લેબલ અહિંસા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અહિંસા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 4 માર્ચ, 2013

નિરપેક્ષ અહિંસા અધર્મ, ધર્મની રક્ષા સૌથી મોટી અહિંસા


-          ક્રાંતિવિચાર
માનવીને તેના મૂળભૂત ફરજરૂપી ધર્મની રક્ષા કરવામાં ઉદાસીન બનાવતો અહિંસાનો વિચાર તેના માટે સૌથી વધારે હિંસક છે. આવી અહિંસા માનવીના અસ્તિત્વ સામેની હિંસા છે. હિંસાને માત્ર હિંસા તરીકે જોવાની વૃતિ છોડવી જોઈએ. આપણે ત્યાં નેતાઓ, જુદાજુદા પંથ-સંપ્રદાયો અને વિચારો હિંસા પ્રત્યે પક્ષપાતી વલણ ધરાવે છે, પક્ષપાતી દ્રષ્ટિકોણ ધરાવે છે. જો કે હિંસાના પણ ઘણાં પ્રકારો હોય છે. હિંસાને હંમેશા અપખોડવામાં આવે છે અને તેની હંમેશા નિંદા કરવામાં આવે છે. અહિંસાના ખૂબ વખાણ કરવામાં આવે છે. અહિંસાને કોઈપણ સ્વરૂપમાં સારી માનવામાં આવે છે. પરંતુ અહિંસાનો વિચાર કરીએ, તો તેના મુખ્યત્વે બે પ્રકાર પાડી શકાય-સાપેક્ષ અહિંસા અને નિરપેક્ષ અહિંસા. સાપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા કોઈ એકબીજાને મારે નહીં, એકબીજા સાથે હિંસા કરે નહીં. નિરપેક્ષ અહિંસા એટલે એવી અહિંસા જેમા પોતાની સાથે, પોતાના સમાજ સાથે અને પોતાના દેશ સાથે અધર્મ થતો હોય, વિનાશક હુમલાઓ થકી હિંસાચાર થતો હોય, તો પણ અહિંસક રહેવું. સાપેક્ષ અહિંસા દુનિયા માટે યોગ્ય છે. દુનિયા સાપેક્ષ અહિંસાથી ટકી છે. પરંતુ નિરપેક્ષ અહિંસા તેનું અનુસરણ કરનાર વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વ સામે હંમેશા જોખમ પેદા કરે છે. નિરપેક્ષ અહિંસાને વળગી રહેનાર વ્યક્તિ, સમાજ અને દેશનો નાશ થાય છે. ઈતિહાસ સાક્ષી છે કે ઈરાનમાં પારસીઓ ઈસ્લામિક હુમલાખોરોના હુમલા સામે નિરપેક્ષ અહિંસક રહ્યા. તેમને ભારતમાં શરણ મળ્યું. જો કે પારસીઓ ભારતમાં સવાયા ભારતીયોની જેમ હંમેશા ભારતમાતાની સેવા કરતા રહ્યા છે. પરંતુ યહુદીઓનું ઉદાહરણ જોઈએ, તો 2000 વર્ષ પહેલા તેમને છોડવો પડેલો દેશ તેમણે સતત યુદ્ધરત રહીને પાછો મેળવ્યો. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે નિરપેક્ષ અહિંસાને છોડી દેનાર રાષ્ટ્ર ઉભું કરી શકે છે અને તેનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે.

ભારતમાં મહાત્મા ગાંધીએ જે અહિંસા શિખવાડી તે પણ નિરપેક્ષ પ્રકારની અહિંસા હતી. મહાત્મા ગાંધીના મૃત્યુ બાદ પણ ભારતમાં અહિંસાના તેમના વિચારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની નીતિમાં પ્રતિબિંબિત થઈ રહ્યા છે. જેના કારણે વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ અને ગૃહનીતિથી માંડી તમામ ક્ષેત્રોમાં ભારતીય હિતોની ઘોર ખોદાતી રહી છે. ગાંધીની અહિંસા ઘણી હદ સુધી નિરપેક્ષ અહિંસા પ્રકારની અહિંસા હતી. ભગવાન બુદ્ધે જે અહિંસાનો આવિષ્કાર કર્યો હતો, તેમા સ્વરક્ષણનો અધિકાર બિલકુલ સામેલ હતો. આજે બૌદ્ધ મતને માનનારા લોકોના દેશ જાપાન, કોરિયા, ચીન, વિયેતનામ વગેરેએ પોતાના વિચારમાં અહિંસા હોવા છતા પોતાના અસ્તિત્વના મામલામાં ક્યારેય સમજૂતી કરી નથી. પરંતુ ભારતમાં અહિંસાની એક વિકૃત વિચારધારા જાણી જોઈને ચલાવવામાં આવી છે. આ અહિંસાની વિકૃત વિચારધારા નિરપેક્ષ અહિંસાની હતી. કોઈ એક ગાલ પર લાફો મારે, તો બીજો ગાલ ધરી દેવા સુધીની નિરપેક્ષ અહિંસા. પરંતુ કોઈ ત્રીજો લાફો મારે તો શું કરવું કે કોનો ગાલ લાફો મારનાર સામે ધરવો, તેનું આ અહિંસા દર્શનમાં કોઈ જ માર્ગદર્શન નથી. નિરપેક્ષ અહિંસા વ્યક્તિ, સમાજ અને દેશના અસ્તિત્વનો ઈન્કાર કરનારા છે. ત્યારે સવાલ એ છે કે આવા અસ્તિત્વ વિરોધી વિચારને ક્યાં સુધી માનવામાં આવશે?

