સોમવાર, 10 ઑક્ટોબર, 2011

શ્રમની બાદબાકી એટલે જીવનની બરબાદી!


-આનંદ શુક્લ

શ્રમ જીવનનો આધાર છે. શ્રમ કર્મ કરવાનું માધ્યમ છે. ભારતમાં દર્શનમાં કર્મનું ઘણું મહત્વ છે. શ્રીમદ ભગવત ગીતમાં પણ કર્મનો સિદ્ધાંત ખૂબ વિસ્તારથી સમજવામાં આવ્યો છે. શ્રમ કર્મ કરવાનું માધ્યમ છે. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાને કારણે અહીં શારીરિક શ્રમ જીવનનો અભિન્ન હિસ્સો હતો. આઝાદી વખતે ભારત 80 ટકા કૃષિપ્રધાન દેશ હતો. હાલ ભારત 65 ટકા કૃષિપ્રધાન દેશ છે. એટલે કે ભારતમાં કૃષિ અથવા તેના પર આધારીત કામો 15 ટકા ઓછા થયા છે. તેની અસર અહીં વ્યક્તિના શરીર પર પડતી દેખાય છે. ભારતમાં કસરતનું પણ મહત્વ હતું. ગામેગામ અખાડા ભૂતકાળમાં રહેતા હતા. મલખમ, કુસ્તી, કબડ્ડી જેવી રમતો લોકોના જીવનનો ભાગ હતી. પરંતુ નવા પવને ભારતીય જીવનમાં રહેલા શ્રમને નિશાન બનાવ્યું છે. પહેલા આરામ માત્ર અમીરોના નસીબમાં જ હતો. પરંતુ હવે આરામ મધ્યમવર્ગીય લોકો સુધી પહોંચવા લાગ્યો છે. આરામે ભારતના વ્યક્તિના જીવનને હરામ બનાવી દીધું છે. ભારતીય જીવનધારામાંથી શ્રમની બાદબાકી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધી જેવાં મહાપુરુષ પણ શારીરિક શ્રમને માનવીય જીવનનો અભિન્ન હિસ્સો માનતા હતા. તેમણે ચલાવેલા તમામ રાજકીય અને સામાજીક આંદોલનમાં શ્રમની હિસ્સેદારી ઘણી મોટી હતી. પરંતુ હાલ ભારતીય જીવનમાંથી શ્રમનો છેદ ઉડાડી દેવાયો છે.

નવો પવન આપણા જીવનની દિશા બદલી રહ્યો છે, આપણને ખાઈ તરફ ધકેલી રહ્યો છે. વાતાનુકૂલિત ફ્લેટ કે ઓફિસમાં લેપટોપ પર કામ કરવાનું કલ્ચર વધી રહ્યું છે. નફા પાછળની આંધળી દોટ માણસના જીવનમાં તણાવ ઉભો કરી રહી છે. ચાલવાનું અને સાઈકલ પર ફરવાનું ભુલાઈ રહ્યું છે. ભારતમાં નવી નવી ઓટોમોબાઈલ કંપનીઓ સ્થપાઈ રહી છે અને તેઓ ભારતમાં મોટા પ્રમાણમાં દ્વિચક્રીય વાહનો વેચી રહી છે. ભારતમાં છેલ્લા કેટલાંક દશકાઓથી મધ્યમવર્ગમાં ખાસી વૃદ્ધિ થઈ છે. (જો કે ગરીબ વર્ગ પણ મોટો થતો જાય છે.) ખાનપાનમાં પણ ઘણો મોટો ફેરફાર થઈ રહ્યો છે. ભારતીયોનું જીવન બેઠાડું બની રહ્યું છે. આ બેઠાડું જીવન ભારતીયોને શારીરિક રીતે ખતમ કરી નાખશે.

સતત વધી રહેલા મોંઘવારીના સમયમાં જેમતેમ કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહેલા મિડલ ક્લાસના માણસો માટે ડાયાબિટિસ એક નવી મુશ્કેલી બનીને સામે આવી રહ્યો છે. ભારતમાં ડાયાબિટિસના મામલા એટલી ઝડપથી વધી રહ્યા છે કે ગત એક દશકમાં દેશભરમાં તેનાથી પીડિત લોકોની સંખ્યા બેગણી થઈ ચુકી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ઈન્ડિયા ડાયાબિટિસના એક નવા અભ્યાસ પ્રમાણે, દેશભરમાં લગભગ 6.24 કરોડ લોકો ડાયાબિટિસથી પીડાય છે. 120 કરોડના દેશમાં આ આંકડા ભલે નાના લાગતા હોય, પરંતુ તેમાં ડાયાબિટિસ થવાને આરે પહોંચેલા લોકોની સંખ્યાને ઉમેરી દેવામાં આવે, તો પરિસ્થિતિ ગંભીર રીતે વણસેલી લાગે તેવી છે. આ અભ્યાસ પ્રમાણે, 7.72 કરોડ લોકો એવા છે કે જેમનામાં ડાયાબિટિસના લક્ષણ છે. એટલે કે હાલની પરિસ્થિતિમાં લગભગ 14 કરોડ લોકો ડાયાબિટિસની ઝપટમાં છે. વર્ષ 2004માં ડાયાબિટિસ કેયરએ અનુમાન લગાવ્યું હતું કે 2030 સુધીમાં ભારતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા 7.94 કરોડ થઈ જશે. આમા હજી બે દશકા બાકી છે, પરંતુ ડાયાબિટિસના દર્દીઓની વધી રહેલી સંખ્યા જણાવી રહી છે કે આ અનુમાનના આંકડાને ભારત ઘણી ઝડપથી પાર કરી જશે.

શોધ અભ્યાસમાં પહેલીવાર તબીબોએ માન્યું છે કે ડાયાબિટિસ હવે શહેરી અને દોડાદાડીવાળી જીવનશૈલીની બીમારી રહી નથી, પરંતુ તેણે ગ્રામીણ જીવનને પણ પોતાની ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. કેટલાંક વર્ષો પહેલા ડાયાબિટિસ અમીરોની બીમારી ગણાતી હતી, પછી તેને જીનેટિક કારણથી ફેલાતી બીમારી ગણાવામાં આવી. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં તે મધ્યમવર્ગની બીમારીમાં રૂપાંતરીત થઈ ગઈ છે. ડાયાબિટિસ પાછળના દરેક અભ્યાસમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાંક સમયથી જેને ભારતના વિકાસનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, તેમાં બેઠાડું જીવન વધી જતાં શારીરિક શ્રમની બાદબાકી થવાથી ડાયાબિટિસ ઝડપથી ફેલાયો છે. મહાનગરો-શહેરોની બેઠાડા જીવનની શૈલી ગામડાંઓ સુધી પણ પહોંચી છે. તેના કારણે આ બીમારી ઝડપથી લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે.

ડાયાબિટિસના મામલે ભારતનો ગ્રાફ પહેલેથી જ ખરાબ છે. દુનિયાના કુલ ડાયાબિટિસ પેશન્ટમાંથી એક ચતુર્થાંસ દર્દીઓ ભારતમાં છે. આગામી દિવસોમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા ભારતમાં મોટાપ્રમાણમાં વધવાની છે. આ પરિસ્થિતિ સામે હોવા છતાં ભારત સરકારની કોઈ આરોગ્ય નીતિ સ્પષ્ટ રીતે લોકો સામે આવી રહી નથી. જે ઝડપથી ડાયાબિટિસની બીમારી વધી રહી છે, તેટલી ઝડપથી લોકોમાં જાગરૂકતા ઉભી કરવાની કોઈ દરકાર સરકારને નથી. હાલ દેશના શહેરી વિસ્તારોમાંથી 30 ટકા લોકો ડાયાબિટિસની સારવારની જરૂરિયાત હોવાનું માનતા નથી, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 50 ટકા લોકોને ડાયાબિટિસની સારવારની જરૂરત લાગતી નથી. ડબલ્યૂએચઓના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટિસ અને હ્રદય સંબંધિત રોગોને કારણે ભારતને દર વર્ષે 210 અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડે છે. જો આવી જ સ્થિતિ ચાલુ રહેશે, તો આ નુકસાન આગામી દશ વર્ષોમાં વધીને દર વર્ષે 335 અબજ ડોલરે પહોંચશે.

તેવામાં મોટો સવાલ એ છે કે આ ખતરનાક બીમારીને અંકુશમાં કેવી રીતે લેવી? તબીબોના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટિસ મોટાભાગે જીવનશૈલીમાં શારીરિક વ્યાયામ અને શ્રમને ઉમેરવાથી કાબૂમાં કરી શકાય છે. તેના માટે સામાન્ય લોકોમાં જાગરૂકતા વધારવાની જરૂરત છે. તેના માટે સરકારે પોતાની સ્વાસ્થ્ય યોજનાઓમાં ડાયાબિટિસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. મધ્યમ વર્ગીય પરિવારોને સસ્તી સારવાર સુવિધાઓ આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવી પડશે.

આ સિવાય વિકાસનો દારૂ પીવડાવી બેઠાડાં જીવનની શૈલીને પ્રોત્સાહિત કરનારા નેતાઓએ દેશના લોકોના જીવનમાં શારીરિક શ્રમ અને વ્યાયામ પણ ભાગ બને તેના માટે ક્રાંતિકારી પગલાં ભરવા પડશે. દેશમાં સાઈકલ ચલાવનારના સ્ટેટસને નીચું જોવામાં આવી રહ્યું છે. ત્યારે સાઈકલના ચલણને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર કેમ ન કરી શકે? સાઈકલ પર સબસિડી આપીને તેના ઉપયોગને વ્યાપક કેમ ન કરી શકે? દેશ અને રાજ્યમાં ઓટોમોબાઈલ કંપનીઓ સ્થપાય, તેનું ઉત્પાદન થાય, પણ લોકોને શિક્ષિત કરવા જોઈએ કે નાનામોટા અંતરના કામ પુરા કરવા માટે પગપાળા કે સાઈકલ પર જવામાં કોઈ નાનમ ન હોઈ શકે. સાઈકલનો દેશમાં ઉપયોગ વધે, તો આરોગ્ય સાથે પ્રદૂષણની સમસ્યા પણ ઘણી હદે કાબૂમાં આવી જશે. મેટ્રો રેલવે અને બીઆરટીએસના પ્રોજેક્ટ ચાલે છે. પરંતુ દેશમાં લગભગ કોઈપણ જગ્યાએ સાઈકલ ચલાવનારાઓ માટે સ્પેશ્યલ ટ્રેક ઉપલબ્ધ નથી.

આ સિવાય ખતમ થઈ રહેલી ખેતીને બચાવવામાં આવે. ગામડાંમાં ખેતી માનવીય જીવનમાં શારીરિક શ્રમનું મહત્વનું કારણ છે. ભારતમાં ખેતીની પ્રધાનતા સતત ઘટી રહી છે. ખેડૂતો જમીનો વેચીને કરોડો ઉભાં કરી રહ્યાં છે. ત્યારે ખેતીને, ખેડૂતોને બચાવવા માટે પણ ધારદાર પગલાં લેવા પડશે. દેશની તથાકથિત વિકાસલક્ષી ભોગવાદી આર્થિક અને ઔદ્યોગિક નીતિને દેશના લોકોના સ્વાસ્થ્યનું સત્યાનાશ કર્યું છે. તેથી જ જો લોકોના જીવનમાં શારીરિક શ્રમને અનિવાર્ય હિસ્સો બનાવી દેવામાં આવે અને વ્યાયામ પ્રત્યે જાગરૂકતા ઉભી કરવામાં આવે, તો ડાયાબિટિસ જેવાં બેઠાડાં જીવનના રોગો ઝડપથી કાબૂમાં લાવી શકાશે. નહીંતર ભારતને વિદેશની દવા કંપનીઓ પોતાના ધંધાનું સૌથી વધુ નફો કરતું કેન્દ્ર બનાવશે.

રવિવાર, 9 ઑક્ટોબર, 2011

સંબંધોમાં “ગણતરી” એટલે સંબંધોની ઉંધી ગણતરી


- આનંદ શુક્લ

સંબંધ તાંબાના વાસણ જેવાં હોય તો ટકે અને એકબીજાને ઊર્જા આપે. આજના સંબંધો કાચના વાસણ જેવાં છે, સાચવવા પડે છે. સમાજમાં સંબંધો મજબૂત માળખું આપતાં હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિમાં સંબંધોના ગણિત બદલાયા છે. સંબંધો વધારે મતલબી અને વધારે સ્પષ્ટ શબ્દોમાં ગરજ મતલબી બન્યા છે. ગરજે ગધેડાને બાપ કહેનારાઓની સંખ્યા સમાજમાં વધતી જાય છે. નાના-મોટા સંબંધો કાઢીને પોતાનું કામ કઢાવનારા લોકોની સારીએવી સંખ્યા સમાજમાં ઉભી થઈ છે. આજકાલના સંબંધોમાં ઉમળકો ગેરહાજર છે, પરંતુ સ્વાર્થ હાજર છે. સંબંધોમાંથી લાગણી શૂન્ય તરફ આગળ વધી રહી છે અને સ્નેહનો છેદ ઉડી રહ્યો છે. સમાજ માટે સંબંધોના સમીકરણો સ્વાર્થસિદ્ધિની ફોર્મ્યુલા બની રહ્યાં છે. કોઈપણ માણસને મળો, ત્યારે પહેલી ગણતરી મગજમાં ચાલુ થઈ જાય છે કે આ માણસ આપણાં કેટલાં કામમાં આવી શકે? જો મળનાર વ્યક્તિ આપણા કામમાં આવી શકે તેમ ન હોય તો તેની સાથેના સંબંધોની શરૂઆતથી જ બાદબાકી કરી નાખીએ છીએ.

એક ગામઠી મિત્ર શહેરમાં રહેતા તેના બીજા મિત્રને મળવા માટે ગયો. શહેરી મિત્રના મગજમાં ઉપયોગી સંબંધોના સમીકરણોનું આધિપત્ય હતું. તેણે મળવા આવનારા પોતાના ગામડિયા મિત્રને વારંવાર પુછયા કર્યું કે તેને શું કામ છે? પણ ગામડિયો મિત્ર તો હ્રદયની ઉષ્માથી પોતાના મિત્રને મળી રહ્યો હતો, તેની સાથે વાતો કરી રહ્યો હતો. પરંતુ શહેરી મિત્રના મગજમાં સંબંધોથી સંભવિત કામથી થનારા નફા-નુકસાનના ગણિતે કબજો જમાવ્યો હતો. શહેરી મિત્રે ગામડિયા મિત્રને ફેરવી તોળીને પુછી જોયું કે તેને જે કામ હોય તે સીધે સીધુ જણાવી દે. તેનાથી કામ થશે તો તે કામ જરૂરથી કરી આપશે. જો તેનાથી કામ નહીં થાય, તો તે તેનો ઈન્કાર કરશે. પણ ગામડિયા મિત્રે તેને કહ્યું કે તે માત્ર પ્રેમથી પોતાના બચપણના યારને મળવા માટે આવ્યો છે. ગામડિયા મિત્રે કહ્યું કે દોસ્ત તારી સાથેના મારા સંબંધો સ્નેહના સંબંધો છે. કોઈ કામ હોય તો જ હું તારી પાસે આવું? શું હું તને અમસ્તા એમ જ મળવા ન આવી શકું? દોસ્ત ખરેખર મારે કોઈ કામ નથી, હું તો માત્ર તને જોવા માટે, તારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. કોઈ કવિએ કહ્યું છે કે-

આંસુના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં?
કહ્યાં વગર સમજે તેવાં સગપણ ક્યાં?


ગામડિયાના ભાવમાંથી એક વાત તો સ્પષ્ટ તરી આવે છે કે સંબંધોમાં સ્નેહ હોય, સંબંધોમાં નિ:સ્વાર્થતા હોય, સંબંધોમાં ઉમળકો હોય, સંબંધોમાં ખેલદીલી હોય. પરંતુ સંબંધોમાં જ્યારે સ્વાર્થ આવે, સંબંધોમાં જ્યારે ઈતરાજી આવે, સંબંધોમાં જ્યારે ધૃણા આવે, સંબંધોમાં જ્યારે ચડસાચડસી આવે, ત્યારે સંબંધોમાંથી સંબંધો ગેરહાજર બની જાય છે. સંબંધોમાં સંબંધ સિવાય બધું જ અકબંધ રહે છે. સંબંધ તૂટે તેનો અવાજ કાનને નહીં જિગરને સંભળાય છે. માટે તો જિગરી સંબંધો અતૂટ હોય છે. બસ અત્યારના સમાજમાં આર્થિક દ્રષ્ટિકોણથી જીવનની તમામ બાબતનો વિચાર થઈ રહ્યો છે. તેના કારણે સંબંધોમાંથી સંબંધ ગેરહાજર થતા જાય છે. સંબંધોના સ્થાન ફાયદા અને નફાએ લઈ લીધા છે. કોણ મને કેટલો ફાયદો કરાવી શકે? કોણ મને મારા ધંધા-રોજગારમાં કેટલો નફો અપાવી કમાણી કરાવી શકે? સંબંધોમાંથી સંબંધોની ગેરહાજરી થાય, ત્યારે સમાજ અધમ બને છે. પહેલાના જમાનામાં કહેવાતું હતું કે બે આંખની શરમ નડે છે. અત્યારે માનવીય સંબંધોમાંથી બે આંખની શરમ ગેરહાજર છે. પ્રભુ-ભક્ત, ગુરુ-શિષ્ય, પિતા-પુત્ર, પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં સ્વાર્થના શ્વાસ લેવાતા હોય છે, છતાંય ત્યાગના તપના કારણે આ જ સંબંધો બંધનમાંથી મુક્તિ અપાવે છે.

સમાજમાં આર્થિક દ્રષ્ટિકોણના પ્રભાવી બનવાની સાથેસાથે એક ધીમું પણ ઝેરીલું પરિવર્તન આવ્યું છે. લોકોએ દુનિયાના સંબંધોને કામના માણસો અને નકામા માણસોમાં વહેંચી નાખ્યા છે. કોઈ માણસ ત્યારે જ યાદ આવે છે કે જ્યારે તે માણસનું કંઈક કામ હોય. કામ વગર માણસ માણસને હવે યાદ આવતો નથી. કોઈને યાદ કરતાં પણ કહી દેવામાં આવે છે કે જવા દો યાર, એ તો નકામો માણસ છે. ઉપયોગ કરો અને ફેંકી દો-ની ફિલોસોફી જીવનનો આધાર બની ગઈ છે. જેના કારણે માણસ માણસ વચ્ચે સ્નેહ, આદર અને સદભાવનાના નિખાલસ સંબંધો બંધાતા નથી. માણસ સંબંધોની ગણતરી કરે, ત્યારે અવશ્ય ધ્યાન રાખે છે કે જેની સાથે તે સંબંધો વિકસાવી રહ્યો છે, તે માણસ તેને તેના સારાખોટા સમયમાં કેટલો ઉપયોગી થઈ શકે છે? તેને કારણે નિખાલસ સંબંધોને સ્થાને ખપના સંબંધો બાંધવામાં આવે છે. પરંતુ ખપના સંબંધો ખપ પડે કેટલાં કામમાં આવે છે, તે તો મુશ્કેલ ઘડીએ જ ખબર પડી શકે છે.

આજકાલ સમાજમાં કારણ વગર મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદ કરવાની વૃતિ ઘટી રહી છે. તેના ઉદાહરણો છે કે કોઈ રસ્તામાં કોઈની ગાડી ખરાબ થઈ હોય, તો બીજો ગાડીવાળો તેને મદદ કર્યા વગર આગળ વધી જાય છે. કોઈ સ્થાને રસ્તામાં એક્સિડન્ટ થયો હોય, તો પણ માણસને મરતો મૂકીને ઘટનાસ્થળેથી વાહન ભગાવી મુકનારા લોકોની સંખ્યા નાની-સૂની નથી. આવી ઘટનાના ઘણાં કારણો હશે. પરંતુ સરવાળે સંબંધોના ગણિતમાં વ્યક્તિ વ્યક્તિ માટે અસંવેદનશીલ બન્યો છે.

માણસનું કામ કરે તે માણસ જ કામનો માણસ હોય છે. જે વ્યક્તિ કશા જ સ્વાર્થ વગર બીજી વ્યક્તિ સાથે સ્નેહ અને ઉમળકાથી સંબંધ રાખે તે જ સાચી વ્યક્તિ છે. પરંતુ કામના માણસો અને સાચા માણસોનો સમાજમાં દુકાળ સર્જાયો છે. કોઈ વ્યક્તિ સાથે સ્વાર્થ હેતુ સંબંધો બાંધો અને તેને કામનો માણસ ગણી લો,સરઘસ રેલીમાં સૂત્ર હોય છે "xyz તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ" એટલે કે આગળ નહીં વધો અને ત્યાં જ પડયા રહેશો તો અમે સાથ છોડી દઈશું!!! તો આવી સમજ પર ખરેખર રડવું જોઈએ. જ્યારે સંબંધો કસોટીની એરણે મુશ્કેલીના સમયે ચઢે છે, ત્યારે સાચા સંબંધો, સાચા માણસો અને કામના માણસોની પરખ થાય છે. બની શકે કે જેને કામનો માણસ સ્વાર્થના સંબંધોમાં ગણ્યો હોય, તે અણિના સમયે નકામો પુરવાર થાય. બની શકે કે જેના નિખાલસ સંબંધોને સ્વાર્થના ચશ્માને કારણે જોઈ ન શક્યા હોય, તેવો નકામો અને ત્રેવડ વગરનો માણસ ભીડમાં ભગવાન સમી સહાય કરે. માણસને જરૂર પડે, ત્યારે તેની પડખે ઉભો રહેનારો વ્યક્તિ જ કામનો માણસ છે, આવો વ્યક્તિ જ સાચો માણસ છે.

સ્વાર્થના ભડકામાં બળીને ખાખ થઈ રહેલા સંબંધો પરથી શીખ લેવી જોઈએ. અમુક વ્યક્તિ સાથે સ્વાર્થવૃતિથી દોરવાઈને, તેની અમીરીથી અંજાઈને, તેના પ્રભાવથી દોરવાઈને સંબંધો બાંધવાની વૃતિ છોડવી જોઈએ. મોટાભાગે સ્વાર્થથી ઉભા થયેલા સંબંધો ખરે સમયે કોઈ કામમાં આવતા નથી. તેનાથી ઉલટું જે સંબંધોમાં વ્યક્તિ સંદર્ભે માન્યું હોય કે તેના દ્વારા આપણું કોઈ કામ થશે નહીં, તે આપણા કોઈ ઉપયોગમાં આવશે નહીં. પરંતુ હકીત છે કે કસોટીકાળે આવા માણસો જરૂરિયાતમંદ લોકોને વધારે ઉપયોગી થતાં હોય છે.

સંબંધોનું આગવું ગણિત હોય છે. ગણિતમાં બેને બે ચાર થાય છે. પરંતુ સંબંધોના ગણિતમાં બેને બે બાવીસ પણ થતાં હોય છે. પરંતુ આવું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે સંબંધોમાં નિખાલસપણું, લાગણી અને ઉમળકો હોય. સંબંધ ખાતર જ્યારે સ્નેહ સંબંધ બાંધવામાં આવે છે, ત્યારે તે વગર કહે ઉપયોગી થતાં હોય છે. માણસ કામનો ગણીને કોઈને સાથે સંબંધો બાંધવા સારી સામાજીક વૃતિ-પ્રવૃતિ નથી. કારણ કે માણસ કામનો છે કે નકામો તેની સાચી પરખ તો કસોટીની ઘડીએ જ પડે છે. સંબંધોના માનવીય ગણિતને જાળવી રાખવાથી માનવીય વૃતિઓ પણ જળવાય છે.

શુક્રવાર, 7 ઑક્ટોબર, 2011

“હિંદુઓના ધર્માંતરણને અટકાવા માટે રાષ્ટ્રીય કોષ બનાવાશે” - ધર્મનારાયણજી શર્મા, અખિલ ભારતીય મંત્રી, ધર્મપ્રસાર વિભાગ-વિહિપ


-મુલાકાતકર્તા- આનંદ શુક્લ

(વિશ્વ હિંદુ પરિષદના ધર્મપ્રસાર વિભાગ દ્વારા સતપંથ પ્રેરણાપીઠ પીરાણા ખાતે અખિલ ભારતીય કાર્યકર્તા સંમેલન દિનાંક-5,6,7 નવેમ્બર, 2011ના રોજ યોજાવાનું છે. આ મહાસંમેલનમાં દેશભરમાંથી જીલ્લા સ્તરથી ઉપરના કાર્યકર્તાઓ ભાગ લેવાના છે. જેમાં દેશમાં ખ્રિસ્તી મિશનરીઓ અને અમુક ઠેકાણે મુસ્લિમ સંગઠનો દ્વારા ચાલી રહેલા ધર્માંતરણ પર વિશેષ ચર્ચા યોજાવાની છે. આ સંમેલનમાં વિહિપના અધ્યક્ષ અશોક સિંઘલ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણભાઈ તોગડિયા, આંતરરાષ્ટ્રીય સંગઠન મંત્રી દિનેશજી, ધર્મપ્રસારના કેન્દ્રીય મંત્રી મોહનજી જોશી અને ધર્મનારાયણજી ઉપસ્થિત રહેવાના છે. આ મહાસંમેલન સંદર્ભે ધર્મપ્રસાર વિભાગના અખિલ ભારતીય સંગઠન મંત્રી ધર્મનારાયણજી શર્માએ પત્રકાર આનંદ શુક્લ સાથે વિસ્તૃત વાતચીત કરીને પોતાના સ્પષ્ટ વિચાર વ્યક્ત કર્યા. પ્રસ્તુત છે, આ મુલાકાતના મુખ્ય અંશો...)

(1)પીરાણાપીઠ ખાતે નવેમ્બર માસમાં યોજનારા અખિલ ભારતીય ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલનનો ઉદેશ્ય શું છે?

હિંદુ સમાજ અને ધર્માંતરીત થઈને મુસ્લિમ-ખ્રિસ્તી બનેલા હિંદુઓમાં ધર્મપ્રસારનો કાર્યવિસ્તાર કરવો. આ કાર્યકર્તા મહાસંમેલનને માધ્યમ બનાવીને દેશભરમાં કાર્યકર્તા, સમિતિની સંખ્યામાં વધારો કરીને ધર્મપ્રસારને સુદ્રઢતાપૂર્વક આગળ વધારવાની યોજના કરવી અને તેના માટે ધનસંગ્રહ પણ કરવો.

(2) ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલન માટે પીરાણાપીઠની પસંદગી શા માટે કરવામાં આવી?

પીરાણાપીઠમાં 2થી3 હજાર કાર્યકર્તાઓને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા છે. પીરાણાપીઠના ટ્રસ્ટીઓએ આગળ વધીને પીરાણા ખાતે ધર્મપ્રસાર કાર્યકર્તા મહાસંમેલનના આયોજન માટે આગ્રહ કર્યો હતો. દેશભરમાં અન્ય સ્થાનો પણ મહાસંમેલન માટે હતા, પરંતુ ગુજરાતમાં પીરાણાપીઠ અમદાવાદથી માત્ર 20 કિલોમીટર દૂર હોવાથી દેશભરમાંથી આવનારા કાર્યકર્તાઓને પહોંચવામાં સુગમતા રહે તેના કારણે પસંદ કરવામાં આવી.

(3)આ સંમેલનમાં કેટલાં કાર્યકર્તાઓ ભાગ લેવાના છે?

આ મહાસંમેલનમાં દેશભરના જીલ્લાસ્તરના અને તેની ઉપરના સ્તરના કાર્યકર્તાઓને બોલાવવામાં આવ્યા છે. કુલ મળીને સાડા ત્રણ હજાર જેટલાં ધર્મપ્રસારના કાર્યકર્તાઓ મહાસંમેલનમાં ભાગ લેશે. આ મહાસંમેલનમાં સંત-મહાત્માઓ પણ આશિર્વાદ અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહેશે. આ સિવાય દાનદાતાઓ, ભારતીય જનસેવા સંસ્થાના આજીવન સભ્યોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

(4) આ મહાસંમેલનમાં વિખ્યાત સંતોમાંથી કોણ હાજર રહેવાનું છે?

હાલ મારી પાસે રહેલી માહિતી પ્રમાણે, પ.પૂ. સ્વામી ચિન્મયાનંદજી (હરિદ્વાર), પ.પૂ. સ્વામી અખિલેશ્વરાનંદ ગિરિ (જબલપુર) ખાસ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય પ્રયાસ છે કે ગુજરાતના જાણીતાં શ્રેષ્ઠ સંતો મહાસંમેલનમાં ભાગ લે. આ મહાસંમેલનમાં દેશભરના તમામ મહામંડલેશ્વરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

(5) કાર્યકર્તા સંમેલનમાં ક્યાં મુદ્દાઓ પર ચર્ચા થવાની છે?

અખિલ ભારતીય કાર્યકર્તા મહાસંમેલનમાં દેશભરમાં વધી રહેલા ધર્માંતરણ પર ચર્ચા કરીને તેને રોકવાના ઉપાયો અને રણનીતિ ઘડાશે, ધર્મપ્રસારના કામ માટે કાર્યવિસ્તાર પર વ્યાપક ચર્ચા થશે. ધર્માંતરણ રોકવા માટે રાષ્ટ્રીય કોષ બનાવવા પર વિશેષ ચર્ચા કરીને તેના માટેની યોજના બનાવાશે. મહિલાઓમાં ધર્મપ્રસારના કામના વિસ્તાર માટે યોજના બનશે. આ સિવાય સેવાપ્રકલ્પો વધે તેના માટે પણ કાર્યકર્તાઓનો અભિપ્રાય લેવામાં આવશે. ઘરવાપસી અને પરાવર્તનના કામ માટે પૂર્ણકાલિનોની સંખ્યામાં વૃદ્ધિના વિષય પર ગંભીરતાથી ચિંતન થશે.

(6) આ સંમેલનમાં ક્યાં પ્રસ્તાવો પસાર કરવામાં આવશે?

આ અખિલ ભારતીય કાર્યકર્તા સંમેલનમાં કોઈ પ્રસ્તાવ પારીત કરાશે નહીં. પરંતુ તેમાં 10 જૂથો બનાવીને સંતો, મહિલાઓ, કાર્યકર્તાઓ, દાનદાતાઓ સાથે અલગ-અલગ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. કાર્યકર્તાઓને ધર્મપ્રસારના વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ધર્મપ્રસારના કાર્ય માટે યુવા શક્તિ મંચ અને નારી શક્તિ મંચ બનાવાયા છે. યુવા શક્તિ મંચને દેશભરના યુવા સંગઠનોની સાથે ઘનિષ્ઠતા કેળવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. દેશભરમાં વિધર્મીઓ દ્વારા લવજેહાદ ચાલી રહી છે. તેને ધ્યાનમાં રાખીને નવયુવતીઓ અને મહિલાઓને સજાગ કરવા માટે નારી શક્તિ મંચને સક્રિય ભૂમિકા નિભાવવાનું લક્ષ્ય આપવામાં આવશે.

(7) ધર્મપ્રસારના કામમાં દેશભરમાં કેટલાં પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે?

દેશભરમાં ધર્મપ્રસારના કામમાં 200 પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે. તેમાંથી ધર્મપ્રસારના સંગઠનના કામમાં 125 પૂર્ણકાલિનો કાર્યરત છે અને ધર્મપ્રસારના સેવાપ્રકલ્પોમાં 75 પૂર્ણકાલિન કાર્યકર્તાઓ કાર્યરત છે.

(8) ધર્મપ્રસાર વિભાગમાં કામ કરનારા પૂર્ણકાલિન કાર્યકર્તાઓ અને સેવાપ્રકલ્પોની આર્થિક જરૂરિયાતો કેવી રીતે પૂર્ણ કરવામાં આવે છે?

પૂર્ણકાલિન કાર્યકર્તાઓની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે ભારીતય જનસેવા સંસ્થાન નામની એનજીઓ બનાવવામાં આવી છે. તેના દ્વારા ધનસંગ્રહ કરવામાં આવે છે. આ એનજીઓને 80-જી અને એફસીઆરએ પ્રાપ્ત છે. થોડા પ્રમાણમાં પ્રવાસી ભારતીયોનો સહયોગ પણ પ્રાપ્ત થાય છે. આમાંથી સેવાપ્રકલ્પોની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે.

(9) ધર્મપ્રસાર વિભાગની સરખામણીમાં ખ્રિસ્તી-મુસ્લિમ સંસ્થાઓને ઘણું વધારે ફંડિગ મળી રહ્યું છે, ત્યારે ધર્મપ્રસાર વિભાગને વધારે ફંડિગ મળે તેના માટે કેવી કોશિશ કરવામાં આવશે?

દેશભરમાં હિંદુઓને ધર્મપરિવર્તિત કરીને ખ્રિસ્તી અને મુસલમાન બનાવવા માટે વિદેશી નાણાંઓથી ચાલતી ઘણી મિશનરીઓ અને એનજીઓ કાર્યરત છે. તે હિંદુ સમાજ માટે ચિંતાનો વિષય છે. ત્યારે હિંદુ ધર્મમાં ધર્મપરિવર્તન અટકાવવા અને ધર્મપરિવર્તિત થયેલા હિંદુઓની ઘરવાપસી માટે ઘણાં નાણાંની જરૂર ઉભી થઈ છે. ધર્મપ્રસારના કામને વેગ આપવા માટે વધારે ફંડિગ મળે તેના માટે એક રાષ્ટ્રીય કોષના નિર્માણ માટે આગામી પાંચ વર્ષમાં યોજના બનાવીને કામ કરવામાં આવશે.

(10) દેશભરમાં ધર્માંતરણની પ્રવૃતિ ક્યાં ક્યાં ઠેકાણે પૂરજોરમાં ચાલી રહી છે?

આમ તો દેશભરમાં હિંદુઓને ધર્માંતરીત કરવાની પ્રવૃતિ નાનામોટા પ્રમાણમાં ઠેરઠેર ચાલી રહી છે. પરંતુ તેમાં કેરળમાં ખ્રિસ્તી અને મુસ્લિમ સંસ્થાઓના માધ્યમથી હિંદુઓનું ધર્માંતરણ ચાલી રહ્યું છે. આ સિવાય તમિલનાડુમાં સમુદ્રકિનારે રહેતા હિંદુ માછીમારો, આંધ્ર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં, મધ્ય પ્રદેશ-છત્તીસગઢના બસ્તર અને બિલાસપુરમાં, ઝારખંડ-ઓરિસ્સાના આદિવાસી વિસ્તારોમાં, ગુજરાતના ટ્રાઈબલ બેલ્ટમાં ધર્માંતરણનું કામ પૂરજોરમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં ટ્રાઈબલ સિવાય વણકર, કોળી, ઠાકોર, સલાટ જાતિઓને ધર્માંતરીત કરવા માટે ખ્રિસ્તી મિશનરીઓ અને મુસ્લિમ સંગઠનોએ જાળ બિછાવી છે.

(11) દેશભરમાં ધર્માંતરણનું કામ ક્યાં ક્યાં ધર્મના સંગઠનો દ્વારા ચાલે છે?

દેશભરમાં મુખ્યત્વે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સેવાના માધ્યમથી ધર્માંતરણનું કામ ચાલી રહ્યું છે. મુસ્લિમ સંગઠનો ખ્રિસ્તી સંગઠનોની સરખામણીએ નહીવત પ્રમાણમાં હિંદુઓનું ધર્માંતરણ કરી રહ્યાં છે. જો કે તબલીગ જેવાં મુસ્લિમ સંગઠનોનો મુસ્લિમોને વધારે કટ્ટર બનાવવાનું કામ કરી રહ્યાં છે, કારણ કે દેશના ઘણાં વિસ્તારોમાં મુસ્લિમોમાં હિંદુ જીવનપદ્ધતિના સંસ્કાર રહેલા છે. તબલીગ જેવાં મુસ્લિમ સંગઠનો આવા મુસ્લિમ સમુદાયોમાંથી હિંદુ જીવનપદ્ધતિના સંસ્કારોને કાઢીને તેમને વધારે કટ્ટર બનાવવાનું અભિયાન ચલાવી રહ્યાં છે.

(12) દેશભરમાં સૌથી વધારે ધર્માંતરણ ક્યાં રાજ્યોમાં થાય છે?

દેશભરમાં સૌથી વધારે ધર્માંતરણ કેરળ અને તમિલનાડુ રાજ્યોમાં થઈ રહ્યું છે. કેરળમાં હિંદુ સામાન્ય રીતે ગરીબ છે. કેરળની શિક્ષણ સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓના હાથમાં છે અને વ્યાપાર-ધંધા મુસ્લિમોના હાથમાં છે. અહીં હિંદુ દબાયેલો છે. તેને કારણે હિંદુઓને ધર્માંતરીત કરવા માટે ખ્રિસ્તી-મુસ્લિમ સંગઠનોને કેરળમાં અનુકૂળતા મળી રહી છે. આ સિવાય તમિલનાડુના દરિયાકિનારે રહેતા હિંદુ માછીમારોને ખ્રિસ્તી મિશનરીઓ લોભ-લાલચ અને છળકપટથી ખ્રિસ્તી બનાવી રહ્યાં છે.

(13) ગુજરાતમાં ક્યાં વિસ્તારોમાં ધર્માંતરણ થઈ રહ્યું છે?


