ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

2014 PM: 85 (અડવાણી)-61 (મોદી) V/S 41 (રાહુલ)- 40 (પ્રિયંકા)


pm canditates for 2014 election advani-modi vs. rahul-priyanka gandhi

2014ની લોકસભાની ચૂંટણીને હજી 2 વર્ષ જેટલો સમય બાકી છે. પરંતુ દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે, તેની ચર્ચા દેશ-દુનિયામાં ચાલી રહી છે. અમેરિકાની એક સરકારી એજન્સીના રિપોર્ટ પ્રમાણે, 2014નો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો બનશે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન-વિકાસની સાથે સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસન અને વિકાસના પણ વખાણ કરવામાં આવ્યા છે.

પરંતુ વડાપ્રધાન બને તેવા ‘મુરતિયાં’ની ભારતમાં કોઈ કમી નથી. ભારતમાં વડાપ્રધાન બનવું ઘણી વખત સંજોગોની વાત પણ બની જાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે તત્કાલિન મોટાભાગની કોંગ્રેસ સમિતિઓએ સરદાર પટેલ પર પસંદગી ઉતારી હતી, પરંતુ મહાત્મા ગાંધીના કહેવાથી સરદાર પટેલે જવાહરલાલ નેહરુની તરફેણમાં પોતાની દાવેદારી જતી કરી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 40 વર્ષના રાજીવ ગાંધી વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા. પોતાની રાજકીય કારકિર્દી અસ્તાંચળે હતી, ત્યારે નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. દેવેગૌડાને પ્રાંતિય સ્તરના નેતા ગણવામાં આવતા હતા અને તેઓ જોડતોડના રાજકારણમાં દેશના વડાપ્રધાન બની ગયા. મનમોહન સિંહ પણ વડાપ્રધાનની દોડમાં ક્યાંય સામેલ ન હતા. પરંતુ સોનિયા ગાંધીને પોતાના ‘ત્યાગ’ બાદ દેશ માટે એક સીઈઓની જરૂર હતી અને 72 વર્ષના મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દેવાયા.

અત્યારે પણ દેશમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાસે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહીતના બે ઉમેદવારો ઉપલબ્ધ છે. જો કે કોંગ્રેસના અમુક લોબિસ્ટો પ્રિયંકા ગાંધી વાઢેરાને પણ વડાપ્રધાનની દોડમાં આગળ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆતમાં રાજકારણમાં જોડાવાનો સ્પષ્ટ નનૈયો ભણાનારા પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં યૂપી ચૂંટણી પ્રચારમાં સંકેતો આપ્યા છે કે જરૂરત પડશે તો તેઓ પણ રાજકારણમાં આવી શકે છે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે હાલ સમય રાહુલ ગાંધીનો છે, પ્રિયંકાનો પણ સમય આવશે. એટલે કોંગ્રેસ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ત્રીજું નામ પણ બિનઆધિકારીક રીતે ઉમેરાય જાય છે, પ્રિયંકા ગાંધીનું! આમ પણ કોંગ્રેસીઓ અને જનતાને પ્રિયંકા ગાંધીમાં દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની છાંટ દેખાય છે. આજે પણ ઈન્દિરા ગાંધી દેશના મજબૂત નેતૃત્વનો બિનહરીફ માઈલસ્ટોન છે. ઈન્દિરા ગાંધીએ મજબૂત નેતૃત્વના સેટ કરેલા માપદંડોને આજે પણ જનતા સ્વીકારી રહી છે.

પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ દ્વારા આપવામાં આવેલા સંકેતો પ્રમાણે, તેઓ રાજકારણમાં ઝુકાવશે. જો પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશ કરશે, તો તેઓ કોઈ નાના પ્રધાનપદ પર આસિન થવા માટે પ્રવેશ નહીં જ કરે. તેમના માટે દેશના શીર્ષસ્થ સ્થાન ખાલી કરી દેવામાં આવશે. પરંતુ હાલ ખરેખર સમય રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીના નેતૃત્વને કોંગ્રેસમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવા માટે પાર્ટીની ટોપ બ્રાસ પ્રયત્ન કરી રહી છે.

દિવંગત કોંગ્રેસી નેતા અર્જૂન સિંહે સૌ પ્રથમ વખત દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. ત્યાર બાદ દિગ્વિજય સિંહ, બેનીપ્રસાદ વર્મા, રીટા બહુગુણા જોશીથી માંડીને કોંગ્રેસના નાના-મોટા નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે જોવા માટે ઉતાવળા બની ગયા છે. ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે પણ રાહુલ ગાંધી માટે પદ ખાલી કરી દેવાની તૈયારી દેખાડતું નિવેદન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરી અને ખુદ સોનિયા ગાંધી ચાહે છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસની અંદર વંશપરંપરાગતની જગ્યાએ તાર્કિક બને. તેને કારણે પહેલા બિહારની ચૂંટણી અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશની ચૂંટણીની જવાબદારી રાહુલ ગાંધીના સિરે નાખવામાં આવી છે.

બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ મળી. પરંતુ આશા કરવામાં આવે છે કે યૂપીમાં કોંગ્રેસ આ વખતે સારો દેખાવ કરશે. યૂપીમાં કોંગ્રેસના દેખાવ પર રાહુલ ગાંધીનું આગામી રાજકીય ભવિષ્ય જોડાયેલું છે. જો રાહુલ ગાંધી પોતાના નેતૃત્વની તાર્કિકતા જનતામાં વિજય સાથે સાબિત કરી નહીં શકે તો બની શકે કે બે ટર્મ મનમોહન સિંહ બાદ આગામી ચૂંટણી બાદ જીત મળે તો પ્રણવ મુખર્જી જેવા નેતાનો પણ વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચાર કરે.

સામે પક્ષે ભાજપમાં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવાના મુદ્દે રમખાણ મચી ગયું છે. ગત લોકસભા ચૂંટણીમાં એલ. કે. અડવાણીને એનડીએ તરફથી વડપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે 2009ની ચૂંટણીના લગભગ દોઢ વર્ષ પહેલા એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ એનડીએએ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે અડવાણીના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત ઘણી સૂચક હતી. જો કે 2009ની વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, સુનિલ મિત્તલ સહીતના ઉદ્યોગપતિઓએ દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને આગળ કર્યું હતું.

વિશ્લેષકોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન તરીકે બિનઆધિકારીક રીતે ઉદ્યોગપતિઓના માધ્યમથી આગળ કરવામાં આવેલું નામ મતદારો માટે ગુંચવાડામાં નાખનારું હતું. તેના કારણે ભાજપને રાજકીય નુકસાન પણ ઉઠાવવું પડયું છે.

જો કે ત્યાર બાદ સંઘના દોરીસંચારથી અડવાણીની ભાજપમાં પાંખો કાપી નાખવામાં આવી. હવે સંઘના ફરમાન પ્રમાણે, અડવાણી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં નથી. પરંતુ ભાજપનું એક ચોક્કસ જૂથ હજી પણ અડવાણીમાં વડાપ્રધાન બનાવાની સંભવાના તેમના 85 વર્ષની જૈફવયે પણ જોઈ રહ્યું છે. તો બીજી તરફ 61 વર્ષના મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપમાં એક જૂથ સક્રિય થયું છે. તાજેતરમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ ટેલિવિઝન ચેનલની મુલાકાતમાં કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે બાદમાં તેમણે પોતાના નિવેદન સંદર્ભે એમ પણ કહ્યુ હતુ કે આ પાર્ટીનો મત નથી, પાર્ટી સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરશે. આમ જોવો તો નરેન્દ્ર મોદી પીએમ મટિરિયલ હોવાની વાત ભાજપના એકાદ અપવાદરૂપ નેતાને બાદ કરતાં બધાં જ કરી રહ્યા છે, પરંતુ તેઓ જ માત્ર પાર્ટીના વડાપ્રધાન પદના નેતા હોવા જોઈએ તેવું ભાજપના કોઈ નેતા કહી રહ્યા નથી. બધાં આ વાત પર છટકી જવાનો પ્રયત્ન વધારે કરે છે.

ભાજપની અંદર લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની રેસમાં સામેલ છે. આ સિવાય ક્યારેક નીતિન ગડકરી અને રાજનાથ સિંહ સહીત અન્ય નામો પણ ઉછળતા રહ્યા છે. જો કે બંનેએ પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો છે. તો વળી જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં ‘ડાર્ક હોર્સ’ ગણવામાં આવી રહ્યા છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને કે એનડીએમાં ભાજપનું સ્થાન નબળું બને અને 2014માં જેડીયૂનો દેખાવ ધાર્યા કરતા વધારે સારો થાય.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ માટે ઘણી મહેનતની કવાયત થઈ પડશે. જો કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીને જનતામાં તાર્કિક રીતે સાબિત કરી શકશે, તો કોંગ્રેસમાં 2014ની ચૂંટણી માટે 42 વર્ષના રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકશે. પ્રિયંકા ગાંધીએ પણ રાજકારણમાં આવવાના સંકેતો આપી દીધા છે, ત્યારે 40 વર્ષના પ્રિયંકા ગાંધી પણ સંજોગો ઉભા થશે તો વડાપ્રધાનની રેસમાં આગળ આવી જશે.

તો સામે પક્ષે ભાજપમાં 85 વર્ષના અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બહાર હાંકી કાઢયા છે, પરંતુ એનડીએમાં સ્વીકૃત નેતાગીરીની વાત આવશે ત્યારે તેમના નામનો વિચાર થવાની શક્યતા જાણકારો નકારતા નથી. તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઘોડો પણ વિનમાં છે. અનિલ અંબાણીએ ધીરુભાઈ અંબાણીની વાતને ટાંકીને નરેન્દ્ર મોદીને લાંબી રેસનો ઘોડો કહ્યા છે. ત્યારે 61 વર્ષના મોદી પણ વડાપ્રધાન પદના ભાજપ તરફથી ઉમેદવાર બની શકશે. આવી સ્થિતિમાં મુકાબલો રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ અડવાણી-મોદીનો રહેશે.

જો કે હાલ વાત યુવા નેતૃત્વની થઈ રહી છે, ત્યારે 85 વર્ષના અડવાણી કરતાં 61 વર્ષના મોદી યુવાન છે. અને તે બંને કરતાં 40-42 વર્ષની ઉંમર ધરાવતા પ્રિયંકા અને રાહુલ ગાંધી વધારે યુવાન છે. 2014માં મતદારો જણાવશે કે દેશનું નેતૃત્વ ક્યાં યુવાન નેતાના હાથમાં જાય?

સોમવાર, 6 ફેબ્રુઆરી, 2012

યૂપીના મહાભારતમાં રાહુલ-પ્રિયંકા, 2014માં તાજપોશી માટેની નેટ પ્રેક્ટિસ!


pm candidates of congress will be young now

તાજેતરમાં ભારતીય રાજકારણમાં યુવા નેતૃત્વની ભારે ચર્ચા છે. કોંગ્રેસ હોય કે ભાજપ પરંતુ તેઓ નેતાગીરીમાં યુવાનોની વાત કરી રહ્યા છે. કોંગ્રેસમાં નેહરુ-ગાંધી પરિવારના ફરજંદ રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને કોંગ્રેસની તમામ મશીનરી રાહુલ ગાંધીને તેમના વંશ સિવાય તાર્કિક રીતે પક્ષમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે.

રાહુલ ગાંધીએ યૂથ કોંગ્રેસમાં આગળ પડતો ભાગ લીધો છે અને સાથે સક્રિય રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા નિભાવી છે. બિહાર વિધાનસભામાં કોંગ્રેસના રકાસ બાદ રાહુલ ગાંધીની આકરી ટીકા થઈ હતી. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી યૂપીમાં પણ કોંગ્રેસની આગેવાની લઈ રહ્યા છે. યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવનો યશ-અપયશ રાહુલ ગાંધીના માથે ઓઢાડવામાં આવશે. જો યૂપીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના કોંગ્રેસી ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે તેવી વાત પણ ખૂબ પ્રચલિત બની છે.

તાજેતરમાં ચૂંટણી પ્રચારમાં ઉતરેલા પ્રિયંકા ગાંધી અને તેમના પતિના નિવેદનો પણ દર્શાવી રહ્યા છે કે કોંગ્રેસનું સમગ્ર ધ્યાન રાહુલ ગાંધીની નેતાગીરીને તાર્કિક બનાવવા પર છે. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે તેમને જરૂર લાગશે, તો તેઓ રાજકારણમાં આવશે. એટલે કે તેનો ગર્ભિત અર્થ એવો તો નથી ને- કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીની તાર્કિકતા જનતામાં સાબિત કરવામાં નિષ્ફળ જશે તો તેઓ રાજકારણમાં આવશે.

તાજેતરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે તેઓ વરસાદી દેડકી જ છે અને ચૂંટણી સમયે જ બહાર આવે છે. પરંતુ તેમણે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા કહ્યુ કે તેમને જ્યારે જરૂર લાગશે ત્યારે તેઓ રાજકારણમાં આવશે. તેમણે કહ્યુ કે તમે પહેલા રાજનાથજી અને માયાવતીને પુછી આવો કે શું તેઓ રાજકારણમાં આવે? તેમણે કહ્યું હતું કે તેઓ જ્યારે રાજકારણમાં આવશે, ત્યારે તમને આપોઆપ ખબર પડી જશે.

રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે અત્યારે રાહુલ ગાંધીનો સમય છે, પ્રિયંકાનો સમય પણ આવશે. તેમણે ખુદ પણ રાજકારણમાં ઉતરવાની ગર્ભિત ઈચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરતા કહ્યુ છે કે તેમને લાગશે કે તેઓ પરિવર્તન કરી શકશે તેવું લાગશે અને જનતા ઈચ્છશે ત્યારે તેઓ રાજકારણમાં ઉતરશે.

યુવાનો દેશની દશા અને દિશા બદલતા હોય છે. ભારતની આઝાદીની લડાઈથી માંડીને દુનિયાની મોટામાં મોટી ક્રાંતિ તેની સાક્ષી છે કે યુવાનો વગર કોઈ પરિવર્તન ક્યાંય પણ શક્ય નથી. યુવાનોની તકદીર દેશની તકદીર હોય છે. જ્યારે યુવાનોનું ભાગ્ય બદલાય છે, ત્યારે દેશનું ભાગ્ય પણ આપોઆપ બદલાય જાય છે.

પરંતુ ભારતમાં રાજીવ ગાંધી સિવાય કોઈ યુવા અવસ્થામાં વડાપ્રધાન બની શક્યું હોય તેવું શક્ય બન્યું નથી. ભારતમાં રાજકારણને ઢળતી ઉંમરનો ખેલ ગણવામાં આવી રહ્યો છે. કબરમાં પગ લટકતા હોય અથવા તો ઘૂંટણ બરોબર કામ કરતાં ન હોય તેવા વખતે દેશના વડાપ્રધાન બની જવાના કિસ્સા ભારતમાં સામાન્ય છે.

ભારતમાં 50ના નેતાને યુવાન કહેવામાં આવે છે, ત્યારે 40થી 45 વર્ષની ઉંમરના નેતાઓ વિશ્વના મહાસત્તા તરીકે પ્રસ્થાપિત દેશોના સુકાન સંભાળે છે. બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરુનની ઉંમર 43 વર્ષ છે, બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ 45થી ઓછી ઉંમર ધરાવતા હતા. બિલ ક્લિન્ટન પણ ઓછી ઉંમર ધરાવતા હતા. રશિયાના વ્લાદિમીર પુતિન પણ બોરિસ યેલસ્તિન પાસેથી સત્તાના સુકાન સંભાળ્યા ત્યારે યુવાન હતા.

પરંતુ ભારતમાં સ્થિતિ તદ્દન ઉલ્ટી છે. ભારતમાં જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ગુલઝારીલાલ નંદા 66 વર્ષે, લાલબહાદૂર શાસ્ત્રી 60 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે, મોરારજી દેસાઈ 81 વર્ષે, ચરણસિંહ 77 વર્ષે, રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે, વી. પી. સિંહ 58 વર્ષે, ચંદ્રશેખર 72 વર્ષે, નરસિંહરાવ 70 વર્ષે, વાજપેયી 72 વર્ષે, દેવેગૌડા 63 વર્ષે, આઈ. કે. ગુજરાલ 78 વર્ષે અને મનમોહન સિંહ 72 વર્ષે વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતનું નેતૃત્વ સંભાળ્યું હતું અને યુવાનીમાં સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવનારા સરેરાશ નેતાઓ 60 વર્ષથી ઉપરના હતા. જેના કારણે વર્ષો સુધી ભારતમાં વયોવૃદ્ધ નેતાઓનું રાજનીતિમાં ભારે વર્ચસ્વ રહેલું છે.

પરંતુ ઉપરોક્ત આંકડા પરથી એક આંખ ઉડીને આંખે વળગે છે કે જવાહરલાલ નેહરુ 58 વર્ષે, ઈન્દિરા ગાંધી 49 વર્ષે અને રાજીવ ગાંધી માત્ર 40 વર્ષે વડાપ્રધાન બન્યા હતા. આમા એક વાત સામાન્ય છે કે જવાહરલાલ નેહરુ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમની ઉંમર ચાલીસ વર્ષની હતી. તેમને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા બાદ કોંગ્રેસમાં યુવાનોની વાત અને યુવા નેતૃત્વની વાત કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીને પણ રાજકારણમાં પ્રસ્થાપિત કરવા માટે યુવા નેતૃત્વની વાત કરીને મોરારજી દેસાઈ અને કામરાજ જેવા જૈફ વયના રાજકારણીઓને સર્વોચ્ચ નેતૃત્વ લેવાથી દૂર રાખવામાં આવ્યા હતા.

ઈન્દિરા ગાંધીની દુર્ભાગ્યપૂર્ણ હત્યા બાદ કોંગ્રેસના નેતૃત્વે રાજીવ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવી દીધા હતા. તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. રાજીવ ગાંધીના સમયગાળામાં પણ દેશમાં યુવાનોને રાજકારણમાં આગળ આવવાની વાત ફરીથી ઉછળી હતી. રાજીવ ગાંધીએ 18 વર્ષની વયના વ્યક્તિને મતાધિકાર આપીને યુવાકાર્ડ ખેલ્યું હતું.

હાલ યુવાનોના નેતૃત્વની વાત કરનારી કોંગ્રેસે રાજીવ ગાંધીની હત્યા બાદ થયેલી ચૂંટણીમાં 70 વર્ષના નરસિંહરાવને વડાપ્રધાન બનાવ્યા હતા. તો 2004ની ચૂંટણી બાદ સોનિયા ગાંધીના વડાપ્રધાન પદના ત્યાગના એપિસોડ બાદ 72 વર્ષના ડૉ. મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ છે કે શું આ બંને પ્રસંગે કોંગ્રેસ પાસે યુવા નેતૃત્વનો કોઈ વિકલ્પ હતો નહીં? અથવા કોંગ્રેસમાં યુવા નેતૃત્વના વિકલ્પ માત્ર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વઢેરા જ છે.

દેશની 15 લોકસભામાં 2009માં ચૂંટાયેલા 79 સાંસદો 40 વર્ષથી નીચેની ઉંમરના હતા. માત્ર 36 સાંસદો 70 વર્ષ કે તેથી ઉપરની ઉંમરના હતા. હાલની લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર 53.30 વર્ષ છે. રાહુલ ગાંધી હાલ 42 વર્ષના છે અને પ્રિયંકા ગાંધી 40 વર્ષના છે.

ભારતમાં છેલ્લા એક દશકાથી દેશમાં યુવા નેતૃત્વની વાત થઈ રહી છે. આરએસએસના તત્કાલિન સરસંઘચાલક કે. એસ. સુદર્શને અટલ-અડવાણીના જૈફ નેતૃત્વ પર ગાળિયો કસવા યુવાનોના હાથમાં નેતૃત્વ આપવાની વાત કરી હતી. ત્યાર બાદ ખુદ તેમણે સરસંઘચાલક પદ છોડીને મોહન ભાગવતને સરસંઘચાલક પદ આપ્યું હતું. યુવા નેતૃત્વની વાતથી 86 વર્ષના અડવાણીના વડાપ્રધાન પદે આસિન થવાની આશાઓ બિલકુલ ઝાંખી થઈ છે. તો કોંગ્રેસમાં યુવા નેતૃત્વની લહેરે યુવા કોંગ્રેસ અને યૂથ કોંગ્રેસના રાહુલ ગાંધીના રાજકારણથી પોતાને પક્ષના નેતૃત્વ પર જનતાની નજરમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

હાલના પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાઢેરાના નિવેદનો પરથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે તેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે પહોંચાડવા માટેના તમામ રસ્તા મોકળા રાખ્યા છે. તેમના તરફથી હાલ કોઈ વિકલ્પ કોંગ્રસીઓ માટે ઉપલબ્ધ નથી. જો કે ભવિષ્યમાં તેઓ વિકલ્પ બની શકે તેવું પણ તેમના નિવેદનો પરથી પ્રતિપાદિત થઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી કરતાં પણ ઈન્દિરા ગાંધીના પડછાયા સમા પ્રિયંકા ગાંધી વાઢેરાને વધારે ક્રાઉડ પુલર માનવામાં આવે છે. ત્યારે વડાપ્રધાન બનવાની પોતાની અટકળો વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમનો ઉદેશ્ય વડાપ્રધાન બનવાનો નથી. તેઓ યૂપીમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે.

પરંતુ અત્યારે તમામ કોંગ્રેસી મશીનરી યૂપીમાં જીત હાસિલ કરીને રાહુલ ગાંધીને રાજકારણમાં પ્રસ્થાપિત કરવામાં લાગી ગઈ છે. પરંતુ ભારતનું દુર્ભાગ્ય છે કે સદભાગ્ય પણ 60થી નીચેની ઉંમરે વી. પી. સિંહના અપવાદને બાદ કરતાં માત્ર નેહરુ-ગાંધી પરિવારના વ્યક્તિઓ જ વડાપ્રધાન બની શકે છે. તેમા રાહુલ ગાંધી માટે પણ યૂપીમાં કોંગ્રેસના સારા દેખાવ સાથે વડાપ્રધાન બનવા માટેના દરવાજા તાર્કિક રીતે ખુલ્લા થઈ જશે.

શનિવાર, 4 ફેબ્રુઆરી, 2012

સદભાવના મિશન એટલે મોદીનો ગુજરાતમાં પ્રિપોલ સર્વે


sadbhavna mission is modi's prepole servey in gujarat

ગુજરાતમાં સદભાવના મિશન થકી નરેન્દ્ર મોદી નવા રાજકીય પ્રયોગો કરી રહ્યા છે. આના દ્વારા પ્રજાનો મૂડ જાણવા માટે કોઈ પ્રિપોલ સર્વે થઈ રહ્યો હોય તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. મોદીના સદભાવના મિશનમાં વિરોધીઓને પડકાર ઝીલવા આહ્વવાન અને પોતાની રાષ્ટ્રીય છબી વધુ ચમકાવાની વ્યૂહરચના પણ સામેલ છે. મોદી દરેક સદભાવના કાર્યક્રમમાં તેમની સરકાર દ્વારા થયેલા વિકાસના કાર્યોને ખૂબ પબ્લિસિટી કરી રહ્યા છે. આને રાજકીય વિશ્લેષકો 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 150 બેઠકો જીતાડવાની મોદીની વ્યૂહરચના તરીકે જોઈ રહ્યા છે.

નરેન્દ્ર મોદી દેશના એવા રાજકારણી છે કે જેમને પસંદ કરો કે નાપસંદ, પણ તેમને અવગણી શકો નહીં. આઝાદ ભારતના પ્રવર્તમાન રાજકારણમાં નરેન્દ્ર મોદી એવું નામ છે કે તેમને દેશ-દુનિયાના સમાજ અને રાજકારણના ચોક્કસ વર્ગમાંથી નાપસંદગીનો સામનો કરવો પડે છે. પરંતુ તેમના તરફ સદભાવના દાખવનારાઓની સંખ્યા ગુજરાતમાં ઘણી મોટી છે. જો કે 17 સપ્ટેમ્બર, 2011થી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલું સદભાવના મિશન તેના આખરી તબક્કામાં છે. 55 કલાકના સદભાવના ઉપવાસ શરૂ કરીને મોદીએ અમદાવાદ ખાતે પોતાના રાજકારણને નવી દિશા આપવાનું નક્કી કર્યું. તેમ છતાં તેઓ આ સદભાવના ઉપવાસને રાજકીય પગલું ગણાવતા નથી. ગુજરાતભરના જિલ્લા મથકો પર મોદીના સદભાવના મિશન અંતર્ગત ઉપવાસના આખરી તબક્કામાં રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.

ગુલમર્ગ કાંડના એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આ મામલો અમદાવાદની સ્થાનિક કોર્ટને સોંપી દીધો છે. જેને મોદીએ પોતાને મળેલી જીત ગણીને સદભાવના મિશનનું એલાન કર્યું. જો કે આ મામલે અર્થઘટનના અલગ અભિપ્રાયો પણ પ્રવર્તી રહ્યા છે. પરંતુ અહીં તેમણે પોતાના પરના રમખાણોના ડાઘ ધોઈને રાષ્ટ્રીય રાજકારણમાં સ્વીકૃત થવાનો મોકો ઝડપી લીધો છે. સદભાવના ઉપવાસના પ્રથમ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે અડવાણી, અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહીતના ભાજપના મોટા ગજાના નેતાઓ ગુજરાત આવ્યા અને તેમણે ગુજરાતમાં આવીને મોદીની કુશળ પ્રશાસક તરીકેની ક્ષમતાઓના વખાણ કર્યા. અડવાણીએ પોતાના બ્લોગમાં આડકતરી રીતે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ ગણાવ્યા. તો સામે પક્ષે કોંગ્રેસે પણ સત્કર્મ ઉપવાસની શરૂઆત કરીને મોદીના સદભાવના મિશનનો રાજકીય જવાબ આપ્યો છે.