હિંસા હંમેશા ખરાબ હોતી નથી. બુરાઈને ખતમ કરવા અચ્છાઈ ઉગ્ર વલણ અપનાવે અથવા તો બુરાઈની સામે હિંસા કરે તો તે હિંસા હિંસા નથી. આવી હિંસા વ્યક્તિ, સમાજ અને દેશમાં રહેલી અહિંસાની ભાવનાની હત્યા અટકાવવા માટેનું યુદ્ધ છે. મહાભારતનું યુદ્ધ દુનિયાનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધમાં થયેલો હિંસાચાર અન્ય કોઈ યુદ્ધના હિંસાચારથી મોટો હતો. પરંતુ આ યુદ્ધ હતુ, વ્યક્તિ અને સમાજમાં રહેલી અચ્છાઈની રક્ષા માટેનું યુદ્ધ. આ અચ્છાઈ કે જેને ધર્મના નામે ઓળખવામાં આવે છે, તેને બુરાઈ નામના અધર્મને ખતમ કરવા માટે ખેલાયુ હતુ. જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતાનો ઉપદેશ યુદ્ધભૂમિ પર યુદ્ધના નાયક અર્જૂનને આપ્યો હતો. પોતાના લોકો સામે લડવા માટે અસમર્થતા દાખવી ચુકેલા અર્જૂનના હાથમાં શ્રીકૃષ્ણના તાર્કિક સંવાદે ગાંડિવ ફરીથી ઉંચકાયું. શું મહાભારતનું યુદ્ધ નર્યો હિંસાચાર હતો. જો આ હિંસાચાર ન થયો હોત, તો દુર્યોધનની હિંસક અને અમાનવીય-અધર્મીય વૃતિઓ ક્યાં જઈને અટકત? દુર્યોધનના અધર્મને અટકાવવો હિંસા હતી, તો તે તેના અધર્મને જીવિત રાખનારી અહિંસા કરતા વધારે યોગ્ય છે. જે ભગવદ ગીતા કરોડો હિંદુઓની પ્રેરણાસ્ત્રોત છે, તેમા પણ કહેવામાં આવ્યું છે કે પરિત્રાયાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલે કે સાધુ અને સજ્જનોની સુરક્ષા માટે અને દુષ્ટોના સંહાર માટે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે આવશે. એટલે વ્યક્તિ પોતાનામાં સાધુતા અને સજ્જનતા જીવિત રાખશે, તો કૃષ્ણ તેમનામાંથી જ કોઈના આત્મત્વમાં પ્રગટશે અને તેઓ દુષ્ટોનો સંહાર કરશે. ગીતાનું જ્ઞાન આપતા પોતાના પિતામહ, કાકા, મામા, ભાઈ-ભાડું અને ગુરુ જોનારા અર્જૂનને શ્રીકૃષ્ણે અધર્મીનો અધર્મ દેખાડયો હતો. અધર્મનો નાશ કરવો અને ધર્મની રક્ષા કોઈપણ ભોગે હિંસા નથી, તેવું ભગવદ ગીતાનો શ્રીકૃષ્ણનો ઉપદેશ કહે છે. કોઈ ગુનેગાર ખૂન કરે છે, આતંક ફેલાવે છે, લોકોને અકારણ અને બિનજરૂરી રીતે મારવાની વૃતિ ધરાવે છે. આવી વૃતિ વ્યક્તિ, સમાજ અને દેશ વિરોધી હોય છે. તો આવી વૃતિ દાખવનારને સમાજ વધુ સહન કરવા તૈયાર હોતો નથી. આવા લોકો માટે સમાજે અને દેશે પોતાના કાયદામાં ફાંસીની જોગવાઈ કરી હોય છે. આવી ફાંસીને હિંસા ગણી શકાય નહીં. આ ફાંસી સમાજ અને દેશની અહિંસાને ખલેલ પહોંચાડનારને મળનારી સજા છે.

ભારતે ગુલામીને હજાર વર્ષ સુધી ગળે લગાડી. ભારતમાં ગુલામીને દૂર કરનારા લોકોએ અહિંસા, ધર્મ તથા ફરજ નિભાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ કર્યો. પરંતુ તેમને ભારતના ઈતિહાસમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. ભારતની ગુલામી દૂર કરનારા પ્રયત્નશીલ વ્યક્તિઓ સાથે થયેલો આ મોટો અન્યાય છે. પરંતુ આજે પણ ગાંધી વિચારોની આભામાં અને કેટલાંક રાજકીય સ્વાર્થોને પરિણામે ધૃતરાષ્ટ્ર બનેલા લોકો દેશની આઝાદીની લડતમાં સશસ્ત્ર ક્રાંતિવીરોને યોગ્ય માન-સમ્માન આપતા નથી. નિશસ્ત્ર એવા સ્વાતંત્ર્યવીર લાલા લાજપતરાયને લાહોરની સડકો પર અંગ્રેજ સિપાહીઓએ લાકડીઓ ફટકારીને ઢાળી દીધા હતા. આ વડીલ નેતાની લાશ જોઈને અંગ્રેજોનું શાસન દૂર કરવાની ભાવના રાખનારા ક્રાંતિકારીઓ હિંસક ન હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડને પાર પાડી અંગ્રેજ સલ્તનત પાસે સિરપાવની આશા રાખનાર જનરલ ડાયર જેવા હત્યારાઓ સામે બદલો લેવા માટે ઉધમસિંહે કરેલા કામ કોઈપણ પ્રકારે હિંસા ગણી શકાય નહીં. 1857ના ક્રાંતિસંગ્રામ બાદ ઉત્તર ભારતના ગામેગામ ઝાડવે-ઝાડવે લાશો લટકાવનારા અંગ્રેજો સામે સશસ્ત્ર બાથ ભિડનારા કોઈ ગુનેગાર ન હતા, પરંતુ ભારતની સાપેક્ષ અહિંસાની પરંપરાને કામ રાખવા માટે ઝઝુમનારા સૈનિકો હતા. ભારતે અહિંસાથી આઝાદી મેળવી એવું કહેનારા ભારતની નવી પેઢીને માનસિક રીતે નપુંસક બનાવી રહ્યા છે. પોતાના અધિકાર માટે, પોતાના દેશના અધિકાર માટે બલિદાન આપનારા લોકોથી અજાણ રાખીને આપણે આપણી પેઢીનું માનસિક ખસીકરણ કરી રહ્યા છીએ. સમૃદ્ધિ સુરક્ષા સાથે હોય, તો જ તે આનંદરૂપ બની શકે છે. પરંતુ સમૃદ્ધિની સુરક્ષા કરવાનું સામર્થ્ય ગુમાવવાથી ગુલામી આવે છે. ભારતનો છેલ્લા હજાર વર્ષનો ઈતિહાસ આમ કહે છે. સમૃદ્ધિની સુરક્ષાનું સામર્થ્ય અહિંસાના વેવલાવેડાથી આવવાનું નથી. ગાંધીની દેખાડેલી નિરપેક્ષ અહિંસા એવી છે કે અંદરખાને માર ખાવ કરતા ખુલ્લેઆમ રસ્તા પર આવીને માર ખાવો અને જુલમ સહેવો.

