Friday, May 27, 2011

રાષ્ટ્રીય સંકટ: દેશની રાજનીતિમાં વિચારશૂન્યતાની સમસ્યા

ભારતીય રાજનીતિમાંથી વિચાર ખોવાય ગયા છે. હવે રાજકારણમાં વિચારધારાની લડાઈઓ જોવા મળી રહી નથી. દરેક પક્ષોમાં વત્તા-ઓછાં પ્રમાણમાં વ્યક્તિવાદી અને/અથવા પરિવારવાદી રાજકારણે પકડ જમાવી દીધી છે. 80ના દાયકાની રાજનીતિમાં સેક્યુલારિઝમ, કમ્યુનિઝમ કે હિંદુત્વની રાજનીતિક વિચારધારા માટે વિચારથી કામ કરનારા રાજનીતિજ્ઞો જોવા મળતાં હતા. અત્યારના રાજકારણીઓમાં વિચાર નથી અને તેને કારણે વિચારધારાની સમજનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.

જાણીતાં ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાએ ભારતીય રાજનીતિમાં એક સંકટની તરફ સૌનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી છે. પોતાના એક વ્યાખ્યાનમાં તેમણે કહ્યું છે કે દેશમાં ચિંતનશીલ રાજનેતાની અછત ઉભી થઈ રહી છે. વળી તેનાથી પણ મોટી ચિંતાની વાત એ છે કે આજના નેતા જેમના અનુયાયી હોવાનો દાવો કરે છે, તેમના સંદર્ભે તેઓ કંઈ જ જાણતાં નથી. ગુહાનું માનવું છે કે આઝાદીની આંદોલન દરમિયાન આવા ઘણાં રાજનેતાઓ સામે આવ્યા હતા. તેમની પાસે આધુનિક સમાજીક-રાજનીતિક વ્યવસ્થા માટે નિશ્ચિત પરિકલ્પના હતી. તેમની આંખોમાં દેશ માટે આગવું સપનું તરતું હતું. તેઓ વિચારસંપન્ન લોકો હતા. તેમની પાસે લોકતંત્ર, રાષ્ટ્રવાદ, આર્થિક નીતિ, ધર્મ, લિંગભેદ, જાતિ, પર્યાવરણ અને વિશ્વ સાથે ભારતના સંબંધો સંદર્ભે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય હતો. તેઓ પોતાના વિચાર પર દ્રઢ રહેતા હતા. તેના માટે તેઓ સંઘર્ષશીલ રહેતા હતા.

આવા નેતાઓમાં મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નહેરુ, વિનાયક દામોદર સાવરકર, જયપ્રકાશ નારાયણ, એમ.એસ.ગોલવલકર, રામમનોહર લોહિયા, દીનદયાળ ઉપાધ્યાય વગેરે નેતાઓને સામેલ કરી શકાય છે. જો કે આજના ભારતીય રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નજર માંડવામાં આવે, તો હાલના નેતાઓ આઝાદી કાળના નેતાઓના રાજકીય ચિંતનના કદ સામે વામણાં લાગે છે. હાલના નેતાઓમાં દેશને આગળ લઈ જવાના વિઝનની કમી હોવાનું સ્પષ્ટ વર્તાય આવે છે. કારણ કે જે રીતે છેલ્લા કેટલાંક સમયથી ભારત રાષ્ટ્રીય રાજનીતિમાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આતંકવાદ, નક્સલવલાદ, કાશ્મીર, પાકિસ્તાન, કોમવાદ સામે પછડાત ખાતું આવ્યું છે, તે રાજકારણીઓના વામણાંપણાંની સાબિતી છે.

જયપ્રકાશ નારાયણનું સંપૂર્ણ ક્રાંતિ આંદોલન વૈચારીકતાની જમીન પર ઉભરનારું અંતિમ રાજકીય અભિયાન સાબિત થયું છે, જેના પોતાના કેટલાંક મૂલ્યો હતા. જેમા વ્યાપક જનભાગીદારી હતી અને જેની એક અખિલ ભારતીય દ્રષ્ટિપણ હતી. ખુદને જેપી આંદોલનની પેદાશ ગણાવનારા નેતાઓ શું કરી રહ્યાં છે, તેને પૂરો દેશ જોઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ ગાંધી અને નહેરુના આદર્શો સાથે હવે શું સંબંધ ધરાવે છે, તે કોઈથી છુપું રહ્યું નથી. ત્યારે ભાજપ પણ હિંદુત્વની પોતાની વિચારધારા અને તેના ચિંતનમાં અસમંજસમાં પડેલું લાગે છે.

