Friday, October 14, 2011

દેશદ્રોહને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોઈ શકે?


-આનંદ શુક્લ

પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના પ્રજા લાગણી વિરુદ્ધના નિવેદનની કિંમત ચુકવવી પડી છે. શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના ત્રણ યુવાનોએ સુપ્રીમ કોર્ટ ખાતેની પ્રશાંત ભૂષણની ચેમ્બરમાં ઘુસીને હુમલો કર્યો. આ યુવાનોએ પ્રશાંત ભૂષણ પર આક્રોશ સાથે લાત-મુક્કાનો વરસાદ વરસાવ્યો. આ હુમલો કર્યા બાદ બે યુવાનો ભાગવામાં સફળ થયા. જ્યારે ઈન્દર વર્મા નામનો યુવાન ઝડપાઈ ગયો. જો કે બાદમાં તેજિન્દરપાલ સિંહ બગ્ગા અને વિષ્ણુ શર્મા નામના અન્ય યુવાનોને કોર્ટમાં આત્મસમર્પણ કરતાં પહેલા પોલીસે પકડી લીધા. પ્રશાંત ભૂષણે શ્રીરામ સેના પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.

પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે. તેમણે 500 જેટલી પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઈએલ) કરી છે. તેમને છાને ખૂણે ‘પીઆઈએલ બ્લેકમેઈલર’ પણ કહેવામાં આવે છે. પ્રશાંત ભૂષણ કુખ્યાત આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓના કેસ પણ લડી રહ્યાં છે. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પાણીમાંથી પોરા પણ કાઢયા છે. સંસદ પર હુમલાના દોષિત અફઝલ ગુરુને સુપ્રીમ કોર્ટ દ્વારા ફાંસીની સજા મળી છે. પરંતુ પ્રશાંત ભૂષણે અફઝલ ગુરુને ફાંસીની સજા ન કરવાનો મત વ્યક્ત કર્યો છે. પ્રશાંત ભૂષણ નક્સલીઓની પણ તરફેણ કરી રહ્યાં છે. તાજેતરમાં વારાણસી ખાતે પ્રશાંત ભૂષણે પોતાની તમામ મર્યાદાઓ ઓળંગીને ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન કરી દીધું. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાંથી સેના હટાવવામાં આવે, લોકોને જોડવાનો પ્રયત્ન કરવામાં આવે. તેમ છતાં તેઓ ભારતથી આઝાદ થવા માંગે, તો ત્યાં જનમત કરાવીને કાશ્મીરને આઝાદ કરવામાં આવે. અણ્ણા હજારેના જનલોકપાલ બિલ સંદર્ભેના આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવીને પ્રસિદ્ધિ મેળવીને નામ કમાનારા પ્રશાંત ભૂષણનું કાશ્મીર સંદર્ભેનું નિવેદન દેશદ્રોહ કેમ ન ગણવું જોઈએ? 1993માં ભારતની સંસદે સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પણ ભારતમાં જોડવા માટે પ્રયત્નો કરવામાં આવશે. અણ્ણાની ટોળકીના સેનાપતિ અરવિંદ કેજરીવાલે અણ્ણા હજારેને સંસદથી ઉપર ગણાવ્યા છે. અણ્ણા હજારે પોતાને સંસદથી ઉપર સમજે છે કે નહીં, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ અણ્ણાની ટોળકીના પ્રશાંત ભૂષણે કાશ્મીર સંદર્ભેના તેમના દેશદ્રોહી નિવેદનથી સાબિત કરી દીધું છે કે તેઓ પોતાને દેશની સંસદ અને જનભાવનાઓથી ઉપર સમજે છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ-19માં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલીક મર્યાદાઓ સાથે આપવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે કોઈપણ દેશમાં દેશહિત વિરોધી અથવા દેશદ્રોહી પ્રકારની અભિવ્યક્તિને સ્વતંત્રતા આપવી જોઈએ? પ્રશાંત ભૂષણ અને કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી નેતાઓની ભાષામાં માર્મિક તફાવત શું છે? સૈયદ અલી શાહ ગિલાની અને અરુંધતિ રોયે દિલ્હી ખાતેના એક સેમિનારમાં જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ ન હોવાની વાત કરી હતી. ત્યાર બાદ દેશભરમાં તેની સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગિલાની અને અરુંધતિ રોયને નિશાન બનાવાયા હતા. તેમની સામે એફઆઈઆર પણ નોંધાવામાં આવી છે. જો કે તેમની હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી. આતંકવાદીમાંથી કાશ્મીરના અલગતાવાદી નેતા બનેલા યાસીન મલિકે શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવાનો પડકાર ફેંક્યો હતો. તેની સામે ભાજપના યુવા મોરચાએ એકતા યાત્રા કાઢી હતી. પરંતુ અફસોસ કે યાસીન મલિક જેવાં ગુંડાનો પડકાર ઝીલનારા ભાજપ યુવા મોરચાને શ્રીનગરમાં તિરંગો ફરકાવતા અટકાવવામાં આવ્યો. જો કે ત્યાર બાદ અલગતાવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક અને યાસીન મલિક પર જોડાં ફેંકીને વિરોધ નોંધાવામાં આવ્યો હતો. કાશ્મીર સંદર્ભેના ભારતીય જનમતને ઠેસ પહોંચાડવા માટે આઈએસઆઈ દ્વારા ચલાવાયેલા અભિયાનના સૂત્રધારનો ન્યૂયોર્ક ખાતે પર્દાફાશ થયો છે. તેમાં ભારતના બુદ્ધિજીવીઓ અને પત્રકારોના નામ પણ ખુલ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે પ્રશાંત ભૂષણ ક્યાંક જાણે-અજાણે આઈએસઆઈ પ્રેરીત કાશ્મીર મુદ્દા સંદર્ભેના લોબિંગનો તો ભાગ નથી ને?

