Sunday, October 23, 2011

સંપૂર્ણ ગોહત્યાબંધીમાં ભારતની સરકારોને બિલકુલ રસ નથી!


-આનંદ શુક્લ

ભારતના ભારતીયત્વનો આધાર ગાયો પ્રત્યેની ભારતીયોની ભાવના, આસ્થા અને આદર છે. ગાયોને ભારતના લોકો પૂજનીય ગણે છે. હિંદુઓની આસ્થાઓના સૌથી મોટા કેન્દ્રબિંદુઓમાં ગાયનો સમાવેશ થાય છે. વેદોમાં ગાયને માતા ગણાવતી ઘણી ઋચાઓ છે. ભગવાન શ્રીકૃષ્ણની કલ્પના ગાય વગર થઈ શકે તેમ નથી. ભગવાન શ્રીરામ પણ ગાય પ્રત્યે આસ્થા ધરાવતા હતા. ભારતના રાજાઓ ગાયોની રક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવતા હતા. સૌરાષ્ટ્રના ગામેગામ ગોરક્ષા માટે લડનારા વીરોના અનેક પાળિયાઓ આવેલા છે. પ્રાચીન કાળથી ગાય ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જૂ રહી છે. ગોધન પ્રદેશની સમૃદ્ધિનું પરિમાણ હતું. ગાયને હિંદુઓ માતા ગણે છે. ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાની માન્યતાને કારણે તે પવિત્ર ગણવામાં આવે છે. ગોહત્યા, બ્રહ્મહત્યા, બાળહત્યા, સ્ત્રીહત્યા જેવાં પાપોમાં ગોહત્યાનું કોઈ જ પ્રાયશ્ચિત કર્મ નથી. ગોહત્યાનું પાપ ક્યારેય ધોવાતું નથી. ભારતમાં પરમાત્માએ ખુદ ગોપાલ બનીને ગોપાલન કર્યું છે. ભારતમાં ગોપાલનની પરંપરા સનાતન છે.ગૌ, ગંગા અને ગાયત્રી (સૂર્ય) એ ભારતની પહેચાન છે.

મહાત્મા ગાંધીએ ગાયનું આર્થિક વિશ્લેષણ કરતાં કહ્યું હતું કે “આજે તો ગાય મૃત્યુના કિનારે ઉભી છે અને મને વિશ્વાસ નથી કે અંતમાં આપણાં પ્રયત્નો તેને બચાવી શકશે. પરંતુ તે નષ્ટ થઈ જશે તો તેની સાથે જ આપણે પણ એટલે કે આપણી સભ્યતા પણ નષ્ટ થઈ જશે.” રાષ્ટ્રપિતાએ કહ્યું હતું કે “આપણા ઋષિઓએ આપણને ઉપાય બતાવી દીધો છે. તેઓ કહે છે કે ગાયની રક્ષા કરો, સૌની રક્ષા થઈ જશે. ઋષિ જ્ઞાનની કુંજી ખોલી ગયા છે, તેને આપણે વધારવી જોઈએ, બરબાદ કરવી જોઈએ નહીં.” અંગ્રેજ સલ્તનતકાળમાં ભારતના વાઈસરોય લોર્ડ લિનલિથગોએ કહ્યુ હતુ કે ભારતમાં ગાય પોતાની પીઠ પર સંપૂર્ણ આર્થિક ઢાંચાનો ભાર સંભાળી રહી છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈને એક સંદેશમાં કહ્યું હતું કે ભારત ટ્રેક્ટર, ખાતર વગેરેનો ખેતીમાં ઉપયોગ ન કરે. ભારતે પોતાની ખેતીનો આધાર ગાય અને બળદને જ રાખવો જોઈએ. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરના શબ્દો હતા કે ગોબર ગેસ ઊર્જાનો અક્ષય સ્ત્રોત છે. પ્રસિદ્ધ અમેરિકી વૈજ્ઞાનિક ડોનાલ્ડ ક્લાંસે ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને સૂચન કર્યું હતુ કે ભારત પોતાના પશુધનની રક્ષા કરે તો તેનાથી 2.28 કરોડ બેરલ પેટ્રોલિયમ જેટલી ઊર્જા પ્રાપ્ત થશે.

ગાય દૂધ આપનારી ડેરી છે. ખાતર આપનાર ફર્ટિલાઈઝર પ્લાન્ટ છે. બળદના રૂપમાં ટ્રેક્ટર છે અને માલ લાવવા-લઈ જવા માટે ટ્રક છે. મનુષ્યની આ તમામ જરૂરિયાતો તે ઘાસ ખાઈને પૂરી કરે છે. ગાય અને ગોવંશની આ સૌથી મોટી વિશેષતા છે. ગાય અને ગોવંશ ખુદ ઘાસ અને ભુસું ખાઈને મનુષ્યને અન્ન, ઊર્જા અને દૂધ આપે છે.

ગોહત્યાથી સામાન્ય હિંદુઓની ધાર્મિક ભાવના દુભાય છે. જો કે મુસ્લિમો ગોહત્યાને પોતાનો ધાર્મિક અધિકાર સમજીને વર્તી રહ્યાં છે. પરંતુ પ્રવર્તમાન સમયમાં ગોહત્યા કરનારા અને પશુહત્યાના ધંધામાં સીધી કે આડકતરી રીતે પોતાનો નફો રળનારાઓમાં હિંદુઓ હવે વટલાયેલા મુસ્લિમ જેવાં થઈ ગયા છે. આર્થિક લાભ માટે ધાર્મિક સિદ્ધાંતોના ભંગનો આવા હિંદુઓને લેશમાત્ર રંજ નથી. ગોહત્યાથી આર્થિક લાભ મેળવનારા મુસ્લિમોની જેમ હિંદુઓની સંખ્યા પણ નાનીસૂની નથી. પૈસો એ જ પરમેશ્વરનો મંત્ર અત્યારે ચારેકોર ગુંજી રહ્યો છે. તેના કારણે ઉભા થયેલા સ્થાપિત હિતોના પરિણામે આઝાદીના 64 વર્ષ બાદ પણ દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી થઈ શકી નથી.

ચામડાની નિકાસના 15 હજાર કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

કતલ કરવામાં આવતા પ્રાણીઓના ચામડાની નિકાસની વાત કરીએ તો આ ઉદ્યોગમાં ભારતે હરણફાળ ભરી છે. એક સમય હતો કે જ્યારે આપણા દેશમાં પ્રાણીઓની કતલ ખૂબ મર્યાદીત પ્રમાણમાં થતી. જે પશુઓના કુદરતી રીતે મોત થતા, તેમનું અહિંસક ચામડું જ ઉપયોગમાં લેવાતું હતું. ઈન્ડિયન ઈકોનોમિક સર્વેના પ્રમાણભૂત આંકડા મુજબ 1961માં ભારતમાંથી ચામડાની નિકાસ માત્ર 28 કરોડ રૂપિયાની હતી. આ નિકાસ 1971માં 80 કરોડ અને 1981માં 390 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 1981થી 1991 વચ્ચેના દસ વર્ષમાં ભારતની ચામડાની નિકાસમાં લગભગ 600 ટકાનો ધરખમ વધારો થયો. 1991માં ચામડાની નિકાસ 2600 કરોડ રૂપિયા ઉપર અને 2001માં 9004 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગઈ. 2001થી 2011 વચ્ચે પણ ચામડાની નિકાસે મોટા લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. 2006-07માં 3059.43 મિલિયન યુએસ ડોલર, 2007-08માં 3548.51 મિલિયન યુએસ ડોલર, 2008-09માં 3403.57 મિલિયન યુએસ ડોલર અને 2010-11માં 3844.46 મિલિયન યુએસ ડોલર એટલે કે 3.8 બિલિયન યુએસ ડોલર. એક ડોલરના સરેરાશ 50 રૂપિયા ભાવ ગણીએ તો 2010-11માં ભારતમાંથી 15000 કરોડ રૂપિયાની ચામડાની નિકાસ થઈ છે. યુરોપિયન ઈકોનોમીમાં મંદી છતાં ભારતમાંથી ચામડાની નિકાસમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. એસોચેમનું અનુમાન છે કે 2014માં ભારત ચામડાની નિકાસમાં 5.4 બિલિયન યુએસ ડોલરના લક્ષ્યાંકને પ્રાપ્ત કરશે.

ચામડાની નિકાસ દ્વારા દેશમાં 15 હજાર કરોડ રૂપિયાથી વધારેના સ્થાપિત હિતો પેદા થયા છે. આ સ્થાપિત હિતો થોડા વખતમાં અઢી લાખ કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે. તેથી ગોહત્યાબંધી કરવામાં આવે, ચામડાના ઉદ્યોગપતિઓને મોટો આર્થિક ફટકો પડે. આ નિકાસકારો અને ઉદ્યોગપતિઓ માત્ર મુસ્લિમ જ છે, તેવું નથી. તેમાં હિંદુઓ પણ મોટી સંખ્યામાં છે. આ સ્થાપિત હિતોને પરિણામે દેશભરમાં ગોહત્યા પ્રતિબંધનો કડક કાયદો આવી શક્યો નથી. વળી જે રાજ્યોમાં ગોહત્યા પ્રતિબંધના કાયદા છે, ત્યાં તેનો અમલ પણ કડકાઈથી ન થવા પાછળ આવા સ્થાપિત હિતો કારણભૂત છે.

