Thursday, October 20, 2011

અણ્ણાનું અરાજનીતિક આંદોલન વિખેરણ તરફ?


- આનંદ શુક્લ

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં અણ્ણા હજારેનું આંદોલન વિખરણ અને વિવાદના વંટોળમાં ફસાઈ રહ્યું છે. અણ્ણા હજારે હાલ અનિશ્ચિતકાલિન મૌન પાળી રહ્યાં છે. પરંતુ જ્યારે સિવિલ સોસાયટીની કોર કમિટીના મહત્વના સભ્ય કિરણ બેદી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યાં છે, ત્યારે તો અણ્ણાએ મૌન છોડીને કંઈક બોલવું જોઈએ. કિરણ બેદીને જુદીજુદી સંસ્થાઓ દ્વારા વ્યાખ્યાન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આવી અંદાજે 12 યાત્રાઓ ટાંકીને એક અંગ્રેજી અખબારે દાવો કર્યો છે કે કિરણ બેદી ઈકોનોમિક ક્લાસમાં હવાઈ મુસાફરી કરીને બિઝનેસ ક્લાસનું ભાડું સંબંધિત એનજીઓ પાસેથી વસૂલ્યુ છે. કિરણ બેદીને એર ઈન્ડિયા તરફથી ભાડામાં મોટી છૂટ પણ મળે છે. કિરણ બેદીએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તેમણે ઈકોનોમી ક્લાસમાં હવાઈ મુસાફરી કરી છે. એનજીઓ બિઝનેસ ક્લાસનું ભાડું આપે છે. આ બચત તેમણે ઈન્ડિયા વિઝન નામની પોતાની એનજીઓમાં સમાજસેવા માટે જમા કરાવી છે. કિરણ બેદીની આઈપીએસ તરીકેની કારકિર્દી બેદાગ રહી છે. તેમના પર ભ્રષ્ટાચારના કોઈ આરોપો નથી. તેમને તેમની સમાજસેવા બદલ મેગ્સેસે એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે કિરણ બેદીને એર ટિકિટના મામલે ભ્રષ્ટાચાર કહો કે અનૈતિકતાના મામલામાં ઢસડવામાં આવી રહ્યાં છે. ત્યારે શું અણ્ણા હજારે શાબ્દિક મૌન પાળી રહ્યાં છે, તે યોગ્ય છે?

જનલોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટીની લડાઈ પોતાના સારા ઉદેશ્ય સાથે અણ્ણા હજારેના એકતરફી અને અતાર્કિક નિર્ણયોને લઈને ઘણી ચર્ચામાં રહી છે. ટીમ અણ્ણા એટલે કે આખા આંદોલનને ચલાવનારી 22 સભ્યોની કોર કમિટી છે. આ કોર કમિટીના બે સભ્યો, ગાંધીવાદી સંગઠક વી. પી. રાજગોપાલ અને પર્યાવરણ કાર્યકર્તા રાજેન્દ્ર સિંહે તાજેતરમાં રાજીનામું આપી દીધું છે. બંને મહાનુભાવો એ વાતથી નારાજ હતા કે હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું આહ્વવાન કરવાની કોર કમિટી પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી. અણ્ણાનું આંદોલન બિનરાજકીય રહ્યું છે. પરંતુ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાના આહ્વવાન બાદ અણ્ણાનું આંદોલન કેવી રીતે બિનરાજકીય રહે છે, તે મોટી ચર્ચાનો વિષય છે.

અણ્ણાના આંદોલનમાં તેમના સાથીદારો દ્વારા અણ્ણાની અતિ પ્રશંસા કરતાં નિવેદનો થયા છે. રામલીલા મેદાનમાં અણ્ણા સંદર્ભે કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ અણ્ણા. આ નિવેદન ઠીક એવું હતું કે જેવું નિવેદન કટોકટી વખતે દેવુકાંત બરુઆએ ઈન્દિરા ગાંધી માટે કર્યું હતું. તેમણે તે વખતે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એન્ડ ઈન્દિરા ઈઝ ઈન્ડિયાનું અતિ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું. અરવિંદ કેજરીવાલ સતત સંસદની મહત્તાને પડકારી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અણ્ણા દેશની સંસદથી પણ ઉપર છે. જો કે અણ્ણા હજારેએ કહ્યું છે કે લોકો સંસદથી ઉપર છે, તેઓ નહીં. અરવિંદ કેજરીવાલ હિસારની પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારથી ઘણી ઉછળકૂદ કરી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ગયા ત્યારે કહી આવ્યા કે જો કોંગ્રેસ શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પસાર નહીં કરે તો તેમની હાલત યુપી વિધાનસભાની ચૂંટણીમાં હિસારની પેટાચૂંટણી જેવી થશે. જો કે અરવિંદ કેજરીવાલ અણ્ણાના અનશન વખતથી પોતાના અક્કડ વલણ માટે જાણીતા બન્યા છે. કોંગ્રેસ સામેના અનર્ગલ બકવાસ બાદ અરવિંદ કેજરીવાલ પર ઉત્તર પ્રદેશમાં એક સભા દરમિયાન કોંગ્રેસના સેવાદળ સાથે જોડાયેલા એક યુવાને ચપ્પલ ફેંક્યુ હતું. આ યુવાનનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ દેશને ભડકાવી રહ્યાં છે. આ યુવાને એમ પણ કહ્યું છે કે તેને કેજરીવાલ પર ચપ્પલ ફેંકવાનું કોઈ દુ:ખ નથી, તે અણ્ણા હજારે પર પણ ચપ્પલ ફેંકી શકે છે. વળી આવે વખતે મહારાષ્ટ્રના ડીજીપીને ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી ઈનપુટ આપવામાં આવ્યા છે કે અણ્ણા હજારેના જાનને જોખમ છે. તેથી મહારાષ્ટ્ર પોલીસ અણ્ણાની સુરક્ષાની સમીક્ષા પણ કરી રહી છે.

અણ્ણાની ટીમના સભ્ય શાંતિભૂષણ અને પ્રશાંત ભૂષણ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો છે. પ્રશાંત ભૂષણે તાજેતરમાં કાશ્મીરને જનમત દ્વારા આઝાદ થવા દેવું જોઈએ, તેવું નિવેદન કર્યું છે. તેના કારણે સુપ્રીમ કોર્ટ ખાતેની તેમની ચેમ્બરમાં ભગતસિંહ ક્રાંતિસેના અને શ્રીરામ સેનાના ત્રણ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર હુમલો કરીને તેમને માર માર્યો છે. આખા દેશમાં અણ્ણાની ટીમની કાશ્મીર પરના પ્રશાંતના નિવેદન બાદ છબી ખરાબ થતી લાગતા અણ્ણા ખુદ વિવાદ ઠારવા માટે કૂદી પડયા. અણ્ણાએ રાષ્ટ્રવાદી નેતાની જેમ કહ્યું છે કે તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માને છે. તેઓ કાશ્મીર માટે પાકિસ્તાન સાથે ફરી એક વખત લડવા માટે પણ તૈયાર છે. અણ્ણા અને તેમની ટીમના મોટાભાગના સભ્યોએ કાશ્મીર પરના પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી છે. પ્રશાંત ભૂષણને ટીમ અણ્ણામાંથી હાંકી કાઢવાની વાત પણ થઈ રહી છે. આ વિવાદ બાદ જ અણ્ણા હજારેએ સૂચક મૌન લીધું છે, તે ઉલ્લેખનીય છે.

આ પહેલા સ્વામી અગ્નિવેશ પણ ટીમ અણ્ણામાંથી સરકારના ભેદિયા હોવાના મુદ્દે અલગ થઈ ચુક્યા છે. સ્વામી અગ્નિવેશના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે તેમને કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે વાતચીત કરતાં અને અણ્ણાને કાળા હાથી કહેતા સાંભળવામાં આવ્યા છે. જો કે સ્વામી અગ્નિવેશે અણ્ણાના નિર્ણયો અલોકતાંત્રિક હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારથી તેમનું ટીમ અણ્ણામાંથી પત્તું સાફ થવા લાગ્યું હતું. સ્વામી અગ્નિવેશને અણ્ણા હજારેએ માફ કરી દીધા છે. પરંતુ હવે તેઓ અણ્ણાના આંદોલનમાં કોર કમિટીમાં મહત્વની ભૂમિકા નીભાવી શકે તેમ નથી. અણ્ણાની ટીમના મહત્વના સભ્યો જસ્ટિસ સંતોષ હેગડે અને મેધા પાટકરે કોંગ્રેસ હરાવો અભિયાનથી ખુલ્લેઆમ નાખુશી જાહેર કરી છે. મહત્વપૂર્ણ છે કે જસ્ટિસ હેગડે અને મેધા પાટકરની છબી કોંગ્રેસના ટેકેદારની નથી.

