શુક્રવાર, 3 જૂન, 2011

સમ્રાટ ચંદ્રગુપ્ત


(લેખક-દીનદયાલ ઉપાધ્યાય,લોકહિત પ્રકાશન)
મનોગત
પ્રસ્તુત પુસ્તકમાં ઐતિહાસિક તથ્યોના માળખા પર પોતાની ભાષાનું માંસ ચઢાવીને ચંદ્રગુપ્તનું ચરિત્ર લખવામાં આવ્યું છે. નાયકની એક ધ્યેયનિષ્ઠાએ સ્વયં જ તેમા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. કેટલીક ઘટનાઓનું વર્ણન પાશ્ચાત્ય વિદ્વાનો દ્વારા લખાયેલા ઈતિહાસ સાથે ભલે મેળ ખાય નહીં. પરંતુ આ વર્ણન કલ્પનાઓના આધાર પર ન રહેતા, આપણા પ્રાચીન ગ્રંથો તથા ભારતીય વિદ્વાનો દ્વારા કરવામાં આવેલી આધુનિક શોધોના આધારે છે. જેમના માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે, તેમને તમામ પ્રકારના ઐતિહાસિક તથ્યોનું વન પરિભ્રમણ કરાવવાની જરૂરત નથી, તેમણે એટલું જાણવું પૂરતુ છે કે યૂરોપિયન વિદ્વાનો દ્વારા પ્રયત્નપૂર્વક અને તેનું આંધળુ અનુકરણ કરનારા ભારતીય વિદ્વાનો દ્વારા અજાણતા ફેલાયેલા અંધકારને નષ્ટ કરનારી ઐતિહાસિક શોધના સૂર્યપ્રકાશમાં દેખાયેલી આ સત્ય ઘટનાઓ છે.
લેખક
વર્ષ પ્રતિપદા
સં. 2003 વિ.
લેખક પરિચય

પં. દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ અત્યંત સાધારણ પરિવરમાં 25 સપ્ટેમ્બર, 1916ના રોજ થયો હતો. તેઓ મથુરા જિલ્લાના એક નાનકડા ગામ નગલા ચંદ્રભાનના વતની હતા.
શૈશવાવસ્થાથી જ દીનદયાલજીને અનેક કષ્ટોમાંથી પસાર થવું પડયું. તેઓ જ્યારે ત્રણ વર્ષના હતા, ત્યારે જ તેમના પિતા શ્રી ભગવતપ્રસાદજીનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને લાચારીથી પોતાની માતા રામપ્યારીજી અને નાના ભાઈ શિવદયાલ સાથે પોતાના મામા શ્રી રાધારમણજીને ત્યાં જવું પડયુ હતુ. વિપત્તિઓ એક બાદ એક કરીને આવતી ગઈ અને સાત વર્ષની ઉંમરે તેમની માતા પણ બંને ભાઈઓને રોતા-કકળતા મૂકીને પરધામ ચાલ્યા ગયા. શૈશવાવસ્થામાં પોતાના પિતાને અને બાલ્યાવસ્થામાં પોતાની માતાને ગુમાવીને હજી દીનદયાલજીએ યૌવનની સીડીઓ પર પગ જ મુક્યો હતો કે તેમના નાનાભાઈ માત્ર 16 વર્ષની ઉંમરે જ કાળનો ગ્રાસ બની ગયા હતા.

વિદ્યાર્થી જીવન:

જો કે દીનદયાલજી પર સતત આફતોના પહાડ તૂટી રહ્યાં હતા, તો પણ તેમણે પોતાના અભ્યાસ તરફ ક્યારેય દુર્લક્ષ્ય કર્યુ ન હતુ. પ્રત્યેક પરીક્ષામાં તેઓ પોતાની વિશેષ પ્રતિભાનો પરીચય આપતા રહ્યા. પ્રાથમિક બોર્ડની પરીક્ષામાં તો તેઓ સર્વપ્રથમ હતા જ, પરંતુ હાઈસ્કૂલમાં અજમેર બોર્ડની પરીક્ષામાં તેમણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. તેમની રેખાગણિત (ભૂમિતિ)ની ઉતરવાહી ઘણાં વર્ષો સુધી ઉદાહરણ તરીકે સાચવી રાખવામાં આવી. આ પ્રકારે પિલાનીની બિરલા કોલેજમાં અભ્યાસ કરીને તેમણે ઈન્ટરની પરીક્ષામાં સૌથી વધારે ગુણ પ્રાપ્ત કર્યા. મહારાજા સીકર અને શ્રી ઘનશ્યામદાસ બિરલા બંનેએ તેમને વિશેષ પુરસ્કાર અને શિષ્યવૃતિ આપી. બિરલાજી અને મહારાજા બંને તેમને પોતાને ત્યાં સારી નોકરી આપવા ઈચ્છતા હતા, પરંતુ દીનદયાલજીએ સનાતન કોલજ કાનપુર જઈને ગણિત વિષય લઈને બી.એ.ની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ કરી હતી. તેમણે એમ.એ. પ્રથમ વર્ષની પરીક્ષામાં પણ સેન્ટ જોન્સ કોલેજ આગ્રાના અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. પરંતુ દુર્ભાગ્યે એમ.એ.ના બીજા વર્ષની પરીક્ષા તેઓ પોતાની બીમાર બહેનની સેવામાં રહેવાને કારણે આપી શક્યા ન હતા. પોતાની મામીના આગ્રહને કારણે તેઓ એક વખત સનદ્દી સેવાઓની પ્રતિયોગિતામાં પણ સામેલ થયા અને તેમની પસંદગી પણ થઈ ગઈ, પરંતુ તેમણે વિદેશી સરકારની નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. કેટલાંક સમય બાદ તેમણે બી.ટી.ની તાલીમ મેળવી.

કાર્યકર્તાના રૂપમાં:

ગરીબ હોવા છતાં પણ દીનદયાલજીએ નોકરી ન કરીને દેશસેવાનું જ વ્રત લીધું અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે દેશસેવા કાર્ય કરવા નીકળ્યા. થોડા સમયમાં જ તેમણે પોતાની સ્વભાવગત મહાનતા અને કાર્ય કુશળતાને કારણે સૌને પ્રભાવિત કર્યા. ત્રણ વર્ષમાં જ તેમને ઉત્તર પ્રદેશના સહપ્રાંત પ્રચારક બનાવવામાં આવ્યા હતા.

સાહિત્યિક સેવાઓ:

દીનદયાલજી પ્રખર બુદ્ધિના ધની હતા. તેમણે પોતાની વિશિષ્ટ શૈલીમાં ચંદ્રગુપ્ત અને જગદ્દગુરુ શંકરાચાર્ય નામના બે પુસ્તકો લખ્યા. વિષયની પસંદગી અને શૈલી બંને દ્રષ્ટિથી આ પુસ્તકો ઘણાં શ્રેષ્ઠ છે. તેમણે લખનૌમાં જ રાષ્ટ્રધર્મ પ્રકાશન નામની સંસ્થા પણ સ્થાપિત કરી. રાષ્ટ્રધર્મ માસિક, પાંચજન્ય સાપ્તાહીક અને સ્વદેશ નામનું અખબાર પણ પ્રકાશિત કર્યું. આજે પણ રાષ્ટ્રધર્મ અને પાંચજન્ય પોતપોતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ સામાયિક ગણાય છે. સ્વદેશ નામનું અખબાર હવે તરુણ ભારત નામથી પ્રકાશિત થઈ રહ્યું છે. આ તમામ સામાયિકો અને અખબારના મૂળમાં દીનદયાલજીનો ગહન વિચાર અને તેમનો સતત પરિશ્રમ જ છે. તે સમયે દીનદયાલજી આ સામાયિક અને અખબારના તંત્રી, કમ્પોઝીટર, ભારવાહક અને કાર્યાલયના પટાવાળાનું કામ પણ જાતે કર્યું.

દીનદયાલજી ગંભીર વિચારક હતા, માટે તેમના ભાષણો પણ અત્યંત સારગર્ભિત અને મૌલિક હતા. તેમના ભાષણોના આધારે ઘણાં પુસ્તકો સંકલિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યા છે, તેમા મુખ્યત્વે છે-ભારતીય અર્થનીતિ! વિકાસ કી એક દિશા, રાષ્ટ્રજીવન કી દિશા અને અંગ્રેજીમાં પોલિટિકલ ડાયરી.

એકાત્મ માનવવાદ:

ભારતીય જીવન દર્શનને વર્તમાન સંદર્ભમાં પ્રસ્તુત કરીને આખા સંસારને નવીન દિશા આપવાનું કાર્ય દીનદયાલજીએ કર્યું. સુખની દોડમાં સતત દોડી રહેલા માનવને દીનદયાલજીના એકાત્મ માનવવાદથી જરૂરથી સ્ફૂર્તિ અને દિશા મળશે.

સ્વર્ગારોહણ:

પં. દીનદયાલજી એટલા સારા સ્વભાવના હતા કે તેમને અજાતશત્રુ કહેવામાં આવે, તો પણ કોઈ અતિશયોક્તિ નહીં થાય કારણ કે તેઓ ભારતીય રાજકારણને એક વિશેષ દિશામાં વળાંક આપવા માટે પ્રયત્નશીલ હતા અને તેમા તેમને ઘણી સફળતા પણ મલી હતી, આ રાજકીય વિચારધારામાં તેમના વિરોધીઓથી તેમનું ઉભરી રહેલું વ્યક્તિત્વ સહન થયું નહીં અને એક દિવસ અર્થાત ૧૧ ફેબ્રુઆરી, ૧૯૬૮ સવારે મુગલસરાય રેલવે યાર્ડમાં તેમનુ મૃત શરીર પડેલું મળ્યું. સ્પષ્ટ હતું કે કોઈ દૂષિત ષડયંત્ર દ્વારા કેટલાંક નિયોજીત હત્યારાઓએ તેમના સતત ગતિશીલ જીવનનો અચાનક અંત કરી દીધો હતો.

જે સમયે દીનદયાલજીનું શબ ઓળખી લેવાયું સંપૂર્ણ વિશ્વમાં તરત જ તેના સમાચાર ફેલાઈ ગયા. દેશ અને વિદેશના લોકો, નેતાઓ અને વિદ્વાનોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી. કોઈએ સાચું જ કહ્યું છે કે દેશના ગૌરવશાળી અતીત સાથે ભવ્ય ભવિષ્યને જોડનાર વર્તમાનનો મહાન શિલ્પી ચિરનિદ્રામાં પોઢી ગયો. દીનદયાલજીનું પાર્થિવ શરીર તો આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કર્મશીલ જીવન, મધુર પરંતુ સરળ વ્યવહાર, તેમનું ગહન ચિંતન હંમેશા સંપૂર્ણ સમાજને નવી દિશા આપતું રહેશે.

વિષય પ્રવેશ

પુણ્યમયી ભારત ભૂમિની વિશાળ ઐતિહાસિક પરંપરામાં વૈભવ અને પરાભવ, ઉત્કર્ષ અને અપકર્ષના અનેક કાળખંડ મળે છે. ઉન્નતિ અને અવનતિ બંનેમાં તેણે પોતાની રાષ્ટ્રીય ચેતનાને જાગૃત રાખી છે. બંને પ્રકારની પરિસ્થિતિમાં પોતાના આત્માને બળવાન બનાવ્યો છે. પરાજય પ્રાપ્ત થવા પર પણ કાળચક્રની ગિતને પણ બદલનારા એવા કર્મઠ વીરોને જન્મ આપ્યો કે જેમણે પોતાની મનસ્વિતા, સ્વાભિમાન અને નીતિ-નિપુણતા દ્વારા રાષ્ટ્રીય આત્માની સુશુપ્ત શક્તિને જગાડી. આ શક્તિ અન્યાય અને અત્યાચારની ભીષણ આંધીમાં પણ પોતાના સ્થાન પર શાંત મુદ્રાથી દ્રઢ રહી અને અગત્સ્યની જેમ સમાન કઠણાઈઓથી અલંધ્ય વિંધ્યાચલને પાર કરીને સમુદ્ર જેવી ઉદંડ અને વિશાળ શક્તિનું પણ ત્રણ ઘૂંટડામાં પાન કરવામાં સમર્થ થઈ. તેમના વૈભવ અને શાંતિના કાળમાં એવા ઋષિ તથા તત્વજ્ઞ જેમણે આત્માની ઈશ્વરીય શક્તિનો સાક્ષાત્કાર કરીને માનવના કલ્યાણ માટે સત્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું. આવો જ એક કાળખંડ આજથી 2400 વર્ષ પહેલા આપણને મળે છે. તેમાં ચંદ્રગુપ્ત અને ચાણક્યના સંયુક્ત પ્રયત્નોએ સમાજની એ રચનાત્મક શક્તિનું સર્જન કર્યું કે જેણે એલેકઝાન્ડર (સિકંદર)ને ભારતમાંથી હાંકી કાઢીને વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું.

ચંદ્રગુપ્ત અને ચાણક્યે કલ્પનાના મનોરાજ્યમાં જે વિશાળ સામ્રાજ્યનો નકશો ખેંચ્યો હતો, તેને એકે પોતાની અજય શક્તિ અને બીજાએ પોતાની અસાધારણ પ્રતિભાના બળ પર પ્રત્યક્ષ જગતમાં પ્રગટ કરી દેખાડયું. એલેકઝાન્ડરના આક્રમણનો ભારતમાં દરેક સ્થળે વિરોધ થયો. દેશમાં એટલી શક્તિ હતી કે તેઓ પશ્ચિમના મહાન વિજેતા? ને પરાજીત કરી શકે, પરંતુ તેમ છતાં ભારત પૂર્ણપણે શક્તિશાળી ન હતા. સમાજ અસંગઠિત, વિશ્રૃંખલિત, વ્યક્તિત્વનિષ્ઠ હતો. આ અવગુણોને કારણે દેશની વધતી દુર્બલતા ચંદ્રગુપ્ત અને ચાણક્યથી છુપાઈ શકી નહી, કારણ કે તેઓ હતા દેશની નાડને ઓળખનારા ચતુર વૈદ્ય. દેશની આત્મા સાથે પોતાના આત્માને સમરસ કરવાને કારણે આ દુર્બલતાની વેદનાનો તેમણે અનુભવ કર્યો હતો. પર્વતકની વિશાળ શક્તિ જેણે એલેકઝાન્ડરના છક્કા છોડાવી દીધા અને તેને મિત્રતાનો હાથ આગળ કરવા મજબૂર કર્યો અને મગધનું અજેય સૈન્યબળ જેની વીરતા અને શૂરતાની કહાણીઓ સાંભળીને જ એલોકઝાન્ડરની સેના હિંમત હારી બેઠી, આ બંને વાસ્તવમાં રાષ્ટ્રીય દ્રષ્ટિથી કેટલા ખોખલા હતા, તે ચંદ્રગુપ્ત અને ચાણક્ય જાણતા હતા. માટે તેમણે ભારતના દૌર્બલ્યને દૂર કરીને શક્તિશાળી બનાવવાનું બીડું ઉઠાવ્યું.

ભારતના તમામ નાના-મોટા રાજ્યોનો વિજય અને ભારતની સીમાથી તેના શત્રુઓઓને યોગ્ય અંતરે રાખવા માટે ગાંધાર (અફઘાનિસ્તાન), ફારસ (ઈરાન), ચીની તુર્કિસ્તાન, કુસ્તાન (ખોતાન) વગેરેનો વિજય ભારતને વૈભવના શિખર પર પહોંચાડનારા શક્તિ-સોપાનની પહેલી સીડી હતી. વિજય બાદ સામ્રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા નિર્માણ કરવા આ માર્ગની બીજી સીડી હતી.

ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય એટલું સુસંગઠિત અને શાસન એટલું સુદ્રઢ હતું કે વિદેશી યવનોને પણ તેના વખાણ કરવા પડયા. તેના શાસનકાળની શાંતિ વ્યવસ્થા અને સંપન્નતાનું ચિત્ર સેલ્યુકસના દૂત મેગસ્થનીઝના વર્ણનના ઉપલબ્ધ અંશોના આધારે જ ખેંચી શકાય છે. યથાર્થ સ્વરૂપ કેટલું ભવ્ય હશે તેની તો કલ્પના જ કરી શકે છે. ચંદ્રગુપ્તની રાજધાની પાટલિપુત્ર હતી. તેનો વિસ્તાર ગંગાના કિનારે 15 માઈલનો હતો. રાજધાનીની વિશાળતા, સ્વચ્છતા અને વૈભવને જોઈને જ સામ્રાજ્યની સંપન્નતાનું અનુમાન લગાવી શકાતું હતું. નગરમાં 450 રત્નજડિત અટારીઓ હતી. પછી રાજમહેલની શોભા અને રત્નભંડારનું તો કહેવું જ શું! માર્ગોની સ્વચ્છતા અને સજાવટ અત્યંત ચિત્તાકર્ષક હતી. નાની નાની શેરીઓમાં પણ સ્વસ્છતાની યોગ્ય વ્યવસ્થા હતી. પાટલિપુત્ર તે સમયે સંસારનું મુખ્ય નગર હતું. ત્યાં માત્ર દૂરના વેપારીઓ વેપાર-ધંધા માટે આવતા ન હતા, પરંતુ સંસારના તમામ રાજ્યોના રાજદૂત પણ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ઉપસ્થિત રહેતા હતા.

પોતાના વિશાળ સામ્રાજ્યનું શાસન કરવા માટે ચંદ્રગુપ્ત મૌર્યે તેને પાંચ ભાગોમાં વહેંચી દીધું હતું. પૂર્વ ભાગનું શાસન રાજધાની પાટલિપુત્રથી જ થતું હતું, પરંતુ ઉત્તરમાં તક્ષશિલા અને કૌશામ્બી, મધ્ય ભારતમાં ઉજ્જૈન અને દક્ષિણમાં મહિશૂર (મૈસૂર) પ્રતિનિધિ શાસનના કેન્દ્રો હતો. પ્રત્યેક પ્રાંત તથા કેન્દ્રમાં શાસન મંત્રીઓની એક પરિષદ દ્વારા થતું હતું. સમ્રાટ ખુદ સમય-સમય પર સામ્રાજ્યભરમાં મુલાકાત કરતા હતા. દેશભરમાં સ્થાનિક શાસનનો ભાર ગ્રામ પંચાયતો ઉપર હતો. નગરમાં આજની જેમ સ્થાનિક શાસન સંસ્થાઓ (નગરપાલિકાઓ-મ્યુનિસિપાલિટીઓ) કાર્ય કરતી હતી. સ્વચ્છતા પર એટલું વધારે ધ્યાન આપવામાં આવતું હતું કે સડકો પર ગંદૂ પાણી નાખનાર માટે મોટા કઠિન દંડની વ્યવસ્થા હતી. નગરના સમસ્ત ઘરો યોજનાનુસાર બનાવવામાં આવતા હતા અને ઘર બનાવતા પહેલા આરોગ્ય અધિકારીની મંજૂરી મેળવી લેવી જરૂરી હતી. આજના નાના-મોટા શહેરોની જેમ પાટલિપુત્ર ખીચોખીચ વસેલું ન હતું.

ભારતમાં ઘણી મોટી-મોટી સડકો મૌર્ય શાસનમાં બની. તેની બંને બાજુ છાયાદાર વૃક્ષો લગાવવામાં આવ્યા હતા અને થોડાથોડા અંતરે પ્રવાસીઓને રોકાવા માટે ધર્મશાળાઓ અને કૂવા બનાવવામાં આવ્યા હતા. ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધી વણિક વર્ગ નિર્ભય થઈને પોતાનો સામાન લઈ જતા હતા. ચોરી અને ધાડનો ભય સંપૂર્ણપણે જતો રહ્યો હતો. નગરમાં લોકો ઘરોને તાળા લગવાતા ન હતા. એટલું જ નહીં, કોઈને ત્યાં ચોરી થાય અને રાજ્ય કર્મચારી તેની ભાળ મેળવી ન શકે તો તેની ભરપાઈ રાજ્યના ખજાનામાંથી કરવામાં આવતી હતી. સત્ય તો એ છે કે જ્યારે બધાં પ્રકારની સુવ્યવસ્થા અને સંપન્નતા હતી, ત્યારે કોઈ ચોરી જેવા ખોટા શાસ્ત્ર નિષિદ્ધ, લોકવિઘાતક અને લોકનિન્ધ કાર્યો તરફ પ્રવૃત કેમ થાય?

રાજ્યમાં ન્યાયની યોગ્ય વ્યવસ્થા હતી. ન્યાય અને શાસન વિભાગનું કામ અલગ-અલગ અધિકારીઓ જોતા હતા. ન્યાયની સામે તમામ સમાન હતા. ત્યાં સુધી કે રાજપુત્ર પણ, જો તે દોષી હોય, તો તેને દંડ આપવામાં આવતો હતો. સમાજ માટે વિઘાતક કામો માટે તો ઘણો કઠિન દંડ આપવામાં આવતો હતો. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય સ્વયં ન્યાય કરતા હતા. તેના કારણે જનતામાંથી દરેક વ્યક્તિ સમ્રાટ સુધી પહોંચી શકતી હતી.

જ્ઞાન અને વિદ્યાના પ્રસાર માટે પણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે વિશેષ ધ્યાન આપ્યું હતું. તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયો તો ચાલતા જ હતા, પરંતુ સમાજ અને રાષ્ટરના હિતના પ્રશ્નોનો નિર્ણય કરવા માટે સ્થાન-સ્થાન પર પરિષદો હતી. તેમાં વિદ્વાનોને યથેષ્ટ રૂપથી પુરસ્કૃત કરવામાં આવતા હતા. સમાજમાં સમષ્ટિ જીવનની ભાવના રાષ્ટ્રના જીવનનું મૂળ છે, તેનો સમ્રાટ ચંદ્રગુપ્તને ખ્યાલ હતો. તેના માટે જુદાં-જુદાં પ્રચાર માધ્યમોનો ઉપયોગ થતો હતો. પરંતુ કેટલીક બાબતો માટે રાજ્ય તરફથી વિશેષ નિયમ બનેલા હતા. પડોશમાં આગ લાગવાથી એ સમષ્ટિગત કર્તવ્ય છે કે તેને બુઝાવવા માટે મદદ કરવામાં આવે. આ ફરજની અવગણના કરનારને રાજ્ય તરફથી કઠોર દંડ આપવામાં આવતો હતો. નગરના તળાવ વગેરે જાહેર ઉપયોગના કાર્યોમાં પણ સૌએ સહકાર આપવો પડતો હતો. દેશમાં એ પ્રકારની શિક્ષા-દીક્ષાની વ્યવસ્થા હતી કે લોકો વ્યક્તિગત હિતોના સ્થાન પર સમાજ હિતોને જ મહત્વ આપતા હતા.

સમ્રાટ ચંદ્રગુપ્તની શાસન વ્યવસ્થા એટલી નિર્દોષ અને પૂર્ણ હતી કે પશ્ચિમી વિદ્વાનોને પણ તેની મુક્તકંઠે પ્રશંસા કરવી પડી છે. પ્રત્યેક સારી વાતનું ઉદગમ સ્થાન યૂરોપ માનનારાઓને આશ્ચર્ય થાય છે કે આજથી ચોવીસો વર્ષ પહેલા મૌર્ય શાસન આટલું વિકસિત સ્વરૂપ કેવી રીતે ઉપસ્થિત કરી શકયું. આજના વિજ્ઞાનના આવિષ્કારો ન હોવા છતાં પણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યે શાસનની આધુનિકતમ પ્રણાલીઓનો ઉપયોગ કર્યો હતો. જો આપણે આનું પૂર્ણ વિવરણ જાણવા માંગતા હોઈએ તો આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રધાનમંત્રી, સહયોગી અને ગુરુ વિષ્ણુગુપ્ત કૌટિલ્યના અપૂર્વ ગ્રંથ અર્થશાસ્ત્રને વાંચવો જોઈએ. તેમાં એ તમામ વિષયો વર્ણન છે કે જેનાથી કોઈપણ રાષ્ટ્ર શક્તિશાળી થઈ શકે છે. તેમાં કોઈ તત્વવેતાની મન:સૃષ્ટિના કાલ્પનિક સિદ્ધાંત નથી, પરંતુ એક સૂક્ષ્મદર્શી ઋષિ, યથાર્થવાદી વિચારક અને ક્રાંતિકારી કર્મયોગીના વિચાર છે, રાજ્યના ઉત્થાન-પતનના કારણોની વિવાચના કરીને સ્વયં રાષ્ટ્ર નિર્માણ કરનારા કૂટનીતિજ્ઞ તપસ્વીના અનુભૂત પ્રયોગો છે, મનોવિજ્ઞાન, રાજનીતિ, અર્થનીતિના સિદ્ધાંતો છે કે જેને વ્યવહારની કસોટી પર કસવામાં આવ્યા છે. એક વિદ્વાનના જણાવ્યા પ્રમાણે આ ગ્રંથ તેમના (ચાણક્ય) તરફથી દેશને આપવામાં આવેલું અધિકાર પત્ર છે, આપણા માટે ઉપયોગી જ્ઞાનનો ભંડાર છે.

આમ તો ભારત ભૂમિ હંમેશાથી સોનુ પેદા કરતી રહી છે, પરંતુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના કાળની શાંતિ અને વ્યવસ્થાને કારણે તો આ ભૂમિ ખરેખર રત્નગર્ભા થઈ ગઈ હતી. ચારે તરફ સુખ અને સંપન્નતાનું રાજ્ય હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના રાષ્ટ્રીય પ્રયત્નોના ફળ સ્વરૂપે જ ભારત મહાન શક્તિને પ્રાપ્ત કકરી શક્યું હતું કે જેના ભરોસે સમ્રાટ અશોકે રાષ્ટ્રીયતાને આગળ વધારીને વિશ્વ કલ્યાણના માર્ગ પર પગ આગળ વધાર્યો હતો. આ રાષ્ટ્ર શક્તિના નિર્માતા ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યમાંથી પોતાના ભૂજાબળના સહારે પરાક્રમ કરનારા અને અંતમાં આ શક્તિના કેન્દ્ર સ્વરૂપ સંસારની સામે પ્રગટ થનારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું આ પાવન ચરિત્ર છે.


પ્રકરણ-1
વૈભવશાળી રાજ્ય અને વિલાસી રાજા


જે કાળનું વર્ણન કરી રહ્યાં છીએ ત્યારથી અત્યાર સુધી પૃથ્વી સૂર્યની ચારેય બાજુ લગભગ અઢી હજાર ચક્કર લગાવી ચુકી છે અને તેવી જ રીતે ભારતનું ભાગ્યચક્ર પણ ન જાણે કેટલી વાર ઘૂમી ચુક્યું છે. તે સમયે મગધમાં મહાપદ્મ નન્દોનું રાજ્ય હતું. ભારત સ્વતંત્ર હતું, અહીંનો વહેપાર ખૂબ ફૂલ્યો-ફાલ્યો હતો. અહીંના બનેલા માલ-સામનથી દેશ-વિદેશના બજારો ભરેલા પડયા હતા. હિંદુ શિલ્પીઓના હાથમાં કંઈક એવી કુશળતા હતી, કંઈક એવો જાદૂ હતો કે તેઓ જેનું નિર્માણ કરતાં હતા, તે લોકોનું મન મોહી લેતી હતી. રાજા પણ ત્યાંના કળા-કૌશલ્ય અને વહેપારને પ્રોત્સાહન આપતો હતો. કેમ ન આપે? તેનાથી લાભ તો દેશનો અને દેશવાસીઓનો જ થતો હતો. રાજ્યનો ખજાનો પર ભરેલો પડયો હતો. રાજાની પાસે મહાપદ્મ રૂપિયા હોવાને કારણે જ તેનું નામ મહાપદ્મ પડયુ હતુ. જરા આંગળી પર એકમો ગણીને જોવો અને વિચારો કે કેટલા હશે મહાપદ્મ રૂપિયા હશે! આજે દુનિયાના તમામ વ્યક્તિઓમાં આ રૂપિયા વહેંચી દેવામાં આવે, તો એક-એક વ્યક્તિ પાસે 50 લાખ રૂપિયા આવે અને માત્ર એકલા હિંદુસ્થાનમાં જ વહેંચવામાં આવે તો આપણામાંથી દરેક વ્યક્તિને 2.5 કરોડ રૂપિયા મળે! ઓહ! કેટલું હશે આ ધન! અને કેટલા સુખી હતા, તે સમયના સ્વતંત્ર હિંદુસ્થાનના લોકો. આજે તો હિંદુસ્થાનમાં લખપતિઓ જ ગણતરીના છે અને પછી કરોડપતિઓનું તો પુછવું જ શું! બાકી તો આપણી વાર્ષિક આવક કુલ 56 રૂપિયા છે.

આ વૈભવશાળી મગધરાજની રાજધાની હતી, કુસુમપુર. આ તે નગર છે, જે આજે પટના તરીકે ઓળખાય છે. તે સમયે તેનું નામ કુસુમપુર હતું. બાદમાં અહીં જ પાટલિપુત્ર વસાવવામાં આવ્યું, જે બાદમાં અપભ્રંશ થઈને પટના થઈ ગયું. કુસુમપુર હકીકતમાં કુસુમપુર જ હતું. જેવી રીતે ભમરા પુષ્પની સુગંધથી આકર્ષિત થઈને તેની ચારેય તરફ મંડરાય છે, તેના યશગાનનું ગુંજન કરે છે, તેના ગૌરવગીત ગાય છે, તથા કુસુમના મધનું પાન કરીને પોતાની ઈચ્છા તૃપ્ત કરે છે, તેવી જ રીતે કુસુમપુરના વૈભવ અને વહેપારને કારણે દૂરદૂરના પ્રવાસીઓ અને વહેપારીઓ અહીં આવતા હતા, અહીં હંમેશા તેમનો જમઘટ લાગેલો રહેતો હતો. ત્યાંના સૌદર્યને જોઈને પોતાની આંખોને તૃપ્ત કરતા, ત્યાંના વહેપારથી પોતાના ધનની વૃદ્ધિ કરીને પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરીને તથા જ્યાં પણ જાય ત્યાં કુસુમપુરની કળા અને તેના ધનની કહાની પોતાની સાથે લઈ જતાં. દેશ-વિદેશના રાજદૂત પણ આ રાજાના દરબારમાં ઉપસ્થિત થવામાં પોતાનું સૌભાગ્ય સમજતા હતા.

