Friday, May 27, 2011

ભગતસિંહ : ‘થોભો,એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે’

>અંતિમ સમયે ઈશ્વરને યાદ કરીશ, તો તે બુજદિલ માનશે

ભગતસિંહ શું એક વ્યક્તિ હતા? જો ભગતસિંહ એક વ્યક્તિ હતા, તો તેને અંગ્રેજી હૂકુમતે 23 માર્ચ, 1931ના રોજ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. પરંતુ ભગતસિંહ માત્ર એક વ્યક્તિ ન હતા, તેઓ એક એવી વિચારસરણી બની ગયા હતા કે જેને આજે પણ ભારતના યુવાનો આદર્શ તરીકે માને છે. ભગતસિંહ એક વ્યક્તિ કરતાં એક વિચાર અને તેથી વધારે એક વિચારધારા વધારે હતા. અંગ્રેજોએ બહુ મોટી ભૂલ કરી કે તેઓ વ્યક્તિને મારી શક્યા, તેમના વિચારો આજે પણ જીવંત છે. માટે જ માણસને મારી શકાય છે, તેના વિચાર, તેની સારાસ, તેની નિર્ભયતા, તેના કામને ક્યારેય મારી શકાતું નથી.

ફાંસી પહેલાની શહીદ-એ-આઝમ ભગતસિંહની અંતિમ ક્ષણો પરના વિવરણો દર્શાવે છે કે આ માણસના વિચારો જેટલા નિડર હતા, ક્રાંતિકારી કાર્યોમાં જેટલાં બહાદૂર હતા, તેઓ તેટલી જ નિર્ભયતા સાથે મા ભારતીની આઝાદી માટે ફાંસીના માંચડે ચઢયા હતા. આ હુતાત્માએ પોતાના જીવનનું એક બહુ મોટા દેશકાર્ય માટે બલિદાન કર્યું હતું.

લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહે જણાવ્યું હતું કે 23 માર્ચ, 1931ની સાંજે ત્રણ વાગ્યે જ્યારે તેમને ફાંસીની ખબર પડી, તો તેઓ ભગતસિંહ પાસે ગયા અને કહ્યું કે “મારી માત્ર એક પ્રાર્થના છે કે અંતિમ સમયમાં વાહે ગુરુનું નામ લઈ લો અને ગુરુવાણીનો પાઠ કરી લો.”

નિર્ભય અને બહાદૂર સરદાર ભગતસિંહે જોરથી હસીને કહ્યું હતું કે “તમારા પ્રેમનો શુક્રગુજાર છું. પરંતુ હવે જ્યારે અંતિમ સમય આવ્યો. હું ઈશ્વરને યાદ કરી, તો તે કહેશે કે હું બુજદિલ છું. આખી જીંદગી તો તેને યાદ કર્યો નથી અને હવે મોત સામે નજરે પડવા લાગ્યું છે, તો ઈશ્વરને યાદ કરવા લાગું. માટે એ જ સારું હશે કે મે જે પ્રકારે પહેલા પોતાનું જીવન જીવ્યું છે, તેવી જ રીતે મારો અંતિમ સમય પણ ગુજારું. મારા ઉપર તો ઘણાં આરોપ લાગવાશે કે ભગત સિંહ નાસ્તિક હતા અને તેમણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો નથી, પરંતુ એ આરોપ તો કોઈ નહીં લગાવે કે ભગતસિંહ કાયર અને બેઈમાન પણ હતો અને અંતિમ સમયમાં તેના પગ લથડવા લાગ્યા હતા.” (ભગતસિંહ-પ્રો. દીદારસિંહ, પૃષ્ઠ ક્રમાંક-346)

ભગતસિંહે લાહોર જેલના ચીફ વોર્ડન સરદાર ચતરસિંહને આપેલા જવાબમાં અહંકારનો એકપણ છાંટો ન હતો, પણ પોતાને કોઈ કાયર-બેઈમાન ન ગણાવી જાય તેની સતર્કતા હતા. આધુનિક ભારતના ઈતિહાસમાં મોતને આટલી નિર્ભયતાથી મળનારા માણસોના કિસ્સાઓમાં શહીદે આઝમ ભગત સિંહની ફાંસી પહેલાની અંતિમ પળો સૌથી વધારે યાદગાર રહી છે.

