Friday, May 27, 2011

ભારતની આશા પરિવર્તનની પરાકાષ્ઠાથી ક્રાંતિનો લક્ષ્યવેધ

ભારતને પરિવર્તનની ખ્વાહીશ છે. પરિવર્તનના પથ પર ભારત આગળ વધી રહ્યું છે. આ પરિવર્તન પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે ક્રાંતિ સર્જાશે. આ ક્રાંતિની ભારતને અને ભારતના તમામ લોકોને ઈચ્છા છે. રસ્તો સૌના સામૂહિક ભગીરથ પ્રયાસ થકી જ મળવાનો છે.

જો પરિવર્તનની ખ્વાહીશ છે. તો પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું પડે. પરિવર્તનની પ્રક્રિયામાં સપાટી પર અશાંતિ વર્તાય છે. પરંતુ પરિવર્તનની પ્રક્રિયા સમાપ્ત થયા બાદ શાંતિ સર્જાય છે. પરિવર્તનની પ્રક્રિયા દરમિયાન સપાટી પરની અશાંતિથી ગભરાયને શાંતિ સર્જવાનો પ્રયાસ ખતરનાક હોઈ શકે છે. આવો પ્રયાસ ક્રાંતિને રોકનારો બને છે. ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયાનું સર્વોચ્ચ શિખર છે. કોઈ ક્રાંતિ વિશ્વમાં એકદમ નથી સર્જાય, તેના કેટલાંક કારણો હતા, તે કારણોએ પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવી કે ધીમી બનાવી. પરંતુ તે પ્રક્રિયાને ધીમી કે ઝડપી બનાવનારા કારણોને જોયા વગર જ ક્રાંતિને ઝડપી અને ધીમી ગણાવાની અને તે રીતે મુલવવાની વાત કરવામાં આવે છે.

ક્રાંતિ ક્યારેય કોઈની મંજૂરી લઈને થતી નથી. ક્રાંતિ સમૂળગું પરિવર્તન છે, સંપૂર્ણ પરિવર્તન છે. પરિવર્તનની પ્રક્રિયા વખતે જૂની વસ્તુ ક્યારેક સંપૂર્ણપણે સમાપ્ત થઈ જતી હોય છે, તો ક્યારેક તેનું સ્વરૂપ બદલાય જતું હોય છે. પણ તે પરિવર્તનની પ્રક્રિયા અથવા ક્રાંતિ તેને કરનારા લોકોના સ્વભાવ, સંસ્કૃતિ, સમાજ અને ઈતિહાસને ધ્યાનમાં રાખીને થતી હોય છે. કોઈક હિંસક ક્રાંતિ હોય છે, તો કોઈક અહિંસક ક્રાંતિ. પરંતુ હકીકત એ છે કે ક્રાંતિ કોઈપણ પ્રકારની હોય તે વાસ્તવિક રીતે પરિવર્તનનું પ્રભાત છે. એવું પ્રભાત કે જે પ્રભાત નવી આશા, નવા સંચાર, નવા સ્વરૂપ, નવી ઈચ્છા નવી બાબતોને લઈને આવે છે. પરિવર્તનની પ્રક્રિયા ક્રાંતિ ત્યારે જ બની શકે છે, કે જ્યારે તે સકારત્મકતા માટે હોય, સારી બાબતો માટે હોય, સૌના કલ્યાણ માટે હોય, જેમાં સર્વોચ્ચ રાષ્ટ્રીય હિતો અને આશાઓનું સંરક્ષણ થતું હોય.

પરિવર્તનથી ક્રાંતિ એક અકબંધ પ્રક્રિયા છે. પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે અને ક્રાંતિ તે પરિવર્તનને અચાનક લાવનાર, સામે દેખાડનારી પરિવર્તનની ચરમસીમા છે. આવી ક્રાંતિને તેની પ્રક્રિયાઓને રોકવી એટલે કે લોકોની, સમાજની અને દેશની અભિવ્યક્તિને રોકવાનું મહાપાપ છે. જો સારા માટે થતું હોય તો તે ઈષ્ટ છે અને તેને રોકવું અસ્થાને છે. આવા ક્રાંતિ વિરોધી લોકો ખરેખર પરિવર્તનના દુશ્મન છે. નામંજૂર કરી દો, નિષ્ફળતાઓને..નામંજૂર કરી દો પ્રગતિ વિરોધી સૂરોને અને પરિવર્તન માટે દિલથી પ્રયત્ન આરંભી દો, પરિવર્તન માટે તીવ્રતાથી કોશિશ કરો. બસ ક્રાતિ મળી જશે.

પણ ક્રાંતિ માટે જૂની ઈમારતને તોડવી પડશે. તેને તહેસનહેસ કરવી પડશે. પણ તે તોડતી વખતે સંકલ્પ કરવો પડશે કે નવી ઈમારત બનશે, તે સૌથી શ્રેષ્ઠ બનશે અને જે ઈમારત તોડીએ છીએ તે ઈમારત હાલના સમયને અને પરિસ્થિતિને અનુકૂળ નથી, તેની ખાતરી પણ કરવી જોઈશે. પણ જો જૂની ઈમારતના પાયા પર નવી ઈમારત બનશે, તો કદાચ તેના પર જૂની ઈમારતની કંઈક છાપ તો રહેશે. પણ પાયા પણ નવા ખોદવા જોઈએ કે જેથી નવી બનનારી ઈમારત પર જૂની ઈમારતની કોઈ જ છાપ ન રહે. આ પરિવર્તનની પરાકાષ્ઠાની ક્રાંતિ કોઈપણ સંજોગોમાં કોઈનાથી રોકાવાની નથી.

ભારતને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જવા માટે આવી કોઈ ક્રાંતિની જરૂર છે. એક અમેરીકી રિપોર્ટ પ્રમાણે, ભારત ગ્લોબલ ગવર્નન્સના મામલામાં વિશ્વનો ત્રીજો સૌથી વધારે શક્તિશાળી દેશ છે. આ રિપોર્ટને અમેરીકાની નેશનલ ઈન્ટેલિજન્સ કાઉન્સિલ અને યુરોપિયન યુનિયનના ઈન્સ્ટિટયુટ ફોર સિક્યુરીટી સ્ટડીજ દ્વારા સાથે મળીને જારી કરવામાં આવ્યો છે. આ યાદીમાં જાપાન, રશિયા અને બ્રાઝિલ જેવા દેશો ભારતથી નીચે છે. આ રિપોર્ટ પ્રમાણે, 2025 સુધીમાં ગ્લોબલ ગવર્નન્સના મામલામમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઈ જશે.

ત્યારે વાચક મિત્રો ભારતને પ્રગતિ અને વિકાસના પથમાંથી હટાવનારી કોઈ પણ હરકત કરવાની કોઈપણ ‘અનિષ્ટ’ને મંજૂરી આપી શકાય? ભારત પ્રગતિના પંથે આગળ ધપીને એક પરિવર્તનની પ્રક્રિયાને તેની પરાકાષ્ઠાએ પહોંચાડીને ક્રાંતિ કરી રહ્યું છે? આ ક્રાંતિને તેના સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે ભારતીય તરીકે તમે શું વિચારો છો?

તમારા અભિપ્રાયો નીચે દર્શાવેલા ફીડબેક ફોર્માં અમને મોકલી શકો છો. આપના અભિપ્રાયો આવકાર્ય છે.......

No comments:

Post a Comment