મહાપદ્મનંદના વંશજ ખૂબ સારી રીતે રાજ્ય કરતા રહ્યા. રાજા હોવા છતાં પણ તેઓ પોતાને પ્રજાના સ્વામી ન સમજીને જનતાના સેવક સમજતા હતા. આપણે ત્યાં રાજાનો આ જ આદર્શ છે.જ્યારે રાજા જ પ્રજાની ભલાઈ કરવા અને સેવા કરવી પોતાનું કર્તવ્ય સમજતો હતો, તો નાના કર્મચારીઓ હંમેશા પ્રજાના હિતોનું ધ્યાન રાખતા હતા. પરંતુ આ પરિસ્થિતિ વધારે દિવસો સુધી રહી નહીં. નંદ વંશનો છેલ્લો રાજા ધનનંદ ખૂબ જ મોટો વિલાસી હતો. રાજકાજમાં તેનું મન બિલકુલ લાગતું ન હતું. તે પોતાનો સમય નાચગાન, આમોદ, પ્રમોદ તથા રંગરેલીયા કરવામાં પસાર કરતો હતો. ક્યારેક વસંતોત્સવની ઉજવણીથી મનાવવામાં રૂપિયા પાણીની જેમ વહેવડાવામાં આવતો હતો, ક્યારેક હોલિકાત્સવ પર પ્રજાના પૈસા ખોટી રીતે ફૂંકી મારવામાં આવતા હતા. રાજા પોતાને પ્રજાના ધનનો માલિક સમજવા લાગ્યો હતો. આવા વ્યસની રાજાને કોઈની નેક સલાહ પણ સારી લાગતી ન હતી, તે હંમેશા ખુશામતખોરોના જ વશમાં રહે છે, જે તેની જી-હજૂરી કરતા રહે છે.

સદભાગ્યે આ રાજાનો મંત્રી કાત્યાયન ઘણો જ યોગ્ય હતો. તેનું ઉપનામ રાક્ષસ હતું. તે માત્ર નામનો જ રાક્ષસ હતો. આમ તો બ્રાહ્મણ હતો. તે મોટો વિદ્વાન હતો, નીતિનિપુણ હતો અને નંદના રાજ્યને ઘણી કુશળતાથી સંભાળી રહ્યો હતો. રાજા નંદના હાલ જોઈને તેને ઘણું દુ:ખ થતું હતું. તે ઈચ્છતો હતો કે રાજા રાજકાજમાં ધ્યાન આપે. પરંતુ રાજા નંદ તો પોતાના મહેલોમાંથી જ નીકળી શકતો ન હતો.

મંત્રીની યોગ્યતા હોવા છતાંપણ રાજાના રાજકાજમાં ધ્યાન ન દેવાને કારણે રાજ્યમાં ચારે તરફ ગડબડ મચી ગઈ. પ્રજા દુ:ખી રહેવા લાગી. પ્રજારંજનના કારણે જ રાજાનું રાજા નામ પડયું છે. રાજા નંદ તો પ્રજારંજનની જગ્યાએ પોતાનું જ મનોરંજન જ કરતો હતો. ભગવાન રામે રાજાનો જે આદર્શ રાખ્યો હતો તથા જેને બધાં ભારતીય રાજાઓ અને રાજા ધનનંદના પૂર્વજો પાલન કરતાં આવ્યા હતા, તેને ધનનંદ ભૂલી ચુક્યો હતો.

રામનો આદર્શ લોકશાસન નહીં, પરંતુ લોક આરાધન હતો. હા, આ પ્રકારે પ્રજાની સેવા કરનારા રાજા રામને પ્રજાએ પણ પોતાના સ્વામી માન્યા તથા તેમની ભક્તિ કરવી પોતાનું સૌભાગ્ય સમજ્યું. રાજા નંદ જ જ્યારે પ્રજા માટે સારી ભાવના રાખતો ન હતો, તો પ્રજામાં પણ સ્વભાવત્ તેના પ્રત્યે નિષ્ઠા રાખનારાની અછત થઈ ગઈ હતી. જનતાના દુ:ખોને કોઈપણ સાંભળનાર ન હતું. રાજા ધનનંદ સુધી ન તો કોઈની પહોંચ હતી અને ન તો તેની પાસે એટલો અવકાશ હતો કે તે પોતાના રાગ-રંગ છોડીને દુ:ખ અને દર્દની કહાણીઓ સાંભળે.

પૂર્વના નંદ શાસકોના શાસનકાળમાં પ્રજા જે અધિકારોનો ઉપભોગ કરી ચુકી હતી, તેમનું અપહરણ પ્રજાને ખટકવા લાગ્યું હતું. પ્રજા તો સુખ, શાંતિ અને સમ્માનપૂર્ણ જીવન વિતાવવાની આદી હતી. પરંતુ નંદના રાજ્યમાં આ બધી બાબતો પ્રજા માટે કઠિન થઈ રહી હતી. પોતાની ચારેય તરફ નંદના વિલાસપૂર્ણ કૃત્યોને જોઈને પ્રજાની નૈતિક ભાવનાઓને ઠેસ લાગતી હતી, ક્યાંય પણ અત્યાચાર જોઈને તેમનો આત્મા વિક્ષુબ્ધ થઈ જતો હતો. આત્મ સમ્માનની રક્ષા કરનારા અને તેને મિટાવનારાઓમાં સ્વાભાવિક રીતે સંઘર્ષ છેડાય ગયો હતો. જુદીજુદી જગ્યાએ આકાશ તરફ ઉઠનારા ધુમાડાઓએ જણાવ્યું કે અંદર આગ સળગી રહી છે. આ ધૂર્મપુંજમાંથી લોકોએ એક ભવ્ય મૂર્તિ નિહાળી. આ જ છે, આપણો નાયક ચંદ્રગુપ્ત મૌર્ય.

પ્રકરણ-2
દેશપ્રેમ અથવા રાજદ્રોહ?


ચંદ્રગુપ્ત મોરિય ક્ષત્રિય હતો. પ્રારંભમાં આ જાતિ મોર પર્વતની આસપાસ રહેતી હતી. ચંદ્રગુપ્ત રાજા નંદને ત્યાં એક સાધારણ સૈનિક હતો, પરંતુ તે હતો અત્યંત શૂર અને ધીર. તેનામાં દેશપ્રેમ ઠાંસીઠાંસીને ભરેલો હતો. તેની આસપાસના લોકોમાં તેનો ઘણો આદર હતો. તેના સાથીદારો તેને ઘણી શ્રદ્ધાથી જોતા હતા. તેણે અસ્ત્રશસ્ત્રોના પ્રયોગમાં ઘણી નિપુણતા પ્રાપ્ત કરી લીધી હતી. ખાસ કરીને ધનુષ્ય-બાણ અને શૂલમાં તો તેની કોઈ બરાબરી કરી શકતું ન હતું. તેના સાથીદારો તેના અચૂક નિશાનને જોઈને તેને અર્જૂનનો અવતાર કહેતા હતા. પરંતુ આ શસ્ત્રાસ્ત્રોથી પણ વધારે તેની પાસે બીજી એક મોટી ચીજ હતી અને તે હતી તેના હ્રદયની દ્રઢતા, તેની નિર્ભીકતા, તેનો આત્મવિશ્વાસ. જ્યારે તે પોતાના સાથીદારોનું ધ્યાન મગધ રાજ્યના અત્યાચારો તરફ ખેંચતો તથા તેમને તેનો વિરોધ કરવાનું કહેતો, તો તેઓ કહેતા કે “ભાઈ ચંદ્રગુપ્ત, તું તો તેમનો વિરોધ કરી શકે છે, કારણ કે તારી શૂલ શત્રુના પેટના આંતરડાઓને પણ ખેંચીને બહાર લાવી શકે છે, તારો વાર છુપામાં છુપા શત્રુઓનું માથું પણ ધડથી અલગ કરી શકે છે. પરંતુ અમે શું ખાઈને તેનો વિરોધ કરીએ? અમારામાં ક્યાં છે, આટલી કુશળતા? ” ત્યારે ચંદ્રગુપ્ત તેમને એ જ જણાવતો કે શસ્ત્રોની શક્તિ કરતાં દિલની તાકાત વધારે છે. જેનામાં આત્મ વિશ્વાસ છે, તે દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી છે. આપણે અન્યાય અને અત્યાચાર સહન કરીશું નહીં, બસ આ જ ભાવના આપણા હ્રદયમાં હોવી જોઈએ અને આ જ સૌથી મોટી શક્તિ છે. મનુષ્ય નીડર હોય તો, પછી તેને કઈ શક્તિ નમાવી શકે?

એક દિવસ ચંદ્રગુપ્ત અને તેના સાથીદારો બેસીને વાતચીત કરી રહ્યા હતા. કંઈક આઠ-દસ તરુણો એક વૃદ્ધને ઘેરી વળ્યા હતા. તેમના સ્નાયુબદ્ધ શરીર અને મોટી છાતી જોઈને અંદાજો લગાવી શકાતો હતો કે તેઓ નિયમિત વ્યાયામ કરતા હતા. રાજા નંદના વિલાસ અને અત્યાચારોના પરિણામ હજી સુધી પ્રજાના આહાર-વિહાર પર પડયા ન હતા. તેમનો નૈતિક આદર્શ હજી પણ ઉંચો હતો. દુર્બળતા એક પાપ સમજવામાં આવતી હતી. તેના કારણે દરેક વ્યક્તિ શક્તિશાળી બનવા માટે જીવ રેડીને કોશિશ કરતો હતો. ખાવા-પીવાની કોઈપણ રીતે કમી ન હતી અને કોઈ તેમાં લોભ પણ કરતું ન હતું.

આ બધાં તરુણો વચ્ચે બઠેલા વૃદ્ધ તેમને જૂનાં રાજાઓના સમયની પરિસ્થિતિ જણાવતા હતા. તેમણે તેમને રઘુના દિગ્વિજયની વાત જણાવી અને પછી રામ દ્વારા રાક્ષસોના વધ તથા રાવણ વિરુદ્ધ યુદ્ધનું રહસ્ય જણાવ્યું હતું.

તરુણોમાંના એકે પુછયું કે તો શું દાદા તમે સમજો છો કે જો રાવણ સીતાહરણ ન કરત, તો પણ રામ રાવણ સાથે યુદ્ધ કરત?

વૃદ્ધે તરુણને ઉત્તર આપતા જણાવ્યું કે જરૂરથી કરત બેટા! તેમનો ઉદેશ્ય ભારતની સભ્યતા અને ધર્મને મિટાવીને નષ્ટ કરવા ઈચ્છતા તમામ રાક્ષસોને સમૂળ ઉખાડી ફેંકવાનો હતો. જો રાવણ સીતાને પાછી આપી દેત,તો યુદ્ધ માટે અન્ય કોઈ કારણ શોધવું પડત. તેમને તો ચક્રવર્તી સામ્રાજ્ય સ્થાપિત કરવું હતું. તેના વગર દેશ કેવી રીતે સુખ અને શાંતિથી રહી શકત.

તરુણે કહ્યું કે આજે તો કોઈ ચક્રવર્તી સમ્રાટ નથી, દાદા!

‘નહીં બેટા! આજે તો કોઈ ચક્રવર્તી સમ્રાટ નથી, માટે તો સાંભળ્યું છે કે એલેકઝાન્ડરે ભારત પર ચઢાઈ કરવાનું વિચાર્યુ છે. આજ સુધી ભારત પર આક્રમણ કરવાનું તો દૂર, કોઈ મનમાં આ વાતનો વિચાર લાવી શકતું ન હતું.’ આમ કહેતા કહેતા વૃદ્ધનું ગળું રુંધાયું અને તેની આંખોમાંથી પણ આંસુ ટપકવા લાગ્યા.

‘દાદા! આજે ભારતમાં ઘણાં નાના-મોટા રાજાઓ છે, શું તેઓ પરસ્પર મળીને એલેકઝન્ડર સાથે લડી શકે નહીં?’ વિજયગુપ્તે કહ્યું.

‘કેમ, મળશે કેમ નહીં?’ વિનયમિત્ર બોલ્યો ‘દુશ્મન સામે સાથે મળીને સૌએ લડવું જોઈએ.’

‘અરે વિનયમિત્ર! શત્રુ તેમની સાથે એકસાથે ક્યાં લડવાનો છે. તે તો એક-એકની સાથે લડશે. અને અહીંના રાજા લોકો ક્યાં સમજે છે કે પડોશીના રાજ્ય પર હુમલો છે, તો તેઓ પણ ત્યાં જઈને શત્રુઓનો સામનો કરે. જે દુષ્ટ પ્રકૃતિના છે, તે તો પડોશી પર આફત જોઈને ખુશ થશે અને જે જરા સજ્જન છે, તે પોતાના રાજ્યને બચાવવાની ચિંતા કરશે, પરંતુ બીજાની જઈને મદદ નહીં કરે.’ ચંદ્રગુપ્તે કહ્યું.

‘એક અન્ય કઠિનાઈ છે, ચંદ્રગુપ્ત,’ વૃદ્ધ બોલ્યા, ‘આ નાના રાજાઓ એકબીજાના બરાબર, જો તેઓ મળે તો નેતા કોને બનાવે? તેમના એટલી સમજ ક્યાં છે કે આવા સમયે નાના-મોટાનો ખ્યાલ કરી શકાય નહીં. આજે મગધનું રાજ્ય જ ભારતમાં સૌથી મોટું છે. જો તેઓ ચાહે તો તમામ રાજા તેમના માંડલિક બની જાય અને પછી ભારતમાં એકછત્ર રાજ્ય થઈ જશે. આવું રાજ્ય જ એલેકઝાન્ડર જેવાં શત્રુનો સામનો કરી શકે, અન્ય કોઈ નહીં.’

‘તો પછી ભારતની સુરક્ષાની જવાબદારી મગધની છે.’ વિશ્વગુપ્ત બોલ્યા.

‘હા, મગધની જ છે,’ વૃદ્ધે દ્રઢતાથી કહ્યું. ‘પરંતુ આપણા મહારાજને આટલી ફૂરસત ક્યાં છે?’ વૃદ્ધે એક ક્ષણ બાદ ઠંડો શ્વાસ લેતા કહ્યું.

‘ત્યારે તો આપણે યૂનાનીઓના ગુલામ થઈ જઈશું,’ વસુમિત્રે વ્યગ્રતાથી કહ્યું. આ સાંભળીને જ બધાંના ચહેરા ફીકા પડી ગયા, હ્રદય ધડકવા લાગ્યા અને બધાંના મોઢામાંથી નીકળી પડયું કે ગુલામ!...યૂનાનીઓના ગુલામ!

‘અને એટલા માટે કે મગધના સિંહાસન પર એક અકર્મણ્ય અને વિલાસી રાજા બેઠો છે!’ વૃદ્ધે ભારપૂર્વક જણાવ્યું.

ચંદ્રગુપ્તનો હાથ એકદમ તલવારની મૂઠ પર ગયો, માનો સામે જ યૂનાની તેઓને ગુલામ બનાવવા આવી રહ્યાં હોય અને તે તેમની સાથે લડવા માટે ઉતાવળો હોય. તેની ભમરો ખેંચાઈ ગઈ.

‘ભારતવર્ષ ગુલામ! નહીં ક્યારેય નહીં.’ તેણે રોષપૂર્વક દ્રઢતાથી કહ્યું.

‘ક્યારેય નહીં ,’ એક સાથે આઠ અવાજો ગુંજી ઉઠી.

‘ક્યારેય નહીં! પણ કેવી રીતે?’ વૃદ્ધે સ્મિત સાથે પુછયુ. એક ક્ષણ માટે બધાં ચુપ થઈ ગયા. માનો ઉંડા વિચારમાં પડી ગયા હોય. ભારતના સ્વાતંત્ર્યના મહાન ઉત્તરદાયિત્વના પહાડ સમો બોઝ! અને ધનનંદના નિર્બળ ખભા!! તેમણે જોયું કે તેઓ આ ભારને સંભાળી શકતા નથી.

‘અમે મગધના રાજાને જ બદલી નાખીશું,’ અરિમર્દને એક એવા વિજયગર્વિત સ્વરમાં કહ્યું માનો તેણે સમસ્યાનો હલ જ કરી દીધો હોય. બધાંએ અરિમર્દન તરફ જોયું. પછી એક વખત ચારે તરફ જોયું. બધાંની નજર ચંદ્રગુપ્ત પર સ્થિર થઈ.

‘ભાઈ ચંદ્રગુપ્ત અમારા મહારાજ થશો’, બધાં એકદમ બૂમ પાડી ઉઠયા. અને બીજી જ ક્ષણે તે સ્થાન ‘મહારાજ ચંદ્રગુપ્તની જય.’ ‘મગધેશ ચંદ્રગુપ્તની જય!’ના ઘોષથી ગાજી ઉઠયું. તે નાનકડા દળે એક જ ક્ષણમાં સૈનિક ચંદ્રગુપ્તને મહારાજ ચંદ્રગુપ્ત બનાવી દીધો. પરંતુ તેઓ એ જાણતા ન હતા કે ચંદ્રગુપ્તને મહારાજા બનાવવો એટલું સરળ નથી. એકાએક અમાત્ય રાક્ષસ પોતાના ચાર સૈનિકો સાથે જ્યારે ત્યાં આવી પહોંચ્યો, ત્યારે તેમને માલૂમ પડયું કે જયઘોષ દ્વારા પોતાના નિશ્ચયની દાંડી પીટવી તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી.

‘આ મગધેશ ચંદ્રગુપ્ત કોણ છે, સૈનિકો?’ અમાત્ય રાક્ષસે અધિકાર અને રોષ ભરેલા સ્વરમાં પુછયું. ‘મહારાજ ચંદ્રગુપ્ત’ ધૃણાના સ્વરમાં તેણે બીજી જ ક્ષણે કહ્યું.

બધાં સૈનિકો એકદમ કાપે તો લોહી ન નીકળે તેવા થઈ ગયા. તેઓ શું જવાબ આપે, તેમની સમજમાં આવી રહ્યું ન હતું. કદાચ સ્વયં મહારાજ નંદ તે સમયે આવત, તો તેઓ તેમનો સામનો કરત, તેમને આનંદ થાત કે તેમના નિશ્ચયની પૂર્તિ જલ્દીથી થઈ શકી. આજે જ, અત્યારે હકીકતમાં ચંદ્રગુપ્ત મહારાજ થાત. પરંતુ અહીં તો હતા, અમાત્ય રાક્ષસ. તેમને તેઓ શું કહે? તેમને કહેવાની ન તો હિંમત હતી અને ન તો બુદ્ધિ સલાહ આપતી હતી કે તેમનો વાળ પણ વાંકો કરવામાં આવે, કારણ કે યૂનાનિયોને હરાવવા માટે જ્યાં ચંદ્રગુપ્ત જેવાં વીર અને શૂર રાજાની જરૂરત હતી, ત્યારે રાક્ષસ અમાત્ય જેવાં રાજ્યકાર્ય કુશળ, લોકપ્રિય અને નીતિના જાણકાર મંત્રીની પણ આવશ્યકતા હતી. એક વગર બીજો અપૂર્ણ હતો.

‘અમાત્યવર! યૂનાની ભારત પર આક્રમણ કરી રહ્યાં છે’, અરિમર્દને હિંમત કરીને કહ્યું.

‘મને ખબર છે, સૈનિક!’ રાક્ષસે એકદમ, રોષભર્યા શબ્દોમાં કહ્યું, ‘પરંતુ તેનાથી તો સૈનિક ચંદ્રગુપ્ત મહારાજ ચંદ્રગુપ્ત થઈ શકે નહીં.’

આ દશ સૈનિકોને બંદી બનાવી લેવાયા. તેમના પર રાજવિદ્રોહનો અભિયોગ ચલાવાયો. રાજા ધનનંદ ચંદ્રગુપ્ત દ્વારા રાજવિદ્રોહ કરવાની વાત સાંભળીને ખૂબ ક્રોધિત થયો. તેણે આદેશ કર્યો કે ચંદ્રગુપ્તને ફાંસી આપવામાં આવે. ચંદ્રગુપ્તને મોતનો ડર ન હતો. તે વીર હતો, તે જાણતો હતો કે દેશ માટે મરવાનું સૌભાગ્ય થોડાકને જ મળે છે. તે કોઈ પોતાના માટે સમ્રાટ બનવાનું થોડો ઈચ્છતો હતો. તે તો ભારતને યૂનાનીઓથી બચાવવા માટે અને ભારતમાં ફરીથી શાંતિ સ્થાપવા માટે આ કાંટાના મુગટને ગ્રહણ કરી રહ્યો હતો, પરંતુ તેને એ વાતનું દુ:ખ અવશ્ય હતું કે તે આ અન્યાયી રાજાના હાથે માર્યો જશે અને દેશની રક્ષા કરી શકશે નહીં. જો તે યુદ્ધમાં લડતાં લડતાં માર્યો જાત, તો તે વીરગતિ પ્રાપ્ત કરત.

પરંતુ ચંદ્રગુપ્તને આ પ્રકારે મરવું ન હતું. જનતા નંદથી ખુશ ન હતી, જનતા નંદના અત્યાચારોથી પીડિત હતી. જે પોતે વીર છે, સ્વદેશપ્રેમી છે, તેઓ આવા આળસુ અને વિષયી રાજાને ક્યારે પસંદ કરે? દરેક ચાહતા તો એવું હતા કે નંદ રાજા ન રહે, પરંતુ તે વિચારતા કે માત્ર તે એકલાજ તો આવું ચાહે છે અને તેઓ એકલા કરી પણ શું શકે છે? આ પ્રકારે તે બધાંમાં એકાંકીપણાની ભાવના વ્યાપ્ત હતી, બધાં લોકો ચંદ્રગુપ્તને પોતાના રક્ષક અને નેતા માનવા લાગ્યા, પરંતુ તે પણ મનમાં જ. ચંદ્રગુપ્તે હજી સુધી આવી કોઈ યોજના તો બનાવી ન હતી કે બધાનો તેની સાથે સંબંધ આવે. બધાં જ એક જેવી ભાવના રાખનારા લોકો એકત્રિત થઈને પોતાના સામૂહિક બળનો અનુભવ કરે તથા તે એક નેતૃત્વમાં રહીને કાર્ય કરે. માટે નંદની વિરુદ્ધ જનમત ગમે તેટલો કેમ ન હોય, પરંતુ ચંદ્રગુપ્ત આ પ્રકારના અસંગઠિત સમૂહના ભરોસે રાજા બની શકે તેમ ન હતો. પરંતુ હા, તેને એટલો લાભ અવશ્ય થયો કે કારાગૃહની દિવાલો તેને લાંબો સમય સુધી રોકી શકી નહીં. રાત્રિના ઘનઘોર અંધકારમાં એક દિવસ તે ભાગી નીકળ્યો. ઉંઘી રહેલો નંદ સ્વપ્નમાં બરાડી ઉઠયો અને બીજી તરફ તેની પહોંચથી પર ચંદ્રગુપ્તના રૂપમાં તેનું મૃત્યુ અટ્ટહાસ્ય કરી રહ્યું હતું.

પ્રકરણ-3
ચાણક્યની ચિંતા


આજે આપણે કાશી, પ્રયાગ વગેરે જેવી મોટી મોટી યુનિવર્સિટીઓના નામ સાંભળીએ છીએ. તેવી રીતે પ્રાચીન સમયમાં તક્ષશિલામાં એક વિશ્વવિદ્યાલય હતું. તક્ષશિલા પંજાબમાં છે. આ વિશ્વવિદ્યાલય ઘણી મોટી હતી. આજની યુનિવર્સિટીથી ઘણી મોટી. તેમાં દશ હજારથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.

અમાત્ય રાક્ષસે અહીં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેઓ જ્યારે અહીં અભ્યાસ કરતાં હતા, ત્યારે તેમની સાથે એક બ્રાહ્મણ બાળક પણ ભણતો હતો. તેનું નામ વિષ્ણુ ગુપ્ત હતું. વિષ્ણુગુપ્ત અત્યંત મેઘાવી અને પ્રખર બુદ્ધિ ધરાવતા હતા. પરંતુ વિધાતાએ જ્યાં તેને મેઘાશક્તિ ખુલ્લા હાથે આપી હતી, ત્યાં શરીર સૌન્દર્ય આપવામાં પોતાના હાથ ખેંચી લીધા હતા. તેનો રંગ કાળો હતો, માનો હ્રદય અને મસ્તિષ્કમાં સ્થાન મેળવી ન શકવાને કાણે અજ્ઞાનાન્ધકાર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સૌન્દર્યહીન વિષ્ણુગુપ્ત અને રાક્ષસમાં ઘણી ઘનિષ્ઠતા હતા, કદાચ એટલા માટે કે બંનેની રાજનીતિ અને સમાજસાસ્ત્રમાં વિશેષ રુચિ હતી. રાષ્ટ્રશક્તિની કારણ મિમાંસા સંદર્ભે તેમની વચ્ચે ઘણી ચર્ચા થતી હતી. આ વિષ્ણુગુપ્ત બાદમાં ચાણક્ય કૌટિલ્યના નામથી પ્રસિદ્ધ થયા.

શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ રાક્ષસ મગધ જેવા મોટા રાજ્યના અમાત્ય બન્યા. પરંતુ ચાણક્ય આ ઝગડાઓથી દૂર ઝૂંપડી બનાવીને રહેતા હતા અને પોતાનો સમગ્ર સમય જ્ઞાનાર્જનમાં લગાવીને જે વિદ્યાર્થીઓ તેમની પાસે અભ્યાસ કરવા માટે આવતા તેમને ભણાવતા હતા.

એક દિવસ એક શિષ્યે આવીને જણાવ્યું કે ‘આર્ય, યવનોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે.’

આર્ય ચાણક્યના માથા પર સંકુચનને કારણે રેખાઓ પડી ગઈ, વિસ્ફારીત આંખોથી તેમણે શિષ્ય તરફ જોયું અને ધીરેધીરે ‘યવનોએ ભારતમાં પ્રવેશ કરી લીધો છે’ વાક્યનો પુનરોચ્ચાર કર્યો, સાથે જ તેઓ કોઈ ઉંડા વિચારમાં પડી ગયા.

‘શું ભારતનો પ્રવેશ દ્વાર કોઈએ રોક્યો નહીં?’ તેમણે પુછયું.

‘સીમાન્ત પર અશ્વક જીવથી લડયા ગુરુદેવ! પરંતુ તેમનો કિલ્લો એલેકઝાન્ડરે ખરાબ રીતે ઘેરી લીધો હતો. બીજી તરફ તક્ષશિલાના ગામેગામમાં અત્યાચાર કરવાનો પ્રારંભ કરી દીધો છે. ઘણાં ગામડાં સળગાવી દેવાયા છે. જે કોઈ જરાક પણ માથુ ઉંચકે છે, તેમનો વધ કરી દેવામાં આવે છે. ગામડાં લૂંટવામાં આવી રહ્યાં છે. બળજબરીપૂર્વક લોકો પાસેથી ધન અને સેવા લેવામાં આવી રહી છે. યવનો નાના-નાના વાછરડાંઓની બલિ આપીને ઉત્સવ મનાવી રહ્યાં છે. ગોવંશનો હ્રાસ થઈ રહ્યો છે. આર્ય, આવા અત્યાચારો તો આજ સુધી ક્યારેય સાંભળ્યા નથી.’ શીલભદ્રે જરા ઉત્તેજિત થઈને કહ્યું.

આર્ય ચાણક્ય મૌન હતા. કેટલોક સમય તેઓ આવી રીતે બેઠાં રહ્યા. તેમની મુખમુદ્રા અને ભાવભંગિમાથી એ માલૂમ પડતું હતું કે તેમના મસ્તિષ્કમાં કોઈ વિચાર ઘણો ઝડપથી ચાલી રહ્યો છે. આખરમાં તેઓ બોલ્યા ‘વત્સ, શીલભદ્ર, મહારાજ પર્વતક દ્વારા એલેકન્ઝાન્ડરને હરાવવો સારું રહ્યું. યવનરાજ એલેકન્ઝાન્ડરને ખબર પડી ગઈ હશે કે હિંદુઓથી લડવું કેટલું મુશ્કેલ છે. આનાથી તેમની સેનાની અજેય હોવાની ધારણાં તો નિર્મૂળ થઈ ગઈ. તેમનો આત્મવિશ્વાસ તો જરૂરથી હચમચી ગયો હશે. પરંતુ આને બિલકુલ ઉખાડીને ફેંકવો છે. આ કામ તારે કરવાનું છે. તું પર્વતકની સેનામાં પ્રવેશ કર. તેના સૈનિકો દ્વારા એલેકઝાન્ડરની સેનામાં એ પ્રચાર કર કે મગધની સેના અત્યંત વિશાળ અને શક્તિશાળી છે. દુનિયામાં કોઈ તેનો સામનો કરી શકે તેમ નથી, અને ત્યાંના હાથીઓ પર્વતકના હાથીઓ ચારગણાં વધારે છે. તેમની સંખ્યા એટલી વધારે છે કે તેમના માટે એક અલગ નગર વસાવવામાં આવ્યું છે. ત્યાંના મંત્રી રાક્ષશની એક અલગ પ્રકારની સેના છે, જેમાં રાક્ષસ જ રાક્ષસ છે, તેઓ માણસોને જીવતા જ ખાઈ જાય છે. પાણી તો એટલું વરસે છે કે મહીનાઓ સુધી બંધ થતું નથી. મગધ સુધી પહોંચવામાં હજી 180 નદીઓ પાર કરવી પડશે, તેમાંથી ઘણી તો એવી છે કે તેમાં ડૂબવામાં વાર લાગતી નથી, વગેરે વગેરે. તેનાથી તેમની સેનામાં ભયનો સંચાર થશે.’

‘આ અસત્ય વાત હું કેવી રીતે કરીશ, આર્ય?’

‘આ સમય સત્ય અસત્યનો વિચાર કરવાનો નથી, વત્સ! આપણા રાષ્ટ્રનું કલ્યાણ અને તેની સ્વતંત્રતા જ સૌથી મોટું સત્ય છે. આજે તો આ જૂઠ્ઠા સત્યને લઈને અકર્મણ્ય બની બેસી જઈશ, કાલે આખા દેશ પર વિદેશી યવન મલેચ્છોનું રાજ્ય થઈ જશે. તેમના અત્યાચાર અને તેમનો ગોવધ, શું આ સત્ય હશે? જા આ જ સત્ય છે અને તેને કર. ત્યાં સુધી હું મગધ જવું છું અને એલેકઝાન્ડરના સ્વાગતની તૈયારી કરાવું છું. એવું સ્વાગત થશે, જેવું ક્યાંય નહીં થયું હોય.’

‘આર્ય! મગધથી એક સૈનિક આવ્યો છે. તે પણ લોકોને સમજાવતો રહે છે કે તેમણે યવનોનો વિરોધ કરવો જોઈએ અને તેમને એકદમ ભારતમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ. પર્વતકને તે ઘણું ખરું-ખોટું કહી રહ્યો છે. કહેતો હતો કે તે યવાનોના ચુંગલમાં ફસાય ગયો છે, તેમને ભારતના સમ્રાટ બનવું હતું, તો સ્વયં પોતાની શક્તિથી બનત. યવનોની મદદ કરીને તેમના દ્વારા ભારતને પરાધીન કરવું એક હિંદુને શોભા આપતું નથી.’

આર્ય ચાણક્યની આંખોમાં એકદમ ઉત્સુકતાની ચમક આવી ગઈ. ‘વત્સ! એક વખત તેને મારી સાથે મેળવી આપ. જરૂરથી તે આપણા માટે ઉપયોગી થશે.’ ચાણક્યએ કહ્યું.