જાણકારોનું માનીએ તો નરેન્દ્ર મોદી જેવા ચાણક્ય બુદ્ધિવાળા રાજકારણીનું કોઈપણ પગલું ગણતરી વગરનું હોઈ શકે નહીં. વળી સદભાવના મિશનનું પાસું ફેંકીને મોદીએ એક જ તીરે અનેક નિશાન પાર પાડયા છે. ગુજરાત વિધાનસભાની ટર્મ 2012માં પૂર્ણ થઈ રહી છે. એટલે કે આ વર્ષે રાજ્યમાં ચૂંટણીઓ આવશે. 2002માં ગોધરા વેવ અને 2007માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટરના મુદ્દે સોનિયા ગાંધી દ્વારા મોદીને પરોક્ષ રીતે મોતના સોદાગર ગણાવતી ટીપ્પણીએ તેમની જીતમાં ઘણી મોટી ભૂમિકા ભજવી છે. પરંતુ 2012ની ચૂંટણી અગાઉની બંને ચૂંટણી કરતાં ઘણી અલગ હશે. આ ચૂંટણીમાં હાલ કોઈ સંવેદનશીલ અને ભાવનાશીલ મુદ્દાઓ અસ્તિત્વમાં નથી. પરંતુ હજી પણ 2002ના રમખાણોને ગુજરાત બહાર મુદ્દો બનાવીને રાજકારણ જરૂરથી ખેલાય છે, પરંતુ રાજ્યમાં આ સ્થિતિ શક્ય નથી. જો કે રાષ્ટ્રીય રાજકારણના અલગ ગણિત હોય છે. પરંતુ મોદીએ સદભાવના મિશનથી આવા લોકોને જવાબ આપવાની નીતિ અખત્યાર કરી હોય તેવું દેખીતી રીતે લાગે છે.

પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 2012ની ચૂંટણીમાં 150થી વધારે બેઠકો જીતવા માંગે છે. આ સદભાવના મિશન મોદી દ્વારા સરકારી ખર્ચે ચાલી રહેલો પ્રિપોલ સર્વે જ છે. દરેક જિલ્લા મથકે સદભાવના ઉપવાસના કાર્યક્રમ દ્વારા દરેક મહાનગર અને જિલ્લામાં પ્રજાનો મૂડ પારખવાની મોદીને તક મળે છે. આની સાથે જિલ્લા મથકોમાં સંગઠનની તાકાત જાણવાનો સીધો અવસર પણ મળે છે.

જો કે રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે મોદી સદભાવના ઉપવાસથી પોતાને રાષ્ટ્રીય રાજકારણમાં સર્વસ્વીકૃત નેતા તરીકે પ્રસ્થાપિત કરવા માટે તેમની ઘાટી બનેલી હિંદુત્વના પોસ્ટરબોયની છાપ ભૂંસીને વિકાસ પુરુષની છાપને સદભાવના પુરુષમાં બદલવા માટે કોશિશ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે, પરંતુ તેઓ મતોનું ધ્રુવીકરણ ઉભું કરનારા નેતા પણ ગણવામાં આવે છે. તેને કારણે તેમને બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નીતિશ કુમારના દબાણ હેઠળ પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. સદભાવના મિશનમાં મુસ્લિમોને મોટા પ્રમાણમાં મંચ પર દેખાડીને મોદી પોતે મુસ્લિમોમાં વિકાસને કારણે સ્વીકૃત થયા હોવાનો સંદેશ પણ આપવા માંગે છે.

સદભાવના મિશનના શરૂઆતના તબક્કામાં મુસ્લિમોને સદભાવના સ્થળ અને મંચ પર લાવવા માટે ભાજપે ખાસ જહેમત ઉઠાવી હતી. પરંતુ હવે છેલ્લા કેટલાંક સદભાવના ઉપવાસથી મોદીએ પોતાની રણનીતિ બદલી છે. રાજકીય વિશ્લેષકનું માનીએ તો તેની પાછળનું કારણ કોંગ્રેસ દ્વારા લઘુમતીઓને ઓબીસીના 27.5 ટકાના ક્વોટામાંથી 4.5 ટકાના સબક્વોટાની જાહેરાત કરવામાં આવી તે છે. તાજેતરની પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસે ધાર્યા કરતા સારો દેખાવ કર્યો છે. આની સમીક્ષા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કરી છે. ત્યારે કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિ દરમિયાન કોંગ્રેસે જ તેમને મુદ્દો આપી દીધો છે.

કોંગ્રેસની ઓબીસી વોટબેંકમાં ગાબડા પાડવાની રણનીતિ પર મુખ્યમંત્રી મોદી આગળ વધી રહ્યા છે. મોદી ખુદ ઓબીસી વર્ગમાંથી આવતા નેતા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે એવી સ્થિતિ પેદા થઈ રહી છે કે તેઓ ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓ માટેના સબક્વોટાનું સમર્થન પણ કરી શકશે નહીં અને તેનો વિરોધ પણ કરી શકશે નહીં. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના પ્રભારી શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જૂન મોઢવાડિયા પણ ઓબીસી વર્ગમાંથી આવે છે. આવી સ્થિતિમાં મોદી ઓબીસી કાર્ડ ખેલીને કોંગ્રેસને ચિત્ત કરવા ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે. વળી કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે લઘુમતીઓના સબક્વોટા 9 ટકા કરવાનું વચન પણ આપ્યું છે. કોંગ્રેસના મોવડી મંડળનો નિર્ણય ઉત્તર પ્રદેશના 19 ટકા મુસ્લિમ મતોને અંકે કરવા માટે લેવાયો છે. પરંતુ ગુજરાતમાં કોંગ્રેસ આ નિર્ણયની તરફેણ કરે, તો ઓબીસી નારાજ થાય તેમ છે. વળી તેઓ આ નિર્ણયનો વિરોધ કરે, તો મોવડી મંડળ અને મુસ્લિમો નારાજ થાય તેવી સ્થિતિ છે.

મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસની લઘુમતી અનામત મુદ્દે કફોડી સ્થિતિનો લાભ લઈને ભાજપ રાજ્યભરમાં બક્ષીપંચને એકજૂટ કરવાની રણનીતિ પર કામે લાગી છે. તેના માટે ભાજપનું પ્રદેશ એકમ બક્ષીપંચના સંમેલનોની તૈયારી પણ કરી રહ્યું છે. વળી સંગઠનને મજબૂત કરવા માટે ફરી એક વખત ટિફિન બેઠકોનો દોર શરૂ થઈ રહ્યો છે. 11 ફેબ્રુઆરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઉજવવા માટે જિલ્લા, મહાનગર, તાલુકા કક્ષાએ ટિફિન બેઠકોનું આયોજન થવાનું છે. ભાજપનું સંગઠન 16થી 20 ફેબ્રુઆરીના ગાળામાં ઝોનલ બેઠકોનું પણ આયોજન કરી રહી છે. 4 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસે જિલ્લાવાર યુવા સંમેલનો પણ યોજાશે.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીનું સદભાવના મિશન હકીકતમાં લોકો વચ્ચે સીધા પહોંચવાનું મિશન છે. તેના દ્વારા કોંગ્રેસની વોટબેંકોમાં ગાબડા પાડવાની રણનીતિને પણ આગળ વધારવામાં આવશે. આ સદભાવના મિશન મોદી વિરોધીઓને પડકારવાનું આહ્વવાન પણ છે. જાણકારોના મત પ્રમાણે, નરેન્દ્ર મોદીની પ્રજામાં પક્કડ માટે યુવા સંમેલનો, મહિલા સંમેલનો, ગરીબ મેળા, ટિફિન બેઠકો અને સામાજિક સંમેલનોનો ઘણો મોટો ફાળો છે અને મોદી આવી જ કોઈ રણનીતિથી રાજ્યના લોકોમાં ભાજપને 150 બેઠકો જીતાડવા માટે મોદી જીતોડ કોશિશ કરશે. આશા કરવામાં આવે છે કે મહિલા સંમેલનો અને ગરીબ કલ્યાણ મેળા જેવી જ સફળતા મોદીને તેમના સદભાવના મિશનમાં સાંપડશે.

કોંગ્રેસનો વિકલ્પ ઉભો થાય છે, પણ કોંગ્રેસ મોડલનો વિકલ્પ નથી!


there is option of congress in power but opposition fail to give option in political moldel

અજબ ભારતીય રાજકારણની ગજબની કહાની છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પાર્ટીને રાજકારણની દુર્દશા માટે બિનકોંગ્રેસી પક્ષો જવાબદાર ઠેરવે છે. થોડો સમય માટે બિનકોંગ્રેસી દળો સત્તામાં કોંગ્રેસનો વિકલ્પ પણ બને છે. પરંતુ આવા બિનકોંગ્રેસી દળો કોંગ્રેસના રાજકીય મોડલનો વિકલ્પ પુરો પાડવામાં સદંતર નિષ્ફળ ગયા છે. કોંગ્રેસ ભારતની આઝાદી પહેલા સૌથી પ્રભાવી રાજકીય પક્ષ તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો અને આઝાદી બાદ પણ દેશની સત્તાનો ભોગવટો સૌથી વધારે સમય સુધી કર્યો છે. હાલ પણ યુપીએ-2 સરકારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. 127 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના રાજકીય મોડલનો ભારતમાં હજી સુધી કોઈ જવાબ ઉભો થઈ શક્યો નથી. કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવી હંમેશા લોઢાના ચણા ચાવવાનો ખેલ હોય છે. જાણકારો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા દેશમાં ઘણાં ઉંડે સુધી પહોંચ્યા હોવાનું ગણાવે છે. આ વાત આંશિક રીતે સાચી છે. પરંતુ ભારતીય રાજકારણની તાસિર તપાસમાં આવે તો ભારતમાં લગભગ એક સદીથી વધારે સમયથી કોંગ્રેસના રૂપમાં રાજકીય પાર્ટીનું એક જ મોડલ સાતત્યપૂર્ણ રીતે અસ્તિત્વમાં છે.

1885માં અંગ્રેજ એ.ઓ.હ્યૂમે કોંગ્રેસની સ્થાપના કરી. ત્યારથી કોંગ્રેસ પાર્ટી ભારતના રાજકારણના એક ધ્રુવ તરીકે ઉભરી હતી. આમ તો કોંગ્રેસે 1885થી 1905 સુધી અંગ્રેજી હકૂમત સાથે મહદ અંશે પત્રાચાર કરવાનું કામ કર્યું હતું. લોકમાન્ય તિલકના કોંગ્રેસમાં પ્રભાવી બન્યા બાદ સ્વતંત્રતા આંદોલન સંદર્ભે કોંગ્રેસમાં ઉગ્રતા આવી હતી. તેમ છતાં તેમા ગરમ દળ અને નરમ દળનું અસ્તિત્વ હતું. પરંતુ એક હકીકત એ છે કે અંગ્રેજ દ્વારા સ્થપાયેલી કોંગ્રેસે અંગ્રેજી હકૂમત સામે ભારતીયોને લડવા માટે એક રાજકીય મોડલ થકી પ્લેટફોર્મ પુરું પાડયું હતું. મુસ્લિમ લીગના મહોમ્મદ અલી ઝીણા 1937 સુધી કોંગ્રેસી અને સેક્યુલર નેતા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર કોંગ્રેસી અગ્રણી હતા. હિંદુ મહાસભાના મદન મોહન માલવિયા સરીખા નેતાઓ પણ કોંગ્રેસમાં સક્રિય હતા. આર્યસમાજમાં સક્રિય લાલા લાજપતરાયની ગણના પણ દિગ્ગજ કોંગ્રેસી નેતામાં થતી હતી. આઝાદ હિંદ ફોજ બનાવીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડત કરનારા સુભાષચંદ્ર બોઝ 1937માં કોંગ્રેસ પ્રમુખ હતા. સમાજવાદી નેતા આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ સુદ્ધા કોંગ્રેસમાં ગાંધીજી સાથે કામ કરી ચુક્યા છે.

મુસ્લિમ લીગ 1906માં સ્થપાઈ અને હિંદુ મહાસભા 1905માં સ્થપાઈ. ત્રીસના દશકામાં કમ્યુનિસ્ટ પાર્ટીઓ અસ્તિત્વમાં આવી. 1947 પહેલા સમાજવાદી નેતાઓ કોંગ્રેસમાંથી અલગ થયા. ક્યારેક પોતાને પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાવનારી ભારતીય જનતા પાર્ટીના મૂળિયા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના કરનારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પણ 1941ના વર્ષમાં કોંગ્રેસી નેતા રહી ચુક્યા છે. આ સિવાય સંઘના સંસ્થાપક ખુદ કોંગ્રેસી નેતા રહ્યા છે. એટલે કે કોંગ્રેસ એક એવું વટવૃક્ષ છે કે જેની એક-એક વડવાઈ તેને થડ જેટલી મોટી બની છે. આઝાદી બાદ મુસ્લિમ લીગી મોડલ પાકિસ્તાનમાં નિષ્ફળ ગયું, પરંતુ કોંગ્રેસનું મોડલ ભારતમાં સફળ બન્યું.

આઝાદી બાદ પણ કોંગ્રેસમાંથી પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે નેતાઓ દ્વારા અલગ ચોકો રચવાની પ્રક્રિયા ચાલુ જ રહી. કોંગ્રેસને સૌથી પહેલા સત્તાની બહાર કરવાનો શ્રેય જયપ્રકાશ નારાયણને મળે છે. કટોકટી બાદ મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટીની સરકાર બની હતી. જો કે તે કોંગ્રેસની જેમ સત્તાનો સ્થિર વિકલ્પ બની શકી ન હતી અને માત્ર અઢી વર્ષના ગાળામાં જ સત્તામાંથી દૂર થઈ હતી. આમ જોવો તો મોરારજી દેસાઈ અને જયપ્રકાશ નારાયણના મૂળિયા પણ કોંગ્રેસી જ હતા. ત્યાર બાદ 1989માં વી.પી.સિંહના વડપણ નીચે બિનકોંગ્રેસી પક્ષોએ ભેગા મળીને કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવા માટે આંદોલન કર્યું. પરંતુ હકીકત એ છે કે વી. પી. સિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને રાજીવ ગાંધી સાથે મતભેદોને કારણે કોંગ્રેસમાંથી અલગ પડયા હતા. પરંતુ વી. પી. સિંહ પણ સત્તામાં લાંબો સમય ટકી શક્યા નહીં. ચંદ્રશેખરને વડાપ્રધાન બનાવી કોંગ્રેસે બહારથી ટેકો આપ્યો, પરંતુ રાજીવ ગાંધીના જાસૂસી પ્રકરણે આ સરકારને ઘર ભેગી કરી. ત્યાર બાદ યોજાયેલી ચૂંટણીમાં પી. વી. નરસિંહરાવના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર સત્તામાં આવી. જો કે તે લઘુમતી સરકાર હતી, પરંતુ તેણે ઘણા ગોટાળા અને બ્લંડરો છતાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો. ત્યારબાદ ભાજપની 13 દિવસની સરકાર સત્તામાં આવી. ત્યાર બાદ દેવેગૌડા અને ઈન્દર કુમાર ગુજરાલની કમજોર કોંગ્રેસના ટેકાવાળી સરકારોએ દેશને રાજકીય અસ્થિરતાના તબક્કામાં નાખી દીધી. 1998માં વાજપેયીના વડપણ નીચે એનડીએની સરકાર સત્તામાં આવી અને સત્તામાં કોંગ્રેસના વિકલ્પ તરીકે પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પુરો કરનારી તે પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી. પરંતુ 2004થી કોંગ્રેસના વડપણવાળા યુપીએ ગઠબંધનની સરકાર સત્તામાં છે.

ભાજપ ભારતીય રાજકારણનો બીજો ધ્રુવ ગણાય છે. પરંતુ ભાજપના કોંગ્રેસીકરણની વાતો પણ જોરશોરથી ઉઠી રહી છે. કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારનો એકહથ્થુ પ્રભાવ એકાદ અપવાદને બાદ કરતાં જળવાઈ રહ્યો છે. તો તેવી રીતે ભારતના ભાજપ, શિવસેના, સમાજવાદી પાર્ટી, અકાલી દળ, તેલગુદેશમ પાર્ટી, ડીએમકે, એઆઈએ-ડીએમકે, બીજુ જનતાદળ સહીતને પક્ષોમાં વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદ ચરમ પર છે. વંશવાદની નકલ કરવામાં કેટલીક હદે કમ્યુનિસ્ટ પક્ષોને બાદ કરતા દેશના તમામ પક્ષો વંશવાદ અને ભાઈ-ભત્રીજાવાદની રાહ પર જ આગળ વધી રહ્યા છે.

કોંગ્રેસ પાર્ટીમાં આંતરીક લોકશાહી ગાંધીજીના વખતથી અસ્તિત્વમાં નથી. કોંગ્રેસના ચૂંટાયેલા અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝને ગાંધીજીના સમર્થકોના વિરોધને કારણે પાર્ટી છોડવી પડી અને હિંસક માર્ગે આઝાદી મેળવવાનો આઝાદ હિંદ ફોજનો રસ્તે અખત્યાર કરવો પડયો હતો. દેશની આઝાદી પછી કોંગ્રેસમાં ગાંધી-નહેરુ પરિવારના સભ્યોનો બોલ કોંગ્રેસ પાર્ટીમાં કાયદો બની ગયો છે. તેવી જ રીતે દેશના બિનકોંગ્રેસી દળોમાં પણ આંતરીક લોકશાહીની અછત વર્તાય રહી છે. હાઈકમાન્ડના નામે પાંચ-સાત ચૂંટણી મેનેજરો પાર્ટીના નિર્ણય કરે છે. ભાજપ પ્રાઈવેટ લિમિટેડ પાર્ટી બની ગઈ હોવાની વાત પણ ઉમા ભારતીએ ભૂતકાળમાં પાર્ટી છોડતી વખતે કરી હતી. વળી કમ્યુનિસ્ટ વિચારધારા લોકશાહીને માનતી નથી. તેથી કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરીક લોકશાહીનું સપનું જોવું પણ એક જોક સમાન છે. પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પોતાને ત્યાં આંતરીક લોકશાહી હોવાના દાવા કરે છે.

કોંગ્રેસ પાર્ટી પર આઝાદીની લડતના સમયથી તે મૂડીપતિઓની પાર્ટી હોવાનો આક્ષેપ થતો આવ્યો છે. આઝાદી બાદ પણ કોંગ્રેસ પર મૂડીપતિઓના હિતસાધવાનો આરોપ મૂકાતો આવ્યો છે. કોંગ્રેસની જાણે-અજાણે નકલ કરીને તેના રાજકીય પ્રતિસ્પર્ધી પક્ષ ભાજપના નેતાઓ પણ મૂડીપતિઓને સાધવામાં લાગેલા રહે છે. અન્ય રાજકીય પક્ષોને પણ ફંડફાળો અમુક અપવાદને બાદ કરતા મૂડીપતિઓ તરફથી જ મળે છે. તેને કારણે દેશની આર્થિક નીતિ આવા મૂડીપતિઓની હિતસાધક બને તેમાં નવાઈ પામાવા જેવું નથી. આને કારણે મૂડીપતિ વધારે ધનવાન બને છે અને આમ આદમી બેહાલ બને છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર નામની આડઅસરથી કોંગ્રેસી અને બિનકોંગ્રેસી એમ બંને પ્રકારની સરકારો અછૂતી નથી.

કોંગ્રેસ દ્વારા મુસ્લિમ સમુદાય તરફ વિશેષ દ્રષ્ટિકોણ આઝાદી પહેલાથી અપનાવામાં આવ્યો છે. ઉર્દૂ અને વંદેમાતરમ સહીતના મુદ્દાઓ પર મુસ્લિમોની આળપંપાળ કરતી નીતિઓ આઝાદી બાદ લઘુમતીવાદને પ્રોત્સાહન આપનારી નીતિઓ બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાની પાર્ટીના ઝંડામાં મુસ્લિમ સમુદાયના પ્રતીક સમાન લીલો રંગ રાખ્યો, તો ભાજપે પણ પોતાના ઝંડામાં લીલો રંગ કર્યો. આ પ્રકારના ફેરફાર અકાલીદળ અને શિવસેના જેવી પાર્ટીઓને બાદ કરતા મોટાભાગની પાર્ટીઓએ કર્યા. કારણ કે અહીં સવાલ મુસ્લિમ વોટબેંકનો હતો. કોંગ્રેસે પોતાને ત્યાં એસસી, એસટી, મહિલા અને લઘુમતી સેલ ચાલુ કર્યા. તો અન્ય પાર્ટીઓએ પણ તેનું આંધળુ અનુકરણ કરીને પોતાને ત્યાં આવી જ વ્યવસ્થા ઉભી કરી.

વળી દેશમાં 1947થી 1989 સુધી વચ્ચેના અઢી વર્ષને બાદ કરીને કેન્દ્ર તથા દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા ચલાવનારી કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારે તેને પહેલા કાર્યકાળમાં સચ્ચર સમિતિ બનાવીને દેશના મુસ્લિમોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. સચ્ચર સમિતિએ દેશના દલિતો કરતાં પણ મુસ્લિમોની હાલત ખરાબ હોવાનું કહ્યું. જો સચ્ચર સમિતિના અહેવાલોને સાચા માનીએ તો મુસ્લિમોની બદતર હાલત માટે કોંગ્રેસ જ જવાબદાર છે. કારણ કે કોંગ્રેસના રાજકીય મોડલ પ્રમાણે મુસ્લિમો વોટબેંક છે અને દર પાંચ વર્ષે કોઈને કોઈ ટૂકડો ફેંકીને તેમના મતો અંકે કરી લેવા. આ રણનીતિ હેઠળ ભાજપ, સમાજવાદી પાર્ટી, કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી અને અન્ય મોટાભાગની પાર્ટીઓ કોંગ્રેસી મોડેલ હેઠળ પોતાની રાજનીતિ કરવા લાગી.

દેશના વડાપ્રધાન મનમોહન સિંહ કહી ચુક્યા છે કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. તો હાલમાં મુસ્લિમો માટે ઓબીસી ક્વોટામાં 4.5 ટકાનો સબક્વોટા જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના સલમાન ખુરશિદે ઉત્તર પ્રદેશમાં સત્તા મળ્યા બાદ આ સબક્વોટા 9 ટકા કરવાનો વાયદો પણ કર્યો છે. તો સમાજવાદી પાર્ટીએ એક ડગલું આગળ વધીને કહ્યું છે કે તેઓ મુસ્લિમોના સબક્વોટાને 18 ટકા કરી દેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ડાબેરી મોરચા સરકારે પણ રાજ્યમાં મુસ્લિમો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી હતી. એનડીએના શાસનકાળમાં હજ સબસિડી વધારવી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવી જેવી નીતિઓ પણ બની છે. આ કોંગ્રેસના રાજકીય મોડલની સંસ્કૃતિ છે. જે હજી પણ વધારે અધમ કક્ષાઓ જવા માટે તૈયાર બેઠી છે.

કોંગ્રેસની પાકિસ્તાન નીતિ પણ 1995 પછી દેશના મુસ્લિમ મતોના રાજકારણ સાથે જોડાઈ ગઈ હોય તેમ લાગે છે. એનડીએ સરકારે પણ આગ્રા સમિટ અને શાંતિવાર્તાના તાયફા કરીને તેને ચાલુ રાખી. તો અત્યારે યુપીએ સરકાર પણ મુંબઈ હુમલા બાદ પણ પાકિસ્તાન સાથે વાતચીતનો દોર ચાલુ રાખી રહી છે. ચીન સામેની નીતિમાં 1962માં કોંગ્રેસે નહેરુના ભરોસે થાપ ખાધી અને ભારતીય સેનાના માથે હારનું કલંક લગાડયું. આજે પણ ચીન નીતિમાં કોઈ વ્યાપક પરિવર્તન આવ્યું નથી. ચીનના આક્રમણનો ખતરો હજી પણ ચાલુ છે. ત્યારે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો ચીન સામે આકરા પગલા લેવાની વાત કરવાને બદલે તેમની સાથે વેપાર વધારવાની અને માત્ર વાતચીત કરવાની નીતિ અપનાવાની તરફેણ કરે છે. ભારતે ચીન અને પાકિસ્તાન સામે કૂટનીતિક, સામરીક અને લશ્કરી રાહે ભારતના હિતમાં લઈ શકાય તેવા પગલાં લેવા જોઈએ તેવું ચિંતન આપી શકે તેવો એકપણ રાજકીય પક્ષ આજે અસ્તિત્વમાં નથી.
કોંગ્રેસે આદિવાસી, દલિતોની વોટબેંક દ્વારા સત્તાની સાધના દસકાઓ સુધી કરી. આદિવાસી અને દલિતો માટે સારું કામ કરવું ઘણું સારું છે. પરંતુ તેમને વોટબેંક તરીકે જોઈને તેમના કલ્યાણ માટે કંઈક કરવાનો દેખાડો કરવો અલગ વસ્તુ છે. પરંતુ આ કામ કોંગ્રેસ સિવાયના પક્ષોએ પણ ચાલુ રાખ્યું. આજે દેશમાં દલિતો અને આદિવાસીઓ પાછળ વાપરવામાં આવેલા નાણાં અને ઉભી કરવામાં આવેલી લાભકારક જોગવાઈઓની સરખામણીએ તેમના સશક્તિકરણના મળેલા પરિણામો જોવા જોઈએ.