આમ તો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, ભરૂચ અને નર્મદા-વલસાડ જિલ્લામાં, બનાસકાંઠામાં દાંતા તાલુકામાં, સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, મેઘરજ, માલપુર, ભિલોડા, વિજયનગરમાં, દાહોદ-પંચમહાલ, સંતરામપુરમાં ધર્માંતરણનું કામ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચાલે છે. આ સિવાય સુરેન્દ્રનગર, આણંદ-નડિયાદમાં પણ ખ્રિસ્તી મિશનરીઓ મોટા પ્રમાણમાં કાર્યરત છે. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તારમાં મુસ્લિમ સંગઠનો ધર્માંતરણના કામમાં લાગેલા છે.

(14) ગુજરાતમાં કઈ જાતિઓ ધર્માંતરણનો ભોગ બની છે?


ગુજરાતમાં આદિવાસીઓ મુખ્યત્વે ધર્માંતરણનો ટાર્ગેટ બન્યા છે. આ સિવાય આણંદ-નડિયાદમાં વણકર જાતિ, સુરેન્દ્રનગરમાં સલાટ જાતિ, ગાંધીનગરમાં રાવલ જાતિને ખ્રિસ્તી મિશનરીઓ ધર્માંતરીત કરી રહી છે. જ્યારે કચ્છના સરહદી વિસ્તારોમાં કોળી અને દલિત-હરીજનોને મુસ્લિમ સંગઠનો ધર્માંતરીત કરી રહ્યાં છે. કચ્છના સરહદી વિસ્તારમાં કોળી, હરીજન-દલિતોને મુસ્લિમ બનાવવાની પ્રવૃતિ સુરક્ષાની દ્રષ્ટિએ ઘણી સંવેદનશીલ બાબત છે.

(15) હિંદુઓના થઈ રહેલા ધર્માંતરણને રોકવા માટે વ્યક્તિ, સમાજ અને સરકારને શું અનુરોધ કરો છો?

હિંદુ સમાજને ધર્માંતરણથી બચાવવા માટે વ્યક્તિ તરીકે સમય અને ધનનો ભોગ આપવો જોઈએ. સમાજે સમરસતાને સાચા અર્થમાં સાકાર કરવી જોઈએ અને ઘરવાપસી માટે ઉત્સાહપૂર્વક ધન આપવું જોઈએ. જે જગ્યાએ ધર્માંતરણ થતું હોય, ત્યાં સરકારે ધર્માંતરણ વિરોધી કાયદો અસ્તિત્વમાં હોય તો તેનો કડકાઈથી અમલ કરવો જોઈએ. જો ધર્માંતરણ વિરોધી કાયદો ન હોય, તો લોભ,લાલચ,ભય અને છેતરપિંડીથી થતાં ધર્માંતરણને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. દેશભરમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનવો જોઈએ.

(16) ગુજરાતના ધર્માંતરણ વિરોધી કાયદાથી તમે સંતુષ્ટ છો?

જોવો, માત્ર કાયદાના બની જવાથી સંતુષ્ટ થવાય નહીં, સંતુષ્ટ તો તેના અમલથી થવાય છે. કાયદાનો જ્યાં સુધી અમલ થતો નથી, ત્યાં સુધી તેઓ માત્ર કાગળ પર જ હોય છે. ત્યારે સમાજે ધર્માંતરણના કિસ્સાઓમાં સરકારને ફરીયાદ કરવી જોઈએ. હિંદુ સંગઠનોએ સજાગ થઈને ધર્માંતરણના કાર્યોના પુરાવા મોટાપ્રમાણમાં એકઠા કરવા જોઈએ. પોલીસ અને સંબંધિત લોકો સુધી તેની ફરીયાદ કરવી જોઈએ અને કાયદો લાગુ કરવા માટે તેમને મજબૂર કરવા જોઈએ.

(17) દેશભરમાં ધર્માંતરણ વિરોધી કાયદો બનાવવા માટે તમારી શું રણનીતિ છે?

જુઓ, અમે ઈચ્છીએ છીએ કે ધર્માંતરણ વિરોધી કાયદો દેશભરમાં બને અને લાગુ થાય. અમે તેના માટે બે વાર્ષિક બેઠકોમાં પ્રસ્તાવો પારીત કર્યા છે. તેને સરકારને પણ મોકલ્યા છે. અમારી બેઠકો, સંમેલનોમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓની માગણી પૂરજોરમાં કરવામાં આવે છે. જો કે અમે હજી તેના માટે કોઈ આંદોલન કર્યું નથી અથવા તો આંદોલનના માર્ગે ગયા નથી. હાલ આંદોલનનો વિચાર કર્યા વગર પાંચ વર્ષ માટે સંગઠનને મજબૂત કરીને પ્રખંડ સ્તર સુધી પહોંચાડવાની રણનીતિ પર કામ કરી રહ્યા છીએ. આ કાર્યપૂર્ણ થયા પછી જે પ્રકારની જરૂર પડશે, જેને જે ભાષામાં સમજાવાની જરૂર પડશે, તે પ્રકારે સમજાવા માટે તેવી ભાષામાં બોલવામાં આવશે. ગુજરાતમાં ખ્રિસ્તીઓ મોટાભાગે વટલાયેલા હિંદુઓ છે. આગામી દશ વર્ષમાં ખ્રિસ્તી બનેલા તમામ હિંદુઓની ઘરવાપસી કરવામાં આવશે. તેના માટે ગુજરાતમાં ધર્મપ્રસારના પૂર્ણકાલિનોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

(18) ગુજરાત અને દેશભરમાં ધર્માંતરીત બનેલી જાતિઓને કેવી રીતે હિંદુ ધર્મમાં પાછી લાવો છો? શું તેના માટે કોઈ બળજબરી કરો છો?

કોઈને ઘરે પાછા લાવવામાં બળજબરીનો પ્રશ્ન જ ઉભો થતો નથી. આવી કોઈ બળજબરી અમારા તરફથી થતી નથી. અમે સૌ પ્રથમ વટલાયેલા હિંદુઓનો સંપર્ક કરીએ છીએ. તેમના નેતાઓ સાથે ચર્ચા કરીએ છીએ. તેમને તેમના પૂર્વજ અને પરંપરાઓ યાદ કરાવીએ છીએ. તેમને તેમનો ઈતિહાસ જણાવીએ છીએ. તેના કારણે સ્વાભાવિકપણે તેમનામાં પોતાના પૂર્વજો અને પરંપરા સાથે જોડાવાની લાગણી પેદા થાય છે. ત્યાર બાદ તેમના દ્વારા એફિડેવિટ થાય છે અને પછી તેમને સંતો-મહાત્માઓના માધ્યમથી યજ્ઞ કરીને હિંદુ ધર્મમાં ભાવપૂર્વક પાછા લાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં બળજબરીનો ક્યારેય પ્રયત્ન કરવામાં આવતો નથી. આવા સમાચારો ખોટા અને દુષ્પ્રચારથી પ્રેરીત છે. ગુજરાત અને દેશમાં ઘણાં ઘર વાપસીના કાર્યક્રમો થયા છે. આજે આવા પરિવારો હિંદુ સમાજમાં પુનર્પ્રસ્થાપિત થઈ ચુક્યા છે. આગામી દિવસોમાં પણ અમને ઘરવાપસીના કાર્યક્રમોમાં સફળતા મળશે તેવી શ્રદ્ધા છે. સંતો-મહંતો હિંદુઓના ધર્માંતરણથી ઘણાં ચિંતિત છે. તેઓ પણ ધર્મપ્રસારના કામમાં યોગદાન આપી રહ્યાં છે.

શનિવાર, 1 ઑક્ટોબર, 2011

ભાજપમાં ગજગ્રાહ: મોદીને ગુજરાત સુધી સીમિત રાખવાનો પેંતરો?


- આનંદ શુક્લ

લાંબા સમયથી હિંદુત્વની પ્રયોગશાળા બનેલું ગુજરાત હવે વિકાસની રાજનીતિની પ્રયોગશાળા બની ગયું છે. હિંદુત્વમાંથી વિકાસની પ્રયોગશાળા બનેલા ગુજરાતમાં સદભાવનાનો પ્રયોગ હિંદુત્વના પોસ્ટર બોયમાંથી વિકાસપુરુષ બનેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો. પરંતુ સદભાવનાના પ્રયોગમાં હિંદુત્વના મૂળ તત્વોના રાસાયણિક સમીકરણોએ હાલ ભાજપમાં આંતરીક ડખો ઉભો કર્યો છે. વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવના મિશન બાદ પણ પોતાનું મિશન દિલ્હી પુરું કરી શકે તેમ હાલપૂરતુ લાગતુ નથી. હિંદુત્વના પ્રયોગોમાં પાવરધા ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણી છેલ્લા સાત-આઠ વર્ષથી સેક્યુલારિઝ્મના પ્રયોગો કરી રહ્યાં છે. તેઓ સેક્યુલર રાજનીતિ કરીને પોતાનો ચહેરો ઉદારવાદી બનાવવાની કોશિશ કરી રહ્યાં છે. પરંતુ અડવાણીના બની રહેલા ઉદારવાદી ચહેરામાં તેમના સેક્યુલર પ્રયોગો કરતાં તેમની ઢળતી જૈફવયનો મોટોફાળો હોય તેમ વધારે લાગે છે.

જિન્નાને સેક્યુલર તરીકેનું સર્ટિફિકેટ આપવું અને બાબરી ધ્વંસને પોતાની જીંદગીનો સૌથી દુ:ખદ દિવસ ગણાવવાનું નિવેદન અડવાણી પાકિસ્તાનની ધરતી પર આપી ચુક્યા છે. તેના કારણે અર્શથી ફર્શ પર આવી ગયેલા અડવાણીની આતંકવાદ સામેની ભારત સુરક્ષા યાત્રા દેશભરમાં આતંકવાદી હુમલાઓની હેલી વચ્ચે પણ નિષ્ફળ ગઈ હતી. અડવાણી માટે આ સ્પષ્ટ સંકેત હતા કે તેમણે દેશની જનતાનો વિશ્વાસ તેમના ખતરનાક સેક્યુલર પ્રયોગોથી ગુમાવી દીધો છે. પહેલા ભાજપનું અધ્યક્ષ પદ અને બાદમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતાનું પદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દબાણમાં અડવાણીને છોડવું પડયું હતું. જો કે ભાજપે પોતાના વરિષ્ઠ નેતાનું માન જાળવી રાખવા માટે સંસદીય બોર્ડના ચેરમેનનું પદ તો ઉભું કર્યું જ છે. પરંતુ અડવાણીને તેમની જૈફ વયના બહાને રાજનીતિમાં અપ્રાસંગિક બનાવી દેવાનો પેંતરો સંઘ દ્વારા શરૂ કરવામાં આવ્યો. સરસંઘચાલક મોહન ભાગવતે પોતાની નિયુક્તિ બાદ ભાજપમાં યુવાનોને નેતૃત્વ આપવાની સલાહ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવાનિવૃત સરસંઘચાલક કે. એસ. સુદર્શનને પણ તેમની જૈફ વયના કારણે નિવૃત કરી દેવાયા અને 60 વર્ષથી નીચેની ઉંમરના મોહન ભાગવતને સરસંઘચાલક તરીકે નિયુક્ત કરી દેવાયા. અડવાણીને ભાજપની રાજનીતિમાં અપ્રાસંગિક બનાવવાની ડિઝાઈન અહીંથી શરૂ થઈ હતી.

પરંતુ અડવાણીએ જનચેતના રથયાત્રાની જાહેરાત કરીને પોતાની અડધી સદીથી વધારેના જાહેર જીવનના અનુભવના પરિપાકરૂપ ‘માસ્ટર સ્ટ્રોક’ માર્યો છે. અડવાણીની રાજકીય સોગઠીએ એક જ તીરે ઘણાં નિશાન પાર પાડયા છે. અડવાણીએ ભ્રષ્ટાચાર સામે સ્વચ્છ રાજનીતિ અને સુશાસન માટે જનજાગરણ માટે રથયાત્રાની જાહેરાત કરીને પોતાને પક્ષ અને ભારતીય રાજકારણમાં ફરીથી પ્રાસંગિક બનાવી દીધા છે. તેમની રથયાત્રાની જાહેરાતને તેમના દ્વારા 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ફરીથી ભાજપ તરફથી વડાપ્રધાન પદની ઉમેદવારી માટેની દાવેદારી તરીકે જોવામાં આવી હતી. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે જનચેતના રથયાત્રા માટે સમર્થન માંગવા નાગપુર સંઘના મુખ્યમથકે ગયેલા અડવાણીએ સરસંઘચાલક મોહન ભાગવત સાથે 2 કલાકની મુલાકાત બાદ નિવેદન કરીને સંકેત આપ્યા કે તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. પણ અડવાણીની છઠ્ઠી રથયાત્રાએ તેમની સાથે પહેલી રામ રથયાત્રાના સારથિ રહેલા નરેન્દ્ર મોદીને તેમની સામે વિરોધમાં ઉભા કરી દીધા છે. અડવાણીની રથયાત્રા બિહારમાંથી શરૂ થશે અને તેને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર લીલીઝંડી આપશે. પરંતુ આ પ્રસંગે નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને હાજર ન રાખવાની શરત મૂકી હોવાની ચર્ચા પણ જોરમાં છે. જેને કારણે ભાજપના કોઈપણ મુખ્યમંત્રીને જનચેતના યાત્રાના પ્રારંભ વખતે હાજર રહેવાનો મોકો મળશે નહીં.

આનાથી સંકેતો સ્પષ્ટ છે કે અડવાણી ભલે વડાપ્રધાન પદની ભાજપ તરફથી ઉમેદવારી ન કરે, પરંતુ નરેન્દ્ર મોદીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવામાં હજી ઘણી વૈતરણીઓ પાર કરવાની છે. હાલ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત સહીતના કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ રહ્યું છે. 2014માં લોકસભાની ટર્મ પુરી થાય છે. ત્યારે ભાજપ એનડીએ ગઠબંધનના નેજા નીચે જ ચૂંટણી લડશે. એનડીએમાં જનતાદળ-યૂનાઈટેડ બીજો સૌથી મોટો પક્ષ છે. જનતાદળ-યૂનાઈટેડ સેક્યુલર રાજનીતિ માટે જાણીતો છે. તેના કારણે જ ભાજપે 1998માં ત્રણ વિવાદાસ્પદ રાષ્ટ્રીય મુદ્દાઓ (જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવી, દેશમાં સમાન નાગરીક ધારો લાવવો અને રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવું)ને કોમન મિનિમમ પ્રોગ્રામમાંથી બહાર રાખ્યા હતા. જનતાદળ યૂનાઈટેડના વરિષ્ઠ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ અટલજીની જેમ નાદુરસ્ત તબિયતને કારણે નેપથ્યમાં ધકેલાય ગયા છે. તેવા સંજોગોમાં નીતિશ કુમાર જનતાદળ-યૂનાઈટેડના નેતા નંબર વન છે. નીતિશ કુમાર નરેન્દ્ર મોદીના ઘોર વિરોધી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને તેમની સાથે દર્શાવતી જાહેરાતના વિવાદ બાદ તેઓ બેહદ નારાજ થયા હતા. નીતિશે નરેન્દ્ર મોદીને તેમના કટ્ટર હિંદુવાદી ચહેરાને કારણે બિહારની ચૂંટણીમાં પ્રચાર કાર્યથી દૂર રાખવા ભાજપને તાકીદ કરી હતી. નીતિશ કુમારે મોદીના કરિશ્મા વગર જ બિહારમાં ત્રણ ચતુર્થાંસ બહુમતી પ્રાપ્ત કરીને ભવ્ય જીત મેળવી પોતાને સાબિત કર્યા છે.

તાજેતરની રથયાત્રાને લીલીઝંડી આપવા માટે સંમત થઈને તેમણે અડવાણી હજીપણ એનડીએના સર્વસંમત નેતા હોવાની વાતને સ્વીકૃતિ આપી છે. તો સામે પક્ષે અડવાણીએ પણ નરેન્દ્ર મોદીને રથયાત્રાના પ્રારંભે દૂર રાખવા પર સંમત થઈને એનડીએમાં જનતાદળ-યૂનાટેડની ભાવનાઓને પુરતું મહત્વ આપવાના સંકેત આપ્યા છે. ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ, જસવંત સિંહ, યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા, કલરાજ મિશ્ર, વિનય કટિયાર જેવા નેતાઓ માટે અડવાણી હજીપણ સર્વસંમત નેતા છે. જે અસંમતિઓ છે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપમાં સર્વસંમત નેતા માનવા કે ન માનવા સંદર્ભે છે.

હાલની પરિસ્થિતિમાં એક વાત સ્વીકારવી પડે તેમ છે કે નરેન્દ્ર મોદી ગુજરાત અને ગુજરાત બહાર ભાજપ તરફથી સૌથી મોટા ‘માસ લીડર’ છે. ભાજપના અન્ય નેતાઓ નરેન્દ્ર મોદીની સરખામણીએ લોકોને આકર્ષવામાં વામણાં સાબિત થાય તેમ છે. ત્યારે નરેન્દ્ર મોદીના ખેમામાં અસંતોષ સાથે ચર્ચા છે કે એવી તે કઈ મજબૂરી છે કે ભાજપ તેના સૌથી મોટા માસ લીડરને હાસિયા પર ધકેલીને પોતાની રાજનીતિ આગળ વધારી રહ્યું છે? તાજેતરમાં વિકિલીક્સના એક ખુલાસામાં નરેન્દ્ર મોદીના ટેકેદારો 2009માં અડવાણીના સ્થાને મનમોહનને વડાપ્રધાન પદે જોવા માગતા હોવાની વાત કહેવામાં આવી છે. તેના પણ ઘણાં ગૂઢાર્થો છે. ગુજરાત વિધાનસભાની 2007ની ચૂંટણીના પરિણામના માત્ર એક સપ્તાહ પહેલા અડવાણીને ભાજપ અને એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હતા. 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. ત્યારે માનવામાં આવે છે કે ચૂંટણીમાં જીત બાદ અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા જનમતનો અનાદર લેખાત. આવી પરિસ્થિતિ ટાળવા માટે જ નરેન્દ્ર મોદીને સ્થાન અડવાણીને 2009ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દેવાયા હતા. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકેદારો હજીપણ માને છે કે 2009ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોત તો ભાજપને વધારે બેઠકો મળી હોત.

પરંતુ પહેલા મધ્ય પ્રદેશ અને બાદમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં અનુક્રમે શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિશ કુમારની આગેવાનીમાં ગુજરાતથી વધારે ભવ્ય જીતોએ મોદી સામે વધુ મોટી જીતનો પડકાર ઉભો કર્યો છે. ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 151 બેઠકો પર વિજય અપાવવાનું લક્ષ્ય ગુજરાત પ્રદેશ ભાજપે નક્કી કર્યું છે. બીજું, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ થાય, તો તેવા સંજોગોમાં જનતાદળ-યૂનાઈટેડ સાથેના સંબંધોનું ગણિત શું રહેશે? તેની પણ ચિંતા ભાજપની કેન્દ્રીય નેતાગીરીને સતાવી રહી છે. ચહેરા બદલવાના ખેલમાં નરેન્દ્ર મોદીએ પણ સામેલ થઈને જોયું. તેઓ સદભાવના મિશન હેઠળ 55 કલાકના ઉપવાસ પર પણ બેઠાં. પણ ઈમામ શાહી સૈયદની મુસ્લિમ ટોપી પહેરાવાની ચેષ્ટાએ આખો મામલો પાટા પરથી ઉતારી નાખ્યો. નરેન્દ્ર મોદીએ ઈમામના હાથે મુસ્લિમ ટોપી ન પહેરી. તો ઈમામે તેમને કબર પર ઓઢાડવાની શાલ પહેરાવી. સમગ્ર ઘટનામાં નરેન્દ્ર મોદીની કટ્ટર હિંદુવાદી નેતાની છબી વઘારે ઘાટી બની. તેની પાછળ મોદીનો વિકાસપુરુષનો સદભાવનાની લાલીવાળો ચહેરો સદંતર ઢંકાઈ ગયો.

હવે વિકાસપુરુષ નરેન્દ્ર મોદી સદભાવનાની લાલી કેવી રીતે કરે છે? તે આગામી વખતમાં ગુજરાતમાં જોવા મળે તેવી સંભાવના છે. મોદીએ ટૂર ઓપરેટર્સને સંબોધતા પાકિસ્તાનથી મેચ જોવા આવનારા લોકોને અજમેરના વિઝા આપવાની વાત પૂરજોરમાં કરી. પણ હજી પણ સદભાવનાની લાલી લગાવનારી કોઈ અન્ય ઘટનાની નરેન્દ્ર મોદીએ રાહ જોવી પડશે. જો કટ્ટર હિંદુવાદી ચહેરાવાળા વિકાસપુરુષ નરેન્દ્ર મોદીને સદભાવનાની લાલી લાગે, તો જ તેઓ નીતિશ કુમારની જેમ સર્વસ્વીકૃત વિકાસપુરુષ બની શકે. રાષ્ટ્રીય રાજકારણમાં નીતિશ કુમાર જેવાં સેક્યુલર વિકાસપુરુષને મ્હાત કરવા મોદીની રાજકીય મજબૂરી છે કે તેમણે સદભાવનાની લાલી કરવી પડે. પરંતુ અડવાણીની બિહારથી શરૂ થતી રથયાત્રાએ એનડીએમાં નરેન્દ્ર મોદી કરતાં નીતિશ કુમારની તક વધારી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન કોંગ્રેસની એજન્સીના જે રિપોર્ટને ટાંકીને 2014માં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીના જંગની વાત કરવામાં આવે છે, તેમાં નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો-સુશાસનની જેમ જ નીતિશના વિકાસ કાર્યો અને સુશાસનની પણ ભરપૂર પ્રશંસા કરવામાં આવી છે. ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય સ્તરે પોતાના સર્વસંમત નેતા તરીકે સ્વીકારવા માટે તૈયાર ન થનારા નેતાઓ એનડીએના આંચળા હેઠળ પોતાનો મોદી વિરોધ આગળ વધારી રહ્યાં છે. આગળની પરિસ્થિતિઓમાં એનડીએ હેઠળ ભાજપને સત્તામાં આવવાની તક મળશે તો, સંઘને વડાપ્રધાન નહીં બનાવાની બાહેધરી આપી ચુકેલા અડવાણી તો વડાપ્રધાન નહીં બને. પરંતુ પોતાના પક્ષમાં વડાપ્રધાન બની શકે તેવા ઘણાં નેતાઓ હોવાનો દાવો કરનારું ભાજપ પક્ષમાં અડવાણી સિવાય વડાપ્રધાન પદ માટે સર્વસંમત નેતા પસંદ કરી શકે તેવી સ્થિતિ ઘણી ઝાંખી છે. તેવા સંજોગોમાં બની શકે કે ભાજપના જ નેતાઓ એનડીએના નેતા તરીકે સેક્યુલર સર્વસંમત વિકાસપુરુષ તરીકે પ્રતિષ્ઠા અને પ્રશંસા મેળવી રહેલા નીતિશ કુમારનું નામ મોદીને કાપવા માટે આગળ કરે.

અડવાણી Vs. મોદી: ભાજપમાં વર્ચસ્વની ઉગ્ર લડાઈ


-આનંદ શુક્લ

ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ. આ પરિસ્થિતિ ભાજપના આંતરીક કલહના સપાટી પર આવવાથી સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસના વડપણ હેઠળની યુપીએ સરકાર કેન્દ્રમાં સત્તા પર છે. ડૉ. મનમોહન સિંહને વિશ્વાસ છે કે ભ્રષ્ટાચારોના આરોપોમાં ખરાબ રીતે ઘેરાયેલી તેમની સરકાર 2014 સુધીની પોતાની ટર્મ પૂરી કરશે. કોંગ્રેસમાં પ્રણવ મુખર્જી અને પી. ચિદમ્બરમ જેવાં વરિષ્ઠ મંત્રીઓ 2જી સ્પેક્ટ્રમ મામલે આમને-સામને આવી ગયા હતા. તાજેતરમાં સોનિયા ગાંધી અને મનમોહન સિંહની દરમિયાનગીરીથી મામલો થાળે પાડી દેવાયો છે. જો કે યુપીએ-2 સરકારની ભ્રષ્ટાચાર મામલે પાતળી હાલત અને રામદેવ-અન્નાના અનશન તથા આંદોલનોને પરિણામે દેશભરમાં પ્રવર્તી રહેલી કોંગ્રેસ વિરોધી લહેરથી ભાજપના નેતાઓની દાઢ ડળકી છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વચગાળાની ચૂંટણીની શક્યતાઓ દેખાય છે. પરંતુ તેની સાથે જ ભાજપમાં વડાપ્રધાન પદ માટેની દાવેદારીની હોડ તેજ બની છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ તરફથી વડાપ્રધાન પદની પ્રબળ દાવેદારી સદભાવના મિશનના ત્રણ દિવસના ઉપવાસથી નોંધાવી દીધી છે.

પરંતુ ભાજપની દિલ્હી ખાતેની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરી સંદેશ આપી રહી છે કે પાર્ટીમાં બધું જ બરાબર નથી. પ્રત્યક્ષપણે મામલો અડવાણી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો લાગી રહ્યો છે. પરંતુ હકીકતમાં અટલજીના નેપથ્યમાં ગયા બાદ અને અડવાણી દ્વારા જિન્નાને સેક્યુલર કહેવાયા બાદ ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે સર્વસંમત નેતૃત્વનું સંકટ પ્રવર્તી રહ્યું છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, યશવંત સિંહા, જસવંત સિંહ જેવાં બીજી હરોળના નેતાઓ અડવાણીને આગળ કરીને ભાજપ તરફથી રાષ્ટ્રીય સ્તરે સર્વસંમત નેતૃત્વના પ્રબળ દાવેદાર નરેન્દ્ર મોદી તરફ નિશાન સાધી રહ્યાં છે. એટલે કે લડાઈ અડવાણીની 18 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્વચ્છ રાજનીતિના જનજાગરણ માટેની જનચેતના યાત્રાની આડમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભાજપની કેન્દ્રીય નેતાગીરી વચ્ચેની છે.

કેશ ફોર વોટ મામલામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ સંસદમાં નિવેદન આપીને કહ્યું હતું કે સમગ્ર સ્ટિંગ ઓપરેશન તેમની જાણકારીમાં હતું અને જો તેઓ ગુનેગાર હોય તો તેમની ધરપકડ કરવામાં આવે. તેમણે ત્યારે જ પોતાની પક્ષ અને ભારતીય રાજકારણમાં પ્રાસંગિકતા ઉભી કરવાની તક ઝડપી લીધી. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સ્વચ્છ શાસન અને રાજનીતિ માટેની રથયાત્રાની જાહેરાત કરી દીધી. અડવાણી ભાજપમાં પાંચ રથયાત્રાઓ કરીને આજીવન રથયાત્રાના મહારથી તરીકે પંકાયેલા છે. તેમની રામજન્મભૂમિ આંદોલન સંદર્ભે 25 સપ્ટેમ્બર, 1990ના રોજ સોમનાથથી પ્રારંભ કરાયેલી રામરથ યાત્રા સૌથી સફળ રહી. આ રથયાત્રાએ ભારતીય રાજકારણની દશાને બદલીને નવી દિશા આપી. જો કે આના સિવાયની અન્ય ચારેય રથયાત્રામાં અડવાણીને સફળતા મળી નથી.

અડવાણીની છઠ્ઠી રથયાત્રાની જાહેરાત વખતે જ યોગાનુયોગ સુપ્રીમ કોર્ટે ગુલમર્ગ કાંડમાં મહત્વનો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના મામલાની તપાસના એસઆઈટીના રિપોર્ટને અમદાવાદની કોર્ટને સોંપવાનો નિર્ણય કર્યો. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા પોતે પાક-સાફ હોવાનું સર્ટિફિકેટ મળ્યું હોવાનું ગણાવીને સદભવના મિશનના નેજા હેઠળ અમદાવાદ ખાતે ત્રણ દિવસના ઉપવાસ જાહેર કર્યા. સદભાવના મિશનની જાહેરાતનો સમય ઘણો સૂચક હતો. ગુજરાતમાં દેખીતી રીતે એવી કોઈ પરિસ્થિતિ પ્રવર્તી રહી ન હતી કે જેના કારણે સદભાવના ઉપવાસ કરવા પડે.ખુદ મોદીએ વારંવાર કહ્યુ છે કે ગુજરાતમાં 17 વર્ષથી બાળકના કાને કર્ફ્યુ શબ્દ પડયો નથી, એટલે કે કર્ફ્યુને ગુજરાતમાંથી દેશવટો અપાયો છે, એટલે કે 6 કરોડ ગુજરાતીઓ શાંતિ અને સદભાવનાથી જીવે છે. તો પછી પ્રશ્ન થાય કે એકાએક સદભાવના મિશન શું કામ? સ્વાભાવિક છે કે મોદીના સદભાવના મિશનને વડાપ્રધાન પદની ઉમેદવારીની દાવેદારી તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે સદભાવના મિશનમાં અડવાણી, જેટલી, સુષ્મા, વેંકૈયા સહીતના ભાજપના મોટાગજાના નેતાઓ હાજર રહ્યાં હતા. અડવાણીએ પોતાના બ્લોગ પર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની શકે, તેવી વાત પરોક્ષ રીતે જણાવી. પરંતુ સુષ્મા સ્વરાજ અને અન્ય નેતાઓએ મોદીની પ્રશંસા તો કરી, પરંતુ તેમના રાષ્ટ્રીય રાજકારણમાં વડાપ્રધાન પદની ઉમેદવારીના દાવાને સમર્થન આપ્યું નહીં.

બીજી તરફ અડવાણી પોતાની જનચેતના રથયાત્રા ગુજરાતમાં સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ અથવા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી શરૂ કરવા ઈચ્છતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ અડવાણીની રથયાત્રાને અપ્રાસંગિક ગણાવી. વળી નરેન્દ્ર મોદીએ સદભાવના મિશનના ત્રિદિવસીય ઉપવાસના અંતિમ દિવસે ગુજરાતના દરેક જિલ્લામાં એક-એક દિવસ સુધી ઉપવાસ કાર્યક્રમોની જાહેરાત પણ કરી હતી. સંકેત સ્પષ્ટ હતા કે અડવાણી ગુજરાતમાંથી રથયાત્રા શરૂ તેમ મોદી ઈચ્છતા ન હતા. રાજકારણમાં અડધી સદીનો સમય સફળ રીતે પૂરો કરનારા હાલ ભારતીય રાજકારણના ભીષ્મ પિતામહે પણ માસ્ટર સ્ટ્રોક માર્યો. તેમણે લોકનાયક જયપ્રકાશ નારાયણની જન્મજયંતી 11 ઓક્ટોબરે તેમના જન્મસ્થળ બિહારના સિતાબદિયાર ખાતેથી જનચેતના યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી. આ રથયાત્રાને બિહારના મુખ્યમંત્રી અને ઘોર મોદીવિરોધી નીતિશ કુમાર લીલીઝંડી આપવાના છે. નીતિશ કુમારે બિહાર વિધાનસભાની ચૂંટણીથી નરેન્દ્ર મોદીને દૂર રાખ્યા હતા અને હાલ એવી સંભાવના વ્યક્ત થાય છે કે નીતિશ કુમારે અડવાણી સાથે શરત મૂકી છે કે જનચેતના યાત્રાના પ્રસ્થાન પ્રસંગે નરેન્દ્ર મોદીને હાજર રાખવામાં ન આવે. માનવામાં આવે છે કે ભાજપના વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ નીતિશ કુમારની શરતને માની લીધી છે. હવે તેમની જનચેતના યાત્રા વખતે મોદીને દૂર રાખવા માટે ભાજપના તમામ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ અપાયા નથી.

છેલ્લા 20 વર્ષથી અડવાણી 25 સપ્ટેમ્બરે સોમનાથ મંદિરે દર્શન માટે આવતા હતા. પરંતુ આ 25 સપ્ટેમ્બરે અડવાણી સોમનાથ મંદિર આવ્યા નથી. પરંતુ 25 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ વિરુદ્ધ લોકાયુક્તની નિમણૂક કરવાના મુદ્દે મહારેલી યોજી હતી. આ મહારેલીમાં અડવાણી સહીત ભાજપના તમામ કેન્દ્રીય નેતાઓ ગેરહાજર રહ્યાં હતા. અડવાણીએ પોતે રથયાત્રાની તૈયારીમાં હોવાનું અને રામજન્મભૂમિ પરના કોર્ટના ચુકાદા બાદ 25 સપ્ટેમ્બરે જ સોમનાથ આવવાના કારણની ઈચ્છાપૂર્તિ થઈ હોવાનું કારણ આપ્યું હતું. જો કે રામજન્મભૂમિ સંદર્ભેના ચુકાદાને એક વર્ષ થયું છે, છતાં અડવાણીએ ક્યારેય આ વાત કરી નથી. પરંતુ લાખેક લોકોની મહારેલીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદૂ અને ભાજપના ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રુપાલા સિવાય અન્ય કોઈ કેન્દ્રીય નેતાએ સંબોધી નહીં.

આ બંને કારણોની તાત્કાલિક નારાજગીનો પડઘો નરેન્દ્ર મોદીએ ભાજપની દિલ્હી ખાતેની રાષ્ટ્રીય કારોબારીમાં ગેરહાજર રહીને પાડયો છે. તેમના તરફથી કારણ આપવામાં આવ્યું છે કે નવરાત્રિમાં તેઓ ગુજરાત બહાર જતા નથી. પરંતુ આ કારણ પણ કોઈને ગળે ઉતર્યું નથી. નરેન્દ્ર મોદીની નારાજગીના કારણોનો હજી પણ ક્યાસ લગાવાય રહ્યો છે. નરેન્દ્ર મોદી માટે નારાજ થવાના ઘણાં કારણો છે. તેમાં સૌથી પહેલું, ઘોર મોદીવિરોધી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સિતાબદિયારથી અડવાણીની જનચેતના યાત્રાને લીલીઝંડી આપશે. બીજું, 25 સપ્ટેમ્બરની વસ્ત્રાલ ખાતેની ભાજપની મહારેલીમાં અડવાણી સહીતના પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરી. ત્રીજું કારણ, રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપના ભૂતપૂર્વ સંગઠન મંત્રી અને ઘોર મોદીવિરોધી સંજય જોશીને પાર્ટીમાં વિશાળ ઉત્તર પ્રદેશના ચૂંટણી સંયોજક બનાવી સક્રિય ભૂમિકા આપી અને તેઓ પણ કારોબારીમાં હાજર રહેવાના છે. ચોથું કારણ, ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી સ્વ. હરેન પંડયાના વિધવા જાગૃતિ બહેનને દિલ્હી ખાતે અડવાણીએ મુલાકાત કરી.

આ કારણો સ્પષ્ટ હોવા છતાં તેને કોઈ આધિકારીક અનુમોદન મળ્યું નથી. રાષ્ટ્રીય કારોબારીમાં પુરુષોત્તમ રુપાલાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, તો ગુજરાતી તરીકે તેમને ઘણો આનંદ થશે. ભાજપના નેતા બલબીર પુંજે કહ્યું છે કે તક મળશે તો મોદી શ્રેષ્ઠ વડાપ્રધાન બની શકશે. જો કે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યું છે કે અડવાણી એ નેતા છે કે જેમના 50 વર્ષના રાજકીય જીવનમાં કોઈ ડાઘ લાગ્યો નથી અને તેઓ સુશાસન અને સ્વચ્છ રાજનીતિના સંઘર્ષમાં પાર્ટીનું નેતૃત્વ કરવાનો અધિકાર ધરાવે છે. ભાજપના અન્ય ઓબીસી નેતા અને પ્રખર હિંદુત્વાદી છાપ ધરાવતા વિનય કટિયારે કહ્યું છે કે મોદીએ ગુજરાતની ઘણી સમસ્યાઓનો હલ કર્યો છે અને હજીપણ ઘણી સમસ્યાઓનો ઉકેલ બાકી છે. પહેલા તેઓ આ સમસ્યાઓનો ઉકેલ કરે, પછી વડાપ્રધાન પદના ઉમેદવારી પર દાવેદારી કરવાનું વિચારે. કલરાજ મિશ્રએ અડવાણીને શીર્ષપુરુષ તો શત્રુઘ્ન સિંહાએ અડવાણીને કદ્દાવર નેતા ગણાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે મોદી એક રાષ્ટ્રીય અને યોગ્ય નેતા છે. તેમના સુશાસનની પ્રશંસા દેશ-વિદેશમાં થઈ છે. તેઓ વડાપ્રધાન પદ માટેના યોગ્ય ઉમેદવારોમાંથી એક છે. જો કે તેના સંદર્ભે આખરી નિર્ણય ભાજપનું સંસદીય બોર્ડ કરશે. રાષ્ટ્રીય કક્ષના આવા વિવિધ નિવેદનો ભાજપમાં ઉભી થયેલી ભાંજગડની સાબિતી છે.