‘આર્ય! અત્યારે જવું છું, તે અહીં જ લોકો સાથે વાતચીત કરી રહ્યો હશે. તેનામાં કંઈક એવો જાદૂ છે કે જેની સાથે એકવાર વાત કરે છે, તેને પોતાની તરફ ખેંચી લે છે.’

‘નિ:સ્વાર્થ દેશપ્રેમ જ તે જાદૂ છે, શીલભદ્ર! અચ્છા લાવ તો જાદૂગરને, જોવું તો કેવો જાદૂ છે, તેનો.’

પ્રકરણ-4
ગુરુ-શિષ્યની પ્રથમ મુલાકાત


ગુરુને પ્રણામ કરીને શીલભદ્ર ચાલ્યો ગયો. આર્ય ચાણક્યના મનમાં આજે વિચારોનું તોફાન મચ્યુ હતુ. ભારતમાં એક વિદેશી રાજાના પ્રવેશ અને તે પણ અહીંના રાજાથી હાર્યા બાદ! તેમને મનમાંને મનમાં રાજા પર્વતકની મૂર્ખતા પર ક્ષોભ અને ક્રોધ થઈ રહ્યો હતો. શત્રુને તો જડમૂળથી ઉખાડી ફેંકવો જોઈએ, તેમ નીતિ કહે છે. તેનું ઘરમાં ઘુસવું, પછી ચાહે તે પોતાને કેટલો પણ હિતકારક કેમ સાબિત ન કરે પણ તે હાનિકારક જ છે. ખેર, હવે પાછલી ભૂલ પર રોવાથી શું લાભ, તેમણે મનમાં કહ્યું, ‘હા, આગળની વ્યવસ્થા કરવી જોઈએ.’ તેમણે નિશ્ચય કર્યો કે મગધ જઈને જનમત અને સેનાને એલેકઝાન્ડર વિરુદ્ધ કરશે જ. પરંતુ તેના જીતેલા ક્ષેત્રોમાં પણ વિદ્રોહનો અગ્નિ ભડકાવીને તેને બંને તરફથી ઘેરીની પીસી નાખશે. આ પ્રકારની ઘણી યોજનાઓ તેમના મસ્તિષ્કમાં ઘૂમી રહી હતી.

લગભગ બપોર થવા પર શીલભદ્રે ચંદ્રગુપ્ત સાથે કૂટિરમાં પ્રવેશ કર્યો. તેણે જોયુ કે ગુરુ ચાણક્યને જે સ્થિતિમાં છોડી ગયો હતો, તેવી જ રીતે તે બેઠા હતા તથા કોઈ ગહન વિચારમાં મગ્ન છે. શીલભદ્ર અને ચંદ્રગુપ્ત બંનેએ પ્રણામ કર્યા અને બેસી ગયા. ચંદ્રગુપ્ત મનમાં જ વિચારવા લાગ્યો કે આ કાળા-કલૂટા બ્રાહ્મણે તેને શા માટે બોલાવ્યો છે. ક્યાંક રાક્ષસે તેને તેની ખબર લાવવા અને પકડી લાવવા તો મોકલ્યો નથી ને અથવા કોઈ યવન ગુપ્તચર તો નથી ને, આ વિચાર તેના મનમાં આવતા જ તેણે પોતાની તલવાર તરફ જોયું અને નિશ્ચિંત બનીને બેસી ગયો. કેટલો વધારે હતો તેનો આત્મવિશ્વાસ!

આર્ય ચાણક્યે ઘણી ગંભીર વાણીમાં કહ્યું, ‘સૈનિક? આજે એલેકઝાન્ડર મગધ જીતવાની લાલસાથી તેના પર આક્રમણ કરી રહ્યો છે અને તું મગધ છોડીને અહીં ઘૂમી રહ્યો છે. શું તને તારા કર્તવ્યનું ભાન નથી? શું તું એ સમજતો નથી કે મગધના હારવાથી સમગ્ર ભારત પરતંત્ર થઈ જશે?’

‘મને મારા કર્તવ્યનું ભાન છે અને મે ભારતની સ્વતંત્રતા-પરતંત્રતાના પ્રશ્ન પર પણ વિચાર કર્યો છે, વિપ્રવર.’ ચંદ્રગુપ્તે તે પ્રકારની જ ગંભીરતાથી જવાબ આપ્યો.

‘તો પછી અહીં કેમ આવ્યો છું? જો દરેક સૈનિક પોતાની ઈચ્છાથી આમથી તેમ ફરતો રહેશે, તો શું મગધની સુરક્ષા થઈ શકશે?’

‘કેમ નહીં થાય. મગધ કોઈ ફારસ કે મિસર થોડું છે કે જે આ ગર્વથી ફૂલાયેલા સ્વયંને વિશ્વવિજેતા કહેનારા એલેકઝાન્ડરની એક જ ચોટથી નષ્ટ થઈ જશે.’ ચંદ્રગુપ્તે ખૂબ સમજી વિચારીને કહ્યું. ચંદ્રગુપ્તે વિચાર્યુ કે જો આ બ્રાહ્મણ સમક્ષ મગધની દુર્બલતાનું વર્ણન કર્યુ અને જો તે ક્યાંક યવન સેનાનો ગુપ્તચર હશે તો એલેકઝાન્ડરનો ઉત્સાહ વધી જશે. ચંદ્રગુપ્તને ધનાનંદે ફાંસીની સજા આપી હતી, પરંતુ તેમ છતાં તે ઈચ્છતો હતો કે યવનેશ એલેકઝાન્ડર મગધ પર આક્રમણ કરે. કેટલો ઉત્કૃષ્ટ અને સુલજેલો તેનો દેશપ્રેમ, અને આ દેશપ્રેમ છે કોઈપણ વ્યક્તિની બહુમૂલ્ય નિધિ.

આર્ય ચાણક્ય ચંદ્રગુપ્ત સાથે વાતચીત કરતાં કરતાં ચંદ્રગુપ્તને વેધક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. તેનો દેશપ્રેમ તેમનાથી છુપાઈ શક્યો નહીં. માટે જ તેણે આજુબાજુની વાતચીત કર્યા વગર જ તેની સામે પોતાનું હ્રદય ખોલી નાખવાનું યોગ્ય સમજ્યું. તેઓ બોલ્યા ‘સૈનિક! એલેકઝાન્ડર વિરુદ્ધ મગધની સેના સારી રીતે લડી શકે, એટલું જ નહીં, તેને તેઓ મગધ પહોંચતા પહેલા જ રોકી દે તથા ખદેડીને દેશ બહાર હાંકી કાઢે. તેના માટે હું મગધ જઈશ. શું તું મારી કંઈ મદદ કરી શકે?’

આ સાંભળીને ચંદ્રગુપ્તને પણ આર્ય ચાણક્યની સચ્ચાઈ પર ભરોસો થઈ ગયો, કારણ કે શબ્દોથી વધારે આર્ય ચાણક્યના અવાજથી ખબર પડતી હતી કે તેઓ યવનોને ભારત બહાર હાંકી કાઢવા માટે કેટલા નિશ્ચયી છે. ચંદ્રગુપ્તે તેમને પોતાનો પરિચય આપ્યો તથા મહારાજ ધનાનંદના સમગ્ર અત્યાચારોનું સંપૂર્ણ વર્ણન કર્યું, તે શા માટે ભાગીને આવ્યો છે તે પણ જણાવ્યું.

આ સાંભળીને આર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને ખૂબ ધ્યાનથી જોયો અને પછી તેમણે એવી રીતે માથુ હલાવ્યું કે જાણે કે તેમણે કોઈ દ્રઢનિશ્ચય કર્યો હોય. તેમણે જોયું કે ચંદ્રગુપ્ત ખરેખર મગધ સમ્રાટ થવા માટે યોગ્ય છે. પરંતુ તેમ છતાં પણ મગધના સમ્રાટ પદથી વધારે મહત્વનું કાર્ય હતું, યવનોને દેશમાંથી હાંકી કાઢવાનું. ચંદ્રગુપ્તે તેમને જણાવ્યું હતું કે મગધનો રાજા તો એટલો વિલાસી છે કે તે આ વાતની કોઈ ચિંતા કરશે નહીં. ‘પરંતુ તેનો મંત્રી રાક્ષસ તો છે. તે જેમ અન્ય કામો જોવે છે, તેમ આ કાર્ય પણ કરશે’, આર્ય ચાણક્યે કહ્યું.

‘હા આર્ય! અમાત્ય રાક્ષસ તો છે, પરંતુ તેઓ એટલા સ્વામીભક્ત છે કે નંદની આજ્ઞા વગર કંઈ જ કરશે નહીં અને નંદ આજ્ઞા આપશે નહીં’, ચંદ્રગુપ્તે જણાવ્યું.

‘તેમ છતાં પણ જવું તો જોઈએ. રાક્ષસ મારો સહઅધ્યાયી છે. દેશભક્ત પણ છે. જરૂરથી તે મારુ કહેલું માનશે.’ આમ કહીને આર્ય ચાણક્યે એ નિશ્ચય કર્યો કે ચંદ્રગુપ્ત અહીં રહીને એલેકઝાન્ડરના માર્ગમાં જેટલી બની શકે અડચણો ઉભી કરે, તેઓ મગધ જઈને ત્યાંની મદદ મેળવીને યમુનાથી આગળ તો એલેકઝાન્ડરને કોઈ પ્રકારે વધવા ન દે તથા ઝડપથી દેશમાંથી હાંકી કાઢે.

પ્રકરણ-5
આર્ય ચાણક્ય મગધમાં


તે ક્ષણે જ આર્ય ચાણક્ય કુસુમપુરના માર્ગ પર દેખાયા. તેઓ સતત આગળ વધી રહ્યા હતા. માર્ગનો વરસાદ અને તડકો તેમને રોકી શક્યો ન હતો. તેમને તો બસ એક જ ધૂન હતી કે તેઓ મગધ ક્યારે પહોંચે. જો ક્યાંક એક પગલું પણ રોકાઈ જતું તો માલૂમ પડતું કે બસ હવે યવન આગળ વધી ગયા છે. એક-એક ક્ષણ જે વિદેશી અને અત્યાચારી યવનો આ દેશમાં વિતાવી રહ્યા હતા, તે તેમને એક-એક યુગ જેટલી માલૂમ પડતી હતી અને પછી તેની પીડા તો તેમને અસહ્ય હતી. પોતાના ધ્યેય પ્રત્યે જરૂર છે એટલી લગન અને તન્મયતાની. થાકવા છતાં તેઓ પોતાના કદમ આગળ વધારી રહ્યાં હતા. બસ તેમના કદમ રોકાયા મગધના રાજ્ય કાર્યાલયના દ્વાર પર પહોંચીને જ.

અમાત્ય રાક્ષસને તક્ષશિલાના આ બ્રાહ્મણના આગમનની માહિતી આપવામાં આવી. અમાત્યે તેમને એકદમ અંદર બોલાવ્યા, જોતજોતાં બંનેનો પાછલો પ્રેમ ઉમટી પડયો. રાક્ષસે દોડીને ચાણક્યને પોતાના બાહુપાશમાં જકડી લીધા. બંને ખૂબ પ્રેમથી મળ્યા. પરંતુ ચાણક્ય તો પોતાની વાત કહેવા માટે અધિરા થઈ રહ્યાં હતા. ‘કંઈક દેશની ખબર છે, અમાત્ય રાક્ષસ?’ ચાણક્યે પુછયું.

રાક્ષસ પ્રશ્નને સમજી ગયા. બોલ્યા ‘હા, એલેકઝાન્ડરે ભારતમાં પ્રવેશ કરી લીધો છે. પર્વતકથી હારીને પણ તેની મદદથી પંચનંદના રાજાઓને હરાવી રહ્યો છે.’

‘તે મગધ પર તો આક્રમણ કરશે અમાત્ય શ્રેષ્ઠ!’

‘તેના માટે મગધની સેના તૈયાર છે. મગધની પ્રાણ આપીને પણ રક્ષા કરવામાં આવશે.’

‘પરંતુ ક્યારે? જ્યારે તે કુસુમપુરને આવીને ઘેરી લેશે? આજે પંચનંદના નાના રાજ્યોની રક્ષા પણ મગધની જ રક્ષા છે, અને પછી દેશમાંથી પણ યવનોને બહાર કાઢવાનું કાર્ય પણ મગધનું જ છે.’

‘તેના માટે તો મહારાજની સલાહ લેવી પડશે, વિષ્ણુ!’

અંતમાં એ નક્કી થયું કે બીજા દિવસે મહારાજની સલાહ લેવામાં આવે. ચાણક્યનું પણ અમાત્ય રાક્ષસ સાથે જવાનું નક્કી થયું. ચાણક્ય તો ચાહતા જ હતા કે આજે જ તથા અત્યારે મહારાજ પાસે જવાય, પરંતુ રાક્ષસે જણાવ્યું કે આવતીકાલ પહેલા મહારાજ સાથે મુલાકાત થઈ શકે તેમ જ નથી. આ સાંભળીને ચાણક્યને ચંદ્રગુપ્તની વાત યાદ આવી ગઈ. તેમના માથા પર રેખાઓ ખેંચાઈ. વિચારવા લાગ્યા કે જે રાજા સાથે તેનો મંત્રી પણ આટલા મહત્વના કાર્ય માટે મળી શકતો નથી, તે રાજા ભારતના આ મહાન રાજ્યને કદાપિ યોગ્ય નથી.

પ્રકરણ-6
સંઘર્ષનો સંકલ્પ


બીજા દિવસે સવારે જ અમાત્ય રાક્ષસ તથા ચાણક્ય રાજમહેલના દ્વારે પહોંચી ગયા. મહારાજને સૂચના મોકલવામાં આવી. થોડા વિલંબ બાદ જવાબ આવ્યો કે બોલાવી લાવો. બંને અંદર ગયા. મહારાજ તે સમયે પોતાના પ્રમોદ ઉદ્યાનમાં હિંચકે ઝુલી રહ્યા હતા. નર્તકીઓના ઝુંડના ઝુંડ તેમને ઘેરીને ઉભા હતા. મદિરા પાત્ર પાસે જ પડયું હતું. અમાત્યને જોઈને જ મહારાજ કહેવા લાગ્યા, ‘અમાત્ય, તમે અમને કારણ વગરનું કષ્ટ આપો છો. તમે જ શા માટે બધું કામ કરી લેતા નથી? એવું ક્યું મોટું કામ આવી પડયું? શું હોલિકાત્સવની અત્યારથી વ્યવસ્થા કરવાની છે? ઓહ! અરે (ચાણક્ય તરફ જરા તિરસ્કારપૂર્ણ દ્રષ્ટિથી જોયું) આ બ્રાહ્મણ કોણ છે? સાક્ષાત કાળ લાગે છે.’

આર્ય ચાણક્ય આ અપમાનપૂર્ણ વાક્યને સાંભળીને ક્રોધથી એકદમ લાલ થઈ ગયા. તેમની આંખોમાં લોહીના ટસિયા ફૂટવા લાગ્યા, પરંતુ અત્યંત સાવધાનીથી તેમણે પ્રયત્નપૂર્વક પોતાના ક્રોધને દબાવીને શાંતમુદ્રા જાળવી રાખી. તેઓ જાણતા હતા કે આ વખતે યવનોને ભારતમાંથી ખદેડવા માટે મગધની મદદ જોઈએ અને તેના માટે રાજાજ્ઞા મેળવવી જરૂરી છે. આ એક રાષ્ટ્ર કાર્ય છે. રાષ્ટ્રકાર્યમાં આ પ્રકારના માન-અપમાનની ચિંતા કરી શકાય નહીં. તેમના સ્વાભિમાનને ઠેસ અવશ્ય લાગી હતી. પરંતુ તેનાથી પણ મોટો પ્રશ્ન હતો રાષ્ટ્રના સ્વાભિમાનનો.

‘મહારાજ! આ મારા એક સહપાઠી છે, તક્ષશિલાથી આવ્યા છે. એલેકઝાન્ડરે પર્વતકની મદદથી પંચનંદના રાજાઓ સાથે યુદ્ધનો આરંભ કરી દીધો છે અને તે મગધ આવવાનો છે.’

‘મગધની સેના તો તૈયાર છે, અમાત્ય! નવી સેનાની ભરતી શરૂ કરી દો અને જોવો અમારા માટે કુસુમપુરથી દૂર પૂર્વમાં એક મહેલ ઝડપથી બનાવી દો, અમે તો ત્યાં જ રહીશું. લડાઈથી દૂર, એકદમ દૂર. કેમ નર્તકીઓ! ઠીક છે ને?’

‘મગધની સુરક્ષા પહેલા તો પંચનંદના રાજ્યોની સુરક્ષા જરૂરી છે મહારાજ!’ આર્ય ચાણક્યે વચ્ચે જ કહ્યું.

‘પંચનંદના રાજ્યોની સુરક્ષા અમારી સેના કેમ કરે, બ્રાહ્મણ! તું ચાહે છે કે અમારી બધી સેના તો ત્યાં ચાલી જાય અને અમે મગધમાં એકલા રહી જઈએ’, નંદે કહ્યું.

‘મહારાજ, એલેઝાન્ડરનું આગળ વધવું ભારત અને મગધ માટે ઘાતક હશે અને તેને ભારતથી બહાર હાંકી કાઢવો પણ તો મગધ રાજ્ય કાર્ય છે,’ આર્ય ચાણક્યે કહ્યું.

‘હાં!હાં!હાં! અરે બ્રાહ્મણ અમને કર્તવ્ય શીખવવા આવ્યો છે. નર્તકીઓ જરા અમારા ગુરુજીને તો જોવો તો ખરી. કાલ ભૈરવના અવતારને નમસ્કાર તો કરો. હાં!હાં!હાં!’ મહારાજ નંદે કટાક્ષ અને તિરસ્કારયુક્ત શબ્દોમાં કહ્યું.

આર્ય ચાણક્ય ફરી એક વાર લોહીનો ઘૂંટડો પી ગયા. તેમણે શાંતિપૂર્વક કહ્યું, ‘બ્રાહ્મણનું તો આ કાર્ય જ છે, મહારાજ. જો તમે હજી પણ ચૂપ બેસી રહ્યાં તો યવન જરૂરથી એક દિવસ મગધને નષ્ટ કરી દેશે પછી ન તો મગધ રાજ્ય રહેશે અને ન તો મગધના રાજા.’

વિવેકહીન વ્યક્તિની જેમ નંદ પણ એ સમજી શક્યો નહીં કે તેનું હિત પણ રાષ્ટ્રના હિતમાં છે. આર્ય ચાણક્યની આ ચેતવણી પણ તેને ખરાબ લાગી. તે બોલ્યો, ‘તું અમને શાપ આપીને ડરાવવા માંગે છે, બ્રાહ્મણ? નર્તકીઓ આ બ્રાહ્મણને ધક્કા મારીને હાંકી કાઢો! ધૃષ્ટ ના જોયો હોય તો!’

નર્તકીઓ આગળ વધી. રાજાના શબ્દોએ આર્ય ચાણક્યની આશાઓ ભાંગી નાખી. અપમાન ભરેલા શબ્દોથી તેમનું હ્રદય વિંધાઈ ગયું. તેમનો સાત્વિક ગુસ્સો ભભૂકી ઉઠયો. એકદમ તેમણે પોતાની શિખા ખોલીને પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી નંદ રાજાનો ઉચ્છેદ કરીને રાષ્ટ્રહિતૈષી અને કર્તવ્યનિષ્ઠ રાજા ગાદી પર બેસાડીશ નહીં, ત્યાં સુધી શિખા બાંધીશ નહીં.

નંદે આને બ્રાહ્મણનો પ્રલાપ ગણ્યો. અને ફરી એક વાર તે નર્તકીઓ સાથે અટ્ટાહાસ્ય કરી ઉઠયો.

આર્ય ચાણક્ય એકદમ રાજમહેલની બહાર થઈ ગયા. અમાત્ય રાક્ષસ હતપ્રભ બનીને આ બધું કૃત્ય જોઈ રહ્યાં. તેઓ શું કરે તે તેમની સમજમાં આવ્યું નહીં. ચુપચાપ તેઓ પણ રાજમહેલની બહાર નીકળી ગયા. બહાર આવીને આર્ય ચાણક્યને કહ્યું, ‘મિત્ર ચાણક્ય! વ્યસનોને આધીન વ્યક્તિની બુદ્ધિ ઠેકાણે રહેતી નથી, તેને ક્ષમા કર.’

‘પરંતુ રાજાનું વ્યસની થવું તો દેશ માટે ઘાતક છે અમાત્યવર નંદનો ઉચ્છેદ પોતાના માટે નહીં, રાષ્ટ્ર માટે કરવો પડશે. જોતા નથી. એલેકઝાન્ડર એક પછી એક નાના-નાના રાજ્યોને હરાવી રહ્યો છે. પ્રત્યેક રાજ્યના બાળકો પણ જીવ સાટે પોતાની સ્વતંત્રતા માટે પ્રયત્નશીલ છે. પરંતુ તેની સાથે લડાઈ અલગ-અલગ થઈ રહી છે. એક નાનકડા રાજ્યની સેના હોય પણ કેટલી! એલેકઝાન્ડરના વિશાલ સૈન્યબળના સાગરમાં તે તરંગની જેમ વિલીન થઈ જાય છે. આજે દેશમાં વીરતા છે, શૂરતા છે, પોતાની સ્વતંત્રતાની સુરક્ષા કરવા માટે બધું જ અર્પણ કરવાની શક્તિ છે, પરંતુ જો કોઈ કમી છે તો એકસૂત્રની જે સૌને એકસાથે બાંધી શકે, અખિલ ભારતીય એકછત્ર સમ્રાટની આવશ્યકતા છે. જો આ નહીં થાય, તો ભારતવર્ષમાં યવનોનું આધિપત્ય સદા માટે થઈ જશે, અને જો આ વખતે એલેકઝાન્ડર પાછો ફરી જશે તો પછી કોઈ અન્ય આક્રમણ કરી દેશે. શું નંદ આને યોગ્ય છે? બોલો રાક્ષસ! તમે જ બોલો.’

રાક્ષસ ચુપ હતો. પછી ચાણક્યે કહેવાનું શરૂ કર્યું, ‘રાક્ષસ! તારા હ્રદયમાં દેશભક્તિ છે, હું જાણુ છુ. જ્યારે આપણે સાથે ભણતા હતા, તો હંમેશા દેશભક્તિની વાતો કર્યા કરતો હતો. આજે યવનોનું આક્રમણ દેશમાં સૌથી મોટી આફત છે. દેશના ભાગ્યનો નિપટારો વર્ષો માટે થઈ રહ્યો છે. તું આ મગધ રાજ્યનો અમાત્ય છું. રાજા વ્યસની છે. પરંતુ તને તારા કર્તવ્યનું ધ્યાન છે, શક્તિ તારા જ હાથમાં છે, આવ પોતાની સેનાને લઈને શત્રુઓને ભારતની બહાર હાંકી કાઢીએ.’

‘પરંતુ મિત્ર! શું આ રાજદ્રોહ નહીં થાય?’ અમાત્યે દબાયેલા અવાજમાં કહ્યું.

‘અમાત્યવર! રાજા રાષ્ટ્ર માટે છે, રાષ્ટ્ર રાજા માટે નથી. જો એલેકઝાન્ડર આજે તારો રાજા થઈ જાય, તો તેની ભક્તિ પણ તું રાજભક્તિ માનીને કરીશે? રાજભક્તિ ત્યાં જ પુણ્ય છે કે જ્યાં તે રાષ્ટ્ર અને દેશભક્તિની પોષક હોય, અન્યથા પાપ છે, સર્વથા ત્યાજ્ય છે.’

‘પરંતુ મે રાજાનું આટલા દિવસ સુધી અન્ન ખાધું છે, ચાણક્ય.’

‘છી, છી! તું કેવી અબોધ બાળક જેવી વાતો કરે છે? અન્ન તો તે ખાધું છે, ભારતભૂમિનું. આજે તેના પર આફત છે. આવો તારા અન્નનું મૂલ્ય ચુકાવ.’

‘હું અસમર્થ છું ચાણક્ય!’ આખરે અમાત્યે કહ્યું.

આર્ય ચાણક્યની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું. તેમ છતાં તેમણે હિંમત હારી નહીં. હા, ચુપચાપ એક તરફ ચાલી નીકળ્યા. અમાત્યમાં તેમને રોકવા જેટલું સાહસ ન હતું.

પ્રકરણ-7
ભારતીય પરાક્રમ અને એલેકઝાન્ડરનો અંત

આર્ય ચાણક્ય પાછા ફરીને પંચનંદ ગયા. તેમણે નિશ્ચય કર્યો કે ત્યાં જઈને ત્યાંના તમામ નાના રાજ્યોને સંગઠિત કરીને એલેકઝાન્ડરનો એકસાથે સામનો કરવામાં આવે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે તેમના માટે આ બધાંની કોઈ જરૂરત રહી ગઈ ન હતી. ચંદ્રગુપ્તે પહેલા જ આ સાધનનો સફળ ઉપયોગ કરી લીધો હતો. તેણે આખા પંચનંદમાં ફરીને રાજાઓથી, તેમના સેનાપતિઓથી, ગણરાજ્યોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. તેમને વાસ્તવિક સ્થિતિ સમજાવી. ખુદ રાજા પર્વતકને મળ્યો. તેના હ્રદયમાં ભંડારાયેલા દેશપ્રેમને જગાડયો. તેણે કહ્યું, ‘મહારાજ, તમારા જેવાં વીરોને જન્મ આપીને ભારતભૂમિ પોતાને ધન્ય સમજે છે. જે એલેકઝાન્ડરને ગર્વ હતો કે દુનિયામાં કોઈ તેને હરાવી શક્યું નથી, તેનો ગર્વ તમે જ ચકનાચૂર કરી નાખ્યો. પરંતુ મહારાજ! તે આસ્તિનનો સાપ બનીને ઘરમાં ઘૂસી આવ્યો છે. તમે શું વિચારો છો કે મગધ વિજય કર્યા બાદ તે તમને રાજ્ય કરવા દેશે? અવશ્ય તે કોઈને કોઈ પ્રકારના છળકપટથી તમારો વધ કરાવશે. આમ પણ તે ક્યાં સુધી યોગ્ય છે કે તમે જેને પરાજીત કર્યો હોય, તે બને વિશ્વ સમ્રાટ અને તમે તેને આધિન રહો ભારત સમ્રાટ?’

આ વાતો સાંભળીને પર્વતકની આંખો ઉઘડી ગઈ. તેમણે પોતાની સેનાને આગળ વધવાથી રોકી દીધી. પંચનંદના નાના-નાના રાજ્યો પણ મળીને એલેકઝાન્ડરની સેનાને ત્રસ્ત કરવા લાગ્યા. શીલભદ્રે પણ ચાણક્યની આજ્ઞાનુસાર પોતાનું કાર્ય કર્યું. એલેકઝાન્ડરના સૈનિકોની હિંમત તૂટી ગઈ, મગધ નામ સાંભળતા જ તેમને વાઈ આવતી હતી. બસ, એક દિવસ સૌએ નિર્ણય કર્યો કે હવે તેઓ આગળ નહીં વધે અને પોતાના ઘરે પાછા ફરશે. એલેકઝાન્ડરે તેના સૈનિકોને ઘણું સમજાવ્યું. મદિરા છોડી દીધી, ત્રણ દિવસ સુધી ભોજન ન કર્યું. અંતમાં હારીને તેણે નિશ્ચય કર્યો કે હવે ઘરે પાછા ફરશે તથા થોડા દિવસો બાદ ભારતના બચેલા ક્ષેત્રોને જીતશે.

આર્ય ચાણક્ય ચંદ્રગુપ્તના પ્રયત્નોથી અત્યાધિક ખુશ થયા. હવે તેમણે નિશ્ચય કર્યો કે એલેકઝાન્ડરને જીવિતપણે પાછો જવા દેવો જોઈએ નહીં. માટે તેઓ સિંધ અને મકરાનના પ્રદેશોમાં ગયા. ત્યાંના ગણરાજ્યોને પહેલેથી જ એલેકઝાન્ડરની વિરુદ્ધ જગાડી દીધા હતા. પશ્ચિમોત્તરનો માર્ગ જેના દ્વારા તે ભારત આવ્યો હતો, તેને તેમણે પહેલેથી જ બંધ કરી દીધો હતો. કારણ કે અહીં અશ્વકોએ વિદ્રોહ કર્યો હતો. તે તરફથી જવાની એલેકઝાન્ડરની હિંમત ન હતી. સિંધ અને મકરાનના માર્ગ સુધી ત્યાંના લોકોને આ આક્રમક વિરુદ્ધ જગાડીને તેના માટે વધુ આ માર્ગને વધારે કઠિન બનાવી દીધો હતો. એલેકઝાન્ડરે પોતાની સેનાને બે ભાગમાં વહેંચી દીધી. એક ભાગને સમુદ્ર માર્ગે નિયારકસની આગેવાનીમાં તથા બીજા ભાગને ખુદ પોતાની સાથે મકરાનના રણમાંથી લઈને નીકળ્યો. મલ્લિઓએ તેને ખૂબ હેરાન કર્યો. ત્યાં સુધી કે તેની છાતીમાં એક તીર એટલા જોરથી લાગ્યું કે તેને ઉંડો ઘાતક ઘા થઈ ગયો. જેના કારણે તે બેબિલોન જઈને મૃત્યુ પામ્યો. પારિપાત્રપારવર્તી (બલૂચી) જાતિઓએ પણ તેને ખૂબ હેરાન કર્યો હતો. સેંકડો સૈનિકો પાણી વગર મરી ગયા, કેટલાંય રેતીમાં ગરમીથી ત્રસ્ત થયા અને યુદ્ધમાં તો અનેક માર્યા ગયા. અંતે એક દિવસ તે બોલી ઉઠયો કે ‘ભારતવર્ષમાં દરેક જગ્યાએ ભારતવાસીઓના આક્રમણ અને ક્રોધનો ભોગ બન્યો. તેમણે મારા ખભાને ઘાયલ કર્યા. ગાંધારીઓએ મારા પગને નિશાન બનાવ્યા. મલ્લિઓએ યુદ્ધ કરીને એક તીરની અણિથી મારી છાતી વીંધી નાખી અને ગર્દન પર પણ ગદાનો જોરદાર ઘા પડયો. ભારત પરનું આક્રમણ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે.’

આ રીતે આર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તે મળીને એલેકઝાન્ડરને માત્ર ભારતમાંથી ખદેડી જ ન હતો મૂક્યો, પરંતુ તેને હાંકી કાઢતા તેના સૈન્યનો સંહાર પણ કર્યો, તથા ખુદ તેને મારવાનો પ્રયત્ન પણ કર્યો. બેબિલોન જઈને તે મૃત્યુ પામ્યો. પરંતુ તેણે પોતાના સેનાપતિ સેલ્યુકસ પાસે પોતાની ભારત વિજયની અભિલાષાને પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરાવી લીધી.

