Saturday, October 1, 2011

અડવાણી Vs. મોદી: ભાજપમાં વર્ચસ્વની ઉગ્ર લડાઈ


-આનંદ શુક્લ

ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ. આ પરિસ્થિતિ ભાજપના આંતરીક કલહના સપાટી પર આવવાથી સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તા પર છે. ડૉ. મનમોહન સિંહને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચારોના આરોપોમાં ખરાબ રીતે ઘેરાયેલી તેમની સરકાર 2014 સુધીની પોતાની ટર્મ પૂરી કરશે. કોંગ્રેસમાં પ્રણવ મુખર્જી અને પી. ચિદમ્બરમ જેવાં વરિષ્ઠ મંત્રીઓ 2જી સ્પેક્ટ્રમ મામલે આમને-સામને આવી ગયા હતા. તાજેતરમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહની દરમિયાનગીરીથી મામલો થાળે પાડી દેવાયો છે. જો કે યુપીએ-2 સરકારની ભ્રષ્ટાચાર મામલે પાતળી હાલત અને રામદેવ-અન્નાના અનશન તથા આંદોલનોને પરિણામે દેશભરમાં પ્રવર્તી રહેલી કોંગ્રેસ વિરોધી લહેરથી ભાજપના નેતાઓની દાઢ ડળકી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વચગાળાની ચૂંટણીની શક્યતાઓ દેખાય છે. પરંતુ તેની સાથે જ ભાજપમાં વડાપ્રધાન પદ માટેની દાવેદારીની હોડ તેજ બની છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ તરફથી વડાપ્રધાન પદની પ્રબળ દાવેદારી સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસથી નોંધાવી દીધી છે.

પરંતુ ભાજપની દિલ્હી ખાતેની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી સંદેશ આપી રહી છે કે પાર્ટીમાં બધું જ બરાબર નથી. પ્રત્યક્ષપણે મામલો અડવાણી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો લાગી રહ્યો છે. પરંતુ હકીકતમાં અટલજીના નેપથ્યમાં ગયા બાદ અને અડવાણી દ્વારા જિન્નાને સેક્યુલર કહેવાયા બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સર્વસંમત નેતૃત્વનું સંકટ પ્રવર્તી રહ્યું છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, યશવંત સિંહા, જસવંત સિંહ જેવાં બીજી હરોળના નેતાઓ અડવાણીને આગળ કરીને ભાજપ તરફથી રાષ્ટ્રીય સ્તરે સર્વસંમત નેતૃત્વના પ્રબળ દાવેદાર નરેન્દ્ર મોદી તરફ નિશાન સાધી રહ્યાં છે. એટલે કે લડાઈ અડવાણીની 18 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્વચ્છ રાજનીતિના જનજાગરણ માટેની જનચેતના યાત્રાની આડમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભાજપની કેન્દ્રીય નેતાગીરી વચ્ચેની છે.

કેશ ફોર વોટ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ સંસદમાં નિવેદન આપીને કહ્યું હતું કે સમગ્ર સ્ટિંગ ઓપરેશન તેમની જાણકારીમાં હતું અને જો તેઓ ગુનેગાર હોય તો તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે ત્યારે જ પોતાની પક્ષ અને ભારતીય રાજકારણમાં પ્રાસંગિકતા ઉભી કરવાની તક ઝડપી લીધી. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્વચ્છ શાસન અને રાજનીતિ માટેની રથયાત્રાની જાહેરાત કરી દીધી. અડવાણી ભાજપમાં પાંચ રથયાત્રાઓ કરીને આજીવન રથયાત્રાના મહારથી તરીકે પંકાયેલા છે. તેમની રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે 25 સપ્ટેમ્બર, 1990ના રોજ સોમનાથથી પ્રારંભ કરાયેલી રામરથ યાત્રા સૌથી સફળ રહી. આ રથયાત્રાએ ભારતીય રાજકારણની દશાને બદલીને નવી દિશા આપી. જો કે આના સિવાયની અન્ય ચારેય રથયાત્રામાં અડવાણીને સફળતા મળી નથી.

