Sunday, October 16, 2011

મંઝિલે પહોંચવાનો રસ્તો, આપણે ચાલીએ તે!


-આનંદ શુક્લ

જીવન કે પથ પર જો તુમ ડટે રહે,
શામ-એ-ઉમ્ર ઉતની હી હસીં હો જાએગી.
નામ હોગા સ્વત્ હી ઈસ જગત મે,
કામ જો હોગા નૈતિકતા ભરા


શિવાજી આદિલશાહી અને મુગલશાહી સામે અવિરત સંઘર્ષ કરી રહ્યા હતા. તેમના હિંદુ પદપાદશાહી અને સ્વરાજ સ્થાપનાના મિશનમાં સિંહગઢની જીતનો ફાળો અત્યંત મહત્વનો છે. પણ સિંહગઢની જીત અપાવનાર તેમના વીર સેનાપતિ તાનાજીને ભૂલી શકાય તેમ નથી. સિંહગઢનો કિલ્લો દુર્ગમ પહાડી વિસ્તારમાં આવેલો છે. આ કિલ્લા પર શિવાજીના સેનાપતિ તાનાજીએ મરાઠા સૈનિકો સાથે હલ્લો કર્યો. પરંતુ જે રસ્તેથી હુમલો કરવાનો હતો, તેના પર કિલ્લેદારના સૈનિકોનો જાપ્તો હતો. મરાઠાવીરોને માર્ગ દેખાતો ન હતો. ત્યારે કિલ્લેદાર વિચારે નહીં, તેવા રસ્તે હુમલો કરવાનું તાનાજીએ વિચાર્યું. તેમણે પાટલા ઘોને દુર્ગમ સીધી-સપાટ પહાડીવાળા કિલ્લાના કિનારેથી ગઢના કાંગરે ફેંકી. તાનાજી અને મરાઠા સૈનિકો સિંહગઢના કિલ્લામાં દાખલ થયા. ખૂબ વીરતાપૂર્વક લડીને તેમણે સિંહગઢ શિવાજીને ભેટ આપ્યો. આ યુદ્ધમાં ચાલીએ તે રસ્તોની જીવન ફિલસૂફીવાળા સેનાપતિ તાનાજીને ઘણી મોટી સફળતા મળી. તેઓ પોતાના રસ્તે ચાલીને વિજયશ્રીને પામ્યા. પરંતુ યુદ્ધમાં તેઓ વીરગતિ પામ્યા. તાનાજીની વીરતાને છત્રપતિ બનવા તરફ આગળ વધી રહેલા વીર શિવાજીએ લાખ લાખ વંદન કર્યા. પોતાનો રસ્તો બનાવીને તેના પર ચાલવાની હિંમત ધરાવતા પોતાના એક વીર સેનાપતિને શ્રદ્ધાંજલિ આપતાં શિવાજીએ કહ્યું હતું કે ગઢ આલા, પર સિંહ ગેલા. (ગઢ આવ્યો, પણ સિંહ ગયો.)

જીવન પથ કઠિન હોવાનું ઘણાં ફિલસૂફો માને છે. ઘણાં લોકોએ તે અનુભવ્યું છે. જીવન પથ પર ચાલીને કોઈ મંઝિલે પહોંચવું ખરેખર સિંહગઢ જીતવા જેવું છે. જીવનનો સિંહગઢ જીતતા જીતતા મોટાભાગે સિંહ વીરગતિને પામે છે. પરંતુ એવા કેટલાંક સિંહ પણ છે કે જે પોતે નક્કી કરેલા રસ્તા પર ચાલીને નક્કી કરેલી મંઝિલ મેળવીને જીવનનો સિંહગઢ જીતી લે છે. જીવન પથની દુર્ગમતા અને કઠિણાઈ એટલી છે કે તેના પર અડચણો, મુસીબતો અને મુશ્કેલીઓના હજારો ઝાંખરાં આવતા રહે છે. પરંતુ મુશ્કેલી, અડચણોના ઝાંખરાંથી ગભરાઈને વ્યક્તિ પોતાના જીવન પથનો માર્ગ છોડી દે છે, તે જીવનભર માર્ગ બદલતો રહે છે. જીવન પથ અનેક વળાંકોવાળો છે. આ વળાંક આવનારા પ્રલોભનોના છે. માણસને જીવન પથ પરથી ભટાકવા માટે તેનો ઘણો મોટો ફાળો છે.

મુશ્કેલી, અડચણોના ઝાંખરાં અને પ્રલોભનોના વળાંકો માણસનો જીવન પથ બદલી શકે છે, તેને જીવન પથ પરથી ઉથલાવી શકે છે. મોટાભાગના માણસો પોતાના જીવન પથને બદલી પણ નાખતાં હોય છે. પરંતુ જે વ્યક્તિમાં કંઈક અસામાન્ય છે, તે પોતાના જીવન પથ પર પોતે બનાવેલા રસ્તા પર ચાલવાની દ્રઢઈચ્છાશક્તિથી આગળ વધશે, તે પોતાનો માર્ગ છોડશે નહીં. આવા વ્યક્તિઓને આજે દુનિયા મહાપુરુષ તરીકે ઓળખે છે અને આવનારા દિવસોમાં પણ આવી રીતે ચાલનારા માણસોને દુનિયા મહાપુરુષ જ કહેશે.

સ્વાતંત્ર્યવીર સાવરકરનું સમગ્ર જીવન રાષ્ટ્રનિષ્ઠાથી પરિપૂર્ણ રહ્યું. અનેક સંઘર્ષ, અનેક વર્ષોની જેલ, અનેક લોકોનો વિરોધ, અનેક લોકોની ઉપેક્ષા, અનેક લોકોના અનાદર છતાં સાવરકર પોતે નક્કી કરેલા જીવન પથ પર હિમાલયની જેમ અડગ અને અટલ રહ્યાં. રાષ્ટ્રવાદને લક્ષ્ય બનાવીને તેમણે ભારતના ભાગ્યમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકામાં રેલવેના ડબ્બામાંથી કડકડતી ઠંડીમાં અંગ્રેજ દ્વારા ફેંકી દેવામાં આવ્યા હતા. ત્યારે ગાંધીજીએ રંગભેદી અંગ્રેજને નહીં, ઝુકવાનો પોતાનો માર્ગ બનાવ્યો. ચાલીએ તે રસ્તાની ફિલોસોફી પર મહાત્મા ગાંધી પણ ચાલ્યા. ભારતની આઝાદીમાં સિંહફાળો આપનારા ગાંધીજીને ભારતે રાષ્ટ્રપિતાનું બહુમાન પણ આપ્યું. સરદાર ઉધમસિંહ 1919ના જલિયાંવાલા બાગના હત્યાકાંડને જોઈને ક્રાંતિના માર્ગે ચાલીને પોતાનો રસ્તો બનાવ્યો. ઘટનાના ઘણાં વર્ષો બાદ તેમણે લંડનમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડના ગુનેગાર એવા અંગ્રેજ અમલદારને મોતને ઘાટ ઉતારીને બદલો લીધો. ભારતના ઈતિહાસમાં, દુનિયાના ઈતિહાસમાં ચાલીએ તે રસ્તો બનાવનારા, પોતાની નક્કી કરેલી મંઝિલને પામવાનો રસ્તો બનાવનારા અનેક ઉદાહરણો છે. આવા મહાપુરુષો, આવા અતિમાનવોના જીવનમાં અનેક અડચણો હતી, અનેક મુશ્કેલી હતી, મુસીબતો મહામારીની જેમ જોડાયેલી હતી. કદાચ તેમના જીવનમાં પ્રલોભનો પણ સ્વાભાવિકપણે માર્ગમાં આવતાં વળાંકની જેમ આવતા હશે. પરંતુ આવા લોકો ચાલીએ તે રસ્તાને અનુસરતા આગળ વધતા ગયા, વળાંકોમાં વળીને માર્ગ બદલ્યો નહીં. ઘર્ષણોમાં ઉતર્યા, સંઘર્ષો કર્યા, પરંતુ અંતે પોતાની નક્કી કરેલી મંઝિલને પામ્યા હતા. જીવનના કપરાં ચઢાણો જીવનને વધારે મીઠું બનાવે છે. નારિયેળના પાણીને પામવા માટે તેના કઠણ પડને તોડવું પડે છે.