પ્રકરણ-8
ભવિષ્યની યોજના


સંધ્યા સમયે લાલ-લાલ સૂર્ય અસ્તાચલ તરફ ભાગી રહ્યો હતો. માનો પશ્ચિમની દિશામાં પીઠ દેખાડીને ભાગી રહેલા દુશ્મનની પીઠ પર લાગેલુ વિશાળ રક્તવ્રણ હોય. ચહેકતા પક્ષી શત્રુના આ પ્રયાણથી આનંદગાન કરી રહ્યાં હતા. અચાનકક આવેલા આ વાવાઝોડાંથી એક દિવસ વિપાશા (બિયાસ-વ્યાસ)નો જળ-પ્રવાહ ક્ષુબ્ધ થઈ ગયો હતો. આજે તે પણ શાંત કલ-કલ ધ્વનિથી વહી રહ્યો હતો અને તેની સાથે જ સંપૂર્ણ દેશ પણ એક સંતોષનો શ્વાસ લઈ રહ્યો હતો, પરંતુ વિપાશાના તટ પર બેઠેલા બે વ્યક્તિઓના મનમાં હજી શાંતિ અને સમાધાન ન હતું. તેમની મુખમુદ્રા પરથી માલૂમ પડતુ હતુ કે તેમનું મસ્તિષ્ક કોઈ ગુંચવાયેલી ગુત્થીને ઉકેલવામાં લાગેલું છે.

‘એલેકઝાન્ડરે અંતે પોતાના જીવથી હાથ ધોવા પડયા આર્ય!’ ચંદ્રગુપ્તે શાંતિ તોડતા કહ્યું.

‘હા વત્સ! એલેકઝાન્ડર તો ભારત આક્રમણનું ફળ ભોગવી ચુક્યો. ચેપી રોગનો રોગી ખુદ તો મરી જાય છે, પરંતુ પોતાનો રોગ દુનિયામાં જ છોડી જાય છે. તેના કીટાણુઓ હવામાં ફેલાઈને બીજાને પોતાનો શિકાર બનાવે છે. આજે સેલ્યુકસ પણ ભારત વિજય કરવાની ઈચ્છા રાખે છે.’

‘વિશ્વવિજયની ઈચ્છા રાખાનારા એલેકઝાન્ડરની જ્યારે અહીં દાળ ગળી નથી, તો સેલ્યુકસ શું ખાઈને ભારત વિજયનો વિચાર કરશે?’ ચંદ્રગુપ્તે મોઢું બનાવીને કહ્યું, ‘અને સાંભળ્યું છે આર્ય! કે એલેકઝાન્ડરના સેનાપતિ સેલ્યુકસ અને ટાલેમીમાં પણ પરસ્પર તેના સામ્રાજ્ય માટે યુદ્ધ થઈ રહ્યું છે.’

‘આ બધું સત્ય છે વત્સ! પરંતુ ભારતનું કલ્યાણ તો ભારતની જ શક્તિથી થશે. બીજાની દુર્બલતાઓના સહારે આપણે ક્યાં સુધી જીવિત રહીશું. ભારતમાં શક્તિશાળી સામ્રાજ્ય સ્થાપિત કરવાના પોતાના ધ્યેયને શું તું આટલી જલ્દી ભૂલી ગયો?’ આર્ય ચાણક્યે કહ્યું.

‘નહીં આર્ય! નહી, આ મહાન ધ્યેયને કેવી રીતે ભૂલી શકાય? હા, એલેકઝાન્ડરને ભારત બહાર ખદેડીને જરાક શ્વાસ લેવાનો સમય જરૂરથી મળ્યો છે.’

‘હજી તો સેરમાંથી પૂણી પણ કંતાઈ નથી, ચંદ્રગુપ્ત!’ આર્ય ચાણક્યે વ્યાકુળતાથી કહ્યું, ‘ભારતની આ અજેય શક્તિનો ઉષાકાળ તો એ સમયે હશે કે જ્યારે તું મગધના સિંહાસન પર આસિન થઈશ. અસલી કાર્ય તો હજી આગળ પડયું છે.’

આર્ય ચાણક્ય ને ચંદ્રગુપ્ત બંને જ પોતાના ભાવિ કાર્યક્રમ પર વિચાર કરવા લાગ્યા. પશ્ચિમોત્તર, સિંધુ અને આધુનિક રાજસ્થાનના નાના-નાના રાજ્યો પર ચંદ્રગુપ્તનો સિક્કો જામી ચુક્યો હતો. તેને તેમણે પોતાના નેતા તરીકે જોયો અને તેના દ્રઢ નેતૃત્વમાં એલેકઝાન્ડરને ભારતમાંથી હાંકી કાઢયો હતો. પરંતુ એકછત્રીય શાસનની સ્થાપના માટે પર્વતક અને નંદ બે મોટી અડચણો હતી. ભારતમાં સૌથી મોટું રાજ્ય મગધનું જ હતું, પરંતુ પર્વતકનું રાજ્ય પણ કોઈ નાનું-મોટું રાજ્ય ન હતું, અને એલેકઝાન્ડરની મદદથી પંચનંદના નાના-નાના રાજ્યોને જીતીને પર્વતકે પોતાના રાજ્યને વધારે ફેલાવી દીધું હતું. રાજા નંદ વિલાસી હતો, તેને જીવનમાં કોઈપણ પ્રકારની મહત્વાકાંક્ષા ન હતી. પરંતુ પર્વતક મહત્વાકાંક્ષી રાજા હતો. તેની આકાંક્ષા હતી કે તે ભારતનો સમ્રાટ બને. ચંદ્રગુપ્ત અને ચાણક્ય બંને જ તેની મહત્વાકાંક્ષા જાણતા હતા.

‘પર્વતક ભારતનો સમ્રાટ બનવા ચાહે છે, જાણે છે ચંદ્રગુપ્ત?’ આર્ય ચાણક્યે પુછયુ.

‘હા આર્ય! જાણું છું, તેથી તો તેણે એલેકઝાન્ડરને પરાજીત કરીને પણ તેની સાથે મિત્રતા કરી હતી. પરંતુ હવે શું છે, હવે તો એલેકઝાન્ડર આ દુનિયામાં રહ્યો નથી’ ચંદ્રગુપ્તે કહ્યું.

‘એલેકઝાન્ડર ન રહ્યો તો શું થયું, તેનો સેનાપતિ સેલ્યુક્સ તો છે. પર્વતક છે પણ એટલો મહત્વાકાંક્ષી કે પોતાની આ મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે સેલ્યુકસ પાસેથી સહાયતા લેવામાં તે સંકોચ કરશે નહીં. વિદેશીને મદદ માટે બોલાવવો તો શત્રુને ઘરનો માર્ગ દેખાડવા રૂપ છે.’

‘તો પછી પહેલા પર્વતક સાથે યુદ્ધ કરવામાં આવે આર્ય!’

ચંદ્રગુપ્તે ઉત્તેજીત થઈને કહ્યું.

‘નહીં વત્સ!’ આર્ય ચાણક્ય સ્મિત સાથે બોલ્યા, પર્વતક સાથે અત્યારે યુદ્ધ કરવાની જરૂર નથી. નંદ અને પર્વતક આ બંને કાંટા છે, કાંટાથી જ કાંટો કાઢવો બુદ્ધિમાનીનું કામ છે. નંદ તો વિલાસી, આળસુ અને કાયર છે. તેનામાં કોઈપણ પ્રકારની મહત્વાકાંક્ષા નથી. પરંતુ પર્વતક વીર અને મહત્વાકાંક્ષી છે. તેને મગધ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરવામાં આવે, તે તૈયાર થઈ જશે, નંદને તે જરૂરથી હરાવી શકશે. પરંતુ તેના પહેલા કે તે મગધ પર અધિકાર જમાવે, તુ મગધના રક્ષક તરીકે પ્રગટ થઈને તેની સાથે યુદ્ધ કરજે. આ યુદ્ધમાં અથવા અન્ય કોઈ ષડયંત્ર દ્વારા તારે પર્વતકનો વધ કરવો પડશે. મગધની જનતા તને તારણહાર જોઈને જરૂરથી તારો અભિષેક કરશે. માટે હું નંદની વિરુદ્ધ અત્યારે જઈને જનસમાજને જગાડી સંગઠિત કરું છું અને તુ પર્વતક સાથે મળીને આક્રમણની તૈયારી કર.

‘પર્વતકની સાથે આ પ્રકારે વિશ્વાસઘાત ક્યાં સુધી ઠીક હશે આર્ય! મારી જગ્યાએ તેને જ ભારતનો સમ્રાટ બનાવા દો. એકછત્ર સામ્રાજ્ય તો જોઈએ. સમ્રાટ પછી કોઈપણ કેમ ન હોય.’

‘ચંદ્રગુપ્ત તુ ભૂલી રહ્યો છું. તારું વ્યક્તિત્વ હજી મટયું નથી. તું તારા માટે નહીં, ભારત માટે સમ્રાટ બનીશ. ચંદ્રગુપ્ત સમ્રાટ નહીં બને, પરંતુ ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત બનશે. પર્વતક જેવો સ્વાર્થી અને મહત્વાકાંક્ષી, પછી તે કેટલોય વીર કેમ ન હોય સમ્રાટ બનવાને યોગ્ય નથી. ભારતનો સમ્રાટ નિ:સ્વાર્થ વૃતિથી સંયમ અને દ્રઢતાપૂર્વક જનતાની સેવા કરનારો વ્યક્તિ હોવો જોઈએ. ભગવાને તેને આ ગુણ આપ્યા છે, પરંતુ તું ભૂલથી તેને તારા સમજી બેઠો છું. તે દેશના છે દેશનો અધિકાર છે, તેનો યોગ્ય ઉપયોગ કર. તું સમ્રાટ બનનારો કોણ છું?

આજે દેશને જરૂરત છે, તો તુ તેની પૂર્તિ માટે સમ્રાટ બનીશ, કાલે આવશ્યકતા હશે તો તેના માટે તારી ભિક્ષુક પણ બનવું પડશે’

આર્ય ચાણક્ય બોલતા બોલતા આવેશમાં આવી ગયા. ચંદ્રગુપ્ત એકદમ શરમ અનુભવવા લાગ્યો. તે ધીરેથી ક્ષમા પ્રાર્થના કરતાં બોલ્યો, ‘ક્ષમા કરો આર્ય! મે દેશની સામે મારા સ્વાર્થોને કોઈ મહત્વ આપ્યું નથી, પર હા, સર્વાંગપૂર્ણ દેશભક્તિની કલ્પના હજી સુધી મારી સામે આવી ન હતી. આજે અવશ્યપણે હું નવો પાઠ ભણ્યો છું.’

‘હા વત્સ! આ પુણ્યભૂમિ ભારત માટે એક પર્વતક નહીં ઘણાં પર્વતકોની બલિ આપવી પડશે. અચ્છા, ઉઠ, સૌથી પૂર્વમાં જઈને વાહ્વીકોને જગાડ. એલેકઝાન્ડરના રાજ્યમાં ભારતનો આ ભાગ હજી પણ છે. વિદ્રોહનો આ યોગ્ય સમય છે. તેમની તથા અન્ય નાના-મોટા રાજ્યોની સેનાને સંગઠિત કરીને પર્વતકની સાથે નંદ પર આક્રમણની તૈયારી કર.’

પ્રકરણ-9
અભિષેકની તૈયારી


આર્ય ચાણક્યે ચંદ્રગુપ્તને વિદાય કરીને મગધ તરફ પ્રસ્થાન કર્યું. આજથી કેટલાંક વર્ષ પહેલા પણ તેઓ ભારતમાંથી એલેકઝાન્ડરને ખદેડવા માટે મગધરાજ નંદને તેમના કર્તવ્ય જ્ઞાન કરાવવા અને તેમની મદદની યાચના કરવા ગયા હતા. આજે ફરીથી તેઓ મગધ જઈ રહ્યાં હતા, ભવિષ્યમાં કોઈ એલેકઝાન્ડર ભારત તરફ મોઢું પણ ન કરીશકે તેના માટે મગધમાં એક શક્તિશાળી સામ્રાજ્યના નિર્માણ માટે નંદ વંશને નષ્ટ કરવા માટે આજે તેઓ યાચક બનીને નહીં, સંહારક બનીને જઈ રહ્યા હતા. પરંતુ તેમની યાચના અને સંહાર બંનેની પાછળ હતો તેમનો સાત્વિક દેશપ્રેમ. રાત્રિના ઘનઘોર અંધકારમાં આર્ય ચાણક્યે વેષ બદલીને ગુપ્તપણે કુસુમપુરમાં પ્રવેશ કર્યો. રાજા નંદ બેખબર પોતાના રાજમહેલમાં પડયો હતો. સર્વનાશ આ પ્રકારથી વેષ બદલીને ચુપચાપ પ્રવેશ કરે છે.

કુસુમપુરમાં તેમનું નિવાસસ્થાન નંદ રાજ્ય માટે અનાજમાં પડતા કીડાનું કામ કરી રહ્યું હતું. તેમની દરેક ક્ષણ નંદ રાજ્યના મૂળને ખોખલા કરવામાં વીતી રહી હતી. નંદની સત્તા તેમને માટે અસહ્ય થઈ ગઈ હતી. રાજ્યમાં આવીને નંદના દુરાચારોની પ્રત્યક્ષ જાણકારી હોવાને કારણે તેમને વધુ તીવ્ર વેદના થતી હતી. જેમ જેમ તેમની વેદના તીવ્ર થતી, તેમ તેમ તેઓ પોતાના કાર્યની ગતિ તેજ કરી રહ્યા હતા. જનતામાં ફેલાયેલી નંદ વિરોધી ભાવનાઓનો તેમણે પૂરો લાભ ઉઠાવ્યો, મંત્રી રાક્ષસ તથા સેનાપતિ ભાગુરાયણના મતભેદને વધારે ઉશ્કેરીને ભગુરાયણને પોતાની તરફે કરી લીધો. સામંત શકટાર કે જેના છ પુત્રોનો રાજા નંદે વધ કરાવ્યો હતો, તે પણ તેમની તરફ મળી ગયો.

કુસુમપુરમાં આર્ય ચાણક્ય તમામ તૈયારી કરી ચુક્યા હતા. ચંદ્રગુપ્તને આક્રમણ માટે બોલાવવામાં આવે તે વિચારમાં બેઠા હતા, ત્યારે જ ચંદ્રગુપ્તનો દૂત પણ આવી પહોંચ્યો. તે ચાણક્યનું અભિવાદન કરીને એક તરફ ઉભો રહી ગયો. આર્ય ચાણક્યે ક્ષેમકુશળની સાથે સમાચાર પુછયા. દૂત બોલ્યો, આર્ય વાહ્વિકગણ આજ સ્વતંત્ર છે. મહારાજ ચંદ્રગુપ્તે તેમને સ્વાતંત્ર્ય સંદેશ સંભળાવ્યો, તેમણે તેમનામાં નવજીવનનો સંચાર કરી દીધો. તેમની વિદ્રોહની આગ ભભૂકી ઉઠી અને તેમાં તેમની દાસતા અને યૂનાની ક્ષત્રપ બંને ભસ્મીભૂત થઈ ગયા. હવે મહારાજ જ તેમના અધિપતિ છે.

‘આ તો યોગ્ય થયું દૂત, પરંતુ બાકીના રાજ્યોનો શો હાલ છે?’

‘આર્ય! મહારાજે કુલૂતના ચિત્રવર્મા, મલયના સિંહનાદ, કાશ્મીરના પુષ્કરાક્ષ અને સિંધુના સિંધુસેન તથા અન્ય નાના-નાના ગણરાજ્યોને પોતાની તરફ મેળવી લીધા છે. તેઓ બધાં પોતાની સેના લઈને મહારાજ ચંદ્રગુપ્તની આજ્ઞા લઈને કૂચ કરવા માટે તૈયાર છે.’

‘અને પર્વતક સાથે પણ કંઈક વાતચીત થઈ છે કે નહીં?’

‘હા આર્ય! મગધના આક્રમણના પ્રત્યક્ષ નેતા તો તે જ છે. ભારતના ભાવિ સમ્રાટ બનવાની લાલસાથી તેઓ પણ દળ કટક સહીત આવી રહ્યા છે. આક્રમણ માટે ક્યો સમય યોગ્ય રહેશે અને તમારો આદેશ શું છે, તેના માટે મને અહીં મોકલવામાં આવ્યો છે.’

આર્ય ચાણક્ય આ સાંભળીને ફરીથી વિચારોમાં લીન થઈ ગયા. ક્યો દિવસ આના માટે યોગ્ય રહેશે, તે જ તેમની સામે મુખ્ય પ્રશ્ન હતો.

એકાએક જયઘોષની તુમુલ ધ્વનિથી તેમની શાંતિ ભંગ થઈ. દૂતને તેમણે જયઘોષનું કારણ જાણવા માટે મોકલ્યો. થોડી વારમાં દૂતે જણાવ્યું કે આગામી માસમાં આ તિથિએ રાજકુમાર સુમાલ્યનો યૌવરાજ્યાભિષેકની ઘોષણા કરવામાં આવી રહી છે. આચાર્ય ચાણક્યની આંખોમાં એકદમ ચમક આવી ગઈ. ક્રૂર મુસ્કાન તેમના હોઠો પર રમવા લાગી. પછી દ્રઢતાની સાથે તેઓ બોલ્યા, ‘દૂત! અભિષેકની ઘોષણા થઈ ગઈ છે, અભિષેક થવો જ જોઈએ. જાઓ ચંદ્રગુપ્તને કહો કે અભિયાનનો આ દિવસ જ યોગ્ય છે, કુસુમપુર પહોંચવા સુધીમાં પોતાની સેનાની ગતિવિધિઓની ખબર લાગે નહીં.’

અભિવાદન કરીને દૂત ચાલ્યો ગયો. આર્ય ચાણક્ય પણ અભિષેકની તૈયારીમાં લાગી ગયા.

પ્રકરણ-10
સમ્રાટ ચંદ્રગુપ્તનો વિજય


મગધના રાજભવનમાં આજે ચહેલ-પહેલ મચેલી છે. નોકરો અને નોકરાણીઓ આમથી તેમ દોડાદોડી કરી રહ્યાં છે. રાજમહિષી ખુદ આજે ઘણાં વ્યસ્ત છે. રાજમહેલનું તમામ સુશોભન પોતાની જ દેખરેખમાં કરાવી રહ્યાં છે. ક્યારેક કોઈક તોરણને અહીંથી દૂર કરાવીને ત્યાં લગાવડાવી રહ્યાં છે, તો ક્યારેક ચિત્રોને આમથી તેમ હટાવી રહ્યાં છે. યૌવરાજ્યાભિષેક બાદ રાજમહિષીની પાસે આશિર્વાદ લેવા માટે આવનારા રાજકુમાર સુમાલ્ય માટે પ્રવેશ દ્વાર વિશેષ રૂપથી બનાવવામાં આવ્યું છે. રાજમહિષીએ કલાકારની જેમ તેનું સુરુચિપૂર્ણ નિર્માણ કરાવ્યું છે. મહારાજ નંદ માટે આજે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યભરની નર્તકીઓ આજે કુસુમપુરમાં એકઠી થઈ છે. દરેક માટે પોતપોતાની રુચિ પ્રમાણેના વસ્ત્રો અને આભૂષણો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમની અપેક્ષા છે કે પોતાની નૃત્યકલાનું અનોખુ પ્રદર્શન કરીને આજે મહારાજ, રાજકુમાર અને દરબારીઓના ચિતને આકર્ષીને મનગમતો પુરસ્કાર મેળવે.

આજે સજાવટ રાજમહેલ સુધી જ સીમિત નથી, પરંતુ આખા કુસુમપુરને સુશોભિત કરવામાં આવ્યું છે. જનતાના હાથ-પગ સજાવટના કામમાં લાગેલા છે, પરંતુ તેમનું હ્રદય તેમાં જોડાયેલું નથી. તેઓ તો હ્રદયમાં અત્યાચારની વેદના સાથે અંતસ્થલમાં વિદ્રોહાગ્નિની ચિનગારીને ઉંડા શ્વાસથી પ્રજ્વલિત કરીને મુખ મંડલ પર હાસ્ય અને પ્રસન્નતાનો દેખાડો કરી રહ્યા છે. તેઓ દીપ-પ્રકાશની તૈયારી અભિષેકના આનંદને પ્રગટ કરવા માટે કરી રહ્યાં નથી. તેમની ઈચ્છા તો એક દીપથી અન્ય દીપ પ્રજ્વલિત બનીને પ્રલયકારી જ્વાળા પ્રગટ થાય જેમાં સમસ્ત નંદવંશ ભસ્મીભૂત થઈ જાય.

ચારે તરફની આ ચહેલ-પહેલમાં આર્ય ચાણક્ય પણ સામેલ છે. પરંતુ તેઓ બીજા જ અભિષેકની તૈયારીમાં છે. તેઓ તો ક્રાંતિના અગ્રદૂતની જેમ વ્યસ્ત છે. તેમણે પોતાના દૂતોને ચારેય તરફ લગાવી દીધા છે. સેનાપતિ ભગુરાયણને, જેને તેમણે પોતાની તરફે ફોડી નાખ્યો હતો, તેને આજે સચેત કરી દીધો છે. સેનાને આજ્ઞા મળી ચુકી છે કે સેનાપતિ સિવાય અન્ય કોઈની આજ્ઞાનું પાલન ન કરે. સુમાલ્યની અપર માતાઓ પણ આજે તેના પ્રાણની ગ્રાહક છે. કૌટિલ્યની કૂટનીતિએ મગધ રાજ્યને ચારે તરફથી જકડી રાખ્યું છે.

મહારાણી અને રાજકુમાર સુમાલ્ય ઘણી ઉત્સુકતાથી રાજતિલકની ઘડીની રાહ જોઈ રહ્યાં હતા. કામમાં લાગેલા લોકોનો સમય ઘોડાની ચાલથી દોડી રહ્યો છે, પરંતુ આજ એક ક્ષણનો અવકાશ ન રહેવા છતાં પણ બંનેનો સમય ખૂબ ધીરે-ધીરે પસાર થઈ રહ્યો છે. સુમાલ્ય ભવિષ્યના સોનેરી સ્વપ્નોના ઝુલામાં ઝુલી રહ્યો હતો, જો તેને પોતાના ભવિષ્યની સાચી માહિતી હોત તો- પરમાત્માએ ભવિષ્યને એટલા માટે અંધકારમાં રાખ્યું છે કે જેથી વર્તમાનના ક્ષણિક સુખમાં તે સુખના આનંદને લૂંટવાથી, અથવા વર્તમાનના ક્ષણિક દુ:ખમાં પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાથી મનુષ્ય વંચિત ન રહી જાય. જેમ તેમ કરીને તે ઘડી આવી ગઈ. રાજમહેલમાંથી મહારાજ, યુવરાજ, અમાત્ય તથા સમસ્ત સભાસદોની સવારી નીકળી. બંદીગણ જયગાન કરતા જઈ રહ્યાં હતા, જયઘોષ ગગન ગજવી રહ્યાં હતા.

એકાએક અમાત્ય રાક્ષસને બીજો જ જયઘોષ સંભળાતા તેમના કાન અનિષ્ટની આશંકાથી ઉભા થઈ ગયા. સેનાપતિએ કહ્યું કે મહારાજના જયઘોષની દૂર રહેલા હિમાલય સાથે ટકરાઈને પાછી ફરનારી પ્રતિધ્વનિ હશે. પરંતુ તે તો વિલાસી નંદના અત્યાચારોથી ક્ષુબ્ધ પ્રજાજનોના નિસાસાના પડધા હતા. તેની ગુંજ વિનાશકારી તોફાનની જેમ પ્રતિક્ષણ વધી રહી હતી. અમાત્ય રાક્ષસના હ્રદયમાં સંતોષ ન થયો, તેમનામાં વ્યાકુળતા વ્યાપ્ત હતી. તેમના કાન આસપાસના તુમુલનાદને ન સાંભળીને દૂર થઈ રહેલા જયઘોષને જ સાંભળી રહ્યાં હતા. તેટલામાં જ દૂત દોડતો આવ્યો. માથું નમાવીને અમાત્ય રાક્ષસની સામે ઉભો રહી ગયો. અમાત્ય રાક્ષસે વ્યાકુળતાથી થોડા ગુસ્સા ભરેલા અવાજમાં પુછયું કે બોલો દૂત શું છે? આ અપશુકન કેવા? બોલો, જલ્દી જણાવ.!

‘પ્રલય થઈ ગયો અમાત્યવર! કુસુમપુરને શત્રુઓએ ઘેરી લીધું છે. જો તુરંત તેમને રોકવામાં નહીં આવે, તો તેઓ રાજમહેલ સુધી પહોંચી જશે. ’ અમાત્ય રાક્ષસને એકદમ ધક્કો લાગ્યો. તેમની શંકા નિર્મૂળ ન રહી. પરંતુ તેમણે પોતાની જાતને સંભાળી. સવારીને એકદમ રોકી લેવાની આજ્ઞા આપવામાં આવી. મહારાજ નંદ કંઈ સમજી શક્યો નહીં. અમાત્ય રાક્ષસે નંદ સમક્ષ જઈને કહ્યું, ‘મહારાજ! અભિષેક કોઈ અન્ય દિવસે કરો. આજે તો રણ કરવું પડશે. શત્રુઓએ નગરને ઘેરી લીધુ છે.’

કાયરતાની મૂર્તિ જેવો રાજા નંદ એક વખત કાંપી ઉઠયો. પરંતુ બીજી જ ક્ષણે તેણે કહ્યું, ‘અમાત્ય! અમારા શત્રુઓ તો અમને સતાવે જ છે, પરંતુ તમે પણ રંગમાં ભંગ કરી દો છો. આજે અભિષેકનો દિવસ છે. રાજ્યભરમાંથી નર્તકીઓ આવી છે અને તમે કહો છો કે યુદ્ધ માટે ચાલો. જાઓ, તમે અને સેનાપતિ, સેના લઈને યુદ્ધમાં જાવ, તમને લોકોને અને સેનાને આના માટે તો વેતન મળે છે. તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો, સવારીને આગળ વધવા દો.’

અમાત્ય ક્રોધમાં દાંત પીસીને રહી ગયા. તેમને વિશ્વાસ થઈ ગયો કે સર્વનાશ નિશ્ચિત છે, જેવી તેમણે પોતાના ઘોડાની લગામ વાળી કે તેમણે ભીડમાંથી એક ચકચકિત કટાર આવતી જોઈ. વિજળીના પ્રકાશની જેમ જ તેનો પ્રકાશ પણ આકાશમાં રમી ગયો અને બીજી જ ક્ષણે નંદની છાતીમાં લોહીથી લથપથ ગ્રહણના ચંદ્રની જેમ ચમકી ઉઠી. નંદ એક ક્ષણ ચિત્કાર કરીને પોતાનું શરીર છોડી ગયો.

ચારે તરફ કોલાહલ મચી ગયો. રાજ્યના કર્મચારી ગણ ગભરાઈ ગયા. તેમની સમજમાં કંઈ આવ્યું નહીં કે શું કરવામાં આવે. તેઓ નંદની લાશ ઉઠાવીને રાજમહેલની દિશામાં ભાગ્યા. એકાએક મહારાજ ચંદ્રગુપ્તનો જયના નાદથી નભ મંડળ ગાજી ઉઠયું. રાક્ષસ અમાત્ય સમજી ગયા કે આ વિદ્રોહનો નેતા ચંદ્રગુપ્ત જ છે. આજથી પાંચ વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની આંખો સામે આ અશાંત વાતાવરણમાં પણ એકસાથે તેમની સમક્ષ ઉભું થઈ ગયું. તેમણે સેનાપતિને અવાજ લગાવ્યો. પરંતુ સેનાપતિ ત્યાં ન હતો. તેઓ સીધા સેનાસ્થળ પહોંચ્યા તથા રણભેરી વગાડવાની આજ્ઞા આપી. તેમના આશ્ચર્યનું કોઈ ઠેકાણું ન રહ્યું કે જ્યારે તેમની આજ્ઞાનો અનાદર કરવામાં આવ્યો.

‘સેના તો સેનાપતિની જ આજ્ઞા માને છે અમાત્યવર!’ એક સૈનિકે અભિવાદન કરીને નમ્રતાપૂર્વક કહ્યું.

‘જો સેનાપતિ ગેરહાજર હોય તો ઉચ્ચ અધિકારીઓની આજ્ઞા માનવી પણ તમારું કર્તવ્ય છે, સૈનિક!’ અમાત્યે કંઈક રોષ તથા વિનંતી મિશ્રિત સ્વરમાં કહ્યું. પરંતુ તેમનો તર્ક નિષ્ફળ રહ્યો. સૈનિક નિશ્ચેષ્ટ ઉભા રહ્યા.

રાક્ષસ સમજી ગયા કે સેના તેમનો સાથ આપશે નહીં. તેમની આંખો સામે અંધકાર છવાઈ ગયો. પરંતુ ભીષણ અંધકારમાં પણ હાથ પર હાથ રાખીને તેઓ બેસવાના ન હતા. રાજમહેલના રક્ષક વગેરે થોડાક સૈન્યને એકત્રિત કરીને સુમાલ્યની આગેવાનીમાં તેમણે પર્વતકનો સામનો કર્યો. પરંતુ તેમની નાનકડી સેના પર્વતક અને ચંદ્રગુપ્તની વિશાળ સેના સામે ક્યાં ટકી શકવાની હતી? પ્રચંડ જ્યોતિપુંજને બુઝાવવાની ઈચ્છા રાખનારા પતંગિયાઓની જેમ તેઓ પણ નષ્ટ જ થઈ ગયા. સુમાલ્ય યુદ્ધમાં માર્યો ગયો.

પર્વતક મગધનો સમ્રાટ બનવાની ઈચ્છાથી આવ્યો હતો, પરંતુ જ્યારે વિજય બાદ તેણે ચંદ્રગુપ્તનો ઉદઘોષ સાંભળ્યો તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેના સહકારી સિંધુ, મલય, કાશ્મીર, કુલૂત, વાહ્વિક, અશ્વક, ક્ષુત્રક, ગાલબ, કામ્બોજ, ગાંધાર બધાં જ ચંદ્રગુપ્તની સાથે હતા. અને તેનાથી આગળ વધીને મગધની સેના અને જનતા ચંદ્રગુપ્તનું સ્વાગત કરી રહી હતી. રાજા નહુષની જેમ પર્વતક સ્વર્ગમાંથી ધકેલાઈ રહ્યો હતો. તે પોતાના મદદગાર શોધવા લાગ્યો, જે તેને ફરીથી સ્વર્ગના સિંહાસન પર બેસાડે. તેને પોતાના જૂના મિત્ર એલેકઝાન્ડરની યાદ આવી. આ પ્રકારને પોતાની બાજી હારતી જોઈને પર્વતકે અંતમાં દેશને જ દાવ પર લગાવી દીધો. સ્વાર્થી વ્યક્તિ સ્વાર્થ સિદ્ધિ માટે દેશ સુદ્ધા વેચવા માટે તૈયાર રહે છે. આ પ્રકારે પર્વતકે પણ કર્યું. સેલ્યુકસને ભારત પર આક્રમણ કરવા માટે બોલાવ્યો. પરંતુ તેના વિપક્ષી ખેલાડીઓ ચાણક્ય અને ચંદ્રગુપ્ત હતા. તેમની પાસેથી બાજી જીતવી આસાન ન હતી.

