Tuesday, October 18, 2011

PM પદ માટે ભાજપ તરફથી અડવાણી જ શ્રેષ્ઠ!


- આનંદ શુક્લ

લાલકૃષ્ણ અડવાણીની જનચેતના યાત્રાની સાથે જ તેમની ટીકાઓ થવા લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાને વડાપ્રધાન પદના ઉમેદવારની દોડમાં કાયમ રાખવા માટે જ પોતાના જીવનની છઠ્ઠી રથયાત્રા કરી રહ્યાં છે. ભાજપમાં પણ હાલ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવા સંદર્ભે રાજકીય ગરમી વધેલી છે. નરેન્દ્ર મોદી, યશવંત સિંહા સહીતના ઘણાં નેતાઓએ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે વડાપ્રધાન પદ માટે પોતાની ઉમેદવારીને આગળ કરી છે. 83 વર્ષની જૈફવયે પહોંચેલા અડવાણીની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દોડમાં રહેવાની આશંકાથી તેમની ભારે ટીકાઓ થઈ રહી છે. અડવાણીએ નાગપુર ખાતે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે તેમના પક્ષ ભાજપે તેમને વડાપ્રધાન પદ કરતાં ઘણું વધારે આપ્યું છે. પરંતુ વારાણસીમાં ઉમા ભારતીએ અડવાણીની વડાપ્રધાન પદ માટેની ઉમેદવારીને આગળ કરી છે. જો કે હાલ મોટાભાગે યુવા નેતૃત્વની આડમાં અડવાણીની ઉંમરને કારણ બનાવીને તેમને નિશાન બનાવાય રહ્યાં છે. અડવાણી વડાપ્રધાન બને અથવા ન બને, પરંતુ તેમની થઈ રહેલી મર્યાદાવિહીન ટીપ્પણીઓથી ભારતીય રાજકારણને સમજનારા દરેક વ્યક્તિને દુ:ખની લાગણી થશે. ભારતીય રાજનીતિમાં લગભગ છ દાયકાનો લાંબો સમય સુધી રહીને અનેક ઝંઝાવાતો સામે ટક્કર આપનારા અડવાણીને અપમાનિત કરનારી ટીપ્પણીઓ ખરેખર ભારતીય રાજનીતિ માટે લાલબત્તી સમાન છે.

83 વર્ષની જૈફવયે સંપૂર્ણ સ્વસ્થ

83 વર્ષની જૈફવય છતાં અડવાણી અત્યારે પણ ચુસ્ત-દુરસ્ત સ્વાસ્થ્ય ધરાવે છે. સંસદ ભવનની સીડીઓ ટેકા વગર તેઓ આજે પણ સડસડાટ ચઢી જાય છે. 83 વર્ષની જૈફવયે 38 દિવસની 23 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી જનચેતના યાત્રાના રથ પર પણ તેઓ સવાર થયા છે. તેની સામે સંઘના સીધા દોરીસંચાર નીચે ભાજપના યુવા અધ્યક્ષ બનેલા નીતિન ગડકરીની હાલતની સરખામણી કરવા જેવી છે. નીતિન ગડકરીને વજન ઘટાડવાની સર્જરીમાંથી પસાર થવું પડયું છે. દિલ્હી ખાતે મોંઘવારી સામેની એક રેલીમાં ગડકરી બેશુદ્ધ બની ગયા હતા, ત્યારે અડવાણીએ તેમને ટેકો આપ્યો હતો! યુવા અધ્યક્ષ નીતિન ગડકરી કરતાં 83 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની તંદુરસ્તી અને ફીટનેસ વધારે સારી છે. હજી સુધી અડવાણીએ પોતાની માનસિક સ્વસ્થતા પણ અદભૂત રીતે જાળવી રાખી છે. પોતાના પરિપકવ નિવેદનોથી તેમણે ભાજપને અવાર-નવાર સંકટયુક્ત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢયું છે.ક્ષમતાવાન માણસ માટે તેની પરિપક્વતા એક મોટું શસ્ત્ર છે. દેશનું કામ કરવામાં પરિપકવ વ્યક્તિને ઉંમર નડતી નથી. ભૂતકાળમાં કટોકટી બાદ ઈન્દિરા ગાંધીએ ભારતમાં સામાન્ય ચૂંટણીઓ યોજી હતી. જેમાં વિરોધ પક્ષનો વિજય થયો હતો. ત્યારે 83 વર્ષના જૈફવયે પહોંચેલા મોરારજીભાઈ દેસાઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આમ જોવો તો મોરારજીભાઈની પરિપક્વતા, નેતૃત્વની ક્ષમતા અને તેમના કદને જ વડાપ્રધાન પદ માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

અત્યારે ભારતીય રાજનીતિની ક્ષિતિજ પર ચમકતા તારાઓમાં અડવાણી સૂર્યની જેમ પ્રકાશમાન છે. ભારતીય રાજનીતિનું પરિદ્રશ્ય જોવામાં આવે, તો એલ. કે. અડવાણી જેવાં કદ્દાવર અને પરિપક્વ નેતાનો વિકલ્પ મળવો મુશ્કેલ છે. ભારતીય રાજનીતિમાં હાલ અડવાણી જેટલા લાંબા રાજકીય અનુભવવાળા નેતા મળવા મુશ્કેલ છે. અડવાણી સામે અન્ય કહેવાતા વડાપ્રધાન પદના ઉમેદવારો અને તેની દાવેદારી કરનારા નેતાઓ વેંતિયા લાગે છે. વાજપેયીના ખરાબ સ્વાસ્થ્યને કારણે નેપથ્યમાં ગયા બાદ અડવાણી એનડીએમાં સર્વમાન્ય નેતા તરીકે સ્વીકૃત બન્યા હતા. તેમને એનડીએએ 2009ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપ અને એનડીએમાં પણ અડવાણી કદ્દાવર અને પરિપક્વ નેતા તરીકે સર્વસ્વીકૃત છે.2009માં વડાપ્રધાન પદની અડવાણીની ઉમેદવારીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ માન્યતા આપી હતી. જો કે 2009ની લોકસભાની ચૂંટણીમાં એનડીએની હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યુવાનોને નેતૃત્વ આપવાની વાત કરીને અડવાણીને નેપથ્યમાં ધકેલવા માટે પ્રયત્ન કરી જોયો. જેના કારણે અડવાણીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ છોડયું હતું. પરંતુ ભાજપમાં તેમના કદ અને તેમના કામના પ્રભાવને જોતા પાર્ટીએ પોતાના બંધારણમાં ફેરફાર કરીને તેમને સંસદીય બોર્ડના ચેરમેન બનાવ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અડવાણીને નેપથ્યમાં ફેંકી દેવાની કોઈપણ ચાલ એટલી કારગર નીવડી નથી. તેનું કારણ માત્રને માત્ર અડવાણીનો ભાજપને આગળ લાવવા માટે આપવામાં આવેલો ભોગ છે.


