બુધવાર, 27 મે, 2026

Death of Akbar: વફાદાર રાજા માનસિંહને મારવાના ચક્કરમાં શહેનશાહ અકબરે જીવ ખોયો!

 

આનંદ શુક્લ : મુઘલ સલ્તનત (Mughal Saltanat) ને ભારતમાં સ્થિર કરવાનું કામ કરનારા શહેનશાહ અકબરે (Akbar) દિલ્હી (Delhi) થી લગભગ અડધી સદી દેશનું શાસન ચલાવ્યું હતું. તેનું મૃત્યુ 27 ઓક્ટોબર, 1605ના રોજ આગ્રા ખાતે થયું હતું. અકબર (Akbar)  ના મૃત્યુને લઈને ઘણી થિયરીઓ અને ઘટનાક્રમોના વર્ણનો ઈતિહાસના પુસ્તકોમાં મળે છે.

 

અકબર (Akbar) ના મૃત્યુને લઈને દાવાઓ

 

સૌથી વધારે પ્રચલિત માન્યતા મુજબ, અકબરનું મૃત્યુ તેના સ્વાસ્થ્ય સંબંધિત કુદરતી કારણોથી થયું હતું. પોતાના મૃત્યુના થોડા સમયગાળા પહેલા જ અકબર (Akbar) નું સ્વાસ્થ્ય કથળતું ગયું. અકબરને પેચિશ અને વારંવાર તાવ સહીતની ગંભીર બીમારીઓ થઈ હતી. જેના કારણે તે મોતને ભેંટયો હતો.

 

એક અન્ય દાવા મુજબ, અકબર (Akbar)  વધારે દારૂ પીતો હોવાના કારણે તેનું મોત નીપજ્યું હોવાની સંભાવના છે. ઐતિહાસિક વૃતાંતો પ્રમાણે, અકબરને પાછળના વર્ષોમાં દારૂની ટેવ પડી હતી.

 

એક અન્ય દાવા મુજબ, અકબર (Akbar)  ને હેમલૉક ઝેર આપવામાં આવ્યું હતું. હેમલૉક  એક ખૂબ જ ઝેરી છોડ છે જેનાથી મૃત્યુ થઈ શકે છે. આ દાવાની પુષ્ટિ માટે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી, પણ તેને લઈને અટકળબાજીઓ થતી રહી છે. ફાધર મોનસેરેટ જેવા યૂરોપિયન પ્રવાસીઓના વર્ણનમાં સંભાવના વ્યક્ત કરાઈ છે કે અકબરને કોઈ દરબારી કે પ્રતિસ્પર્ધી દ્વારા ઝેર આપવામાં આવ્યું હોય અને તેનાથી તેનું મૃત્યુ થયું હોવાની સંભાવના છે.

 

અકબરના બે દીકરા દાનિયાલ (Daniyal) અને મુરાદ (Murad) ના બેફામ દારુ પીવાને કારણે નાની વયે મોત નીપજ્યા હતા. તેનો ત્રીજો પુત્ર સલીમ (Salim) પણ દારૂડિયો હતો અને તેણે પિતા અકબરની સામે વિદ્રોહ કર્યો હતો. બાપ-દીકરાને બનતું નહીં હોવાથી બંને વચ્ચે અકબરની માતા હમીદાબાનો (Hamida Bano) અને ફોઈ ગુલબદને (Gul Badan) સુલેહ કરાવી હતી. અકબરની માતાનું 29 ઓગસ્ટ, 1604ના રોજ નિધન થયું અને તેના બીજા વર્ષે 22 સપ્ટેમ્બર, 1605મા અકબરની પેટ દર્દને કારણે તબિયત બગડી અને તેના 10 દિવસની અંદર તેને તાવ આવ્યો હતો. અકબર પુત્ર સલીમના સ્થાને પોતાના પુત્ર ખુસરોને વારસદાર બનાવવા માંગતો હતો. તેવી વાત વહેતી થઈ હતી.

 

રાજા માનસિંહ (Raja Mansingh) ને મારવાના ચક્કરમાં અકબરે મોત વ્હોર્યું

 

પણ એક થિયરી એવી છે કે જેમાં અકબરની પોતાના વફાદાર સાથીઓનો વિશ્વાસઘાત કરવાની વૃત્તિ તેના મોત માટે જવાબદાર હોવાનો દાવો કર છે. અકબરના સામ્રાજ્યને વિસ્તારવામાં સૌથી મોટી ભૂમિકા જયપુરના કછવાહ વંશના રાજા માનસિંહની હતી. હલ્દીઘાટીથી માંડીને અફઘાનિસ્તાન, બંગાળ-બિહાર સુધીના યુદ્ધો રાજા માનસિંહે  (Raja Mansingh) મુઘલ સેનાને જીતાડયા હતા. Tabakati Akbari From The History of India, Vol.- V ના પૃષ્ઠ ક્રમાંક - 399ને ટાંકીને 'भारत में इस्लाम' પુસ્તકમાં ડૉ. વિશ્વમ્ભરનાથ ગુપ્તે (પરિવર્ધિત આવૃત્તિ- ઓગસ્ટ, 1993, વારાણસી પ્રકાશન)ના પૃષ્ઠ ક્રમાંક - 216 પર જણાવ્યું છે કે, નિજામુદ્દીને આનો સ્વીકાર કરતા હલ્દી ઘાટીના યુદ્ધ સંદર્ભે લખ્યું છે કે બદાયૂંની, જે યુદ્ધમાં ખુદ હાજર હતો, તેણે આનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. મોટી મુશ્કેલીથી શાહી સેના કોઈપણ પ્રકારે જીતી શકી, પરંતુ આ જીત માટે પણ તે દરેક યુદ્ધની જેમ આ યુદ્ધમાં પણ હિંદુ સેનાનો ઘણો ઋણી હતો.