જીવનની આડબીડ અડચણો, મુસીબતોના પહાડ અને મુશ્કેલીની મહામારી વ્યક્તિના તત્વને ચકાસે છે. જીવન પથ પરની આવી ચકાસણીમાં જે લોકો પોતાના માર્ગ બદલી નાખે છે, તેઓ જીવનમાં ક્યારેય એક રસ્તા પર ટકીને આગળ વધી શક્તા નથી. તેના કારણે તેઓ પોતાની નક્કી કરેલી મંઝિલને પહોંચતા નથી. રસ્તો બદલવાને કારણે જીવન બદલાઈ જાય છે, જીવન રસ્તો બદલવામાં જ પુરું થઈ જાય છે. જીવન રહે છે, પણ મંઝિલે પહોંચાડનાર પથ રહેતો નથી. જીવનનો આપણો પથ બદલ્યા પછી તેના ધ્યેયો, તેની મંઝિલો આપણી રહેતી નથી. તે કોઈકની બની જાય છે. તે એ મુશ્કેલી, અડચણો, મુસીબતો અને પ્રલોભનોની બની જાય છે કે જેના કારણે આપણે રસ્તો બદલ્યો હોય છે.


જીવન નામ હૈ, ચલતે જાને કા,
જો ચલ ન શકો થક જાઓ તુમ ઈસ રાહ મેં..
સાંસ લેના રુકકર, ઔર નઈ ઉમંગ સે,
ઉઠ ખડે હોના ન રુકના, હારના
.

જીવન પથની ઠોકરોના અનુભવ અમૃત સમાન હોય છે. તે વ્યક્તિને મજબૂત બનાવે છે. તેની ઈચ્છાશક્તિને દ્રઢ બનાવે છે. અડચણો, મુશ્કેલીઓ અને મુસીબતોને પગથિયાં બનાવીને આગળ વધનારા દ્રઢનિશ્ચિયી વ્યક્તિને જ દુનિયા માન્યતા આપે છે. આપણે ચાલીએ તે રસ્તાની ફિલોસૂફી કોઈ ઘમંડ અથવા યુવાનીની અજડતામાંથી ઉભી ન થવી જોઈએ. તે વ્યક્તિના અંતરમાંથી ઉગવી જોઈએ. પોતાના સંસ્કાર, પોતાના મૂલ્યો, પોતાના સિદ્ધાંતો, પોતાના નીતિ-નિયમો દ્વારા વ્યક્તિ સચ્ચાઈના આયનામાં પોતાની મંઝિલ, પોતાના ધ્યેય અને પોતાના પથને જોઈ લે. તેના દ્વારા પોતાના ધ્યેયની, પોતાની મંઝિલની સચ્ચાઈ જાણીને રસ્તો પકડે, તો વ્યક્તિએ પોતે પસંદ કરેલો રસ્તો સાચો હોવાનું માનવું જોઈએ. પોતાના રસ્તે ચાલીને મંઝિલે પહોંચવાની જદ્દોજેહદ કરનારા લોકોએ પોતાના સાથીઓના વિરોધની પણ તૈયારી રાખવી પડશે. વળી જીવનની સચ્ચાઈ છે કે બીજાના રસ્તા પર ચાલનારા લોકો ક્યારેય સ્વતંત્ર વિચારશક્તિ, સ્વતંત્ર નિર્ણય શક્તિ સ્વીકારી શકશે નહીં. કારણ કે પોતાના રસ્તે ચાલનારાઓની સામે બીજાના રસ્તે ચાલનારા ઝાંખા પડે છે.

ક્યારેક ચાલીએ તે રસ્તોની ફિલોસૂફી પ્રમાણે પોતાના રસ્તા બનાવીને ચાલનારાઓને બીજાના રસ્તે ચાલતા માણસો હિતેચ્છુ બનીને લાલબત્તી પણ ધરતા હોય છે. તેઓ પોતાના રસ્તે ચાલનારાને માર્ગ બદલવાની સલાહ પણ આપતા હોય છે. કારણ કે એક તો તેઓ બીજાના રસ્તે ચાલનારા છે અને અધુરામાં પુરું તેમને પોતાના રસ્તે ચાલીએ તેને રસ્તો બનાવીને ચાલનારાઓની મથામણ, તેમના સંઘર્ષ સમજાતા નથી તથા અકારણ પણ લાગે છે. પરંતુ તેવા વખતે પોતાનો રસ્તો બનાવી તેના પર ચાલનારા વ્યક્તિએ અડગ મનથી એક વાત નક્કી કરવી જોઈએ કે પોતાનો બનાવેલો રસ્તો કપરો છે, કઠિન છે, પણ પોતાનો છે. આ રસ્તો છોડવાની જરૂર નથી, કારણ કે તેને તેણે પોતાના સંસ્કારમાંથી, પોતાની સત્વશીલતામાંથી અને પોતાના મૂલ્યોમાંથી બનાવ્યો છે. પોતાના રસ્તા પર ચાલવાની પસંદગી પોતાની છે. હા, તેણે એટલું કરવુ પડશે કે દુર્ગમ રસ્તા પર ચાલવા માટે પગ મજબૂત રાખવા પડશે, પોતાના ઓજારો વધારે ધારદાર બનાવવા પડશે. સારું-ખોટું જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે. મૂલ્યોને શ્રદ્ધાનું સિંચન કરીને વધારે મજબૂત બનાવવા પડશે. પુષ્કળ દ્રઢતાથી ઈચ્છાશક્તિ કેળવવી પડશે.

