Friday, May 27, 2011

ગાંધી સ્મરણ: બાપુથી મોટો હિંદુ કોણ?

રેંટિયા બારસના અવસરે ગાંધી સ્મરણ કરી લઈએ. ગાંધીની જન્મતિથિ પર મહાત્માના વ્યક્તિત્વ પર એક નજર માંડવી ઘટે. કારણ કે આજકાલ અયોધ્યાના ચુકાદા બાદ ફરી એક વખત રામ, રામમંદિર અને રામરાજ્ય પર ચર્ચાઓ થવા માંડી છે. અયોધ્યા પર ચુકાદો આવ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને તે મહાત્મા ગાંધીના રામરાજ્યના સપનાંને પૂર્ણ કરનારી તક દેખાય છે, તો અડવાણીને તેમની રથયાત્રા પર ખુદને નિર્દોષ ગણવાનું કારણ મળી ગયું છે. કટિયાર વડાપ્રધાન સમક્ષ સંસદમાં રામમંદિર નિર્માણ અર્થે વિધેયક લાવવાની માગણી કરી રહ્યાં છે. લોકોના હ્રદયમાં આસ્થારૂપ રામ હવે રાજકારણમાં ચર્ચામાં છે, રામમંદિર ચર્ચામાં છે, રામરાજ્ય હવે ચર્ચામાં છે.

પરંતુ રામ અને રામરાજ્યને ગાંધીની નજરે જોવાની જરૂર છે. જે માણસે જીવનના છેલ્લા શ્વાસ સુધી રામનો સાથ છોડયો નથી. તે માણસની કલ્પનાઓ સાકાર કરવાની તક 63 વર્ષથી મળી છે, પણ હજી સુધી આ તકને કોઈએ પૂર્ણ કરવાનું બીડું ઉઠાવ્યું નથી. 63 વર્ષ બાદ હવે કોઈ કહી શકે તેમ નથી કે માત્ર અમુક જ પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં સત્તાસ્થાને હતી કે છે. પ્રજાએ કોંગ્રેસ સિવાયની પાર્ટીઓને કેન્દ્રમાં અને રાજ્યોમાં તક આપી છે. ગુજરાતમાં જ વાત કરીએ તો કોંગ્રેસ 1989થી વિપક્ષમાં છે. છતાં કોઈ રામરાજ્ય સ્થપાયું હોવાનો દાવો કરી શકે તેમ નથી. તેની ઘણી દુખતી રગો છે, તેના પણ અત્યારે હાથ મુકવો નથી.

પણ વાત કરવી છે, ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતાં એક હિંદુની. ગાંધીનું વ્યક્તિત્વ નખશીખ હિંદુ હોવા સંદર્ભે ભાગલાવાદી ઝીણાને ક્યારેય શંકા ન હતી. ગાંધીના વ્યક્તિત્વમાંથી નીતરતા હિંદુપણાંને ઝીણાએ ભાગલા માટે મોટું હથિયાર બનાવ્યું હતું. તેમ છતાં ગાંધીએ પોતાના હિંદુપણાંને છોડયું ન હતું. આ હિંદુપણું કોઈ કોમવાદ પ્રેરિત ન હતું. પણ તેમાં સંપૂર્ણ સમાજના કલ્યાણની આકાંક્ષા પ્રગટ થતી હતી. તેમણે તેના માટે પોતાનું જીવન ઘસી નાખ્યું. દેશની દરિદ્રતા જોયા પછી દરિદ્રમાં નારાયણના દર્શન કર્યા. તેના માટે તેમણે પૂર્ણ કપડાં પહેરવાના છોડી દીધા અને એક ત્યાગી સંતની માફક માત્ર પોતડી પહેરીને જીવનનો ઉતરાર્ધ કાઢવાનું નક્કી કર્યું. આ સંતવૃતિએ તેમને મહાત્માનો દરજ્જો આપ્યો. ગાંધીજીએ પોતાના જીવનકાર્યને ચલાવવા માટે કોઈ કાર્યાલય ખોલ્યું ન હતું. પરંતુ તેમણે આશ્રમ શરૂ કર્યો હતો, તેને પછી તમે ગાંધી આશ્રમ કહો કે સાબરમતી આશ્રમ કહો. પોતાના જીવનમાં સાદગીને અપનાવી તે પણ તેમની હિંદુ જીવન પદ્ધતિ દ્વારા સાંપડેલી વૃતિનું જ પરિણામ હતી.