>`થોભો, એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે`

ભગતસિંહને અંતિમ દિવસે મળનારાઓમાં તેમના સલાહકાર વકીલ પ્રાણનાથ મેહતા હતા. એક દિવસ પહેલા ભગતસિંહે તેમની પાસે લેનિનની આત્મકથા માંગી હતી. માટે અંતિમ દિવસે મેહતાજી ભગતસિંહને લેનિનની આત્મકથા આપી ગયા હતા.

આખરી ક્ષણો સુધી તેઓ ખૂબ નિષ્ઠા અને એકાગ્રચિતથી લેનિનની જીવનકથા વાંચી રહ્યાં હતા. જ્યારે જેલના કર્મચારી તેમને લેવા માટે આવ્યા, તો તેમણે કહ્યું હતું કે ‘થોભો એક ક્રાંતિકારીના બીજા ક્રાંતિકારીને મળવામાં અડચણ ન નાખો.’ ભગતસિંહે ફાંસીની સૂચના આપનારા અધિકારીને કહ્યું હતું કે થોભો એક ક્રાંતિકારી બીજાને મળી રહ્યો છે. જો કે ત્યાર બાદ એક મિનિટ બાદ પુસ્તક છત તરફ ઉછાળીને તેમણે કહ્યું હતું કે ‘ચાલો.’ ભગતસિંહ સાથે તેમના બે નજીકના સાથીદારો સુખદેવ અને રાજગુરુને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી.

ફાંસીના માંચડા તરફ આગળ વધી રહેલા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ગીત ગાઈ રહ્યાં હતા કે

દિલ સે નિકલેગી ન મરકર ભી વતન કી ઉલ્ફત,
મેરી મિટ્ટી સે ભી ખુશ્બુએ વતન આયેગી


23 માર્ચ, 1931ના રોજ સાંજે લગભગ 7-33 વાગ્યે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુને ફાંસીના માંચડે ચઢાવીને સરકારે તેમને શ્વાસ લેવાનો અધિકાર છીનવીને પોતાની પ્રતિહિંસાની તરસ છીપાવી લીધી હતી. અન્યાય અને શોષણ વિરુદ્ધ વિદ્રોહ કરનારા ત્રણેય તરુણોની જીંદગીઓ જલ્લાદે ફાંસીના ફંદામાં સમાપ્ત કરી નાખી.

>ફાંસી પહેલાં અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધન

ફાંસીના તખ્તા પર ચઢતી વખતે સરદાર ભગતસિંહે અંગ્રેજ મેજીસ્ટ્રેટને સંબોધિત કરીને કહ્યું હતું કે ‘મેજીસ્ટ્રેટ મહોદય તમે હકીકતમાં મોટા ભાગ્યશાળી છો, કારણ કે તમને આ જોવાનો અવસર પ્રાપ્ત થયો છે કે એક ભારતીય ક્રાંતિકારી પોતાના મહાન આદર્શ માટે કેવી રીતે હસતાં-હસતાં મૃત્યુને ભેટે છે.’

ફાંસીની સજા ભોગવતા પહેલા પોતાના ભાઈના નામે પોતાના આખરી પત્રમાં ભગતસિંહે લખ્યું હતું કે ‘મારા જીવનનું અવસાન નજીક છે, પ્રાત: કાલીન પ્રદીપ ઝગમગતો, મારા જીવન-પ્રદીપ ભારતના પ્રકાશમાં વિલીન થઈ જશે. આપણો આદર્શ, આપણાં વિચાર આખા સંસારમાં જાગૃતિ પેદા કરી દેશે. પછી જો આ મુઠ્ઠીભર રાખ વિનિષ્ટ થઈ જાય, તો તેનાથી સંસારનું શું બનશે કે બગડશે?’