આવી અહિંસાના પરિણામે આઝાદી વખતે 90 લાખથી વધારે હિંદુઓને પોતાના પ્રદેશો છોડવા પડયા હતા. તો 10 લાખથી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. છતાં આજે આ કતલ હજી અટકી નથી. વ્યક્તિ, સમાજ અને દેશમાં શક્તિ હોવી અને તેની દુનિયાને જાણ હોવી તેની હિંસાથી રક્ષા કરે છે. આ શક્તિનું દમન અને શમન કરવાની વૃતિ વિકૃતિ છે. આવી વિકૃતિ નિરપેક્ષ અહિંસાની ભાવનાથી જન્મે છે. આવી ભાવના હિતોનો બલિ લઈ લે છે. ભારત અને ભારતના લોકો સાથે આમ જ થયું છે અને આમ થઈ રહ્યું છે. ભારતે અહિંસાના તેને મળેલા તમામ વિચારોનો પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે, કારણ કે ભારતમાં અને ભારતના પાડોશમાં થઈ રહેલા હિંસાચારથી ભારતને જોખમ છે. આ જોખમને દૂર કરવા માટે ભારતે ફરીથી પોતાનામાં રહેલી શક્તિને જગાડવી પડશે અને વધુ એક મહાભારતની તૈયારી કરવી પડશે. આ મહાભારત ભારતના લોકોએ કોઈપણ સમયે કરવુ પડે તેવી સ્થિતિ છે.
નિરપેક્ષ અહિંસા પ્રકૃતિના નિયમોની વિરુદ્ધ છે. તમે અનુભવ્યુ હશે કે કોઈ જોખમ અચાનક આવી પડે,તો દરેક જીવ તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. આ જોખમથી બચવાની વૃતિ હંમેશા અહિંસા છે, પછી ભલે તેમા હિંસા હોય. આ જોખમથી બચવાની હિંસાને પણ સ્વરક્ષણ કહેવાય છે. પ્રકૃતિએ દરેક જીવને સ્વરક્ષણનો અધિકાર આપ્યો છે. આ અધિકારથી કોઈપણ જીવને કોઈપણ વ્યક્તિ, નેતા કે મહાત્મા પોતાના વિચારો કે લાગણીઓ કે શક્તિથી વંચિત કરી શકે નહીં. આવા કોઈપણ વિચારોનો અનાદર કરવાનો જોખમ ધરાવતા જીવે ઈન્કાર કરવાનો અધિકાર છે. સ્વરક્ષણ જીવ સૃષ્ટિના અસ્તિત્વને કાયમ કરનારો અધિકાર છે. ત્યારે પોતાના અધિકારોનું સ્વરક્ષણ કરવામાં ઉદાસિનતા ધરાવતા વ્યક્તિ, સમાજ અને દેશે તેને મળેલા નિરપેક્ષ અહિંસાના વિચારોનો પુનર્વિચાર કરવો પડે તેવી સ્થિતિ છે.
અહિંસા આવશ્યક અને અનાવશ્યક પ્રકારની હોય છે. અનાવશ્યક હિંસા શેતાની અને અનિષ્ટ છે. આ રાક્ષસી વૃતિની પ્રતીક છે. આવશ્યક હિંસા રાક્ષસી વૃતિ સામેના પ્રતિકારમાંથી જન્મે છે. હિંસાની આવશ્યકતા અને અનાવશ્યકતા મનુષ્યના ચાર પુરુષાર્થોમાંથી એક એવા ધર્મ દ્વારા સમજાય છે. ધર્મને અહીં સંપ્રદાય, મત કે રિલિજયનના સ્વરૂપે સમજવો નહીં. તેથી જ તો ભારતમાં કહેવાયુ છે કે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરશે.
મહાત્માગીરીનો દંભ કરવા માટે ગાંધીવિચાર બિલકુલ યોગ્ય છે. પણ વીરભારત બનાવવા, શક્તિશાળી અને શૂરવીર ભારત બનાવવા મહાત્મા નહીં પરમાત્મા શ્રીરામ કે શ્રીકૃષ્ણના માર્ગે ચાલવુ પડે. અધર્મના રાવણ અને કંસ-દુર્યોધનનો વધ કરવો પડે. આવા ધર્મયુદ્ધમાં કરાતી હિંસા એ હિંસા નહીં, પણ પુણ્ય છે. 

બુધવાર, 19 ઑક્ટોબર, 2011

હિંસા-અહિંસાના ભેદ અને જનહિતને સમજવા જરૂરી


-આનંદ શુક્લ

ભારતમાં ઘણી જગ્યાએ મહાભારત એક સાથે નહીં વાંચવાનો રીવાજ છે. માનવામાં આવે છે કે મહાભારત એક સામટું વાંચી લેવાથી મહાભારત જેવી પરિસ્થિતિમાંથી વાંચનારા વ્યક્તિએ પસાર થવું પડે છે. મહાભારત એકસાથે વાંચવા સંદર્ભે આ અંધશ્રદ્ધા ભારતીય માનસને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સમાજ દ્વાપર યુગમાં થયેલા ધર્મની સ્થાપના માટેના મહાભારતના યુદ્ધથી હજીપણ ડરી રહી છે. કુરુક્ષેત્રમાં લડાયેલા મહાભારત બાદ ભારત હવે નવા મહાભારત માટે તૈયાર નથી, મહાભારતમાંથી બચવા માંગે છે. ભારતમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, નક્સલવાદ, કટ્ટરતાવાદ અને ન જાણે કેટ-કેટલી સમસ્યાઓ છે. અધર્મ દેશમાં ચારેતરફ છે. ત્યારે આવી પરિસ્થિતિમાં દેશમાં મહાભારત થવું જ જોઈએ. પરંતુ તેના માટે કોઈ તૈયાર નથી, બધાં મહાભારતથી ડરી રહ્યાં છે. મહાભારત ભારતની આજની પરિસ્થિતિમાં કેટલું પ્રાસંગિક છે, તે શોધવાનો અને ચર્ચા કરવાનો હિંમતભર્યો પ્રયાસ કરવાનો અત્યારે વખતે છે. મહાભારતથી ભાગવામાં આવશે, તો જીવનનો આધાર ધર્મ ક્યારેય સંસ્થાપિત થઈ શકશે નહીં.

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે જ્યારે પાંડવો અને કૌરવોની સેના એકબીજા સામે મોરચો માંડીને ઉભી હતી. ત્યારે અર્જૂને બંને સેનાની વચ્ચે શ્રીકૃષ્ણને રથ લેવાનું કહ્યું. અર્જૂને કૌરવ સેનામાં સ્વજનો અને ગુરુજનો જોયા. અર્જૂનના ગાત્રો શિથિલ થઈ ગયા. ગાંડિવ તેના હાથમાં સરવા લાગ્યું. અર્જૂનને ઘોર પરિતાપ થયો. અર્જૂને ગાંડિવ હાથમાંથી છોડી દીધું અને કૃષ્ણને કહ્યું કે સ્વજનોના રક્તથી ખરડાયેલું રાજ્ય તેને ખપશે નહીં. આમ કરવાના બદલે તે ભિક્ષા માંગીને પોતાનું જીવનયાપન કરશે. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જૂનને આપદ ધર્મ સમજાવા માટે રણભૂમિની વચ્ચોવચ શ્રીમદ ભગવત ગીતાનો ઉપદેશ આપ્યો. કૃષ્ણે અર્જૂનને કહ્યું કે યુદ્ધ કર, નપુંસક ન બન, તારા ક્ષાત્રધર્મનું પાલન કર. ગાંડિવ ઉઠાવ અને યુદ્ધ કર. શ્રીમદ ભગવત ગીતા અર્જૂનને યુદ્ધ માટે પ્રેરીત કરવા માટે ઉદબોધવામાં આવી હતી. પરંતુ આ ભગવત ગીતા ભારતમાં અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીનો પ્રેરણાસ્ત્રોત હતી. મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમના જીવનમાં ડગલેને પગલે આવેલી મુસીબતોનો ઉકેલ તેમને ગીતામાંથી મળે છે. આમ ગીતા મહાભારતની પ્રેરણા પણ બની શકે છે અને મહાત્મા ગાંધીની પ્રેરણા પણ બની શકે છે. ત્યારે પ્રશ્ન અવશ્ય થાય કે યુદ્ધ-હિંસા માટે અર્જૂનને પ્રેરીત કરનારી ગીતા અને ગાંધીજીમાં કોઈ વિરોધનું તત્વ છે?

લોકો કોઈપણ દેશહિત, રાષ્ટ્રહિત અને સમાજહિતની વાતમાં ગાંધીજીની અહિંસાની વાતને વિકૃત રીતે આગળ કરીને સમગ્ર મામલાને બગાડી રહ્યાં છે. પરંતુ ગાંધીજીની અહિંસાને વિકૃત કરનારા તેમના હિંસક અનુયાયીઓને ખબર હોવી જોઈએ કે ગાંધીજી ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા. મૃત્યુની ક્ષણે પણ હે રામ કહીને તેમણે પોતાનો દેહત્યાગ કર્યો હતો. ગાંધીજી અને કરોડો ભારતીયોના આરાધ્ય ભગવાન શ્રીરામે ધનુષ્ય ધારણ કરી રાખ્યું છે. તેમણે શરભંગના આશ્રમમાં પ્રતિજ્ઞા પણ કરી હતી કે નિસચર હીન કરો મહી, ભુજ ઉઠાયે પ્રણ કીન. એટલે કે સમગ્ર સૃષ્ટિને નિશાચરોવિહીન કરી દઈશ. (ભોપાલથી 10 કિલોમીટર દૂર રાક્ષસહાંડા કરીને જગ્યા છે. આ સ્થાન પર ઋષિઓના હાડકાંના ઢગલા જોઈને ભગવાન શ્રીરામે ભારતમાતાની ચરણરજ લઈને પ્રતિજ્ઞા કરી હતી કે આખી પૃથ્વીને રાક્ષસવિહોણી કરી દઈશ.) 1962માં ચીન સામેના યુદ્ધમાં મળેલી હાર બાદ ભારતીયોને લાગી રહ્યું છે કે હિંસા અને અહિંસાને સમજવામાં ભારે ભૂલ થઈ છે. કૃષ્ણ પણ અહિંસાને પરમ ધર્મ માનતા હતા. તેમાં કોઈ શંકાને કારણ નથી, કારણ કે તેમણે મહાભારતને રોકવા માટે દૂર્યોધન સાથે શાંતિવાર્તા કરી હતી. પરંતુ જ્યારે આક્રમણખોરો શસ્ત્રો સાથે આપણી પર હુમલો કરે અને તે સમયે આપણે બળપૂર્વક શસ્ત્રથી આત્મરક્ષણ કરીએ તો શું તેને હિંસા કહી શકાય? બળપ્રયોગથી આત્મરક્ષણ અને હિંસામાં કોઈ અંતર છે કે નહીં?

આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે બળપ્રયોગ કરવો હિંસા કેવી રીતે છે? આ ઉદ્દાત હેતુ માટે બળપ્રયોગ કરવાની મનાઈ કરનારા પેઢીને નપુંસક બનાવવાનું કામ કરે છે. આપણે ત્યાં પ્રચલિત થયું છે કે હિંસા પાપ છે. પરંતુ આત્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, દેશરક્ષા, સમાજરક્ષા અને સમ્માનરક્ષા માટે થનારો બળપ્રયોગ અને તેનાથી થનારી હિંસા કેવી રીતે કોઈ પાપ થાય છે? મચ્છર મારીશું તો પણ હિંસા થઈ જશે, માટે મચ્છર પણ ન મારવા જોઈએ! ત્યારે પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ કે કૃષ્ણ અને ગાંધી, ગાંધી અને ગીતામાં એકબીજા માટે કોઈ વિરોધ છે? જો તે બંનેમાંથી કોઈ એકને પસંદ કરવાનો પ્રસંગ આવે, તો શું એકનો તિરસ્કાર કરવો પડશે? કૃષ્ણની નીતિ અને ગાંધીની નીતિમાં ક્યાંક સામંજસ્ય છે કે નહીં? આપણે શોધી શકીએ કે ન શોધી શકીએ, પણ હકીકત છે કે તે બંનેમાં સામંજસ્ય તો છે. જો આમ ન હોત, તો ગાંધીજી ગીતા કેમ વાંચત, દરરોજ તેનું પઠન શા માટે કરત!

ભારતીય સંસદમાં નોબલ પુરષ્કાર વિજેતા વિખ્યાત અર્થશાસ્ત્રી અમાર્ત્ય સેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે “કૃષ્ણની ધર્મસ્થાપનાની નીતિમાં જો આપણે જોઈશું તો વિનાશ છે. જો કૃષ્ણના ઢંગથી ધર્મની સ્થાપના કરવામાં આવશે તો ઘણાં લોકો માર્યા જશે. માટે હું કૃષ્ણના પક્ષમાં નથી.” પરંતુ કૃષ્ણના પક્ષમાં ન રહીને અમાર્ત્ય સેન મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરી રહ્યાં છે. ધર્મની સ્થાપના માટે શ્રીકૃષ્ણ જો જીવનો વધ કરવો પડે, તો તેના માટે પણ તૈયાર છે. કારણ કે ધર્મ જ જીવનને ધારણ કરે છે. જો જીવોને બચાવવા, મનુષ્યને બચાવવા માટે ધર્મની હત્યા કરવામાં આવે અને અધર્મની સ્થાપના થઈ જશે તો તેના પછી જીવ, કોઈ જીવન, કોઈ મનુષ્ય કેવી રીતે બચી શકશે? માટે અમાર્ત્ય સેનની કૃષ્ણની ધર્મ સ્થાપનાની નીતિ સાથે અસંમત થવાની વાતથી સંમત થઈ શકાય તેમ નથી.

સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક જોગિન્દર સિંહે 11 સપ્ટેમ્બરના પોતાના એક લેખમાં કહ્યું છે કે ભારતની છબી ચારે બાજૂ એક દબ્બુ, એક ભીરુ, એક દુર્બળ અને ડરપોક રાષ્ટ્રની છે. માટે ન તો અપરાધીઓને ભારતની સરકારનો, ભારતનો ભય છે અને ન આપણા શત્રુઓને પણ આવો ભય નથી. આપણા શત્રુઓ, જેને તમે આતંકવાદી કહો કે બીજું કંઈપણ તેઓ પણ નિરંતર શક્તિશાળી થઈ રહ્યાં છે. ચીનને ભારતનો કોઈ ભય નથી, તે પોતે ઈચ્છશે તેમ જ કરશે. પાકિસ્તાનને પણ કોઈ ડર નથી. કેવી વિડંબણા છે કે શારદા, ચૈત્રી નવરાત્રીમાં શક્તિની ઉપાસના કરનારો સમાજ શક્તિહીન બને!!

