આનંદ શુક્લ : મુસ્લિમ લીગના અધ્યક્ષ મુહમ્મદ અલી જિન્નાહ સાથે હિંદુ-મુસ્લિમ એકતાને લઈને ફોરવર્ડ બ્લોકના અધ્યક્ષની રુએ નેતાજી સુભાષચંદ્ર બોઝે વાતચીત કરી હતી. પણ જિન્નાહે આ મુદ્દે હિંદુ પ્રતિનિધિ તરીકે હિંદુ મહાસભાના અધ્યક્ષ વિનાયક દામોદર સાવરકર સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 26 ફેબ્રુઆરી, 1966ના રોજ સાવરકરે આત્માર્પણ કરીને દેહત્યાગ કર્યો હતો. ત્યારે તેમની પુણ્યતિથિ તરીકે તેમના એવા સંસ્મરણો યાદ કરવા છે કે જેમાં ભારતની આઝાદીના એક સ્વર્ણિમ પ્રકરણે આકાર લીધો હતો.
તેના પછી 22 જૂન, 1940ના રોજ મુંબઈમાં સાવરકર સદન ખાતે સાવરકર અને નેતાજી વચ્ચે ફોરવર્ડ બ્લોક અને હિંદુ મહાસભા વચ્ચે સહયોગની સંભાવનાઓ શોધવા માટે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિન્નાહ સાથેની પોતાની મુલાકાતની સુભાષચંદ્ર બોઝે વાત કરી હતી. પણ સાવરકરજીએ દેશની તત્કાલિન પરિસ્થિતિ પ્રમાણે સુભાષચંદ્ર બોઝ સાથે જે વાત કરી, તેનાથી ભારત સ્વતંત્રતા માટેની લડતમાં આઝાદ હિંદ ફોજ નામનું એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું હતું.
તે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને સાવરકરે દેશમાં હિંદુઓના સૈનિકીકરણ અને રાજકારણના હિંદુકરણની હાકલ કરી હતી. આનો ઉદેશ્ય નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથેની વાતચીતમાં સમજાવાનો હતો.
સાવરકરની સુભાષબાબુને સૈનિકીકરણની હાકલનો ઉદેશ્ય સમજાવ્યો
સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 718, 719 પર સાવરકરે ખુદ વર્ણવ્યો છે. તેના પ્રમાણે, સાવરકરે સુભાષબાબુને સીધું જ કહ્યુ કે આ બધું છોડો. મને એટલું જણાવો કે હાલ મહાયુદ્ધના સંકટમાં હિંદુસ્થાનમાં રહીને હાલવેલના પુતળા કોલકત્તાના માર્ગમાંથી ઉખાડવાના આંદોલન જેવા સરખામણીએ તુચ્છ આંદોલનને કારણે બ્રિટિશરોની જેલમાં સડતા રહેવાનો કોઈ અર્થ છે ભલા?
સ્વભાવથી ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝે કંઈક નિરાશાના સ્વરમાં કહ્યુ જનતામાં કંઈપણ કરતા રહીને બ્રિટિશરોના વિરોધમાં આગ સળગતી રાખવી પડશે. નહીંતર શું કરવામાં આવે?
સાવરકરે વધુ સ્પષ્ટતાથી પ્રશ્ન કર્યો કે તમારી આસ્થા હું સમજી શકું છું. પરંતુ હું ફરીથી આપને પુછી રહ્યો છું કે ગવર્નર જનરલ સાથે આ સત્તાધારી હજારો બ્રિટિશ અત્યાચારી હિંદુસ્થાન પર રાજ કરે છે, હાલવેલ જેવા મૃત બ્રિટિશ પરપીડકની મૂર્તિઓને સ્થાનાંતરિત કરવામાં જેનો વ્યય થાય છે તે પણ શું નિરર્થક નથી?
ખુદના સ્થાને દુશ્મનને જેલમાં કેદ કરાવતી રાજનીતિને વાસ્તવિક રાજનીતિ ગણાવીને સાવરકરે સુભાષબાબુ સાથે વાતચીત ચાલુ રાખી. તેમણે સુભાષચંદ્ર બોઝને પુછયું પણ ખરું કે તમે સશસ્ત્ર ક્રાંતિ કાર્યોમાં સક્રિય નથી તે સાચું પણ તેમની સાથે સંબંધ રાખો છો. તમે ગુપ્તતા રાખી શકો છો. સુભાષબાબુ જ્યારે કૉંગ્રેસના અધ્યક્ષ હતા, ત્યારે પણ સાવરકર સાથે તેમની એક ગુપ્ત મુલાકાત થઈ હતી. સાવરકરે તેને યાદ કરીને કહ્યુ કે એટલા જ વિશ્વાસ સાથે અને તે સૂત્રને પકડીને અનુરોધ કરવા માંગુ છું કે આજકાલ બ્રિટિશ હિંદી સેનામાં વધુમાં વધુ હિંદુઓની ભરતી કરવા માટે હિંદુ મહાસભાની ઢાલની નીચે મેં જે સૈનિકીકરણના ભારતવ્યાપી તથા હવે મોટાભાગે સફળતાના પગ ચુમી રહેલું આંદોલન છેડયું છે, તે મૂળભૂત રીતે ક્રાંતિકારી આંદોલન છે.
હિંદુઓના સૈનિકીકરણના આંદોલનની સામે ચાલતા પ્રચારનો ઉલ્લેખ કરીને સાવરકરે કહ્યુ કે તમે વિચાર્યું કે આ આંદોલન દ્વારા હું પણ કૉંગ્રેસના નરમ પક્ષના અન્ય નેતાઓની જેમ બ્રિટિશરોની માનવ બળથી મદદ કરી રહ્યો છું. તેમણે સુભાષબાબુને હકીકત જણાવતા પ્રથમ વિશ્વયુદ્ધમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓની જર્મની સાથેની સંધિ અને બ્રિટિશ હિંદી સેનાના જર્મનીના હાથમાં લાગેલા હિંદી સૈનિકોની મદદથી ક્રાંતિસેના ઉભી કરવાની જાણકારી આપી હતી. રાસબિહારી બોઝે મોકલેલા તાજા પત્રની ચર્ચા કરીને કહ્યુ કે આ વર્ષની અંદર જાપાન યુદ્ધની ઘોષણા કરશે. જો આમ થશે તો પોતાના દેશની સ્વાધીનતા માટે જર્મની, જાપાનના અત્યાધુનિક શસ્ત્રો સાથે તથા લડાઈમાં યુદ્ધકેદી બનેલા હજારો હિંદી સૈનિકો સાથે આ આક્રમણ કરવાનો સુવર્ણ અવસર, જે આ સુધી ક્યારેય મળ્યો નથી તે હવે સાધ્ય થશે.
સાવરકરે નેતાજીને ભારતની બહાર જઈને લડવા માટે પ્રેરિત કર્યા
સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક- 718, 719ના વર્ણન મુજબ, સાવરકરે નેતાજીને સ્પષ્ટ શબ્દોમાં દેશમાં ચાલતા આંદોલનથી ખુદને બળપૂર્વક દૂર રાખીને જેલમાં જવાથી બચવાની સીધી સલાહ આપી હતી. તેની પાછળનું કારણ એ હતું કે ત્યારે કૉંગ્રેસના અહિંસાવાદી આંદોલનને કારણે તેમની તુલનામાં બ્રિટિશ પ્રશાસન સૌથી પહેલા ઉગ્રપંથી કે ક્રાંતિકારી નેતાઓને જેલમાં નાખવાની ફિરાકમાં હતું. આવા સમયે રાસબિહારી બોઝ જેવા ઘણાં સશસ્ત્ર ક્રાંતિકારી નેતા અંગ્રેજોને ઝાંસો આપીને જાપાન, જર્મની જેવા દેશોમાં પહોંચી ગયા હતા. સાવરકરે સુભાષચંદ્ર બોઝને સલાહ આપી હતી કે તેઓ જર્મની, ઈટાલી જેવા દેશોના હાથમાં આવેલા હજારો હિંદી સૈનિકોના નેતા બને અને હિંદુસ્થાની સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરે. જો જાપાન યુદ્ધમાં કૂદે તો બંગાળની ખાડી કે બ્રહ્મદેશમાંથી હિંદુસ્થાનની બ્રિટિશ સત્તા પર બહારથી હુમલો કરે.
સાવરકરનું સ્પષ્ટપણે માનવું હતું કે કેટલાક સશસ્ત્ર તથા સાહસી પરાક્રમ વગર હિંદુસ્થાનની સ્વતંત્રતા સાકાર બની નહીં શકે. સાવરકરે સુભાષચંદ્ર બોઝને સંબોધીને વાતચીત દરમિયાન કહ્યુ કે આવું પરાક્રમ અને સાહસ કરવા માટે જે બે-ત્રણ લોકો આજે મને સમર્થ દેખાઈ રહ્યા છે, તેમાં એક તમે છો. જેમાં મારી દ્રષ્ટિ તમારી ઉપર જ છે.
