Saturday, October 1, 2011

ભાજપમાં ગજગ્રાહ: મોદીને ગુજરાત સુધી સીમિત રાખવાનો પેંતરો?


- આનંદ શુક્લ

લાંબા સમયથી હિંદુત્વની પ્રયોગશાળા બનેલું ગુજરાત હવે વિકાસની રાજનીતિની પ્રયોગશાળા બની ગયું છે. હિંદુત્વમાંથી વિકાસની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં સદભાવનાનો પ્રયોગ હિંદુત્વના પોસ્ટર બોયમાંથી વિકાસપુરુષ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો. પરંતુ સદભાવનાના પ્રયોગમાં હિંદુત્વના મૂળ તત્વોના રાસાયણિક સમીકરણોએ હાલ ભાજપમાં આંતરીક ડખો ઉભો કર્યો છે. વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવના મિશન બાદ પણ પોતાનું મિશન દિલ્હી પુરું કરી શકે તેમ હાલપૂરતુ લાગતુ નથી. હિંદુત્વના પ્રયોગોમાં પાવરધા ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી છેલ્લા સાત-આઠ વર્ષથી સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહ્યાં છે. તેઓ સેક્યુલર રાજનીતિ કરીને પોતાનો ચહેરો ઉદારવાદી બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ અડવાણીના બની રહેલા ઉદારવાદી ચહેરામાં તેમના સેક્યુલર પ્રયોગો કરતાં તેમની ઢળતી જૈફવયનો મોટોફાળો હોય તેમ વધારે લાગે છે.

જિન્નાને સેક્યુલર તરીકેનું સર્ટિફિકેટ આપવું અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો સૌથી દુ:ખદ દિવસ ગણાવવાનું નિવેદન અડવાણી પાકિસ્તાનની ધરતી પર આપી ચુક્યા છે. તેના કારણે અર્શથી ફર્શ પર આવી ગયેલા અડવાણીની આતંકવાદ સામેની ભારત સુરક્ષા યાત્રા દેશભરમાં આતંકવાદી હુમલાઓની હેલી વચ્ચે પણ નિષ્ફળ ગઈ હતી. અડવાણી માટે આ સ્પષ્ટ સંકેત હતા કે તેમણે દેશની જનતાનો વિશ્વાસ તેમના ખતરનાક સેક્યુલર પ્રયોગોથી ગુમાવી દીધો છે. પહેલા ભાજપનું અધ્યક્ષ પદ અને બાદમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણમાં અડવાણીને છોડવું પડયું હતું. જો કે ભાજપે પોતાના વરિષ્ઠ નેતાનું માન જાળવી રાખવા માટે સંસદીય બોર્ડના ચેરમેનનું પદ તો ઉભું કર્યું જ છે. પરંતુ અડવાણીને તેમની જૈફ વયના બહાને રાજનીતિમાં અપ્રાસંગિક બનાવી દેવાનો પેંતરો સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યો. સરસંઘચાલક મોહન ભાગવતે પોતાની નિયુક્તિ બાદ ભાજપમાં યુવાનોને નેતૃત્વ આપવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાનિવૃત સરસંઘચાલક કે. એસ. સુદર્શનને પણ તેમની જૈફ વયના કારણે નિવૃત કરી દેવાયા અને 60 વર્ષથી નીચેની ઉંમરના મોહન ભાગવતને સરસંઘચાલક તરીકે નિયુક્ત કરી દેવાયા. અડવાણીને ભાજપની રાજનીતિમાં અપ્રાસંગિક બનાવવાની ડિઝાઈન અહીંથી શરૂ થઈ હતી.

પરંતુ અડવાણીએ જનચેતના રથયાત્રાની જાહેરાત કરીને પોતાની અડધી સદીથી વધારેના જાહેર જીવનના અનુભવના પરિપાકરૂપ ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો છે. અડવાણીની રાજકીય સોગઠીએ એક જ તીરે ઘણાં નિશાન પાર પાડયા છે. અડવાણીએ ભ્રષ્ટાચાર સામે સ્વચ્છ રાજનીતિ અને સુશાસન માટે જનજાગરણ માટે રથયાત્રાની જાહેરાત કરીને પોતાને પક્ષ અને ભારતીય રાજકારણમાં ફરીથી પ્રાસંગિક બનાવી દીધા છે. તેમની રથયાત્રાની જાહેરાતને તેમના દ્વારા 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી ભાજપ તરફથી વડાપ્રધાન પદની ઉમેદવારી માટેની દાવેદારી તરીકે જોવામાં આવી હતી. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે જનચેતના રથયાત્રા માટે સમર્થન માંગવા નાગપુર સંઘના મુખ્યમથકે ગયેલા અડવાણીએ સરસંઘચાલક મોહન ભાગવત સાથે 2 કલાકની મુલાકાત બાદ નિવેદન કરીને સંકેત આપ્યા કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. પણ અડવાણીની છઠ્ઠી રથયાત્રાએ તેમની સાથે પહેલી રામ રથયાત્રાના સારથિ રહેલા નરેન્દ્ર મોદીને તેમની સામે વિરોધમાં ઉભા કરી દીધા છે. અડવાણીની રથયાત્રા બિહારમાંથી શરૂ થશે અને તેને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લીલીઝંડી આપશે. પરંતુ આ પ્રસંગે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને હાજર ન રાખવાની શરત મૂકી હોવાની ચર્ચા પણ જોરમાં છે. જેને કારણે ભાજપના કોઈપણ મુખ્યમંત્રીને જનચેતના યાત્રાના પ્રારંભ વખતે હાજર રહેવાનો મોકો મળશે નહીં.

આનાથી સંકેતો સ્પષ્ટ છે કે અડવાણી ભલે વડાપ્રધાન પદની ભાજપ તરફથી ઉમેદવારી ન કરે, પરંતુ નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવામાં હજી ઘણી વૈતરણીઓ પાર કરવાની છે. હાલ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહીતના કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ રહ્યું છે. 2014માં લોકસભાની ટર્મ પુરી થાય છે. ત્યારે ભાજપ એનડીએ ગઠબંધનના નેજા નીચે જ ચૂંટણી લડશે. એનડીએમાં જનતાદળ-યૂનાઈટેડ બીજો સૌથી મોટો પક્ષ છે. જનતાદળ-યૂનાઈટેડ સેક્યુલર રાજનીતિ માટે જાણીતો છે. તેના કારણે જ ભાજપે 1998માં ત્રણ વિવાદાસ્પદ રાષ્ટ્રીય મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવી, દેશમાં સમાન નાગરીક ધારો લાવવો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું)ને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખ્યા હતા. જનતાદળ યૂનાઈટેડના વરિષ્ઠ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ અટલજીની જેમ નાદુરસ્ત તબિયતને કારણે નેપથ્યમાં ધકેલાય ગયા છે. તેવા સંજોગોમાં નીતિશ કુમાર જનતાદળ-યૂનાઈટેડના નેતા નંબર વન છે. નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને તેમની સાથે દર્શાવતી જાહેરાતના વિવાદ બાદ તેઓ બેહદ નારાજ થયા હતા. નીતિશે નરેન્દ્ર મોદીને તેમના કટ્ટર હિંદુવાદી ચહેરાને કારણે બિહારની ચૂંટણીમાં પ્રચાર કાર્યથી દૂર રાખવા ભાજપને તાકીદ કરી હતી. નીતિશ કુમારે મોદીના કરિશ્મા વગર જ બિહારમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરીને ભવ્ય જીત મેળવી પોતાને સાબિત કર્યા છે.

તાજેતરની રથયાત્રાને લીલીઝંડી આપવા માટે સંમત થઈને તેમણે અડવાણી હજીપણ એનડીએના સર્વસંમત નેતા હોવાની વાતને સ્વીકૃતિ આપી છે. તો સામે પક્ષે અડવાણીએ પણ નરેન્દ્ર મોદીને રથયાત્રાના પ્રારંભે દૂર રાખવા પર સંમત થઈને એનડીએમાં જનતાદળ-યૂનાટેડની ભાવનાઓને પુરતું મહત્વ આપવાના સંકેત આપ્યા છે. ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, જસવંત સિંહ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, કલરાજ મિશ્ર, વિનય કટિયાર જેવા નેતાઓ માટે અડવાણી હજીપણ સર્વસંમત નેતા છે. જે અસંમતિઓ છે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપમાં સર્વસંમત નેતા માનવા કે ન માનવા સંદર્ભે છે.

હાલની પરિસ્થિતિમાં એક વાત સ્વીકારવી પડે તેમ છે કે નરેન્દ્ર મોદી ગુજરાત અને ગુજરાત બહાર ભાજપ તરફથી સૌથી મોટા ‘માસ લીડર’ છે. ભાજપના અન્ય નેતાઓ નરેન્દ્ર મોદીની સરખામણીએ લોકોને આકર્ષવામાં વામણાં સાબિત થાય તેમ છે. ત્યારે નરેન્દ્ર મોદીના ખેમામાં અસંતોષ સાથે ચર્ચા છે કે એવી તે કઈ મજબૂરી છે કે ભાજપ તેના સૌથી મોટા માસ લીડરને હાસિયા પર ધકેલીને પોતાની રાજનીતિ આગળ વધારી રહ્યું છે? તાજેતરમાં વિકિલીક્સના એક ખુલાસામાં નરેન્દ્ર મોદીના ટેકેદારો 2009માં અડવાણીના સ્થાને મનમોહનને વડાપ્રધાન પદે જોવા માગતા હોવાની વાત કહેવામાં આવી છે. તેના પણ ઘણાં ગૂઢાર્થો છે. ગુજરાત વિધાનસભાની 2007ની ચૂંટણીના પરિણામના માત્ર એક સપ્તાહ પહેલા અડવાણીને ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. ત્યારે માનવામાં આવે છે કે ચૂંટણીમાં જીત બાદ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જનમતનો અનાદર લેખાત. આવી પરિસ્થિતિ ટાળવા માટે જ નરેન્દ્ર મોદીને સ્થાન અડવાણીને 2009ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકેદારો હજીપણ માને છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોત તો ભાજપને વધારે બેઠકો મળી હોત.

પરંતુ પહેલા મધ્ય પ્રદેશ અને બાદમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં અનુક્રમે શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિશ કુમારની આગેવાનીમાં ગુજરાતથી વધારે ભવ્ય જીતોએ મોદી સામે વધુ મોટી જીતનો પડકાર ઉભો કર્યો છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 151 બેઠકો પર વિજય અપાવવાનું લક્ષ્ય ગુજરાત પ્રદેશ ભાજપે નક્કી કર્યું છે. બીજું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ થાય, તો તેવા સંજોગોમાં જનતાદળ-યૂનાઈટેડ સાથેના સંબંધોનું ગણિત શું રહેશે? તેની પણ ચિંતા ભાજપની કેન્દ્રીય નેતાગીરીને સતાવી રહી છે. ચહેરા બદલવાના ખેલમાં નરેન્દ્ર મોદીએ પણ સામેલ થઈને જોયું. તેઓ સદભાવના મિશન હેઠળ 55 કલાકના ઉપવાસ પર પણ બેઠાં. પણ ઈમામ શાહી સૈયદની મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટાએ આખો મામલો પાટા પરથી ઉતારી નાખ્યો. નરેન્દ્ર મોદીએ ઈમામના હાથે મુસ્લિમ ટોપી ન પહેરી. તો ઈમામે તેમને કબર પર ઓઢાડવાની શાલ પહેરાવી. સમગ્ર ઘટનામાં નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી વઘારે ઘાટી બની. તેની પાછળ મોદીનો વિકાસપુરુષનો સદભાવનાની લાલીવાળો ચહેરો સદંતર ઢંકાઈ ગયો.

હવે વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવનાની લાલી કેવી રીતે કરે છે? તે આગામી વખતમાં ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે. મોદીએ ટૂર ઓપરેટર્સને સંબોધતા પાકિસ્તાનથી મેચ જોવા આવનારા લોકોને અજમેરના વિઝા આપવાની વાત પૂરજોરમાં કરી. પણ હજી પણ સદભાવનાની લાલી લગાવનારી કોઈ અન્ય ઘટનાની નરેન્દ્ર મોદીએ રાહ જોવી પડશે. જો કટ્ટર હિંદુવાદી ચહેરાવાળા વિકાસપુરુષ નરેન્દ્ર મોદીને સદભાવનાની લાલી લાગે, તો જ તેઓ નીતિશ કુમારની જેમ સર્વસ્વીકૃત વિકાસપુરુષ બની શકે. રાષ્ટ્રીય રાજકારણમાં નીતિશ કુમાર જેવાં સેક્યુલર વિકાસપુરુષને મ્હાત કરવા મોદીની રાજકીય મજબૂરી છે કે તેમણે સદભાવનાની લાલી કરવી પડે. પરંતુ અડવાણીની બિહારથી શરૂ થતી રથયાત્રાએ એનડીએમાં નરેન્દ્ર મોદી કરતાં નીતિશ કુમારની તક વધારી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન કોંગ્રેસની એજન્સીના જે રિપોર્ટને ટાંકીને 2014માં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીના જંગની વાત કરવામાં આવે છે, તેમાં નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો-સુશાસનની જેમ જ નીતિશના વિકાસ કાર્યો અને સુશાસનની પણ ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તરે પોતાના સર્વસંમત નેતા તરીકે સ્વીકારવા માટે તૈયાર ન થનારા નેતાઓ એનડીએના આંચળા હેઠળ પોતાનો મોદી વિરોધ આગળ વધારી રહ્યાં છે. આગળની પરિસ્થિતિઓમાં એનડીએ હેઠળ ભાજપને સત્તામાં આવવાની તક મળશે તો, સંઘને વડાપ્રધાન નહીં બનાવાની બાહેધરી આપી ચુકેલા અડવાણી તો વડાપ્રધાન નહીં બને. પરંતુ પોતાના પક્ષમાં વડાપ્રધાન બની શકે તેવા ઘણાં નેતાઓ હોવાનો દાવો કરનારું ભાજપ પક્ષમાં અડવાણી સિવાય વડાપ્રધાન પદ માટે સર્વસંમત નેતા પસંદ કરી શકે તેવી સ્થિતિ ઘણી ઝાંખી છે. તેવા સંજોગોમાં બની શકે કે ભાજપના જ નેતાઓ એનડીએના નેતા તરીકે સેક્યુલર સર્વસંમત વિકાસપુરુષ તરીકે પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી રહેલા નીતિશ કુમારનું નામ મોદીને કાપવા માટે આગળ કરે.

No comments:

Post a Comment