Monday, October 24, 2011

પાકિસ્તાનની અમેરિકાને ધમકી: વિનાશકાળે વિપરીત બુદ્ધિ!


-આનંદ શુક્લ

9/11ના ભીષણ આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ઓક્ટોબર-2001માં અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ યુદ્ધના નામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. આ દશ વર્ષોમાં અમેરિકાએ અફઘાનિસ્તાન યુદ્ધમાં તાલિબાનો અને અલ કાયદાના ખાત્મા માટે અબજો ડોલરનો ધુમાડો કર્યો છે. પાકિસ્તાનને પણ આતંકવાદના યુદ્ધમાં પોતાના સામરીક સાથીદાર ગણાવીને કરોડો અબજ ડોલરની સૈન્ય સહાયતા કરી છે. અમેરિકાના અબજો ડોલરના ધુમાડા છતાં હજી અફઘાનિસ્તાનમાં તાલિબાની નેટવર્ક સાબૂત છે. તો પાકિસ્તાને પણ અમેરિકી સૈન્ય સહાયતાનો ભારત પર લશ્કરી સરસાઈ સ્થાપવા માટે જ ઉપયોગ કર્યો છે. આમ તો અમેરિકાને પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં ભારત તરફથી સૈન્ય કાર્યવાહીનો ભય દેખાડીને બ્લેક મેઈલિંગ કરતું હતું. 26/11ના મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાને અફઘાનિસ્તાન સરહદેથી પોતાના એક લાખ સૈનિકોને ભારત સાથે યુદ્ધની સંભાવના દેખાડીને પોતાની પૂર્વ સરહદે ખસેડવાની ધમકી આપી હતી.

ભારતે પાકિસ્તાનને આતંકવાદી સમસ્યાનું મૂળ કહ્યું છે. ભારતના ઘણાં રાજકારણીઓ પાકિસ્તાનને આતંકવાદી દેશ ઘોષિત કરાવવા માટેની પેરવી કરી રહ્યાં છે. પરંતુ ત્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધમાં પોતાનું મજબૂત સાથીદાર ગણાવીને આવી તમામ દલીલોને નજરઅંદાજ કરતું આવ્યું છે. અમેરિકાને હવે આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના એક દશકા બાદ ખબર પડી છે કે સમસ્યા તો પાકિસ્તાનમાં છે. અમેરિકાએ પાકિસ્તાનના ઉત્તરી વજીરીસ્તાન ખાતેથી ઉબાડિયા કરતાં હક્કાની નેટવર્કને ખતમ કરવા માટે પાકિસ્તાનને તાકીદ કરી છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે જો પાકિસ્તાન હક્કાની નેટવર્કને ખતમ નહીં કરે તો પછી તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં એકતરફી લશ્કરી કાર્યવાહી કરીને હક્કાની નેટવર્કને ખતમ કરશે. પરંતુ આતંકવાદને રાજકીય અને સામરીક હથિયાર તરીકે ઉપયોગ કરતાં પાકિસ્તાનની સેનાના વડા જનરલ કયાની હક્કાની નેટવર્કને રણનીતિક સંપત્તિ માની રહ્યા છે. પાકિસ્તાની કટ્ટરપંથીઓ 2014ની રાહ જોઈ રહ્યાં છે, જ્યારે અમેરિકી અને નાટો દળોની અગ્રિમ પંક્તિના સૈનિકો અફઘાનિસ્તાન છોડી દેશે. પાકિસ્તાની જનરલને લાગે છે કે ત્યારે હક્કાની નેટવર્ક જેવાની મદદથી તે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે.

છેલ્લા કેટલાંક મહીનાઓથી પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો ઘણાં કથળ્યા છે. અમેરિકા પોતાના સૈનિકોને ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્ક સામે ટકરાવા માટે તૈયાર કરી રહ્યું છે. અમેરિકાનું દ્રઢપણે માનવું છે કે હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રયાસોને ધક્કો પહોંચાડી રહ્યું છે. અમેરિકી ગુપ્તચર સંસ્થાનું માનવું છે કે કાબુલના અમેરિકી દૂતાવાસ પર હુમલા માટે હક્કાની નેટવર્ક જ જવાબદાર છે. આથી અમેરિકા હક્કાની નેટવર્કને તેના દુસ્સાહસની સજા આપવા માટે પાકિસ્તાન પર તેમની વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી માટે દબાણ બનાવી રહ્યું છે. જો કે પાકિસ્તાની સેના હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી કરવા ઈચ્છતી નથી. તેના બે અનિવાર્ય કારણો છે.

પાકિસ્તાની સેના થોડા વર્ષો પહેલા વજીરીસ્તાનમાં તાલિબાન સામેની લડાઈમાં પરાજીત થઈ હતી. પાકિસ્તાની સેના માટે આ અપમાનજનક સ્થિતિ હતી. પાકિસ્તાની સેનાને અનિચ્છાએ ક્ષેત્રમાં તાલિબાની વર્ચસ્વ પણ સ્વીકારવું પડયું છે. આથી પાકિસ્તાની સેના ફરીથી તાલિબાની નેટવર્ક સામે લડીને પોતાની વધારે ફજેતી કરાવવા ઈચ્છતી નથી. વળી આ પ્રકારની કાર્યવાહીથી પાકિસ્તાનમાં સૈન્ય પ્રતિષ્ઠાનો અને સરકારી મશીનરી વિરુદ્ધ તાલિબાની કાર્યવાહી તેજ થવાનો ખતરો પણ છે. બીજી તરફ જનરલ કયાની ભવિષ્યમાં અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે હક્કાની નેટવર્કનો ઉપયોગ કરવા માટે તલપાપડ છે. ત્યારે અમેરિકા હક્કાની નેટવર્કને આઈએસઆઈની સેના કહી રહ્યું છે, તે અનાયાસ નથી.

કથિત સીઆઈએ એજન્ટ રેમન્ડ ડેવિસની પાકિસ્તાનમાં ધરપકડ બાદ અમેરિકા અને પાકિસ્તાનના સામરીક સંબંધોમાં ઓટની સ્થિતિ સર્જાઈ હતી. રેમન્ડ ડેવિસ પર બે પાકિસ્તાનીઓના ખૂનનો આરોપ હતો. અમેરિકા ઘણી સમજૂતી બાદ તેને પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું. આ ઘટના પછી અમેરિકામાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે પાકિસ્તાન પર કેટલો ભરોસો કરી શકાય? ત્યાર બાદ મે-2011માં અમેરિકાની સ્પેશ્યલ ફોર્સે પાકિસ્તાની રાજધાની ઈસ્લામાબાદ નજીક એબટાબાદમાં આતંકના સરગના અલકાયદાના સુપ્રિમો ઓસામા બિન લાદેનને એક ગુપ્ત ઓપરેશનમાં ખતમ કર્યો. આ ઓપરેશનમાં પાકિસ્તાન અપમાનિત તો થયું, સાથે તેના જૂઠ્ઠાણાં પણ બેનકાબ થયા. આ નિરાશામાં પાકિસ્તાની સેના સાબિત કરવા મથી રહી છે કે હજી પણ તે પોતાના દેશની સુરક્ષા કરવા માટે સક્ષમ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ તાનાશાહ જનરલ મુશર્રફે ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો હતો. પાકિસ્તાની સેના દેશવાસીઓ વચ્ચે પોતાનો સિક્કો જમાવવા માટે છેલ્લા છ માસથી અમેરિકા સામે આકરું વલણ દર્શાવી રહી છે.

પાકિસ્તાની સેના પોતાના કથિત છાપ અને શાખ બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. અમેરિકાની સંભવિત એકતરફી લશ્કરી કાર્યવાહીનો મુકાબલો કરવા માટે પાકિસ્તાની જનરલે કડક નિવેદન આપીને તેની સાબિતી પણ આપી દીધી છે. અમેરિકાને આપવામાં આવેલી જનરલ કયાનીની ચેતવણીના અર્થો પાકિસ્તાનતી વધારે સારી રીતે અન્ય કોઈ જાણી શકે તેમ નથી. કયાનીનું નિવેદન દુસ્સાહસની પરાકાષ્ઠા છે. જનરલ ક્યાનીએ નિવેદન આપ્યું હતું કે અમેરિકાએ પાકિસ્તાન સામે એક તરફી લશ્કરી કાર્યવાહી કરતાં પહેલા દશ વખત વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. પાકિસ્તાન પરમાણુ શક્તિ સંપન્ન દેશ છે. પરંતુ હકીકત એ છે કે જો અમેરિકા પોતાનો સંયમ ગુમાવી દેશે, તો પાકિસ્તાન પાસે કોઈ મોકો રહેવાનો નથી. પાકિસ્તાનને અમેરિકાનો ગુસ્સો ઈરાક અથવા અફઘાનિસ્તાનથી પણ બદતર સ્થિતિમાં પહોંચાડી શકે છે. વળી પાકિસ્તાનના જનરલ કયાનીએ યાદ રાખવું જોઈએ કે જ્યોર્જ બુશના કાર્યકાળ દરમિયાન રિચર્ડ આર્મિટેજે 9/11 બાદ અલકાયદાનો પક્ષ તાણી રહેલા જનરલ મુશર્રફને કડક ચેતવણી આપી હતી અને તેના કારણે પાકિસ્તાનને તાલિબાનો સાથે પોતાના દશકો જૂનાં સંબંધો ખતમ કરીને અફઘાનિસ્તાનમાં પોતાની વિદેશ નીતિ બદલવા માટે મજબૂર થવું પડયું હતું.

પાકિસ્તાન ફરીથી પોતાની મર્યાદાઓ ઓળંગી રહ્યું છે. હકીકતમાં પાકિસ્તાની સેનાના કેટલાંક મઠાધીશો માની બેઠા છે કે અમેરિકા સાથે ક્યારેય અથડામણ થવાની નથી. પરંતુ અમેરિકાને પોતાની પરમાણુ ક્ષમતાની ધમકી આપનારી પાકિસ્તાની સેનાએ સમજી લેવું જોઈએ કે અમેરિકા ભારત નથી. માની લો કે અફઘાન-પાક સીમા પર અમેરિકી સૈનિકો પર પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે, તો શું વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઘટનાનો બદલો લેવા માટે અફઘાનિસ્તાન સુધી દોડી આવનાર અમેરિકા પાકિસ્તાનને પાસરું કરવામાં કોઈ કચાશ ચોડશે? આવી પરિસ્થિતિમાં કદાચ પાકિસ્તાનનું નામોનિશાન મટી જાય તે હદે પણ અમેરિકા જઈ શકે છે. ક્રિયા અને પ્રતિક્રિયાના પાયાના સિદ્ધાંતથી પાકિસ્તાની જનરલ સારી રીતે વાકેફ છે. ભારત પર નિશાન સાધવા માટે આતંકવાદી જૂથોનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન ભારતના વાણીશૂરા રાજનેતાઓને સારી રીતે જાણે છે. તેના કારણે તેઓ સંસદ પર હુમલો અને મુંબઈ હુમલા જેવાં જઘન્ય આતંકીકાંડ કર્યા પછી પણ શાંતિથી સોડ તાણી શકે છે. પરંતુ પાકિસ્તાન અમેરિકા સાથે ભારત જેવો વ્યવહાર કરશે, તો અમેરિકા પાકિસ્તાનના આવા તત્વોને સદા માટે સુવડાવી દેશે. વળી ભારત પાકિસ્તાન પડોશી દેશો છે અને અમેરિકા પાકિસ્તાનથી 5 હજાર કિલોમીટર દૂર છે. ત્યાં સુધી પાકિસ્તાનના પરમાણુ હથિયાર પહોંચી શકે તેમ નથી. આવા સંજોગોમાં પાકિસ્તાનના પરમાણુ હથિયાર વાપરવાના કોઈપણ ઉબાડિયાંથી પાકિસ્તાનના અસ્તિત્વ સામે અમેરિકા બહુ મોટા જોખમો ઉભા કરવા માટે સક્ષમ છે.

તાલિબાનો સાથેની જુગલબંધી પાકિસ્તાનના અસ્તિત્વ માટે હવે સૌથી મોટું જોખમ છે. લશ્કરે તોઈબા પણ હવે પાકિસ્તાન વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને લશ્કરે તોઈબાને પાળ્યું-પોષ્યું છે અને તેના હિતોને આગળ વધાર્યા છે. અમેરિકા સામે પરમાણુ હથિયાર વાપરવાની ધમકી આપ્યા બાદ પણ પાકિસ્તાની જનરલ આવી કોઈ ગુસ્તાખી કરે તેવા પાગલ નથી. કારણ કે અમેરિકા પાકિસ્તાન સાથે સરહદો ધરાવતો દેશ નથી. વળી છેલ્લા કેટલાંક સમયથી પરિસ્થિતિએ કરવટ બદલી છે, ત્યારથી એક વાત સ્પષ્ટ બની છે કે અમેરિકા પોતાના સામરીક હિતોને ધ્યાનમાં રાખીને લાંબો સમય સુધી ધીરજ રાખવાની ભૂલ કરવા તૈયાર નથી. તેવા સંજોગોમાં પાકિસ્તાનની અક્કડ રહેવાની ગુસ્તાખી તેને ભારે પડી શકે તેમ છે.

તાજેતરમાં અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ હામિદ કરજાઈએ કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ દેશ હુમલો કરશે, તો તેવી પરિસ્થિતિમાં તે પાકિસ્તાનો સાથે આપશે. પરંતુ હકીકત એ છે કે હામિદ કરજાઈ અમેરિકા અને નાટો દળોની પરવાનગી વગર પાંદડુ પણ હલાવી શકે તેમ નથી. વળી લીબિયામાં નાટો દળોની મદદથી તાનાશાહ કર્નલ મુઅમ્મર ગદ્દાફીના 42 વર્ષના શાસનનો અમેરિકાના દોરીસંચારથી અંત આવ્યો છે. ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાને આંકવામાં ભૂલ કરવી ભારે પડી શકે તેમ છે.

No comments:

Post a Comment