અર્જૂન દ્વારા મહાભારતના ઈન્કારને જરા વિનોબાની દ્રષ્ટિથી જોઈએ. આચાર્ય વિનોબાના મતે જ્યારે અર્જૂન કહી રહ્યો છે કે તે યુદ્ધ કરવા ઈચ્છતો નથી. ત્યારે તે અહિંસાની વાત કરી રહ્યો નથી. અર્જૂન મહાભારતના ઈન્કાર વખતે અહિંસાથી પ્રેરીત નથી. અર્જૂન તે વખતે સ્વજનો પ્રત્યે આસક્ત છે અને તેના કારણે મહાભારતનું યુદ્ધ લડવાનો ઈન્કાર કરી રહ્યો છે. અર્જૂનના યુદ્ધ ઈન્કારનું કારણ સ્વજનાસક્તિ છે. વિનોબા કહે છે કે જે આપણે કરવા ઈચ્છતા નથી, તેને આપણે સિદ્ધાંતોના ખૂબ સરસ આવરણથી ઢાંકી દઈએ છીએ. જોગિન્દર સિંહ પોતાનો ઉપરોક્ત લેખમાં પુછે છે કે ક્યાં લોકો છે કે જે ભારતના દુશ્મન એવા આતંકવાદીઓને બચાવવા માંગે છે? ત્યારે વિચારવું પડે કે કોણ સ્વજન છે અને કોણ દુર્જન છે.

કેરળની વિધાનસભામાં આતંકવાદી વિસ્ફોટમાં સામેલ મદનીની તરફેણમાં પ્રસ્તાવ પારીત થયો, તેને બચાવવામાં આવ્યો. તમિલનાડુ વિધાનસભાએ રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સજા વિરુદ્ધ પ્રસ્તાવ પારીત કર્યો. કાશ્મીર વિધાનસભામાં સંસદ પરના હુમલાના ગુનેગાર અફઝલ ગુરુની ફાંસીની સજા રોકવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. પરંતુ હંગામાને કારણે તે પસાર થઈ શક્યો નહીં. પંજાબ વિધાનસભામાં પણ 1993ના વિસ્ફોટોના ગુનેગાર દેવિન્દરસિંહ ભુલ્લરની ફાંસી રોકવા માટે પ્રસ્તાવ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. આપણી સામેના આ ઉદાહરણો પરથી વિચાર કરવો જોઈએ કે ફાંસી પામેલા લોકો કોણ છે, તે કોના સ્વજન છે અને તેમને બચાવવા માટે ક્યાં લોકો આગળ આવ્યા છે? આ ફાંસી પામેલા લોકોને કોણ સ્વજન માને છે? આ ફાંસી પામેલા લોકોને સ્વજન માનનારાનો આ દેશ હોઈ જ ન શકે. આ દેશના લોકો ફાંસી પામનારા ઉપરોક્ત આરોપીઓના સ્વજન નથી. આપણે જોવું પડશે કે જે લોકો આપણા જનપ્રતિનિધિ બનીને કામ કરી રહ્યાં છે, તેઓ શું કરી રહ્યા છે?

સાંસદ અને ધારાસભ્યો પ્રતિનિધિ શબ્દનો દુરુપયોગ કરી રહ્યાં છે. આખરે સ્વામી વિવેકાનંદને ભારતના પ્રતિનિધિ તરીકે ચૂંટીને કોણે વિદેશ મોકલ્યા હતા? ગાંધીજીને કોણે ચૂંટયા હતા? રવિન્દ્રનાથ ઠાકુર કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા ન હતા, તો શું તેઓ આપણા પ્રતિનિધિ નથી? પ્રશ્ન ઉઠે છે કે આપણે આપણા પ્રતિનિધિ કોને કહેવા? માત્ર એક વખત વોટ મેળવીને કોઈપણ રીતે ચૂંટાઈને સંસદ કે ધારાસભામાં બેસી ગયા એટલે શું તેઓ લોકોના પ્રતિનિધિ બની ગયા? આપણું પ્રતિનિધિત્વ એ કરી શકે કે જે આપણી ભાવનાઓ સાથે સામંજસ્યતા ધરાવે છે. આ દેશની ભાવના સાથે સામંજસ્ય ધરાવતા વાલ્મિકીને તો કોઈ ચૂંટણીમાં જીત્યા ન હતા. છતાં તેઓ આપણા પ્રતિનિધિ છે. પ્રતિનિધિ બનવા માટે વ્યાસને કોઈ ચૂંટણીમાં ઉભા રહેવાની જરૂર પડી નથી. રામ, કૃષ્ણ, વિવેકાનંદ જેવાં આ દેશની ભાવના સાથે સામંજસ્યતા ધરાવતા લોકો જ આ દેશના પ્રતિનિધિ છે. આવી ભાવના ધરાવતા લોકો આગળ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પ્રતિનિધિ થવાનો અર્થ છે કે આ દેશના હિતમાં, આ દેશના લોકોના હિતમાં, જે કામ કરે અને જ્યાં સુધી કરે ત્યાં સુધી તેઓ આપણા પ્રતિનિધિ છે. જ્યારે પ્રતિનિધિ આપણી અને આપણાં લોકોની ભાવના પ્રમાણે કામ ન કરે, તે ક્ષણથી જ તે આપણું અને આપણા લોકોનું પ્રતિનિધિત્વ ગુમાવે છે.

ત્યારે આપણી સામે ઉભી થયેલી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડશે કે કોણ આપણા પ્રતિનિધિ છે અને કોણ નથી, કઈ બાબત હિંસા છે અને કઈ અહિંસા છે, શું કોમવાદ છે અને શું સેક્યુલરવાદ છે, આપણે આ તમામ બાબતો પર પુનર્વિચાર કરવો પડશે. આ બધી બાબતોને કોઈ સ્થાપિત હિતો માટે વિકૃત કરવામાં આવી હશે, તો આને વિકૃત કરનાર બાબતોને આવી અવધારણાથી અલગ કરવી પડશે. આપણને જે પરિભાષાઓ આપવામાં આવી છે, તેનો સ્વીકાર કરીને માત્ર તેના રસ્તા પર ચાલવાનું નથી, કારણ કે તે આપણા હિતમાં નથી, તે આપણા સમાજના હિતમાં નથી, તે આપણા રાષ્ટ્રના હિતમાં નથી, તે આપણા દેશના હિતમાં નથી.

(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના દિવસે નાગપુરના રેશિમ બાગમાં આયોજીત સમારંભમાં નરેન્દ્ર કોહલી દ્વારા થયેલા ઉદબોધન પરથી)

શુક્રવાર, 29 જુલાઈ, 2011

વીર સાવરકરની દ્રષ્ટિએ ક્રાંતિ અને ક્રાંતિકારીઓ


-આનંદ શુક્લ

“મારું મન તો કહે છે કે જીવનનું બીજું નામ મૃત્યુ છે અને મૃત્યુનું બીજું નામ જીવન છે. જેવી રીતે એક સ્થળે સૂર્યાસ્ત થાય છે અને બીજા સ્થળે સૂર્યોદય. વસ્તુત: અસ્તનું બીજું નામ ઉદય છે અને ઉદય જ અસ્તનું ઘોતક છે. સૂર્ય તો પ્રતિક્ષણ પ્રદીપ્ત હોય છે. કેવળ કેટલાંક સમય માટે તે આપણી દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જીવન-દ્રષ્ટિથી અદ્રશ્ય થઈ જાય છે. તો તેને મૃત્યુનું નામ આપી દેવાય છે.” જીવન-મરણ અંગે આટલું ઉંડું ચિંતન ધરાવનાર કોઈ સમાન્ય વ્યક્તિ ન જ હોઈ શકે. આ મહાપુરુષ અન્ય કોઈ નહીં પણ ભારતના સ્વતંત્ર્ય સંગ્રામમાં પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી ભારતમાતાની સાધના જીવનપર્યંત કરનાર ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકર હતા. તેમને વીર સાવરકરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 28 મે, 1883ના દિવેસ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. તેઓનું શરીર કૃશ લાગતું હતું, છતાં તેમનો આત્મવિશ્વાસ હિમાલય જેટલો અડગ હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ક્રાંતિપુંજ સમાન હતા. તેઓ સંપૂર્ણ ક્રાંતિના આગ્રહી હતા. તેમના મતે ક્રાંતિ એટલે છલાંગ લગાવવાવાળો વિકાસવાદ હતો.

