Friday, May 27, 2011

શહીદ-એ-આઝમ ભગતસિંહનો અંતિમ પત્ર

ભારતના ક્રાંતિકારીઓના ઈતિહાસમાં શહીદ-એ-આઝમ ભગતસિંહે નવું સીમાચિન્હ, નવી ઊંચાઈ સ્થાપી છે. ભગતસિંહે ભારતના યુવાનોને આઝાદીની લડાઈ વખતે નવો રાહ બતાવ્યો હતો. તેમની સાથે કેટલાંક અસંમત હતા, પણ ઘણાં બધાં તેમની સાથે ચાલવા તૈયાર હતા. પણ તેમનું કમનસીબ હતું કે ભગતસિંહ જેલમાં હતા અને તેમને નેતૃત્વ આપનારા અન્ય કોઈ ભગતસિંહ આવા યુવાનો વચ્ચે ન હતા. 23 માર્ચ, 1931ના દિવસે સરદાર ભગતસિંહ સાથે તેમના નજીકના સાથી સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીના માંચડે ચઢાવી દઈને અંગ્રેજોએ ભારતની ક્રાંતિકારી વિચારધારાને ફાંસી આપવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેમાં તત્કાલિન ટોચના નેતાઓએ પણ અંગ્રેજોના હિતો પાર પડે, તેવા વલણો અજાણતા જ અખત્યાર કર્યા હતા.

અહીં સવાલ એ છે કે ભગતસિંહ કેટલાં બહાદૂર હતા. હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બન્યા બાદ તેઓ ક્રાંતિકારી આદર્શો અને કુરબાનીઓથી એટલા ઊંચે ઉઠી ચુક્યા હતા કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચે હરગીજ જઈ શકે તેમ ન હતા. તેમણે તેમના ક્રાંતિકારી સાથીદારોને લખેલા પ્રત્રમાં ક્યાંય છુપાવ્યું નથી કે તેવોને જીવિત રહેવાની ઈચ્છા નથી. પરંતુ તેઓ કેદ થઈને કે પાબંધીઓ વચ્ચે જીવિત રહેવા ઈચ્છતા ન હતા. તેમને ચિંતા હતી કે જો તેઓ ફાંસીથી બચી જશે, તો તેમની કમજોરીઓ જનતા સામે નથી, તે સામે આવશે અને ક્રાંતિના પ્રતીકો ઝાંખા પડી જશે અને કદાચ ભૂંસાઈ જશે.

તેમની ઈચ્છા જિંદાદિલીથી હસતાં-હસતાં ફાંસી પર ચઢવાની હતી કે જેથી હિંદુસ્તાનની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ રાખે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા વધી જાય. તેમણે એમ પણ કહ્યું છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ તેઓ પૂરો કરી શક્યા નથી. તેમણે કહ્યું હતું કે જો તેઓ સ્વતંત્ર, જીવિત રહી શકત તો કદાચ આવી હસરતો પૂરી શકવાની તેમને તક મળી શકત

શહીદે આઝમ સરદાર ભગતસિંહનો 22 માર્ચ, 1931ના રોજ જેલમાંથી તેમના સાથીદારોને સંબોધીને લખાયેલો અંતિમ પત્ર નીચે દર્શાવ્યો છે.

--------------------------------

શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહનો સાથીદારોને અંતિમ પત્ર-

22 માર્ચ, 1931 સાથીઓ,

સ્વાભાવિક છે કે જીવવાની ઈચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું તેને છુપાવવા ઈચ્છતો નથી. પરંતુ હું એક શરતે જીવિત રહી શકુ છું કે હું કેદ થઈને કે પાબંદ થઈને જીવવા માંગતો નથી.

મારું નામ હિંદુસ્તાની ક્રાંતિનું પ્રતીક બની ચુક્યું છે અને ક્રાંતિકારી દળના આદર્શો અને કુરબાનીઓએ મને એટલો ઉંચો ઉઠાવી દીધો છે- એટલો ઉંચો કે જીવિત રહેવાની સ્થિતિમાં આનાથી વધારે ઉંચો હરગીજ થઈ શકતો નથી.

આજે મારી કમજોરીઓ જનતાની સામે નથી. જો હું ફાંસીથી બચી ગયો તો તે જાહેર થઈ જશે અને ક્રાંતિના પ્રતીક-ચિન્હ ઝાંખા પડી જશે અથવા કદાચ તે ભૂંસાઈ જશે. પરંતુ જિંદાદિલ ઢંગથી હસતાં-હસતાં મારા ફાંસી પર ચઢવાની સ્થિતિમાં હિંદુસ્તાની માતાઓ પોતાના બાળકોને ભગતસિંહ બનાવવાની આરજૂ કરશે અને દેશની આઝાદી માટે કુરબાની આપનારાઓની સંખ્યા એટલી વધી જશે કે ક્રાંતિને રોકવી સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની શક્તિઓની તાકાતની વાત રહેશે નહીં.

હા, એક વિચાર આજે પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે જે કંઈ કરવાની હસરતો મારા દિલમાં હતી, તેનો હજારમો ભાગ પણ પૂરો કરી શક્યો નથી. જો સ્વતંત્ર, જીવિત રહી શકત ત્યારે કદાચ તેને પૂરો કરવાનો અવસર મળત અને હું મારી હસરતોં પૂરી કરી શકત.

તમારો સાથી,

ભગતસિંહ


------------------------------------

તમારો અભિપ્રાય

તમને આ પત્ર વાંચ્યા પછી ક્રાંતિકારીઓ અને શહીદે આઝમ ભગતસિંહ વિશે કેવી લાગણી થાય છે, તે અભિપ્રાય નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે તમારી લાગણીઓથી સંવાદ કાયમ કરો.

No comments:

Post a Comment