પોતે નક્કી કરેલી મંઝિલ સુધી પહોંચવા પોતે કંડારેલો રસ્તો ચોક્કસ અઘરો હશે. કારણ કે આ રસ્તા પર ચાલનારા તમે પહેલા છો. માર્ગના ખાડા-ટેકરા, ઝાડી-ઝાંખરાંનો કોઈ અંદાજ તમને નહીં હોય. રસ્તો ચોક્કસ અઘરો છે. રસ્તો મંઝિલ સુધી પહોંચતા થકવી નાખશે. પરંતુ તેવા સંજોગોમાં ધીરજની હામ એટલા જ પ્રમાણમાં જોશે. કોહીનૂર જેવો હીરો પામવો હોય, તો ઉંડી ખાઈ ખોદવી પડે. નાના-નાના ખાડા ખોદે કોઈ દિવસ કોહીનૂર જેવાં હીરાની પ્રાપ્તિ થવાની નથી.

પોતાના ચકાસેલા પથ પર શ્રદ્ધા, ધીરજ અને ખંતથી આગળ વધવાથી મંઝિલની સફળતા પ્રાપ્ત થશે. આમ બન્યા પછી જે લોકો તમારા વિરોધમાં હતા, તેઓ તમારા રસ્તા પર જ ચાલવા માટે તૈયાર થશે અને ચાલશે પણ ખરા. પોતાના ચકાસેલા પથ પરથી મંઝિલે પહોંચેલા તમે અન્યોને દોરનાર બનશો. આવા લોકોને સહજ રીતે નેતૃત્વ પ્રાપ્ત થઈ જાય છે કે જેઓ અડચણો અને સમસ્યાઓની પરવાહ કર્યા વગર, અન્યના અભિપ્રાયોને ગણકાર્યા વગર પોતાના રસ્તે મંઝિલે પહોંચવા માટે મથ્યા છે. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે કોઈને અસંમત થવાની પૂરી છૂટ છે. આ અવકાશ મહાત્મા ગાંધીના ચિંતનમાં પણ છે. પરંતુ એક હકીકત છે કે આજે પણ મહાત્મા ગાંધી દેશ અને દુનિયામાં કચડાયેલી પ્રજાનું નેતૃત્વ પ્રાપ્ત કરનારા મહાપુરુષ છે. તેમના રસ્તે માર્ટિન લ્યૂથર કિંગથી નેલ્સન મંડેલા સુધીના લોકો ચાલ્યા છે. અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ બરાક હુસેન ઓબામા પણ મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માની રહ્યાં છે. તો આ બધું શક્ય બન્યું, મહાત્મા ગાંધીએ પોતાના અંતરમનથી કંડારેલા પોતાના રસ્તા પર ચાલ્યા તેનાથી. માણસે સ્વબળે પોતાનો રસ્તો શોધી તેના પર શ્રદ્ધાપૂર્વક ચાલતા રહેવું જોઈએ, જ્યાં ચાલે છે તે રસ્તો બની જાય તેવું વ્યક્તિત્વ બનાવવું જોઈએ. આવા લોકોને હંમેશા જીવન જીવવા જેવું, સાર્થક લાગે છે.

સ્વપ્ન કર લો પૂર્ણ જો દેખે તુમને,
કઠિનાઈ મિટા દો મન સે ઔર આગે બઢો.
ન પૂજો લકીરોં કો ન બૈઠો શુભ ઘડી કી રાહ મે,
હર પલ હૈ સુંદર જીવન કા અપને, શુભ ભી હૈ.
યહી હૈ જીવન સાર, જીવન કા અર્થ ભી યહી હૈ. (-પ્રવીણ)

No comments:

Post a Comment