તેમનું ક્રાંતિના સંદર્ભે એક આગવું ચિંતન હતું. તેમનું ચિંતન ઘણાંને અણગમો ઉપજવાનાર પણ હતું. છતાં પણ તેઓ તેને દ્રઢતાપૂર્વક વળગી રહ્યાં હતા. તેમણે ભારતની સ્વતંત્રતા માટેની તમામ પ્રકારની કોશિશો કરી અને ઘણાં બધાં ક્રાંતિકારીઓ માટે પ્રેરણાદાયી બન્યા.

ક્રાંતિ ક્યારે અને ક્યાં સુધી આવશ્યક છે? તે બાબતે સાવરકર અત્યંત સ્પષ્ટ હતા. તેમણે આ સંદર્ભે પોતાના નિર્ભિક વિચારો અભિવ્યક્ત કર્યા છે. તેમના માનવા પ્રમાણે, “જે સમયે સંપૂર્ણ માનવજાતિ શ્રેષ્ઠતમ ન્યાય અને પરમાનંદના પુનિત આદર્શને પ્રાપ્ત કરી લેશે. જ્યારે ઈશ્વરીય વિભૂતિઓ, દેવદૂતો અને ધર્મગુરુઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી ધર્મરાજ્યની કલ્પના આ ધરાતલ પર સાકાર થઈ જાય. જ્યારે ઈશા મશીહની દેવવાણીથી નિસ્ત્રત તે પાવન ઉપદેશ કે, ‘જો કોઈ તમારા એક ગાલ પર લાફો મારે તો તેની સામે બીજો ગાલ ધરવો’, પર આચરણ કરવાની જરૂર નહીં રહે. કારણ કે કોઈ કોઈના ગાલ પર લાફો મારવાનો પ્રયત્ન જ નહીં કરે. સત્યયુગની આ પાવન સ્થિતિ જ્યારે સંસારને પ્રાપ્ત થશે, ત્યારે કોઈ વિદ્રોહની કલ્પના માત્ર કરશે, રક્તનું એક ટીપું પણ વહેવડાવશે, એટલું જ નહીં, પણ જો તેના મોઢામાંથી પ્રતિશોધ શબ્દ પણ ઉચ્ચારીત થશે તો તેના આ પાપને તેની ક્રૂરતા માટે અનંત અવધિ માટે રૌરવ નામના નરકમાં ફેંકી દાવા માટે ઉપયુક્ત ગણાશે.”

પણ સાવરકર એમ પણ માનતા હતા કે, “જ્યાં સુધી દૈવી યુગનો આવિર્ભાવ નથી થઈ જતો, પરમાનંદનો આ પાવન આદર્શ સાકાર નથી થઈ જતો, તે શુભ ઘડીનો ઉદય નથી થઈ જતો, જ્યાં સુધી સંતો, દેવદૂતો અને પ્રભુના પ્રિય પુત્રોના ભવિષ્ય કથન સાકાર નથી થઈ જતાં, જ્યાં સુધી ન્યાયપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેની વિરોધી અન્યાયમૂલક પ્રવૃતિને નિર્મૂલન કરવા માટે માનવ મન પ્રવૃત નથી થઈ જતું, ત્યાં સુધી વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોઘની ગણના અધર્મ તત્વોમાં કરવી ઉચિત નથી. જ્યાં સુધી રાજ્ય શબ્દનો ઉપયોગ અન્યાયમૂલક અને ન્યાયમૂલક એણ બે પ્રકારના તત્વો માટે કરવામાં આવે છે, ત્યાં સુધી તેમના પ્રતિયોગી શબ્દ ન્યાય અને અન્યાય બંનેના અર્થોમાં ઉપયુક્ત બની શકશે.”

સાવરકરના મતે, ક્રાંતિનું સંચાલન અંકગણિતના નિયમ પ્રમાણે નથી થતું. ખરેખર તો ઈતિહાસના ઘટનાક્રમ પર દ્રષ્ટિ કરતાં જણાય છે કે નિશ્ચિત નિયમો પ્રમાણે તો આજ સુધી કોઈપણ ક્રાંતિનું સંચાલન નથી થઈ શક્યું. ક્રાંતિ કોઈ ઘડિયાળની જેમ એક સુનિર્ધારીત નિયમ પ્રમાણે ચાલવાવાળું યંત્ર તો નથી જ. ક્રાંતિનું સંચાલન હંમેશા એક વિશાળ સિદ્ધાંતથી થાય છે. નાના-નાના નિયમો-ઉપનિયમો તો ક્રાંતિના એક વિસ્ફોટ માત્રથી વેર-વિખેર થઈ જાય છે. ક્રાંતિ કેવળ એક જ સિદ્ધાંત છે, “થોભો નહીં, આગળ વધો.” ક્રાંતિ તો એક વિચિત્ર પક્ષી છે, જે સ્થળે તે દીર્ઘકાળ સુધી બંદી હોય છે, ત્યાંથી મુક્ત થતાં જ તે બીજા સ્થાન પર પુન: પહોંચતા પહેલા આકાશના બીજા છેડાથી પોતાની પાંખોના બળે ઊડે છે, ચક્કર લગાવે છે. ક્રાંતિ માટે આ પ્રકારનું ઉડ્ડયન આવશ્યક જ નહીં, અનિવાર્ય છે.

ક્રાંતિના માર્ગને અનિશ્ચિતતા, સંશય, મહત્તા વગેરે રોકે છે. અનિશ્ચય અને અસ્થિરતા સિવાયનું અન્ય કોઈપણ વિષ ક્રાંતિનું પ્રાણહરણ કરવામાં સફળ થતું નથી. ક્રાંતિનો વિસ્તાર જેટલો ત્વરીત અને આકસ્મિક હોય છે, તેટલી જ તેના વિજયની સંભાવના વધી જાય છે. ક્રાંતિના વિસ્તારની ગતિ મંદ પડતાની સાથે જ શત્રુને સચેત થવાનો મોકો મળી જાય છે. આ જોઈને ક્રાંતિકારીઓનો ઉત્સાહ મંદ પડી જયા છે કે તેમની સાથે આવીને કોઈ ઉભું રહેતું નથી. તેમની સાહસવૃતિ તૂટવા લાગે છે અને શત્રુ સક્રીય બની નવા ક્રાંતિકારીઓના માર્ગમાં અવરોધો ઊભા કરવામાં સફળ બને છે. પ્રથમ આક્રમણ અને ક્રાંતિના પ્રસાર વચ્ચે શત્રુને સમય આપી દેવો હંમેશા માટે કોઈપણ ક્રાંતિની યોજના માટે હાનિકારક સાબિત થાય છે. તેવી જ રીતે પૂર્વનિર્ધારીત કાર્યક્રમથી વિપરીત અચાનક થયેલા વિસ્ફોટ અન્ય સ્થળોએ ક્રાંતિ યોજનાની પૂર્તિ માટે કાર્યરત નેતાગણ માટે આશ્ચર્યકારક હોય છે. આ પરિસ્થિતિમાં ક્રાંતિકારીઓ “શું કરવું, શું ન કરવું?”ની અસમંજસભરી સ્થિતિમાં મુકાઈ જાય છે.

માટે જ અકર્મણ્યતા અને મંદતા ક્રાંતિની ભભૂકતી જ્વાળાઓને ઠંડી પાડી દે છે. જ્યારે કર્મઠતાની તીવ્રતા જ ક્રાંતિને જાગૃત રાખી શકે છે. ક્રાંતિનું બ્યુગલ વાગ્યા પછી ઊભો થતો સંશય પરાજયનું કારણ બની જાય છે. ક્રાંતિનું આયોજન ગાલીચાની સિલાઈની જેમ સાવધાનીથી ધીરે ધીરે કરવું જ અપેક્ષિત છે. પરંતુ જ્યારે એક વખત ક્રાતંની શરૂઆત થઈ જાય ત્યારે ક્ષણમાત્ર દ્વિધાગ્રસ્ત થયા વગર તીરની જેમ તેમાં પ્રવેશી જવું જોઈએ. પછી યશ મળે કે અપયશ, જીવન મળે કે મૃત્યુ, બધી જ બાજુથી નિશ્ચિંત બનીને સમરાંગણમાં ઝઝુમવું જ શ્રેષ્ઠ છે.

ક્રાંતિકારી વીર સાવરકર અન્યાયનો સમૂળગો નાશ કરીને સત્યધર્મની સ્થાપના કરવા માગતા હતા. સાવરકરના માનવા પ્રમાણે, સત્યધર્મની સ્થાપના માટે ક્રાંતિ, રક્તપાત અને પ્રતિશોધ પ્રકૃતિ પ્રદત સાધનો છે. તેમણે આ સંદર્ભે અત્યંત સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું છે કે, “જો વિદ્રોહ, રક્તપાત અને પ્રતિશોધનો ભય ન હોત તો લૂંટ અને અત્યાચારોનાં પાશવિક ધૂમાડામાં સમગ્ર પૃથ્વી કણસતી હોત. જો અત્યાચારીઓ અને અન્યાયીઓને આજે અથવા આવતીકાલે, તરત અથવા વિલંબથી, પ્રકૃતિ દ્વારા પ્રતિશોધ લેવાવાનો ભય ન હોત તો આ ભૂમંડળ પર ઝાર જેવા તાનાશાહોનો જ પ્રભાવ રહેત. પરંતુ પ્રત્યેક હિરણ્યકશ્યપને નરસિંહ, પ્રત્યેક દુશાસનને ભીમ, અત્યાચારી પર નિયંત્રણ મેળવવા શાસક અને શેરને માથે સવાશેર મળે છે. તેથી જ વિશ્વમાં દ્રઢ માન્યતા પ્રવર્તે છે કે અત્યાચાર અને અનાચાર હંમેશા ચાલુ રહેતા નથી.”

સાવરકરના માનવા પ્રમાણે, એક રાષ્ટ્રને જીવંત રહેવા માટે શરણ નહીં, પ્રતિશોધ જરૂરી છે. સાવરકર પ્રતિશોધને પૌરૂષીય લક્ષણ માનતા હતા. વળી તેઓ અવાર-નવાર કહેતા કે કાલ્પનિક સિદ્ધાંતોના ભ્રમજાળમાં પડીને પ્રતિશોધથી ઘૃણા કરનારું રાષ્ટ્ર ક્યારેય જીવિત રહી શકતું નથી. હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્તથી લઈને ક્રાંતિવીર ચંદ્રશેખર સુધીના જ નહીં, પણ તે પહેલાંના અને પછીના અનેક સમ્રાટો, સૈનિકો, ક્રાંતિકારીઓ, દેશભક્તોએ પ્રતિશોધની અગ્નિને એક પળ માટે પણ ઠંડી પડવા દીધી નથી. ભારતના અસ્તિત્વનો નાશ કરવા માંગતા દરેક આક્રાંતાઓના પ્રયાસોને એ જ વીરો અસફળ બનાવી શક્યા છે કે જેમણે પ્રતિશોધના અગ્નિને હંમેશા પ્રજ્વલિત રાખ્યો છે. તેઓએ હંમેશા કહ્યું છે કે “જો કોઈ વિદેશી શત્રુ આપણા રાષ્ટ્રધર્મ પર સશસ્ત્ર આક્રમણ કરે તો તેનો પ્રતિકાર એક પ્રબળ રાજકીય આક્રમણની જેમ જ કરવો જોઈએ. આ યુદ્ધમાં જેવા સાથે તેવા, ક્રૂરની સામે સવાયી ક્રૂરતા, કપટીની સામે સવાયું કપટ અને હિંસાની સામે સવાયી હિંસા અપનાવવી જ ધર્મ છે.”

સાવરકરે સહિષ્ણુતાને આ ધરતીનો સ્વાભાવિક ગુણ માન્યો છે, પણ માતૃભૂમિની ઉદારતાનો અનુચિત લાભ ઉઠાવવો ઘાતક ગણાવ્યો હતો. તેઓએ આ સંદર્ભમાં જણાવ્યું છે કે, હિંદુસ્થાનના હ્રદય સ્થળમાં બધાં જ એકસાથે સહિષ્ણુતાપૂર્વક વ્યવહાર કરવાની પરંપરા ધરાવે છે. પણ તેમાં પ્રલયકારી અગ્નિ પણ સુરક્ષિત છે. જ્યાં સુધી ભગવાન શિવ ધ્યાન મગ્ન રહે છે, ત્યાં સુધી તે હેતુલ્ય શાંત, શીતળ અને ગંભીર છે. પણ જ્યારે તેમનું ત્રીજું નેત્ર ખુલે છે, ત્યારે સંપૂર્ણ બ્રહ્માંડને ભસ્મીભૂત કરવાવાળી જ્વાળા પ્રજ્વલિત થઈ જાય છે.