 

એવું પણ કહેવાય છે કે મુઘલ સલ્તનતમાં સત્તાના સર્વોચ્ચ શિખર પર અકબર હતો, પણ રાજા માનસિંહ (Raja Mansingh) એટલા શક્તિશાળી બની ગયા હતા કે અકબરને તેનાથી ડર પણ લાગવા લાગ્યો હતો. અકબરનું સામ્રાજ્ય મજબૂત થઈ ગયું અને જ્યારે તેની ચારે તરફથી સ્થિતિ દ્રઢ થઈ ગઈ, ત્યારે તેણે રાજા માનસિંહને જ ખતમ કરવાની કોશિશો શરૂ કરી હતી. પહેલા રાજા માનસિંહને અફઘાનિસ્તાન જેવા પડકારજનક ક્ષેત્રમાં મોકલ્યા. ત્યાં રાજા માનસિંહ (Raja Mansingh) જીતી ગયા અને મુઘલ સામ્રાજ્યને ત્યાં સ્થિર કર્યું.

 

અકબરનો પુત્ર સલીમ કે જે રાજપૂત માતાની કૂખે જન્મ્યો હતો, તેણે વિદ્રોહ કર્યો હતો. સલીમના માતા રાજા માનસિંહ (Raja Mansingh) ના બહેન હોવાના ઈતિહાસને ટાંકતા કેટલાક ઉલ્લેખોના દાવા થાય છે. આવા સંજોગોમાં સલીમને રાજા માનસિંહ મદદ કરે કે રાજા માનસિંહ ખુદ મુઘલ સલ્તનત પર કબજો કરે તેવી શક્યતાઓ અકબરને દેખાઈ હશે.

 

તેથી અકબરે પોતાના સૌથી વધુ શક્તિશાળી અને વિશ્વાસુ સેનાપતિ રાજા માનસિંહ (Raja Mansingh) ને ખતમકરવાની કોશિશ કરી હતી. તેણે માન સિંહને ઝેરનો લાડું ખવડાવવાની કોશિશ કરી હતી, પરંતુ આ લાડું ખુદ અકબર જ ભૂલથી ખાઈ ગયો અને ખુદ પોતાની કરણીથી મર્યો. જેમ્સ ટોડ (James Tod) ની Annals and Antiquities of Tajasthan ના પૃષ્ઠ ક્રમાંક- 279ને ટાંકીને 'भारत में इस्लाम' પુસ્તકમાં ડૉ. વિશ્વમ્ભરનાથ ગુપ્તે (પરિવર્ધિત આવૃત્તિ- ઓગસ્ટ, 1993, વારાણસી પ્રકાશન)ના પૃષ્ઠ ક્રમાંક - 217, 218 પર વર્ણવવામાં આવ્યું છે કે આનું વર્ણન કરતા જેમ્સ ટૉડે લખ્યું- અમ્બરના મહાન રાજા માનસિંહ, જેના અકબર ઘણો ઋણી હતો, તેનાથી છૂટકારો મેળવવાની નિયતથી અકબર એક હત્યારાના અધમ સ્તર સુધી ઉતરી ગયો. તેણે માજૂમ (મિઠાઈ) તૈયાર કરાવી જેના એક ભાગમાં ઝેર ભેળવી દીધું હતું, પરંતુ આ ઝેરવાળો ભાગ અકબરના જ ભાગમાં આવ્યો અને તે ઝેરવાળો ભાગ ખાઈને ખુદ અકબર જ મરી ગયો.

 

જો કે અકબરના મૃત્યુના દિવસે 27 ઓક્ટોબર, 1605ના રોજ બીમાર અકબરના કક્ષમાં સલીમ પહોંચ્યો. ત્યારે તેણે ઈશારો કરીને સલીમને પોતાનો તાજ અને શાહી કપડા પહેરવા જણાવ્યું. બાબર (Babar) ની તલવાર જે અકબરની કમરે લટકતી હતી, તે તલવાર હવે સલીમ (Salim) ની કમરે લટકી રહી હતી.  સલીમનું માથું અકબરના પગમાં ઝુકેલું હતું. બીજી તરફ દરબારીઓ સલીમની સામે માથું ઝુકાવી રહ્યા હતા. આ જોઈને અકબરે હંમેશા માટે પોતાની આંખો બંધ કરી લીધી. સલીમે જહાંગીરના નામથી મુઘલ સલ્તનતની સત્તાના સૂત્રો શહેનશાહ તરીકે પોતાને હસ્તગત કર્યા.

 

અકબરના મૃત્યુ બાદ આગ્રાની નજીક સિકંદરા (Sikandara) માં તેની દફનવિધિ કરવામાં આવી. સલીમ જહાંગીરે (Jahangeer) અકબરનો મકબરો પૂર્ણ કરાવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો