક્યા હોય, તેવો નકામો અને ત્રેવડ વગરનો માણસ ભીડમાં ભગવાન સમી સહાય કરે. માણસને જરૂર પડે, ત્યારે તેની પડખે ઉભો રહેનારો વ્યક્તિ જ કામનો માણસ છે, આવો વ્યક્તિ જ સાચો માણસ છે.

સ્વાર્થના ભડકામાં બળીને ખાખ થઈ રહેલા સંબંધો પરથી શીખ લેવી જોઈએ. અમુક વ્યક્તિ સાથે સ્વાર્થવૃતિથી દોરવાઈને, તેની અમીરીથી અંજાઈને, તેના પ્રભાવથી દોરવાઈને સંબંધો બાંધવાની વૃતિ છોડવી જોઈએ. મોટાભાગે સ્વાર્થથી ઉભા થયેલા સંબંધો ખરે સમયે કોઈ કામમાં આવતા નથી. તેનાથી ઉલટું જે સંબંધોમાં વ્યક્તિ સંદર્ભે માન્યું હોય કે તેના દ્વારા આપણું કોઈ કામ થશે નહીં, તે આપણા કોઈ ઉપયોગમાં આવશે નહીં. પરંતુ હકીત છે કે કસોટીકાળે આવા માણસો જરૂરિયાતમંદ લોકોને વધારે ઉપયોગી થતાં હોય છે.

સંબંધોનું આગવું ગણિત હોય છે. ગણિતમાં બેને બે ચાર થાય છે. પરંતુ સંબંધોના ગણિતમાં બેને બે બાવીસ પણ થતાં હોય છે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે સંબંધોમાં નિખાલસપણું, લાગણી અને ઉમળકો હોય. સંબંધ ખાતર જ્યારે સ્નેહ સંબંધ બાંધવામાં આવે છે, ત્યારે તે વગર કહે ઉપયોગી થતાં હોય છે. માણસ કામનો ગણીને કોઈને સાથે સંબંધો બાંધવા સારી સામાજીક વૃતિ-પ્રવૃતિ નથી. કારણ કે માણસ કામનો છે કે નકામો તેની સાચી પરખ તો કસોટીની ઘડીએ જ પડે છે. સંબંધોના માનવીય ગણિતને જાળવી રાખવાથી માનવીય વૃતિઓ પણ જળવાય છે.

No comments:

Post a Comment