Friday, May 27, 2011

RSS કટ્ટર 'રાષ્ટ્રવાદ' ફેલાવે તો તેમા ખોટું શું છે?


દેશમાં કોંગ્રેસની એકહથ્થુ સત્તાને આઝાદી બાદ કોઈ વિચારધારાએ ટક્કર આપી છે, તો તે છે હિંદુત્વની વિચારધારા. દેશમાં આઝાદી બાદ હિંદુ મહાસભાના પ્રભાવહીન થયા બાદ ભારતની રાજકીય ક્ષિતિજ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થકી ભારતીય જનસંઘનો ઉદય થયો અને ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની. ભારતીય જનતા પાર્ટીએ 1989થી 2010 સુધીના સમયગાળામાં કોંગ્રેસને નાકે દમ લાવી દીધો છે. તેની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને મગજ જ કામ કરી ગયું છે. સ્વાભાવિક છે કે ભાજપ કોંગ્રેસના વિરોધીઓની યાદીમાં હોય જ. પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોંગ્રેસના વિરોધીઓના લિસ્ટમાં સૌથી ઉપર હોય.

રાહુલ ગાંધીએ વૈચારીક કટ્ટરતામાં મુસ્લિમ વિદ્યાર્થીઓના કટ્ટરવાદી પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સીમી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કોઈ ફેર ન હોવાનું જણાવ્યું છે. જો કે તેમાં કેટલું તથ્યા છે, તે તારવવું હજી બાકી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની જમણેરી વિચારધારાનો એક સ્તંભ અવશ્ય છે. દરેક દેશમાં જમણેરી, મધ્યમાર્ગી અને ડાબેરી વિચારધારાઓ રહેતી હોય છે. તેવી રીતે ભારતમાં પણ જમણેરી વિચારધારાના લોકોને પણ પોતાની વિચારધારાને આગળ વધારવા પ્રસારીત કરવાના અને તેના માટે લોકતાંત્રિક અહિંસક સત્યાગ્રહી આંદોલનો ચલાવવાનો અધિકાર છે.

ત્યારે તેની સામે કોઈ વૈચારીક રીતે આંદોલન ચલાવવાનો મધ્યમમાર્ગી કોંગ્રેસને પણ અધિકાર છે. પરંતુ કોંગ્રેસ આવું વૈચારીક આંદોલન ચલાવ્યા વગર જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આરોપોનો મારો ચલાવે છે. જો કે એમાં પણ તથ્ય હોવાની સંભાવના છે કે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સાથે સંકળાયેલા ‘કેટલાંક’ લોકો ઉગ્રપંથી કૃત્યોમાં સામેલ હોઈ શકે છે. પરંતુ તે હજી તપાસ થવાની બાકી છે. ત્યારે રાહુલ ગાંધી દ્વારા જ ‘જજમેન્ટ’ પાસ કરી દેવાય તે કેટલું યોગ્ય છે?

આ એ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે કે જેને ચીન સામેના યુદ્ધમાં સેનાનો સહકાર આપવા બદલ સેક્યુલર ગણાતાં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નવી દિલ્હીમાં પરેડમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. ગાંધી હત્યામાં સામેલ હોવાનો આરોપ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર લાગ્યો હતો. જો કે પાછળથી આ આરોપોમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને નિર્દોષ જાહેર કરવામાં આવ્યું હતું. તે વખતે પણ ભારતના તત્કાલિન ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસને દેશભક્ત સંગઠન જ કહ્યું હતું. ભારતને કટ્ટરવાદી કે આતંકવાદી સંગઠન ભારતના દેશભક્ત રાજકારણીઓએ તેના વિરોધી હોવા છતાં પણ કહ્યું નથી. ત્યારે રાહુલ ગાંધીની અયોધ્યાનો ચુકાદો આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પરની ટિપ્પણી હિંદુત્વ વિચારધારાના ધ્વજારોહકો વિરુદ્ધ કોંગ્રેસ તરફથી આક્રમક રણનીતિના સંકેતો દર્શાવે છે.

મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહને ડાહપણની દાઢ ઉગી નીકળી છે. તેમણે કહ્યું છે કે સંઘ પર પ્રતિબંધ મૂકવો સમસ્યાનું સમાધાન નથી. તેમની આ વાત સાથે સંમત થવું પડે તેમ છે. કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગાંધી હત્યા વખતે, કટોકટી વખતે અને બાબરી ધ્વંસ પછી એમ કુલ ત્રણ વખત પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પરંતુ આ સમયગાળા દરમિયાન આરએસએસનો જનાધાર આશ્ચર્યજનક રીતે વધ્યો હતો. અત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં ઘટાડો થયો હોવાનું તેમના વાર્ષિક પ્રતિવેદનમાં સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે આરએસએસ વિરુદ્ધની કોઈપણ પ્રતિબંધાત્મક કાર્યવાહી તેનો જનાધાર વધારવાની તક પૂરી પડશે. આરએસએસ દરેક પ્રતિબંધ બાદ વધારે મજબૂત બનીને બહાર આવ્યું છે.

જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના ગાંધી-નહેરુ પરિવારને વત્તા-ઓછાં અંશે છત્રીસનો આંકડો રહેલો છે. પરંતુ એક હકીકત એ પણ છે કે ભારતની રાજનીતિમાં બે ધ્રુવો ઉભા કરવાનું પણ આરએસએસના પ્રયત્નોથી જ શક્ય બન્યું છે. ત્યારે લોકતંત્રમાં વિરોધી વિચારધારાને વૈચારીક, લોકતાંત્રિક રીતે જવાબ આપવાની પરિપક્વતા દાખવવાની આવશ્યકતા છે. દિગ્વિજય સિંહે અયોધ્યા ચુકાદા પહેલા કહ્યું હતું કે વીએચપી અને સંઘ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. તેમણે ભાજપ, વીએચપી અને સંઘના કોઈપણ વાયદામાં વિશ્વાસ ન કરી શકાય તેમ કહ્યું હતું. જો કે અયોધ્યા ચુકાદા બાદ આ બધાં જ સંગઠનોએ શાંતિ જાળવવામાં સરકારને સહકાર આપ્યો છે. આ હકીકતથી હવે ઈન્કાર થઈ શકે તેમ નથી.

તેની સામે સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા ભારતમાં ઈસ્લામના ફેલાવાના નામે પાકિસ્તાન પ્રેરીત અને સમર્થિત આતંકવાદી સંગઠનો સાથે મળીને દેશમાં અજારકતા ફેલાવે છે. જેના કારણે તેને પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો અત્યાર સુધીનો ઘોષિત પક્ષ તો લોકતાંત્રિક, બંધારણીય અને અહિંસાના માર્ગે પોતાના વિચારને આગળ વધારવાનો રહ્યો છે. હવે લોકોને જ નક્કી કરવા દેવું જોઈએ કે તેમને શું જોઈએ છે? તેમને ક્યાં માર્ગે આગળ વધવું જોઈએ?

આરએસએસના દ્વિતિય સરસંઘચાલક એમ. એસ ગોલવલકરે કહ્યું છે કે જ્યાં સુધી અલગ અસ્તિત્વ રાષ્ટ્રભક્તિની ભાવનાથી દૂર થવાનું કારણ ન બને, ત્યાં સુધી કોઈ વર્ગ, જાતિ કે સંપ્રદાય તેનું અસ્તિત્વ ટકાવી રાખે તેમાં જરાય વાંધો નથી. પોતાને ધર્મનિરપેક્ષ કહેવડાવનારા લોકો સુધ્ધા મુસલમાનોને અલગ જમાત માનીને ચાલે છે. તેમની મતબેંક બનાવવા માટે તેમને ખુશ કરવાની રીત અપનાવી છે. તુષ્ટિકરણ કરનારાઓ અને એકરૂપતા ઈચ્છનારાઓમાં કોઈ મૌલિક તફાવત નથી. બંને મુસલમાનોને અલગ અને મેળ વગરના ગણે છે. મુસ્લિમો આ દેશ અને તેની સંસ્કૃતિને પ્રેમ કરતાં હોય ત્યાં સુધી તેમની જીવનપધ્ધતિ પ્રમાણે ચાલે તે આવકાર્ય છે. (શ્રીગુરુજી સમગ્ર-9,પૃષ્ઠ ક્રમાંક-108)

તેમના મતે, હિંદુ ધર્મની આસ્થા રહી છે કે દરેક જણ જે માર્ગે પ્રામાણિકતાથી ઈશ્વર ઉપાસના કરવા ઈચ્છે તે માર્ગથી ઈશ્ર્વર તેનો સ્વીકાર કરશે.તેથી ધર્મ કોઈ મુદ્દો નથી.ઝઘડો સ્વાર્થને કારણે છે.આપણી પરંપરા અનેક પંથ, અનેક ગ્રંથ અને અનેક નામ ધરાવે છે, તો બીજા સાથે કેવી રીતે એકતા નિર્માણ કરી શકીશું? પરંતુ આવી રીતે એકતા નિર્માણ કરવાના પ્રયત્નો કોઈ કરે તો, તેને સાંપ્રદાયિક ગણવામાં આવે છે. કોઈ પોતાની રાજકીય સંસ્થાનું અભિમાન રાખે તો, તે હીન નથી ગણાતો પણ કોઈ પાંચ હજાર વર્ષની પ્રાચીન સભ્યતાનું અભિમાન રાખે, તો તેને હીન ગણવામાં આવે છે.એવું અભિમાન કરવામાં બીજાનું અહિત થતું હોય, તો તે ત્યાજ્ય છે. પણ કોઈ કહે કે અમે હિંદુઓના હિતનું કામ કરવા માગીએ છીએ, તો એમાં ખોટું શું છે? (શ્રીગુરુજી સમગ્ર-9, પૃષ્ઠ ક્રમાંક-124)

કટ્ટર રાષ્ટ્રવાદી હોવું શું ગુનો છે? રાષ્ટ્રવાદની કટ્ટરતા કોમવાદી કટ્ટરતા કરતાં તો સારી ગણાય કે નહીં? ભારતના ઘણાં દુ:ખોનું કારણ રાષ્ટ્રવાદની કટ્ટરતાની અછત રહી છે. જો આવી કટ્ટરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફેલાવતું હોય તો તેમા ખોટું શું છે?

રાષ્ટ્રવાદની કટ્ટરતા દેશના સ્વાભિમાન માટે જરૂરી છે. રાષ્ટ્રવાદની કટ્ટરતા ફેલાવવું કોઈ ગુનો બનતું નથી. ગુનો બને છે કે જ્યારે રાષ્ટ્રવાદની જગ્યાએ કોમવાદી કટ્ટરતા ફેલાવવામાં આવે છે. જો કોઈ કોમવાદી કટ્ટરતા ફેલવાતું હોય તો તેને રાષ્ટ્રદ્રોહનો ગુનો ગણવો જોઈએ. પરંતુ રાષ્ટ્રવાદીઓને કોમવાદી કટ્ટરતાવાદીઓ સાથે બેસાડવું કેટલું યોગ્ય છે?

વાચકમિત્રો તમે શું માનો છો કે સંઘ રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે કે કોમવાદી? આપના આ લેખ સંદર્ભે શું અભિપ્રાયો છે? આપ અમને નીચે દર્શાવેલા ફીડબેક ફોર્મમાં મોકલી શકો છે. આપના અભિપ્રાયોનું સ્વાગત છે.....

No comments:

Post a Comment