મીડિયામાં શ્રીરામ સેના અને ભગતસિંહ ક્રાંતિસેનાના કથિત યુવકોને દેશભક્તિની આડમાં ગુંડાગીરી ફેલાવનારા ગણાવાયા. એકાદ અપવાદને બાદ કરીને તમામ રાજકીય પક્ષોએ પ્રશાંત ભૂષણ પરના હુમલાને વખોડયો છે. પરંતુ પ્રશાંત ભૂષણના કાશ્મીર સંદર્ભેના નિવેદનને દેશદ્રોહી ગણીને તેમની સામે એફઆઈઆર નોંધાવાની ચેષ્ટા કોઈપણ પક્ષ કે સંગઠને કરી નથી. સરકારે સ્પષ્ટતા કરી છે કે કાશ્મીર પરનું પ્રશાંત ભૂષણનું નિવેદન તેમનો વ્યક્તિગત મત છે અને સરકાર તેમના મત સાથે સંમત નથી. પરંતુ તેથી શું? સરકારે જ તો યુવાનોને શ્રીનગરના લાલચોકમાં તિરંગો ફરકાવા જવા દીધા ન હતા. સરકારે અરુંધતિ રોય અને ગિલાની સામે એફઆઈઆર દાખલ કરવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે પ્રશાંત ભૂષણ પરના હુમલાને બંધારણ વિરોધી અને કાયદા વિરોધી ગણાવનારાઓને પ્રશ્ન કરવો જોઈએ કે બંધારણમાં કઈ જગ્યાએ દેશદ્રોહની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણમાં ક્યાં ઠેકાણે દેશહિત વિરુદ્ધના નિવેદનો કરવાની અને તેના સંદર્ભે કામ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે લોકોને કાયદા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. દેશમાં અફઝલ ગુરુ અને કસાબ જેવાં આતંકવાદીઓને બિરયાની ખવડાવતી સરકાર કાયદાને કાયદાનું કામ કરવા દેતી નથી. તેને કારણે તો અરુંધતિ રોય જેવાં બુદ્ધિજીવીએ આડેધડ દેશહિત વિરુદ્ધના દેશદ્રોહી પ્રકારના નિવેદનો કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરે છે. ત્યારે પ્રશાંત ભૂષણ પર હુમલો કરનારા યુવાનોને ગુંડા કહેનારા લોકો દેશહિત વિરુદ્ધ વર્તનારાઓને દેશદ્રોહી કહેવાની હિંમત કેમ કરતાં નથી? જ્યારે કાયદો કાયદાનું કામ કરતો નથી, ત્યારે કાયદાને જનતા હાથમાં લે છે. બની શકે કે કેટલાંક યુવાનો અથવા સંગઠનોની ધીરજ ખૂટી જાય. આવી પરિસ્થિતિ દેશ માટે ખતરનાક છે. પરંતુ દેશના રાજકારણીઓની બોદી ઈચ્છાશક્તિને કારણે આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે. તેને અટકાવા માટે દેશના નીતિ-નિર્ધારકો કોઈ સ્પષ્ટ નીતિ બનાવશે?

જમ્મુ-કાશ્મીરમાંથી સેના હટાવી જનમત દ્વારા તેને આઝાદ કરવાની વાત કરનારા પ્રશાંત ભૂષણને ખબર હોવી જોઈએ કે કાશ્મીરને બચાવવા માટે ભારતીય સેનાના જવાનોએ પોતાના લોહીની નદીઓ વહેવડાવી છે. તેમણે અસંખ્ય બલિદાનો થકી કાશ્મીરને બચાવ્યું છે. ભારત સામેના પાકિસ્તાનના તમામ અભિયાનો અને યુદ્ધના મૂળમાં કાશ્મીર છે. આજ સુધીમાં કાશ્મીરમાં 50 હજાર સૈનિકો અને સુરક્ષાકર્મીઓએ શહાદત વ્હોરી છે, 70 હજાર જેટલાં નાગરીકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે જનમત કરીને કાશ્મીરને આઝાદ કરવાની વાત કેટલી યોગ્ય છે? બીજું, 1948ના કબાયલી હુમલા વખતે ભારતીય સેનાની શ્રીનગરથી આગેકૂચ અટકાવીને યુનોના ઠરાવ પર જવાહરલાલ નેહરુએ સંમતિ વ્યક્ત કરી હતી. પરંતુ તેનો અમલ 63 વર્ષ બાદ કરવો યોગ્ય નથી. તેનો તાત્કાલિક અમલ થઈ ગયો હોત, તો હજી વાત ગળે ઉતરે તેમ છે. બાકી આ 63 વર્ષના ગાળામાં પાકિસ્તાને કાશ્મીરમાં મજહબી ઝનૂનથી લોકોનું બ્રેઈન વોશ કરી દીધું છે. કાશ્મીરના નેતાઓની જુબાન પાકિસ્તાને ખરીદી લીધી છે. વળી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી સેના હટાવવા માટે પાકિસ્તાન તૈયાર નથી. ગિલગિટ અને બાલટિસ્તાનના કેટલાંક ભાગોને કથિત આઝાદ કાશ્મીરથી અલગ કરીને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને 1963માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો એક ટુકડો ચીનને આપી દીધો છે. આવી પરિસ્થિતિમાં કાશ્મીરમાં જનમત દ્વારા આઝાદીની વાત કરવી કેટલી યોગ્ય છે?

અણ્ણાના ભ્રષ્ટાચાર વિરોધી અને જનલોકપાલ બિલ માટેના આંદોલનમાં ભારતીય લોકશાહીની સામે, સંસદની સામે, રાજકારણીઓની સામે બેફામ નિવેદનો થયા છે. ભ્રષ્ટાચાર સામે લાચાર જનતાએ અણ્ણા હજારેમાં વિશ્વાસ મુક્યો છે. પરંતુ તેમને ત્યારે ખબર નહીં હોય કે ભારતમાતાના મુગટ એવા કાશ્મીરને જનમતના આધારે આઝાદ કરવાનું બેફામ અને બેશરમ નિવેદન અણ્ણાની ટોળકીને સરગના પ્રશાંત ભૂષણ કરશે. અણ્ણાની ટીમના અન્ય એક સભ્ય સ્વામી અગ્નિવેશે પણ કાશ્મીર સંદર્ભે બેફામ નિવેદનો કર્યા છે. તેઓ કાશ્મીરના અલગતાવાદીઓની સાથે મેળમિલાપ કરવા શ્રીનગરમાં ગયા હતા. ત્યારે તેમણે અમરનાથ યાત્રા પર નિવેદન કરતાં કહ્યું હતું કે અમરનાથનું શિવલિંગ માત્ર બરફનો ઢગલો છે. તેનો જવાબ તેમને અમદાવાદ ખાતે થપ્પડ દ્વારા મળ્યો હતો. બેફામ અને ઉશ્કેરણીજનક નિવેદનો કરનારાઓને કાયદા દ્વારા સજા ન મળે, તો જનતા ક્યાં સુધી ધીરજ રાખે? આક્રોશ પણ એક અભિવ્યક્તિ છે. આક્રોશની અભિવ્યક્તિ માટે હિંસા પણ એક માધ્યમ બની શકે છે, તેનો ખ્યાલ બેફામ, ઉશ્કેરણીજનક નિવેદન કરનારાઓને નહીં હોય? ફેસબુક પર અણ્ણાના આંદોલનને ટેકો મળ્યો હતો. તેને જોઈને અણ્ણાની ટોળકી ગદગદિત થતી હતી. પણ હવે ફેસબુક પર તેજિન્દરપાલ સિંહ બગ્ગાના ભગતસિંહ ક્રાંતિસેનાના પૃષ્ઠ પર પ્રશાંત ભૂષણને મારવાની ઘટનાની મોટા પ્રમાણમાં તરફેણ કરવામાં આવી છે. અણ્ણા અને તેમની ટોળકી માટે પણ આ ઘટનામાં ગર્ભિતાર્થ છે કે સાચા દેશહિતના મુદ્દાઓમાં લોકો સાથ આપશે, પણ દેશહિત વિરુદ્ધની દેશદ્રોહી પ્રકારની વાતને લોકો ક્યારેય ટેકો આપશે નહીં.

1 comment:

  1. Rastra-dharm sauthi mahatva no chhe. Rashtra surakshit to j anya pravruti sakya chhe.

    Raj-droh kyarey yogya nathi... bhale ne e karnar bhagvan hoy.

    ReplyDelete