આર્ય ચાણક્યને જાણ થઈ ગઈ કે પર્વતકે પોતાનો દૂત સેલ્યુકસ પાસે મદદ માટે મોકલ્યો છે. પર્વતકને માર્ગમાંથી આમ પણ હટાવવાનો હતો. હવે તો તે દેશદ્રોહી હતો. તેને દૂર કરવામાં વિલંબ કરવો પણ પાપ હતું. પર્વતક વીર હોવા છતાં પણ વિલાસી છે, તે આર્ય ચાણક્ય જાણતા હતા. એક દિવસ આર્ય ચાણક્યે એક સુંદર વિષકન્યા તેની પાસે મોકલી દીધી. બીજા દિવસે જ્યારે પર્વતકની શિબિરમાંથી ઠાઠડી નીકળી તો ખબર પડી કે પર્વતક પણ આ લોકને છોડીને જે લોકમાં સૌને જવાનું છે, ત્યાં પ્રયાણ કરી ગયો.

સમગ્ર ઉત્તર ભારતના રાજા અથવા ગણરાજ્યોના પ્રતિનિધિઓ મગધમાં હાજર હતા. મહારાજા ચંદ્રગુપ્તની જયથી સમગ્ર ઉત્તરાપથ ગુંજી ઉઠયો. પરંતુ આ તો ભારતના ભાગ્યોદયનું પ્રભાત હતું. પશ્ચિમની તરફ ભાગતા અંધકાર આ બાળ સૂર્યને પોતાનો ગ્રાસ બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો.

પ્રકરણ-11
સેલ્યુકસનું દુસ્સાહસ


પર્વતક પોતાના દેશદ્રોહનું ફળ મેળવી ચુક્યો, પરંતુ તેનું તીર તો છૂટી ચુક્યું હતું. છૂટેલું તીર પાછું ફરતું નથી. સેલ્યુકસને ભારતના આ કપૂતનો સંદેશ મળી ગયો. તે તો ખુદ ભારત વિજયની તૈયારીમાં હતો. ભારત વિજય વગર તેને ‘નિક્ટર’ (વિજેતા)ની ઉપાધિ ધારણ કરવાની વાત ખટકતી હતી. નિયતિ પણ તેની આ ઉપાધિ પર અને આ ઉપાધિને ધારણ કરવાની ઈચ્છા પર હસી રહી હતી.

‘શું મહારાજ પર્વતકે ગાંધાર પ્રદેશનો માર્ગ યૂનાની સેના માટે સુરક્ષિત કરી દીધો છે?’ સેલ્યુકસે પર્વતકના દૂતને પુછયુ. અશ્વકોના ભીષણ યુદ્ધને યાદ કરીને તેના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. તેમની સાથે ફરીથી તેની યુદ્ધ કરવાની હિંમત ન હતી.

‘સુરક્ષિત કરવાનો પ્રશ્ન જ ક્યાં છે મહારાજ. ઉત્તર ભારતના સમગ્ર રાજા અને અધિપતિગણ તો મગધની રાજધાનીમાં પોતાપોતાની સેના લઈને ગયા છે. સીમાંતથી લઈને મગધ સુધી ભારત અનાથ જેવું છે. બસ મગધમાં જરા ચંદ્રગુપ્ત સાથે લડવું પડશે.’

‘ચંદ્રગુપ્તની સાથે?’ સેલ્યુકસે એકદમ ચોંકીને કહ્યું. બીજી ક્ષણે સેલ્યુકસે ઉંડો શ્વાસ લઈને કહ્યું ‘ચંદ્રગુપ્ત તો ઘણો બેઢબ વ્યક્તિ છે. તેના કારણે તો સમ્રાટ એલેકઝાન્ડરને ભારત છોડવુ પડયુ હતું. ’

દૂતે સેલ્યુકસની હિંમત વધારવાના હેતુથી ગરજીને કહ્યું ‘નંદ વંશને ઉખાડીને ચંદ્રગુપ્તે હજી પોતાના સામ્રાજ્યના બીજ રોપ્યા જ છે. ચાણક્ય જો કે પ્રયત્ન કરી રહ્યો છે કે આ બીજ ઝડપથી વિશાળ વટવૃક્ષના રૂપને ધારણ કરે. પરંતુ મહારાજ મગધમાં હજી પણ એવા વ્યક્તિઓ છે કે જે આ બીજને જામવા દેવાની ઈચ્છા રાખતા નથી. તમારું આક્રમણ જરૂરથી ઉત્તર શીત વાયુની સાથે આવનારી હિમવર્ષા સમાન હશે.’

‘આવા ક્યાં લોકો છે, દૂત! જે ચંદ્રગુપ્તનો વિરોધ કરી રહ્યા છે?’ સેલ્યુકસે ઉત્સુકતાથી પુછયું.

‘નંદ વંશ પ્રત્યે ભક્તિ રાખનારા લોકાની કોઈ કમી નથી મહારાજ. નંદના અમાત્ય રાક્ષસ જ છે કે જે નંદવંશના અભિશાપ ચંદ્રગુપ્તને ફૂટી આંખોથી પણ જોવા ઈચ્છતા નથી.’

‘શું મહારાજ પર્વતકે તેમની સાથે વાતચીત કરી ન હતી દૂત!’

‘જરૂર કરી હતી મહારાજ! પરંતુ રાક્ષસ એ વાતથી સંમત ન હતા કે મગધને ચંદ્રગુપ્તના પંજામાંથી છોડાવનીને મહારાજ પર્વતક મગધની ગાદી પર બેસે. તેઓ તો નંદ વંશની અંતિમ જ્યોતિ ધનાનંદના કાકા સર્વાર્થસિદ્ધિને ગાદી પર બેસાડવા ચાહતા હતા.’

સેલ્યુકસે મનમાં જ કહ્યું ‘હું પણ ક્યાં ચાહું છું કે પર્વતક મગધની ગાદી પર બેસે અને બેસવા પણ નહીં દવું. શું યૂનાનમાં શાસકોની કમી છે કે એક ભારતીય ભારતનો રાજા હોય?’ પરંતુ પ્રત્યક્ષ રીતે જણાવ્યું, ‘હવે તો અમાત્ય રાક્ષસની મદદ મળવી કઠિન છે?’

‘નહીં મહારાજ! મને ભારત છોડતા પહેલા જ જાણકારી મળી ગઈ હતી કે સર્વાર્થસિદ્ધિનો વધ કરી દેવામાં આવ્યો છે અને પછી જ્યારે રાક્ષસને ખબર પડી હશે કે તમે પણ મહારાજ પર્વતકની પીઠ પર છો, ત્યારે જરૂરથી તેને આપણા લોકોના વિજયનો વિશ્વાસ થઈ જશે અને આપણી તરફ આવવામાં જ તે પોતાનું ભલું સમજશે. તમે તમારો દૂત તો મોકલો!’

સેલ્યુકસે સ્વીકારોક્તિમાં માત્ર પોતાની ગરદન હલાવી. ભારત આક્રમણનો તેણે નિશ્ચય કર્યો. દૂતને વિશ્રામ કરવા માટે મોકલી પોતાના સેનાપતિ અને અન્ય અધિકારીઓ સાથે તુરંત મંત્રણા ચાલુ કરી. કલાકો સુધી મંત્રણા ચાલતી રહી. એલેકઝાન્ડર પર કેવું વીત્યું હતું, તે આ બધાં જાણતા હતા. ભારત પર ફરીથી આક્રમણ કરવામાં આવે, તેની હિંમત ન હતી.

‘જો આ વખતે પણ પરાજય થશે, તો પરિણામ ઘણું ભીષણ હશે નિક્ટર,’ એક અનુભવી સેનાપતિએ કહ્યું.

‘પરાજય અને નિક્ટર બંને સાથે સાથે ચાલી શકે નહીં, સેનાપતિ! નિક્ટર પરાજય જાણતો નથી. ભારતની આટલી અસ્ત-વ્યસ્ત દશામાં તથા મહારાજ પર્વતક જેવા સહાયકની પ્રાપ્તિ બાદ પણ ભારત વિજય ન થઈ શકે તો પછી ક્યારેય તેમ થઈ શકશે નહીં.’

સેલ્યુકસે પોતાના બધાં જ સેનાપતિઓને ઉત્સાહિત કર્યા. ભારતમાંથી કેટલું અપાર ધન મળશે, તેની ખૂબ સમજાવટ કરી. સેનાપતિઓના મોઢામાં પાણી આવ્યું. બસ, યુદ્ધની ઘોષણા કરી દેવામાં આવી. હવે તો સેના સુસજ્જિત થવા લાગી. શિરસ્ત્રાણ, ખડગ અને શૂલ ફરી એકવાર સૂર્ય કિરણોમાં ચમકી ઉઠયા.

સેનાએ ભારત તરફ કૂચ કરી દીધી. રાક્ષસની પાસે દૂત તો પહેલા જ મોકલી દેવામાં આવ્યો હતો. તેઓ વિચારતા હતા કે અમાત્ય રાક્ષસ અને મહારાજા પર્વતક ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે તૈયાર હશે. પરંતુ અંદરને અંદર તેમનાથી વધારે પ્રબળ શક્તિ કાર્ય કરી રહી હતી.

પ્રકરણ-12
સશક્ત ભારત


સિંધુનો શાંત પ્રવાહ આજે વિક્ષુબ્ધ થઈ ઉઠયો છે. મગધની સેના તેની ડાબી બાજુ ડેરો તાણીને પડી છે. ઘોડાની હણહણાટ તથા હાથીઓના ફૂંકારાએ ફરી એકવાર તપોવનના તપસ્વીઓની શાંતિનો ભંગ કરી દીધો છે. સેનાનો એક ભાગ તો આઠ દિવસ પહેલા જ આવી ગયો હતો. બીજો આજે જ મગધથી આવ્યો છે. તેના બધાં જ કર્મચારીઓ પોતાના શિબિરમાં આયોજન માટેના કામમાં લાગેલા છે.

‘શત્રુને આ વખતે એવો કચડવાનો છે કે ફરીથી તે માથું ઉચકવાનું નામ ન લે,’ એક સૈનિકે કહ્યું કે તંબુના ખીલા પર જોરથી હથોડો મારો.

‘એલેકઝાન્ડરની આટલી દુર્ગતિ થઈ, તેમ છતાં પણ આ યવન ભારત વિજયની કલ્પના કરી રહ્યાં છે, કાકા? કેટલા ધૃષ્ટ છે.’ પાસે તંબુનો રસ્સો પકડીને ઉભેલા એક યુવકે આધેડ વયના સૈનિકને કહ્યું.

‘આમા શત્રુની ધૃષ્ટતા અથવા હિંમતનો પ્રશ્ન ક્યાં છે? હેમનાથ! આ તો આપણો જ દોષ છે. આપણી અરાષ્ટ્રીય પ્રવૃતિઓ જ તેને આપણા ઘરમાં ઘૂસવા માટે ઉશ્કેરે છે. પરંતુ હવે ભારતવર્ષ એલેકેઝાન્ડરના સમયથી વધારે સંગઠિત અને શક્તિશાળી છે. મહારાજ પર્વતક પુરુ રાજ્યની રક્ષા માટે એલેકઝાન્ડર સાથે લડયા હતા, પરંતુ આજે તો આપણે ભારતની સુરક્ષા માટે લડવા આવ્યા છીએ. કેટલું અંતર છે, ત્યારની અને આજની પરિસ્થિતિમાં.’

‘કાકા!તમે પણ લડયા હતા, યવનોથી?’ હેમનાથે પુછયું.

‘મને આ સૌભાગ્ય ક્યાં મળી શક્યું’ અરુણાભે ઠંડો શ્વાસ લેતા કહ્યું, જ્યારે મે સાંભળ્યુ કે એલેકઝાન્ડરે ભારત પર આક્રમણ કર્યું છે. તો મારી ભૂજાઓ ફડકવા લાગી હતી, રક્તમાં ઉભરો આવ્યો, પરંતુ મહારાજા નંદની કાયરતાએ અમારા ખડગને મ્યાનમાંથી નીકળા દીધું નહીં. હમારા તીર ભાથામાં જ રહી ગયા. અને તેમ પણ હેમનાથ! અમારામાંથી ઘણાં થોડા જ મગધની આગળ જોઈ શકતા હતા. હરિશીલને જ પુછો, (એક સૈનિકની તરફ ઈશારો કરતાં) તેણે તે સમયે શું જવાબ આપ્યો હતો?

જૂની વાતો યાદ દેવડાવીને શા માટે લજ્જિત કરે છે, ભાઈ? હરિશીલ બોલ્યો, આજે તો હું સમગ્ર ભારતને પોતાનું સમજુ છું. આજે બેગણા શત્રુઓનો સંહાર કરીને પોતાનું ઋણ ચુકવીશ. અમાત્ય રાક્ષસ જ જ્યારે નંદવંશ અને મગધની આગળ વિચારી શક્યો ન હતો, તો પછી આપણી તો વિસાત જ શું છે? કંઈક સંતોષ માનતા હરિશીલે કહ્યું.

અરુણાભ બોલ્યો કે આજે તો અમાત્ય રાક્ષસની રાષ્ટ્રીયતાની પ્રશંસા કરવી જ રહી. પહેલા તો તે મહારાજ ચંદ્રગુપ્તનો વિરોધ જ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે સેલ્યુકસનો દૂત તેની પાસે દેશદ્રોહનો સંદેશ લઈને આવ્યો તો આ રાષ્ટ્રીય આફતના સમયે તેમણે મહારાજનો સાથ દેવાનું યોગ્ય માન્યું. જાણકારી છે કે તેમણે સેલ્યુકસના દૂતને શું કહ્યું? તેમણે કહ્યું હતું કે દૂત જાઓ, સેલ્યુકસને કહી દેજે, પર્વતક ભારતનો અંતિમ દેશદ્રોહી હતો અને તે ત્યાં પહોંચી ચુક્યો છે, જ્યાં પ્રત્યેક દેશદ્રોહી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. આકાશ કુસુમની જેમ ભારતમાં દેશદ્રોહી શોધવાનો પ્રયત્ન ન કરીશ.

આ જ કારણ છે કે ભારત આજે આટલું સશક્ત છે. રામવીર બોલ્યો. સંપત્તિમાં દેશનો સાથ ન દેનારાને માફ કરી શકાય છે, પરંતુ આફતમાં શત્રુ સાથે મળીને દેશદ્રોહ કરનારો તો દૂર રહ્યો, દેશનો સાથ ન દઈને ચુપ બેસનારાને પણ માફી આપી શકાય નહીં. માટે તો અમાત્ય રાક્ષસે ફરીથી મંત્રીપદ ગ્રહણ કરી લીધું છે, સેલ્યુકસનું આક્રમણ તો આપણા માટે વરદાનરૂપ છે. તેનાથી આપણે લોકો કેટલા નજીક આવી ગયા છીએ.

આજે સમગ્ર ભારત એક અવાજમાં બોલે છે અને એક ઈશારા પર કામ કરે છે. આ એકતામાં કેટલી શક્તિ છે. આ સેલ્યુકસને પણ ખબર પડી જશે, કહેતા કહેતા હરિશીલ જોશમાં આવીને ઉભો થઈ ગયો. એટલામાં રણભેરી વાગવા લાગી, માનો હરિશીલે જે એકતાનું વર્ણન કર્યું હતું, તેને તે પ્રત્યક્ષ જોવા ઈચ્છતી હતી.

પ્રકરણ-13
શબ્દભેદી બાણ


સિંધુના તટ પર સૈનિકોને વધારે રાહ જોવી પડી નહીં. બે જ દિવસમાં ગુપ્તચરે સમાચાર આપ્યા કે સેલ્યુકસ પોતાની વિશાળ સેના લઈને મગધ પર આક્રમણ કરવાની તૈયારીથી થોડેક દૂર ડેરો નાખીને બેઠો છે. ચંદ્રગુપ્તે એ જ યોગ્ય માન્યું કે યુદ્ધ સિંધુના તટ પર જ કરવામાં આવે. એલેકઝાન્ડર વિસ્તતા (વ્યાસ)ના તટ પર હાર્યો હતો, તો સેલ્યુકસને તેનાથી પણ ઉત્તર સિંધુના જ તટ પર પરાજીત કરવામાં આવે.

સેલ્યુકસે બીજા દિવસે સિંધુના બીજા તટ પર ચંદ્રગુપ્તની સેના જોઈ, તો તેની સમસ્ત આશાઓ પર પાણી ફરી વળ્યુ અને તેના મનમાં ફૂટેલા લાડુ ચકનાચૂર થઈ ગયા. વિચારી રહ્યો હતો કે તે પાટલિપુત્ર સુધી બેરોકટોક ચાલ્યો જશે, પરંતુ અહીં તો માથુ મુંડાવતા જ કરાં પડયા. ભારતની અંદર ઝાંખતા જ તમાચો પડવાની આશંકા થઈ ગઈ. તેમ છતાં તેણે ધીરજ છોડી નહીં. તેની સેનામાં અંદરોઅંદર ચર્ચા થવા લાગી. સૈનિકો કહેવા લાગ્યા કે તેમનો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. તેમણે જણાવાયું હતું કે મગધ સુધી બેરોકટોક લૂંટફાટ મચાવતા જશે અને ત્યાં ખુદ હજી અસ્થિર ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ કરવુ પડશે. પરંતુ અહીં તો લૂંટ દૂર રહી, પણ પહેલા જ પગથિયે યુદ્ધ સાથે પનારો પડયો.

સેલ્યુકસે સૈનિકોને જણાવ્યું કે આપણા માટે આજે ઘણો સૌભાગ્યનો વિષય છે. મહારાજ એલેકઝાન્ડર જ્યારે ભારતમાં આવ્યા હતા, ત્યારે તેમને અનેક યુદ્ધો કરવા પડયા હતા. પ્રત્યેક રાજાથી, દરેક ગણના અધિપતિ સાથે તેમને યુદ્ધ કરવુ પડયુ હતુ. એક-એક ઈંચ જમીન માટે ખૂબ જ લોહી રેડવું પડયું હતું. પરંતુ આજે તો આપણી પાસે માત્ર એક જ યુદ્ધ છે. સામે પડેલી નાનકડી સેનાને જ્યાં આપણે ધરાશાયી કરીશુ કે બીજી જ ક્ષણે સમગ્ર ભારત આપણા ચરણો પર આળોટતું દેખાશે. ત્યાર પછી યુગો-યુગો સુધી તેની અપાર ધન રાશિથી આપણે આપણા ખજાના ભરીશું. બસ એક વખત દ્રઢતાથી આક્રમણ કરવાની જરૂર છે. સિંધુની પેલે પાર આપણો શિકાર પડયો છે. ત્યારે સૈનિકો દેવાધિદેવ જ્યૂસને સમ્માનાર્થ ગોબલિનું આયોજન થશે.

યવનપતિની જય! નિક્ટરની જય!થી સિંધુનું પશ્ચિમી આકાશ ગુંજી ઉઠયુ. પૂર્વ તટ પર આ ગુંજનો એક ક્ષીણ અવાજ સંભળાયો. વર્ષાકાળની પૂર્વીય હવાઓ પણ તો ભારતના આ શત્રુઓને પશ્ચિમ તરફ ખદેડી રહી હતી. આ જયઘોષને તે તટ પર કેવી રીતે આવવા દે, પ્રકૃતિ પણ વીરોની મદદ કરી રહી હતી.

સેલ્યુકસે તે પ્રકારે ચાલાકીમાં રાત્રિના અંધકારમાં સિંધુ નદી પાર કરવાનો પ્રયત્ન કર્યો, જેવી રીતે એલેકઝાન્ડરે વિતસ્તાને પાર કરી હતી. પરંતુ ભૂતકાળના અનુભવોમાંથી બોધપાઠ ન લેનારા મૂર્ખ લોકો ભારતમાં રહેતા ન હતા. ચંદ્રગુપ્ત માત્ર વીર અને શૂર જ ન હતો. તે એક કુશળ સેનાપતિ પણ હતો, જે યુદ્ધ વિદ્યામાં નિપુણતાને કારણે રણના સમસ્ત દાવ-પેચ પણ જાણતો હતો. તેણે પોતાની સેનાનો એક વિભાગ નદીની ઉપર અને બીજો નીચે નદી પાર કરીને સેલ્યુકસની સેનાના પાશ્વ પર આક્રમણ કરવા માટે મોકલી દીધો હતો. કેટલાંક ચુનિંદા ધનુર્ધારીઓને નદીની ઉત્તરમાં ઝાડીઓની પાછળ તેનાત કરી દીધા. અહીં નદીની વચ્ચે એક ટાપુ હતો. આ સ્થાન પર સેલ્યુકસે નદી પાર કરવાની યોજના બનાવી હતી.

અંધકારમાં હાથને હાથ દેખાતો ન હતો. સેલ્યુકસની સેનાની એક ટુકડી ગુપ્તપણે તે સ્થાન તરફ આગળ વધી રહી હતી. કિનારા પર હોડીઓ તૈયાર હતી. સૈનિકો એક-એક કરીને હોડીઓમાં બેઠા. હલેસાની છપ-છપથી રાત્રિની શાંતિ ભંગ થવા લાગી. એક-એક કરીને નાવડીઓ ટાપુના કિનારા પર આવવા લાગી. સૈનિકો હો઼ડીઓમાંથી ઉતર્યા. તેમની એક મંજિલ પૂરી થઈ ગઈ. તેમની સફળતા પર વિશ્વાસ થઈ ગયો. હિંદુ ઘણાં ભોળા હોય છે, તેઓ માત્ર આમને-સામને જ લડવાનું જાણે છે, આ વાત એક સૈનિકે મનમાં જ વાગોળી. ટાપુથી ફરીથી ડાબા કિનારા તરફ નાવડીઓ ચાલવા લાગી જેવું માંઝીએ હલેસા ચલાવવાની શરૂઆત કરી કે સનનન્ કરતું એક તીર આવ્યું અને નાવિકની છાતીને વેધીને પાર નીકળી ગયું. નાવિક પાણીમાં પડી ગયો. નદીમાં અવાજ આવ્યો. સૈનિકો કંઈપણ સમજે તે પહેલા સનનન્ કરતાં સહસ્ત્રો તીરોથી તેઓ વિંધાઈને એકએક રીને પડવા લાગ્યા. યવનસેનામાં બાણવર્ષાથી હાહાકાર મચી ગયો. અંધકારને કારણે તેઓ એ પણ જાણી શક્યા નહીં કે આ બાણવર્ષા ક્યાંથી અને કોણ કરી રહ્યું છે. એક સૈનિકે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવ્યું. પાસે જ સૈનિક બોલી ઉઠયો, તે તરફ નિશાન લગાવ. બસ બીજી જ ક્ષણે બંને સૈનિકો ચીસ પાડીને જમીન પર પડયા. ચંદ્રગુપ્તના સૈનિકો શબ્દભેદી બાણ ચલાવી રહ્યા હતા. અંધકારમાં પણ તેઓ પોતાનું લક્ષ્યવેધ કરવાની યોગ્યતા રાખતા હતા. સિંધુનું જળ લાલ થઈ ગયું.

યવનસેનાને પાછા ફરવાની આજ્ઞા થઈ છાતીની જગ્યાએ પીઠ પર વાર સહન કરવાનો નિશ્ચય થયો. કિનારે પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો ચંદ્રગુપ્તની સેના નદી પાર કરી ચુકી હતી. સેલ્યુકસ ગભરાઈ ગયો. તેણે પોતાની બચેલી સેનાને બોલાવવા માટે દૂત મોકલ્યો પરંતુ તે પણ નદીની નીચેની તરફથી તટ પાર કરી ચુકેલી ચંદ્રગુપ્તની સેનાની ટુકડીના આક્રમણોથી વ્યસ્ત હતી. યવન સૈનિકો પર ચારેય તરફથી માર પડવા લાગ્યો. તેમના ખેમામાં હાહાકાર મચી ગયો.

સૂર્યોદય વખતે પૂર્વ અને પશ્ચિમ બંને તરફ રક્ત આભા દ્રષ્ટિગોચર થવા લાગી. પશ્ચિમમાં યવનોના રક્તથી ભૂમિ લાલ થઈ હતી, તો પૂર્વમાં ક્ષિતિજના મુખ પર ભારતના સપૂતોની વીરતાને કારણે પ્રસન્નતાની લાલી વ્યાપી ગઈ હતી. દિવસ નીકળતા સુધીમાં તો અડધાથી વધારે યવનો સમાપ્ત થઈ ગયા હતા. દિવસ ભર યુદ્ધ ચાલ્યુ, પરંતુ યવનોના પગ યુદ્ધભૂમિમાંથી ઉખડી ચુક્યા હતા. સેલ્યુકસના પ્રયત્નોને તેઓ રોકી શક્યા ન હતા. અંતે સેલ્યુકસે સંધિની વિનંતી કરવામાં જ પોતાની કુશળતા હોવાનું માન્યું.

બંને તરફથી યુદ્ધ રોકી દેવામાં આવ્યું. સંધિની શરતો નક્કી થવા લાગી. હકીકતમાં શરતો નક્કી કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ચંદ્રગુપ્ત વિજયી હતો. તે જે પણ કંઈ કહેતો, તે સેલ્યુકસે માનવું પડત. પરંતુ ભારતે પોતાની સફળતા અને શક્તિનો ક્યારેય આવો નગ્ન પરિચય આપ્યો નથી. સાથે પર્વતકની જેમ આ વખતે સંધિ કરીને ચંદ્રગુપ્તને મૂર્ખ બનાવી શકાય તેમ ન હતો. ખુદ આર્ય ચાણક્યે સંધિની શરતો નક્કી કરી હતી. તેના પ્રમાણે સેલ્યુકસે પહેલા તો ફરીથી ક્યારેય ભારત પર આક્રમણ ન કરવાની પ્રતિજ્ઞા કરી. પોતાના રાજ્યના ચાર પ્રાંતો ચંદ્રગુપ્તને આપ્યા અને પોતાની પુત્રી હેલનના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરી દીધા. તેનો એક દૂત મેગેસ્થનીજ પણ ઘણા સમય સુધી ચંદ્રગુપ્તના દરબારમાં રહ્યો. આ પ્રકારે ચંદ્રગુપ્તનું રાજ્ય આખા મધ્ય એશિયામાં ફેલાઈ ગયું. સંગઠિત અને શક્તિશાળી ભારત શું કરી શકે છે, તે આ યુદ્ધે દેખાડી દીધુ.


પ્રકરણ-14
ભારત યૂનાનનું જમાઈ બન્યું


સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ઈતિહાસ નિર્માતાઓમાંથી એક છે, જેમને હંમેશા સફળતા મળી. તેનું શ્રેય એક તરફ જ્યાં તેમના તીવ્ર લગન અને અનવરત પરાક્રમને છે. ત્યાં તેમની આ વિલક્ષણ બુદ્ધિને પણ છે કે જેના કારણે તેમણે પોતાના હાથમાંથી કોઈપણ અવસર જવા દીધો નહીં. શિકારીની જેમ તે યોગ્ય અવસરની તાકમાં રહ્યાં અને અવસર મળતા પોતાની સંપૂર્ણ શક્તિથી સર્વસ્વને બાજી પર લગાવવામાં જરાક પણ ખચકાટ દાખવ્યો નહીં. કૂટનીતિના સમસ્ત દાવપેચ પોતાના ગુરુ અને સહાયક આર્ય ચાણક્ય પાસેથી વ્યવહારીક રીતે તેમને શીખવા મળ્યા હતા.

તેઓ અત્યંત વીર અને સાહસી હતા. તેમણે હંમેશા સેનાની આગળ રહીને યુદ્ધ કર્યુ. આફતોમાં સ્વયં સૌથી પહેલા કૂદયા અને પછી પોતાના સહાયક દેશભક્તોને આહવાન કર્યું. પોતાન સાહસ અને વીરતાને કારણે જ તેઓ પ્રથમ તો એલેકઝાન્ડર વિરુદ્ધ વિદ્રોહ કરીને અને પછી સેલ્યુકસ પર વિજય મેળવીને પંજાબ, સીમાંત અને દક્ષિણ ભારતની સમસ્ત વીર જાતિઓ તરફથી સમ્માન અને શ્રદ્ધા મેળવી શક્યા. તેમને નિર્ભીક અને સ્વતંત્ર પ્રૃકૃતિની ખબર એ ઘટનાથી જ લાગી જાય છે કે જેમાં તેઓ એલેકઝાન્ડરને મળ્યા અને તેમને ખૂબ ખરીખોટી સંભળાવી હતી. આટલા નિર્ભીક અને સ્પષ્ટવક્તા હોવા છતાં પણ તેઓ હંમેશા લોકપ્રિય રહ્યાં. આ લોકપ્રિયતાને કારણે મગધના સિંહાસન પર બેસતા પહેલા જ તેઓ જનતાના હ્રદયના સમ્રાટ બની ચુક્યા હતા. પોતાના આ જ ગુણોને કારણે લોકશાહી શાસનને કારણે સ્વતંત્ર મનોવૃતિના માલવ, ક્ષુત્રક જેવાં ગણરાજ્યોના નાગરીકો પર તેઓ આધિપત્ય જમાવી શક્યા હતા. તેમની લોકપ્રિયતા તથા ભારતના અબાલ-વૃદ્ધ સૌના હ્રદયમાં આદરનું સ્થાન પ્રાપ્ત કરવાનું કારણ તેમની નિસ્વાર્થ દેશભક્તિ હતી. જો તેમણે માત્ર પોતાના માટે જ બધાં પ્રયત્નો કર્યા હોત, તો કદાચ દેશ તેમને આટલો સાથ ન આપત.

સમ્રાટ ચંદ્રગુપ્ત પોતાના કાળના એક મહાન વિજેતા પણ હતા, પરંતુ પોતાના વિજયના મદમાં છકી જઈને શત્રુઓ પ્રત્ય ક્યારેય ક્રૂરતાનો વર્તાવ કર્યો નહીં. હિંદુ સંસ્કૃતિની અમૂલ્ય નિધિ સહિષ્ણુતાને તેમણે ક્યારેય છોડી ન હતી. પરંતુ સહિષ્ણુતા, દયા અને મૈત્રીના મોટા-મોટા શબ્દોની માયાજાળમાં ફસાવનારા શત્રુઓની કોઈ કારી તેમની સામે ફાવી શકી નહીં. વિજય બાદ ન તો એલેકઝાન્ડરની જેમ તેમણે હારેલા રાજાનો નિર્દયતાપૂર્વક વધ કરાવ્યો અને ન તો પર્વતકની જેમ વિજયી થવા છતાં હારનારના ચંગુલમાં ફસાયા. સેલ્યુકસને હરાવીને તેની સાથે તેમણે સમ્માનપૂર્વક મિત્રતા કરી, પરંતુ પોતાના દેશ હિત અને ગૌરવને પણ આંચ આવવા દીધી નહીં.