આ સિવાય ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ગરીબી હટાવોના નારા નીચે લોકોને લોભાવ્યા હતા. પરંતુ 80ના દાયકાથી ગરીબી હટાવોની વાત સૂત્રોમાં જ રહી છે, હવે તો એવો સમય છે કે સત્તામાં આવનારી દરેક સરકાર ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટે તેવી નીતિઓ અપનાવી રહ્યા છે. મોંઘવારી અને ભ્રષ્ટાચારે માઝા મૂકી છે, ત્યારે ગરીબ આમ આદમી લાચારી સાથે જીવન સંઘર્ષમાં પાછો પડી રહ્યો છે. ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કોંગ્રેસની જેમ દરેક પક્ષો કરે છે, પરંતુ તેને દૂર કોઈ કરતું નથી.

ભારતના રાજકારણમાં સેક્યુલર ચહેરો દેખાડવાનો ટ્રેન્ડ પણ કોંગ્રેસના રાજકીય મોડલે ચાલુ કર્યો. ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની વાત હોય, નહેરુની સમાજવાદની વાત હોય, ઈન્દિરા ગાંધીની સેક્યુલારિઝમની વાત હોય, મનમોહન સિંહની દેશની સંપત્તિ પર પહેલો અધિકાર લઘુમતીઓનો હોવાની વાત હોય, દરેક નેતા લઘુમતીઓની આળપંપાળ કરીને પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવામાં લાગેલો છે. મુસ્લિમ તુષ્ટિકરણને નારો બનાવીને ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતાઓ વાજપેયી અને અડવાણીએ પણ સેક્યુલર છબી ચમકાવા માટે આ જ કોંગ્રેસી નીતિનો સહારો લીધો. વાજપેયીએ લીલી પાઘડીઓ પહેરી, મુસ્લિમ ટોપી ઓઢી અને ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવાના વચનો આપ્યા, હજ સબસિડીમાં સામેથી વધારે કરી આપ્યો. તો અડવાણી પાકિસ્તાન જઈને મોહમ્મદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા. પ્રખર હિંદુત્વવાદી ચહેરો ધરાવતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાલ પોતાનો સેક્યુલર ચહેરો ચમકાવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘણાંના મનમાં પ્રશ્ન થાય છે કે કટોકટી, 1989માં વી. પી. સિંહના નેતૃત્વમાં વિપક્ષના એકજૂટ થવા છતાં, વાજપેયીના વડપણ નીચે 6 વર્ષ એનડીએનું શાસન હોવા છતાં કોંગ્રેસ વારંવાર બેઠી કેમ થઈ જાય છે? તો તેનું કારણ કોંગ્રેસના મૂળિયા ઉંડા હોવા નથી, પરંતુ કોંગ્રેસનું વૈકલ્પિક રાજકીય મોડલ વિપક્ષો આપી શક્યા નથી. હા, તેઓ કોંગ્રેસની સત્તાનો વિકલ્પ બની શકે છે, તેના મોડલનો નહીં. સત્તામાં આવ્યા પછી તેમને કોંગ્રેસના મોડલ પ્રમાણે જ રાજ ચલાવવું પડે છે. બસ કોંગ્રેસ ખરાબમાં ખરાબ તબક્કાઓ છતાં બેઠી થઈ જાય છે, તેનું આ એક માત્ર કારણ છે કે ભારતની રાજનીતિમાં એકમાત્ર મોડલ છે અને તે છે કોંગ્રેસ.

મોદીને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવા કે નહીં : ભાજપની દ્વિધા


bjp is at cross road on declaring narendra modi as pm candidate

જનમત સર્વેક્ષણો દુનિયામાં સાચા પડે છે. પરંતુ ભારત દુનિયાના આવા દેશોમાં અપવાદ છે. ભારતમાં જનમત સર્વેક્ષણ ભાગ્યે જ સાચા સાબિત થતા હોય છે. ભારતમાં આવા સર્વેક્ષણ વધારેમાં વધારે દેશના રાજકીય વલણનો અંદાજો આપી શકે છે. આવા સર્વેક્ષણ ચૂંટણી પરિણામોની વધારે નજીક હોય તેવું અપવાદરૂપ કિસ્સામાં જ બન્યું છે, તેમ છતાં એક ભારતીય પ્રકાશન સમૂહે દેશના મૂડને જાણવા માટે તાજેતરમાં એક સર્વેક્ષણ કર્યું છે. જેના કારણે ભાજપનો ચહેરો ખીલી ગયો છે. ખાસ કરીને સંગઠનમાં એવા લોકોના ચહેરા ખીલી ગયા છે કે જેઓ અનુભવે છે કે ભવિષ્ય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા સમૂહના હાથોમાં હશે.

આ સર્વેક્ષણના પરિણામો કોંગ્રેસ માટે હતાશાજનક અને ભાજપ માટે ઉત્સાહવર્ધક છે. સર્વે પ્રમાણે, જો આજે સામાન્ય ચૂંટણી થાય છે તો ભાજપને 140 બેઠકો મળે અને તે કોંગ્રેસથી આગળ નીકળી જશે. આ સર્વેમાં કોંગ્રેસને માત્ર 110 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું છે. જ્યાં સુધી વ્યક્તિગત લોકપ્રિયતાનો સવાલ છે, ભવિષ્યમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પોતાના દાવાને બેગણો કરી લીધો છે. છ માસ પહેલા તેમને વડાપ્રધાન પદ માટે 12 ટકા સમર્થન મળ્યું હતું, પરંતુ હાલ તે વધીને 24 ટકા થઈ ગયું છે. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ દોડમાં મોદી કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીથી આગળ નીકળી ગયા છે. સર્વેક્ષણ પ્રમાણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદ સંદર્ભે 17 ટકા સમર્થન મળ્યું છે. આ આંકડો છ માસ પહેલાના સર્વેક્ષણની સરખામણીએ ચાર ટકા ઓછો છે.

જો કે ભાજપે સર્વેક્ષણના પરિણામોથી ખુશી મનાવવા સાથે રાષ્ટ્રીય સ્તરે દેશના રાજકારણની અસ્થિરતાની પરિસ્થિતિનું પણ આકલન કરવું પડશે. સર્વેક્ષણના પરિણામોનું વિશ્લેષણ જણાવે છે કે એનડીએની યુપીએ પર પાતળી સરસાઈ રહેશે. આ બંને ગઠબંધનો લોકસભાની એક તૃતિયાંશ બેઠકો મેળવશે. બીજા શબ્દોમાં લોકસભા ત્રણ એકસરખા ભાગમાં વહેચાઈ જશે. જેમાં એનડીએ, યુપીએ અને ત્રીજી શક્તિ જેમાં ડાબેરી પક્ષો અને પ્રાદેશિક પક્ષો સંતુલન સ્થાપિત કરશે.

ટૂંકમાં આગામી સરકાર એવા સમીકરણો વચ્ચે બનશે, જેમાં પ્રાદેશિક પક્ષો અને ડાબેરીઓની ભૂમિકાને નજરઅંદાજ કરી શકાશે નહીં. નવીન પટનાયક, જયલલિતા અને ચંદ્રાબાબુ નાયડુ સત્તા સમીકરણ નિર્ધારીત કરવાની સાથે જ વડાપ્રધાન કોણ બનશે તે પણ નક્કી કરી શકે તેવી ભૂમિકામાં આવશે. ભારતના રાજકારણમાં એક બાબત સંજોગો ઉપર છોડી દેવાય છે અને તે વડાપ્રધાનનું પદ છે...કોંગ્રેસ હોય કે ભાજપ બઘાં પક્ષોએ હકીકતનો સ્વીકાર કરવો પડે છે.

સર્વેક્ષણમાં વડાપ્રધાન પદની દોડમાં સૌથી આગળ રહેલા નરેન્દ્ર મોદીની વાત કરીએ તો તેમના માટે અત્યારે બધું જ સારું ચાલી રહ્યું નથી. વડાપ્રધાન તરીકેની તેમની દાવેદારીથી એનડીએનો એક વર્ગ અને બહારથી ટેકો આપનારા સહયોગી વિદ્રોહનું બ્યૂલ બજાવી શકે છે. કારણ કે આ લોકો નરેન્દ્ર મોદીને મતોના ધ્રુવીકરણના એજન્ટ માને છે. તેમને લાગે છે કે નરેન્દ્ર મોદીને કારણે મુસ્લિમ મતદારો તેમનાથી દૂર થાય છે. જયલલિતા અને નવીન પટનાયક નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદ માટેની દાવેદારીને ટેકો આપી શકે છે. પરંતુ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ કોઈપણ કિંમતે આવું કરશે નહીં.

વળી સર્વેક્ષણના પરિણામો પ્રમાણે, ભાજપ 140 બેઠકો સુધી ત્યારે પહોંચશે કે જ્યારે તે એનડીએનું અંગ હશે અને ચૂંટણી પહેલા પોતાના નેતૃત્વનો ખુલાસો ન કરે તે મહત્વનું પગલું હશે. જો નરેન્દ્ર મોદીને ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરે છે, તો આ આંકડો વધશે કે ઘટશે? વળી એનડીએ વિસ્તરશે કે સંકોચાશે? તે પણ મહત્વના વિચારણીય મહાપ્રશ્નો ભાજપ સામે મોઢું ફાડીને ઉભા છે.

એમા કોઈ શંકા નથી કે મોદી આખા દેશમાં ભાજપના સૌથી વધારે લોકપ્રિય નેતા છે. પરંતુ પ્રચલિત ધારણા પ્રમાણે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં ભાજપ માટે ઘણાં રાજકીય જોખમો છે. આમ તો મોદીની ઉપસ્થિતિ બધાંને ઊર્જાથી ભરી દે છે, પરંતુ તેઓ તેમની ચારે બાજુ આભામંડળ બનાવી શકશે તેના પર શંકા પ્રવર્તી રહી છે. મોદી ભાજપના કોઈ અભિયાનને પ્રેરીત કરશે તો તેઓ સુશાસનના પક્ષધરોને આકર્ષિત કરશે, તો બીજી તરફ એવો વર્ગ મજબૂત થશે કે જે તેમને ખરાબીનું પ્રતીક માને છે. આમા મીડિયાનો એક મોટો વર્ગ પણ સામેલ હશે. કારણ કે મોદી પાસે આ વર્ગ માટે કોઈ સમય નથી. તેની સાથે બુદ્ધિજીવી વર્ગ મોદી વિરુદ્ધ આકરા હુમલા કરવામાં કોઈ કસર છોડશે નહીં.

બુદ્ધિજીવીઓ એકસૂરમાં દેશને જણાવશે કે મોદી દેશના વડાપ્રધાન બની જશે તો તેઓ મુસ્લિમો સાથે એવો વ્યવહાર કરશે કે જેવો જર્મનીમાં દ્વિતિય વિશ્વયુદ્ધ વખતે હિટલરે યહૂદીઓ સાથે કર્યો હતો. તેઓ પ્રચાર કરશે કે મોદી મુસ્લિમોને નાગરીક અધિકારોથી વંચિત કરી દેશે. કારણ કે મોદીનું સદભાવના મિશન આવા વર્ગમાં તેમના માટે સદભાવના ઉભી કરે તેવી શક્યતા ઘણી ઓછી છે.

આ અભિયાનનો એક માત્ર ઉદેશ્ય હશે કે સામાન્ય ચૂંટણીઓને મોદી પર જનમત સંગ્રહમાં બદલવી અને યુપીએના કુશાસનથી લોકોનું ધ્યાન હટાવવું. કોંગ્રેસની નેતાગીરી માને છે કે જો મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બને છે તો બિનભાજપી વોટો તેમની સાથે આવી શકે છે. ત્યારે ભાજપનું ભવિષ્ય સૌહાર્દ અને મેળમિલાપની ભાવના પર અને તેની સંઘીય માળખાને મજબૂત કરવાની તેની ઈચ્છા પર નિર્ભર કરે છે. કેન્દ્રીકરણના વિચારનો ત્યાગ કરીને ભાજપ વધારેમાં વધારે પ્રાદેશિક પક્ષોને પોતાની સાથે લઈ શકે છે.

જો કે અત્યારની સ્થિતિ જોતા લાગે છેકે ભાજપના નેતાઓ હજી પોતાના રંગમાં આવ્યા નથી. સાચું એ છે કે મોદીએ ઘણાં વખત પહેલા જ પોતાની ક્ષમતાઓનું આકલન કરી લીધુ હતું. તેમને વધારે પ્રયત્ન કરવાની જરૂર છે અને પોતાના સદભાવના મિશનમાં બાકીના ભારતમાં વાસ્તવિક સદભાવનાનો સંદેશ તેમણે આપવો પડશે. ભાજપમાં એક વર્ગ હજુ પણ માને છે કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવા એક દુસ્સાહસિક પગલું હશે. ત્યારે હવે ભાજપના હાથમાં છે કે તેઓ ક્યાં પ્રકારનું જોખમ ઉઠાવે? કારણ કે ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરાવવા થનગનતો વર્ગ પણ નાનો નથી.

વળી કોર્પોરેટ જગત અને આરએસએસની નેતાગીરીમાં નરેન્દ્ર મોદીનું રાજકીય વજન ઘણું વધારે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ સંઘના સીધા હસ્તક્ષેપ બાદ જ કેશુભાઈ પટેલનું સ્થાન લીધું હતું. બની શકે કે આવો કોઈ ગણતરીપૂર્વકનો ચમત્કાર સંઘ ફરીથી કરે...!!!

