Wednesday, October 19, 2011

પાકિસ્તાનના પાપે દ. એશિયામાં સ્થિતિ બેકાબૂ બનશે


-આનંદ શુક્લ

દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે. પાકિસ્તાનના તાબા હેઠળના ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની જૂથના તાલિબાની નેટવર્કને ખતમ કરવા માટે અમેરિકા દબાણની પરિસ્થિતિ બનાવી રહ્યું છે. ઉત્તરી વજીરીસ્તાનની અફઘાનિસ્તાન સાથેની સરહદ પર અમેરિકી સેનાનો ભારે જમાવડો છે. તેવી પરિસ્થિતિમાં ઉત્તરી વજીરીસ્તાન પર અમેરિકા સૈન્ય કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતાઓ દર્શાવાય રહી છે. અમેરિકાની સંભવિત કાર્યવાહી સામે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ અશફાક પરવેઝ કિયાનીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પર કોઈપણ કાર્યવાહી કરતાં પહેલા અમેરિકા દશ વખત વિચાર કરે. તેમણે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે હવે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે, પાકિસ્તાન ઈરાક અથવા અફઘાનિસ્તાન નથી. તો બીજા પક્ષે પાકિસ્તાનના સ્થાયી કૂટનીતિક સાથીદાર ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે પાકિસ્તાનને ટેકો જાહેર કર્યો છે. ચીનની આ સોગઠી એવા સમયે છે કે જ્યારે અમેરિકા પાકિસ્તાનને આતંકવાદના મુદ્દા પર ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

પાકિસ્તાનના એબટાબાદ ખાતે અલકાયદાના સરગના ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતારનારા અમેરિકી ઓપરેશન બાદ બંને દેશો વચ્ચે પહેલા જેવા કૂટનીતિક અને સામરીક સંબંધો રહ્યા નથી. અમેરિકાએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનો ઉત્તરી વજીરીસ્તાનથી અફઘાનિસ્તાનમાં તાલિબાની હકૂમત અને પ્રભાવ ફેલાવવા મથતાં હક્કાની જૂથ સાથે સંબંધ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. માનવામાં આવે છે કે 2014માં અમેરિકા અને નાટો સૈનિક અફઘાનિસ્તાનમાંથી નીકળી જશે, ત્યારે પાકિસ્તાન હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનિસ્તાનમાં પોતાના સામરીક હિતોને સાધશે. હક્કાની નેટવર્ક હાલ તાલિબાનોનું સૌથી મજબૂત જૂથ છે. તેથી સંભાવના છે કે હક્કાની નેટવર્ક વિદેશી દળોના અફઘાનિસ્તાન છોડયા પછી પ્રભાવમાં આવી શકે છે. અમેરિકાના પાકિસ્તાન પર હક્કાની નેટવર્ક સાથેના સંબંધોના આક્ષેપ બાદ પણ ચીન પાકિસ્તાનના બચાવમાં ઉતરી આવ્યું હતું. તેણે પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ લડાઈ લડનારો સૌથી મહત્વનો દેશ ગણાવ્યો હતો. હજી પણ ચીન પાકિસ્તાનને કૂટનીતિક સ્તરે મદદ કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનના વડાપ્રધાન હામિદ કરજાઈએ ભારત મુલાકાત વખતે બે સામરીક સમજૂતીઓ કરી હતી. તેના કારણે પણ પાકિસ્તાનના પેટમાં તેલ રેડયું છે. તેમાં એક સમજૂતી ભારતને અફઘાનિસ્તાનમાંથી તેલ અને અન્ય ખનીજ સંસાધનોના ઉત્ખનન માટેની પરવાનગી આપવાની અને બીજી સમજૂતી અફઘાનિસ્તાનની સેના અને પોલીસને તાલીમ આપવાની કરવામાં આવી છે. ભારત સાથે અફઘાનિસ્તાનની થયેલી સામરીક સમજૂતીઓથી પાકિસ્તાન વધારે નારાજ થયું છે. તેના કારણે આઈએસઆઈ અફઘાનિસ્તાનમાં ભારત વિરુદ્ધ પ્રવૃતિઓ તેજ કરે તેવી સંભાવના છે. ભૂતકાળમાં અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે ભારતીય દૂતાવાસ પર આઈએસઆઈના ઈશારે બે વખત આત્મઘાતી હુમલા થઈ ચુક્યા છે.