તેઓ એક મહાન વિજેતા જ નહીં, એક સુયોગ્ય શાસક પણ હતા. સામ્રાજ્યને દ્રઢ અને શક્તિશાળી બનાવવા માટે તેમણે ઘણાં કાર્યો કર્યા. પોતાની પ્રજા અને દેશવાસીઓના હિતમાં તેમણે કોઈ કસર છોડી નહીં. દેશની આર્થિક, રાજકીય, ધાર્મિક, સામાજીક, બૌદ્ધિક સર્વાંગીણ ઉન્નતિ માટે તમામ પ્રકારના કાર્યોનો ભાર મૌર્ય શાસકે પોતાના પર રાખ્યો હતો. સામ્રાજ્યની એટલી સુંદર વ્યવસ્થા હતી કે પાટલિપુત્રથી સંચાલિત સમ્રાટની પ્રત્યેક આજ્ઞાનું પાલન આજના ભારતીય સામ્રાજ્યથી બેગણા વિસ્તૃત સામ્રાજ્યમાં ખૂણેખૂણે કોઈપણ અપવાદ વગર કરવામાં આવતું હતું.

સમ્રાટ ચંદ્રગુપ્ત ખુદ અત્યાધિક પરિશ્રમી હતા. જે પરિશ્રમથી તેમણે સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. તે પ્રકારે પરિશ્રમ અને દક્ષતાપૂર્વક શાસનના કર્તવ્યનું તેમણે પાલન કર્યું હતું. શાસનના પ્રત્યેક વિભાગની તેમને જાણકારી હતી અને વખતોવખત તેની તપાસ પણ કરતા રહેતા હતા. ન્યાયાલયમાં ખુદ જઈને બેસતા હતા અને જનસાધારણની પણ તેમના સુધી પહોંચ હતી. નિશ્ચિતપણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વર્ણિત આદર્શ સમ્રાટનું ચિત્ર તેમના આધારે જ બન્યું છે. આદર્શ સમ્રાટ મહાકુલીન, દૈવબુદ્ધિ, દીર્ઘદર્શી, ધાર્મિક, વીર, ઉત્સાહી, દ્રઢનિશ્ચયી અને સ્વાર્થ-ત્યાગી હોવો જોઈએ. તેનું વ્રત કર્તવ્ય માટે હંમેશા તૈયાર રહેવાનું છે. તેનો યજ્ઞ શાસન સંબંધિત કામ યોગ્ય રીતે કરવાનો છે, તમામ પ્રજાને સમદ્રષ્ટિથી જોવું તેનું પુણ્ય છે. પ્રજાના સુખમાં તેનું સુખ અને પ્રજાના હિતમાં તેનું હિત છે. તેને પોતાનું નહીં પણ પ્રજાનું હિત જ પ્રિય હોવું જોઈએ. રાષ્ટ્રની સ્વતંત્રતા અને શક્તિના કેન્દ્ર સમ્રાટ ચંદ્રગુપ્ત નિશ્ચિતપણે આ આદર્શના અનુયાયી હતા.

સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યને વિજયી, તેમના સામ્રાજ્ય નિર્માણ, તેમની સફળ શાસન પ્રણાલી તથા પ્રજા હિતના કાર્યની દ્રષ્ટિથી તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સંસારના સફળ વિજેતાઓ, રાષ્ટ્ર નિર્માતાઓ અને શાસકોમાં એક ઉચ્ચ સ્થાન મેળવે છે. માટે તેમને મુદ્રારાક્ષસમાં વિષ્ણુના અવતાર પણ કહેવામાં આવ્યા છે. જે દ્રષ્ટિકોણથી આપણે આપણા અન્ય મહાપુરુષો અને રાષ્ટ્ર નિર્માતાઓને વિષ્ણુના અવતાર માન્યા છે, તે દ્રષ્ટિએ જોવામાં આવે તો મુદ્રારાક્ષસનું કથન કોઈપણ પ્રકારે અતિશયોક્તિપૂર્ણ કહી શકાય નહીં.

ઉપસંહાર

આંખોમાં એક સ્વપ્ન અને હ્રદયમાં મહત્વાકાંક્ષાને પ્રદીપ્ત કરનારી દેશભક્તિની ચિનગારીને લઈને બે હિંદુ યુવકોએ શું કરી દેખાડયું, તે આપણે આગળના પૃષ્ઠોમાં જોયું. બંનેના મનમાં પોતાની માતૃભૂમિની આત્માને જગાડીને હિમાલયથી સમુદ્ર પર્યન્ત સહસ્ત્રયોજનવ્યાપી એક ચતુરન્ત રાજ્ય પ્રસ્થાપિત કરવાની ધુન સમાઈ હતી. બંને પોતાની ધુનના પાક્કા હતા. માતૃભૂમિની સેવામાં જ્યાં એકે પોતાની બુદ્ધિ લગાડી હતી, ત્યારે બીજાએ પોતાની ભૂજાઓને. દબાવીને કચડી નાખનારી આફતોનો ભાર એક તરફ ફેંકીને જ્યારે જ્યારે ભારતવર્ષે પોતાનું મસ્તક ગૌરવથી ઉંચુ ઉઠાવ્યું છે, ત્યારે ત્યારે રાષ્ટ્રની મૂળભૂત ક્ષાત્ર અને બ્રાહ્મ શક્તિઓનો ઉદય થયો છે. ત્યારે તેમના પ્રતિનિધિઓ તરીકે વાલ્મિકી અને રામચંદ્ર, વ્યાસ અને શ્રીકૃષ્ણ, યાજ્ઞવલ્ક્ય અને જનક, રામદાસ અને શિવાજી જેવા બે-બે મહાપુરુષોનો આવિર્ભાવ થયો છે. ચાણક્ય અને ચંદ્રગુપ્તની પણ આવી જ જોડી હતી. આ બંનેની મહાનતા અલગ-અલગ આંકી શકાય નહીં.

આપણી દ્રષ્ટિ બહિર્મુખી હોવાને કારણે વિદેશીઓ અને વિધર્મીઓના અત્યાચારોના ફળસ્વરૂપ હુતાત્મા થનારા દેશભક્તોના વિદ્યુત પ્રકાશને જ આપણે જોઈ શકીએ છીએ. આ બંનેના જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે જ વ્યતીત થઈ. દેશ માટે કેવી રીતે જીવી શકાય તેની શિક્ષા આ પ્રત્યેક કાર્ય અને અર્થશાસ્ત્રનો પ્રત્યેક શબ્દ આપી રહ્યો છે. દેશભક્તોની લાંબી પરંપરામાં દેશની બલિવેદી પર પ્રાણોને અર્પણ કરનારા દેશભક્તોના વિદ્યુત પ્રકાશથી જ્યાં બે ચાર પગ આગળ વધારીને ઘનઘોર અંધકારમાં આંખોની સ્વાભાવિક શક્તિને પણ ખોઈને પણ આપણે નિરાશ બની જઈએ છીએ. ત્યારે આ નંદાદીપના પ્રકાશમાં અધ્યવસાય, નીતિ અને સાતત્યના પાઠ લઈને સહજ પોતાના માર્ગ પર જઈ શકાય છે. પાટલિપુત્રનો ગયેલો વૈભવ અને તક્ષશિલાના ખંડેર જ્યાં એક તરફ પોતાના ભૂતકાળના વૈભવની યાદ અપાવે છે, ત્યાં આ કર્મયોગી અને અક્ષુણ્ણ નિષ્ઠાનો પણ સંદેશ આપે છે, જેમણે તેમને આ વૈભવ પ્રદાન કર્યું.

આપણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને મંત્રી ચાણક્યની પાછળ દેશભક્ત ચંદ્રગુપ્ત અને દેશભક્ત ચાણક્યને જોયા. સમ્રાટ્ય અને મંત્રીત્વ તો તેમની પરિસ્થિતિ વિશેષની સ્થિતિ હતી. તેમનું સાધારણ સ્વરૂપ, તેમની યથાર્થતા તો તેમના એક ભારતવાસી, એક આર્ય, એક હિંદુ હોવાના નાતે જાણી શકાય છે. તેમને સમ્રાટ અને મંત્રી બનવાની લાલસા ન હતી. તેમની કામના હતી કે યવનોના ચુંગલમાંથી ભારતની સ્વતંત્રતાની રક્ષા તથા તે હંમેશા સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે તેના માટે તેને શક્તિ સંપન્ન બનાવે. તેથી જ તો આર્ય ચાણક્યે ઘોષણા કરી છે કે ન ત્વેવાર્યસ્ય દાસ્યભાવ: (આર્યને ક્યારેય પણ ગુલામ બનાવી શકાય નહીં.)

આપણે નિત્ય પ્રતિ મહાન રાષ્ટ્ર નિર્માતાઓનું સ્મરણ કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ એ અગણિત હિંદુ વીરોનું કે જેઓ આ બંનેની હ્રદય જ્યોતિથી પ્રજ્વલિત થઈને આ પ્રકાશ પુંજને પ્રગટ કરી શક્યા કે જેમા ભારતના દુખ, ગરીબી અને દાસ્યતા ભસ્મીભૂત થઈ ગયા. આપણે તે મહાન સંસ્કૃતિ અને સમાજનું પણ તે આદર સાથે સ્મરણ કરીએ છીએ અને જેમણે આવી વિભૂતિઓને ઉત્પન્ન કરી. એ ભારતભૂમિને પ્રણામ છે જેમણે આ મહાન સ્ફૂર્તિ કેન્દ્રને જન્મ આપ્યો.

શનિવાર, 28 મે, 2011

પાકિસ્તાન સામે યુધ્ધ: ભારત ઈચ્છે ત્યારે, પોતીકી વ્યૂહરચનાથી


(પ્રકાશન 9મી જાન્યુઆરી, 2009ના ગુજરાત ટાઈમ્સના અંકના પૃ.નં.-2 પર)

યુધ્ધોન્મત પાકિસ્તાન યુધ્ધોન્માદ ફેલાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર કરીને વિશ્વનું ધ્યાન આતંકવાદની મૂળ સમસ્યાથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મુંબઈ પરત્વે આતંકવાદીહુમલો પાકિસ્તાનની સેના અને આઈએસઆઈની રહેમનજર હેઠળ લશ્કરે તોઈબા દ્વારા કરવામાં આવ્યો હોવાનું સર્વવિદિત છે. કેટલાંક સમય પહેલા ભારત સાથે શાંતિવાર્તાની રમત રમનાર પાકિસ્તાન નાગરિક સરકાર આવ્યા બાદ ભારત માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના જનરલ પરવેઝ મુશર્રફની વિદાય પછી સત્તા પર આવેલી નાગરિક સરકારનો પાકિસ્તાની સેના કે આઈએસઆઈ પર કોઈ કાબૂ નથી. મુંબઈ પરનો આતંકવાદી હુમલો અને તેની પેટર્ન તેનું ઉદાહરણ છે.

કારગિલ યુધ્ધ જેવું ઊંબાડિયું કરી ચૂકેલું પાકિસ્તાન મુંબઈ હુમલા દ્વારા ભારતને યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા કરવા માટે વ્યવસ્થિતપણે ઉશ્કેરી રહ્યું છે. મુંબઈ હુમલો થવા દેવા પાછળ પાકિસ્તાની સૈન્યની ભૂમિકા તપાસવા જેવી છે. અફધાન યુધ્ધ અને પોતાના વિસ્તાર વજીરીસ્તાન અને સ્વાત ખીણમાં અમેરિકાના દબાણની લડાઈમાં ઝોકાયેલી પાકિસ્તાન સેના તેમાંથી છટકવાનો રસ્તો ઘણાં સમયથી શોધતી હતી.

અફધાન સરહદે પાકિસ્તાની સૈન્યના એક લાખ સૈનિકો તૈનાત હતા. પોતાના દ્વારા ઊભા કરાયેલા તાલિબાનો સામેની લડાઈ લડવા માટે પાકિસ્તાની સેના ક્યારેય રાજી ન હતી. તેમ છતાં મુશર્રફે અમેરિકાના દબાણ તળે આ લડાઈમાં સેનાને વ્યસ્ત રાખી રહ્યાં હતા.

આમ તો પાકિસ્તાનને ચલાવે છે, આર્મી. જ્યારે આર્મી ચાલે છે, અમેરિકાના દોરીસંચારથી. જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનને આર્મી ચલાવે છે, તે વાત સાચી, પણ પાકિસ્તાની સેનામાં પ્રભાવી થી રહેલા કટ્ટરપંથી તત્વોએ સેના પરનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે, જેની સાબિતી છે, મુંબઈ પરનો આતંકવાદી હુમલો.
ભારતીયતા અને ભારતના વિરોધ પર રચાયેલા પાકિસ્તાનને પોતાના અસ્તિત્વ માટે પણ ભારતવિરોધ ચાલુ રાખવો જરૂરી હોય તેમ લાગે છે. મુંબઈ પરના હુમલા પછી તત્કાલિન ભારતીય વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સહિત તમામ વિકલ્પો ખુલ્લા હોવાની વાત કરી હતી. સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન પર દબાણ કરવા કૂટનીતિક પ્રયત્નો આદર્યા હતા, જેના પરિણામે પાકિસ્તાને કેટલાંક આતંકવાદીઓને નજરબંધ કર્યા અને જમાત ઉદ દાવા પર નામ માત્રનો પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે પાકિસ્તાનની પોલ ત્યારે ખૂલી કે જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ ગુપ્તચર સંસ્થાના વડા લેફટનન્ટ જનરલ અહમદ પાશાને ભારત મોકલવા માટે સહમત થયેલી પાકિસ્તાની સરકાર જનરલ અશફાક પરવેઝ કિયાનીના ઈશારે પોતાના વચનમાંથી ફરી ગઈ હતી. પાકિસ્તાની સેનાએ તેમના દેશમાં રહેલા આતંકવાદના તંત્રને ખતમ કરવાની જગ્યાએ ભારતીય સરહદે સૈન્યનો ખડકલો કર્યો છે. અત્યારે ભારતીય સેનાની સાત કોર એટલે કે સાડા ત્રણ લાખ સૈનિકોનો ખડકલો કરાયો છે. તેની સાથે સાથે અફધાન સરહદે અમેરિકી અને નાટો સૈન્ય તથા તાલિબાનો વચ્ચે બફરનું કામ કરી રહેલી પાકિસ્તાની સેનાને પણ ભારત સરહદે ખસેડવામાં આવી હતી. ત્યારે તહેરિકે તાલિબાનના સરગના બૈતુલ્લાહ મહેસૂદે ભારત સામેના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને સાથ આપવાની વાત કરી હતી. જેનાથી આઈએસઆઈ, પાકિસ્તાની સેના અને પાકિસ્તાનના આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી છે.

અત્યારે અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ચાહતું નથી. કારણ કે તેનાથી વોર ઓન ટેરર નબળું પડે તેવી સંભાવના છે. જો કે પાકિસ્તાની સેના પોતાના હિત માટે ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કે યુધ્ધ જેવી પરિસ્થિતિ પેદા થાય તે માટે વ્યૂહાત્મકપણે આગળ વધી રહી છે. પાકિસ્તાની સેનાનો પોતાનો એજન્ડા છે. તેની ઈચ્છા પાકિસ્તાન કે અન્ય આતંકી સંગઠનોનો નાશ કરવાની નથી. કેટલાક સમય પહેલા પાકિસ્તાનને નફરત કરનારી પાકિસ્તાની આવામ અત્યારની પરિસ્થિતિમાં સેનાની પડખે છે. પાકિસ્તાની સેના આ પરિસ્થિતિ જાન્યુઆરી-ફેબ્રુઆરી માસ સુધી ચાલુ રહે તેમ ઈચ્છે છે, કારણ કે તે સમયગાળા દરમિયાન અમેરિકામાં પ્રમુખ પદે બરાક હુસૈન ઓબામાની તાજપોશી થશે. અફધાન અને પાકિસ્તાન સંદર્ભે ઓબામાની નીતિઓનો ખુલાસો થશે. સાથે ભારતમાં લોકસભાની ચૂંટણીનું વાતાવરણ હશે, તેમ છતાં બરાક ઓબામાના વિચારો સ્પષ્ટ છે. તેમણે પાકિસ્તાનને સૈન્ય સહાયતામાં કાપ મૂકવાના સંકેતો આપ્યા છે.

તો બીજી તરફ ભારત સરકારે વિદેશમાં નિયુક્ત રાજદૂતોની બેઠક બોલાવીને પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારતના પક્ષમાં રણનીતિ બનાવી છે. આમ તો કૂટનીતિ વાંછિત પરિણામો મેળવવાનું યોગ્ય હથિયાર છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી યુધ્ધ સિવાયના અન્ય વિકલ્પોથી પરિણામ લાવવાનો પ્રયત્ન સારો છે. અત્યારે ભારતની પ્રાથમિકતા આર્થિક તાકાત બનવાની છે. ત્યારે નવ ટકાના વિકાસદરથી સાત ટકાના વિકાસદરે વૈશ્વિક મંદીના કારણે પહોંચેલા ભારત માટે યુધ્ધ આખરી વિકલ્પ હોય તે વાંછિત છે. જો કે ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ અને વિદેશ મંત્રી પ્રણવ મુખર્જીએ યુધ્ધ સમસ્યાનો ઉકેલ નથી કહીને પાકિસ્તાનને આતંકવાદી તંત્ર ખતમ કરવા કહ્યું છે. તેની સામે પાકિસ્તાની સેના યુધ્ધોન્માદ ફેલાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન બંને દેશોના તણાવ તરફ ખેંચીને મુંબઈકાંડને ગૌણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

24મી ડિસેમ્બરે વડાપ્રધાન મનમોહન સિંહે પાકિસ્તાનના નોન સ્ટેટ એકટર્સને સત્તારૂઢ તત્વો(સેના અને આઈએસઆઈ)નું સમર્થન હોવાનું નિવેદન કર્યુ છે.
યુધ્ધમ્ શરણમ્ ગચ્છામિ, યુધ્ધ એ જ કલ્યાણ, પાર્થને કહો ચડાવે બાણ જેવી ભાષા ભારતીય મિડિયા અને લોકો બોલી રહ્યાં છે. જો કે મુંબઈ પરનો આતંકવાદી હુમલથી ભારતને ઉશ્કેરી પાકિસ્તાની સેના પોતાના હિતો પાર પાડવા માગે છે. ભારતે મુંબઈ કાંડને પાકિસ્તાનના ટ્રેપ(છટકાં) તરીકે જોવો જોઈએ.

યુધ્ધની કહાનીઓ સારી હોય છે. યુધ્ધ નહીં.જો કે આપણી પાસેની મજબૂત સેના થકી આ વિકલ્પ ખુલ્લો છે. તો પરમાણુ શસ્ત્રો સહિતના તમામ વિકલ્પોને પણ પાકિસ્તાન સાથેના યુધ્ધમાં ખુલ્લા રાખવા પડશે. યુધ્ધથી ડરવાની જરૂર નથી, પણ તે પહેલાં તમામ વિકલ્પો અજમાવી લેવા જોઈએ.

પરમાણુ બોમ્બથી વિશ્વને બ્લેકમેઈલ કરવા નીકળેલું પાકિસ્તાન સુધરશે નહિ, તો તેને ખોખરું કરવું પડશે,પણ પાકિસ્તાન ઈચ્છે ત્યારે તેની વ્યૂહરચના પ્રમાણે ભારતે યુધ્ધ જેવા પગલાંથી બચવું જોઈએ. આર્થિકપણે કંગાળ પાકિસ્તાન સામે નિર્ણાયક યુધ્ધ લડવું જોઈએ, પણ તે ભારતની ઈચ્છા પ્રમાણે અને ભારતીય સેનાની વ્યૂહરચના સાથે.

ભારતે હવે અમેરિકા કે અન્ય કોઈ દેશ મદદે આવે તેની આશા રાખવી યોગ્ય નથી કાશ્મીર મુદ્દે સુરક્ષા પરિષદના કટુ અનુભવ પછી પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં જવું કેટલું મદદગાર સાબિત થશે, તે કહેવું મુશ્કેલ છે. ઓબામાના વહીવટી તંત્ર સાથે ભારત સીટીબીટી, પર્યાવરણ, પરમાણુ સામગ્રી પ્રતિબંધ સંધિ મુદ્દે અલગ મત ધરાવે છે.

અંતે...........

યુધ્ધની તૈયારી શાંતિની ખાતરી હોય છે.

કૉંગ્રેસની આગેવાનીમાં યુપીએ સરકારનું જેહાદી આતંકને પ્રોત્સાહન!


દરેક વ્યવસ્થાની એક અવસ્થા હોય છે. આ અવસ્થા આંતરિક અને બાહ્ય પરિસ્થિતિઓના કારણે બદલાતી હોય છે. વ્યવસ્થામાં હંમેશા અનિષ્ટ તત્વો દ્વારા દુર્વયવસ્થા ઉભી થાય છે. જેના કારણે અવ્યવસ્થાથી અંધાધૂંધી સર્જાય છે. આવી અંધાધૂંધીને કારણે વ્યવસ્થા સ્થાયી કે અસ્થાયીપણે પડી ભાંગે છે. આવી સ્થિતિઓને કારણે ઉભી થયેલી પરિસ્થિતિઓમાં અટવાઈને જેના માટે વ્યવસ્થા હતી...છે...કે રહેશે, તેને ચોક્કસપણે નુકસાન થશે. આવા સ્થાયી કે અસ્થાયી નુકસાનનો જવાબ અવ્યવસ્થાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને તેના પરિણામો પરથી જ મળી શકે છે.

ભારત સામેના યુધ્ધોમાં નાલેશીભરી હાર પામેલું પાકિસ્તાન છેલ્લા કેટલાંક સમયથી દેશમાં રહેલી પાંચમી કતારિયાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 1971ની હારનો બદલો લેવા માટે પાકિસ્તા ભારતને આતંકના શેતાન વડે રક્તરંજિત કરવા માટે નાપાક રાજરમતની શતરંજ જમાવીને બેઠું છે. જેના કારણે છેલ્લા દોઢ દાયકા દરમિયાન પાકિસ્તાનને ભારતમાં આતંકની જાળ ફેલાવવામાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આતંકના આકાઓને મોતની સોદાગરીમાં મળેલી સફળતા માટે માત્રને માત્ર પાકિસ્તાનની તાકાત અને વ્યૂહરચના જ જવાબદાર નથી! આતંકના આકાઓને ભારતમાં આતંકની હકૂમત કાયમ કરવા માટે ભારતમાં સત્તા સ્થાને રહેલી દરેક સરકારો વત્તા કે ઓછા પ્રમાણમાં જવાબદાર છે. જો સૂક્ષ્મતાપૂર્વક વિચારીએ તો ભારતના સત્તા સ્થાને રહેલી દરેક સરકારની આતંકવાદ વિરોધી નીતિઓમાં વત્તા કે ઓછા પ્રમાણમાં ખામી રહી છે. આતંકના કારણે તંત્રની વ્યવસ્થાની દુર્ગતિના કારણે ઉભી થયેલી અવ્યવસ્થા અને તેમાંથી સર્જાયેલી અંધાધૂંધીથી દેશની કોઈપણ ભૂતપૂર્વ કે પ્રવર્તમાન સરકાર છટકી શકે તેમ નથી. જો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો આતંકવાદીઓ છાકટા બનીને નિર્દોષ ભારતીયોનાં લોહીની હોળી રમી રહ્યાં છે. તેની સામે દેશની પ્રવર્તમાન યુપીએ સરકાર માત્ર મૂકદર્શક બનીને પોતાની વોટબેંકની રાજનીતિ કરી રહી છે. આતંકના આકાઓને નેસ્તનાબૂદ કરવા માટે હજુ સુધી ભારત પાસે કોઈ રાષ્ટ્રીય નીતિ નથી, તે એક દુર્ભાગ્યની વાત છે.

ડર એ મનુષ્ય સ્વભાવની સ્વાભાવિક અભિવ્યક્તિ છે. કેટલાંક અસાધારણ વ્યક્તિઓના અપવાદોને બાદ કરતાં ડર સૌને લાગે છે, તે એક નક્કર હકીકત છે. ભારત સામે અઘોષિત ઉગ્ર લડાઈ લડી રહેલા આતંકના આકાઓ મનુષ્ય સ્વાભાવની આ સ્વાભાવિકતાનો ઉપયોગ પોતાના રાજકીય, ધાર્મિક, સામાજિક અને કેટલેક અંશે આર્થિક હિતોની પૂર્તિ માટે કરી રહ્યાં છે. આમ તો ડરથી ભાગો તો હાર છે અને ડર સામે જંગે ચડો તો જીત છે. વિકાસપથ પર પૂરઝડપે આગળ વધી રહેલા ભારતની પ્રગતિની ગાડી પાટા પરથી ઉતારવા માટે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતાં વૈશ્વિક અનિષ્ટોની ધરી છેલ્લા દોઢ દાયકાથી ભારત સામે મેદાને પડેલી છે. ભારતમાં ચાલી રહેલા આતંકવાદ પાછળ ચોક્કસ ધાર્મિક વિચારધારના વિકૃતિકરણની પ્રક્રિયાને કારણભૂત માનવામાં આવે છે. તેમ છતાં પ્રવર્તમાન યુપીએ સરકારની નીતિઓ કોઈપણ દેશપ્રેમીને આંચકો આપે તેવી રહી છે. યુપીએની સરકારે પોતાના પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન આતંકવાદના ભોરિંગનો સામનો કરવાની જગ્યાએ તેનાથી ભાગવાની નીતિ અખત્યાર કરીને ભારતીય હિતોને અનેકગણું નુકસાન પહોંચાડયું છે. ઘણી અસ્પષ્ટતાઓ સાથે તકવાદી ગઠબંધન દ્વારા સત્તા પર ડાબેરીઓના ટેકાથી આવેલી યુપીએ સરકાર આતંકવાદના શેતાન સામે તકલાદી સાબિત થઈ છે. આતંકવાદ સામેની પોતાની નીતિઓના કારણે યુપીએ સરકાર વર્ષ 2004થી વિવાદોમાં ટર્મ પૂરી થયા સુધી રહી છે.

યુપીએ સરકારે વિશ્વભરમાં ચોક્કસ ધાર્મિક વિચારધારાના વિકૃતિકરણ સામે શરૂઆતથી જ આંખ આડા કાન કર્યા છે. યુપીએ સરકારે સત્તામાં આવ્યા બાદ તુરંત તેમની પુરોગામી એનડીએ સરકારની આતંકવાદ વિરોધી નીતિઓનું શીર્ષાસન કરાવ્યું છે. એનડીએના સમયમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ અને પ્રોએકટિવ પોલિસી મહ્દઅંશે અખત્યાર થઈ રહી હતી. જો કે તેમ છતાં ચોક્કસ આંતરરાષ્ટ્રીય તત્વોનો પોતાના રાષ્ટ્રીય હિતો માટે ઉપયોગ કરનારા દેશોએ ભારતને લોહીલુહાણ કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું.આ તમામ હકીકતો સામે આંખ આડા કાન કરીને ભારતીય વ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાય તેવા દેશહિત વિરોધી નિર્ણયો યુપીએ સરકારે કર્યા છે.

ચોક્કસ આંતરરાષ્ટ્રીય હિતો ધરાવતા આતંકવાદી સંગઠનોએ પોતાની મહત્વકાંક્ષા અને હિતોની સિધ્ધિ માટે ઈસ્લામની ધાર્મિક વિચારધારનું વિકૃતિકરણ કર્યું છે, જેના કારણે ભારત, ઈરાક, અફઘાનિસ્તાન, યુરોપ, અમેરિકા અને રશિયા આતંકનો ભોગ બન્યા છે કે બની રહ્યાં છે.તેમ છતાં ભારતની યુપીએ સરકાર દેશમાં ચાલી રહેલી આતંકી પ્રવૃતિઓને ઈસ્લામિક આતંકવાદ કહેવા માટે તૈયાર નથી. તેમની માન્યતા એટલી જડ છે કે સામે દેખાતા તથ્યો સ્વીકારવા અને તેના દ્વારા ઉભી થયેલી પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવાની પણ તૈયારી નથી. જો કે હાલ દેશની કમનસીબી છે કે ઈસ્લામના નામે ભારતમાં ચાલી રહેલી કત્લેઆમને કોઈપણ રાષ્ટ્રીય નેતા ઈસ્લામિક આતંવાદ કહેવા માટે તૈયાર નથી.

યુપીએ સરકારે મુસ્લિમ વોટબેંકને તુષ્ટ કરવા માટે 9/11ની ઘટના બાદ ભારતમાં વિદ્યમાન એકમાત્ર આતંકવાદ વિરોધી કાયદા પોટાને દૂર કર્યો હતો. યુપીએએ પોટા રદ કરવાની જાહેરાત તેમના ચૂંટણી ઢંઢેરામાં અને કોમન મિનિમમ પ્રોગ્રામમાં કરી હતી. તેમનું માનવું છે કે આ પ્રકારના તુષ્ટિકરણથી તેઓ તેમના રાજકીય હિતો સિધ્ધ કરવા માટે મુસ્લિમ વોટબેંકને અંકે કરી શકશે.

યુપીએ દ્વારા હંમેશા વૈશ્વિક આતંકવાદની સમસ્યાને રાષ્ટ્રીય રાજકારણ સાથે જોડવાનું મહાપાપ થયું છે. ભારતમાં કેટલાંક કારણોને લીધે કોમવાદ છે અને હુલ્લડો પણ થાય છે. આ હકીકત હોવા છતાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદ અને ભારતમાં કોમવાદ બે અલગ સમસ્યા છે. વૈશ્વિક સ્તરે ફાટીને ધુમાડે ગયેલો ઈસ્લામિક આતંકવાદ એ રાષ્ટ્ર સામેનું યુધ્ધ છે, જ્યારે ભારતમાં કોમવાદ મહ્દઅંશે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. તેમ છતાં યુપીએ સરકાર ઈસ્લામિક આતંકવાદને કાયદો અને વ્યવસ્થા સાથે જોડવાનું મહાપાપ કરી રહી છે. યુપીએના કોંગ્રેસ સહિતના ઘટકદળો સેક્યુલારિઝમના નામે સ્વહિત સિધ્ધ કરવા માટે રાજરમતની ચોપાટ બિછાવીને બેઠાં છે. જેના કારણે સેક્યુલારિઝમ અને માનવાધિકારને નામે ભારતમાં રહેલી પાંચમી કતારિયાના દેશદ્રોહી તત્વોને મોકળું મેદાન મળ્યું છે.

સંસદ પરના હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી અફઝલ ગુરુને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજા આપી હોવા છતાં તેની ફાંસીનો મુદ્દો ઉઠાવાય છે, ત્યારે યુપીએ તરફથી હાસ્યાસ્પદ તર્કો કરવામાં આવે છે, જેમ કે અફઝલ ગુરુ જેવા અન્ય કેટલાંક ગુનેગારોને પણ ફાંસી આપવાની બાકી છે. તેમની સંખ્યા ગણાવાય છે! કોંગ્રેસી નેતાઓ રાજીવ ગાંધીના હત્યાઓને ફાંસી ન અપાઈ હોવાની વાત આગળ કરીને હદ કરે છે. આ સિવાય સંસદ પરના હુમલાના અન્ય એક આરોપી જેએનયુના કાશ્મીરી પ્રોફેસર એસ.એ.આર. ગિલાનીને પૂરાવાના અભાવે સુપ્રિમ કોર્ટ દ્વારા મુક્તિ મળી છે. તેને બચાવવા માટે સેક્યુલારિસ્ટ અને માનવાધિકારવાદીઓની ફૌજે વ્યવસ્થિત દિશા-નિર્દેશ પ્રમાણે કામ કર્યું હતું. જાણે કે યુપીએ સરકારની તેમાં મૂક સહમતિ હોય!

યુપીએની પૂરોગામી સરકારોના શાસનકાળ દરમિયાન આતંકવાદી હુમલાઓ થયા છે. પણ યુપીએના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલો ઈસ્લામિક આતંકવાદ ભારતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. કાશ્મીરથી કેરાળા સુધીના કેટલાંક મુસ્લિમ યુવાનો આતંકવાદી તાલીમ લાઈને આતંકના આકાઓના ઈશારે હિંસાચાર કરી રહ્યાં છે. ઈંગ્લેન્ડના ગ્લાસગો હુમલા કેસમાં ઓસ્ટ્રેલિયામાં ઝડપાયેલા બેંગલુરુના ડૉ. મહોમ્મદ હનીફને કારણે વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને ઉંધ આવતી નથી!ડૉ.હનીફ સંદર્ભે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય આધિકારિકપણે પોતાની ચિંતાઓ પ્રદર્શિત કરે છે! જો કે ડૉ. હનીફ કાયદાની આંટીઘૂંટી અને પૂરાવાના અભાવે આરોપોમાંથી મુક્ત થઈને હાલ ઓસ્ટ્રેલિયામાંજ છે. આ સિવાય ગ્લાસગો હુમલામાં બેંગાલુરુના બે અન્ય યુવાનો સામેલ હોવાને કારણે એક વાત સ્પષ્ટ બની છે કે ભારતના મુસ્લિમ યુવાનોને તેમની ધાર્મિક લાગણીઓ ભડકાવીને ઈસ્લામિક આતંકવાદમાં સામેલ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડ્યંત્ર પૂરજોરમાં ચાલી રહ્યું છે. આ ષડ્યંત્ર રોકવામાં યુપીએ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે, કારણ કે રાજકારણના આટાપાટા રમવા સિવાય યુપીએ સરકાર પાસે કોઈ ઠોસ આતંકવાદ વિરોધી નીતિ જ નથી.

યુપીએ સરકારનો પાંચ વર્ષનો શાસનકાળ નિર્દોષ ભારતીયોના લોહીમાં ડૂબેલો છે. આ લોહીના છાંટાઓથી ખરડાયેલો ચહેરો જોવો માટે યુપીએ સરકાર ક્યારેય તૈયાર થઈ નથી. જોઈએ, યુપીએ સરકારના શાસનકાળમાં બનેલી કેટલીક ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓને..............

(1) 15 ઓગસ્ટ, 2004- આસામમાં વિસ્ફોટો, 16ના મોત
(2) 5 જુલાઈ,2005- અયોધ્યામાં રામજન્મભૂમિ સંકુલ પર લશ્કરે તોઈબાના આતંકવાદીઓનો હુમલો
(3) 29 ઓક્ટોબર, 2005-દિવાળીના બે દિવસ પહેલા રાજધાની નવી દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 70ના મોત
(4) 28 ડિસેમ્બર, 2005- બેંગલુરુમાં આઈઆઈએસસીમાં ફાયરિંગ, એક વૈજ્ઞાનિકનું મોત
(5) 7 માર્ચ, 2006- વારણસીમાં બે બોમ્બ વિસ્ફોટોમાં 21ના મોત
(6) 11 જુલાઈ, 2006-મુંબઈ લોકલ ટ્રેનોમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 200ના મોત
(7) 8 સપ્ટેમ્બર, 2006-માલેગાંવ વિસ્ફોટોમાં 37ના મોત
(8) 18 મે, 2007- હૈદરાબાદની મક્કા મસ્જિદમાં વિસ્ફોટો, 13ના મોત
(9) 25 ઓગસ્ટ, 2007- હૈદરાબાદના લુમ્બિનિ પાર્ક અને ગોકુલચાટમાં વિસ્ફોટો, 42ના મોત
(10) 13 મે, 2008- જયપુરમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 63ના મોત
(11) 25જુલાઈ, 2008-બેંગલુરુમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 2ના મોત
(12) 26 જુલાઈ, 2008- અમદાવાદમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 52ના મોત
(13) 13 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો, 21ના મોત
(14) 27 સપ્ટેમ્બર, 2008-દિલ્હીમાં વિસ્ફોટો, 1નું મોત
(15) 26 નવેમ્બરથી 28 નવેમ્બર, 2008- મુંબઈ પર સમુદ્રમાર્ગે પાકિસ્તાની આતંકવાદીઓનો હુમલો, 173ના મોત


આટલી બધી ઈસ્લામિક આતંકવાદની ઘટનાઓ વચ્ચે હોનહાર ગણાતા યુપીએ સરકારના તત્કાલિન કેન્દ્રીય ગૃહપ્રધાન શિવરાજ પાટિલ બીંબાઢાળ નિવેદનો આપતાં રહ્યાં અને પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાને પણ મુંબઈ હુમલા સુધી ટાળતાં રહ્યાં હતા. અમદાવાદ વિસ્ફોટો બાદ ગુજરાત સરકાર દ્વારા ઝડપાયેલા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, ઓપરેશન બેડમેન હેઠળ દિલ્હી અને મુંબઈ ટાર્ગેટ પર હોવાની માહિતી ખુદ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ અને વડાપ્રધાન મનમોહન સિંહને આપી હતી. તેમ છતાં યુપીએ સરકાર દિલ્હી અને મુંબઈમાં ઉંઘતી ઝડપાઈ હતી. તત્કાલિન ગૃહપ્રધાન શિવરાજ પાટિલ દિલ્હી વિસ્ફોટો સમયે પોતાના કિંમતી વસ્ત્રો બદલીને વિસ્ફોટોના સ્થળોએ આંટાફેરા મારતા નજરે પડયા હતા.

દિલ્હી વિસ્ફોટો બાદ રાજધાનીમાં આવેલા બટલા હાઉસ એન્કાઉન્ટરમાં છુપાયેલા આતંકવાદીઓને ઝબ્બે કરવા દિલ્હી ક્રાઈમબ્રાંચે એન્કાઉન્ટર હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં બહાદૂરીપૂર્વક શહાદત વહોરનારા દિલ્હી ક્રાઈમબ્રાંચના ઈન્સ્પેક્ટર મોહનચંદ શર્માના બલિદાન પર પણ યુપીએના ઘટકદળ સમાજવાદી પાર્ટીએ કિચડ ઉછાળ્યું છે. સમાજવાદી પાર્ટીના મહાસચિવ અમરસિંહ વોટબેંકનું રાજકાણ રમવાનું ભૂલ્યા ન હતા. તેમણે બટલા હાઉસ એન્કાઉન્ટરની સત્યાર્થતા પર પ્રશ્નો ઉભા કરીને તેની તપાસની માગણી પણ કરી હતી! અમરસિંહે એક તરફ શહીદ મોહનચંદ શર્માને 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાની જાહેરાત કરી હતી તો, બીજી તરફ તેમની શહાદતને કલંકિત કરનારા નિવેદનો પણ કર્યા હતા.

દેશભરમાં આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ પ્રતિબંધિત કટ્ટરપંથી સંગઠન સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી) પરથી પ્રતિબંધ હટાવી લેવાના ઉબાડિયા પણ થયા હતા. જો કે અલ્હાબાદ હાઈકોર્ટના સીમી પર પ્રતિબંધ હટાવવાના ચુકાદા સામે કેન્દ્ર સરકારે ભારે રાજકીય દબાણને કારણે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. જેના કારણે પ્રતિબંધ ચાલુ રહ્યો હતો. જો કે આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે મુલાયમસિંહે સીમીને દેશભક્ત સંગઠન પણ ગણાવ્યું હતું, લાલુપ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાન પણ મતોનું રાજકારણ રમવા માટે મેદાને પડયા હતા. લાલુ, મુલાયમ અને રામવિલાસની તિકડીએ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરીને હાસ્યાસ્પદ તર્કો પણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કટ્ટરપંથી સંગઠનમાંથી આતંકવાદી પ્રવૃતિ તરફ વળેલા સીમીને ઈન્ડિયન મુજાહિદ્દીનનું નામ અપાયુ હોવાની સંભાવના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે.

તો બીજી તરફ બટલા હાઉસ એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા આતંકવાદીઓ જામિયા-મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થીઓ હોવાને કારણે દિલ્હીની આ નામાંકિત યુનિવર્સિટીના ઉપકુલપતિએ તેમને કાયદાકીય મદદ આપવાની જાહેરાત કરી હતી. આતંકવાદીઓને અપાનારી આ મદદ સામે રાજકીય ઉહાપોહ થયો હોવા છતાં, તત્કાલીન કેન્દ્રીય માનવ સંશાધાન વિકાસ પ્રધાન અર્જૂન સિંહે કાયદાકીય મદદ આપવાની પેશકશનું સમર્થન કરીને રાજકીય નૈતિકબળના અસ્તાચળની પ્રતિતિ કરાવી હતી.
ઈસ્લામિક આતંકવાદ સામે કામ પાર પાડવા કરતાં યુપીએ સરકાર હંમેશા રાજરમતની ચોપાટ પર સેક્યુલારિઝમના સોંગઠાં રમતી નજરે પડી છે. તેમાંય 29 સપ્ટેમ્બર,2008ના રોજ મોડાસા અને માલેગાંવ વિસ્ફોટો બાદ દોષનો ટોપલો હિંદુવાદી સંગઠનો પર નાખવાનો એક વ્યવસ્થિત પ્રયાસ થઈ રહ્યો છે. આમ કરીને યુપીએ સરકારે પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન આદર્યો છે. બની શકે કે કેટલીક વ્યક્તિઓ આવી પ્રવૃતિમાં સામેલ હોય. જો કે આ પ્રશ્ને કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે સત્ય બહાર આવવાનું બાકી છે. તેથી તે સંદર્ભે અન્ય કોઈ ટિપ્પણી કરવી વ્યાજબી નથી. પણ હિંદુ આતંકવાદ જેવી ભયાનક હિંદુદ્રોહી અવધારણાને ઈજાત કરીને કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે (અ)બૈધ્ધિક આતંકવાદ આદર્યો છે. તેમણે આ ગાણું તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણમાં પણ ચાલુ રાખ્યું હતું. ત્યારે પાયાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે લોકતાંત્રિક અને અહિંસક માર્ગે પોતાની વાત આગળ વધારનારા હિંદુ સમાજ અને તેનું પ્રતિનિધિત્વ કરતાં સંગઠનોને આતંકવાદી કહીને યુપીએ સરકારના જવાબદારો કોને મદદ કરી રહ્યાં છે? આતંકવાદ જેવી ભયાનક માનવવિરોધી અવધારણાને હિંદુ ધર્મ સાથે જોડવાની હિમાકત કરનારા દિગ્ગજો હિંદુદ્રોહી બનીને કોઈ દિગ્વિજય કરી શકશે ખરાં?

આ માલેગાંવ વિસ્ફોટ અને સમજૌતા એક્સપ્રેસકાંડ સંદર્ભે કેટલાંક ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓ સાથે સેવારત સૈન્ય અધિકારી લેફટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને પણ પકડવામાં આવ્યા છે. સમજૌતા એક્સપ્રેસ સંદર્ભેથયેલા નિવેદનોને કારણે પાકિસ્તાનને ભારતીય સેના અને ભારતની શાખ પર હુમલો કરવાનો એક મોકો મળ્યો છે. સાથે મુંબઈ હુમલાની ઘટના બાદ પાકિસ્તાને ભારતને સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ કાંડ સંદર્ભે ગોથે ચડાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. જો કે યુપીએ સરકારની અક્કલ ઠેકાણે આવતા તેમણે આ સંદર્ભે કરાયેલા નિવેદનો પાછા ખેંચ્યા છે. યુપીએ સરકારની નીતિઓના કારણે જ ભારતીય સેના દુનિયાભરમાં બદનામ થઈ છે. તેના માટે યુપીએ સરકારની આતંકવાદ સામેની લચ્ચડ નીતિ અને સ્થાનિક રાજકારણની આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં ભેળસેળ કરવાની બાબત કારણભૂત છે.

સૌથી મોટું આશ્ચર્ય 26/11ના મુંબઈ હુમલાનું છે. કરાંચીથી સમુદ્ર માર્ગે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈ આવ્યા હતા. તેમણે 59 કલાક સુધી મુંબઈને બાનમાં લઈને કાળોકેર વર્તાવ્યો હતો. જેમાં 173લોકોના મોત નીપજ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે 9 માસ પહેલા ભારતીય ગુપ્તચર તંત્રે સમુદ્ર માર્ગે ભારત પર હુમલાની સંભાવના દર્શાવી હતી. તેમ છતાં યુપીએ સરકારે દરિયાઈ સરહદની સુરક્ષાની ઉપેક્ષા કરીને બેજવાબદાર વર્તન કર્યું છે.

મુંબઈ હુમલાની ઘટના બાદ પણ યુપીએ સરકારે પાકિસ્તાન સામે કોઈ કડક પગલાં લીધાં નથી. પાકિસ્તાન સામેની કાર્યવાહી અને આતંકવાદને નાથવામાં અમેરિકા પર આધાર રાખીને ભારતની ધાક ખતમ કરવાનું કામ યુપીએ સરકારે કર્યું છે. પાકિસ્તાન સરકારને આતંકવાદી હુમલામાં પાકિસ્તાનીઓની સામેલગીરીનું ડોઝિયર આપ્યું છે. તેમા દર્શાવેલા પૂરાવાઓ સત્ય છે. પણ પોટાના કાયદાને નાબૂદ કર્યા બાદ તે ડોઝિયરમાં દર્શાવેલા પૂરાવાઓને ભારતીય કોર્ટ માન્ય રાખે તેવી કોઈ જોગવાઈ બચી નથી. આ સંદર્ભે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક ટિપ્પણીઓ પણ કરી છે. તેમ છતાં યુપીએ સરકારે આત્મવિશ્ર્લેષણ કરવાના સ્થાને નરેન્દ્ર મોદી પર અનર્ગલ ટિપ્પણીઓ કરી છે. મુત્સદ્દીપણાંમાં પણ યુપીએ સરકાર નિષ્ફળ નીવડી છે. પાકિસ્તાને ડોઝિયરના જવાબમાં એટલું કબૂલ કર્યું છે કે હુમલામાં પાકિસ્તાની નાગરિકો સામેલ હતા અને આ હુમલાનું ષડ્યંત્ર અન્ય દેશો તેમ જ પાકિસ્તાનમાં પણ ઘડાયું છે. પાકિસ્તાને ભારતને 30 પ્રશ્નોની જાળમાં ભેરવીને લોકસભાની ચૂંટણી જાહેર થાય, ત્યાં સુધી સમય પસાર કર્યો છે.

લોકસભાની ચૂંટણીમાં નુકસાન ન થાય તે હેતુથી યુપીએ સરકારે મુંબઈ હુમલા બાદ કેટલાંક પગલાં જરૂર લીધા છે. યુપીએ સરકારે કેન્દ્રીય ગૃહપ્રધાન શિવારાજ પાટિલને દૂર કરીને તેમના સ્થાને પી. ચિદમ્બરમને જવાબદારી સોંપી હતી. મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહપ્રધાન આર.આર.પાટિલને દૂર પણ કરાયા હતા. સંસદમાં અનલોફુલ એક્ટિવિટી એક્ટ નામના કાયદાને મંજૂર કરાયો છે. જો કે ધણાં નિષ્ણાંતોના મતે આ કાયદો પોટાના કાયદાને ઘણો મળતો આવે છે. ત્યારે પ્રશ્ન થાય કે યુપીએના વોટ ભૂખ્યા નેતાઓને પોટા સામે શુ વાંધો હતો?જો કે યુપીએ સરકારના આ નવા કાયદામાં આતંકવાદીઓને ફાંસીના માંચડે ચઢાવવાની જોગાવાઈઓ નથી જ ! વળી અનલોફુલ એક્ટિવિટી એક્ટની સંસદીય ચર્ચા દરમિયાન કેન્દ્રીય લઘુમતી પ્રધાન એ.આર. અંતુલેએ પણ વિચિત્ર વિધાનો કરીને એટીએસ ચીફ હેમંત કરકરેની શહીદીની તપાસ કરવાની માગણી કરી હતી. આ નિવેદન દ્વારા તેમણે હિંદુવાદી સંગઠનો અને હિંદુ આતંકવાદના મુદ્દાને ઉઠાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એ તો અજમલ આમિર કસાબ નામનો આતંકવાદી ઝડપાયો છે, તો સારું છે. બાકી તો એ.આર.અંતુલેના નિવેદનના પગલે પાકિસ્તાન મુંબઈ હુમલાની જવાબદારીમાંથી છટકી પણ જાત! જો કે અંતુલેના નિવેદન બાદ પાકિસ્તાને મુંબઈ હુમલાની ઘટનામાંથી હાથ ખેંચવાનો પ્રયત્ન કરી જોયો હતો. પણ તેમાં તે સફળ થયું નથી.

ભારતીય લશ્કર આતંકવાદીઓને જવાબ આપવા સક્ષમ હોવા છતાં યુપીએ સરકાર અમેરિકા પર આધાર રાખીને ભારતીય સેનાના મનોબળને તોડવાનું કામ કરી રહી છે. અમેરિકા જ્યારે આતંકવાદ સામેના યુધ્ધમાં ઈરાક અને અફઘાનિસ્તાનમાં ફસાયું છે. ત્યારે યુપીએ સરકારે બુશ વહીવટી તંત્રની વિદાય પહેલાં અમેરિકા સાથે અસૈનિક પરમાણુ સંઘિ કરી છે, જેના કારણે ભારત પ્રત્યક્ષ કે પરોક્ષ પણે અમેરિકાનું વ્યૂહાત્મક સાથી બની ગયું છે. અમેરિકાએ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પરમાણુ કરાર કર્યા હોવાની વાતમાં કોઈ દમ નથી. અમેરિકાએ પોતાના સામરિક હિતોને ધ્યાનમાં રાખીને જ ભારત સાથે પરમાણુ કરાર કર્યો હોવાની સંભાવના વધારે છે. આતંકવાદની જડ પાકિસ્તાન હોવાનું માનવા તરફ અમેરિકા દોરવાઈ રહ્યું છે, ત્યારે આતંકવાદના યુધ્ધમાંથી પાકિસ્તાન ખસી જાય કે પાકિસ્તાન સામે આતંકવાદ વિરુધ્ધ યુધ્ધ જાહેર કરવાનું થાય , તેવી પરિસ્થિતિમાં ભારત એક સબળ વ્યૂહાત્મક સાથી બની શકે, એવી અમેરિકાની ગણતરી હોઈ શકે છે. એટલે કે અમેરિકાએ ભારત સાથે પરમાણુ કરાર કરીને પાણી પહેલા પાળ બાંધી છે.

ત્યારે આતંકવાદ સાથે કોમવાદ અને રાષ્ટ્રીય રાજકારણને ભેળવીને યુપીએ સરકાર ભારતીય હિતોની ઘોર ખોદી રહી છે. ભારતમાં આતંકવાદ માટે યુપીએ સરકારના કેટલાંક જવાબદાર નેતાઓ, બેજવાબદાર નિવેદનો આપીને રામજન્મભૂમિ આંદોલનને બદનામ કરી રહ્યાં છે. યુપીએ સરકારની આતંકવાદ સામેની ઢીલી નીતિઓના પરિણામે ભારત સોફ્ટ સ્ટેટ તરીકે ઓળખાય છે. કેટલાંક નિષ્ણાંતોના મતે ભારત એબસન્ટ સ્ટેટ છે. યુપીએની આતંકવાદ સામેની અસ્પષ્ટ, સંદિગ્ધ અને ટૂંકા સ્વહિત સિધ્ધ્ કરવાની નીતિઓએ દેશને ઘણું નુકસાન પહોંચાડયું છે.

ત્યારે યુપીએ સરકારની કોઈપણ અનુગામી સરકારે આતંકવાદ સામેની લડાઈમાં પ્રોએકટીવ પોલિસી બનાવવી પડશે. આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની રાષ્ટ્રીય નીતિ ભારતની એક જરૂરત છે. દેશની પાંચમી કતારિયા અને વિદેશી તાકાતોને આતંકવાદનું સામ્રાજ્ય જમાવતા અને વિસ્તારતા અટકાવવા માટે રાષ્ટ્રહિતમાં તમામ રાજકીય પક્ષો પોતાનું રાજકારણ અને રાજકીય હિતોને બાજુમાં મૂકે, તે આવશ્યક છે. હવે મોત અને આતંકના સોદાગરોને જમીનમાં દાટવાનો સમય પાકી ગયો છે. દેશના લોકોની પણ ઈચ્છા છે કે આતંકવાદના શેતાનને નેસ્તનાબૂદ કરવામાં આવે..

(લેખ પ્રકાશન- યુપીએ સરકાર અને લઘુમતી તુષ્ટિકરણની નીતિઓ, સંપાદક-પુરુજીત સૈયદ, પ્રકાશન વર્ષ-એપ્રિલ,2009)

શુક્રવાર, 27 મે, 2011

ભારતમાં વિકાસ હશે, પણ શાંતિ-સુરક્ષા ક્યાં?


જેને વિકાસની દોડ ગણવામાં આવે છે, તે હકીકતમાં વિનાશની દોડ સાબિત થઈ રહી છે. વિશ્વ આખામાં વિકાસની વાત થઈ રહી છે. પણ જેને અત્યારે વિકાસ ગણવામાં આવી રહ્યો છે. તે હકીકતમાં એ વિકાસ છે કે જેને વિકાસ ગણવામાં આવે છે, તે વિકાસના માપદંડો પર પુનર્વિચારની આવશ્યકતા છે કે કેમ તે વિચારવાનો સમય આવી ગયો છે? વર્ષો પહેલા રશિયાના થયેલી પરમાણુ દુર્ઘટના, ભારતમાં ભોપાલનો ગેસ કાંડ અને હાલમાં મેક્સિકોની ખાડીમાં થઈ રહેલો ક્રૂડ ઓઈલનો રિસાવ તેના ઉદાહરણો છે. આગની સાથે રમવા માટે આગની જેટલી નજીક જવામાં આવશે તેટલું આગ દઝાડશે.

હાલના વિકાસના માપદંડોનો વિચાર કરીએ વિશ્વના તમામ દેશો ધન-દોલત પાછળ દોડી રહ્યાં છે. તેમની દોડ અમીર બનવાની છે. વૈશ્વિક સલાહકાર ફર્મ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપના 10મા વાર્ષિક વૈશ્વિક સંપત્તિ રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે 2009થી 2014ના અંત સુધી સંપત્તિ બનાવવાના મામલામાં ભારત અને ચીનનો વૃદ્ધિ દર અન્ય દેશોની સરખામણીએ ત્રણ ગણી રહેશે. 2009માં વૈશ્વિક સંપત્તિઓ ઉલ્લેખનીય 11.5 ટકાના વધારા સાથે 1,11,500 અબજ ડોલર પર પહોંચી ગઈ છે.

આટલી બધી અધધ સંપત્તિ છતાં વિશ્વમાં ગરીબી, ભૂખમરી, આતંકવાદ, અશાંતિ જેવી ઘણી સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે સવાલ એ છે કે આમ કેમ થઈ રહ્યું છે? તેના કારણો ઘણાં છે. પરંતુ સૌથી મોટું કારણ છે કે આ સંપત્તિનો મોટો ભાગ અમેરીકા સહીતના વિકસિત દેશો પાસે છે. આ વિકસિત દેશો પોતાના દેશના પર્યાવરણનું સારી રીતે ધ્યાન રાખે છે. પોતાના દેશનું પર્યાવરણ કોઈપણ રીતે બાધિત ન બને તેના માટે ગ્લોબલ વોર્મિંગ જેવા સંમેલનોમાં ભારત અને ચીન જેવા દેશો પર કાર્બન એમિશન મુદ્દે દબાણ પણ લાવે છે. પોતાના દેશમાં પ્રતિબંધિત હોય તેવા ઉત્પાદનો તેઓ અન્ય વિકાસશીલ કે અવિકસિત દેશોમાં કંપની નાખીને કરે છે.

વિશ્વમાં ગ્લોબલ પીસ ઈન્ડેક્સ પ્રમાણે, 149 દેશોમાં ભારતનો ક્રમ 128મો આવે છે. ગત વર્ષે તેનો ક્રમ 122મા ક્રમે હતું અને 2007માં ભારત શાંતિની બાબતમાં 109મા ક્રમે હતું. આમ ભારત આતંકવાદ, નક્સલવાદ અને અન્ય જીવન સામેના જોખમોને કારણે શાંતિથી અશાંતિ તરફ ગતિ કરી રહ્યું હોવાની વાત આ ગ્લોબલ પીસ ઈન્ડેક્સ કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિકસ અને પીસ (આઇઇપી) દ્વારા વિશ્વના ૧૪૯ દેશોમાં આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સંઘર્ષ, ત્રાસવાદ અને માનવ અધિકારોનો ભંગ આઇઇપી દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકનના મુખ્ય પરબિળો હોવાનું જણાવવામાં આવ્યું છે. જીપીઆઇના ચોથા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સતત બીજા વર્ષે વિશ્વમાં શાંતિ ઘટી ગઇ છે. આપણા પડોશી દેશ પાકિસ્તાન શાંતિની બાબતમાં સૌથી અશાંત રહ્યો છે. તેનો ક્રમ 145મો છે.

ત્યારે સવાલ એ છે કે 8થી 9 ટકાના વૃદ્ધિદરથી વિકાસ કરી રહેલા ભારતમાં વિકાસ એટલે કે દેશની સંપત્તિ વધી રહી છે. પરંતુ અશાંતિ વધી રહી છે. ત્યારે દેશમાં આવા વિકાસની બાબતમાં વિચારવું ન જોઈએ કે જેમાં દેશના નાગરીકોને શાંતિ ન મળતી હોય, તેમના જીવનની કોઈ સુરક્ષા ન થઈ હોય ભોપાલ ગેસ કાંડ જેવી ઘટનાઓના ચુકાદા પણ આવી સ્થિતિમાં પીડિતોને દાઝયા પર ડામ દેવાનું કામ કરી રહ્યો છે. ઔદ્યોગિકરણની શરૂઆતના વર્ષોમાં જ ભારતમાં અમેરીકી કંપની યૂનિયન કાર્બાઈડ આવી હતી. ભોપાલ ગેસ દુર્ઘટનાના લગભગ પાંચ-સાત વર્ષ બાદ રાજકીય કટોકટી અને આર્થિક કટોકટી જોઈ હતી. આર્થિક કટોકટી સામે ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણની નીતિ અપનાવી હતી.

નરસિંહરાવના શાસનકાળ દરમિયાન તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહની ગ્રાન્ડ ડિઝાઈન હેઠળ જ ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ તરફ આગળ વધવાનું નક્કી કર્યું હતું. જેના કારણે ભારતમાં અમેરીકા સહીતના દેશોનું વિદેશી રોકાણ વધવા લાગ્યું હતું. ભારતમાં ઔદ્યોગિકરણે પણ વેગ પકડયો હતો. પાણીથી પરમાણુ સુધીના તમામ ક્ષેત્રોમાં ભારતે હરણફાળ ભરવાની શરૂ કરી દીધી છે. તેવામાં ભોપાલ ગેસ દુર્ઘટનાને કોલ્ડ બોક્સમાં નાખી દેવાય હોય તેવી સંભાવના વધારે છે. કારણ કે જે પ્રકારે ચુકાદાને આવતા 25 વર્ષ લાગ્યા અને જે પ્રકારે અત્યારે એન્ડરસનને ભગાડવામાં અમેરીકી દબાણ અને એન્ડરસનના પ્રત્યાર્પણ મામલે સીબીઆઈની ઢીલી નીતિઓની વાત સામે આવે છે, તે તમામ બાબતો કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.

જો ભારતે ઉદારીકરણ અને વૈશ્વિકરણ સ્વીકાર્યું તેના થોડા સમયમાં જ ભોપાલ ગેસ દુર્ઘટના સંદર્ભે ભારત સરકારે કોઈ કડક વલણ અપનાવ્યું હોત તો જે આઠથી નવ ટકાના વિકાસદરની ગણતરી સરકાર કરી રહી છે. તે થવી કેટલી સંભવ હતી તે તો આકલનનો જ વિષય છે! ત્યારે વિકાસની પરિભાષા અને વિકાસ તરફના દ્રષ્ટિકોણને પણ પુનર્વિચાર કરવાની જરૂર ઉભી થઈ છે. આ સંદર્ભે વિચાર કરવાની અત્યારે આવશ્યકતા છે. કારણ કે ભારતે સમૃદ્ધિ તરફ, વિકાસ તરફ જરૂરથી આગળ વધવું પડશે. ત્યારે સવાલ એ છે કે દેશના નાગરીકોના જીવનના ભોગે તો ભારતને ધન-દોલતના રાહ પર લઈ જવા માટે એટલે કે વિકાસના રસ્તે લઈ જવા માટે દેશના કર્ણધારોએ કોઈ સમજૂતી પરિસ્થિતિ સાથે કે અન્ય દેશ સાથે તો નથી કરી લીધી ને? વળી તેવો હજી પણ આ નીતિને વળગી તો નથી રહ્યાં ને? તે તમામ બાબતોના ખુલાસા દેશની જનતા સામે થવા જરૂરી છે.

પણ તે પણ આપણે યાદ રાખવું પડશે કે માત્ર વૃદ્ધિદરના ગણિતમાં સમાયેલા વિકાસની કોખમાં વિનાશને પણ ગળે લાગાડીને ચાલી રહ્યાં છીએ. જ્યારે અમેરીકા સાથે અસૈનિક પરમાણુ કરાર કરીને પરમાણુ ઊર્જા મેળવવા માટે આપણે ડગ ભરતા હોઈએ ત્યારે ભારતમાં નાગરીકોના જીવનની સુરક્ષા માટે પણ સરકાર સતર્ક બને અને કોઈ જવાબદાર પગલા ભરે તે જરૂરી છે. નાગરીકોના જીવન સામે આતંકવાદ, નક્સલવાદ, બોમ્બ વિસ્ફોટો અને આવી દુર્ઘટનાઓનું જોખમ ઓછું થાય તેવા એક્શન પ્લાન સાથે સરકારે હવે સામે આવવાનો વખત આવી ગયો છે.