ભાજપને મુખ્ય પક્ષ બનાવનાર અડવાણી


ભારતીય જનસંઘની સ્થાપના સાથે રાજનીતિના ક્ષેત્રમાં કામ કરનારા અડવાણી જ એવા નેતા હતા કે જેમણે 1979માં રચાયેલા ભારતીય જનતા પક્ષને કફોડી સ્થિતિમાંથી બહાર લાવીને આજે ભારતની મુખ્ય પાર્ટી બનાવી દીધો છે. 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં 'સિમ્પથી વેવ' સાથે રાજીવ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી જંગમાં ઉતરેલી કોંગ્રેસને ત્રણ ચતુર્થાંસથી વધારે બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ગાંધીયન સોશ્યાલિઝમના આધારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં આગળ વધવાનો નિર્ણય કરનારા ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થઈ હતી. તે વખતના રાજકીય સમીક્ષકોએ તો જાહેર પણ કરી દીધું હતું કે ભાજપનું મીડું વળી ગયું છે. જો કે ત્યાર બાદ અડવાણીએ પક્ષમાં નેતૃત્વની વાસ્તવિક કમાન પોતાના હાથમાં લીધી. હિંદુત્વ, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના સિદ્ધાંતને આગળ કરવામાં આવ્યો. તેના પ્રમાણે ચાલવાનો નિર્ણય લેવામાં આવ્યો. તે સમયગાળામાં રામજન્મભૂમિ આંદોલન પણ ગતિ પકડી રહ્યું હતું. આંદોલન શરૂઆતથી વિશ્વ હિંદુ પરિષદના હાથમાં હતું. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રામજન્મભૂમિ આંદોલનને ગતિ આપવા માટે નીકળનારી રથયાત્રાનું સુકાન લાલકૃષ્ણ અડવાણીને સોંપ્યુ. અડવાણીના સુકાનમાં નીકળનારી રામરથ યાત્રાને સંઘ પરિવારનું સંપૂર્ણ સમર્થન હતું. સોમનાથથી નીકળેલી રામરથ યાત્રાને બિહારમાં તત્કાલિન મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવે સમસ્તીપુર ખાતે રોકી હતી. રામરથ યાત્રાએ ભારતીય રાજનીતિની દશા અને દિશામાં અભૂતપૂર્વ પરિવર્તન લાવીને ભાજપને દેશના મુખ્ય રાજકીય પક્ષોમાંનો એક બનાવી દીધો. 1984માં બે બેઠકો મેળવનારા ભાજપને દેશના મુખ્ય વિપક્ષ બનવાની તક સાંપડી. ત્યાર બાદ વાજપેયીના નેતૃત્વમાં એનડીએ બનાવીને ભાજપે છ વર્ષ સત્તા પણ ભોગવી. વાજપેયીની સરકારને દેશની સૌથી પહેલી સફળ ગઠબંધન સરકાર ગણવામાં આવે છે. અડવાણી રામરથ યાત્રા બાદ પાર્ટીનો અસલી ચહેરો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પહેલી પસંદ બની ગયા હતા. ભાજપના તત્કાલિન મહાસચિવ ગોવિંદાચાર્યે તો ત્યાં સુધી કહ્યું હતું કે વાજપેયી તો ભાજપનું મ્હોરું છે. તેમનું કહેવાનું તાત્પર્ય હતું કે અસલી ચહેરો તો અડવાણી છે.

અડવાણી દ્વારા સર્વોચ્ચ પદનો ત્યાગ

તે વખતની પરિસ્થિતિ એવી હતી કે જો ભાજપ સત્તા પર આવે, તો અડવાણી જ વડાપ્રધાન બને. પરંતુ તેવી પરિસ્થિતિમાં 1995માં અડવાણીએ જાહેરાત કરી હતી કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તેઓ નથી. તેમણે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં 1996ની ચૂંટણીઓ લડવાની ઘોષણા કરી. તેમણે ઘોષણા કરી કે ભાજપ સરકાર બનાવશે, તો વાજપેયી વડાપ્રધાન હશે. અડવાણીનો આ ત્યાગ આઝાદ ભારતની રાજનીતિમાં સર્વોચ્ચ પદનો સૌથી પહેલો ત્યાગ હતો. આ સિવાય પણ ભાજપની અંદર અડવાણીએ પોતાના સૌથી મોટા પ્રભાવ વખતે પણ વાજપેયીના નેતૃત્વને જ સર્વોચ્ચ માન્યું છે. તેમણે ક્યારેય પક્ષમાં સત્તાનું બીજું કેન્દ્ર ઉભું થવા દીધું ન હતું. મીડિયામાં વાજપેયી અને અડવાણી વચ્ચેના કથિત ઠંડાયુદ્ધના અનેક સમાચારો આવતા હતા. પરંતુ અડવાણીએ આ સંદર્ભે કોઈ હરફ ઉચ્ચાર્યા વગર હંમેશા વાજપેયીના નેતૃત્વને શિરોધાર ગણીને કામ કરતાં રહ્યાં હતા. અરે, સંસદમાં અડવાણીએ વાજપેયીની એટેચી પણ પકડી હતી!

ગોવિંદાચાર્યને વાજપેયીને મ્હોરું કહેવાની ટીપ્પણી બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો. પરંતુ અડવાણીએ કોઈપણ પ્રકારની જૂથબંધી કે વાડાબંધી કરીને પાર્ટીમાં રાજકારણ ખેલવાનો પ્રયત્ન કર્યો ન હતો. અડવાણીને 1995માં તેમના કરેલા ત્યાગ પછી પાર્ટીની નેતૃત્વવાળી સરકારમાં પહેલા ગૃહમંત્રી અને બાદમાં નાયબ વડાપ્રધાન બનાવવામાં આવે, તો તેમા ખોટું શું છે? તેમને 2009માં વાજપેયીની નાદુરસ્ત તબિયતને કારણે તેમની રાજકીય પરિપક્વતાને માન આપીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો તેમા ખોટું શું છે? અડવાણીને 2014માં યોજનારી ચૂંટણીમાં તેઓ જો સંપૂર્ણપણે શારીરિક-માનસિક સ્વસ્થતા અને કામ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો વડાપ્રધાન બનાવવામાં તકલીફ ક્યાં છે?

અડવાણીની બેજોડ શિસ્ત અને બેદાગ રાજકીય જીવન

લાલકૃષ્ણ અડવાણીએ પોતાના રાજકીય જીવન દરમિયાન ક્યારેય પાર્ટી લાઈનથી ઉપર ઉઠીને વાત કરી નથી. હા, તેમણે તેમના અંગત વિચારો પ્રદર્શિત કર્યા છે. પરંતુ તેમણે ક્યારેય ગેરશિસ્ત કરી નથી. તેમણે પાર્ટીના હિતને પોતાના હિત સાધવા માટે નુકસાનમાં નાખી નથી. અડવાણીનું 6 દાયકાનું રાજકીય જીવન બેદાગ રહ્યું છે. હવાલા કાંડ વખતે પોતાનું નામ ડાયરીમાં આવતાની સાથે જ તેમણે પોતાના પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ જ્યારે હવાલા કાંડમાંથી બેદાગ સાબિત થયા, ત્યારે જ તેમણે ફરીથી રાજનીતિમાં કોઈ પદગ્રહણ કર્યું હતું.હાલ ભ્રષ્ટાચારથી ખદબદતા નેતાઓ પોતાના પદ પર રહેવા માટે હવાતિયાં મારે છે અને પાર્ટીને બ્લેકમેઈલ પણ કરે છે. કર્ણાટકના યેદુરપ્પાને ભ્રષ્ટાચારના આરોપોને કારણે મુખ્યમંત્રી પદેથી હટાવતા ભાજપ હાઈકમાન્ડને નાકે દમ આવી ગયો હતો. અડવાણીની 2005ની પાકિસ્તાન યાત્રા અને જિન્ના પ્રકરણને બાદ કરી દેવામાં આવે, તો તેમના સમગ્ર રાજકીય જીવનમાં કોઈ વિવાદ નથી.


જિન્ના પ્રકરણ અને અડવાણીની શિસ્ત


અડવાણીએ પાકિસ્તાન યાત્રા વખતે મિનારે પાકિસ્તાનની મુલાકાત લીધી. તેમણે પાકિસ્તાનના સર્જક મહોમ્મદ અલી જિન્નાની કબર પર માથું ટેકવ્યું. તેમણે જિન્નાને સેક્યુલર ગણાવ્યા. તેના સંદર્ભે જિન્ના દ્વારા પાકિસ્તાન બન્યા બાદ ત્યાંની બંધારણ સભામાં અપાયેલા ભાષણને ટાંક્યું હતું. જિન્નાને સેક્યુલર ગણાવતી પોતાની ટીપ્પણી પોતાની ન હતી. તેમણે તેના સંદર્ભે જિન્નાની જ એકવાત જણાવી હતી. આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા એચ. વી. શેષાદ્રિજીએ પોતાના પુસ્તક ‘અ ટ્રેજિક સ્ટોરી ઓફ પાર્ટીશન’માં અડવાણીના નિવેદનના વર્ષો પહેલા લખી છે. અડવાણીએ પોતાના જિન્ના સંદર્ભે આપવામાં આવેલા નિવેદનને હજી સુધી પાછું ખેંચ્યું નથી. તેઓ તેના માટે માફી માગવા માટે પણ તૈયાર નથી. જ્યારે અન્ય રાજકારણીઓ નિવેદન આપ્યા પછી ફેરવી તોળતા હોય છે, અડવાણીએ રાજકીય જીવનમાં ઉચ્ચ નૈતિકતા જાળવી છે અને પોતાના નિવેદનને ફેરવી તોળ્યું નથી. તેમના આ નિવેદનને કારણે ભાજપ અને સંઘ પરિવારમાં ઉગ્ર આક્રોશ ભડકી ઉઠયો હતો. અડવાણીને ભાજપના તત્કાલિન મહાસચિવ સંજય જોશીએ રાજીનામું આપવા માટે કહ્યું હતું. ભાજપે પાકિસ્તાનથી આવેલા પોતાના તત્કાલિન અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીની પ્રેસ પણ પ્રસારીત કરી ન હતી. ત્યારે અડવાણીએ કોઈપણ પ્રકારના ઉધામા વગર ભાજપના મહાસચિવ સંજય જોશીને પોતાનું રાજીનામું આપીને અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો. ( અત્રે ઉલ્લેખનીય છે કે જિન્ના પ્રકરણ સિવાય પાકિસ્તાનમાં બાબરી ધ્વંસના દિવસ છ ડિસેમ્બર,1992ને પોતાના જીવનનો સૌથી દુ:ખદ દિવસ ગણાવ્યો હતો. તેના સંદર્ભે વિશ્વ હિંદુ પરિષદ સહીતના રાષ્ટ્રવાદી સંગઠનોમાં નારાજગી હજી પણ કાયમ છે.) જિન્ના પ્રકરણ બાદ અડવાણી સામે ઉગ્ર નિવેદનો થયા છે. પરંતુ અડવાણીએ કોઈપણ નિવેદન કરનારા સંઘ પરિવારના કોઈપણ નેતા સામે નિવેદન આપ્યું નથી. આટલી મોટી શિસ્ત અડવાણી પોતાના સંગઠન પ્રત્યેના સમર્પણને કારણે જ દાખવી શકે છે. અડવાણીના સંગઠન માટેના સમર્પણને કોઈપણ રીતે નકારી શકાય તેમ નથી. એક જિન્ના પ્રકરણને કારણે અડવાણીની સંગઠન અને વિચારધારા માટેના સમર્પિત, ત્યાગપૂર્ણ જીવનને ગાળ આપી શકાય નહીં.

અડવાણીની પાર્ટી અને સરકારમાં જવાબદારીઓ

1951માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી ત્યારથી 1957 સુધી અડવાણી પાર્ટીના સચિવ રહ્યાં. વર્ષ 1973થી 1977 સુધી અડવાણી ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યાં. 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના બાદ 1986 સુધી તેઓ પાર્ટીના મહાસચિવ રહ્યાં. ત્યાર બાદ 1986થી 1991 સુધી પાર્ટીના અધ્યક્ષ બન્યા. ત્યાર બાદ ફરીથી જિન્ના પ્રકરણ વખતે પણ તેઓ પાર્ટીના અધ્યક્ષ હતા. 1992માં છઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસના કેસમાં અડવાણીને આરોપી બનાવવામાં આવ્યા છે. અડવાણી કુલ ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહી ચુક્યા છે. અડવાણી ચાર વખત રાજ્યસભા અને પાંચ વખત લોકસભાના અધ્યક્ષ રહ્યાં છે. હાલમાં તેઓ ગુજરાતના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાંથી લોકસભાના સાંસદ છે. 1977થી 1979 સુધી પહેલી વાર તેઓ મોરારજીભાઈ દેસાઈની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રીના પદભાર પર રહ્યાં હતા. ત્યાર બાદ વાજપેયી સરકારમાં તેમણે ગૃહમંત્રી તરીકે કામ કર્યું હતું. 2002થી 2004 દરમિયાન તેમને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

અડવાણી ભાજપના ખરા અર્થમાં માસ લીડર અને અસલી ચહેરો રહી ચુક્યા છે. તેમના પક્ષ અને વિચારધારા માટેના સમર્પણ અને ત્યાગને નકારી શકાય તેમ નથી. તેમની પરિપક્વતા, કાર્યક્ષમતા અને પ્રામાણિકતા તમામ શંકાઓથી પર છે. તેમની અંદર દેશ માટે ઝઝુમવાનું જોમ હજી પણ સાબૂત છે. સંગઠન અને પાર્ટીમાં શિસ્ત અડવાણીની શિસ્ત બેજોડ છે. ત્યારે સવાલ એ છે કે તેમની ઉંમરને કારણ બનાવીને વડાપ્રધાન પદેથી દૂર રાખવાનો કીમિયો કરનારા નેતાઓ જનતાને ગુમરાહ કરી રહ્યાં નથી? અડવાણી ચુસ્ત-દુરસ્ત હોય અને વડાપ્રધાન બને તેમા દેશને નુકસાન થશે કે ફાયદો?

No comments:

Post a Comment