સાવરકરે બોલવાનું બંધ કર્યું અને સુભાષબાબુ માથું નીચે રાખીને નિશબ્દતાથી કોઈક વિચારોમાં ખોવાઈને નીચે સ્થિર નજરે જોઈ રહ્યા હતા. આ જોઈને સાવરકરે સુભાષબાબુના My Strange illness શીર્ષક હેઠળ લખાયેલા લેખની ચર્ચા વિષયાંતર માટે શરૂ કરી. પરંતુ સુભાષબાબુએ ખુદ સાવરકરને કહ્યુ કે હવે હું પહેલા કોલકત્તા જઈને જોવું છે, ત્યાં શું થાય છે, પછી હું મારો આગળનો કાર્યક્રમ નિશ્ચિત કરીશ. આ તરફ આવીશ તો તમારા દર્શન જરૂરથી કરીશ. આ મામલે બાદમાં સાવરકરે વધુ સ્પષ્ટીકરણને લગતા સવાલો કરવાનું ટાળ્યું હતું.
કોલકત્તામાં નેતાજીની ધરપકડ અને તેમનું વિદેશ ગમન
સુભાષબાબુ કોલક્ત્તા પહોંચ્યા તો તેમને પુતળા કાંડમાં અંગ્રેજોએ બંદી બનાવીને જેલમાં નાખ્યા. પરંતુ સાવરકર સાથેની મુલાકાત બાદ સુભાષબાબુએ પોતાનું સંપૂર્ણ ધ્યાન જેલમાંથી કોઈપણ ભોગે છૂટીને જર્મની, જાપાન તરફ જવાના પ્રયાસો પર કેન્દ્રીત કર્યું. તેઓએ જેલમાં અન્નનો ત્યાગ પણ કર્યો અને સશર્તી છૂટકારો મેળવીને ફરીથી જેલમાં આવવાની ઘડી પહેલા જ ખૂબ સાહસ અને હિંમત સાથે કુશળતાપૂર્વક બ્રિટિશરોને ઝાંસો આપીને તેઓ હિંદુસ્થાનથી બહાર ચાલ્યા ગયા.
નેતાજી દ્વારા આઝાદ હિંદ ફોજની સ્થાપના
જર્મની પહોંચીને નેતાજીએ ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આઝાદ હિંદ રેડિયોની સ્થાપના કરી . તેમની જર્મનીના ચાન્સેલર હિટલર સાતથે મુલાકાત થઈ. નેતાજી ભારતની સ્વતંત્રતા માટે દુનિયાભરની મદદ ઈચ્છતા હતા. હિટલરે એક સીમા સુધી નેતાજીની મદદ પણ કરી. હિટલર સુભાષબાબુથી ઘણો પ્રભાવિત થયો હતો. જર્મનીથી નેતાજી સબમરીન દ્વારા સિંગાપુર પહોંચ્યા. સિંગાપુરમાં 21 ઓક્ટોબર, 1943ના રોજ વેફથે નામના હોલમાં દેશભક્ત રાસબિહારી બોઝના માર્ગદર્શનમાં સુભાષચંદ્ર બોઝે આર્ઝી હુકૂમતે આઝાદ હિંદ એટલે કે સ્વાધીન ભારતની વચગાળાની સરકારની રચના કરી. આ સરકારને જાપાન, ઈટાલી, જર્મની, રશિયા, બર્મા, થાઈલેન્ડ, ફિલિપિન્સ, મલેશિયા સહીતના 9 દેશોએ માન્યતા આપી. આઝાદ હિંદ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રીના પદની શપથ લેતા સુભાષચંદ્ર બોઝે કહ્યુ કે હું મારા આખરી શ્વાસ સુધી સ્વતંત્રતા યજ્ઞને પ્રજ્વલિત કરતો રહીશ.
ઘણાં લોકોને જાણકારી નથી, પણરાસબિહારી બોજ જાપાનમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ હતા. જાપાનમાં હિંદુ મહાસભાની સ્થાપના રાસબિહારી બોઝ અને સાવરકરને કારણે થઈ હતી. જાપાનની યુદ્ધની ઘોષણા અને નેતાજી દ્વારા સિંગાપુર પહોંચવા સુધી બંને નેતાઓ વચ્ચે પત્રાચાર ચાલુ હતો.