ભારતમાં મુસ્લિમ સલ્તનત અને મોગલકાળમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. ક્રૂરતમ મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં પણ ગોહત્યા પ્રતિબંધ હતો. મોગલ સલ્તનતનો પાયો નાખનાર કટ્ટર મુસ્લિમ બાબરે પોતાના અનુગામી સુલ્તાન-બાદશાહોને કહ્યું હતું કે ભારતમાં ટકવું હશે, તો ગોહત્યા પર પ્રતિબંધ મુકવો પડશે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રા પછી ભારત નબળું પડયું તેનો લાભ અંગ્રેજોએ મોટાપાયે પશુઓની કતલ કરવામાં લીધો. કારણ કે યુરોપ અને અમેરિકાના ઠંડા વાતાવરણને કારણે ત્યાં ચામડાની ઘણી જરૂરિયાત રહે છે. રમેશચંદ્ર દત્તે લખેલા પુસ્તક ધી ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે, 1857થી 1900 વચ્ચેના માત્ર 43 વર્ષના ગાળામાં કુલ 1667 કરોડ રૂપિયાની કિંમતનું ચામડું યુરોપ અને અમેરિકા મોકલવામાં આવ્યું હતું. એ જમાનામાં બળદની કિંમત માંડ પાંચથી છ રૂપિયા હતી. આ ગણતરીએ 43 વર્ષમાં અંગ્રેજોએ 300 કરોડ ગાય-બળદની આપણાં દેશમાં કતલ કરી. આ આંકડો દર વર્ષે સાત કરોડ ગોવંશની કતલ સૂચવે છે. ભારત સ્વતંત્ર બન્યું ત્યારે દેશમાંથી ચામડાની નિકાસ બિલકુલ બંધ થઈ ગઈ હતી. સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ માંસ અને ચામડાના સોદાગરોના દબાણમાં સરકાર ઝુકી ગઈ અને દેશમાં કતલખાનાઓ ખોલવાની મંજૂરી આપવા માંડી. આજે ભારત માંસ અને ચામડાના નિકાસમાં વિશ્વના પ્રથમ દશ દેશોમાંનો એક દેશ બની ગયો છે.


ભારતમાં ગાયોની કત્લેઆમનો વિકાસ!


1760માં રોબર્ટ ક્લાઈવે કોલકત્તામાં દેશનું સૌથી પહેલું કતલખાનું બનાવ્યું હતું. આ કતલખાનામાં તે વખતે રોજની 30 હજાર ગાયો અને અન્ય પશુઓ કપાતા હતા. આઝાદી વખતે ભારતમાં માત્ર 300 કતલ ખાના હતા. પરંતુ આજે દેશમાં 36 હજારથી વધારે નાના-મોટા કતલખાના અસ્તિત્વમાં છે. આ સિવાય ગેરકાયદેસરના કતલખાના પણ મોટા પ્રમાણમાં છે. દેશમાં ગાયો અને ગોવંશમાં 80 ટકાનો ઘટાડો આઝાદી પછી નોંધાયો છે. જે કામ મોગલો અને અંગ્રેજોના કાળમાં થયું ન હતું, તે આઝાદ ભારતના કપૂત શાસકોએ કર્યું છે. દેશમાં હાલ ગાયોના 70 નસ્લોમાંથી માત્ર 33 નસ્લો જ બચી છે. દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાંથી 10 મોટા અને અત્યાધુનિક કતલખાના છે. હૈદરાબાદના અલ-કબીર કતલખાનાને દર વર્ષે 6 લાખ પશુઓની કતલ કરવાનો પરવાનો અપાયેલો છે. મુંબઈના દેવનાર કતલખાનામાં દર વર્ષે 1,20,000 ગાયો અને 60,000 ભેંસોની કતલ કરવામાં આવે છે. કોલકત્તામાં દર વર્ષે 12 લાખ ગાયો અને ભેંસોની કતલ થાય છે. 1951માં દર હજાર માણસે 430 ગાયો હતી, 1961માં દર હજાર માણસે 400 ગાયો, 1971માં દર હજાર માણસે 326 ગાયો, 1981માં દર હજાર માણસે 278 ગાયો, 1991માં દર હજાર માણસોએ 202 ગાયો, 2001માં દર હજાર માણસોએ 110 ગાયો હતી. પરંતુ 2011માં અનુમાન લગાવાય છે કે દર હજાર માણસે માત્ર 20 ગાયો ભારતમાં બચી છે! ભારતની ઉદારીકરણ અને વૈશ્વિકરણમાં આ સૌથી મોટી પ્રગતિ છે.

ગોહત્યાથી અઢી લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો

વિશ્વમાં ગોમાંસ પેદા કરનારા દેશોમાં ભારત છઠ્ઠું સ્થાન ધરાવે છે. વિશ્વના ગોમાંસની નિકાસકર્તા દેશોમાં ભારતનું સ્થાન ત્રીજું છે. દુનિયામાં 10.47 ટકા ગોમાંસ ભારતમાંથી નિકાસ થાય છે. આઝાદી વખતે ભારતમાંથી ગોમાંસની નિકાસ શૂન્ય હતી. પરંતુ દેશમાં કતલખાના વધવાની સાથે જ ગોમાંસની નિકાસ પણ વધી છે. 1961માં દેશમાંથી માત્ર 1 કરોડ રૂપિયાનું ગોમાંસ નિકાસ થતું હતું. 1971માં ગોમાંસની નિકાસ 3 કરોડ અને 1981માં ગોમાંસની નિકાસ 56 કરોડ રૂપિયાએ પહોંચી હતી. 1991માં ઉદારીકરણના તબક્કામાંથી પસાર થતાં ભારતમાં ગોમાંસની નિકાસ 140 કરોડ રૂપિયા અને 2001માં ઉદારીકરણના તબક્કામાં 1600 કરોડ રૂપિયાની ગોમાંસની નિકાસ થઈ હતી. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં ગોવંશની કતલને પ્રોત્સાહન મળ્યું, તેના કારણે દેશમાં દસ વર્ષમાં જ ગોમાંસની નિકાસ દસ ગણી વધી ગઈ. હાલ ભારત 800 મેટ્રિક ટન ગોમાંસ ભારતમાંથી નિકાસ કરે છે. ગોમાંસ ઉત્પાદનના 2005ના આંકડા પ્રમાણે 2250 મિલિયન ટન ગોમાંસ, 2006માં 2375 મિલિયન ટન ગોમાંસ, 2007માં 2413 મિલિયન ટન ગોમાંસ, 2008માં 2470 મિલયન ટન ગોમાંસ, 2009માં 2475 મિલિયન ટન ગોમાંસનું ઉત્પાદન થયું છે. 2011માં ભારતમાં ગોમાંસ ઉત્પાદનમાં હજી 10 ટકાનો વધારો થયો છે. ભારતના પશુધનને કાપીને અમેરિકા, યુરોપ, મધ્ય એશિયા, ખાડીદેશો, વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પાકિસ્તાનને માંસ ખવડાવાય છે. ગાયને પૂજ્ય ગણનારા ભારતીય હિંદુઓના નાક નીચે દરરોજ 30 હજારથી વધારે ગાયોની કતલ થાય છે. હૈદરાબાદ ખાતેના અલકબીર નામના કતલખાનામાં પણ હજારો ગાયોની કતલ થાય છે. આ કતલખાનાનો માલિક બિનમુસ્લિમ છે. ગોમાંસના લાખો કરોડ રૂપિયાના કારોબારમાં સરકારને પણ વિદેશી હુંડિયામણ કમાવવાની ઘેલછા છે. તેના કારણે ગોમાંસ અને ચામડાના કારોબારને પ્રોત્સાહન આપી રહી છે.

28 ઓક્ટોબર, 2010ના રોજ ગોવંશ 32,57,58,250 હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જો તેમાં ભેંસો મેળવી લેવામાં આવે તો આ સંખ્યા 45 કરોડની થાય છે. જો કે 70 ટકા ગોવંશ ભાગ્યે જ બચ્યો હશે. પરંતુ સરકારી આંકડાને સાચા માની લઈએ તો આપણી પાસે 20.5 કરોડ ગાયો છે. આ ગાયો દર વર્ષે ઓછામાં ઓછા 6 કરોડ ગોવંશને જન્મ આપે છે. વળી દશ કરોડ ભેંસો પણ ત્રણ કરોડ બચ્ચાઓને જન્મ આપે છે. આ પ્રજનન સંપૂર્ણપણે ગોચર જ હોતું નથી. એટલે કે લગભગ ગાય-બળદ, ભેંસ બે લાખ કરોડ રૂપિયાનું 2 કરોડ ટન ગોમાંસ પ્રદાન કરે છે. તેમાંથી 50 હજાર કરોડ રૂપિયાનું ચામડું, હાડકાં અને લોહીનો પણ વેપાર થાય છે. આ કુલ અઢી લાખ કરોડનો વેપાર દેશના વિકાસમાં કંઈજ ઉપયોગી થતો નથી. તેનાથી ન તો ગ્રામીણ વિકાસ થાય છે, ન તો રોજગારી ઉભી કરવાની તક પુરી પાડે છે. ભારતમાં ગાય સાથે ભેંસ, ઘેટાં-બકરાં-ડુક્કર વગેરેની પણ મોટાપાયે કતલ કરવામાં આવે છે. ભારતે 2006માં 29890 મેટ્રિક ટન, 2007માં 26212 મેટ્રિક ટન અને 2008માં 15648 મેટ્રિક ટન માંસની નિકાસ કરી છે. આનાથી ભારત સરકારે 58,361 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં, ભારતમાં જ્યારે પણ કોઈ અન્ય દેશથી માંસ નિકાસની માંગ આવે છે, ત્યારે ભારત સરકાર પશુઓની કતલ કરીને માંસની નિકાસ કરવા ઉતાવળી રહે છે. ભારત સરકાર માંસ નિકાસને વિદેશી મુદ્રા કમાવવા માટે જરૂરી માને છે. પરંતુ પ્રાણીઓના રક્ત અને માંસના વેપારથી દેશનું ભલું થઈ શકે? જો તેમ જ હોય તો ભારતમાં 121 કરોડ માનવજીવો છે, ભારત સરકારે માનવીય રક્તના વેપારનો કારોબાર પણ શરૂ કરવો ન જોઈએ?

માંસ લોબીનું ભારત સરકાર પર દબાણ

ધી કેટલ સાઈટ લેટેસ્ટ ન્યૂઝ પર 17 સપ્ટેમ્બર, 2008માં પ્રસારીત થયેલા સમાચારમાં ભવિષ્યવાણી છે કે ભારત ગોમાંસનું ઉત્પાદન વધારે. તેની ભવિષ્યવાણી છે કે ગોમાંસ નિકાસમાં ભારતને અનિવાર્યપણે દર વર્ષે પાંચ ટકાની વૃદ્ધિ કરવી પડશે. દુર્ભાગ્યથી વણસેલી પરિસ્થિતિમાં ગાયને માતા ગણનારા ભારતમાં ગોમાંસ એક મહત્વપૂર્ણ વેપાર બની ગયો છે. 1981માં ભારતમાં ગોમાંસની નિકાસ 39 હજાર ટનની હતી. હવે તે વધીને 5 લાખ ટન વાર્ષિક થઈ છે. વિશ્વમાં સૌથી વધારે પશુધન ભારતની પાસે છે, માટે વિશ્વની માંસ લોબી એ ચિંતામાં રહે છે કે ભારત પોતાના પશુધનની કતલ કરીને માંસ, ચામડા, લોહી અને હાડકાંની આપૂર્તિ યથાવત રાખે. આ ઉદેશ્યોની પૂર્તિ માટે ભારત પર જુદીજુદી પદ્ધતિઓથી વિદેશી શક્તિઓ દબાણ બનાવવા માટે સક્રિય રહે છે. ભારત સરકાર પર વિશ્વની માંસ લોબીનું દબાણ રહે છે કે તે વધારેમાં વધારે પશુઓને કાપવાની વ્યવસ્થા કરે. માંસ લોબી વારંવાર એ વાતને પ્રચારીત કરે છેકે જો વિશ્વમાં માંસ, ચરબી, ચામડા અને હાડકાની કિંમતોમાં સંતુલન બનાવી રાખવું હશે, તો ભારતના પશુધનને કતલખાનામાં લઈ જવું ઘણું જરૂરી છે.

ટ્રેક્ટર લોબીના સ્થાપિત હિતો

ભારતમાં 48 કરોડ એક ખેતીલાયક જમીન છે. આ સિવાય 15 કરોડ 80 લાખ એકર બંજર ભૂમિ છે. ભારતમાં ખેતી માટે 10 કરોડ બળદોની જરૂરિયાત છે. પરંતુ દેશમાં હાલ ટ્રેક્ટરોનું ચલણ વધી રહ્યું છે. 1951માં દેશમાં માત્ર 9 હજાર ટ્રેક્ટરો વપરાશમાં હતા. 1961માં 31 હજાર ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું. 1971માં વધીને 1.40 લાખ ટ્રેક્ટરો ઉપયોગમાં આવ્યા. 1991માં 5.20 લાખ ટ્રેક્ટરો થયા. 1991ના વર્ષમાં 14.50 લાખ ટ્રેક્ટરો અને 1998-90ના વર્ષમાં 27 લાખ ટ્રેક્ટરોનું ઉત્પાદન થયું છે. હાલ ભારતમાં 40 લાખથી વધારે ટ્રેક્ટરો ખેતીકામમાં ઉપયોગમાં લેવાય છે. આ ટ્રેક્ટરોની કિંમત લગભગ 50 હજાર કરોડ રૂપિયા થાય છે. ટ્રેક્ટર દ્વારા ભારતની માત્ર 50 ટકા ખેતીલાયક જમીન પર જ ખેતી થઈ રહી છે. હજી બીજી 24 કરોડ એકર જમીન પર ખેતી કરવા માટે આટલા જ ટ્રેક્ટરની જરૂરિયાત લંબાવી શકાય તેમ છે. માટે દેશની ટ્રેક્ટર લોબી માટે ગોહત્યા પ્રતિબંધ નુકસાનીનો ધંધો છે. કારણ કે ટ્રેક્ટર વગર ખેતી બળદોથી થતી હતી. દેશમાં સંપૂર્ણ ગોહત્યાબંધી કરવામાં આવે, તો ખેતી માટે ઉપયોગી બળદોનો પુરવઠો વધી જાય અને ટ્રેક્ટરની માંગ ઘટી જાય.આથી ટ્રેક્ટર લોબી દેશમાં ગોઆધારીત ખેતી વિકાસને આગળ વધવા દેવા તૈયાર નથી.

વધતો માંસાહાર અને ખાદ્ય સંકટ

1961માં વિશ્વમાં માંસની કુલ માંગ 7 કરોડ ટન હતી. જે 2008માં ચાર ગણી વધીને 28 કરોડ ટન થઈ ગઈ. આ દરમિયાન પ્રતિ વ્યક્તિએ માંસની ખપત બેગણી થઈ છે. ખાદ્ય ઉત્પાદનમાં પશુ ઉત્પાદોનો હિસ્સો લગભગ 40 ટકાએ પહોંચી ગયો છે. વિશેષજ્ઞોનું આકલન છે કે 2050 સુધીમાં પશુ ઉત્પાદનોની માગણી બેગણીથી વધારે થઈ જશે. ભારતમાં પણ માંસાહારનું પ્રમાણ વધી રહ્યું છે. એક સમય હતો કે જ્યારે ભારતમાં 68 ટકા લોકો શુદ્ધ શાકાહારી હતા, પરંતુ અત્યારે ભારતની કુલ વસ્તીના માત્ર 30 ટકા લોકો વિશુદ્ધ શાકાહારી છે. જો કે 25 ટકા લોકો ઘણાં ઓછા પ્રસંગે માંસાહાર કરે છે. બાકીના 45 ટકા લોકો માંસાહાર અને શાકાહાર બંનેનો ઉપયોગ કરે છે. એક સમય હતો કે જ્યારે દેશી રિયાસતો વખતે વર્ષમાં 106 દિવસ કતલખાના બંધ રહેતા હતા, પરંતુ હવે પર્યુષણ અને રામનવમી જેવાં તહેવારોમાં પણ બજારમાં જેનું ચાહો તેનું માંસ ઉપલબ્ધ થઈ જાય છે. ભારતના એક કૃષિ મંત્રીનું માનવું હતું કે અન્ય વસ્તુઓના ઉત્પાદનમાં ઘણો ખર્ચ થાય છે. પંરતુ માંસ એક એવો વેપાર છે કે તેમાં આપણું કંઈપણ ખર્ચાતુ નથી. પશુને કતલખાને મોકલો તેટલી વાર છે, બસ પછી તો ડોલર, યૂરો અને રૂપિયાના વરસાદથી ઝોળી ભરાય જાય છે. મુંબઈના એક મોટા માંસ નિકાસકારના માનવા પ્રમાણે, વિપુલ સંખ્યામાં પશુધન ભારત માટે પેટ્રોલનો કૂવો છે. જ્યારે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરો. ભારતમાં પશુધન સંદર્ભે સરકારની શું નીતિ હશે, તેનો સંકેત ભારત સરકારના એક મોટા અધિકારી ખુરોદીએ જીનિવા સંમેલનમાં આપેલા ભાષણ પરથી સમજી શકાય તેમ છે. ખુરોદીએ જીનિવા સંમેલનમાં કહ્યું હતું કે ભારતના 80 ટકા પશુધનને નષ્ટ કરી દેવું જોઈએ. જો કે ખુરોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે 80 ટકા પશુધનને સમાપ્ત કરતી વખતે ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.

આજે અમેરિકામાં પેદા થનારું 70 ટકાથી વધારે અનાજ જાનવરોને ખવડાવી દેવામાં આવે છે. દુનિયાની બે તૃતિયાંશ જમીન પર પશુ આહાર પેદા કરવામાં આવે છે. પરંતુ જાણકારોનું માનીએ તો 100 કેલોરી જેટલું બીફ (ગોમાંસ) પેદા કરવા માટે 700 કેલોરી બરાબર અનાજ વપરાય છે. સીધું અનાજ ખાવાની સરખામણીમાં જાનવરોને ખવડાવીને તેમાંથી માંસ, ઈંડા અને દૂધ તૈયાર કરવામાં અનાજની વધારે ખપત થાય છે. ઉદાહરણ તરીકે વિકસિત દેશોમાં એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવા માટે સાત કિલોગ્રામ અનાજની ખપત થાય છે. એક કિલોગ્રામ સુવ્વરનું માંસ તૈયાર કરવામાં સાડા છ કિલોગ્રામ અનાજની લાગત આવે છે. જ્યારે એક કિલોગ્રામ ચિકન અથવા ઈંડા માટે અઢી કિલોગ્રામ અનાજ વાપરવું પડે છે. આ સિવાય પ્રત્યક્ષ રીતે અનાજના ઉપભોગની સરખામણીએ માંસના ઉપયોગથી ઊર્જા અને પ્રોટીન પણ ઓછું મળે છે. એક કિલો ચિકન અથવા ઈંડાના ઉપયોગથી 1090 કેલોરી ઊર્જા અને 290 ગ્રામ પ્રોટીન મળે છે. પરંતુ એક કિલો ચિકન તૈયાર કરવામાં લાગતા અનાજથી 6900 કેલોરી ઊર્જા અને 200 ગ્રામ પ્રોટીન મળી શકે છે.

ખાસ કરીને મોટા જાનવરોનું માંસ ખાવું ઊર્જા અને પ્રોટીનની દ્રષ્ટિએ અનાજ પ્રત્યે વધારે બિનજરૂરી ખર્ચો છે. એક કિલોગ્રામ ગોમાંસમાંથી માત્ર 1140 કેલોરી ઊર્જા અને 226 ગ્રામ પ્રોટીન મળે છે. જ્યારે એક કિલોગ્રામ ગોમાંસ તૈયાર કરવામાં લાગતા અનાજમાંથી 24,150 કેલોરી ઊર્જા અને 700 ગ્રામ પ્રોટીન મળે છે. અમેરિકામાં દર કલાકે ચાર હજાર ગાયો કપાય છે. માંસાહાર અને ખાદ્ય સંકટના સંબંધને વધારે આસાનીથી એ તથ્યથી સમજી શકાય કે બ્રાઝિલ અને અમેરિકામાં ખવાતા ગોમાંસના બનેલા એક પાઉન્ડના એક બર્ગરમાં જેટલાં અનાજનો ઉપભોગ થાય છે, તેમાં ત્રણ ભારતીયોનો આખા દિવસનો ખોરાક પૂરો પડી શકે છે.


પાકિસ્તાનને 38 હજાર ટનનું માંસ ખવડાવ્યું


સરકારના આંકડા જણાવે છે કે 2006-07માં ભારતે પાકિસ્તાનને 25,606.38 મેટ્રિક ટન, 2007-08માં 9,947.68 મેટ્રિક ટન અને 2008-09માં 2789.37 મેટ્રિક ટન માંસની આપૂર્તિ કરી છે. તેના બદલામાં ભારતને અનુક્રમે 13,309.63, 6125.58 અને 1,743.53 લાખ રૂપિયાની આવક થઈ છે. ટૂંકાણમાં કહીએ તો 38343.43 ટન માંસના બદલામાં ભારત સરકારે પાકિસ્તાન પાસેથી 21178.74 લાખ ની કમાણી કરી છે. ભારતની જાગરૂક જનતાએ વિચાર કરવો જોઈએ કે કેટલાં સસ્તી કિંમતમાં આપણાં પશુધનને શત્રુદેશનું ભોજન બનાવી દેવાય છે!

ભારતની ગાયોની કતલથી બાંગ્લાદેશને વર્ષે 1.13 ખરબ રૂપિયાની કમાણી

બાંગ્લાદેશમાં ગાયો રહી નથી. પરંતુ એક અનુમાન પ્રમાણે, દર વર્ષે બાંગ્લાદેશમાં ભારતની 45-50 લાખ ગાયોની દાણચારો થાય છે. પ.બંગાળના રસ્તે ભારતમાંથી 20થી 25 હજાર પશુઓ દરરોજ બાંગ્લાદેશમાં ગેરકાયદેસર રીતે લઈ જવાય છે. એક આકલન પ્રમાણે, ભારતમાંથી દાણચોરી કરીને લવાયેલા પશુઓના ચામડાં, માંસ, હાડકાં અને લોહીમાંથી બાંગ્લાદેશને દર વર્ષે લગભગ 1.13 ખરબ રૂપિયાનો વેપાર થાય છે. બાંગ્લાદેશમાં ગાયો નથી, પણ બાંગ્લાદેશ દર વર્ષે એક લાખ ટન ગોમાંસની નિકાસ કરે છે! બાંગ્લાદેશ સિવાય રાજસ્થાન સરહદેથી પણ ગાયોની તસ્કરી થાય છે. ગાયોની તસ્કરી પાછળ પણ દેશભરમાં મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. આ નેટવર્કના પણ કરોડો રૂપિયાના સ્થાપિત હિતો છે. તેઓ ગાયોની તસ્કરી કરવા માટે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ કરી રહ્યાં છે. દેશની સરહદે સુરક્ષાદળોના નાક નીચે થઈ રહેલી ગાયોની તસ્કરી ઘણાં સવાલો પેદા કરી રહી છે.

દેશમાં કુલ મળીને ગોવંશની કુલ સંખ્યા પચ્ચીસ કરોડ 11 લાખ બેતાલીસ હજારની આસપાસ હોવાનું અનુમાન છે. તેમાંથી માત્ર 35-36 લાખ ગોવંશ ગોશાળાઓમાં સુરક્ષિત છે. સ્પષ્ટ છે કે દેશનું સાડા ચોવીસ કરોડ ગોવંશ સમાજ અર્થાત ગામ, કસબા અને નગરોમાં નિવાસ કરનારા પશુપાલકો અને નાગરીકોના દરવાજે આશ્રય લીધો છે. આજે દેશમાં ભયંકર સ્થિતિ છે કે દર મિનિટે દેશના 36 હજારથી વધારે કતલખાનાઓમાં 2800 ગાયો કપાય છે. ગોહત્યાની જગ્યાએ ગોવસંવર્ધન અને ગોપાલનથી દેશને વધારે લાભ થઈ શકે તેમ છે. ગોવંશ 4 ટન પ્રતિ વર્ષના હિસાબથી 120 કરોડ ટન ગોબર અને 80 કરોડ લીટર ગોમૂત્ર પ્રદાન કરે છે. આ માત્રા દેશના વિકાસમાં સહાયક થવી જોઈએ. જો ગોશક્તિને ઉપયોગમાં લાવવામાં આવે, તો દેશમાં 120 કરોડ ટન ગોબર, 50 હજાર કરોડનું પ્રાકૃતિક ખાતર, 35 હજાર કરોડની 10 હજાર કરોડ યૂનિટ વીજળી અને એક બળદ બરાબર આઠ અશ્વશક્તિના હિસાબે 80 કરોડ અશ્વશક્તિ સમાન બળદશક્તિથી દેશની ગ્રામીણ વિદ્યુત, ઈંધણ અને પીવાના પાણીની સમસ્યાનું નિદાન થઈ શકે છે.

ભારતમાં આડેધડ થઈ રહેલી ગોહત્યા અને પશુધનની હત્યા આપણી સંસ્કૃતિ અને સભ્યતાના અસ્તિત્વની સામે લાલબત્તી ધરે છે. જાણકારોના માનવા પ્રમાણે, સમૃદ્ધ અને સમર્થ ભારતની વ્યવસ્થાને 1500 વર્ષોના હુમલાથી જેટલું નુકસાન પહોંચ્યું ન હતું, તેટલું ગત પાંચસો વર્ષમાં થયું છે. તેમાં ગત 250 વર્ષમાં જેટલું નુકસાન થયું છે, લગભગ તેટલું જ નુકસાન આપણે 50 વર્ષોમાં કર્યું છે. ગોહત્યાથી દેશનો વિકાસ ટકાઉ અને પર્યાવરણલક્ષી રહ્યો નથી. તેના કારણે ભારત એક ઉંડી ખાઈ તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારે ગોહત્યા રોકીને ગાય અને ગોવંશ આધારીક કૃષિ વિકાસ તરફ ભારત અગ્રેસર બને, તેવી વ્યાપક રાષ્ટ્રીય નીતિની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ દેશમાં ગોહત્યાના પ્રત્યક્ષ 3થી 5 લાખ કરોડ રૂપિયાના સ્થાપિત હિતો આવી રાષ્ટ્રીય નીતિઓને ઘડવા દેશે નહીં અને આવી નીતિ ઘડાશે તો તેનો અમલ થવા દેશે નહીં. પરંતુ જેમને મન ભારતની સંસ્કૃતિ અને સભ્યતા પહેલી પ્રાથમિકતા છે, તેઓ ગાય અને ગોવંશ સહીતના પશુધનને બચાવવા માટે સરકાર પર દબાણ કરશે, જો તેઓ દબાણ ન કરે તો તેઓ પોતાની જીવનપદ્ધતિમાં ગાય અને ગોવંશનું મહત્વ જળવાય તેવી બાબતો અપનાવે તે જરૂરી છે. ગાયોની રક્ષાથી રાષ્ટ્રની રક્ષા થશે. બાકી ગાયોની કતલથી મળેલા લાખો કરોડ રૂપિયા દેશના નાગરીકોના વિકાસમાં કોઈ રીતે કામમાં આવવાના નથી.

No comments:

Post a Comment