અણ્ણા હજારેના “ગાંધીવાદી” વ્યક્તિત્વનો એક્સ-રે


the xray of personality of gandhian anna hazare

રાજઘાટ પર બાપુની સમાધિએ માથું ટેકવનારા દરેક જણા કંઈ ગાંધીવાદી ન હોઈ શકે. ગાંધીજીના સ્વસ્છ, સરળ અને નિર્મળ જીવનને અનુસરનારા ગાંધીવાદી હોઈ શકે. ભારતમાં આઝાદી પછી ગાંધીજીની થોડા સમયમાં હત્યા કરી દેવામાં આવી. ગાંધીના સ્થૂળ દેહની હત્યા એક જ વાર થઈ. પરંતુ ગાંધીજીના વિચારોની અને ચિંતનની ત્યારબાદ ડગલેને પગલે હત્યા થતી રહી. વધારે દુ:ખદ વાત એ છે કે ગાંધીજીના વિચારોની હત્યા કહેવાતા ગાંધીવાદીઓ દ્વારા થઈ છે. અરે, આ હત્યા હજી પણ ચાલુ છે.

ભ્રષ્ટાચારથી પરેશાન દેશને જનલોકપાલથી ઝાંઝવાના જળ દેખાડવામાં સફળ થયેલા અણ્ણા હજારે તેને કરપ્શન રોકવાનો સક્ષમ માર્ગ ગણાવી રહ્યા છે. તેના માટે તેઓ કુલ ચાર અનશન કરી ચુક્યા છે. 11મી ડિસેમ્બરે એક દિવસના સાંકેતિક ઉપવાસ અને રાજનેતાઓને પોતાના મંચ પર બોલાવીને મજબૂત લોકપાલ માટે ચર્ચા પણ અણ્ણા હજારેએ કરાવી. પરંતુ 27 ડીસેમ્બરે અણ્ણા હજારે ત્રણ દિવસના ઉપવાસ પર બેઠાં હતા. પરંતુ અનશનના બીજા જ દિવસે હજારેએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાના ઉપવાસ આટોપી લીધા. હાલ તેઓ પૂણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક માસ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે.

સવાલ એ છે કે અણ્ણા હજારેનો પરપોટો કેમ ફૂટી ગયો? કારણ કે આ પ્રકારના બાદશાહી અને ડેંડાટી ઉપવાસનું નાટક જનતા સમજે નહીં તેટલી મૂર્ખ નથી. તેથી જ તો 60 હજારની ક્ષમતાવાળા મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના અનશનમાં માત્ર 8-10 હજાર લોકો માંડમાંડ ભેગા થયા. પરંતુ આમા ખરો ખેલાડી કેજરીવાલ છે, અણ્ણાનો ઉપયોગ કરીને એ પોતાની મહત્વકાંક્ષાઓ પાર પાડવાની દાનત રાખે છે. લોકપાલ નીચે સીબીઆઈ હોત તો ચિદમ્બરમ જેલમાં હોત કે નહીં તે પ્રશ્ન છે પણ કિરણ બેદી અને કેજરીવાલ જરૂરથી જેલમાં હોત.

અણ્ણા હજારે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને લોકો તેમનામાંથી પ્રેરણા લઈને લડે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ અણ્ણા હજારેને ગાંધીવાદી ગણાવવા ઘણું મોટું ષડયંત્ર છે. એક ગાંધીએ આઝાદીની લડાઈ લડી અને દેશને સ્વતંત્ર કરાવ્યો. હવે અણ્ણાને બીજા ગાંધી બનાવીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વની સામે અણ્ણાનું વ્યક્તિત્વ ક્યાંય ટકી શકે તેમ છે? ગાંધીજી અને અણ્ણા હજારેના વ્યક્તિત્વમાં થોડીઘણી સમાનતા હશે, પરંતુ વધારે તો બંનેના વ્યક્તિત્વમાં અસમાનતા છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે કહી રહ્યો છે કે અણ્ણાનું વ્યક્તિત્વ ગાંધીવાદી નથી. પરંતુ અણ્ણાને જબરદસ્તીથી ગાંધીવાદી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ખુદ અણ્ણા કહી રહ્યા છે કે તેઓ ગાંધીજીના પગ પાસે બેસવાને પણ લાયક નથી. પોતે ગાંધીવાદી ન હોવાની વાત કરીને અણ્ણાએ કહ્યુ છે કે તેઓ ગાંધીજી સાથે શિવાજીને પણ માને છે.

અણ્ણાની માગણી ગાંધીવાદી નથી

સૌથી પહેલા તો અણ્ણાની જનલોકપાલની માગણી જ ગાંધીવાદી નથી. ગાંધીજી સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરતા હતા. તેમનું માનવું હતું કે સત્તા ગામડાં સુધી પહોંચે અને દરેક ગામ આત્મનિર્ભર થાય. આમ થવાથી જ લોકોનું ભલું થશે અને અસલી લોકતંત્ર આવશે. પરંતુ અણ્ણાની જનલોકપાલની માગણીને જોવો. અણ્ણા એવા જનલોકપાલ બિલની હિમાયત કરી રહ્યા છે, જેના દ્વારા દેશના વડાપ્રધાન, સાંસદ, ન્યાયતંત્ર, કેન્દ્રથી લઈને ગ્રામીણ સ્તર સુધીના વહીવટી અધિકારીઓની તપાસ અને તેમને સજા સંભળાવવાનો હક હશે. બસ લોકપાલની પોતાની જેલ નહીં હોય. શું ગાંધીજી આવી કેન્દ્રીયકૃત સંસ્થાનું ક્યારેય સમર્થન કરતા હતા?

લોકશાહીમાં લોકો સર્વોપરી હોવાનું અણ્ણા ખાલી કહે જ છે!

અણ્ણા હજારેએ અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જો સંસદ તેમનું બિલ રદ્દ કરે છે, તો તેઓ તેના નિર્ણયને માની લેશે. અણ્ણાએ પોતાના સમગ્ર આંદોલનનું શીર્ષાસન કરાવી દીધું. આનાથી મોટી મજાક શું હોઈ શકે? જો અણ્ણા હજારેએ ગાંધીજીની હિંદ સ્વરાજને ઉપરઉપરથી વાંચી હશે, તો પણ તેમને ખબર હશે કે તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટ સંદર્ભે ગાંધીજીએ કેટલા કઠોર શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે શબ્દોનો પ્રયોગ આજે આપણી સંસદ માટે ક્યારેય કરી શકાય નહીં. પરંતુ અણ્ણાએ એ વાત સમજવી જોઈએ કે સંસદ જનતાથી ઉપર નથી. બંધારણ જનતાની લાગણીથી ઉપર નથી. જો સંસદે જ આખા દેશના વિવેકનો ઠેકો લઈ રાખ્યો હોય, તો 42 વર્ષથી વધારે સમય સુધી લોકપાલનો મુદ્દો અધરમાં લટકતો કેમ રહ્યો? કોઈપણ લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમતા જનતાની જ હોય છે. પરંતુ અણ્ણા જનતાને લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમ માનવાના ગાંધીજીના મત સાથે પોતાના સમગ્ર આંદોલન દરમિયાન સાતત્યતાથી વળગી રહ્યા છે?

અણ્ણામાં દેશની ભાષા પ્રત્યેની લાગણી ગેરહાજર?

અણ્ણા હજારે સરકાર સાથેની લોકપાલ મુદ્દે બનેલી કમિટીમાં મુખ્ય સભ્ય હતા. પરંતુ અખબારો કહે છે કે બેઠકમાં થઈ રહેલી વાતચીત અણ્ણા હજારેના પલ્લે પડતી ન હતી. કારણ કે તે માત્ર મરાઠી અને હિંદી જ જાણ છે. તેમને ભારતની કાળા અંગ્રેજોની રાજભાષા અંગ્રેજી આવડતું નથી. જો અણ્ણા હજારે ગાંધીવાદી હોત અને ખરેખર સત્યાગ્રહી હોત તો આ મંત્રીઓ અને તેમના સાથીદારોને કહેત કે જનભાષા વગર જનલોકપાલ કેવી રીતે બનાવશો? સમગ્ર જનવિધેયક અને તેની વ્યાખ્યા લગભગ 100 પૃષ્ઠોમાં છે. આ બધી વાત પહેલા અંગ્રેજીમાં જ હતી. ત્યારે સવાલ એ છે કે અંગ્રેજી ન જાણનારા અણ્ણા હજારેએ તેમના નવરત્નોને પહેલા હિંદીમાં સમગ્ર જનવિધેયકને મુકવાની વાત કેમ કરી નહીં? ગાંધીજી હિંદીભાષાના પ્રખર આગ્રહી હતા. પાછળથી તેમણે ઉર્દૂ મિશ્રિત હિંદીની પુરજોર તરફેણ કરી હતી. પરંતુ અણ્ણા હજારેએ ક્યારેય હિંદી ભાષામાં અથવા લોકોની ભાષામાં વાત કરવાની વાત કરી નથી.

અણ્ણા પોતાના નવરત્નોની દોરવણીથી જ ચાલે છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીના દરેક આંદોલનની રૂપરેખા પોતાની રીતે નક્કી કરતા હતા. તેઓ અવશ્ય તેમના સાથીદારોના સૂચન લેતા હતા, પરંતુ કરતા હતા તેમના અંતરમનના અવાજ પ્રમાણેનું કામ. ગાંધીજી તે વખતના ભારતની આઝાદી માટે લડતા સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય કોંગ્રેસના નેતા હતા. (જો કે તેઓ તેના સભ્ય ન હતા!) પરંતુ અણ્ણા એક નકલી સંગઠનની દેણ છે. તેથી જ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામનું સંગઠન જેના નામ પર અણ્ણાએ ભૂખ હડતાલ કરી હતી, તે ખતમ થઈ ગયું છે. કોઈ જણાવે કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામના એનજીઓને રામલીલા મેદાનમાં જનતા પાસેથી મળેલા લાખો રૂપિયા ક્યાં ખર્ચ કર્યા? એવું સંગઠન જેના સંસ્થાપકોમાંથી બે મોટા નામો સ્વામી રામદેવ અને સ્વામી અગ્નિવેશને અલગ કરી દેવામાં આવ્યા, શું એવું આ સંગઠનના પ્રસ્તાવ બાદ થયું છે? અથવા તે કહ્યું અને મે સાંભળ્યુંની તર્જ પર બંને મોટા નામો બેગાના થઈ ગયા છે.

ગાંધીજી પોતાના વક્તવ્યો, કાર્યક્રમોની રૂપરેખાને આપમેળે આપસુઝ પ્રમાણે આખરી ઓપ આપતા હતા. પરંતુ અણ્ણા હજારેના મામલામાં એવું નથી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની કોર કમિટી નક્કી કરે છે કે અણ્ણા વડાપ્રધાનને પત્ર લખશે અથવા ટીમ અણ્ણા હિસ્સારમાં કોંગ્રેસનો વિરોધ કરશે. આજ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કોણ સભ્ય છે અને કોણ પદાધિકારી છે. જ્યારે ગાંધીજી જે કરતાં તેનું અનુસરણ તેમની આજુબાજુના લોકો અને ટેકેદારો કરતાં હતા. જ્યારે અણ્ણા હજારેનું જીવનમાં કોઈ અનુસરણ કરતું નથી. તેમના સ્વયંસેવકો અને નવરત્નોમાંથી કોઈએ અણ્ણાના ઉપવાસમાં સાથ પુરાવ્યો નથી. (અંશત્ અપવાદ મુંબઈના ઉપવાસ) પરંતુ ગાંધીજીના આમરણ અનશન વખતે તેમની સાથે ઉપવાસ કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી રહેતી હતી. કિરણ બેદી અને કેજરીવાલ બે ટાઈમ ભરપેટ જમીને રામલીલા મેદાનમાં સૂત્રો પોકારતા અને તિરંગો લહેરાવતા નજરે પડતા હતા. આ સંગઠન ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શને ગત બે વર્ષોમાં કેટલા ગોટાળાબાજોને બેનકાબ કર્યા અથવા કોઈ અન્ય સમાજસુધારાના કામ કર્યા હોય, તો તેનો જવાબ શૂન્ય છે. (ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટીકાઓથી બચવા કેજરીવાલ અને બેદી અણ્ણા સાથે ઉપવાસ કર્યા હતા. પરંતુ તેમના સદભાગ્યે અણ્ણાના ઉપવાસ ત્રણ દિવસ પહેલા જ આટોપી લેવાયા. બાકી તેમના ભૂખ્યા રહેવાની ક્ષમતા પર દેશવાસીઓને હંમેશા શંકા રહેશે.)