સાવરકર સાપેક્ષ હિંસાને સદાચાર અને નિરપેક્ષ અહિંસાને અપરાધ માનતા હતા. સાવરકરે ભારતીયોને અત્યાંતિક અહિંસા વિરુદ્ધ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે “અત્યાંતિક વિચારધારાની જડ પૂર્ણ અહિંસા છે. પરંતુ મારા મત પ્રમાણે પૂર્ણ અહિંસા એક ભીષણ પાપ છે. એ અવ્યવહારીક છે. સજ્જનો સાથે સજ્જનતાપૂર્ણ વ્યવહાર પુણ્યકાર્ય છે. પરંતુ દુષ્ટો પ્રત્યે અહિંસાનું પ્રદર્શન પાપ છે. સ્વયં પોતાનું અસ્તિત્વ જાળવવું અને રાષ્ટ્રને જીવિત રાખવું, આપણું કર્તવ્યછે. આ કર્તવ્યની પૂર્તિ માટે જે પણ હિંસા આવશ્યક હશે, તે પુણ્યકારક માનવી જોઈએ. ધાર્મિક ઉપદેશોથી ચોરો નિયંત્રિત થતાં નથી. તેમના માટે દંડ અને બળની આવશ્યકતા રહેલી છે. અત્યાંતિક અહિંસાથી હિંસા પ્રબળતર બની જશે. અત્યાંતિક અહિંસા તત્વનો પ્રચાર કરવાવાળા વ્યક્તિઓને હું મૂર્ખ માનું છું કે દુષ્ટ માનું છું. અત્યાંતિક અહિંસાનો વિચાર કેવળ દુર્બળના મોઢામાં જ શોભે છે.” (અખિલ ભારતીય હિંદુ મહાસભા અધિવેશન- અધ્યક્ષીય ભાષણ, મદુરા, 1940)

આજે નિરપેક્ષ અહિંસાની પૃષ્ઠભૂમિને કારણે અનેક ભ્રાંતિઓનો જન્મ થયો છે. અનેક લોકો અન્યાયના પ્રતિકારને જ અત્યાચાર માનવા લાગ્યા છે. બીજાને અન્યાયપૂર્ણ રીતે પીડા પહોંચાડવી અવશ્ય અત્યાચાર છે, પણ અત્યાચારીનો પ્રતિકાર કરવો તેને અત્યાચાર કદાપિ ગણી શકાય નહીં.

ભારતની સ્વતંત્રતા માટે લડતાં દેશભક્ત ક્રાંતિકારીઓ પર ભટકેલા યુવાનો, આતંકવાદીઓ અને ભાવાવેશમાં વહેતા હોવાનો આરોપ વિદેશીઓએ અને કેટલાંક ભારતીયોએ પણ લગાવ્યો છે! ખુદીરામ બોઝ જેવાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ વિકૃત મનોવૃતિવાળા ગણાવ્યા હતા. ત્યારે સાવરકરે તેમને જવાબ આપ્યો હતો કે ચાફેકર, ઢીંગરા કે ઉધમસિંહ કે સળગતા વિમાનમાં ભસ્મ થયેલા સુભાષચંદ્ર બોઝનો નામ ઉલ્લેખ કરતાં તેમને (નેહરુને) તેમનો ત્યાગ ગૌણ અને બેકાર લાગશે. માટે જ તેમના નામને ગૌરવ આપવા બાબતે તમે ખચકાટ અનુભવો છો. તમારી આ દ્વેષપૂર્ણ અને અભાગી મહત્વાકાંક્ષા જ વિકૃત મનોવૃતિનું પ્રતિક છે.

ભારતમાતાની સેવા કરવા માટે સાવરકરે અપાર કષ્ટો સહન કર્યા હતા. છતાં તેઓ જરાપણ વિચલિત થયા ન હતા. તેમના મતે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જ સંઘર્ષ કરી કંઈક મેળવી શકાય છે. કંઈક નિર્માણ કરી શકાય છે. પ્રતિકૂળને સંઘર્ષના માધ્યમથી અનુકૂળ બનાવવાનો આનંદ દ્વિગુણિત હોય છે.

20મી મે, 1952ના દિવસે પુણેમાં અભિનવ ભારતના સમાપન સમારંભમાં સાવરકરે ક્રાંતિકારીઓના સ્વતંત્રતા પ્રયાસોને ઓછો આંકવાનો પ્રયત્ન કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં જણાવ્યું હતું, “સ્વતંત્રતા પ્રાપ્ત નથી થઈ, સ્વતંત્રતા ક્રાંતિકારીઓના મોટા-મોટા બલિદાનો દ્વારા પ્રાપ્ત કરાઈ છે. એવો પ્રચાર કરવો કે સ્વતંત્રતા પૂર્ણ અહિંસાથી પ્રાપ્ત થઈ છે. તે સર્વથા અવાંછનીય, ખોટું, પક્ષપાતપૂર્ણ અને સશસ્ત્ર ક્રાંતિકારીઓના બલિદાનો પર પાણી ફેરવવાવાળું કામ છે.” સાવરકરે આવો પ્રયત્ન કરનારાઓને કહ્યું છે કે જેમને પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લેવો છે, તે લઈ રહ્યાં છે. પણ જો ક્રાંતિકારીઓ દેશભક્તિની હુંડીઓનો લાભ લેવા માંગતા હોત તો વીર હુતાત્મા મદનલાલ ઢીંગરા, કન્હૈયા કાન્દરે અને ભગતસિંહે ફાંસી પર લટકી ફરીથી પાછા ન ફરી શકાય તેવી સ્વર્ગની ભૂમિમાં પ્રવેશ કરવાનું સાહસ ન કર્યું હોત. જ્યારે એ-ક્લાસની જેલોમાં માખણ, ડબલરોટી અને મોસંબીઓના રસ પીનારા પોતાની દેશભક્તિની હુંડીઓનો લાભ લઈ રહેલા દેખાય છે.

આમ ક્રાંતિ એ એવા સત્ય માટેની લડાઈ છે કે જે સત્યને બીજા બધાં અસત્ય મનાતા હોય કે તેને સત્ય કહેવાની હિંમત ધરાવતા ન હોય. પણ તે સત્ય હોવાથી તેને માટે લડતાં રહેવું અને સત્ય સર્વસ્વીકૃત બને તેના માટે પ્રયત્ન કરતાં રહેવું જરૂરી બને છે. ક્રાંતિ માત્ર પરિવર્તનની પ્રક્રીયા નથી. તે પરિવર્તનથી વધારે મોટી પ્રક્રીયા છે. ભારતની સ્વતંત્રતામાં સશસ્ત્ર ક્રાંતિકારીઓનો ફાળો અવગણી શકાય તેમ નથી. ક્રાંતિએ રાષ્ટ્રને જીવંત રાખવા માટે આવશ્યક અને અનિવાર્ય કાર્યો કરતાં રહેવાની પ્રક્રીયા માત્ર છે. આ પ્રક્રીયા અનેક પ્રકારના બલિદાનો દ્વારા જ પૂર્ણ થઈ શકે તેમ છે.

શુક્રવાર, 27 મે, 2011

ગાંધી સ્મરણ: બાપુથી મોટો હિંદુ કોણ?

રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.

પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.

પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.

ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.

ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.

ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.

જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.

પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?

ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?

વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.