અડવાણીની છઠ્ઠી રથયાત્રાની જાહેરાત વખતે જ યોગાનુયોગ સુપ્રીમ કોર્ટે ગુલમર્ગ કાંડમાં મહત્વનો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના મામલાની તપાસના એસઆઈટીના રિપોર્ટને અમદાવાદની કોર્ટને સોંપવાનો નિર્ણય કર્યો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા પોતે પાક-સાફ હોવાનું સર્ટિફિકેટ મળ્યું હોવાનું ગણાવીને સદભવના મિશનના નેજા હેઠળ અમદાવાદ ખાતે ત્રણ દિવસના ઉપવાસ જાહેર કર્યા. સદભાવના મિશનની જાહેરાતનો સમય ઘણો સૂચક હતો. ગુજરાતમાં દેખીતી રીતે એવી કોઈ પરિસ્થિતિ પ્રવર્તી રહી ન હતી કે જેના કારણે સદભાવના ઉપવાસ કરવા પડે.ખુદ મોદીએ વારંવાર કહ્યુ છે કે ગુજરાતમાં 17 વર્ષથી બાળકના કાને કર્ફ્યુ શબ્દ પડયો નથી, એટલે કે કર્ફ્યુને ગુજરાતમાંથી દેશવટો અપાયો છે, એટલે કે 6 કરોડ ગુજરાતીઓ શાંતિ અને સદભાવનાથી જીવે છે. તો પછી પ્રશ્ન થાય કે એકાએક સદભાવના મિશન શું કામ? સ્વાભાવિક છે કે મોદીના સદભાવના મિશનને વડાપ્રધાન પદની ઉમેદવારીની દાવેદારી તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે સદભાવના મિશનમાં અડવાણી, જેટલી, સુષ્મા, વેંકૈયા સહીતના ભાજપના મોટાગજાના નેતાઓ હાજર રહ્યાં હતા. અડવાણીએ પોતાના બ્લોગ પર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકે, તેવી વાત પરોક્ષ રીતે જણાવી. પરંતુ સુષ્મા સ્વરાજ અને અન્ય નેતાઓએ મોદીની પ્રશંસા તો કરી, પરંતુ તેમના રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાન પદની ઉમેદવારીના દાવાને સમર્થન આપ્યું નહીં.

બીજી તરફ અડવાણી પોતાની જનચેતના રથયાત્રા ગુજરાતમાં સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ અથવા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી શરૂ કરવા ઈચ્છતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ અડવાણીની રથયાત્રાને અપ્રાસંગિક ગણાવી. વળી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનના ત્રિદિવસીય ઉપવાસના અંતિમ દિવસે ગુજરાતના દરેક જિલ્લામાં એક-એક દિવસ સુધી ઉપવાસ કાર્યક્રમોની જાહેરાત પણ કરી હતી. સંકેત સ્પષ્ટ હતા કે અડવાણી ગુજરાતમાંથી રથયાત્રા શરૂ તેમ મોદી ઈચ્છતા ન હતા. રાજકારણમાં અડધી સદીનો સમય સફળ રીતે પૂરો કરનારા હાલ ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહે પણ માસ્ટર સ્ટ્રોક માર્યો. તેમણે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી 11 ઓક્ટોબરે તેમના જન્મસ્થળ બિહારના સિતાબદિયાર ખાતેથી જનચેતના યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી. આ રથયાત્રાને બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમાર લીલીઝંડી આપવાના છે. નીતિશ કુમારે બિહાર વિધાનસભાની ચૂંટણીથી નરેન્દ્ર મોદીને દૂર રાખ્યા હતા અને હાલ એવી સંભાવના વ્યક્ત થાય છે કે નીતિશ કુમારે અડવાણી સાથે શરત મૂકી છે કે જનચેતના યાત્રાના પ્રસ્થાન પ્રસંગે નરેન્દ્ર મોદીને હાજર રાખવામાં ન આવે. માનવામાં આવે છે કે ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ નીતિશ કુમારની શરતને માની લીધી છે. હવે તેમની જનચેતના યાત્રા વખતે મોદીને દૂર રાખવા માટે ભાજપના તમામ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ અપાયા નથી.

છેલ્લા 20 વર્ષથી અડવાણી 25 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરે દર્શન માટે આવતા હતા. પરંતુ આ 25 સપ્ટેમ્બરે અડવાણી સોમનાથ મંદિર આવ્યા નથી. પરંતુ 25 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ વિરુદ્ધ લોકાયુક્તની નિમણૂક કરવાના મુદ્દે મહારેલી યોજી હતી. આ મહારેલીમાં અડવાણી સહીત ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓ ગેરહાજર રહ્યાં હતા. અડવાણીએ પોતે રથયાત્રાની તૈયારીમાં હોવાનું અને રામજન્મભૂમિ પરના કોર્ટના ચુકાદા બાદ 25 સપ્ટેમ્બરે જ સોમનાથ આવવાના કારણની ઈચ્છાપૂર્તિ થઈ હોવાનું કારણ આપ્યું હતું. જો કે રામજન્મભૂમિ સંદર્ભેના ચુકાદાને એક વર્ષ થયું છે, છતાં અડવાણીએ ક્યારેય આ વાત કરી નથી. પરંતુ લાખેક લોકોની મહારેલીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂ અને ભાજપના ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રુપાલા સિવાય અન્ય કોઈ કેન્દ્રીય નેતાએ સંબોધી નહીં.

આ બંને કારણોની તાત્કાલિક નારાજગીનો પડઘો નરેન્દ્ર મોદીએ ભાજપની દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહીને પાડયો છે. તેમના તરફથી કારણ આપવામાં આવ્યું છે કે નવરાત્રિમાં તેઓ ગુજરાત બહાર જતા નથી. પરંતુ આ કારણ પણ કોઈને ગળે ઉતર્યું નથી. નરેન્દ્ર મોદીની નારાજગીના કારણોનો હજી પણ ક્યાસ લગાવાય રહ્યો છે. નરેન્દ્ર મોદી માટે નારાજ થવાના ઘણાં કારણો છે. તેમાં સૌથી પહેલું, ઘોર મોદીવિરોધી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિતાબદિયારથી અડવાણીની જનચેતના યાત્રાને લીલીઝંડી આપશે. બીજું, 25 સપ્ટેમ્બરની વસ્ત્રાલ ખાતેની ભાજપની મહારેલીમાં અડવાણી સહીતના પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરી. ત્રીજું કારણ, રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપના ભૂતપૂર્વ સંગઠન મંત્રી અને ઘોર મોદીવિરોધી સંજય જોશીને પાર્ટીમાં વિશાળ ઉત્તર પ્રદેશના ચૂંટણી સંયોજક બનાવી સક્રિય ભૂમિકા આપી અને તેઓ પણ કારોબારીમાં હાજર રહેવાના છે. ચોથું કારણ, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી સ્વ. હરેન પંડયાના વિધવા જાગૃતિ બહેનને દિલ્હી ખાતે અડવાણીએ મુલાકાત કરી.

આ કારણો સ્પષ્ટ હોવા છતાં તેને કોઈ આધિકારીક અનુમોદન મળ્યું નથી. રાષ્ટ્રીય કારોબારીમાં પુરુષોત્તમ રુપાલાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, તો ગુજરાતી તરીકે તેમને ઘણો આનંદ થશે. ભાજપના નેતા બલબીર પુંજે કહ્યું છે કે તક મળશે તો મોદી શ્રેષ્ઠ વડાપ્રધાન બની શકશે. જો કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું છે કે અડવાણી એ નેતા છે કે જેમના 50 વર્ષના રાજકીય જીવનમાં કોઈ ડાઘ લાગ્યો નથી અને તેઓ સુશાસન અને સ્વચ્છ રાજનીતિના સંઘર્ષમાં પાર્ટીનું નેતૃત્વ કરવાનો અધિકાર ધરાવે છે. ભાજપના અન્ય ઓબીસી નેતા અને પ્રખર હિંદુત્વાદી છાપ ધરાવતા વિનય કટિયારે કહ્યું છે કે મોદીએ ગુજરાતની ઘણી સમસ્યાઓનો હલ કર્યો છે અને હજીપણ ઘણી સમસ્યાઓનો ઉકેલ બાકી છે. પહેલા તેઓ આ સમસ્યાઓનો ઉકેલ કરે, પછી વડાપ્રધાન પદના ઉમેદવારી પર દાવેદારી કરવાનું વિચારે. કલરાજ મિશ્રએ અડવાણીને શીર્ષપુરુષ તો શત્રુઘ્ન સિંહાએ અડવાણીને કદ્દાવર નેતા ગણાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે મોદી એક રાષ્ટ્રીય અને યોગ્ય નેતા છે. તેમના સુશાસનની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ છે. તેઓ વડાપ્રધાન પદ માટેના યોગ્ય ઉમેદવારોમાંથી એક છે. જો કે તેના સંદર્ભે આખરી નિર્ણય ભાજપનું સંસદીય બોર્ડ કરશે. રાષ્ટ્રીય કક્ષના આવા વિવિધ નિવેદનો ભાજપમાં ઉભી થયેલી ભાંજગડની સાબિતી છે.

નરેન્દ્ર મોદી માટે સંકેતો સ્પષ્ટ છે કે ગુજરાતને ઘણાં મામલે નંબર વન રાખનારા દેશના નંબર વન મુખ્યમંત્રી ગણાતા મોદીએ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે નંબર વન બનવા માટે હજી ઘણાં રાજકીય દાંવ ખેલવા પડશે. પરંતુ હાલ ભાજપમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને સમીકરણો જણાવે છે કે ભાજપમાં વડાપ્રધાન પદ માટેનો ગજગ્રાહ આવનારા દિવસોમાં ચરમસીમાએ પહોંચશે. ગુજરાતમાં અડવાણીની રથયાત્રા ત્રણ દિવસ રહેવાની છે. તે વખતે ગુજરાતમાં અડવાણીના ભાષણ અને નરેન્દ્ર મોદીના વ્યવહાર પર સૌની નજર મંડાયેલી રહેશે. ગુજરાતમાં 2012માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ત્યારે ચૂંટણી પ્રચાર કાર્યમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કેટલા ઉત્સાહથી ભાગ લેશે? તેના પર પણ ચર્ચા તેજ બની છે. વળી મોદી દાવો કરે છે કે તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી. એટલે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી અને સુશાસનની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે તેવા સંજોગોમાં ગુજરાતમાં અડવાણીની યાત્રાનું ઔચિત્ય શું રહેશે? વળી, અડવાણી પોતાની જનચેતના યાત્રાને સોમનાથ અને અયોધ્યામાં લઈ જવાના નથી. અડવાણીના સ્પષ્ટ સંકેત છે કે તેઓ પોતાની ઉદારવાદી છબીને વધારે મજબૂત બનાવવા માંગે છે અને સોમનાથ-અયોધ્યા જેવાં તેમની રામરથ યાત્રા સાથે જોડાયેલા સ્થળોથી દૂર રહેવા માંગે છે. ત્યારે નરેન્દ્ર મોદીનું સદભાવના મિશન પોતાના કટ્ટર હિંદુવાદી ચહેરાને સદભાવી ચહેરામાં બદલવાનું મિશન નિષ્ફળ ગયું છે. શું તેનાથી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપ તરફથી નંબર વન બનવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ?

No comments:

Post a Comment