અણ્ણાનો ગાંધીવાદ ટોપી-ધોતી સુધી સીમિત


અણ્ણાનો ગાંધીવાદ માત્ર ટોપી અને ધોતી સુધી સીમિત છે. માત્ર રાજઘાટ પર માથું નમાવવાથી અને ગાંધીની અમુક વાતો કરવાથી ગાંધીવાદી થવાય નહીં. ગાંધીજીના નિર્મળ, નિષ્પાપ, સરળ અને સ્વચ્છ જીવન મૂલ્યોને અનુસરવા અને તેના પ્રમાણે જીવન જીવવું વ્યક્તિને ગાંધીવાદી બનાવે છે. અણ્ણાના કર્મ અથવા વિચારોની ગાંધીવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અણ્ણાનું કર્મ ત્યાંથી શરૂ થાય છે, જ્યાં ગાંધીવાદનું અંતિમ ચરણ આવતું હતું. ગાંધીજીએ જેટલીવાર આમરણ અનશન કર્યા તે પોતાના આંદોલનના અંતિમ ચરણમાં કર્યા. જનજાગરણ, જનચેતના, નો તો અણ્ણાના વશની વાત છે અને ન તો તેમના એજન્ડામાં આવી કોઈ વાત છે.

ગાંધીજી કર્મયોગી, અણ્ણા હઠયોગી

ગાંધીજી ગીતાના કર્મયોગના ઉપાસક હતા. ગાંધીજીના કાર્યોમાંથી કર્મયોગ છલકતો હતો, પરંતુ અણ્ણા હજારેના ક્રિયાકલાપોમાંથી અને તેમની બેકાબુ જુબાનથી માત્ર હઠયોગ જ છલકી રહ્યો છે. ગાંધીજીના વિધાનોમાં ધમકી ક્યારેય હતી નહીં, બસ તેઓ માત્ર માગણી કરતા હતા. ત્યાર બાદ માગણી ન માનવામાં આવે તો જ્યાં હોય ત્યાં અનશન શરૂ કરી દેતા હતા. પરંતુ અણ્ણા હજારે બ્લેકમેઈલરની તર્જ પર અનશનની ધમકી આપતા રહ્યા છે. ગાંધીજી કોઈના વિરોધમાં જીવનમાં ક્યારેય હતા નહીં.

અણ્ણાને લક્ષ્ય કરતાં જીવન વધારે વ્હાલું?

ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનમાં સાચા મહાત્માની જેમ પોતાના શરીર અને જીવનની ક્યારેય ચિંતા કરી ન હતી. જ્યારે અણ્ણાના અનશન પ્રખ્યાત તબીબ ડોક્ટર ત્રેહાનની દેખરેખમાં થયા. હવે તમે જ વિચારો કે અણ્ણાને જીવન સાથે કેટલો મોહ છે. કદાચ આ દુનિયાના પહેલા અનશન હતા કે જ્યાં અનશનકારી પોતાના ખાનગી ડોક્ટર સાથે ઉપવાસ કરવા ઉતર્યો હોય. મુંબઈના અનશનમાં તેમને તબીબોની સલાહથી પીછેહઠ પણ કરવી પડી છે.

અણ્ણાની ઉપલબ્ધિ શું?

ગાંધીજીની આસપાસ હંમેશા જનકલ્યાણ અને નિર્માણની યોજનાઓને રચનાત્મકતા રહેતી હતી. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ સહીતની સામાજિક કુરીતિઓ સામે લડવા માટે સમાજની સમજ પેદા કરી. તેમણે રેંટિયો કાંતીને પોતાનું કાપડ બનાવીને વિદેશી કપડાના બહિષ્કારની વાત કરી. તેમણે સંડાસ જાતે સાફ કરીને સ્વચ્છતાના પાઠ લોકોને ભણાવ્યા.

પરંતુ અણ્ણાની ઉપલબ્ધિઓની વાત છે તેઓ હંમેશા મહારાષ્ટ્રના પોતાના અનશનોની વાત કરે છે. જેમાં ઘણાં મંત્રીઓ અને સેંકડો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. પરંતુ ત્યાર બાદની વાત કોઈ કરતું નથી કે હટાવાયેલા તમામ મંત્રીઓમાંથી કેટલાં ફરીથી મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા અથવા તે મંત્રીઓના ભ્રષ્ટાચારનું આગળ શું થયું? ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, આવા તમામ લોકો રાજનીતિમાં આજે પણ સક્રિય છે. જ્યારે મહાત્મા ગાંધી માટે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ હતો, તેને તેમણે પોતાના જીવનકાળમાં પૂર્ણ કર્યો હતો.


ગાંધીવાદી અણ્ણાના મંચ પરથી હિંસાની તરફેણ કેમ?


અનશન દરમિયાન હિંસાની તરફેણ અણ્ણાના મંચ પરથી ખૂબ મોટા પ્રમાણમાં થઈ. સાંસદો અને રાજકારણીઓ માટે શિષ્ટાચારવિહીન વાતો પણ કરવામાં આવી. અણ્ણાના મંચ પરથી ભ્રષ્ટાચારીઓના હાથ કાપી નાખવાની અને તેમને ફાંસીએ ચઢાવી દેવાની વાત કરવામાં આવી. અણ્ણાએ એકપણ વાર આવી વાતોનો વિરોધ કર્યો નથી. અણ્ણાએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવાં ક્રાંતિકારીઓના નામ લઈને નવજુવાનિયાઓને પોરસ ચઢાવ્યું. નવજુવાનિયાઓને ભારત માટે સર્વસ્વ ત્યાગનારા ક્રાંતિકારીઓનું નામ લેવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ શું કોઈ ગાંધીવાદી સ્વપ્નમાં પણ હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન આપી શકે? આનાથી પણ મોટી વાત એ છે કે દિલ્હીમાં શરદ પવારને એક માથાફરેલા યુવાને થપ્પડ મારી દીધી. અણ્ણાની પ્રતિક્રિયા પુછવામાં આવી તો તેમણે કહ્યુ કે માત્ર એક જ થપ્પડ મારી? એક ગાંધીવાદી હિંસાત્મક કૃત્યની તત્કાળ આલોચના કરવાની જગ્યાએ તેને સમર્થન કરવા જેવા ટોનમાં પવારનો ઉપહાસ કરવાનું કૃત્ય કરે, તે શું હિંસા નથી?

શરદ પવારને થપ્પડથી અણ્ણા ખુશ થયા?


પરંતુ અણ્ણા આટલેથી અટક્યા નથી, તેમણે તો પોતાના બ્લોગ પર પોતાના પવાર પરના ઉપહાસને યોગ્ય ઠેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો છે. શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરેએ તેના સંદર્ભે પ્રતિક્રિયા આપીને સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે ગાંધીવાદી અણ્ણાની કમરે કોઈ બીજાની ધોતી છે. તેમની સામે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીના કાર્યો અને મત-અભિપ્રાયોથી કોઈ અસંમત જરૂરથી હોઈ શકે. પરંતુ તેમની અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં. ગાંધીજીએ અસહકાર આંદોલનને ચૌરાચૌરી હિંસા કાંડ બાદ અટકાવી દીધું હતું. ગાંધીજીએ ભગતસિંહના હિંસક ક્રાંતિકારી કૃત્યોને દેશભાવના તરફેણમાં હોવા છતાં સમર્થન આપ્યું ન હતું. ગાંધીજીએ નોઆખલીની હિંસાને રોકવા માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા. પોતાના જીવનમાં તેમણે ક્યારેય હિંસાને જાણે-અજાણે કોઈપણ જાતનું ઉત્તેજન આપ્યું ન હતું.

અણ્ણાનું આંદોલન બિનરાજકીય નથી, છેવાડાનો માણસ ગેરહાજર

ગાંધીજીનું સૌથી મોટું શસ્ત્ર વિરોધ ન હતું, પણ અસહકાર હતું. ગાંધીજીનો અસહકાર કોઈના વિરોધમાં ન રહેતા કોઈ કામ માટેનો રહેતો હતો. જ્યારે અણ્ણા હજારેનો વિરોધ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વિરુદ્ધનો થઈ રહ્યો છે. પહેલા હિસ્સારની પેટા ચૂંટણીમાં અણ્ણાની ટીમે કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી હતી. તો હવે અણ્ણા કહી રહ્યા છે કે મજબૂત લોકપાલ નહીં આવે તો તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની લોકોને અપીલ કરશે. જો કે તેમના પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા સંદર્ભે હજી તેમની તબિયતને કારણે આશંકાઓ છે.


ગાંધીજીના આંદોલનો સામાજિક પ્રકારના રહેતા અને તેનો રાજનીતિ પર પ્રભાવ પડતો હતો. પરંતુ હવે અણ્ણાના આંદોલન સામાજિક રહ્યા નથી. અણ્ણાના છેલ્લા અનશન સુધી રાજનેતાઓને મંચથી દૂર રાખવામાં આવ્યા. પણ 11મી ડિસેમ્બરે સંસદ બહાર સંસદ ચલાવવાની અદાથી અણ્ણાએ મંચ પર વિરોધ પક્ષના નેતાઓને આમંત્ર્યા અને લોકપાલ મુદ્દે ચર્ચા કરી. ગાંધીજીના આંદોલનમાં ગામડાંનો છેવાડાનો માણસ પણ જોડાતો, પરંતુ અણ્ણાના આંદોલનમાં ભારતને એલિટ ગણાતો ફેસબુકિયો અને ઈન્ટરનેટિયો વર્ગ વધારે પ્રમાણમાં જોડાયો છે. અણ્ણા દેશના છેવાડાના માણસને પોતાના અનશનો અને આંદોલનો સાથે જોડવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે.

બેદી-કેજરીવાલ મુદ્દે અણ્ણાની ‘મજબૂર’ ચુપકીદી


ગાંધીજી પોતાના સાથીદારોની શુદ્ધતા અને પવિત્રતા માટે આગ્રહી હતા. તેઓ પોતાના સાથીદારોના આચરણની બાબતમાં કઠોર હતા. પરંતુ અણ્ણા હજારેમાં આ ખૂબી ગેરહાજર છે. ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદી પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો લાગેલા છે. પરંતુ અણ્ણા લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ બેદીના ટેકામાં ઉતરી આવ્યા છે. અરવિંદ કેજરીવાલ પર સરકારના લેણાના કેટલાંક રૂપિયા બાકી હતા. પરંતુ અણ્ણા તે મુદ્દે પણ ચુપ રહ્યા છે. અણ્ણાના સાથીદાર કુમાર વિશ્વાસ કોલેજમાં હાજર ન રહેતા હોવાની ફરીયાદો ઉઠી છે. પરંતુ અણ્ણાએ એકપણ વખત તેમને તેમનું અધ્યાપન કાર્ય સારી રીતે કરવા માટે સલાહ આપી નથી.

ગાંધીજી પોતાના આશ્રમોના આવક-જાવકના હિસાબ પર કડક નિરીક્ષણ રાખતા હતા. આશ્રમોના ખાતા બધાં માટે ખુલ્લા રહેતા હતા. એ ઘણું સારું રહેત કે અણ્ણાના આંદોલન માટે આવેલા નાણાંને તુરંત હિસાબ સાથે ચાર-છ દિવસમાં જાહેર કરી દેવાત કે જેથી સમગ્ર સમાજસેવી સંસ્થાઓ માટે તે ઉદાહરણ બની શકત. એ જોવું પણ આયોજકોનું કામ છે કે આ નાણાં તેમને ધનકુબેરો પાસેથી નહીં પણ સામાન્ય જનતા પાસેથી મળે. કારણ કે મોટી રકમ આપનારી સંસ્થાઓ અથવા ધનકુબેરો પોતાના હિત માટે ક્યારેક આંદોલનની નસ દબાવી શકે છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે તમારી આંખો સામે છે. ત્યારે એવી આશંકાઓ પણ છે કે અણ્ણાના આંદોલનથી ભીડતંત્ર સામે મજબૂર બનીને લોકતંત્ર અને તેની પ્રક્રિયાઓ કમજોર કરીને એક એવા તંત્રને જન્મ આપશે, જેમાં સ્વયંસેવી સંગઠનોના નામ પર નવી હુકમશાહીનું રાજ કાયમ થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અણ્ણાને હાથો બનાવીને એનજીઓનો આતંકવાદ પણ વિકસશે. સવાલ જનલોકપાલમાં વડાપ્રધાન અથવા ન્યાયતંત્રને સામેલ કરવાનો નથી, સવાલ દરેક સ્તરે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારથી નિપટવાનો છે. ગાંધીવાદી મૂલ્યો સાથે લોકતાંત્રિક આઝાદ ભારતમાં આંદોલનને સફળતા મળશે તેવી ઘણાંને શ્રદ્ધા છે. સવાલ છે કે અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વના એક્સરે પ્રમાણે તેવો કેટલાં ગાંધીવાદી છે?

ભાજપ હવે નરેન્દ્ર મોદીને PM પદ માટે પ્રોજેક્ટ કરી રહ્યું છે


bjp is now projectin narendra modi as pm candidate

એક સીએમની પીએમ તરીકેની સફર હવે શરૂ માનવામાં આવી શકે છે. ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ એક ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં જણાવ્યુ કે નરેન્દ્ર મોદીમાં ભાજપ અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન એમ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે તેમણે કહ્યુ હતુ કે ભાજપના નેતાઓ સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવારને નક્કી કરશે. બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ ગડકરીના સૂરમાં સૂર મિલાવીને દહેરાદૂનમાં જણાવ્યું છે કે મોદીમાં દેશના વડાપ્રધાન બનવાની અસાધારણ ક્ષમતા હોવાના ગડકરીના અભિપ્રાય સાથે સંમત છે.

જો કે ગડકરીનું છ માસ પહેલાનું નિવેદન પણ યાદ કરવા જેવું છે કે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈને વડપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરશે નહીં અને પાર્ટીમાં વડાપ્રધાન પદના ઘણાં દાવેદાર છે. રાજકીય સંકેતો અને ભાજપના સૂત્રોનું માનીએ તો પાર્ટીમાં વડાપ્રધાન પદના દાવેદાર નેતાઓમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજ, રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરી, યશવંત સિંહા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનનો સમાવેશ થાય છે. આ સિવાય જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વડાપ્રધાન પદની દોડમાં ‘ડાર્ક હોર્સ’ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પરંતુ 2012ના ડીસેમ્બર માસમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ ટેલિવિઝન ચેનલને મુલાકાતમાં સ્પષ્ટ કર્યુ હતુ કે તેઓ વડાપ્રધાન પદની કોઈની દાવેદારીને તોડવાનું કામ કરશે નહીં અને મોદી જો ભાજપના અધ્યક્ષ તરીકે સૂત્રો હસ્તગત કરવા ઈચ્છતા હશે તો તેઓ તેનું સમર્થન કરશે. ગડકરીએ પોતાનો ભાજપ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ લંબાવવામાં રસ ધરાવતા ન હોવાની વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે.

આ સ્પષ્ટ સંકેત છે કે હિંદુત્વના પાટા પર મોદીત્વની ગાડીને વિકાસના ડબ્બામાં સદભાવના યાત્રીઓ સાથે દિલ્હી સ્ટેશને જવા માટે ભાજપ અધ્યક્ષ તરફથી લીલીઝંડી દેખાડવામાં આવી છે. એક તરફ દેશમાં યુપીએ વિરુદ્ધ વાતાવરણ સપાટી પર દેખાઈ રહ્યું છે. તેના કારણે દેશમાં વચગાળાની ચૂંટણીઓની આશંકા વચ્ચે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના એનડીએને સફળતા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. પરંતુ તેનો લિટમસ ટેસ્ટ યૂપી, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવા એમ પાંચ રાજ્યોની ચૂંટણીમાં થવાનો છે. ત્યારે આવા સમયે ગડકરીનું વિધાન સ્પષ્ટ કરે છે કે હવે ભાજપ મોદીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરવા માંગે છે. વળી બિહારમાં ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહેલા મોદી હવે યૂપીમાં પ્રચાર કરશે. તેઓ યૂપીમાં ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે સદભાવના મિશનની શરૂઆત વખતે જ નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અમેરિકી કોંગ્રેસની એક એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 2014માં લોકસભાની ચૂંટણીનો જંગ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીનો જંગ બની રહેશે. તેમા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર માનવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન, વિકાસ અને ભ્રષ્ટાચારને લગામ કસવાની નીતિની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.

ત્યાર બાદ ગત વર્ષ સદભાવના મિશનની શરૂઆતના 55 કલાકના ઉપવાસ દરમિયાન પણ ભાજપના વરિષ્ઠ નેતાઓએ મોદીના ઉપવાસમાં સામેલ થઈને તેમની પીએમની ઉમેદવારી સંદર્ભે સદભાવના દર્શાવી હોવાના સંકેતો આપ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં તે વખતે લખ્યુ હતુ કે હવે અમેરિકી નેતાઓ અને વિદેશ મંત્રાલયની એ વાતને મહત્વ આપવામાં આવી રહ્યું છે કે ભાજપ સત્તામાં પાછું ફરશે અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે, કારણ કે અમેરિકી વિશ્લેષકોનું માનવું છે કે એક પછી એક ગોટાળાને કારણે કોંગ્રેસના જનાધારમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.

તે વખતે રાજકીય વિશ્લેષકોએ અડવાણીના બ્લોગ પરથી ક્યાસ લગાવ્યો હતો કે તેમણે મોદીને વડાપ્રધાન બનવા માટે પોતાના આશીર્વાદ આપી દીધા છે અને તેમને પણ દેખાઈ રહ્યુ છે કે મોદી દેશના આગામી વડાપ્રધાન બની શકે છે અને માની લીધુ છે કે મોદી જ આ પદ માટે ભાજપના સૌથી વધારે કાબેલ નેતા છે.

ઉલ્લેખનીય છે કે 2009માં એનડીએ તરફથી પીએમ ઈન વેઈટિંગ રહેલા અડવાણીને 2014માં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનો પ્રયત્ન ભાજપની એક લોબી કરી રહી છે. પરંતુ ખુદ અડવાણીએ ભૂતકાળમાં માન્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના પ્રબળ દાવેદાર છે. બાદમાં તેમણે પોતાના નિવેદનને વધારે કૂટનીતિક બનાવીને રજૂ કર્યું છે.

તાજેતરમાં ચેન્નઈમાં તુઘલક મેગેઝીનના વાર્ષિકોત્સવમાં અડવાણીએ કહ્યુ કે નરેન્દ્ર મોદીનું રાજકીય કદ વધવાથી તેમને ઘણી ખુશી થઈ રહી છે. આ કાર્યક્રમમાં તુઘલક મેગેઝીનના તંત્રી અને રાજકીય વિશ્લેષક ચો. રામાસ્વામીએ પણ મોદીને રાષ્ટ્રીય સ્તરે મોટી અને મહત્વની ભૂમિકામાં લઈ જવાની વાતની તરફેણ કરી હતી.

જો કે તાજેતરમાં મોદી સંદર્ભે ગડકરી દ્વારા કરવામાં આવેલા નિવેદનના ઘણાં રાજકીય અર્થ નીકળી શકે તેમ છે. કુશવાહ કાંડ બાદ ગડકરીની પક્ષ અને પક્ષની બહાર ઘણી ફજેતી થઈ છે. તેને કારણે તેઓ કુશવાહ કાંડથી ભાજપના નેતાઓનું ધ્યાન બીજે હટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈ શકે. વળી તેમની ડીસેમ્બર માસમાં ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે સંઘ તરફથી તેમના અથવા ભાજપ પર કોઈ દબાણ હોઈ શકે કે હવે તેમનો ‘નાઈટ વોચમેન’નો રોલ પૂરો થઈ રહ્યો છે. આ સિવાય મોદીની ગુજરાત અને ગુજરાત સિવાયના રાજ્યમાં ખૂબ મોટી લોકપ્રિયતા છે, તેનો પાંચ રાજ્યોની ચૂંટણીમાં લાભ લેવાનો પણ કોઈ ઉદેશ્ય ગડકરીના વિધાન પાછળ હોઈ શકે. આ સિવાય ભાજપની નેતાગીરી પર કોર્પોરેટ લોબીનું પણ દબાણ હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ચીન-જાપાન જેવા દેશો પણ મોદીમાં ભારતના આગામી વડાપ્રધાન જોઈ રહ્યા છે. 2009ના વાઈબ્રન્ટ ગુજરાત વખતે દેશના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, કુમારમંગલમ બિરલા, સુનિલ મિત્તલે નરેન્દ્ર મોદીમાં ભારતના વડાપ્રધાન બનવાની સ્પષ્ટ સંભાવના જોઈ હતી.

અનિલ અંબાણીએ કહ્યુ હતુ કે તેમના પિતા ધીરુભાઈ અંબાણી પણ મોદીને લાંબી રેસનો ઘોડો કહેતા હતા. તેમણે કહ્યુ હતુ કે જો એક નરેન્દ્ર મોદી ગુજરાત માટે આટલું બધું કરી શકે છે, તો ભારત માટે ઘણું બધું સંભવ થઈ જશે જો નરેન્દ્ર મોદી દેશના નેતા તરીકે મળી જાય.

સુનિલ મિત્તલે અનિલ અંબાણીની વાતને આગળ વધારીને કહ્યુ કે તેઓ કહેવા માંગે છે કે જો દેશમાં કોઈ સીઈઓ છે, જે એક કંપની નથી, એક સેક્ટર નથી, એક પ્રદેશ નથી, એક દેશને ચલાવી શકે છે તો તે નરેન્દ્ર મોદી છે.

મહત્વપૂર્ણ છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં અડવાણી એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને તેવામાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા સંદર્ભેના ઉદ્યોગપતિઓના અભિપ્રાયો બાદ ભાજપે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવી પડી હતી કે તે વખતની લોકસભાની ચૂંટણીમાં અડવાણી જ ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર છે. ઉલ્લેખનીય છે કે 2007ની વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ અડવાણીને 2009ની દોઢ-બે વર્ષ બાદની લોકસભાની ચૂંટણી માટે રાજકીય ગણતરી સાથે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.

2009ના લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી નિષ્ફળતાના દોષનો ટોપલો અડવાણીની વડાપ્રધાન પદ માટેની ઉમેદાવારી પર ઓઢાડી દેવામાં આવ્યો હતો. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના ઘોર વિવાદને કારણે નરેન્દ્ર મોદીને પ્રચાર અભિયાનથી દૂર રાખવામાં આવ્યા હતા. ત્યારે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે બિહાર પાસે તેમના મોદી છે. (સુશીલ કુમાર મોદી જેઓ હાલ બિહારના નાયબ મુખ્યમંત્રી છે) સુષ્માએ કહ્યુ હતુ કે મોદી મેઝિકની બિહારમાં જરૂર નથી. ત્યાર બાદ સુષ્મા સ્વરાજ અને મોદી વચ્ચે સંબંધોમાં થોડી કટુતા આવી હોવાના મીડિયા અહેવાલો પણ ચમક્યા હતા.

ભાજપના ઈન્દૌર ખાતેના રાષ્ટ્રીય અધિવેશનમાં સુષ્મા સ્વરાજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાનના ખૂબ વખાણ કર્યા હતા અને તેમને ભાજપના સંવેદનશીલ મુખ્યમંત્રી નંબર વન ગણાવ્યા હતા. આ સિવાય મીડિયા અહેવાલો પ્રમાણે, અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની પોતાની દાવેદારીને મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. તો અહેવાલો પ્રમાણે, મોદીથી નારાજ સંઘ પણ ગડકરીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે તેવા સમાચાર પણ ચમક્યા હતા. ગડકરી મધ્ય પ્રદેશમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા પણ દર્શાવવામાં આવી હતી. જો કે હવે ગડકરીએ કહ્યુ છે કે તેઓ ક્યારેય વડાપ્રધાન પદના દાવેદાર ન હતા. તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે મોદીની તરફેણમાં તેઓ સંઘના નેતૃત્વની હામી બાદ પોતાને આ દોડમાંથી બહાર કરી રહ્યા છે.

શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ પહેલા જ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ વધારવાની વાતને ટેકો આપી દીધો છે. તો બીજી તરફ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે પણ ગુજરાતના પ્રવાસ દરમિયાન મોદીના ગુણગાન કરી ગયા છે. તેમણે કહ્યુ હતુ કે જો ભાજપ તરફથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર બનાવવામાં આવશે, તો તેમની પાર્ટી નિશ્ચિતપણે તેનું સમર્થન કરશે. જો નરેન્દ્ર મોદી જેવા કાબેલ શખ્સ દેશના વડાપ્રધાન બનશે તો તેમને ખુશી થશે.

ત્યારે એક સીએમ હવે પોતાની પીએમ તરીકેની યાત્રાની તૈયારીના ભાગરૂપે સદભાવના મિશન કરી રહ્યા હોવાનું ઘણાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. મોદી પોતાની ઈમેજ મેકઓવર સાથે ક્યારે અને કેવી રીતે રાષ્ટ્રીય રાજનીતિની ફલકમાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત વિધાનસભાની ટર્મ ડીસેમ્બર માસમા પૂર્ણ થાય છે. ત્યારે માનવામાં આવે છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય હાસિલ કરીને રાષ્ટ્રીય રાજકારણના અખાડામાં ઉતરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે નીતિન ગડકરીની ભાજપ અધ્યક્ષ તરીકેની ટર્મ પણ ડીસેમ્બરના આખરમાં સમાપ્ત થાય છે અને તેઓ હવે તેને લંબાવવા માટે તૈયાર નથી.

રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીની પોપ્યુલારિટી ગુજરાત અને ગુજરાત બહાર સ્વચ્છ મુખ્યમંત્રી તરીકેની છે, આ પોપ્યુલારિટીને પાંચ રાજ્યોની ચૂંટણીમાં વટાવી ખાવા માટે પણ ગડકરી દ્વારા મોદીની વડાપ્રધાન પદની દાવેદારી આગળ કરતું નિવેદન કરાયું હોવાની વાત સંશોધનનો વિષય છે. જો કે આ સાથે એક વાત સ્પષ્ટ છે કે ભાજપમાં સંઘ અને/અથવા કોર્પોરેટ લોબીના દોરીસંચાર સાથે હવે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાનું ચાલુ કરી દીધું છે.