અણ્ણાના આંદોલનનું અરાજનીતિક સ્વરૂપ અને ચિંતન-કર્મની જુદીજુદી વિચારધારાઓથી આવેલા ઈમાનદાર જમીની સ્તરના કાર્યકર્તાઓ સાથે તેનું જોડાણ તેની સૌથી મોટી શક્તિ છે. અણ્ણા અને ટીમમાં તેમના ખૂબ નજીકના સાથીદારો વિચારે છે કે વ્યવસ્થા પરિવર્તનની આટલી મોટી બબાલ માથે ઓઢવાની જગ્યાએ સીધો સત્તાધારી પક્ષ પર હુમલો કરીને તેને નમાવવો વધારે આસાન છે, તો તે તેમની બહુ મોટી ભૂલ છે.

આવા વિચારથી ટીમ અણ્ણા કદાચ સરકાર બદલવામાં સફળ થઈ શકે છે, પરંતુ સામાજીક સ્તરે અને વ્યવસ્થામાં કોઈ બદલાવ લાવી શકશે નહીં. વળી સરકાર બદલવાની વાત પણ દશકો પહેલા ચાલેલા જેપી અને વીપી આંદોલનોને યાદ કરીને કહેવામાં આવી રહી છે. જેપી અને વીપી બંને પોતાની મોટી લડાઈ શરૂ કરતાં પહેલા રાષ્ટ્રીય રાજનીતિમાં ઘણા મોટા દાવ રમી ચુક્યા હતા અને તેમના દ્વારા પ્રસ્તાવિત વિકલ્પો સંદર્ભે ભારતીય સમાજમાં કંઈને કંઈ ભ્રમ બચેલો હતો.

તેમની સરખામણીએ અણ્ણાના આંદોલનનો એજન્ડા ઘણો ઊંડો છે. પરંતુ રાજકીય અને સંગઠનના કૌશલ્યના મામલામાં તેઓ પોતાના બંને પૂર્વવર્તીઓની સરખામણીએ ઘણાં ઉણાં ઉતરી રહ્યાં છે. ટીમ અણ્ણા માટે અત્યારે સૌથી વધારે વિશ્વાસપાત્ર રસ્તો એ હોઈ શકે છે કે તે ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિની લાંબી મુહિમને આગળ વધારે, સહજ રાજકીય આકર્ષણોથી બચે અને પોતાની અંદર લોકતાંત્રિક ચર્ચા માટે વધારે અવકાશ ઉભો કરે.

પરંતુ અફસોસ છે કે અણ્ણા અને ટીમ અણ્ણા તરફથી આવો કોઈ સંકેત મળી રહ્યો નથી. કોઈપણ આંદોલનમાં મતભેદ તો હોય જ છે, પરંતુ તે આંદોલનના નેતૃત્વની જવાબદારી છે કે આવા વિવાદોને આંદોલનના હિતમાં ઝડપથી સમાપ્ત કરે. તેથી અણ્ણા હજારેનું પણ દાયિત્વ છે કે તેઓ ટીમ અણ્ણાની ભીતર ઉભા થયેલા મતભેદોને ઝડપથી સમાપ્ત કરાવે અને આંદોલનને તેની દિશામાંથી દિગ્ભ્રમિત થતું અટકાવે. પરંતુ આવી પરિસ્થિતિમાં અણ્ણાએ મૌન સાધી લીધું છે અને માત્ર લખીને જરૂરી મુદ્દાઓ પર તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બની શકે કે તેઓ પોતાની આત્મિક શક્તિને મૌનના માધ્યમથી એકજૂટ કરી રહ્યાં હોય, પરંતુ આ સમય તો આંદોલનને બહારી હુમલા અને અંદરના અંતર્વિરોધો-મતભેદોથી બચાવવાનો છે. વળી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આંદોલનની અરાજનીતિક છબી પર આઘાત થતા રહેશે, તો આ આંદોલન વિખેરાઈ જશે. આવી સંભવિત સ્થિતિમાં ઉભાં થનારા શૂન્યને દશકાઓ સુધી કોઈ ભરી શકશે નહીં. હજી તો લોકપાલ બિલ પણ આવ્યું નથી, માટે આ આંદોલન બચાવવું જરૂરી છે. તેના માટે ટીમ અણ્ણાએ લોકતાંત્રિક રીતે એક સમયબદ્ધ આચાર સંહીતા પણ બનાવી લેવી જોઈએ, કે જેથી તેઓ આંદોલનના અરાજનીતિક સ્વરૂપને બચાવીને બિનજરૂરી વિવાદોથી તેને બચાવી શકે.

No comments:

Post a Comment