નરેન્દ્ર મોદી માટે સંકેતો સ્પષ્ટ છે કે ગુજરાતને ઘણાં મામલે નંબર વન રાખનારા દેશના નંબર વન મુખ્યમંત્રી ગણાતા મોદીએ પાર્ટીમાં રાષ્ટ્રીય સ્તરે નંબર વન બનવા માટે હજી ઘણાં રાજકીય દાંવ ખેલવા પડશે. પરંતુ હાલ ભાજપમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને સમીકરણો જણાવે છે કે ભાજપમાં વડાપ્રધાન પદ માટેનો ગજગ્રાહ આવનારા દિવસોમાં ચરમસીમાએ પહોંચશે. ગુજરાતમાં અડવાણીની રથયાત્રા ત્રણ દિવસ રહેવાની છે. તે વખતે ગુજરાતમાં અડવાણીના ભાષણ અને નરેન્દ્ર મોદીના વ્યવહાર પર સૌની નજર મંડાયેલી રહેશે. ગુજરાતમાં 2012માં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ત્યારે ચૂંટણી પ્રચાર કાર્યમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કેટલા ઉત્સાહથી ભાગ લેશે? તેના પર પણ ચર્ચા તેજ બની છે. વળી મોદી દાવો કરે છે કે તેઓ ખાતા નથી અને ખાવા દેતા નથી. એટલે કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી અને સુશાસનની દેશ-વિદેશમાં પ્રશંસા થઈ રહી છે. ત્યારે તેવા સંજોગોમાં ગુજરાતમાં અડવાણીની યાત્રાનું ઔચિત્ય શું રહેશે? વળી, અડવાણી પોતાની જનચેતના યાત્રાને સોમનાથ અને અયોધ્યામાં લઈ જવાના નથી. અડવાણીના સ્પષ્ટ સંકેત છે કે તેઓ પોતાની ઉદારવાદી છબીને વધારે મજબૂત બનાવવા માંગે છે અને સોમનાથ-અયોધ્યા જેવાં તેમની રામરથ યાત્રા સાથે જોડાયેલા સ્થળોથી દૂર રહેવા માંગે છે. ત્યારે નરેન્દ્ર મોદીનું સદભાવના મિશન પોતાના કટ્ટર હિંદુવાદી ચહેરાને સદભાવી ચહેરામાં બદલવાનું મિશન નિષ્ફળ ગયું છે. શું તેનાથી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપ તરફથી નંબર વન બનવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ?

શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2011

સરકાર ગરીબોની ગરીબી પ્રત્યે સંવેદનશીલ બનશે?


-આનંદ શુક્લ

ભારતમાં ગરીબો અને ગરીબીનું રાજકારણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. દેશમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતી હતી. દેશમાં ત્યાર પછી સત્તામાં આવતી દરેક પક્ષોની કે મોરચાની સરકારે હંમેશા ગરીબી હટાવવાની ગુલબાંગો પોકારી છે. જો કે દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, તેનાથી ઉલટું ગરીબી વધી છે. દેશમાં કલ્યાણના સ્થાને તથાકથિત વિકાસના રાજકીય એજન્ડાએ ગરીબો માટે જીવન દુભર બનાવી દીધું છે. ભારતના બંધારણમાં ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાની વાત કરવામાં આવી છે. જેને કારણે મૂડીવાદી વિકાસના જુદાંજુદાં ઉદ્યોગપતિઓના એજન્ડાને આગળ વધરાતી કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કલ્યાણ યોજનાઓ માત્ર કર્મકાંડ બની ગઈ છે. હાલની મૂડીવાદી વિકાસની સરકારી મનોવૃતિએ કેટલાંક ઉદ્યોગપતિઓ અને મૂડીપતિઓના ખિસ્સા ભરવાનું કામ જ કર્યું છે. આ દેશનો ગરીબ વધારે ગરીબ થઈ રહ્યો છે. ચિંતાનો વિષય છે કે દેશનો વિકાસ દર જેટલી ગતિથી વધી રહ્યો છે, તેટલી ગતિથી દેશમાં ગરીબી અને ગરીબોની સંખ્યા વધી રહી છે. દેશમાં ગરીબો અને મધ્યમ વર્ગ માટે જીવનયાપન ઘણું કઠિન બની રહ્યું છે. પરંતુ આવી પરિસ્થિતિઓમાં પણ દેશનો વહેપાર કરી રહેલા નીતિ-નિર્ધારકો અને તેમની સરકારો ગરીબો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતા હોવાના એક કરતાં વધારે દાખલા સામે આવી રહ્યાં છે.

ભારતમાં કલ્યાણકારી યોજનાઓ યોજના પંચના દિશાનિર્દેશ પ્રમાણે અમલી બનતી હોય છે. યોજના પંચના અધ્યક્ષ હોદ્દાની રુએ વડાપ્રધાન ખુદ હોય છે. ગરીબો, શોષિતો-વંચિતો અને પીડિતો માટેની કલ્યાણ યોજનાઓ બનાવતું યોજના પંચ કેટલી હદે અસંવેદનશીલ છે, તે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં તેણે રજૂ કરેલા સોગંદનામાથી સ્પષ્ટ બન્યું છે. યોજના પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે કે શહેરોમાં રોજના 32 રૂપિયા અને ગામડાંમાં રોજના 26 રૂપિયા મેળવનાર વ્યક્તિ ગરીબ કહી શકાય નહીં. યોજના પંચનું ગરીબો સંદર્ભે કરવામાં આવેલું આકલન આ કાળઝાળ મોંઘવારીમાં કેટલું વ્યવહારીક છે, તે તો સામાન્ય જનતાની સાથે મળીને અનુભવવાનો વિષય છે. યોજના પંચના ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહ આહલુવાલિયાએ રોજના રૂપિયા 32 લેખે એક અઠવાડિયું ગુજારીને ગરીબી કોને કહેવાય તેનો અનુભવ કરવો જોઈએ. યોજના પંચના આંકડામાં કેટલી સચ્ચાઈ છે, તે કદાચ ભાગ્યે જ કોઈનાથી અજાણ હશે. પરંતુ ગરીબી આકલન અને માપનની પદ્ધતિઓને લઈને ભ્રમ છે. આ સંદર્ભે સમાધાન આપણી એક મોટી જરૂરત છે.

ગરીબી માપવાની પારાશીશી જુદીજુદી પદ્ધતિઓ અને માપદંડોને આધારે ઉભી કરવામાં આવે છે. તેના કારણે ભારતમાં ગરીબોની વસ્તી કેટલી છે? તેના ઘણાં જવાબ હોઈ શકે છે. જુદાંજુદાં રિપોર્ટોને જોઈએ તો આ એક રાષ્ટ્રીય શરમ છે. આપણા દેશમાં કેટલાં ગરીબો છે, તે સાચા માપદંડોને આધારે આપણે જાણતા નથી. યોજના પંચના નવા રિપોર્ટનો અસ્વીકાર કરી શકાય છે. પરંતુ મહત્વની વાત એ છે કે આવા રિપોર્ટના આધારે જ કલ્યાણકારી યોજનાઓ સંચાલિત થાય છે અને ત્રુટિપૂર્ણ અહેવાલોને આધારે કલ્યાણકારી યોજનાઓ ચલાવવાનો અર્થ છે, વિકાસની દુર્ગતિ. સરકાર ગરીબી નિયંત્રણ માટે યોજના પંચના આંકડાને આધારે જ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જો કે યોજના પંચનું આકલન અન્ય આવા આકલનોની સરખામણીએ ગરીબોની વસ્તી ઓછી જણાવે છે.

દેશમાં નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન પ્રમાણે 60.50 ટકા, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રચાયેલી એન. સી. સક્સેના સમિતિ પ્રમાણે 50 ટકા, વિશ્વ બેંક પ્રમાણે 42 ટકા, અર્જૂનસેન ગુપ્તા પ્રમાણે 78 ટકા અને સુરેશ તેંડૂલકર સમિતિના અહેવાલ પ્રમાણે 37.2 ટકા ગરીબો દેશની કુલ વસ્તીમાં છે. જો કે યોજના પંચના નવા આકલન પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા લોકો જ ગરીબ છે. ગરીબોની વસ્તી સંદર્ભેના આ તમામ આકલનોના માપદંડો અલગ અલગ છે. યોજના પંચના આકલનમાં ખાવાપીવાની વસ્તુઓનો ઉપયોગ અને પ્રતિ વ્યક્તિએ કેલરીના ઉપયોગને મહત્વનું માપદંડ માનવામાં આવ્યું છે. જ્યારે તેંડૂલકર સમિતિએ ભોજનની સાથે, શિક્ષણ અને આરોગ્ય પર થનારા ખર્ચાને પણ માપદંડ તરીકે સામેલ કર્યા હતા. તેવી રીતે સક્સેના સમિતિ ગ્રામીણ વિસ્તારો માટે 700 રૂપિયાની આવક અને શહેરી વિસ્તાર માટે 1000 રૂપિયાની માસિક આવકનને ગરીબી અનુમાન માટે આધાર બનાવે છે. તેમણે કુપોષિત બાળકો અને એનિમિયા જેવા રોગોથી પીડિત મહિલાઓને પણ આધાર બનાવ્યા છે.

ખરેખર દેશમાં ગરીબી નિર્મૂલન માટે સૈદ્ધાંતિક નહીં, પણ વ્યવહારીક નીતિની જરૂર છે. તેના માટે ગરીબોની સંખ્યા સિદ્ધાંતોના આધારે નહીં, વ્યવહારના આધારે બનાવવી જોઈએ. સરકારે નવી આર્થિક નીતિ અને સુધારાની અસરોનું નિષ્પક્ષ આકલન કરવા માટે યોજના પંચને પ્રેરીત કરવું જોઈએ. જો કે સરકાર આવા પ્રભાવોને સકારાત્મક બતાવવા માટે જ ગરીબો અને ગરીબીના આકંડામાં હેરફેર કરે છે. સરકારે ગરીબને યોગ્ય રીતે પરિભાષિત કરવાની સાથે અમીરીને પણ પરિભાષિત કરવી પડશે. ગરીબ અને અમીર વચ્ચેના મધ્યમ વર્ગને પરિભાષિત કરીને કોઈક યોજનાઓ તેઓ ગરીબીના સ્તરમાં આવી ન જાય તેના માટે પણ બનાવવી પડશે. જો સરકાર આવી કોઈ પરિભાષાઓ યોગ્ય માપદંડોના આધારે વ્યવહારીક રીતે બનાવી શકે નહીં, તો તેમણે સરકારી યોજનાઓને આંકડાબાજીની જાળમાંથી બચવવા માટે તમામ જનકલ્યાણ યોજનાનો લાભ દેશના તમામ નાગરીકોને ઉપલબ્ધ થાય તેમ કરવું જોઈએ.

ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2011

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક


આનંદ શુક્લ

ભારતના સામરીક હિતોને સૌથી વધારે નુકસાન ચીન દ્વારા થઈ રહ્યું છે. એનડીએની અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની સરકારના તત્કાલિન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે ચીનને ભારતનું દુશ્મન નંબર વન ગણાવ્યું હતું. ભારત સાથે 1962માં હિંદી-ચીની ભાઈ ભાઈના બેશુદ્ધ વાતાવરણમાં યુદ્ધ કરનાર ચીન છેલ્લા કેટલાંક વર્ષોથી ભારત સાથે અત્યંત આક્રમક વલણ દાખવી રહ્યું છે. ઈન્ડિયન ડિફેન્સ રિવ્યૂના સંપાદક અને સંરક્ષણ મામલાના જાણકાર કેપ્ટન ભરત વર્માએ ચીનના વલણને જોઈને આગાહી કરી હતી કે ચીન ભારત વિરુદ્ધ 2012 પહેલા યુદ્ધ છેડશે. ભારતને અંતિમ પાઠ ભણાવવા માટે હતાશ થઈ ચુકેલી ચીની સરકાર પાસે તેના ઘણાં કારણ છે કે આ સદીમાં એશિયામાં તે પોતાનું પ્રભુત્વ કાયમ કરી શકે. ચીની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સામાયિક કીશીના અંકમાં પ્રકાશિત લેખમાં ભારત સાથેના સીમા વિવાદના ઉકેલ માટે અને શાંતિ સ્થાપિત કરવા માટે યુદ્ધની તરફેણ કરવામાં આવી હતી.

સંરક્ષણ મામલાના મેગેઝીન ઈન્ડિયન મિલિટ્રી રિવ્યૂમાં પ્રકાશિત લેખમાં ભારતીય સેનાના સેવાનિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષીએ દાવો કર્યો હતો કે ભારતની વધતી આર્થિક હેસિયત અને અમેરિકા સાથેના નજીકના સંબંધો જંગનું કારણ બનશે. જો કે સંરક્ષણ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ચીનના ભારત પરના આ સંભવિત હુમલામાં અમેરિકા કોઈ દખલ કરશે નહીં, કારણ કે ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં અમેરિકાની સેનાને જાનમાલની ઘણી હાનિ પહોંચી છે. જી.ડી.બક્ષીએ સંભાવના વ્યક્ત કરી છે કે ચીનથી સંભવિત યુદ્ધમાં ઓપરેશનનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીર હશે, જ્યાં પૂર્વ અને પશ્ચિમી છેડા પર પાકિસ્તાન સાથે મળીને હુમલો કરી શકે છે.

