આનંદ શુક્લ: ભારત (India) પ્રાચીનકાળમાં ઘણાં નામોથી ઓળખાતું હતું. ઈરાની (Irani) ઓએ 'સ' નો ઉચ્ચાર 'હ' કરવાને કારણે સિંધુ (Sindhu) નદીને પાર રહેતા તમામ લોકોને હિંદુ (Hindu) ગણાવ્યા હતા. હિંદુ ત્યારે રાષ્ટ્રવાચક શબ્દ તરીકે વાપરવામાં આવતો હતો. આમ ફારસી (Farasi) ભાષી ઈરાનીઓએ હિંદુ ઓળખને રાષ્ટ્રવાચક રાખી હતી. પરંતુ ઈસ્લામના ફેલાવા બાદ આવતા આરબ વ્યાપારીઓ અને મુસ્લિમ (Muslim) આક્રમણખોરો માટે ભારતમાં પેદા થયેલા ધર્મોના તમામ અનુયાયીઓ તેમની પૂજાપદ્ધતિને કારણે હિંદુ હતા. હિંદુ ઓળખ એ વિધર્મીઓ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક ઓળખ છે. આ વિધર્મીઓએ ખુદને હિંદુ ઓળખમાં છઠ્ઠી સદીથી ક્યારેય સામેલ કર્યા નથી. કેટલાક અપવાદરુપ લોકો અને સંગઠનો અવશ્ય છે. પણ તે ખૂબ જૂજ છે.
હિંદુ (Hindu) શબ્દ અને ઓળખનો મામલો
રાષ્ટ્રગીત (National Song) વંદેમાતરમ (Vande Mataram) ના રચિયતા અને આનંદમઠ (Anand Math) નવલકથાના લેખક બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે (Bankim Chandra Chatopadhyay) હિંદુ શબ્દ પર કહ્યુ હતુ કે હિંદુ શબ્દ મ્લેચ્છોનો આપેલો છે, જેનાથી તેઓ ભારતના સનાતન ધર્મીઓનો ઉલ્લેખ કરે છે. જો કે હવે આ શબ્દ આપણી ઓળખ સાથે જોડાઈ ચુક્યો છે.
હિંદુ શબ્દ અને તેની સાથે જોડાયેલી ઓળખને લઈને સદીઓથી ભારતમાં સંઘર્ષ છે. આ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ. 1947માં ભારતનું વિભાજન (Partition of India) પણ મજહબના આધારે થયું હોવાના તથ્યને કોઈ ખોટું પાડી શકે તેમ નથી. પણ હવે એક નવી ચર્ચા શરૂ થઈ છે અને આ ચર્ચા શરૂ કરવામાં આવી છે હિંદુ સમાજને એક કરવાનું બીડું લઈને 1925થી 100 વર્ષનું તપ કરનારા તપસ્વી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત (Mohan Bhagwat) દ્વારા.
રા. સ્વ. સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવતે (Mohan Bhagwat) એક કરતા વધારે વખત કહ્યુ છે કે ભારતમાં કોઈ અહિંદુ નથી, કારણ કે તમામ એક જ પૂર્વજોના વંશજ છે અને દેશની મૂળ સંસ્કૃતિ હિંદુ છે. અહીંના તમામ મુસ્લિમ અને ખ્રિસ્તીઓ પણ એક જ પૂર્વજોના વંશજ છે, પરંતુ તેમને આ ખબર નથી કે તેમને આ ભૂલવાડી દેવાયું છે.
આરએસએસ (RSS) ના સરસંઘચાલક મોહનરાવ ભાગવત કહે છે કે હિંદુ (Hindu) જ ભારત માટે ઉત્તરદાયી છે. આ સાચું પણ છે.
RSSના સંસ્થાપક ડૉ. હેડગેવાર (Dr. Hedgewar) નું સ્મરણ
1925માં વિજયાદશમીના દિવસે દ્રઢનિશ્ચયી અને સ્પષ્ટ દિશાદર્શન ધરાવતા ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારે (Dr. Keshavrao Baliram Hedgewar) હિંદુ સમાજને એક કરવાના એકમાત્ર ઉદેશ્યથી વ્યક્તિત્વ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી. ખૂબ નાના સ્તરે થયેલી આ શરૂઆત 100 વર્ષના તપના કારણે વિરાટ વટવૃક્ષ બની ચુકી છે. ડૉ. હેડગેવારે સ્વતંત્રતા પહેલા જ ઉદ્ઘોષણા કરી હતી કે ભારત હિંદુ રાષ્ટ્ર (Hindu Rashtra) છે. તેમના મનમાં હિંદુ શબ્દ અને તેની ઓળખને લઈને સ્પષ્ટતા હતી. રાષ્ટ્રીયતા અને અરાષ્ટ્રીયતાને લઈને તાત્ત્વિક તફાવતથી પણ તેઓ અવગત હતા.
આ પરંપરાનું સિંચન કરીને જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. પણ તાજેતરના વર્ષોમાં રા. સ્વ. સંઘના સરસંઘાચલક મોહનરાવ ભાગવત દ્વારા શરૂ કરવામાં આવેલી ચર્ચા પર પણ હિંદુઓએ સંઘના વર્તુળની બહાર સામુહિક ચિંતન કરવાની જરૂર છે.
જો ભારતમાં કોઈ અહિંદુ નથી, તો.....
જો હિંદુ અને મુસ્લિમોના પૂર્વજ એક છે અને ભારતમાં કોઈ અહિંદુ નથી, તો અખંડ ભારતના ભાગ એવા પાકિસ્તાન અને બાંગ્લાદેશના પણ તમામ લોકો હિંદુ જ ગણાય કે નહીં? 14 ઓગસ્ટ, 1947ના ભાગલા પછી અસ્તિત્વમાં આવેલા પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન પહેલા આ ત્રણેય ભૂભાગ સહસ્ત્રાબ્દિઓથી ભારત જ હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો સંસ્કૃતિ, ભાષા, ઈતિહાસ અને માનસિકતાની દ્રષ્ટિએ એ જ છે જે તેઓ 80 વર્ષ પહેલા હતા. શું આ પાડોશી દેશ તરીકે અસ્તિત્વમાં આવેલા ક્ષેત્રમાં પાકિસ્તાનમાં 98 ટકા મુસ્લિમો છે અને બાંગ્લાદેશમાં 91 ટકા જેટલા મુસ્લિમ છે. પણ શું તેઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે?
પાડોશી દેશોની વાત જવા દો, ભારતમાં પણ 14 ટકાથી વધુ એટલે કે અંદાજે 20થી 23 કરોડ મુસ્લિમો છે. પણ તેમાં પોતાને હિંદુ ગણાવતા મુસ્લિમોની સંખ્યા કેટલી છે? શું ભારતમાં કોઈ અહિંદુ નથી તેમ કહેવું સાચું અને પ્રાસંગિક હોય, તો તો દાઉદ ઈબ્રાહીમ પણ હિંદુ છે, અસદુદ્દીન ઓવૈસી પણ હિંદુ છે, પરવેઝ મુશર્રફ પણ હિંદુ છે અને મોહમ્મદ યૂનુસ પણ હિંદુ છે. ભારત તોડનાર મોહમ્મદ અલી ઝીણા પણ તો તો હિંદુ જ ગણાય કે નહીં?
પણ આ સાચું હોય તો ભાગલા વખતે પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાંથી જેમને નિરાશ્રિત કરવામાં આવ્યા હતા, તેઓ કોણ હતા અને જેમણે તેમના પર અત્યાચાર કર્યા તેઓ કોણ છે? 1989-90માં કાશ્મીરમાંથી જેમનું વિસ્થાપન થયું, તેઓ કોણ હતા અને જેમણે વિસ્થાપન કરાવ્યું તેઓ કોણ હતા?
અખંડ ભારતની વાત આખો અલગ વિષય છે. પણ પ્રવર્તમાન ભારતીય પ્રજાસત્તાક રાજ્યની વાત કરીએ, તો અહીં તાજેતરમાં જ ગંગોત્રીમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. આવા અન્ય પણ કેટલાક ધર્મસ્થાનો છે. જો ભારત કોઈ અહિંદુ નથી, તો આવી રોક કોને અનુલક્ષીને રાજ્ય વ્યવસ્થાએ લગાવી છે?
ભારતમાં એક મોટો મુદ્દો લવજેહાદનો ચાલી રહ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત કરીને લવજેહાદ અટકાવવાની વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. આ ઘણું આવકાર્ય પગલું છે. પણ ભારતમાં કોઈ અહિંદુ નથી, તો ઓળખ છૂપાવીને યુવતીને છેતરીને તેની સાથે લગ્ન કરનારા વિધર્મીને સજા અપાવવાની માગણી થઈ રહી છે, તેનાથી તો બધાં જ અવગત છે ને? જો કોઈ અહિંદુ નથી, તો લવજેહાદ સામે કડકાઈની માગણી અને તેના અનુરૂપ કાયદા કેમ બની રહ્યા છે?
શું હિંદુઓ હવે કોઈ 'અસદુદ્દીન' કે 'શહાબુદ્દીન' ના સંઘના સરસંઘચાલક બને તેની રાહ જોવે?
બીજી વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભગવો ધ્વજ ગુરુ સ્થાને છે. આ ભગવા રંગથી વાંધો ઉઠાવનારા અને પ્રાર્થનાને અંતે ભારતમાતા કી જય બોલાય છે, પણ આ ભારતમાતા કી જય સામે પણ વાંધો ઉઠાવનારા લોકોને કેવી રીતે હિંદુ ગણવા જોઈએ કે ગણી શકાય? શું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં કોઈ ભારતીય અબ્દુલ્લા, શહાબુદ્દીન કે અસદુદ્દીન આવે છે? જો આવતા હોય તો 100 વર્ષના ઈતિહાસમાં તેઓ સંઘમાં કોઈ જવાબદાર પદ પર કેમ પહોંચ્યા નથી? રા. સ્વ. સંઘના સહ-સરકાર્યવાહ, સરકાર્યવાહ કે સરસંઘચાલક પદ સુધી આવા ભારતીય અબ્દુલ્લા કે અસદુદ્દીન કે શહાબુદ્દીન કેમ નથી? આપણા કોઈને હિંદુ ગણવાથી શું થાય? એ પણ તો માનવા જોઈએ ને કે તેઓ હિંદુ છે કે તેમના પૂર્વજ હિંદુ છે? શું હવે દેશના હિંદુઓએ હિંદુ સંગઠન કરનારા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક કોઈ અસદુદ્દીન કે શહાબુદ્દીન કે અબ્દુલ બને તેની પણ રાહ જોવાની છે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો