Friday, May 27, 2011

શહીદોની શહાદત ભૂલનારા રાષ્ટ્રો ભૂંસાઈ જાય છે!

હર્બટ સ્પેન્સરે કહ્યું છે કે આક્રમણ સામે મુકાબલો કે વિરોધ-એ માત્ર ન્યાયસંગત જ નથી, પરંતુ અત્યાવશ્યક અને અનિવાર્ય છે. અવિરોધ તો બંનેને હાનિ પહોંચાડશે, પરાર્થવાદ અને અસ્મિતાને પણ. શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ પણ આવા જ એક ક્રાંતિકારી હતા કે જેમણે શોષકોના રૂપમાં રહેલી અંગ્રેજી સત્તાના આક્રમણનો વિરોધ કરીને મુકાબલો કરીને પોતાના જીવનનું બલિદાન આપ્યું. નાનપણમાં ખેતરમાં બંદૂકો વાવનારો ભગતસિંહ યુવાન બનીને ક્રાંતિની જ્વાળાઓને ચંદ્રશેખર આઝાદ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને દેશભરમાં પ્રજ્વલિત કરવા લાગ્યા હતા.

તેમણે કાકોરી કાંડમાં અંગ્રેજ ખજાનો લૂંટવામાં મોટી ભૂમિકા અદા કરી, લાલા લાજપતરાયના મોતનો બદલો લેવા માટે અંગ્રેજ અધિકારી સેન્ડર્સને રાજગુરુ સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો અને છેલ્લે અંગ્રેજી સત્તાના બહેરા કાન સુધી ભારતીયોનો ઈન્કિલાબનો અવાજ પહોંચાડવા માટે ભગતસિંહે પોતાના સાથીદાર બટુકેશ્વર દત્ત સાથે મળીને સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યો હતો. તેમના બોમ્બ ફેંકવાનો હેતુ માત્ર ધડાકો કરીને અંગ્રેજી સત્તાના બહેરા કાને ક્રાંતિનો અવાજ પહોંચાડવાનો જ હતો. તેમણે આ બોમ્બ વિસ્ફોટથી કોઈ જાન હાનિ કરી ન હતી. એપ્રિલ-1929માં ધરપકડ કરાયેલા ભગતસિંહ પર એસેમ્બલી બોમ્બ કાંડ અને સેન્ડર્સની હત્યાના કેસ ચાલ્યા જેમાં તેમને તેમના સાથીદારો સુખદેવ અને રાજગુરુ સાથે 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી.

આજે પણ ક્રાંતિની મશાલ રાહ જોઈ રહી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં વિરલાઓ બાદ હવે કોઈ આ ક્રાંતિની મશાલ પોતાના હાથમાં લે અને તેનાથી ક્રાંતિ જ્યોતને પ્રજ્વલિત કરીને ભારતમાં ક્રાંતિ ફેલાવે.

ભગતસિંહના ક્રાંતિકારી સાથીદાર શહીદ રામપ્રસાદ બિસ્મિલે તો કહ્યું છે કે-

વક્ત આને પર બતા દેંગે,તુજે ઓ આસમાં.
હમ અભી સે ક્યાં બતાએ, ક્યા હમારે દિલ મેં હૈ.
સરફરોશી કી તમન્ના,અબ હમારે દિલ મે હૈ


ભારતના નામી-અનામી ક્રાંતિકારીઓએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્રપ્રસાદ લાહોડી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લાખાન જેવાઓની સરફરોશીની તમન્નાથી પોતાના દિલની વાત વખત આવ્યે આસમાનને જણાવી દીધી. પોતાના પ્રાણની રાષ્ટ્રના સ્વતંત્રતા યજ્ઞમાં આહૂતિ આપીને બલિદાનની અમરગાથા રચી છે.

આજનો યુવાન આ ગાથા ભૂલી જશે તો બહુ મોટી ભૂલ થશે. યુવાનો માટે સારા કામ કરવા, દેશહિતને આગળ વધારવું, દેશની પ્રગતિ અને સમૃદ્ધિને વધારવી વગેરેના લક્ષ્ય સાથે દેશ, સમાજની કમજોરીઓને દૂર કરીને સશક્ત રાષ્ટ્રના નિર્માણની આ મહાન હુતાત્માઓની અધૂરી ઈચ્છાઓ પૂરી કરવી પડશે. આ જ આવા મહાન બલિદાનીઓને સાચી શ્રદ્ધાંજલિ હશે.

હમને માના જંગ કડી હૈ, સર ફૂટેંગે, ખૂન બહેગા
ખૂન મેં ગમ ભી બહ જાયેગેં, હમ ન રહેગેં ગમ ભી ન રહેગા.

આ ભાવના સાથે ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની કેટલીક પંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી કે "શહીદના રક્તથી વધીને જગતમાં કોઈ ચીજ પવિત્ર નથી. જળ પછી તે ગંગાનું હોય કે ગોદાવરીનું, એમેઝોનનું હોય કે વોલ્ગાનું, નાઈલનું હોય કે સિંધુનું, યોગ સીક્યાંગનું હોય કે યમુનાનું જળ હંમેશા મલિન છે, કારણ કે એમાં કરોડો માતાઓના, બહેનોના અને વિધવાઓના ઉના ઉના અશ્રુઓ વહ્યાં છે. શહીદનું રક્ત નિસ્વાર્થ વહે છે, દેશ માટે વહે છે, સમષ્ટિ માટે વહે છે, મુક્તિ માટે વહે છે, ઉદ્ધાર માટે વહે છે અને પરમ પવિત્ર એવા સ્વાતંત્ર્ય માટે વહે છે.

શહીદના રક્તથી જે ધરા સિંચાઈ નથી, તે વાંઝણી છે. શહીદ પાયાનો પથ્થર છે, જે દ્રષ્ટિગોચર નથી, પરંતુ મહાન રાષ્ટ્રની ભવ્ય ઈમારત આ પાયાના પથ્થરો ઉપર જ રચાય છે. શહીદના સંસ્મરણથી વધીને મોટો કોઈ પાળિયો નથી, કોઈ ખાંભી નથી, કોઈ દેવમૂર્તિ નથી કે કોઈ દેવાલય નથી.

જે રાષ્ટ્રની પ્રજા શહાદતને વિસ્મરે છે, ભૂલે છે એ પ્રજા ઝડપથી આત્મ હત્યા નોતરી લે છે."

તમને નથી લાગતું કે આજે ભારતમાં જે રીતે ભ્રષ્ટાચાર અને શાસનની ખામીઓ દેખાય રહી છે, તે શહીદોની શહાદતોને ભૂલી જવાનું પરિણામ છે. તમે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવાં શહીદોના બલિદાન દિવસે તેમના ક્યાં વિચારોથી પ્રભાવિત છો. તમારા મતે ભગતસિંહ જીવિત હોત, સમાજ અને રાષ્ટ્ર પરિવર્તન અને ક્રાંતિ માટે કઈ પદ્ધતિ અપનાવત. શું આપણે શહીદોના બલિદાનોનો મલાજો જાળવી શક્યા છીએ કે પછી આપણાં નિહિત્ત સ્વાર્થો માટે એકબીજાના ગળા કાપવામાં અને પગ ખેંચવામાં જ પડયા છે. શહીદોની શહીદીથી મળેલી આઝાદીને સાચવવા માટે આપણે હજી પરિપકવ બન્યા નથી કે જેથી સાંપ્રદાયિકતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર, કાળા નાણાં જેવાં અનેક કુચક્રોમાં ફસાયા છીએ.

તમારો અભિપ્રાય

તમારો આ સંદર્ભે જે પણ કોઈ અભિપ્રાય હોય, ભગતસિંહ અને તેમના સાથીદારોની શહાદત અને તેમના વિચારો સંદર્ભે જે પણ કોઈ મંતવ્ય હોય, તે નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં શિષ્ટ અને સંયમિત ભાષામાં લખીને પોસ્ટ કરો અને વિશ્વના વાચકો સાથે યથાર્થ ચર્ચા કરો.

No comments:

Post a Comment