ભારતના ભાગલાથી દ.એશિયામાં અસ્થિરતા આવી


દક્ષિણ એશિયાની પરિસ્થિતિ છેલ્લી ઘણી શતાબ્દિઓથી વિકટ છે. તેમા વૈશ્વિક શક્તિઓની ક્ષેત્રીય શક્તિઓની અવગણના કરીને હસ્તક્ષેપ કરવાની લગભગ બે શતાબ્દિ જૂની વૃતિથી અહીં પરિસ્થિતિ વધારે વિકટ બની છે. જે વિચારધારા સામે અમેરીકા અફઘાનિસ્તાનમાં અત્યારે આતંકવાદના નામે યુદ્ધ કરી રહ્યું છે. તે વિચારધારા એટલે કે ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદમાંથી જન્મેલી આતંકવાદની વિચારધારા કે જેનું તાલિબાન નામ હોય કે કોઈ સંસ્કૃતિ ભંજક સુલતાનના નામે હોય, આ દક્ષિણ એશિયાના ક્ષેત્રને છેલ્લા એક હજાર વર્ષથી અસ્થિર કરવામાં બહુ મોટો અને મુખ્ય ભાગ ભજવ્યો છે. ઈસ્લામિક કટ્ટરપંથ અને અંતિમવાદની વિચારધારાએ પોતાના સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વલણથી અફધાનિસ્તાનથી લઈને 1947 પહેલાના અખંડ ભારતના વિસ્તારોને ખરાબ રીતે સદીઓ સુધી રંજાડયા હતા.

જ્યારે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓના વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ સામે રાજપૂત, મરાઠા, જાટ અને શીખ રાજ્યોએ સંઘર્ષ કરવાનો શરૂ કર્યો હતો, મરાઠાઓ કટકથી અટક સુધી ભગવો ઝંડો લહેરાવી ચૂક્યા હતા. ભારત સહીત સમગ્ર દક્ષિણ એશિયામાં આધિપત્યની આ લડાઈમાં સંતુલન સ્થપાતું જતું હતું. તેવામાં મહારાજા રણજીતસિંહના નેતૃત્વમાં થયેલી શીખ સામ્રાજ્યની સ્થાપના પણ દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવામાં ઘણો મોટો ભાગ ભજવી રહી હતી.

દિલ્હીમાંથી અફઘાન અને તુર્ક આધિપત્ય સમાપ્ત થવાની અણિ પર હતું અથવા તો તે પ્રભાવ ઓસરી રહ્યો હતો. તેવા સમયે જ અખંડ ભારતનો મોટો ભાગ બ્રિટિશરોની સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વૃતિનો શિકાર બન્યો હતો. તેમણે ક્ષેત્રમાં ઈસ્લામિક કટ્ટરતાવાદને પડખામાં લીધો અને તેમના ઝનૂનને કારણે જ દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં ફરીથી સંતુલનો અસંતુલિત બનવા લાગ્યા હતા. બ્રિટિશરો જ્યારે ભારત છોડીને ચાલ્યા ગયા ત્યારે તેમણે ભારતને એકછત્ર શક્તિ સ્વરૂપે અખંડ ન રાખ્યું. પણ ભારતના ભાગલા કરીને પાકિસ્તાનનું નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાનના નિર્માણ બાદ ત્યાં સત્તા સ્થાને મોટાભાગે લશ્કરી શાસકો જ રહ્યાં છે. આ લશ્કરી શાસકો હંમેશા ઈસ્લામિક કટ્ટરતાને કારણે ભારતનો રાજકીય અને ધાર્મિક વિરોધ કરતાં રહ્યાં છે. જનરલ ઝિયા ઉલ હક જેવા પાકિસ્તાની શાસકે પાકિસ્તાનમાં મદરસાઓ અને ઈસ્લામિક ઝનૂનવાદને છૂટોદોર આપ્યો હતો. 1971ના યુદ્ધમાં હાર ખાધા બાદ પાકિસ્તાનમાં સત્તા પર આવનારા ઝિયા ઉલ હકે ભારતને ઈસ્લામિક આતંકવાદના શેતાન દ્વારા દંશવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઈસ્લામિક આતંકવાદ જ છે કે જેણે ભારતની સંસદ, અક્ષરધામ, રધુનાથ મંદિર, સૈન્યના કેમ્પો, મુંબઈ હુમલા અને અનેક સ્થાનો પર વિસ્ફોટો કરીને સેંકડો જીંદગીઓને મોતને ઘાટ ઉતારી છે. પાકિસ્તાની ધરતી પર 1947 બાદ પાકિસ્તાનના લશ્કરી શાસકોની મદદથી પ્રભાવી બનેલા ઈસ્લામિક અંતિમવાદે આ રાહ પર સદીઓ સુધી ચાલેલા અફઘાનિસ્તાનને પણ પોતાના ભરડામાં લીધું.

કાશ્મીરમાં તથાકથિત આઝાદીની લડાઈ માટે આવતા વિદેશી આતંકવાદીઓમાં ઘણો મોટો હિસ્સો અફઘાની આતંકવાદીઓનો પણ હોય છે. છેલ્લા કેટલાંક સમયથી આ આતંકવાદીઓને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને તેની સાથે લાગેલા અફઘાનિસ્તાનના વિસ્તારોમાં પણ આતંકવાદી પ્રવૃતિઓ માટેની તાલીમ મળે છે. પાકિસ્તાન અન અફઘાનિસ્તાન સરહદે 40થી વધારે આતંકવાદી કેમ્પો ચાલતા હોવાની વાત રશિયન રાજનયિક કરી ચૂક્યા છે. અત્રે સર્વવિદિત છે કે ઈસ્લામિક કટ્ટરપંથના અફીણથી પેદા થયેલા ઈસ્લામિક આતંકવાદનો પાકિસ્તાની શાસકો ભારત સામે રાજકીય અને સામરીક હિતો પાર પાડવા માટે લગભગ અઢી દાયકાથી ઉપયોગ કરી રહ્યાં છે.

લગભગ હજાર વર્ષથી ઈસ્લામિક ક્ટ્ટરપંથની સામ્રાજ્યવાદી, વિસ્તારવાદી અને આતંકવાદી પ્રવૃતિઓ અને આવા વિચારોનો ભોગ બની રહેલા ભારત તરફ અમેરીકાનું કે વિશ્વની અન્ય કોઈ સત્તાનું ધ્યાન નથી. અફઘાનિસ્તાનના તાલિબાનોને ઉખાડી ફેંકવા માટે અમેરીકા ત્યારે જ તૈયાર થયું કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ આતંકવાદી હુમલો થયો. આતંકવાદના આગે જ્યારે અમેરીકાને દઝાડયું ત્યારે જ અમેરીકા અફઘાનિસ્તાનમાં લડવા માટે પોતાનું અને નાટોનું સૈન્ય ઉતારવા માટે રાજી થયું હતું. મુંબઈ હુમલામાં અમેરીકી અને વિદેશી નાગરીકો માર્યા ગયા તેને કારણે અમેરીકાએ દેખાડવા માટે પાકિસ્તાન માટે કઠોર નિવેદનો કર્યા છે અને ભારત સાથે સામરીક સહયોગ વધારવાની ગતિવિધિઓ આદરી છે. જો કે અમેરીકાએ પાકિસ્તાનને અપાતી સૈન્ય સહાયમાં કોઈ કાપ મૂક્યો નથી. તેના કારણે એક વાત સ્પષ્ટ બને છે કે અમેરીકાનું હાથી જેવું છે, તેના દેખાડવાના દાંત બીજા છે અને ચાવવાના દાંત બીજા છે.

દક્ષિણ એશિયાની હાલની સ્થિતિ સમજવી હોય તો બીજા વિશ્વયુ્દ્ધ પછીની બે મહાશક્તિ અમેરીકા અને સોવિયત સંઘ વચ્ચે શરૂ થયેલા કોલ્ડ વોરને સમજવું પડે તેમ છે. આ કોલ્ડ વોરના આધારે અમેરીકાએ દક્ષિણ એશિયામાં પોતાની જીતના સામરીક ગણિતના કોયડાના તાળા મેળવવાના શરૂ કર્યા હતા. અમેરીકા મૂડીવાદી વિચારસરણી સાથે દુનિયાભરમાં પૈસા કમાવવા અને પ્રભુત્વ જમાવવાનું વલણ વર્ષોથી ધરાવે છે. તેની સામે તત્કાલિન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ અમેરીકાની મૂડીવાદી વિચારધારાને અને તેના પ્રભુત્વને પડકાર ફેંકતું હતું. સોવિયત રશિયાએ ગૂટ નિરપેક્ષ ભારત સાથે સંધિ કરીને તેને પોતાનું સામરીક સહયોગી બનાવ્યું હતું. જો કે ભારતની ઘોષિત વિદેશ નીતિ ગૂટનિરપેક્ષતાને વરેલી જ હતી. પરંતુ સોવિયત સંઘે હંમેશા સામરીક બાબતોમાં ભારતની મદદ કરી છે અને ભારતે હંમેશા સોવિયત સંઘનો સાથ આપ્યો હતો. આ એક મોટું કારણ છે કે જેણે ભારત અને અમેરીકાના સંબંધોમાં ઘણું મોટું અંતર ઉભું કર્યું હતું.

તેની સામે અમેરીકાએ ઘોર ભારત વિરોધી પાકિસ્તાનને પોતાના પડખામાં લીધું હતું અને હજી પણ અમેરીકાના ટુકડાં પર જ પાકિસ્તાન જીવી રહ્યું છે. આમ તો પાકિસ્તાનનો રશિયા અને ચીનમાં ઉભા થયેલા કમ્યુનિઝમના પ્રભાવને ખાળવા માટે ઉપયોગ થવાનો હતો. પરંતુ ચીને અમેરીકા સામે તે સમયે સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું હતું. તેના કારણે ચીન અને અમેરીકા વચ્ચે તે વખતે કોઈ ઘર્ષણ ઉભું થયું ન હતું. જ્યારે સોવિયત સંઘે મધ્યએશિયા અને ખાડી દેશો સુધી પોતાનો પ્રભાવ વધાર્યો હતો. અફઘાનિસ્તાનમાં સોવિયત રશિયાનું લશ્કર એક દાયકાથી વધારે સમય સુધી રહ્યું હતું. અમેરીકાને પણ ખાડી દેશોના ક્રૂડ ઓઈલ અને મધ્ય એશિયા પર પ્રભુત્વ જમાવવું હતું. તેના માટે અફઘાનિસ્તાનમાંથી સોવિયત રશિયાને વિદાય આપવા માટે તેણે પાકિસ્તાનની મદદથી અફઘાનિસ્તાનમાં મુજાહિદ્દીનોને સોવિયત રશિયાના લશ્કર સામે ખૂબ શસ્ત્રો અને નાણાં સાથે ભીડાવી દીધા હતા. સોવિયત સંઘ તે સમયે પોતાના દેશની આતંરીક પરિસ્થિતિને કારણે ઘણી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. તેના કારણે 1990-91માં રશિયન સેનાઓએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

આ ઘટનાક્રમના કારણે દક્ષિણ એશિયાના આ વિસ્તારમાં એક શૂન્યાવકાશની સ્થિતિ પેદા થઈ હતી. તેવામાં સોવિયત સંઘ તૂટી પડયું અને તેના કારણે મધ્ય એશિયા અને દક્ષિણ એશિયા સુધીની સરહદો ધરાવતા સોવિયત સંઘના પતનને કારણે એક રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં સોવિયત રશિયાના તૂટી પડવાથી અમેરીકાને પણ હવે આ ક્ષેત્રમાં ઓછો રસ અને ઓછા પડકારો હતા.

ત્યારે દક્ષિણ એશિયાના સૌથી લાંબો સમય સુધી અશાંત રહેતા વિસ્તાર અફઘાનિસ્તાનમાં પાકિસ્તાના સંપૂર્ણ દોરી સંચાર નીચે તાલિબાન તરીકે ઓળખાતા ઈસ્લામિક સુન્ની કટ્ટરપંથી અને અંતિમવાદીઓએ સત્તાના સૂત્રો હસ્તગત કર્યા હતા. હવે અહીં પરિસ્થિતિ જોવા જેવી થઈ હતી. શૂન્યાવકાશ પછી સોવિયત રશિયાનું સ્થાન ઈસ્લામિક અંતિમવાદીઓએ લીધું અને ઈસ્લામિક અંતિમવાદીઓએ અમેરીકાના હિતોને નુકસાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી હતી.

તેનાથી અમેરીકા ચિંતિત તો હતું, પરંતુ તેની આંખ ત્યારે ખુલી કે જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9-11નો ભીષણ હુમલો થયો હતો. આ ઘટના બાદ જ અમેરીકાના ક્ષેત્રમાં વિશેષ હિતોના રક્ષણ માટેની ચિંતા વધુ ઘેરી બની હતી. તેના કારણે અમેરીકા અને નાટોએ સૈન્ય અફઘાનિસ્તાનમાં ઉતાર્યું છે. તાલિબાનો તો અફઘાનિસ્તાનમાંથી પદભ્રષ્ટ થયા છે, પણ હજી તેમનો પ્રભાવ અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારમાં કાયમ છે. અમેરીકા આ ક્ષેત્રને રાજકીય અને સામરીક શૂન્યાવકાશની સ્થિતિમાં ખાલી કરવાની ભૂલ કરશે, તો તેવી પરિસ્થિતિમાં ઈસ્લામિક અંતિમવાદીઓ ફરીથી અહીં તે શૂન્યાવકાશ ભરી દેશે અને વિશ્વ અને માનવતા માટે ખતરારૂપ બની જશે.

અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું મોટું કારણ ઈસ્લામિક અંતિમવાદી, સામ્રાજ્યવાદી અને વિસ્તારવાદી વિચારધારા છે કે જે અત્યારે આતંકવાદના સ્વરૂપે ક્ષેત્ર અને વિશ્વને રંજાડવા માટે સંકલ્પબદ્ધ છે. તેવી પરિસ્થિતિમાં બીજી વાત એ પણ સ્પષ્ટ બને છે કે ભારતનું વિભાજન કરીને બ્રિટિશરોએ ઈસ્લામિક અંતિમવાદ અને આતંકવાદને છૂટોદોર આપ્યો છે. જેના પાકિસ્તાન દ્વારા ભરપૂર રાજકીય ઉપયોગ થાય છે. તેનું સૌથી વધારે મોટું શિકાર ભારત બન્યું છે અને બની રહ્યું છે.

એટલે કે ભારત વિભાજન દક્ષિણ એશિયામાં અસ્થિરતા માટેનું સૌથી મોટું કારણ છે. ત્યારે ભારતને દક્ષિણ એશિયામાં સ્થિરતા લાવવા માટે કોઈ મહત્વની ભૂમિકામાં અમેરીકા સાથે લેશે કે કેમ તે પણ હજી સ્પષ્ટ બનતું નથી. તેના કારણે અમેરીકાનું દક્ષિણ એશિયામાં સામરીક ગણિત વધારે જટિલ લાગે છે.

અત્રે એક વાત સ્પષ્ટ બની છે કે જો ભારતનું વિભાજન ન થયું હોત અને અખંડ સ્વરૂપમાં ભારત અસ્તિત્વમાં હોત અને અહીં સેક્યુલર બંધારણ સાથેની સરકાર હોત તો ઈસ્લામિક કટ્ટરપંથીઓને આતંકવાદ અને અંતિમવાદ સુધીનો છૂટ્ટોદોર મળ્યો ન હોત. અખંડ ભારત ચીન સામે પણ શક્તિસંતુલન સાધી શકવાની સ્થિતિમાં હોત. અથવા તો પરિસ્થિતિને બીજી રીતે જોવામાં આવે તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ ઈસ્લામિક કટ્ટરપંથ અને આતંકવાદ માટે ઓક્સિજનનું કામ કરી રહ્યું છે.

1947ની પરિસ્થિતિ પ્રમાણે કદાચ વૈશ્વિક શક્તિઓને અખંડ ભારતની સંભવિત તાકાતનો ડર લાગ્યો હોઈ શકે. તેવા સંજોગોમાં તેમણે પોતાના સામરીક અને વૈશ્વિક રાજકીય હીતોને ધ્યાનમાં રાખીને ભારતના વિભાજનનો કારસો ઘડયો હોઈ શકે. ત્યારે તેવી પરિસ્થિતિમાં ધર્મના આધારે સેક્યુલર ભારત સામે અસ્તિત્વમાં આવેલા ઈસ્લામિક પાકિસ્તાનના કટ્ટરપંથીઓ ક્ષેત્રમાં અસ્થિરતા માટે સૌથી વધારે કારણભૂત સાબિત થઈ રહ્યાં છે. આમ હાલની દક્ષિણ એશિયાની અસ્થિરતા માટે ભારત વિભાજન સૌથી મોટું અને મુખ્ય કારણ છે. હાલ પાકિસ્તાનની સ્ટેટ મશીનરી સાથે આ કટ્ટરપંથીઓ એવી રીતે મળી ગયા છે કે તેમને જુદા પાડવા પણ અશક્ય થઈ રહ્યાં છે.

ત્યારે પાકિસ્તાનમાંથી કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો હાસિયામાં ધકેલાય તો દક્ષિણ એશિયામાં હવે સ્થિરતા અને શાંતિની પુનર્સ્થાપના થઈ શકે તેમ છે. આ તમામ કવાયતમાં અમેરીકા સહીતના દેશોએ પાકિસ્તાનનો સેક્યુલર ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભારત વિરોધથી શરૂ થયેલી ક્ષેત્રીય અસ્થિરતા અત્યારે વિશ્વને ડરાવી રહી છે.

વિવેકાનંદના વિચારોથી ભ્રષ્ટાચારના ભોરિંગને નાથો


ભારત આજે ભ્રષ્ટાચારના કાદવમાં ખૂપી ગયું છે. તાજેતરમાં ઘણાં ગોટાળાઓ સામે આવ્યા છે. આ ગોટાળા રાજકારણીઓ અને ઉદ્યોગોની મિલીભગતથી થયા છે. તેમાં 1.72 લાખ કરોડ રૂપિયાનું 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ, અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું મનાતું કોમનવેલ્થ ગેમ્સનો ગોટાળો, આદર્શ હાઉસિંગ સોસાયટીનો કડદો, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં જમીનના ગોટાળા, રેડ્ડી બંધુઓનું માઈનિંગ કૌભાંડ અને અન્ય સામે ન આવ્યા હોય તેવા ગોટાળા તો સામે આવે તો જ ખબર પડે. માનવામાં આવે છે કે ભારતના 70000 લાખ કરોડ રૂપિયા સ્વિઝ બેંકોમાં છે. આ કાળા નાણાંને ભારતમાં લાવવાનો મુદ્દો ગત લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યો હતો. આ મુદ્દો હજી પણ ચાલુ છે. પરંતુ આ તમામ ભ્રષ્ટાચારની સમસ્યામાંથી નીકળવાનો માર્ગ યુગપુરષ સ્વામી વિવેકાનંદના વિચારદર્શનમાં છે. જરૂર છે, માત્ર તેને જાણવાની અને જાણીને સમજવાની. યોગાનુયોગ આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ પણ છે. સ્વામી વિવેકાનંદના ઉત્કૃષ્ટ વિચારો ભ્રષ્ટાચારના ભોરિંગની ફેણ કચડવા માટે મદદરૂપ બની શકે તેમ છે.

મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે

રાષ્ટ્ર ઉત્થાન, રાષ્ટ્રસાધના એ આપણાં પ્રત્યેકના જીવનનું લક્ષ્ય બનવું આવશ્યક છે. જેનાથી રાષ્ટ્ર ઉન્નતિ તરફ આગળ વધશે. પણ કોઈપણ કાર્યની સાધના તેના સાધન પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે વ્યક્તિ આદર્શથી એટલો વશીભૂત બની જાય છે કે તેની પ્રાપ્તિના સાધનોનો વિચાર તેની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ જાય છે. સ્વામી વિવેકાનંદ ત્યારે રાષ્ટ્ર સાધનામાં રત સાધકોને રસ્તો બતાવતા કહે છે કે ‘જ્યારે કોઈ અસફળતા મળે છે, ત્યારે તેમાની 99 ટકા ઘટનાઓમાં માત્ર એક જ નિષ્કર્ષ નીકળશે કે સાધનો તરફ ધ્યાન ન અપાયું તે અસફળતાનું કારણ છે. તેથી જો સાધન બિલકુલ યોગ્ય હશે, તો સાધ્ય પ્રાપ્ત થઈને રહે છે. કારણ જ પરિણામનું જનક હોય છે. પરિણામ કોઈ પોતાની મેળે નહીં નીકળે. એક વખત જો આદર્શોને લગભગ ભૂલી પણ જઈએ તો કોઈ હર્જ નથી, કારણ કે સાધનોની પૂર્ણતાની સાથે તેની સિદ્ધિ અપરિહાર્ય છે. આદર્શની પ્રાપ્તિ પરિણામ માત્ર છે. સાધન તેનું કારણ છે. તેથી સાધનોની ચિંતા જ રાષ્ટ્ર જીવનની સફળતાની કુંજી છે.’ આ સાધનોના સ્વરૂપે તેમણે ધર્મ અને આધ્યાત્મિક ચિંતનધારાને પ્રગટ કરી, જેનાથી જનસાધારણને સંગઠિત કરવામાં સહાયતા પ્રાપ્ત થઈ.

સ્વામી વિવેકાનંદે મનુષ્ય નિર્માણ માટે આહ્વાન કર્યું છે, જેનાથી સમાજમાં મત વિભિન્નતા, પોંગાપંથી, અજ્ઞાન, જાતિભેદ, ઈર્ષા હોવા છતાં સામાજીક પુનરોત્થાન થશે અને રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થશે. આ જ આધારે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ‘દીર્ઘ રાત્રિ હવે સમાપ્ત થઈ હોય તેમ લાગે છે.’ સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજને આહ્વાન કરતાં પોતાની ‘સંન્યાસીના ગીત’ કવિતામાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતાનો ઉદઘોષ કરતાં કહ્યું છે કે-

‘તોડો સબ શ્રૃંખલા, ઉન્હેં નિજ જીવન બંધન જાન,
હો ઉજ્જવલ કાંચન કે અથવા ક્ષુદ્ર ધાતુ કે મ્લાન
પ્રેમ, ધૃણા, સદ-અસદ, સભી યે દ્વંદ્વો કે સંધાના
દાસ સદા હી દાસ, સમાદ્રત્ત વા તાડિત-પરતંત્ર
સ્વર્ણ નિગડ હોને સે ક્યાં વે સુદ્રઢ ન બંધન યંત્ર?
અત: ઉન્હેં સંન્યાસી તોડો, છિન્ન કરો, ગા યહ મંત્ર’


ભારતના અમૃતપુત્રોને સ્વામી વિવેકાનંદનો સંદેશ અને માર્ગદર્શન

સંસારનો ઈતિહાસ સાક્ષી છે કે પરિવર્તન દુરાગ્રહપૂર્ણ સુધારાઓથી આવી શકતું નથી. બુરાઈ વિરુદ્ધ સંઘર્ષ માટે સ્વામી વિવેકાનંદે દર્શાવેલો રસ્તો વધારે આત્મનિષ્ઠ લાગે છે. તેમણે ભારતના સમાજની બુરાઈઓ સામે લડવા માટે રસ્તો સૂચવતા જણાવ્યું છે કે ‘હે મારા ભારતવાસીઓ! હે અમૃત પુત્રો! તમારું આ રાષ્ટ્રીય વહાણ યુગોથી સભ્યતાઓને ધારણ કરી રહ્યું છે અને પોતાના અમૂલ્ય રત્નો સંપૂર્ણ વિશ્વના કોષમાં ભરતું રહ્યું છે. સેંકડો શાનદાર શતાબ્દિઓથી આપણું આ રાષ્ટ્રીય જળયાન જીવનસાગરની આરપાર ચક્કર લગાવી રહ્યું છે અને અગણિત આત્માઓને સાંસારિક દુ:ખોથી દૂર, પેલે પાર લઈ ગયું છે. પરંતુ આઝે ભલે તમારી પોતાની ભૂલોથી, ચાહે કોઈ અન્ય કારણથી ક્ષતિગ્રસ્ત થઈ ગયું, થશે અથવા તેમાં એકાદ છેદ થઈ ગયો અને તમે બધાં તેમાં બેઠાં છો, તો શું કરશો? શું તમે તેને કોસતા રહી અને આપસમાં ઝગડતા રહેશો? શું તમે બધાં એકતાના સૂત્રમાં ગુંથાઈને આ છિદ્રને બંધ કરવાનો પ્રયત્ન નહીં કરો? આઓ, આમ કરવા માટે આપણે આપણાં હ્રદય આપીએ, આપણાં રક્ત આપીએ અને જો આપણે આપણાં પ્રયત્નોમાં અસફળ રહીએ તો સાથે ડૂબી જઈએ.’

આપણા રાષ્ટ્રીય વહાણના છિદ્રને ભરવા માટે ‘હું આત્મા છું, મને તલવાર કાપી નહીં શકે, શસ્ત્ર છેદી નહીં શકે, અગ્નિ બાળી નહીં શકે, વાયુ શોષી નહીં શકે, હું સર્વશક્તિમાન છું, હું સર્વદર્શી છું’ વેદાંતના આ દર્શનથી પ્રત્યેકના જીવનમાં આધ્યાત્મિકતાથી પ્રેરણા જગાડી શકાશે. આ આત્મ વિશ્વાસથી ભારતના દરેક વ્યક્તિનું નિર્માણ કરવું તે જ રાષ્ટ્રસાધના છે. આ આત્મવિશ્વાસ જગાડવાની ક્રિયા જ હકીકતમાં રાષ્ટ્રોત્થાન છે. આ આત્મવિશ્વાસથી છલરકતો દરેકે દરેક ભારતીય શક્તિશાળી, સુદ્રઢ, ભ્રષ્ટાચાર અને અન્ય બદીથી મુક્ત રાષ્ટ્રનું પુનર્નિમાણ કરી શકશે. ભારતનું પુનરોત્થાન ભારતની વિખરાયેલી આધ્યાત્મિક શક્તિઓના એકીકરણથી જ શક્ય બનશે. સમાન આધ્યાત્મિક સ્વરના સ્પંદનો ધરાવતાં હ્રદયવાળા લોકોના સંગઠનથી ભારતએ ખરા અર્થમાં ભારત બની શકશે.

ભારતના યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે માનવસેવા એ જ પ્રભુસેવા હોવાનું જણાવ્યું છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને કહ્યું છે કે ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યો’. તેઓ ઈચ્છતા હતા કે ભારતનો યુવાન મંદિરોની જગ્યાએ ફૂટબોલના મેદાનમાં પરસેવો પાડી પોતાના યૌવનને ઝંકૃત કરે. તેઓ યુવાનોને ભારતના પુનરોત્થાન માટેનું કારણ માનતા હતા. તેમણે ભારતના યુવાનોમાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રનિર્માણનું સ્વપ્ન જોયું હતું. જો કે અફસોસ એ વાતનો છે કે વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની વાત કરવામાં આવી રહી છે, છતાં હજીપણ રાષ્ટ્રની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી.

સ્વામી વિવેકાનંદે ધાર્મિક પરંપરાઓને એક એવી સંયુક્ત પરંપરા ગણાવી છે કે જેમાં શંકરનો નિર્ગુણ નિરપેક્ષતાવાદ, રામાનુજનો ભક્તિવાદ અને ભગવાન બુદ્ધનો માનવતાવાદ ઓતપ્રોત થઈ ગયા છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મને વહેમ અને લાગણીવેડાથી મુક્ત કરીને શુદ્ધ કરવામાં આવે તથા તર્ક અને વિજ્ઞાનને તેમની આક્રમણકારી કઠોરતાથી મુક્ત કરવામાં આવે તો, જરૂર એક સૈમ્ય અને સંતોષકારક જીવનદ્રષ્ટિ ઉત્પન્ન કરી શકાય. તેમણે ભારતને ચેતવણી આપી છે કે ‘રીત-રીવાજ અને અંધશ્રદ્ધાવાળી રૂઢ પ્રાણાલિકાઓ પર ચણાયેલો ધર્મ એ ‘ધર્મનો વિક્રય કરતી દુકાન’ બની જાય છે, તેમાં ઈશ્વર એ સાધ્ય નહીં પણ સાધન બની રહે છે.’

તેમણે પશ્ચિમની સભ્યતા માટે ભવિષ્યવાણી કરી છે કે ‘જો આધ્યાત્મનો પાયો નહીં હોય, તો આખીય પશ્ચિમી સભ્યતા ધરાશાહી થઈ જશે. માનવજાત પર તલવારના જોરે શાસન કરવું તદ્દન નિરર્થક છે.’

સ્વામી વિવેકાનંદનો ઉપદેશ હંમેશા યુવાનોને પ્રેરણા આપતો રહ્યો છે. તેમના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહ્યોનો જયઘોષ યુવાનોને ઉત્સાહથી ભરપૂર બનાવે છે. વિવેકાનંદનો ઉપદેશ વ્યવહારીક, માનવકેન્દ્રી અને સક્રિય પુરુષાર્થ સભર છે. ગીતામાં નિર્દિષ્ટ ‘નિષ્કામ કર્મ’ ઉપર તેઓ હંમેશા ભાર મૂકતા હતા. હિંદુ ધર્મની શ્રેષ્ઠતાનો વિશ્વભરમાં ડંકો વગાડનારા સ્વામી વિવેકાનંદનું જીવન અને તેમના વિચારો ભારતના યુવાનોને તેમનામાં વ્યક્તિત્વ નિર્માણ કરીને રાષ્ટ્રને પરમ વૈભવે પહોંચાડવાના કાર્યમાં સતત માર્ગદર્શન અને પ્રેરણા આપશે.

તમારો અભિપ્રાય

સ્વામી વિવેકાનંદના વિચારો પ્રમાણે મનુષ્ય નિર્માણથી રાષ્ટ્રમાં નવચેતનાનો સંચાર થાય છે. ભારતની હાલની ભ્રષ્ટાચાર સહીતની અન્ય સમસ્યાઓનું મૂળ મનુષ્ય નિર્માણ કરવા માટેના મૂલ્યોનો હ્રાસ તો નથી ને? વિચાર માંગી લે તેઓ વિષય છે. કારણ કે મૂલ્યો, નૈતિકતા, સદાચાર, વિશ્વાસ, આત્મસમ્માન, માનવતા વગરે દ્વારા જ તો મનુષ્યનું નિર્માણ થાય છે. પરંતુ ભારતની હાલની વ્યવસ્થા આ પ્રકારે મૂલ્યો અને નૈતિકતા સહીતના મનુષ્ય નિર્માણમાં નિષ્ફળ જવાને કારણે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર, દ્વેષ, હિંસાચાર, આતંકવાદ જેવી સમસ્યાનું કારણ બની રહી છે. ત્યારે સમય છે કે સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી કોઈ માર્ગદર્શન મેળવવામાં આવે. વાચક મિત્રો નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્ષમાં આપના વિચારો, અભિપ્રાયો અને મંતવ્યો લખીને સબમિટ કરો. દુનિયાભરના વાચકો સાથે સંવાદનો પ્રારંભ કરો......