હવે હક્કાની જૂથના તાલિબાનો અમેરિકા અને નાટો સેનાને પણ નિશાન બનાવી રહ્યાં છે. તેમણે કાબુલમાં અમેરિકી દૂતાવાસમાં હુમલાની કાર્યવાહી પણ કરી છે. જેનાથી અમેરિકા સખત નારાજ છે. તેમણે પાકિસ્તાનને ચેતવણી પણ આપી છે કે તેઓ ઉત્તરી વજીરીસ્તાનમાં હક્કાની નેટવર્કની નશ્યત કરે. આમ ન કરવા પર અમેરિકાએ પાકિસ્તાનના વિસ્તારમાં સૈન્ય કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. જો કે ઓસામા બિન લાદેન સામેના ઓપરેશન બાદ પાકિસ્તાને પોતાની પહેલી પ્રતિક્રિયામાં તેને પાકિસ્તાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવી હતી. ત્યારથી જ પાકિસ્તાને અમેરિકાની તેના વિસ્તારમાં સંભવિત સૈન્ય કાર્યવાહી સામે કડક વલણ અપનાવ્યું છે. ત્યારે તેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન અમેરિકાને કોઈક જવાબ આપે, તેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ રહી છે. જનરલ કિયાનીએ અમેરિકાની સંભવિત કાર્યવાહીની શક્યતા જોઈને ટોપ કમાન્ડર્સ સાથે બેઠકો પર બેઠકો કરી છે.

ત્યારે પાકિસ્તાન દ્વારા અમેરિકાની સંભવિત સૈન્ય કાર્યવાહી બાદ થનારા છમકલાંથી દક્ષિણ એશિયામાં અરાજકતાની પરિસ્થિતિ વધારે વણશે તેવી સ્થિતિ સર્જાય શકે છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનના કટ્ટરપંથીઓ અમેરિકા વિરુદ્ધ વધુ ઉગ્ર હિંસક કાર્યવાહી પર ઉતરી આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. પાકિસ્તાની સેનાની અંદરના ચીન તરફી કટ્ટરપંથી તત્વો અમેરિકા પ્રત્યે દુર્ભાવનાઓ રાખી રહ્યાં છે. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધના યુદ્ધના નામે તાલિબાનો અને અલકાયદા સામે થયેલી તમામ કાર્યવાહીથી પાકિસ્તાની સેનાનું આ જૂથ અત્યંત નારાજ છે. ત્યારે ચીનને ખોળે ગયેલી પાકિસ્તાની સેના અમેરિકા સાથે ભીડાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો આવી પરિસ્થિતિ ઉભી થશે, તો અમેરિકા અને નાટો સેનાની 2014માં અફઘાનિસ્તાન છોડી દેવાની ટાઈમ લાઈન પાછી ઠેલાશે. આવી પરિસ્થિતિમાં અમેરિકા અને ભારત અફઘાનિસ્તાનમાં કોઈ નવા સમીકરણો પર કામ કરે તેવી પણ સંભાવનાઓ ઉભી થઈ શકે છે.

પાકિસ્તાનના અમેરિકા વિરોધી વલણના સ્થાયી બનવાથી અમેરિકાએ ભારત પર દારોમદાર રાખવો પડશે. વળી ભારતની સુરક્ષાની દ્રષ્ટિથી અફઘાનિસ્તાનની સ્થિતિ સુધરે તે વધારે ઈચ્છનીય છે. તેના કારણે ભારતે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધારવા માટે વ્યૂહાત્મક રીતે પણ પોતાની રણનીતિ આગળ વધારવી પડશે. અત્યારે અફઘાનિસ્તાનમાં નાટો અને અમેરિકી સેનાની ઉપસ્થિતિ ભારત માટે સામરીક દ્રષ્ટિએ ઘણી હકારાત્મક છે. પરંતુ પાકિસ્તાનની ઓસામા બિન લાદેન સામેની અમેરિકી કાર્યવાહીમાં પોલ ખુલી જતાં હવે તેના સામરીક હિતો જોખમાયા છે. ભવિષ્યમાં હક્કાની નેટવર્ક સામે અમેરિકા ઓસામા બિન લાદેન જેવું કોઈ ઓપરેશન કરવાની હિંમત દાખવે છે કે નહીં, તેના પર દક્ષિણ એશિયાની આગળની પરિસ્થિતિનો આધાર છે. પાકિસ્તાનને ઔપચારીક રીતે આતંકવાદી રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું નથી. પરંતુ અમેરિકા અને નાટો દળોનું પાકિસ્તાન પ્રત્યે વલણ આતંકવાદી દેશ સામેના વલણ જેવું જ છે. ત્યારે સવાલ એ છે કે દક્ષિણ એશિયાની વણસી રહેલી પરિસ્થિતિમાં ભારતે કેવી તૈયારી કરવી? ચીનને ખોળે બેઠેલા પાકિસ્તાન દ્વારા હક્કાની નેટવર્કને બચાવવા માટે અમેરિકા સામેના સંભવિત ઉબાડિયાથી ઉભી થનારી પરિસ્થિતિમાં ભારતે કેવી ભૂમિકા નીભાવવી જોઈએ?

No comments:

Post a Comment