આ વર્ષે ચીને પોતના સંરક્ષણ બજેટમાં 12.7 ટકાની વૃદ્ધિ કરીને કહ્યું છે કે તે ભારત જેવાં પડોશી દેશો સાથે સારા સંબંધ ચાહે છે. આ વર્ષે ચીનનું સંરક્ષણ બજેટ વધીને 601 અબજ યુઆન એટલે કે 91.5 અબજ ડોલર કરીદેવામાં આવ્યું છે. 2010માં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં 7.5 ટકાની વૃદ્ધિ કરી હતી. ભારતના સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને ચીનને ભારતની સુરક્ષા માટે ટેન્શનના બે મોટા કારણો ગણાવ્યા હતા. પાકિસ્તાનમાં શાસનની સમસ્યા અને આતંકવાદી સંગઠનોને સરકારી મદદ મળવી ચિંતાનું કારણ છે, તો ચીનની વધતી લશ્કરી તાકાત ભારત માટે મોટો પડકાર બનેલો છે. ચીન દ્વારા છેલ્લા કેટલાંક સમયમાં ઉઠાવાયેલા પગલાં તેના ખતરનાક ઈરાદા જાહેર કરે છે. તેમાં તિબેટમાં રણનીતિક રીતે મહત્વના વિકાસ કામોમાં ઝડપ, ચીનની આવાગમનની ક્ષમતામાં વધારો, કારાકોરમ હાઈવેને પહોળો બનાવવો, ગિલગિટમાં ચીની સૈનિકોની તેનાતી અને ગિલગિટની પહાડીઓમાં ગુફાઓ તથા સુરંગોનું નિર્માણ કરી ત્યાં ડોંગ ફેંગ 21 ડી વિમાનની તેનાતી કરવાની વ્યવસ્થા કરવી, મુખ્ય છે. તિબેટમાં લડવા માટે સૈન્ય અભ્યાસમાં ઝડપ જેવા પગલાં પણ સામેલ છે.

આ સિવાય ચીને બ્રહ્મપુત્ર નદી પર 3370 ફૂટની ઊંચાઈવાળો બંધ બાંધ્યો છે. તેના કારણે બ્રહ્મપુત્ર નદીના વહેણ પર વિપરીત અસર પડશે. પરંતુ ચીન બંધની ઊંચાઈને ઓછી નહીં કરવા માટે અક્કડ છે. જૈંગૂમ બંધ તિબેટના પૂર્વ ભાગમાં બનાવાય રહ્યો છે અને તેનાથી ભારત તરફ હિમાલયના પર્યાવરણ પર પણ વિપરીત અસર પડશે. ચીન બ્રહ્મપુત્ર પર અન્ય ઘણાં ડેમ બનાવવાની યોજના કરી રહ્યું છે અને સંકેત છે કે ચીને આ પરિયોજનાઓ પર કામ પણ શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ પ્રમાણે, ચીન બ્રહ્મપુત્ર નદી પર લગભગ 24 બંધો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના સિવાય પાંચ બંધ ડેમ બામચૂ નદી પર પણ બનાવાય રહ્યાં છે, આ નદી ભારતમાં કોસી નદીના નામથી જાણીતી છે. ચીન ભારત સાથે પાણીની વહેંચણી સંદર્ભે કોઈપણ સંધિ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર નથી. આમ ચીન ભારતની જળસંપદા પર પણ ટાંપીને બેઠું છે.

ચીન ભારતના સામરીક હિતોને પાકિસ્તાનનો ઉપયોગ કરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન ભારત સામે આતંકવાદનો અને ચીન પાકિસ્તાનનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેના કારણે ચીન પાકિસ્તાની સેનાને પરમાણુ શસ્ત્રો, મિસાઈલ, ફાઈટર પ્લેન જેવી યુદ્ધસામગ્રીઓ પૂરી પાડે છે. જેના કારણે ભારતની લશ્કરી શક્તિની સાથે પાકિસ્તાન સમતુલા જાળવી શકે. જ્યારે પાકિસ્તાન ભારત સામેની તેની દુર્ભાવનાઓના પરિણામે આતંકવાદને હથિયાર બનાવીને ભારતને નબળું પાડીને 1971ના યુદ્ધમાં મળેલી કારમી હારનો બદલો વાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ચીનના ટેકાને કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પાકિસ્તાની સેના અમેરિકાને પણ આંખો બતાવવા માંડી છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીકના એબટાબાદમાં હણ્યો. ત્યાર બાદ પાકિસ્તાને જણાવ્યું હતું કે તે પોતાની સાર્વભૌમિકતાનો ભંગ કદાપિ સહન કરશે નહીં.

હવે ઉત્તર વજીરીસ્તાનમાં તાલિબાની હક્કાની નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના દોરીસંચાર નીચે નાટો અને અમેરિકન સેના પર હુમલા કરતું હોવાનો અમેરિકાએ આક્ષેપ કર્યો છે. ત્યારે પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ કિયાનીએ 6 કલાક લાંબી બેઠક બોલાવીને અમેરિકાને જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે. માનવામાં આવે છે કે આ બધું પાકિસ્તાની સેના ચીનના પાછલા બારણે મળી રહેલા મજબૂત ટેકાથી કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે 2014 સુધીમાં અમેરિકી અને નાટો સેનાઓ અફઘાનિસ્તાનમાંથી હટી જશે. ત્યારે હક્કાની નેટવર્ક થકી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોતાના સામરીક હિતો સાધશે. સ્વાભાવિક છે કે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સામરીક હિતો પાર પડશે, તો તેનું સૌથી મોટું નુકસાન ભારતને થશે. ભારતના સામરીક નુકસાનમાં ચીનનો ફાયદો છે. તેને કારણે ચીન પાકિસ્તાનને મદદ કરવામાં આગળ પડતો ભાગ ભજવશે. તાજેતરમાં ભારતના સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોનીએ કહ્યું છે કે તાલિબાન ભારત માટે મોટું જોખમ બની શકે છે. તેમના આ નિવેદનનું કારણ પણ કદાચ સામરીક હિતોનું ચીન-પાકિસ્તાનનું સંયુક્ત ગણિત હોઈ શકે છે.

ચીને પાકિસ્તાન સાથે મળીને ભારત સામે આક્રમક વલણ ચરમ પર પહોંચાડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીને પોતાના સૈનિકો તેનાત કર્યા હોવાના અમેરિકા અખબારમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારત પોતાનો ભાગ ગણે છે. આ ક્ષેત્ર પર પાકિસ્તાનનો ગેરકાયદેસરનો કબજો હોવાની વાત ભારત ઉઠાવતું રહે છે. પરંતુ તેને નજરઅંદાજ કરીને ચીને કારાકોરમ હાઈવે અને અન્ય પરિયોજનાઓ પર કામ કરવાનું ચાલુ જ રાખ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના નાગરીકને સ્ટેપલ વીઝા આપવાની અવળચંડાઈ પણ કરી છે. તાજેતરમાં ભારતીય સરહદમાં ફરી એક વખત ચીનની સેનાએ ઘૂસણખોરી કરી છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો કાશ્મીરના ન્યૌમા સેક્ટરના ચુમાર વિસ્તારમાં ઘૂસ્યા હતા. એવી જાણકારી પણ બહાર આવી છે કે ચીની સેનાના બે હેલિકોપ્ટર્સે પણ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. ચીની સૈનિકો ભારતીય સીમામાં દોઢ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમાના ખાલી બંકરો અને ટેન્ટોને પણ નુકસાન પહોંચાડયું છે. આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હોય. 2009માં લડાખમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરીને લાલ રંગથી ચીની ભાષામાં ક્ષેત્ર ચીનનું હોવાનું લખ્યું હતું.

આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ આવી હરકત કરી હોય. આ પહેલા ચીની નૌસેનાએ ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવત વિયેતનામના પોર્ટમાંથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં હસ્તક્ષેપ કરીને પોતાની ઓળખ જણાવવા કહ્યું હતું. ત્યાર બાદ વિયેતનામના દાવાવાળા સમુદ્રી ક્ષેત્રમાં તેલ શોધવાનો કાર્યક્રમ ચાલુ રાખવા સંદર્ભે ચીને ભારતને ધમકી આપી છે. દક્ષિણી ચીને સમુદ્રમાં ચાલી રહેલા શોધ કાર્ય પર કડક શબ્દોમાં ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેના તટીય વિસ્તારમાં કોઈપણ પ્રકારના શોધ કાર્યથી તેની સાર્વભૌમતાનું ઉલ્લંઘન થાય છે અને તેનાથી વિવાદ વધી શકે છે. જો કે ભારતને ધમકી આપનારું ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાની પરિયોજનાઓ અને લશ્કરી ઉપસ્થિતિ યથાવત રાખી રહ્યું છે અને ભારતની કોઈપણ પ્રકારની ચેતવણીને માની રહ્યું નથી.

આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચે તણાવ યુદ્ધ કે તેના જેવી સ્થિતિ સુધી વણસવાની શક્યતાઓ વિશેષજ્ઞો જોઈ રહ્યાં છે.ભૂતકાળમાં ભારતીય વિશેષજ્ઞો જણાવી ચુક્યા છે કે, ચીન થંડર ડ્રેગન-2014 નામના ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમાં પાકિસ્તાન સાથે મળીને તે ભારત પર બે તરફથી હુમલો કરશે. જાણકારોના માનવા પ્રમાણે, ઓપરેશન હેઠળ પાકિસ્તાની સેના પીપલ્સ લિબરેશન આર્મી તિબેટના લોખા વિસ્તારમાં આક્રમક સૈન્ય અભ્યાસ કરશે, જેથી ભારતીય સેના ધોખામાં રહે. તેની સાથે 26/11ની તર્જ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ભારતના મહત્વપૂર્ણ શહેર મુંબઈ કે અન્ય કોઈ શહેર પર હુમલો કરવામાં આવશે. આ ઓપરેશનના બ્લૂ પ્રિન્ટ પ્રમાણે ભારતીય જનતાના મનવમાં ઉપજેલા ગુસ્સાને કારણે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેના દ્વારા હુમલા કરશે, ત્યાર બાદ પાકિસ્તાન ભારતના મુખ્ય શહેરો પર જવાબી હુમલા કરશે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્તરે સૈન્ય હુમલા વચ્ચે પરિસ્થિતિ ગંભીર થતાં જ રાજ્યના મેદાન વિસ્તારમાં સૈનિકોને ઉતારવામાં આવશે. બીજી તરફ, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં પોતાની રેપિડ એક્શન ફોર્સના જવાનોને સક્રિય કરી દેશે. ઓપરેશન થંડર ડ્રેગન-2014 પ્રમાણે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના હુમલાના ત્રણ સપ્તાહમાં ચીનની સેના લડાખમાં પોતાનું અભિયાન શરૂ કરી દેશે.

ભારતના સેવાનિવૃત જનરલ દીપક કપૂરે સેના માટે ચીન અને પાકિસ્તાન સરહદે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની તરફેણ કરી હતી. તેની પાછળની ગણતરી ચીન અને પાકિસ્તાન તરફથી થનારા સંભવિત એકસામટા આક્રમણ સામે ભારતની સુરક્ષા કરવાની હતી. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોનના રિપોર્ટમાં ચીનની સૈન્ય ક્ષમતાઓ સંદર્ભે રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેમાં ભારતની સરખામણીએ ચીનની સૈન્ય ક્ષમતા ઘણી વધારે હોવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ચીનની મોટી સૈન્ય ક્ષમતા સામે ભારતે પણ વળતી વ્યૂહરચના ઘડવી પડે, તે સમયની માગણી છે. ભારત પર ચીન આક્રમણ કરશે કે કેમ, તેનો આધાર ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવામાં કરેલી તૈયારી પર છે. જો ભારત ચીનને જડબાતોડ જવાબ આપવામાં સહેજ પણ કચાશ કરશે, તો ભારતીય સંરક્ષણ વિશેષજ્ઞોની 2014માં ચીન દ્વારા હુમલો થવાની સંભાવનાઓ તદ્દન સાચી પડશે. આવા સંજોગો ટાળવા માટે ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓએ હવે ભારત રક્ષા માટે સેનાને ફ્રી હેન્ડ આપીને કામ કરવા દેવું પડશે.