Sunday, October 23, 2011

કંચનની છબીની વાસ્તવિકતા કથીર પણ હોય!


-આનંદ શુક્લ

મીડિયા અને સભા-રેલી-યાત્રાઓ અથવા અન્ય કાર્યક્રમો નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલની છબીઓ બનાવે છે. આ છબીઓને આધારે નેતા, સંગઠન, અભિનેતા, સમાજસેવક, કર્મશીલ વ્યક્તિઓના વ્યક્તિત્વને બનાવે છે. જનતા તેમની છબીમાંથી નીખરેલા વ્યક્તિત્વને કારણે તેમની સાથે અથવા તેમની વિરુદ્ધમાં હોય છે. પરંતુ મોટાભાગે મીડિયા અને રેલી, યાત્રા, સભાઓ જેવાં જાહેર કાર્યક્રમોથી બનતી છબી હંમેશા સાચી હોતી નથી. આવી છબીથી જનતા છેતરાય છે. આવા કિસ્સા ઈતિહાસના પાના પર તો અંકીત છે જ, પણ સાથેસાથે આજે પણ આવી ઘટનાઓ બની રહી છે. છબીથી અંજાઈને લોકો જેમને સોનાના ગણે છે, તે પિત્તળના નીકળે છે.

અત્યારે મીડિયા અને જાહેર કાર્યક્રમો તથા ઈન્ટરનેટ-ફેસબુકની મદદથી ભ્રષ્ટાચાર સામે આંદોલન જગાવનાર ટીમ અણ્ણાની પણ જનનાયક તરીકેની છબી ઉપસી આવી છે. લોકોમાં ટીમ અણ્ણાના લોકો ભ્રષ્ટાચારી ન હોવાની માન્યતા પ્રવર્તી રહી છે. પરંતુ મીડિયામાં આવી રહેલી હકીકતો કદાચ ટીમ અણ્ણાના સભ્યો માટે લોકોનો વિચાર બદલવાનું કારણ બની શકે છે. ટીમ અણ્ણાના સેનાપતિ અરવિંદ કેજરીવાલ પાસે ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ 9 લાખ રૂપિયા લેણા નીકળતા હોવાની નોટિસ મોકલે છે. અરવિંદ કેજરીવાલ નોટિસો પર સ્પષ્ટીકરણ આપતા રહે છે. સ્વામી અગ્નિવેશે દાવો કર્યો છે કે અણ્ણાના અનશન વખતે 80 લાખ રૂપિયા દાનના મળ્યા હતા. તેને અરવિંદ કેજરીવાલે પોતાની સંસ્થામાં જમા કરાવી લીધા છે. સ્વામી અગ્નિવેશે આ 80 લાખ રૂપિયાનો હિસાબ માગ્યો છે. એક અંગ્રેજી અખબાર પ્રમાણે, અણ્ણાના અનશન વખતે ભ્રષ્ટાચારી રાજકારણીઓની દુપટ્ટો ઓઢીને ફિરકી ઉતારનારા આઈપીએસ તરીકે પ્રામાણિક અધિકારીની છાપ ધરાવતા કિરણ બેદી પર પણ રાહતો મેળવીને પૂરું ટિકિટ ભાડું વસૂલવાના આરોપ લાગ્યા છે. કિરણ બેદીને એર ઈન્ડિયામાંથી 75 ટકા રાહત મળે છે. અહેવાલ મુજબ કિરણ બેદીને બોલાવનારી એનજીઓ તેમને બિઝનેસ ક્લાસની એર ટિકિટ મોકલતા હતા. કિરણ બેદી ઈકોનોમી ક્લાસમાં એનજીઓના કાર્યક્રમ સ્થળે જતાં હતા. ત્યાર બાદ તેઓ બિલ બિઝનેસ ક્લાસનું પુરું વસૂલતા હતા. કિરણ બેદીએ સ્પષ્ટતા કરી છે કે આ બચતને તેઓ તેમની ઈન્ડિયા વિઝન ફાઉન્ડેશન એનજીઓમાં જમા કરાવતા હતા. તો ટીમ અણ્ણાના ડૉ. કુમાર વિશ્વાસ પર પણ આરોપ છે કે તેઓ જે કોલેજમાં છે, ત્યાં અધ્યાપન કાર્ય વ્યવસ્થિત રીતે કરી રહ્યાં નથી. કુમાર વિશ્વાસ છેલ્લા કેટલાય દિવસોથી કોલેજમાં લેકચર લેતા નથી.

કંચનની છબી ધરાવનારા કથીર અને કથીરની છબી ધરાવનારા કંચન નીકળે તેવા બનાવો ઘણાં બને છે. છબીનું બનવું અને ભૂંસાઈ જવું એક મોટો ખેલ છે. આ ખેલમાં આજે મીડિયા અને સોશ્યલ નેટવર્કિંગ બહુ મોટી ભૂમિકામાં છે. જો કે છબી જોઈને આકર્ષાયેલા લોકોને ભૂતકાળમાં પણ ઘણાં કડવા અનુભવો થયા છે. તો કોઈક વ્યક્તિએ તેમની છબી કરતાં તદ્દન વિપરીત વર્તન પણ કર્યું હોય તેવું માલૂમ પડયું છે.

ગુજરાતના એક ખૂબ જાણીતાં કોલમિસ્ટની કોલમથી આકર્ષાઈને તેમના પ્રશંસક તેમને તેમના ઘરે મળવા માટે ગયા. બપોરનો સમય હતો, ત્યારે આંખો ચોળતા ગુજરાતી કોલમિસ્ટે બારણું ખોલ્યું અને પોતાના પ્રશંસકને પાણી તો દૂર પરીચય કેળવ્યા વગર તેમને હડધૂત જ કરી દેવામાં આવ્યા. ગાંધીજીની પણ એક નિશ્ચિત છબીએ તેમને મહાત્મા બનાવ્યા. આજે જ્યારે ગાંધીજીના અંગત જીવનના કિસ્સાઓ પુસ્તક સ્વરૂપે આપણી સામે આવે છે, ત્યારે આપણે તેનો તિરસ્કાર કરીએ છીએ, આપણને દુ:ખ થાય છે. આપણે ગાંધીજીની મહાત્માની છબી તૂટે તેવું ઈચ્છતા નથી. આપણે ક્યારેય માનવા માટે તૈયાર થતાં નથી કે ગાંધીજી સામાન્ય માણસ હતા, તેમનામાં પણ માનવ સહજ નબળાઈઓ હતી. તેમને પ્રેમ ઉભરાતો, ગુસ્સો આવતો, ખેદ થતો, કરુણા ઉપજતી, ટીખળના પ્રસંગો બનતા, એ બધું જ ગાંધીજી કરતાં જે સામાન્ય માણસ કરે છે. પરંતુ ગાંધીજીને દેશની આઝાદીની લડાઈના મહાનાયક અને રાષ્ટ્રપિતા તરીકે આપણે આપણાં હ્રદયમાં સ્થાન આપ્યું છે. ગાંધીજીને મહાત્મા ગણીને આપણા દિલોદિમાગમાં બેસાડી દીધા છે. તેને કારણે ગાંધીજીના અંગત જીવનના માનવીય પાસાઓ આપણા માટે અસહ્ય થઈ જાય છે. બની શકે કે તેમાના કેટલાંક વાસ્તવિકતાથી કોશો દૂર હોય.

અમિતાભ બચ્ચનની પડદા પર એન્ગ્રી યંગમેનની છબી ઉભી થઈ હતી. પરંતુ અમિતાભ અંગત જીવનમાં ખૂબ સાલસ અને ક્રોધથી ઘણાં દૂર રહેનાર વ્યક્તિ છે. હિંદી ફિલ્મોના જાણીતા વિલન પ્રાણ સાથે પણ તેમની પડદા પર ઉભી થયેલી ઈમેજને કારણે રમૂજી ઘટના બની હતી. પ્રાણ એક સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યાં હતા. ત્યારે તેમની આગળની બેઠકમાં બેસીને મેચ જોઈ રહેલા વ્યક્તિનું પાકિટ નીચે પડી ગયું. પ્રાણે સહજતાથી આ પાકિટ તે વ્યક્તિને પાછું આપ્યું, પરંતુ ત્યારે તે વ્યક્તિનો પ્રતિભાવ વિચિત્ર હતો. તેણે પ્રાણને કહ્યું કે તમારી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. પ્રાણની પડદા પર છાપ એક ખૂંખાર વિલનની હતી. પ્રાણ વિલનના પાત્રમાં દુનિયાની તમામ બુરાઈઓને ઠાલવીને અભિનય કરતાં હતા. પ્રાણે આખી ઘટના પર પ્રતિક્રિયા આપી કે જો પાકિટ પાછું આપ્યા પછી તે વ્યક્તિએ મારી પ્રશંસા કરી હોત, તો મારા અભિનયમાં કચાશ હોવાનું તથ્ય સામે આવત.

છબી અને વાસ્તવિકતા વચ્ચે હંમેશા અંતર રહે છે. દેશમાં જિન્નાને કોમવાદી ગણવામાં આવે છે. પાકિસ્તાનના જનક તરીકે તેમને ધિક્કારવામાં આવે છે. પરંતુ ભારતની સૌથી વધારે દક્ષિણપંથી રાજકીય પાર્ટીઓમાંની એકના ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી જિન્નાને પાકિસ્તાનમાં સેક્યુલર નેતા ગણાવે છે. મુસ્લિમ લીગના કટ્ટરવાદી નેતા તરીકે પંકાયેલા જિન્નાહે સૌથી પહેલા ગાંધીજીના ખિલાફત આંદોલનનો વિરોધ કર્યો હતો. તેમણે રહેમત અલીના પાકિસ્તાન માટેના વિચારને શેખચલ્લીનો ખ્વાબ ગણાવ્યો હતો. તેમને સરોજિની નાયડુએ હિંદુ-મુસ્લિમ એકતાના એમ્બેસેડર પણ કહ્યા હતા. જિન્નાહે લોકમાન્ય ટીળકનો કેસ પણ લડયા હતા. જિન્નાહ ક્યારેય નમાઝ પઢતા ન હતા અને તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હતા. જિન્નાના નજીકના મિત્ર હિંદુ હતા. તેમણે પારસી યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. તેમણે પાકિસ્તાનને સેક્યુલર રાષ્ટ્ર બનાવવા માટે ત્યાંની બંધારણીય સભામાં ભાષણ આપ્યું હતું. આમ જોવો તો જિન્નાની વ્યક્તિગત રીતે કટ્ટર મુસ્લિમ ન હોવા છતાં તેમની છાપ કટ્ટરવાદી મુસ્લિમ લીગી નેતાની હતી. તેમની છાપે જ તેમને પાકિસ્તાન સર્જવામાં ઘણી મોટી મદદ કરી હતી.


મીડિયાની છબી કૃત્રિમ નૈતિકતાને આધારે બને છે. હાલના સમયમાં મીડિયા વ્યક્તિ કે સંગઠનને માથે પણ ઉંચકે છે અને તેને પગની નીચે પણ નમાવી શકે છે. મીડિયામાં પેદા થયેલી કાચની છબીઓ એક કાંકરીના પ્રહાર માત્રથી તૂટી જાય છે. મીડિયામાં કોઈની છબી બને છે, પછી તેમની પાછળ સક્રિય તેના હિત તંત્રની ખબરો પણ આવે છે. સ્પષ્ટ છે કે મીડિયામાં કોઈ છબી માસૂમ, તટસ્થ, નિષ્કલંક અથવા પૂરી રીતે નૈતિક આદર્શ હોતી નથી. પરંતુ તે તેવું દેખાવાની કોશિશ કરે છે અને છળ પેદા કરે છે. તે પોતાના છળથી સંચાર બળને સ્થિર કરે છે. સંચાર યુગમાં મસીહાઓ હવે કાચ અને કાગળના બની રહ્યાં છે. મીડિયા કેટલીય કાગળની હોડીઓને તેમના હિતોની વેતરણી પાર કરાવી રહ્યું છે. પરંતુ લોકોએ છબીઓને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય કરવો ન જોઈએ. જો છબીને ધ્યાનમાં રાખીને લોકો વ્યક્તિની પડખે ઉભા રહેશે, તો ચોક્કસપણે છેતરાશે. વ્યક્તિના વાણી-વર્તનની માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને આ વિશ્લેષણને આધારે છબી ચકાસવી જોઈએ. એક હિંદી કવિતામાં લખ્યું છે કે-
છાયા મત છૂના મન, હોગા દુ:ખ દૂના મન! એટલે કે માનેલા કંચન જ્યારે કથીર નીકળે છે, ત્યારે ખૂબ દુ:ખ થાય છે. તેથી જરૂરી છે કે વ્યક્તિની તમામ સાચી માહિતી મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો તેનું વિશ્લેષણ કરે.

1 comment:

  1. જુઑ અન્નાજીઍ દિલ્હી ખાતૅ પહૅલિ વાર અન્શન કર્યુ હતુ, ત્યાર્ પછી ગુપ્તાજીઍ આપૅલૉ ઇન્ટરવ્યુ તૅમની કહૅલી બધી મૉટૅ ભાગની વાત આજ સુધીમા સાચી પડી છૅ, youtube.com સાઈટ ઑપૅન કરી કૉપી કhttp://www.youtube.com/watch?v=zQDKDvkGvz4 અદ્રૅસ બાર‌ મા કૉપિ પૅસ્ટ‌ કરી, ઍન્ટર દબાવી દૉ.

    ReplyDelete