હકીકતમાં 80ના દશકથી ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ વધુ ઘેરાવા લાગ્યું છે. આ રાષ્ટ્રીય વિચારના ખંડિત થવાનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન પ્રાદેશિકતા પ્રભાવી બની હતી. પંજાબ, આસામ અને કાશ્મીર સમસ્યાના અખિલ ભારતીય દ્રષ્ટિકોણને ઘેરો ધક્કો લાગ્યો હતો. જો કે હિંદુત્વવાદી શક્તિઓએ પોતાની રીતે અખિલ ભારતીયતાને શોધવા અને રાષ્ટ્રીય સ્તરે ધ્રુવીકરણની કોશિશ કરી હતી.

જો કે કોંગ્રેસે ઉદારીકરણ દ્વારા હિંદુવાદી રાજનીતિનો સામનો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ત્રણ દશકોમાં રાજનીતિના સ્વરૂપમાં આસમાન જમીનનું ભારે અંતર અને પરિવર્તન સર્જાયું છે. હવે વિચારની જગ્યાએ રણનીતિ અને રાજનેતાઓની જગ્યા પોલિટિકલ મેનેજરોએ લઈ લીધી છે. રાજનેતા અને જનતાના સંવાદો લગભગ સમાપ્ત થઈ ગયા છે.

જનસમાન્યથી વધતાં અંતરે જ સામાજીક-આર્થિક સમસ્યાઓ પર તેમની પકડને ઢીલી કરી દીધી છે. રાજકારણીઓ સૂત્રો અને પ્રતિકોની ઘોર વ્યક્તિવાદી અને પરિવારવાદી રાજનીતિમાં ફસાય ગયા છે. વિચારધારાના સંકટના કારણે જ પ્રચારમાં પ્રજા સાથે વાતનું સ્તર ઘણું નીચે ઉતરી ગયેલું લાગે છે. ઉમર અને રાહુલને આઈપોડ બેબી કહેવામાં આવે છે. તો શરદ યાદવ રાહુલ ગાંધીને ગંગામાં ફેંકવાની વાત કરે છે. સામે પક્ષે પણ આવા જ નિવેદનો અને વાતો કરવામાં કોઈ છોછ અનુભાતો નથી. નેતાઓનું છીછરાપણું તેમની પ્રજા સાથેની વાતમાં ઉડીને આંખે વળગે છે.

ભારતીય રાજકારણમાં વૈચારીક સંકટ ઘણું મોટું નુકસાન સર્જી રહ્યું છે. તેના કારણે આજે કાશ્મીર મુદ્દે જે થઈ રહ્યું છે, તે કોઈનાથી અજાણ્યું નથી. વૈચારીક અસ્પષ્ટતાઓ રાષ્ટ્રીય હિતો માટે નુકસાન દેહ સાબિત થઈ રહી છે. ભીડ ભેગી કરવી લોકોને પીટ ક્લાસ વાતો કરીને મતો મળેવવા અને ચૂંટણી જીતની સત્તાસુખ ભોગવવું જ આજના રાજનેતાઓના લક્ષ્ય બની ગયા છે. ત્યારે ખરેખર દેશહિતચિંતક રાજનેતાની ભારતને તાતી જરૂર છે. આ દેશહિતચિંતક નેતા જ ભારતને તેની આંતરીક અને બાહ્ય સમસ્યાઓમાંથી બહાર કાઢી શકશે.

કારણ ભૂખ જેટલી મોટી સમસ્યા છે, આતંકવાદ પણ એટલી જ મોટી સમસ્યા છે. ગરીબી જેટલી મોટી સમસ્યા છે, કાશ્મીર પણ એટલી જ મહત્વની સમસ્યા છે. કોમવાદ જેટલો મોટો મુદ્દો છે, રામજન્મભૂમિ વિવાદ પણ એટલો જ મોટો મુદ્દો છે. બેકારી જેટલો મોટો મુદ્દો છે, આંતકવાદ પણ એટલી જ વિકરાળ સમસ્યા છે. સડતું અનાજ જેટલી મોટી સમસ્યા છે, તેટલું જ પાકિસ્તાન અને ચીન તરફ પણ ધ્યાન આપવું જરૂરી છે. રાષ્ટ્રીય હિતો માટે ભ્રષ્ટાચાર સહીતનો કોઈ મુદ્દો નાનો કે મોટો હોતો નથી. દરેક મુદ્દા અને સમસ્યા તથા યોજનાઓ સાથે રાષ્ટ્રીય હિતો જોડાયેલા હોય છે. ત્યારે રાષ્ટ્રહિતચિંતક બનીને દેશના નેતાઓએ કામ કરવું જોઈએ. દેશની રાજનીતિમાં આવેલા વૈચારીક સંકટને દૂર કરીને દેશને, દેશના લોકને નવી દિશા આપવી જોઈએ.

વાચક મિત્રો આ સંદર્ભે આપ શું વિચારો છો? આપના વિચારો અને મંતવ્યો અમને નીચેના ફીડબેક ફોર્મ દ્વારા મોકલી શકો છો.

No comments:

Post a Comment