ગાંધીજીનું કોઈ પણ કાર્ય, કોઈપણ સિંદ્ધાંત જોઈ લેવામાં આવે તો તેમાંથી હિંદુપણું છલકતું દેખાય. આ હિંદુપણાંને કોઈ કોમવાદ કે કટ્ટરતાની ગાળ આપી શકે તેમ ન નથી. ગાંધીજીએ પોતાના જીવનમાં સત્ય અને અહીંસાને સૌથી વધારે મહત્વ આપ્યું છે. સત્યને હિંદુ ધર્મે શિવનું સ્વરૂપ ગણ્યું છે. જ્યારે અહીંસાને ઉપનિષદો અને પુરાણોમાં અહીંસા પરમો ધર્મના અર્થમાં વ્યાખ્યાયિત કર્યો છે. ગાંધીજી સત્યનો આગ્રહ રાખતાં પણ તેના માટે કોઈ હિંસાનો સહારો લેવાની સખત વિરુદ્ધ હતા.

ગાંધીજી અભય, અસ્તેય અને બ્રહ્મચર્યને પણ એટલું જ મહત્વ આપતાં હતા. વૈષ્ણવજન તો તેને રે કહીએ...નરસિંહ મહેતાના આ ભજન પ્રમાણેનું જીવન ગાંધીજી મરણ સુધી જીવી ગયા. ગાંધીજીએ પોતાના જીવનમાં વિનયને પણ સૌથી વધારે સ્થાન આપ્યું. અંગ્રેજી સરકારનો વિરોધ કરવા માટે કાનૂનભંગની ચળવળ ચલાવી પણ તે પણ સવિનય સાથે. એટલે તો તેને નામ મળ્યું સવિનય કાનૂન ભંગની ચળવળ. તેમણે મીઠાંના કાયદાને તોડવા માટે દાંડીયાત્રા કરી અને યાત્રા કોઈ તીર્થસ્થાનની થાય. ગાંધીએ મીઠાના કાળા કાયદાને તોડવા માટે દાંડીની યાત્રા કરી હતી. જેની આજે પણ સો વર્ષ પછી તેની નકલ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સવાલ એ છે કે ભૂતકાળની યાત્રાની નકલ કરવાથી શું મળશે? તેના માટે તો વર્તમાનની કોઈ સમસ્યાને દાંડીયાત્રાની પ્રેરણાથી ઉકેલવામાં આવશે, તો દાંડીયાત્રાની યાદ તાજી થશે.

ગાંધીજીએ સર્વજન સુખાય સર્વજન હિતાય એવા રામરાજ્યની કલ્પના કરી હતી. તેમણે તેમની કલ્પનાના રામરાજ્યમાં કોઈ વ્યક્તિ દુખી ન હોય, કોઈ વ્યક્તિ ભૂખ્યો ન સુવે, કોઈ વ્યક્તિ સમસ્યાઓથી ગ્રસિત ન હોય, તેવી કલ્પના કરી હતી. શું રામમંદિરનું નિર્માણ થઈ જવા માત્રથી ગાંધીની કલ્પનાનું રામરાજ્ય સ્થપાય જવાનું છે? જો માત્ર રામમંદિર નિર્માણ ગાંધીના સપનાનું રામરાજ્ય સાકાર કરવાની તક હશે, તો અત્યારે તો લાગે છે કે આ તક આપણે 1984, 1992 અને 2002માં ચુકી ગયા છીએ.

જ્યારે 15મી ઓગસ્ટે, 1947એ આઝાદી મળી અને દિલ્હીમાં સરકારના ગઠન કવાયત અને સત્તાની ભાગબટાઈ થઈ રહી હતી. ત્યારે આ મહત્મા નિર્દોષ લોકોના જીવ બચાવા માટે નોઆખલીમાં ઉપવાસ કરી રહ્યો હતો. ગાંધીએ વિરોધનું જે શસ્ત્ર અપનાવ્યું હતું તેમાં એક ઉપવાસ પણ હતો. ઉપવાસનું પણ હિંદુ ધર્મમાં ઘણું મહત્વ છે. પણ આજના નેતાઓ તો ઉપવાસના નામે નાટક કરે છે. ઉપવાસ પર ઉતરેલા નેતાઓ પોતાની આજુબાજુ તામજામ કરીને એસી સાથે માંડ એક દિવસના ઉપવાસ કરી શકે છે. જ્યારે આધ્યાત્મિક શક્તિથી તરબતર ગાંધીજીએ આવા ઉપવાસો જીવનના અંતકાળ સુધી ચાલુ રાખ્યા હતા.

મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેએ ગાંધીજીને ત્રણ ગોળીઓ ધરબી દીધી તે સ્થળ પ્રાર્થનાસભાનું હતું. ગાંધીજી રોજ સાંજે પાંચ કલાકે લોકોને સંબોધતાં તેના માટે જે સ્વયં આયોજન થઈ જતું તે કોઈ જાહેરસભા ન હતી રહેતી પણ તે પ્રાર્થનાસભા રહેતી. ગાંધીજી તેમની હત્યાના દિવસ સિવાય ક્યારેય પ્રાર્થનાસભામાં મોડા પડયા ન હતા. ગાંધીજી પોતાની પ્રાર્થના સભામાં રઘુપતિ રાઘવ રાજા રામની ધૂન બોલાવડાવતા. તે કોઈ માત્ર ભક્તિથી પ્રેરિત નહીં હોય. તેનો હેતુ પ્રભુ શ્રીરામના જીવનમૂલ્યોને જીવનમાં ઉતારી તેનું અનુસરણ થાય અને મન સદા રામમાં રમણ કરે, તેવો તેમનો હેતુ હશે. ભગવાન રામમાં રમણ કરનારા મહાત્મા ગાંધીના મન એટલું બધું રામમય હતું કે તેમણે નથુરામ ગોડસેની ગોળીઓ ખાધા પછી પણ ‘હે રામ’ કહ્યું હતું. જીવનની કોઈપણ સમસ્યાનું સમાધાન મહાત્મા ગાંધી શ્રીમદ્ ભગવત ગીતામાંથી શોધતા હતા. તેમણે કહ્યું પણ હતું કે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ ગીતામાંથી મળી રહે છે. આજનો ક્યો રાજકારણી ગાંધીની જેમ ગીતાને વાંચતો હશે.

પોતાને હિંદુત્વના ઝંડાદારો, હિંદુ હ્રદયસમ્રાટો ગણાવતા અને ગણાતાં લોકોમાંથી કેટલાં લોકોના વ્યક્તિમાં ગાંધીજી જેટલું હિંદુપણું વહેતુ દેખાય છે? વળી ગાંધીવાદની વાતો કરનારા ગાંધીવાદી લોકોએ પણ સમજવું જોઈએ કે ગાંધીજીના વ્યક્તિત્વમાંથી હિંદુપણાંને કાઢી લેવામાં આવે, તો બાકી કંઈ બચતું નથી. આ ગાંધીજીને રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના વર્ગમાં સંબોધન માટે જવાનો પણ કોઈ છોછ ન હતો. તેમણે વર્ધામાં આરએસએસના વર્ગની મુલાકાત પણ લીધી હતી. ગાંધીજીની હત્યા વખતે આરએસએસ પર તેમની હત્યાનો આરોપ લાગ્યો હતો. જો કે ત્યાર બાદ આરએસએસને દોષમુક્ત કરવામાં આવ્યું હતું. પણ આજે આરએસએસના પ્રાત: સ્મરણ શ્લોકમાં મહાત્મા ગાંધીને દેવ કહીને તેમનું સ્મરણ કરવામાં આવે છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે ગાંધીના સ્મરણથી તેમના અનુસરણ સુધી આગળ તો વધવું પડશે ને?

ભારતમાં રામરાજ્યની સ્થાપના માટે ગાંધીને કોઈ વાદ કે કોઈ મુદ્દામાં જકડવાનું બંધ કરીને તેમના આચાર-વિચારને, તેમના જીવન સંદેશનું અનુસરણ કરવું વધારે જરૂરી છે. આપણે ગાંધીના હિંદુપણાને તેમના સર્વધર્મ સમભાવ, અહિંસા, સત્ય, અસ્તેય, અભયથી કેવી રીતે અલગ કરીને જોઈ શકીશું? અને આવા જીવનમૂલ્યોની ગેરહાજરી ખરેખર હિંદુપણું છે, તે ખરેખર હિંદુત્વ છે?

વાચક મિત્રો આ સંદર્ભે આપનો શું અભિપ્રાય છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છો...આપના અભિપ્રાયો આવકાર્ય છે.

No comments:

Post a Comment