જેમ જેમ ભગતસિંહનો અંત નજીક આવવા લાગ્યો તેમ દેશ તથા મહેનતકશ જનતાના ઉજ્જવળ ભવિષ્યમાં તેમની આસ્થા વધારે ઘેરી થતી ગઈ. મૃત્યુ પહેલા સરકારના નામ પર લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે ‘અતિ શીઘ્ર અંતિમ સંઘર્ષના આરંભની દુંદુભિ વાગશે. તેનું પરિણામ નિર્ણાયક હશે. સામ્રાજ્યવાદ અને મૂડીવાદ પોતાની અંતિમ ઘડીઓ ગણી રહ્યાં છે. અમે તેની વિરુદ્ધ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અમને તેના માટે ગર્વ છે.’

>ગાંધીજી સામે કાળા ઝંડા ફરક્યા

ભારતમાતાના ત્રણ સપૂતો-ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને એક સાથે ફાંસી આપ્યા બાદ અંગ્રેજોને આંદોલન ભડકી ઉઠવાનો ડર હતો. તેના કારણે જાલિમ અંગ્રેજોએ ત્રણેયના મૃત શરીરના ટુકડા કર્યા અને તેને બોરીઓમાં ભરીને ફિરોઝપુર તરફ લઈ ગયા. અહીં તેમના મૃત શરીરોના અવશેષોને ઘીના બદલે કેરોસિનથી બાળવા લાગ્યા. ગામના લોકોએ આગ જોઈ તો તેઓ તેની નજીક ગયા. તેનાથી ડરીને અંગ્રેજો શહીદોની લાશોના અડધા બળેલા ટુકડાઓને સતલજ નદીમાં ફેંકીને ભાગી ગયા. જો કે ગામના લોકોએ શહીદોની મોતનો મલાજો રાખીને તેમના મૃત દેહાવશેષો એકત્રિત કરીને તેનો વિધિવત દાહસંસ્કાર કર્યો. ભગતસિંહ મૃત્યુ સુધી એક વ્યક્તિ હતા, પરંતુ મૃત્યુ બાદ તત્કાલિન યુવા માનસમાં એક વિચારનું સ્વરૂપ લઈ ચુક્યા હતા. આજે પણ ભગતસિંહના વિચારોને ભારતના અનેક યુવાનો આદર્શ માની રહ્યાં છે. ભગતસિંહ લોકોના હ્રદયમાં અમર થઈ ગયા.

આ ઘટનાક્રમ બાદ અંગ્રેજો સાથે ગાંધીજીને પણ લોકો શહીદ ભગતસિંહના મોત માટે જવાબદાર સમજવા લાગ્યા હતા. તેના કારણે જ્યારે ગાંધીજી કૉંગ્રેસના લાહોર અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યાં હતા, તો લોકોએ કાળા ઝંડાઓથી ગાંધીજીનું સ્વાગત કર્યું હતું. કોઈક જગ્યાએ ગાંધીજી સાથે ઉગ્ર વર્તન પણ થયું.

તમારો અભિપ્રાય

તમને લાગે છે કે વ્યક્તિને મારવો સરળ છે, પરંતુ તેના વિચાર અને તેણે આપેલી વિચારધારા ખતમ કરવી ઘણી અઘરી છે? આજના ભારત માટે ભગતસિંહના વિચારો અને તેમના જેવી નીડરતા કેટલી પ્રાસંગિક છે? શું ભગતસિંહે જોયેલા સપનાંઓ પૂરાં કરવાની શક્તિ ભારતનો યુવાવર્ગ ધરાવે છે? ભારતનો યુવાવર્ગ કોઈ સબળ નેતૃત્વ નીચે ભારતને તેના સર્વોચ્ચ સમૃદ્ધિના શિખરે લઈ જવામાં કામિયાબ રહેશે? તમારો અભિપ્રાય શહીદે આઝમ ભગતસિંહ તરફ કૃતજ્ઞતા અને સમ્માન દર્શાવીને નીચેના કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

No comments:

Post a Comment