Friday, May 27, 2011

સ્વાતંત્ર્યવીર સાવરકરની અવગણના રાષ્ટ્રઘાતક

ક્રાંતિનો જન્મ હંમેશા મનુષ્યના મસ્તિષ્કમાં થાય છે. માનવ મસ્તિષ્કમાં આવેલો વિચાર ક્રાંતિબીજ હોય છે. ક્રાંતિ માત્ર પરિવર્તનનું નામ નથી. ક્રાંતિ માત્ર નીચેના સ્તરના લોકો ઉપર અને ઉપરના સ્તરના લોકોના નીચે આવવાની પ્રક્રિયા માત્ર નથી. ક્રાંતિ એ સંપૂર્ણ પરિવર્તનનું નામ છે- સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક એમ તમામ ક્ષેત્રે સમૂળગુ અને સમાજ ઉપયોગી પરિવર્તન! આવું સમૂળગુ પરિવર્તન અચાનક ક્યારેય આવતું નથી. કહેવાય છે કે ચીન, રશિયા, ફ્રાંસ વગેરે દેશોમાં ક્રાંતિ થઈ છે. પણ આ ક્રાંતિઓનો ઝીણવટથી અભ્યાસ કરવામાં આવે તો, ત્યાંની ક્રાંતિઓથી માત્ર સત્તામાં બેઠેલા માણસો બદલાયા હતા, માત્ર શાસનપદ્ધતિ બદલાઈ હતી. અત્યારે તેઓ દેખીતી રીતે વિશ્વમાં અગ્રતાક્રમે છે, પણ તેઓને તેમના શાસકોએ શિસ્તમાં રાખ્યા છે અથવા એમ કહો કે તેમના શાસકો આ સમાજોને શિસ્તબદ્ધ રાખવામાં સફળ થયા છે. શિસ્ત જાળવવા શક્તિની જરૂર પડે છે. (જો કે અનુશાસન વ્યક્તિની આંતરીક દ્રઢતા અને શક્તિથી શક્ય બને છે) પરંતુ સમાજ બળપૂર્વક ભયથી શિસ્તબદ્ધ બને તેની જગ્યાએ અનુશાસિત બને તે વધારે મહત્વનું છે. સમાજ નિર્માણની પ્રક્રિયા ત્યારે જ સંભવિત બની શકે છે કે જ્યારે સમાજની માનસિકતા સામૂહિક રીતે બદલાય અને સમગ્ર સમાજ સંપૂર્ણ પરિવર્તન દ્વારા ક્રાંતિ તરફ દોરવાય.

ક્યારેક કેટલાંક લોકોના કારણે શુદ્ધ વૃતિ-બુદ્ધિવાળા અને વ્યક્તિત્વવાળા વ્યક્તિને તેમજ તેના વિચારોને ઉતારી પાડવામાં આવતા હોય છે. તે વ્યક્તિને ખોટો સાબિત કરવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય છે. આવો અન્યાયપૂર્ણ વ્યવહાર ભારતમાતાની જીવનપર્યંત આરાધના કરનાર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું સર્વસ્વ હોમી દેનાર વિનાયક દામોદર સાવરકર સાથે કરવામાં આવ્યો હતો. આ વ્યવહાર આજે પણ ચાલુ છે. તેમને કેટલાંક લોકો ઉગ્રવાદી અને કોમવાદી કહે છે! પણ તેઓ વીર સાવરકરના બલિદાનોની ઉપેક્ષા કરી અને તેમને આ પ્રકારના બિરુદો આપે છે. તેનું મુખ્ય કારણ વીર સાવરકરનું વ્યક્તિત્વ અને તેમના વિચારોની સ્પષ્ટતા છે. તેમણે હિંદુત્વનો વિચાર ત્રીસના દાયકાની શરૂઆતમાં એટલે કે 1923માં આપ્યો હતો. આ એવો વખત હતો કે જ્યારે હિંદુઓ પોતાને હિંદુ તરીકે ઓળખાવામાં શરમ અનુભવતા હતા અને ગોરાસાહેબોની નકલ ઉતારવામાં વ્યસ્ત હતા. આ મહાનુભાવો હિંદુ હોવાને કારણે પોતાને બીજા કરતાં ઉતરતા હોવાનું પણ માનતા હતા.

આવા કપરાકાળમાં વીર સાવરકરે હિંદુત્વની અવધારણા આપતાં જણાવ્યું હતું કે “હિંદુત્વ વધારે વિસ્તૃત છે, કારણ કે તેમા હિંદુઓના ધાર્મિક પક્ષ સિવાય સાંસ્કૃતિક, સામાજીક, રાજકીય અને ભાષાકીય પક્ષોનો પણ સમાવેશ થાય છે. ”(વીર સાવરકર: ધનંજય કીર, મુંબઈ પોપ્યુલર પ્રકાશન, 1966 પૃ.નં. 227-28) પ્રવર્તમાન સમયમાં હિંદુત્વની વિચારધારેને સંકુચિત સાબિત કરવાની કુચેષ્ટા સ્થાપિત હિતો ધરાવતા લોકો દ્વારા વારંવાર થઈ રહી છે. આવા લોકોને આંચકો લાગે તેવી વાત વીર સાવરકરે કરી છે. તેમમે હિંદુત્વને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે “હિંદુત્વનો ઉદભવ હિંદુ શબ્દથી જ થયો છે...હિંદુત્વ માત્ર શબ્દ નથી, પરંતુ તે એક સંપૂર્ણ ઈતિહાસ છે.” (હિંદુત્વ: સાવરકર, રાજધાની ગ્રંથાગાર, 1970 નવી દિલ્હી, પૃ.નં. 11-76)

વીર સાવરકર અને તેમના પ્રખર રાષ્ટ્રવાદી વિચારોને અરાષ્ટ્રીય અને કોમવાદી ગણાવીને હાંસિયામાં ધકેલી દેવાની કોશિશો તેમના જીવનકાળથી થઈ રહી છે. પણ વ્યક્તિના વિચારોની સ્પષ્ટતા, સચ્ચાઈ અને શક્તિથી તે વિચાર દ્રઢતાપૂર્વક આગળ વધે છે. જ્યારે જાગરૂકતા આવે છે, ત્યારે સમાજ તેને ધીમે ધીમે સ્વીકૃતિ આપીને સ્વીકારતો જાય છે. એક વખત હતો કે જ્યારે વ્યક્તિને પોતે હિંદુ છે, તેમ કહેવામાં શરમ આવતી હતી. પોતે પોતાની જાતને સુધારાવાદી દર્શાવવા માટે હિંદુ ધર્મને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતો હતો. આજે પણ હિંદુત્વ માટે ઘસાતુ બોલીને હંમેશા તેના પ્રત્યે નકરાત્મક અભિગમ રાખનારા બુદ્ધિજીવીઓની અને સુધારાવાદીઓની સમાજમાં કોઈ અછત નથી. પણ આવા લોકો હિંદુત્વની વ્યાપકતાથી અજાણ છે. જો કે આવી કેટલીક હિંદુદ્રોહી ટોળકીઓને બાદ કરતાં હિંદુ સમાજ પોતાની માનસિકતા બદલી રહ્યો છે.

“કાળ સ્વયં મારાથી ડરે છે, હું નહીં. અનેકવાર ફાંસીના ફંદાને ચુમીને, તેના સ્તંભોને ધ્રુજાવીને પાછો આવ્યો છું. આમ છતાં હું જીવિત રહ્યો, તે મૃત્યુની ભૂલ હતી.” 10 મે, 1952ના દિવસે પુણેની વિરાટ જાહેરસભાને સંબોધિત કરતાં ભારતના મહાન રાષ્ટ્રવાદી ક્રાંતિકારીએ મૃત્યુનો ઉપહાસ કર્યો હતો. આ નીડર ક્રાંતિકારી અન્ય કોઈ નહીં, પણ વીર સાવરકર હતા. તેમનો જન્મ મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાનકડાં ગામ ભંગૂરમાં દામોદર પંત સાવરકરના પરિવારમાં 28 મે, 1883માં થયો હતો. તેમના મોટાભાઈ ગણેશ સાવરકર અને નાનાભાઈ નારાયણ સાવરકર હતા. આ ત્રણેય સાવરકર બંધુઓએ ભારતીય ક્રાંતિકારી આંદોલનમાં અગ્રદૂત તરીકેની ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. જેવી રીતે રાજકુમાર સિદ્ધાર્થ અસહાય વૃદ્ધ અને મૃત વ્યક્તિને જોઈને મહાભિનિષ્ક્રમણ કરીને મહાત્મા બુદ્ધ બન્યા હતા. શિવરાત્રિના દિવસે રાજકોટના ટંકારા ખાતે શિવલિંગ પર ઉંદરોની ઉછળ-કૂદ જોઈને બાળક મૂળશંકરના જીવનમાં ક્રાંતિનો સૂત્રપાત થયો અને તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી બન્યા. તેવી જ રીતે ભારતને બ્રિટિશરોની પરતંત્રતામાંથી મુક્ત કરાવવા ચોફેકર બંધુઓના ત્યાગ અને બલિદાનની ગાથાએ વિનાયક દામોદર સાવરકરને ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીર સાવરકર બનાવી દીધા હતા.

તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા હતા. તેમણે ભારતીયતાને અનુકૂળ રાજકીય વિચારો આપ્યા હતા. જ્યારે ભારતના ભાગલા કરવા માટે જવાબદાર મુસ્લિમ લીગ 1906થી સબળ બની રહી હતી, તે મુસ્લિમોની પૃથક ઓળખ હોવાનું ઠસાવી રહી હતી, ત્યારે તે વખતના નેતાઓ મુસ્લિમ લીગની અરાષ્ટ્રીય પ્રવૃતિઓ સામે ઢીલું વલણ દાખવતા હતા. તેના કારણે સ્વાતંત્ર્યવીર સાવરકર બેહદ નારાજ હતા. સાવરકરે મુસ્લિમ લીગના લખનૌ અધિવેશનના પ્રસ્તાવોને હિંદુવિરોધી, ભારતીય વિરોધી અને અતિરીક્ત દેશીય નિષ્ઠાથી પરિપૂર્ણ ગણાવીને તેની તીવ્ર ટીકા કરી હતી. તેમણે મુસ્લિમ લીગની ફારસી લીપિ સહીતની ઉર્દૂ ભાષાને રાષ્ટ્રભાષા બનાવવાની માગણી, વંદેમાતરમ્ ગીતનો વિરોધ અને ભારતને મુસ્લિમ ભારત અને હિંદુ ભારતમાં વિભાજીત કરવાની યોજનાઓનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ક્રાંતિકારી પ્રવૃતિઓ અને કાળાપાણીમાંથી મુક્ત થઈને ભારતીય રાજનીતિમાં વીર સાવરકરનું આગમન થયું, તે પહેલા જ મુસ્લિમ લીગી કોમવાદી રાજનીતિનો ઉદય, વિકાસ અને ઉત્કર્ષ થઈ ચુક્યો હતો. 1920-22માં મહાત્મા ગાંધી દ્વારા ખિલાફત આંદોલન સાથે અસહયોગ આંદોલનને જોડવાનો નિર્ણય ભારતીય રાજનીતિમાં મુસ્લિમ કોમવાદના ઝેરને ઘોળવા બરાબર હતો. જેના કારણે કેરળના મલબારમાં મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયરે હજારો હિંદુઓનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કર્યું હતું અને તેનો વિરોધ કરનારાઓની નિર્મમ હત્યાઓ કરી હતી. મોપલા વિદ્રોહના નેતા અલી મુસલિયારે હિંદુઓ પરના મુસ્લિમોના અત્યાચારો અને બળજબરીપૂર્વકના ધર્માંતરણને યોગ્ય ગણાવીને બેશરમીપૂર્વક કહ્યું હતું કે “હિંદુ-મુસ્લિમોની સ્થાયી એકતા ત્યારે જ શક્ય છે કે જ્યારે બધાં હિંદુઓને મુસ્લિમ બનાવી દેવામાં આવે. જે હિંદુ આમ કરવાનો ઈન્કાર કરે, તે હિંદુ-મુસ્લિમ એકતાનો શત્રુ છે અને તેથી તે દેશદ્રોહી હોવાથી કતલ કરવા યોગ્ય છે.” (ગૃહવિભાગ-રાજનીતિક ફાઈલ ક્રમાંક 241-12/1921, ગ્રોથ ઓફ મુસ્લિમ પોલિટિક્સ ઈન ઈન્ડિયા, વાયલી, માથુર પૃ.નં.- 147-51) આ અલી મુસાલિયરના દુષ્કૃત્યોની નિંદા ન તો મહત્મા ગાંધીએ કરી અને ન તો ખિલાફત આંદોલનના નેતાઓએ! કેટલી સામ્યતા છે, અત્યારે પોતાને ધર્મનિરપેક્ષ અને વિકાસના તરફદાર કહેવડાવનારા નેતાઓમાં અને તત્કાલિન નેતાઓમાં?!

No comments:

Post a Comment