"તમે મને લોહી આપો, હું આઝાદી આપીશ"
નેતાજીએ પૂર્વ એશિયા અને જાપાન પહોંચીને આઝાદ હિંદ ફોજના વિસ્તારનું કામ શરૂ કર્યું. રંગૂનના જુબલી હોલમાં સુભાષચંદ્ર બોઝે પોતાના ભાષણમાં કહ્યુ કે સ્વતંત્રતા સંગ્રામના મારા સાથીદારો, સ્વતંત્રતા બિલદાન ચાહે છે. તમે આઝાદી માટે ઘણો ત્યાગ કર્યો છે, પરંતુ હજી પ્રાણોની આહુતિ આપવાની બાકી છે. આઝાદીને આજે પોતાના શીશ ફૂલની જેમ ચઢાવનારા પૂજારીઓની આશ્યકતા છે, જે પોતાનું માથું કાપીને સ્વાધીનતાના દેવીને ભેંટ ચઢાવી શકે. તમે મને ખૂન આપો, હું તમને આઝાદી આપીશ. લોહી પણ એક-બે ટીપા નહીં, પરંતુ એટલું કે લોહીનો એક મહાસાગર તૈયાર થઈ જાય અને તેમાં બ્રિટિશ સામ્રાજ્યને ડૂબાડી શકું.
સાવરકરની સૈનિકીકરણની હાકલની પ્રશંસા
સુભાષબાબુએ 50-60 હજાર સૈનિકોની આઝાદ હિંદ ફોજ ઉભી કરી હતી. પૂર્વ બ્રિટિશ સેનામાં હજારો હિંદુ સૈનિકોની ભરતી કરવાના સાવરકરના સૈનિકીકરણના આંદોલનને કારણે આ શક્ય બન્યું હતું. સાવરકર સમગ્ર- સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકર, વોલ્યૂમ-8, સંસ્કરણ-2014, પ્રભાત પ્રકાશનના પૃષ્ઠ ક્રમાંક-721ના વર્ણન મુજબ, સિંગાપુરમાં આઝાદ હિંદ આકાશવાણી પર 25 જૂન, 1944ના દિવસે પોતાના ભાષણમાં સુભાષબાબુએ આનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસના મોટાભાગના અદૂરદર્શી નેતા બ્રિટિશ હિંદી સેનાને માત્ર ભાડાના ટટ્ટૂ અને પેટ ભરનારા ગણાવીને આવતા-જતાં નિંદા કરતા હતા, તેમ છતાં ઉત્સાહજનક વાત એ કે વીર સાવરકર નિર્ભયતાપૂર્વક હિંદી યુવકોને સશસ્ત્ર સેનામાં પ્રવેશ કરવા માટે સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે. બ્રિટિશ હિંદી સેનામાં પ્રવેશેલા આ હિંદી યુવકોથી આજે અમારી હિંદી રાષ્ટ્રીય સેનાને, I.N.A. ને, સમરકાળમાં પારંગત અને પ્રશિક્ષિત માણસો તથા સૈનિકોની ભરતી થઈ રહી છે.
6 જુલાઈ, 1944ના રોજ આઝાદ હિંદ રેડિયો પર પોતાા ભાષણમાં ગાંધીજીને સૌથી પહેલીવાર રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કરીને આઝાદ હિંદ ફોજની સ્થાપનાના ઉદેશ્યની વાત કરતા યુદ્ધમાં તેમના આશિર્વાદ પણ માંગ્યા હતા. ભારતની આઝાદીની લડાઈમાં આઝાદ હિંદ ફોજના બલિદાનોની પણ એક મોટી ભૂમિકા છે. જેના કારણે અંગ્રેજ સેનામાં સ્વતંત્રતા આંદોલનને લઈને હિંદી સૈનિકોમાં મોટી હલચલ જોવા મળી હતી. આઝાદ હિંદ ફોજની સ્વતંત્રતા આંદોલનમાં ભૂમિકા પર પણ ઘણાં મોટા સંશોધનની હવે દેશને જરૂર છે. જેથી દેશને ખબર પડે કે આપણી 'આઝાદી બિના ખડગ બિના ઢાલ' નહીં, પણ હજારો બલિદાનોના કારણે મળી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો